એકદા નૈમિષારણ્યે/પંખી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પંખી

સુરેશ જોષી

ઓરડામાંનો અરીસો બહારના સૂર્યના કર્કશ ઘોંઘાટનો પડઘો પાડતો હતો. પવન પંખીઓની બીડેલી પાંખ વચ્ચે લપાઈ ગયો હતો. મૃગજળની છાલક ઘરની અંદર પણ જાણે વાગ્યા કરતી હતી. બીજી જ ક્ષણે બાષ્પ બનીને સૌરમંડળમાં ખોવાઈ જવાની હોય તેમ પૃથ્વી સ્તબ્ધ બની ગઈ હતી. સમયનો પારો કોણ જાણે ક્યાં ઢોળાઈ ગયો હતો. એકવચન અને બહુવચનનો ભેદ ભુંસાઈ ગયો હતો. આ નિસ્તબ્ધતામાં એકાએક કશો અવાજ સંભળાયો. એ નિ:શ્વાસ હતો કે ફુત્કાર? એ તરફ મેં ધ્યાન જ ન આપ્યું હોત પણ એ અવાજ અવિરત ચાલુ રહ્યો. એ અદૃશ્ય અવાજ વધુ ને વધુ નજીક આવતો જતો ચાલ્યો. આ અશરીરી અવાજને શોધવો ક્યાં? એ કોઈ અન્ય નક્ષત્રચારીનો અવાજ હશે?

સૂર્ય મ્લાન થતો લાગ્યો. કશાકનો પડછાયો વિસ્તરતો જતો હોય એવું લાગ્યું. એ કોઈ અન્ય પરિમાણનું સત્ય હશે? મારા ઘર સાથે ઊંચકાઈને હું કોઈ બીજા જ લોકમાં તો નથી ફેંકાઈ ગયો ને? બહાર ભયભીત દૃષ્ટિએ નજર કરી તો બધું બદલાઈ ગયેલું લાગ્યું. ઘર પાસેનો પરિચિત લીમડો તોતિંગ આકાર ધારણ કરીને ઊભો હતો. બારીની પાળ પર ચાલતી કીડીની આંખો મણકા જેવી મારી સામે તાકી રહી હતી.

ત્યાં એકાએક કશાકની ઝાપટ વાગી અને મારી આંખો બંધ થઈ ગઈ. થોડી વાર તો જાણે હું સાવ ભાન ખોઈ બેઠો. પછી આંખો ખોલીને જોયું તો બારી આખી કોઈ આકારથી ઢંકાઈ ગઈ હતી. ઘરમાં આજ સુધી નહીં જોયેલો એવો વિચિત્ર પ્રકારનો અન્ધકાર છવાઈ ગયો હતો. ખરું જોતાં એને અન્ધકાર નહીં કહેવાય, ધુમ્મસ પણ નહીં કહેવાય. બધું દેખાતું હતું, પણ પદાર્થોના પર કોઈએ મેલા રંગનું પોતું ફેરવી દીધું હોય એવું લાગતું હતું.

બારીમાંનો એ આકાર ધબકતો હતો. મેં નજર ઠેરવીને જોયું તો બે પગના પંજા દેખાયા. આંકડાની જેમ વાળેલા પાંચ તીક્ષ્ણ નખ દેખાતા હતા. એ બિલકુલ સ્થિર હતા. મારી દૃષ્ટિ હું એના પરથી ખસેડી શકતો નહોતો. ચારે તરફ બીજા કશાનો અણસાર સુધ્ધાં વર્તાતો નહોતો. જાણે આખી પૃથ્વી પર એ આકાર અને હું જ માત્ર રહી ગયા હતા. મંજુ નહીં તો રોજ મને કાંઈનું કાંઈ પૂછીને પજવતી હોય, પવનથી બારી અથડાતી હોય, ક્યાંક સરાણિયાની સરાણ ફરવાનો અવાજ આવતો હોય, બરફના ગોળાવાળાની ઘંટડી સંભળાતી હોય. પણ આ તો અરીસો સુધ્ધાં અલોપ થઈ ગયો હોય તેમ લાગતું હતું.

ત્યાં મેં જોયું તો બધું ખરતું લાગ્યું. ધરતીકમ્પથી મકાન ભોંયભેગું થાય અને ઈંટ ચૂનો ખર્યા કરે તેમ બધું એમાં ઢંકાઈ જતું લાગ્યું. જાણે આખું આકાશ રજ રજ થઈને ખરતું હતું. મણકા જેવી આંખોવાળી લાલ તગતગતી કીડીઓ એકએક કણ લઈને હારબંધ ચાલી જતી હતી. ઘડીભરમાં હું આ કીડીઓથી ઘેરાઈ જઈશ એવું મને લાગ્યું. ત્યાં પેલો આકાર સહેજ ખસ્યો. એના ખસવાની ઝાપટ વાગવાથી કીડીઓ જાણે એક ફૂંકે ક્યાંની ક્યાં ફેંકાઈ ગઈ. હું પણ ક્યાંક ફંગોળાઈ ગયો. મને મારી આજુબાજુ દીવાલો દેખાતી નહોતી. પણ થોડેક દૂર કશુંક તગતગતું દેખાતું હતું. એ શું હશે તે હું એકદમ કળી શક્યો નહીં. પછી નજર સ્થિર કરીને જોયું તો એ કોઈકની આંખ હતી. એ આંખની આજુબાજુ લાલ કિનારનું વર્તુળ હતું. એ આંખ થોડી થોડી વારે ફરકતી હતી. સમયનું માપ જાણે એ આંખના પલકારાથી જ નીકળતું હતું. એ આંખથી દૂર ક્યાંક સરી જવું જોઈએ એવું મને થયું. હું સહેજ હાલ્યો કે તરત જ પંજો હાલ્યો અને ઊંચો થયો. હું ફરી જાણે જમીનમાં જડાઈ ગયો.

હજી મારી આંખની પાંપણ હું ઉઘાડબંધ કરી શકતો હતો. આ ભયથી બચવાનો એક જ ઉપાય હતો. મેં આંખ બંધ કરી દીધી. ઝાંખી થઈ ગયેલી એક છબિને નજર સામે જોઈ એ બહુ દૂર હતી. પણ હતી તો એ જ, હું લગભગ બોલી ઊઠવા ગયો – પદ્મા! એણે જાણે એ ન બોલાયેલો સાદ સાંભળ્યો હોય તેમ એની આંખો મને શોધવા લાગી. અમારી વચ્ચે કેટલું અન્તર હતું તે મને સમજાતું નહોતું. મેં એની તરફ ડગલું ભરવાનો પ્રયત્ન કર્યો. પગ જાણે રેતીના ઢગલામાં દટાઈ ગયા હતા. ડગલું ભરવા છતાં પગ ત્યાંના ત્યાં જ પડતા હતા. પદ્માના હોઠ હાલતા હતા. એ કશુંક કહી રહી હતી. અમારી વચ્ચે તો કેટલાય માણસોનું ટોળું હતું. આથી ઘણી વાર દૃષ્ટિનો દોર તૂટી જતો હતો. પદ્મા, મેં નહોતું કહ્યું કે મારી આંગળીમાં ગૂંથેલી તારી આંગળી છોડીશ નહીં. જો એવું થશે તો વિખૂટા પડી જઈશું. પણ પદ્મા, તારી હઠ –

હું ડગલાં ભર્યે જ ગયો અને મારો શ્વાસ ખૂટવા લાગ્યો. જો સહેજ ઊભો રહી જઈશ તો પદ્મા ખૂબ દૂર નીકળી જશે ને પછી તો સાવ ખોવાઈ જ જશે એ વિચારે હું શ્વાસ લેવા થંભ્યો નહીં. ત્યાં પદ્માના મુખ પર સ્મિતની ચમક દેખાઈ. એણે મને ઓળખી કાઢ્યો હશે ને તેથી જ એ રાજી થઈ હશે એમ મેં માન્યું. પણ એ તો એકાએક ઊભી રહી ગઈ. મેં હાથ લંબાવ્યો ને ત્યારે જ મને ખબર પડી કે એનો હાથ એક બીજા હાથમાં જઈ પડ્યો. પછી એણે પીઠ કરીને વિરુદ્ધ દિશામાં ચાલવા માંડ્યું. એની સાથે કોઈક હતું. મારા પગ થંભી ગયા. રેતી જાણે મને ગળી જવા લાગી. મેં ન છૂટકે આંખો ખોલી. ઘડીભર તો મેં પદ્માની આંખોને જ મારી સામે જોઈ, એનો હાથ જ મારી તરફ લંબાયેલો હોય એવું મને લાગ્યું. એથી કાંઈક વિશ્વસ્ત બનીને હું આગળ વધવા ગયો ને બધી ભ્રાન્તિ સરી પડી. પેલી રાતી કિનારવાળી આંખે પલકારો માર્યો, દિશાઓ હાલી ઊઠી. પદ્મા ક્યાંક હસતી હતી. એના હાસ્યનો રણકાર ચારે બાજુ ગાજી ઊઠતો હતો. વચ્ચે વચ્ચે એ કાંઈક બોલતી હતી, પણ એ શબ્દો તરત જ એના હાસ્યના રણકારમાં ખોવાઈ જતા હતા.

