એકાંકી નાટકો/પિયો ગોરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પિયો ગોરી

પ્રવેશાનુક્રમે પાત્રો : સ્ટેશન માસ્ટર, નગરશેઠ, કવિરાજ, ફોજદાર, સુશીલ, કાળિયો માળી, મેનેજર, ડાયરેક્ટર, ડોરકીપર.

દૃશ્ય : રંગભૂમિની એક પાંખ દૃશ્યમાન. જમણે રંગભૂમિના પડદાઓની ત્રણ કોર; અને ડાબે નટશાળામાં જવા માટે ઊતરવાનાં પગથિયાં. પાછળનાં બારણાંમાં થઈને નેપથ્યમાં જવાય છે. નેપથ્યદ્વારની બરાબર મધ્યમાં ઊંચે ઘડિયાળ ટિંગાય છે. પડદો ચડે છે ત્યારે કલાકનો કાંટો નવ અને દશની વચ્ચે, અને મિનિટનો કાંટો દશની ઉપર દેખાય છે. એક નાનકડા ગોળ ટેબલની અરતીફરતી નેતરની ખુરશીઓ પડી છે. ટેબલ ઉપર લાંબા કુલ્સકેપ કાગળ ઉપર લખેલી આજે ભજવાનાર ‘પ્રણવીર પ્રતાપ’ નાટકની હસ્તપ્રતને દાબીને પિત્તળની એક મોટી ટેકરી પડી છે. લાકડાની રકાબીમાં પાનસોપારીની સામગ્રી અને દેશી બીડીઓ વેરણછેરણ છે. દૂર ભીંતને અઢેલીને એક જરીપુરાણો બાંકડો ગોઠવવામાં આવ્યો છે. કવિરાજ, નગરશેઠ ફોજદાર, સ્ટેશન માસ્તર, અને કવિરાજના જમાઈ સુશીલ ખુરશીઓમાં ગોઠવાયા છે. પાછળના બાંકડા ઉપર કાળિયો માળી શાહનશાહ અકબરશાહના ‘ડ્રેશ’માં એક નખિયા બીડી પીતો બેઠો છે. ડાબી તરફનાં પગથિયાં ચડી આવી એક છોકરો ટેબલ પરની ટોકરી ઉપાડી વગાડતો વગાડતો ચાલ્યો જાય છે. એ જ વખતે રંગભૂમિ ઉપર વીજળીની બત્તીઓમાંની કેટલીક હોલાય છે. નાટકશાળામાંથી આવતો ગણગણાટ ઓછો થાય છે.) સ્ટેશન માસ્તર : બીજી ટકોરી? નગરશેઠ : ના-રે-ના! પે’લી. (ખુરશી ઉપર પલોંઠી વાળે છે.) કવિરાજ : હાઉસ કેવોક થયો છે ? ફોજદાર : પીટ ભરાઈ ગયો છે. ઓરચેસ્ટ્રામાંય ઘણું આવી ગયાં છે. બાકી બધું ખાલીખમ! નગરશેઠ : ઓરચેસ્ટ્રાવાળાં બ...દ્ધાંય મફતિયાં. આમાં નાટક કંપની શું ચાલે? જવા દ્યો ને : કાંઈ નથી એમાં! સ્ટેશન માસ્તર : આ તો ખુદાબખશીયું ગામ છે. ખિસ્સામાંથી કોઈ દોઢિયું ન કાઢે દોઢિયું. ફોજદાર : સા-આ-વ મફતિયું. એટલે તો મેં દશ પાસના પાંચ કરી નાખ્યા. કવિરાજ : હા, બીજું શું થાય? સ્ટેશન માસ્તર : મેંય તે ગુડ્ઝક્લાર્ક અને સાંધાવાળાના પાસે બંધ કરાવ્યા. નગરશેઠ : આ પરમ દિની જ વાત. મારો ભાણેજ આવ્યો ને કે’ કે નાટક જોવા જવું છે. — ફુલાભાઈ ઉપર ચિઠ્ઠી લખી દ્યો. મેં ખિસ્સામાંથી ચાર આના કાઠી કહ્યું : ‘‘લે ભાઈ, પીટમાં બેસીને જોઈ આવેલું. બાકી એક ચિઠ્ઠીબિઠ્ઠી ન મળે!’’ લ્યો હવે માનશો તમે? નહિ તો ફુલાભાઈની કંપની એટલે આપણા ઘરની કંપની કે’વાવ. પણ જ્યાં આખું ગામ જ ભિખારડું ત્યાં આપણાથી તે કેટલું કે’વાય? જવા દ્યો ને : કાંઈ નથી એમાં! (કડિયામાંથી પતરાની એક લાંબી ડાબલી કાઢી હથેળીમાં તંબાકુ અને ચૂનો કેળવે છે.) કવિરાજ : પણ હજી મેનેજર કેમ ન આવ્યા? અંદર ગયા છે. તે બહાર જ નીકળતા નથી. ઊંઘી તો નહિ ગયા હોય ને? સુશીલ : (કવિરાજનો જમાઈ સુશીલ આછું મલકી નીચે જોઈ જાય છે) કાળિયો માળી : (બાંકડા ઉપર બીડીનો તણખો ઘસી નાખી આગળ આવે છે.) અંદર કાંઈક ગોટાળો છે. નગરશેઠ : વળી શું છે? કાળિયો માળી : કોને ખબર? પણ ડાયરેક્ટર ઉતાવળા ઉતાવળા આવી એમને બોલાવી ગયા. કવિરાજ : (ગાવા લાગે છે) જગતની સર્વ શેરીમાં દિસે છે ગજબ ગોટાળો સુશીલ : (આછું મલકી નીચે જોઈ જાય છે.) ફોજદાર : કયા નાટકનું, કવિરાજ? કવિરાજ : ‘પ્રમત્ત પ્રમદા!’ સ્ટેશન માસ્તર : વાહ! કેવું સુંદર નામ છે! નગરશેઠ : કવિરાજને સુંદર નામોનો ઘણો શોખ છે. કવિરાજ : ખરું કહ્યું. મરહૂમ મહારાજા સાહેબનો પણ એવો મત હતો. પણ હવેના રાજાઓ... નગરશેઠ : (ઉપાડી લઈ) જવા દો ને : કાંઈ નથી એમાં! (તમાકુ નીચલા હોઠ અને દાંતની વચ્ચે ચડાવે છે.) સ્ટેશન માસ્તર : કવિરાજના છોકરાંઓનાં નામ પણ એક જુઓ અને એક ભૂલો, હો નગરશેઠ. કવિરાજ : તમે તો એની વાત કરો છો. પણ લ્યો આ અમારા સુશીલ. પહેલાં એમનું નામ હતું શંકરપ્રસાદ. મને ન ગમ્યું. દીકરીનું નામ સુશીલા એટલે એમનું પાડ્યું સુશીલ. એમ નામ બદલાવવામાં તે કોઈ ના પાડે છે? સુશીલ : (આછું મલકી નીચે જોઈ જાય છે.) નગરશેઠ : વાહ! કવિરાજ : અને માનશો? મને નામ ઉપરથી જ નાટકો સ્ફુરે છે. લ્યો હવે આ સુશીલા અને સુશીલનું યુગ્મ ‘સુશીલાસુશીલ’ કે ‘સુશીલસુશીલા’ એ નક્કી થયું કે એક નવું નાટક! સુશીલ : (આછું મલકી નીચે જોઈ જાય છે.) મેનેજર : (બબડતા બબડતા જ નેપથ્યદ્વારમાંથી પ્રવેશ કરે છે. પાછળ ડાયરેક્ટર છે.) બધા ગધેડા જ ભેગા થયા છે. દિવસરાત લાતાલાતી. બીજો ધંધો જ નથી સૂઝતો. કવિરાજ : (ગાવા લાગે છે :) તું ગધેડી, હું ગધેડો; કરશું લાતાલાત! ‘મયુરમેનકા’ના કોમિકમાંથી, નગરશેઠ. નગરશેઠ : શું કો’ છો! (અદબ વાળે છે.) મેનેજર : (ખુરશીમાં બેસતાં) ડાયરેક્ટર, જરા બહાર જોઈ આવો તો. ન્યાયાધીશ સાહેબની ખુરશી નાખી છે કે નહિ? એક કરવા જાઉં ત્યાં બીજું રહી જાય. મારે તે કાંઈ ઓછી ઉપાધિ છે? (ડાયરેક્ટર જાય છે.) ફોજદાર : પણ આ બધું છે શું? જરા શાંત તો થાવ. કવિરાજ : (ગાવા લાગે છે) શાંત શાંત થા સજની નાર! મેનેજર : (આંખ ફાડી કવિરાજ સામે જોવે છે.) કવિરાજ : ‘અમૃતાંજન’માંથી, સાહેબ! સુશીલ : (આછું મલકી નીચે જોઈ જાય છે.) મેનેજર : તમે જ બધાના મૂળમાં છો, કવિરાજ! કવિરાજ : (ગાવા લાગે છે.) ન દોષિત માનશો મુજને, બિનાનાં મૂળ ઊંડાં છે. ‘દૂષિત દારા’માંથી, ફુલાભાઈ. પણ કહો તો, હું જ બધાના મૂળમાં કેવી રીતે? મેનેજર : મગનો અને છગનો બૈરી માટે બાઝ્યા. તમે જાણતા હશો કે એ બન્ને ભાઈઓ છે, અને એમની ઉપર આપણી કંપનીનો આધાર છે! નગરશેઠે : હા....આ! મેનેજર : માંડ માંડ બન્નેને પાઠ કરવા સમજાવ્યા. પણ....(મૂંઝાયા દેખાય છે.) કવિરાજ : તો હવે શું છે! આમ વાત વાતમાં ગભરાઈ શું જાવ છો? મેનેજર : ભાઈ, તમે ન સમજો. વળી બન્ને ભાઈઓ આજે ભાઈ-ભાઈનો પાઠ કરવાના છે. નગરશેઠ : હા...આ....આ...! કવિરાજ : મગનો મહારાણો પ્રતાપ : અને છગનો શક્તિસિંહ! કેમ એમ જ ને? મેનેજર : અને પાછું બન્નેનું દ્વંદ્વયુદ્ધ! મારી તો છાતી ધડકે છે. ફોજદાર : પણ એમાં તમારી છાતી શું કામ ઘડકે? મેનેજર : (કંટાળાથી) ભાઈ, તમે એ ન સમજો. લડતાં લડતો કોઈ સાચેસાચ ભાલો ભોંકી દે તો? સ્ટેશન માસ્તર : હા... હા....હા....હા.....(હસી પડે છે.) તમેય તે કોમિક કરો છો! ફોજદાર : તે લાકડાના ભાલા આપો ને! આવાં જ કારણોથી અમે તમને હથિયાર વાપરવાની પરવાનગી નથી આપતા. કવિરાજ : પણ સાહેબ, આ તો નાટક છે નાટક. એ કેમ ભૂલી જાવ છો? મેનેજર  : ભાઈ, તમે એ ન સમજો. મૂકો ને માથાફોડ. આવો જ એક પ્રસંગ પહેલાં પણ બની ગયો છે. સ્ટેશન માસ્તર : (સૂડી વતી સોપારી કાતરતા) કેવો? મેનેજર : આવો જ! સ્ટેશન માસ્તર: હં...હં...હં... આવો જ! ફોજદાર : પેલા રજ્જુ-કેસની વાત કરતા લાગો છો. મેનેજર : ના ભાઈ, ના. તમને એની ન ખબર પડે. એ વખતે તો તમે હવાલદારેય નહોતા, ફોજબર સાહેબ! નગરશેઠ : હા....આ...આ! (ખુરશી તાણીને નજીક આવે છે.) સ્ટેશન માસ્તર : કેટલા વખત પરની વાત છે! કદાચ હું જાણતો હોઈશ. (નજીક જાય છે.) મેનેજર : ના રે ભાઈ, ના. આ વાતને તો દશ વરસ થયાં દશ. હુંય એ વખતે તો ડોકીપર હતો. ફોજદાર : શું કહો છો? મેનેજર : જે કહું છું તે. અને એ વખતે કંપનીમાં પતિપત્નીનું એક જોડું કામ કરતું. બહુ હોશિયાર! ફોજદાર : પછી? (ખુરશી તાણે છે.) મેનેજર : પતિનો પગાર પાંચસો અને પત્નીનો એક હજાર. એકનું નામ વર્ધમાન અને બીજીનું નામ સુંદરા. ફોજદાર : કાંઈક અણસાર આવે છે. મેનેજર : તમે કાંઈ ન જાણો, ભાઈ. વાત બહુ જુદી જ હતી. નગરશેઠ : આગળ, આગળ, સાહેબ. ડોરકીપર : (પ્રવેશ કરી) દરવાજા બહાર રસાલાવાળાઓનું એક ટોળું એકઠું થયું છે, સાહેબ. આપને બોલાવે છે. મેનેજર : મારું શું કામ છે? ડોરકીપર : કહે છે કે પાસ નહિ આપો તો પથરા ફેંકશું. મેનેજર : બાળો એમને પાંચ પાસ (ડોરકીપર જાય છે.) ભિખારડા! નગરશેઠ : ખરું બોલ્યા, મારા સાહેબ; બધા ભિખારડા જ છે. નહિ તો ચાર આનામાં ચોફાળ ઓઢવો પડતો હશે જાણે! પણ આગળ, આગળ, સાહેબ. મેનેજર : હા; હું ક્યાં પહોંચ્યો હતો? કવિરાજ : પ્રસ્તાવનામાં. સુશીલ : (આછું મલકી નીચે જોઈ જાય છે.) મેનેજર : હેન્ડબિલમાં જે દિવસે એમનાં નામ હોય તે રાત્રે અડધા માણસો તો બહાર જ રહી ગયા હોય એટલી ગિરદી થાય. કાળિયો માળી : (રસપૂર્વક અચંબાથી) એમ? નગરશેઠ : હા, હા, અસલના એક્ટરોની તે કાંઈ વાત છે! બધા તારી જેવા હશે જાણે. જાણે જવા દ્યો ને : કાંઈ નથી એમાં! મેનેજર : એમાં પોપટલાલ પાદરાકરનું ‘‘વિષનો પ્યાલો નાટક ચાલે. માનશો નહિ, પણ ત્રણ મહિનામાં નવ્વાણું નાઈટ! સ્ટેશન માસ્તર : ત્રીશ તરી નેવું. પણ કાંઈ નહિ, અંગ્રેજી મહિના હશે! સુશીલ : (ફિક્કું હસ્યા વિના સ્ટેશન માસ્તર સામે જોઈ રહે છે.) કવિરાજ : ઓ-હ્-હો! સમજ્યો શેક્સપિયરના ‘ઓથેલો’ની તફડંચી. મેનેજર : બરાબર એ જ. કવિરાજ. પણ એ વખતમાં કવિઓને તફડંચી કરતા આજના જેટલી મુશ્કેલી ન નડતી. આજે તો કવિઓએ ઘરનું ઉમેરીને નાટકને કદરૂપું બનાવવું પડે છે. પણ વાત આગળ ચલાવીએ. કવિરાજ : હા, હા. મેનેજર : પત્ની બેવફા છે. એવી શંકા જવાથી પતિ એને ઝેરનો પ્યાલો પાય છે એવો એક સીન ત્રીજા અંકમાં આવે છે. કવિરાજ : ‘ઓથેલો’માં પણ એમ જ છે. મેનેજર : અને વર્ધમાન અને સુંદરા પતિપત્નીનો પાઠ કરતાં. નગરશેઠ : એનાથી બીજું રૂડું શું? એવું થતું હોય તો અમે નાટક કંપની સામે અનીતિ અનીતિની બૂમો પાડવી બંધ કરીએ; લ્યો માનશો? ત્યારે? જવા દ્યો ને : એમાં કાંઈ છે નહિ. મેનેજર : એમાં એની સોમી નાઈટ પડી. લોકોની મેદની માતી નહોતી. નાટકને અંતે સુંદર-વર્ધમાનને સોનાના ચાંદ એનાયત કરવામાં આવનાર હતા. કવિરાજ : એ વખતની વાત જ જુદી છે. હવેનું પલ્બિક જ જ્યાં સાવ ધાનિયા થઈ ગયું છે ત્યાં કોઈ શું કરે? મેનેજર : લોકોની મેદની માતી નહોતી. પદડો ચડ્યો ત્યારે સોય પડ્યાનોય અવાજ થાય એવો શૂનકાર હતો. ફોજદાર : અને હવે ધોકા પછાડી પછાડીને મરી જઈએ તોય સીટીઓ શાંત પડતી નથી. લોકો જ બગડી ગયા છે બધા. નગરશેઠ : ત્યારે? જવા દ્યો ને : એમાં કાંઈ છે નહિ, મારા સાહેલ! સુશીલ : (આછું મલક્યા વિના સામે જોઈ નીચે જોઈ જાય છે.) મેનેજર : બીજા અંક પછી લોકો માંહોમાંહે વાત કરતા હતા : ‘‘સુંદરા અને વર્ધમાન આજે રંગમાં છે! આવા ઓતપ્રોત કદી એમને જોયાં નથી!’’ નગરશેઠ : વાહ ભાઈ વાહ! પછી શું પૂછવાનું હોય? મેનેજર : પણ પછી જે બની ગયું તે રોમાંચ ખડા કરે તેવું છે. ઝેરના પ્યાલાવાળા પ્રવેશમાં .... (થિયેટર ઉપરની ઘણીખરી બત્તીઓ બુઝાય છે. ઓસરતા અજવાળા અગિયાર સુધી પહોંચેલી મિનિટનો કાંટો દેખાય છે. બીજી ટોકરીના અવાજમાં મેનેજરનું પાછળનું વાક્ય તણાઈ જાય છે.