ઘડીભર હું બધું ભૂલી ગયો. પદ્માને જોઉં છું, પણ નથી હોઠ, નથી નાક, નથી કપાળ. નરી બે આંખો. એ બે આંખો સરી પડે છે, એની પાછળ બીજી બે આંખો – આંખો રેલાઈ જાય છે ચારે બાજુ. હું મારા હાથથી એને ઢાંકી દેવા જાઉં છું. ત્યાં ફરી પદ્માનું હાસ્ય રણકી ઊઠે છે. એ છેક કાન પાસે આવીને બોલી ઊઠે છે: એમ હું હાથ નહીં આવું. એ ‘નહીં આવું’ ‘નહીં આવું’ના પડછંદા મારા કાનમાં ગાજી ઊઠે છે. એ પડછંદાની જ બની છે હવા, એ પડછંદાનું જ બન્યું છે આકાશ.

એકાએક પેલો આકાર લઘુકાય બનીને મારી પાસે સરે છે. પંખી જેવી એની ચાંચ છે, વાઘ જેવા એના નખ છે. આંખો રાતા અંગારા જેવી તગતગે છે. મારી છાતી પર એ બેઠું છે. મારા એકએક શ્વાસને ચાંચમાં લઈને ચણે છે. જીવનભરના મારા બધે વેરાયેલા શ્વાસ એની ચાંચ આબાદ ઝડપી લે છે. પદ્મા, તું જે ઉષ્ણ નિ:શ્વાસથી દાઝીને ભાગી ગઈ હતી તે પણ એની ચાંચમાં ઝડપાઈ ગયો છે. હું જાણે વજન વગરનો થતો જાઉં છું. મને ઊડી જતો રોકી રાખવા એણે એનો પંજો મારા પર દાબી રાખ્યો છે. ક્યાંક ઊંડે ઊંડે એની ચાંચ કશુંક શોધી રહી છે. મારી પદ્માકાર ચેતનાનો તણખો એની ચાંચમાં પકડાતો નથી. એ તણખો મારી આંખમાં લપાઈ ગયો છે.

ઘર તો આખું ભરાઈ ગયું છે. રાજેન્દ્ર સિગાર ફૂંકતો બેઠો છે. માલા શરબત પીતાં પીતાં અશોક સામે જોઈ રહી છે, લીલા માલાને કશુંક કહી રહી છે પણ માલાનું એ તરફ ધ્યાન નથી. કોઈક મને ઉદ્દેશીને બોલી રહ્યું છે અને ક્યાંક બેઠા બેઠા હું એનો જવાબ આપું છું તેય મને સંભળાય છે. મને લાગે છે કે પદ્મા પણ આટલામાં જ ક્યાંક હશે. એને શોધતો જ હતો ત્યાં બારણું ખૂલે છે ને પદ્મા આવે છે, મીઠું હસે છે. ‘સોરી ફોર બીઇંગ લેઇટ.’ વાતો ચાલે છે, રંગબેરંગી ફુગ્ગા ઊડે છે. હાંડીઝુમ્મર હાલે છે. દીવાલ પર એની ભાત નાચે છે. ત્યાં પદ્મા એની મીઠી હલકથી ગાય છે. ક્યાંક બેઠેલા મને પૂછે છે; ‘ગીત ગમ્યું?’ હું મારો અવાજ સાંભળું છું ને એ અવાજને આધારે મને શોધવા મથું છું. પણ ક્યાં છે મારી આંખો……

પંખીની ચાંચ હવે મારી આંખને ખોતરે છે, પણ એ તો જાણે આંખોનો ઊંડો સાગર. એક આંખ ચૂગે અને વળી બીજી આંખ ફૂટે, એની છીપમાં ત્રીજી આંખ. છીપ ખૂલે, આંખ ઊઘડે, ચાંચ ચૂગે…… માલાના હાથમાંનું શરબત ઢોળાય, લીલાની જીભ દાંતથી ચવાઈ જાય, અશોકના હોઠ સિગારેટથી દાઝે, ક્યાંક મારી ઊધરસનો અવાજ હું સાંભળું, પણ પદ્માકાર ચેતનાનો તણખો લઈને મારી આંખ ભાગે, સૂરજનાં વન વીંધીને ભાગે, બ્રહ્માના પ્રહરને થંભાવીને ભાગે……