પૂર્વાર્ધ


(પ્રવેશાનુક્રમે પાત્રો નોકર, કાનજી, બચુભાઈ, સુંદરા, મેનેજર, વર્ધમાન. રંગભૂમિનું નેપથ્ય દૃશ્યમાન અભરાઈઓ, ખીંટીઓ અને વળગરણીઓ ઉપર નાના પ્રકારના પોશાકો અસ્તવ્યસ્ત છે. બે ખૂણામાં બે મોટા આરસાઓ ગોઠવ્યા છે; અને પડખે જ ઘોડીઓ ઉપર દાંતિયા, તેલના શીશા, અને પાઉડર પડયા છે. ભીંતમાં ઠેકાણે ઠેકાણે મોટા અક્ષરોમાં નટોનાં નામ ચીતરવામાં આવ્યાં છે. નેપથ્યની બરોબર મધ્યમાં એક બત્તી ઝૂમે છે. એના ઝંખા પ્રકાશમાં બન્ને બાજુનાં બારણાં દેખાય છે. પદડો ચડે છે ત્યારે એક નોકર બધી વસ્તુઓ ઠીકઠાક કરતો હોય છે.) નોકર : મારા શરીર કરતાંય વધારે ગંધાતાં આ કપડાં લોકોને પહેરવાં કેમ ગમતાં હશે? (એક મુગટ હાથમાં લઈ) મહારાજાધિરાજનો મુગટ! માથે તો મૂકી જોઉં. મહારાજાધિરાજ થાય છે એય ક્યાં મારાથી ચડે એવો છે! (આરસા પાસે જઈ માથા ઉપર મુગટ મૂકે છે. અને પ્રતિબિમ્બ સામે જોઈ રહે છે.) વાહ, વાહ! હુંય મહારાજાધિરાજ! મહારાજાધિરાજ બનવું આટલું સહેલું છે છતાં કેટલાક લોકો નાટક કંપનીના પેટમાં પેસવાને બદલે મહારાણીઓના પેટમાં પેસવું કાં પસંદ કરતા હશે! (મુગટને ફગાવી દે છે. આસપાસ જોઈ) પણ કોઈ છે નહિ. તેનો લાભ તો લેવો જ જોઈએ. (માથામાં તેલ નાખવા લાગે છે. નાચનારીના વેશમાં કાનજી પ્રવેશ કરે છે.) કાનજી : મિ...યાં..ઉં! નોકર : ઓ બાપ રે! (સીસો હાથમાંથી પડી જાય છે.) કાનજી : કાં સાહેબ, શું ચાલે છે? નોકર : (સામે જ જોઈ રહે છે.) કાનજી : એક બીડી નોકર : (ચૂપચાપ એક બીડી આપી ચાલતો થાય છે.) કાનજી : આવજો. (આરસા પાસે જાય છે અને કેડ ઉપર હાથ મૂકી જોઈ રહે છે. બચુભાઈ ચૂપચાપ પ્રવેશ કરી કાનજીની બન્ને આંખો દાબી દે છે. એ બહુ જ જાડા અને બેડોળ છે. અત્યારે એક મારવાડીના વેશમાં છે.) બચુભાઈ : (ગાવા લાગે છે.) ચંચળ બગલી છેલ છબીલી, ઊભી રેને રાં... કાનજી : (બળવો કરતો) એય જાડિયા, આ શું કરે છે? (એના બન્ને હાથ તરછોડી કાઢે છે.) તખ્તા ઉપર છૂટ લીધી તે લીધી! અહીં જો કાંઈ અટકચાળો કર્યો તો પેટમાં પંચર પાડી દઈશ. બચુભાઈ : પણ ચંચળબાઈ......... કાનજી : (નાક ઉપર આંગળી મૂકી) ચૂપ! કાનજીભાઈ કે’તો મોઢુંય ભરાય. પ્રોમ્પટર : (એકદમ પ્રવેશ કરી ધૂંવાપૂંવા: થતો) એય ગધેડાઓ, અહીંયાં શું કરો છો? ત્યાં તમારો વારો આવ્યો. બચુભાઈ : માર્યા! (ઉતાવળા ઉતાવળા જાય છે. કાનજી પણ એમને અનુસરે છે.) પ્રોમ્પટર : કોઈને યાદ કરવું નહિ, અને મારે જ બકબક કરવાનું. એના કરતાં તો તખ્તા ઉપર આવીને હું જ આખું નાટક બોલી જાઉં તો બહેતર. (ડાબી બાજુએ જાય છે. જમણી બાજુથી સુંદરા પ્રવેશ કરે છે. એ અત્યંત ગૌર અને રૂપવતી છે. મહારાણીના વેશમાં એ મહારાણીઓને ભુલાવે તેવી લાગે છે. એની પાછળ જ મેનેજર છે. એણે કાળો કોટ અને કાળી ટોપી પહેર્યાં છે. એ ઘઉંવર્ણો, સશક્ત, અને દેખાવડો છે.) સુંદરા : (હાથમાંનો ફૂલહાર ખીંટીએ ટાંગતાં) તમે તો બહુ ઉતાવળા! રસ્તામાંય કોઈ છે કે નહિ તેનું ભાન રાખ્યા વિના... મેનેજર : સુંદરા, તું કેમ ન સમજે? (પાસે જાય છે.) સુંદરા : (કાચમાં પોતાને નીરખતી) સુંદર સુંદર છે, નહિ? મેનેજર : (પાછળ ઊભા રહી) હંમેશ, પણ આજે તો અવધિ! સુંદરા : રાણીસાહેબે તે દિવસે ખુશ થઈ ફગાવ્યો હતો તે આ હાર! અને આ તમે આપેલી વીંટી. મેનેજર : અને આ સાડી પણ, સુંદરા, મોંઘામૂલી છે. આજના ખાસ પ્રસંગે મેં એ તારે માટે જ ખરીદી છે. સુંદરા : મારે માટે નહિ, ‘વિષનો પ્યાલો’માં મહારાણી માટે! કેમ ખરું ને? મેનેજર : સાવ ખોટું. ‘વિષનો પ્યાલો’માં મહારાણી રૂપે કામ કરતી સુંદરા માટે! અને નાટક ખલાસ થયે પણ એ તારી જ છે. સુંદરા : (નાટકી રીતે નમન કરી) ઉપકાર, મહારાજ! મેનેજર : (કૃતકૃત્યતા અનુભવતા) સાડીએ ધન્ય થઈ. (બન્ને બે ઘડી સામસામું જોઈ રહે છે.) સુંદરા : એમ સામે શું જોઈ રહો છો! જાઓ... અહીંથી! (ગાલને ટાપલી મારે છે.) મેનેજર : (સુંદરાનો હાથ દાબતાં) સુંદરા... સુંદરા : (કૃત્રિમ વિરોધથી) છોડો રે....! કેવો પહાડી તમારી હાથ છે? અને મારો તો તૂટી પડ્યો. (હાથ ખેંચી લઈ ફરી આરસા પાસે જાય છે, અને સ્વાકૃતિને નીરખી રહે છે.) દાસી! મેનેજર : (નમન કરી) આદેશ, રાજરાજેશ્વરી! સુંદરા : આ મુગટ મારે માથે મૂક. મેનેજર : જેવી આજ્ઞા (તેમ કરે છે.) સુંદરા : મને ચમ્મર ઢોળ! મેનેજર : (ચમ્મર કરતાં) વિજય થાઓ મહારાણીનો! સુંદરા : વહાલા રે વહાલા! (ચમ્મર ખેંચી લઈ) તમને કરું હું હાલા! (એને કોટિ કરે છે. પછી એકદમ છોડી દઈ ઉદ્રેકમાં આમતેમ ફરવા લાગે છે.) આજે મને વિજય વરવાનો! મેનેજર : વિજયનો કળશ ચડવાનો. સુંદરા  : આજે સોમી રાત, નહિ મેનેજર? મેનેજર : હા, સુંદરાબાઈ, અને આજના ખેલને અંતે તમને સોનાનો ચાંદ એનાયત કરવામાં આવશે. સુંદરા : મને એ ચાંદ કોણ પહેરાવશે? મેનેજર : આ શહેરા મહારાજા વિક્રમસંહિ. સુંદરા : (ઉદ્રેકમાં) વાહ, ધન્ય હું. મેનેજર : નહિ. વિક્રમસંહિ ધન્ય. એમનો હાથ તમને... અડીને... સોનાનો થશે. સુંદરા : અરે ગાંડા રે ગાંડા! તો તો લાવો તમને આખા શરીરે અડીને સોનાના કરી દઉં. મેનેજર : કર્યો જ છે. સુંદરા : ના, ના. તો તો તમે શ્વાસ ન લઈ શકો. અને ક્યારેક ક્યારેક તમે મારી ગરદન પાસે ઊનો ઊનો શ્વાસ લો છો તે મને બહુ ગમે છે. મેનેજર : છૂટ આપો છો આજેય તે! સુંદરા : સાવ મૂરખ! મેનેજર : (પાસે જઈ પકડે છે.) સુંદરા : અરે છોડો, છોડો! આમ શું કરો છો? મારે જવાનો વખત થયો લાગે છે. મેનેજર : (જરા દૂર હઠી) ના રે ના! હજી તો બે પ્રવેશ આડા છે. એક ફારસનો અને બીજો અશ્વીનીના સ્વગત સંભાષણનો. પછી તમારે વિષનો પ્યાલો પીવાનો વારો આવવાનો છે. સુંદરા : તો તો ત્યાં સુધી શું કરીશું? મેનેજર : તું કહેને ને, સુંદરા! પીશું? સુંદરા : ના, આજે નહિ. તો તો મહારાજા વિક્રમસંહિ મને ચાંદ પહેરાવવા આવે ત્યારે મારું મોઢું ગંધાય. મેનેજર : કાંઈ ખાશું? સુંદરા : ના. (થોડી વારે તોરમાં) પણ કહો તો, લોકો આજે શું ધારે છે? મેનેજર : જ્યાં સાંભળો ત્યાં સુંદરા. વિરહી રામે એકલે જ આખું દંડાકારણ્ય નાદથી ભરી મૂક્યું હતું. આજે તો આખું ઓડિયન્સ રામસ્વરૂપ થઈ ગયું છે. વધારામાં આખું રાજ્યમંડળ આજે જોવા પધાર્યું છે. સુંદરા : તમે ક્યારેક ક્યારેક એવું મીઠું બોલો છો! (મેનેજરનો હાથ પકડી ઉછાળે છે.) મેનેજર : (એને ભીંસે છે.) સુંદરા, તારા કીતિર્કળશની રાત્રીને મારા જીનવસાફલ્યની રાત્રી બનવા દે! (હોઠ પાસે આણે છે.) સુંદરા : (માછલીની જેમ તરફડતી છૂટી થતી) તમે સાવ ભાન વિનાના છો. વર્ધમાન આવી લાગે તો શું થાય એની કલ્પના સુધ્ધાં સરખી રાખતા નથી. મેનેજર : મને આમ બહાવરો કાં બનાવે, સુંદરા? વર્ધમાનને અશ્વિની રૂપે વનોપવનમાં બહાવરો ભટકાવ્યા કરે છે તોય તારી તૃષા તૃપ્ત નથી થતી, સુવર્ણચંપા? (થોડી વારે, બીજા ખૂણામાંથી) ના. પણ કેમ તારી એ તૃષા છીપે? તારી એ તૃષા તો છીપશે જ નહિ કદી. અને આદ્યા, મારાં જેવાં તો અસંખ્ય પંખીડાં તારી તૃષાના એ અજગરમાં હોમાયા કરશે સર્વદા. (ફિલસૂની છટાથી ઊભો રહે છે.) સુંદરા : અનેક નાટકો જોઈ જોઈને તમનેય નાટકી થતાં આવડી ગયું લાગે છે, મેનેજર! પણ એ તો જોનારાઓને એ મીઠું લાગે, સમજ્યા? નાટક કરનારાઓને તો જોનાર જોડાંઓ તલપાપડ કરી મૂકે છે. (રમાડતી) પણ એમ નિરાશ ન થા મારા ફિલસૂફ! (નાટકી થઈ) એમ નીરસ થઈ મને કરુણરસપ્રધાન નાયિકા ન બનાવ મારા નાયકા! (પાસે જઈ આમંત્રતી ઊભી રહે છે. મેનેજર જોઈ રહે છે.) બાઘો! વખત વર્તતાંય આવડતું નથી. (મેનેજર એને પકડે છે.) હવે નહિ, ખચ્ચર! (ધક્કો મારે છે.) મેનેજર : જો આમ જ કરવું હોય તો હું આ ચાલ્યો! સુંદરા : પણ એમ હું જવા કેમ દઉં? એક માણસથી મારું પેટ ભરાતું નથી. આવ તુંય તે! (અપરાજિતા સમી ઊભી રહે છે) આજે મારી હસ્તી મારા પોતાનાં બંધનોમાં સમાતી નથી. એને છૂટું થવું છે! છૂટું થવું છે, મેનેજર! મેનેજર : (નજીક જઈને એને બાથમાં લે છે. એ જ સમયે વર્ધમાન બારણામાં આવી ઊભો રહે છે. એણે મહારાજાધિરાજ અશ્વિનસિંહનો પોશાક પહેર્યો છે. ઝગમગતા મોતીજડ્યા મુગટ નીચે એનું પ્રભાવશાળી મોઢુ કાંતિમાન બની રહ્યું છે.) સુંદરા! સુંદરા! સુંદરા! જાણે એ નામથી નાટકશાળા ગજવી મૂકું! આ આકાશનો ગુંજબ ફાડી નાખું તારો જયજયકાર કરી! સુંદરા : અને એ સાચે જ મારો જયજયકાર હો! આકાશ ફાડતાં ફાડતાં તુંય ફાટી જઈશ, અને પછી બીજાનો વારો આવશે. મેનજર : અનન્તઉદરા સર્જનવન્તી! એય ભલે થાય! (જોરથી એને ચુંબન કરે છે. વર્ધમાન બારણામાંથી જ પાછો ફરે છે સુંદરા મેનેજરને તરછોડી ધક્કો મારે છે. મેનેજર ચાલતો થાય છે. સાતમે પાતાળ ઊતરી ગયેલી સુંદરા બે ઘડી નીચે જોઈ રહે છે.) સુંદરા : હા... હા... હા...! (હસે છે.) આખા વિશ્વમાં પ્રસરી જાઉં! જેમ નાટકના તખ્તા ઉપરથી સામ્રાજ્ઞીની છટાથી પ્રેક્ષકો ઉપર દીપ્તિ ઝરું છું તેમ જીવનના તખ્તા ઉપરથી વિશ્વને તંદ્રાસુપ્ત કરું! અને તોય....તોય હું ઊણી રહું! (આરસામાં પોતાના સ્વરૂપને બંદીવાન કરે છે.) સુંદરા! સુંદરા! સુંદરા! (આવેગમાં પોતાના જ પ્રતિબિંબને ચુંબન કરે છે. વર્ધમાન પ્રવેશ કરે છે. એના મોઢા પરની રેખાઓ બદલાણી નથી. પણ ઊંડે જઈ સ્થિર થઈ ગઈ છે. તે સુંદરા પાસે આવીને ઊભો રહે છે આરસામાં પોતાની પર ગોઠવાયેલા વર્ધમાનના પ્રતિબિંબને આધારે પોતાના હાથ પાછળ પસારી વર્ધમાનને કોટિ કરે છે. પછી એકદમ ફરી જઈ એની આંખોમાં અમી ઝરે છે.) સુંદરા : વર્ધમાન! વર્ધમાન : સુંદરા ! સુંદરા : (એના હાથ પકડતી) રાજરાજેશ્વર અશ્વિનીસિંહ! વર્ધમાન : રાજરાજેશ્વરી સુવર્ણચંપા! સુંદરા : (મહાત થતી) તો બન્ને નહિ. પુરુષ! વર્ધમાન : સ્ત્રી! સુંદરા : (હાથ છોડી દઈ સામે જોઈ રહે છે. એની આંખમાં અસ્વસ્થતા છે.) તને શું થયું છે, વર્ધમાન? મને પકડતો કેમ નથી? વર્ધમાન : પકડવાનું તો તારે છે. સુંદરા! સુંદરા : (એકદમ ધસી એના હાથને ચુંબન કરે છે.) મીઠડા! વર્ધમાન : જો, નાટક ન કર. સામાન્ય સ્ત્રી-પુરુષો એકાંતમાંય એકબીજાને ‘વહાલી-વહાલા’ નથી કરતા. સુંદરા : આપણે સામાન્ય નથી. વર્ધમાન : અને અસામાન્ય પણ નથી. સુંદરા  : તેં મને એકવાર અસમાન્ય કહ્યું છે. વર્ધમાન : નાટકમાં! સુંદરા : અને ઉરને એકાંતે પણ. વર્ધમાન : ભૂલ કબૂલ કરું છું. સુંદરા : આજે આ બધું જવા દે, વર્ધમાન! આજે આપણી કતલની રાત છે! મારા અને તારા વિજયનો આજે કળશ ચડવાનો. વર્ધમાન : તું ખરું કહે છે. સુંદરા : અને આજે કદી નહોતું કર્યું તે કરવાનું છે. લોકોને ગાંડા કરી મૂકવા છે; વર્ધમાન; મારે અને તારે મળી! જાણે નાટક મટી એ સત્ય જીવન બની જાય! સમજ્યો? વર્ધમાન : તને શોખ છે એનો? સુંદરા : હા-સ્તો! મારા એકલીના! વર્ધમાન : (ભારેલા અગ્નિના તાપથી) તો રમી લઈએ! સુંદરા : (પામી જતી) ભલે! (પ્રમત્ત થતી લપડાક મારતી ચાલી જાય છે.) વર્ધમાન : (એકદમ ભૂત ભરાયું હોય તેમ) અરે કોણ છે ત્યાં? નોકર : (એકદમ પ્રવેશ કરી) હું સાહેબ! વર્ધમાન : જા, મારા શીશા લાવ. શીશા, સમજ્યો? એક નહિ, બન્ને! નોકર : હા, સાહેબ ! (જાય છે.) વર્ધમાન : (કબાટમાંથી મોરથૂથાનો એક કટકો ઉપાડી ખિસ્સામાં નાખે છે. પછી ખુરશી તાણી અરીસા પાસે બેસે છે. પોતાના પ્રતિબિંબને ઘણી વાર સુધી જોઈ રહી પોતાને જ ચૂમે છે.) સુંદરાને શોખ છે આવો!

(નોકર આવી બે શીશા અને એક પ્યાલી ટેબલ ઉપર મૂકી જાય છે. કશું પણ બોલ્યા વિના વર્ધમાન એક પછી એક પ્યાલાઓ ખલાસ કરવામાં મંડે છે.)


ઉત્તરાર્ધ


(પ્રવેશાનુક્રમે પાત્રો : અશ્વિનીસિંહ, સુવર્ણચંપા, મેનેજર, પ્રોમ્પ્ટર, ડાયરેક્ટર, ડોરકીપર, પ્રેક્ષકગણ, ન્યાયાધીશ. રાજરાજેશ્વર અશ્વિનીસિંહનો શયનખંડ દશ્યમાન. પાછળના પડદા ઉપર ચિત્રથી ઉપર ચડતાં પગથિયાંઓનો અને આરસના સ્તંભોનો ભાસ કરાવવામાં આવ્યો છે. એક કિનખાબના મંડપ નીચે મોટો સુવર્ણપલંગ ઢાળવામાં આવ્યો છે. પૂંઠા કોતરીને અગાશીનો આભાસ કરવામાં આવ્યો છે. લાકડાના ઝાડોમાં વીજળીના દીવા ઝબક ઝબક થાય છે. પડદો ચડે છે ત્યારે આકાશની આભાસમાં ચંદ્રમાનો ગોલક ચડતો હોય તેવી રચના કરવામાં આવી છે. રાજરાજેશ્વરી સુવર્ણચંપા પલંગમાં પોઢી ગઈ છે. લીલા મખમલના ઓશીકા ઉપર એનું મોઢાનું કમળ ગોઠવાયું છે. સુવર્ણચંપાનાં બંધ પોપચાં ઉપર તાકતો વિહ્વળ અશ્વિનસિંહ, શયનપોશાકમાં સજ્જ, સુવર્ણચંપાની પાછળ બેઠો છે.) અશ્વિનીસિંહ : અડું છું અને અંગેઅંગમાં આગ પ્રસરે છે. આખી રાત આ સ્વરૂપવાન અગ્નિની પડખે સૂવાનું અને ઊંઘ પણ બળી ખાખ થઈ જાય છે. (ઊભો થઈ જાય છે. આગળ આવે છે.) સહનશક્તિને પણ અવધિ આવી હોય એમ લાગે છે. હું ત્યારે શું કરી બેસીશ તેની મને ખાતરી નથી. (અગાશીની ચળ ઉપર હાથ ઠેરવે છે.) ઓ ઊંચે ચડતા ચંદ્રમા! ઊગે છે ત્યારથી આથમે છે ત્યાં સુધી હું એકલો ને એકલો કેમ રહે છે તેનો ભેદ આજે મને સમજાય છે. જગતમાં કોઈ કોઈનું નથી-કોઈ કોઈનું થઈ શકે નહિ. એવો તારો ઉજ્જ્વલ સંદેશ કોઈ ઝીલતું કેમ નહિ હોય! (બંને હાથમાં માથું દાબે છે.) ઓ અસ્ખલિત પ્રવાહે ઊછળતા અને ઓસરતા સાગર! તારો અનંત આક્રંદના શબ્દો આજે મને સમજાય છે. આકાશને પ્રેમ કરવા જતાં તારું વિષ પીવું પડ્યું — નીલકંઠ થવું પડ્યું. આ તારું આક્રંદ એ તો વિષપાનનો અનંત ઓડકાર માત્ર છે. (અસ્વસ્થ ચિત્તે આંટા મારતો સૂતેલી સુવર્ણચંપા પાસે પહોંચે છે.) વિશ્વવિમોહન સ્વરૂપ! તારોય સંદેશો આજે મને સમજાય છે. ગૌરીશંકરે કામને ભસ્મીભૂત કરી ખાખ કર્યો એનું વેર લેવા અનંગે અંગનો આશ્રય લઈ માનવકુલને ભસ્મસાત કરવાનું બીડું ઝડપ્યું (એકદમ દૂર દોડી જઈ) પણ એ બધું આજે, આટલું મોડું સમજાય છે. અને અત્યાર સુધી તો હું આમંત્રણ ભરી આંખે ઝબકી દીવાદાંડી તરફ ખેંચાતી નાવ સમાન હતો. મને ખબર નહોતી કે ત્યાં તો ભેખડની બાથ છે! અફળાઈને અદૃશ્ય થવાનું છે! (અગાશીના પગથાર ઉપર બેસી જાય છે. — થોડી વારે) અને આ ભભૂકતો જ્વાળામુખી અંતરમાં ક્યાં સુધી ભરી રાખવો? બધું જાણું છું. છતાં કાંઈ ન જાણવાનો ડોળ કરવાનો છે. બધું અસહ્ય છે છતાં સુખની પરાકાષ્ઠા આપનારું છે તેવો સ્વાંગ સજવાનો છે. (ઊભો થઈ જાય છે.) ના! ના! ના! આજે તો બધું સ્પષ્ટ કરી દઉં! આજે તો સર્વ અનુતાપનો છેલ્લો ભડકો પ્રકાશી ઊઠું! અને જગાડું! જગાડું અને! (સુવર્ણચંપા તરફ જાય છે.) ના! ના! (ખચકાઈ પડે છે.) કેટલીય રાત્રિઓ નંદનવન બની છે એની સાથે! કેટલીય ક્રીડાઓ પૃથ્વીના અનંત આનંદમાં ભળી જઈ કાંટા થઈ સુવર્ણચંપા સ્વરૂપે ફૂટી નીકળી છે — વનવનાન્તે! (થોડી વારે) એ બધા સ્વર્ગાનંદની સ્મૃતિમાં આ જ્વાલામુખીને પણ કેમ ન ભારી રાખું? (થોડી વારે) પણ નથી સહાતું! નથી સહાતું! (કૂદીને પલંગ પાસે જાય છે. નિષ્ઠુરતાથી સુવર્ણચંપાને ઢંઢોળે છે.) જાગી ઊઠ! જાગી ઊઠ! ઊંઘવાનું નથી તારે, સુવર્ણચંપા! કેમ કે મારી ઊંઘ ઉપર તારું શયન છે. સુવર્ણચંપા : (બેબાકળી જાગી ઊઠે છે. હેબતાઈ ને ઘડીભર જોઈ રહે છે. પોતાનું સર્વ માર્દવ એક શબ્દમાં મૂકે છે.) નાથ! (આંખો ઢાળી દે છે.) અશ્વિનીસિંહ : (મન ફરી ગયું હોય તેમ પસ્તાવો) ના! ના! સુવર્ણચંપા : આવો તો પાસે! ઊંઘ નથઈ આવતી? અશ્વિનીસિંહ : (મૂઢ ભાવે) ના! સુવર્ણચંપા : આવો, સાથે સૂઈએ. અશ્વિનીસિંહ : (મૂઢની જેમ અનુસરે છે. ઓચિંતો કૂદી ઊઠી) ના! ના! તાપ લાગે છે! બળી ઊઠું છું! સુવર્ણચંપા : મને અડવા દો. શાંતિ થશે. અશ્વિનીસિંહ : ના, ના, ના. તો તો અંગેઅંગે વિષે પ્રસરે અને રોમેરોમે એની શિખા ચડે. કૂલટા! આજથી તારે ઊંઘવાનું નથી. અને મેં તો મહિનાઓથી જાગરણ કર્યાં છે. સુવર્ણચંપા : (ચાંદીના કળશમાંથી પાણી આપતી) પાણી પીઓ અને શાંત થાઓ. અશ્વિનીસિંહ  : (હાથ ખેંચી લઈ નીચે ઉતારે છે. પછી એના હાથમાંનો પ્યાલો ઝૂંટવી લઈ પોતાની અને સુવર્ણચંપાની વચ્ચે ધારા કરે છે.) આપણને અળગા કરતી આ મહાનદ. એ સિંધુ જેટલી મત્તભરપૂર, બ્રહ્મપુત્રા જેટલી મહાન, અને ગંગા જેટલી ઊંડી છે. અને આપણે ફરી એકઠાં થવાનાં નહિ. સુવર્ણચંપા : (પગે પડી વંદના કરતી) પણ તમને શું થયું છે આજે, વહાલા? મારો અપરાધ થયો હોય તો ક્ષમા માગું છું. અશ્વિનીસિંહ : ક્ષમા? સર્જન સમસ્તની ક્ષમા માગે તોય તે ઊણી પડે! સુવર્ણચંપા, મારા પ્રેમનો તેં સારો બદલો આપ્યો. સુવર્ણચંપા : પણ કહો તો ખરા, મારો અપરાધ શો છે? અશ્વિનીસિંહ : પાપિષ્ટા! અપરાધનું પૂછે છે? (એનો ચોટલો ઝાલે છે.) અહા! તને રાજરાજેશ્વરથી સંતોષ ન થયો તે એક સેનાપતિ.... સુવર્ણચંપા : (એક ઝાટકાથી મુક્ત થઈ વીફરેલી સિંહણની જેમ કાંપવા લાગે છે.) કબૂલ છે! અશ્વિનીસિંહ : શું? સુવર્ણચંપા : મહાનદને આ તીર રહી જવાનું કબૂલ છે મને! અશ્વિનીસિંહ : રહેવાનું તો નથી જ!— પછી આ તીર કે પેલે તીર! તેં મને પાન કરાવ્યું. હવે મારે તને પાન કરાવવાનું છે; અને પતિ તરીકેની મારી એ છેલ્લી આજ્ઞા છે. (ગોખમાંથી એક સુવર્ણજડિત વાટકી લઈ આવે છે) સુવર્ણચંપા : અને પત્ની તરીકેનું મારું આ છેલ્લું આજ્ઞાપાલન છે. અશ્વિનીસિંહ: એ તો છે જ! આ હળાહળ વિષ છે. સુવર્ણચંપા : હળાહળ વિષ પીને મીરાએ તો ભવોભવની ભાવટ ભાંગી હતી. પણ હું તો ભવોભવ ભાંગી નાખવા માગું છું, અશ્વિન! હિન્દુ કન્યાઓ પુનર્જન્મમાં માને છે અને આ જન્મે અધૂરાં રહેલાં આવતે જન્મે પૂરાં થશે એવી શ્રદ્ધા સેવે છે. એટલે આટલા માત્રથી આ છેલ્લું આજ્ઞાપાલન થઈ શકે તેમ નથી. પણ..... અશ્વિનીસિંહ : (કાંપતો) પણ....? સુવર્ણચંપા : પણ આ તો હું ઇચ્છા કરું છું કે ભવોભવ એકાકિની અવતરીશ. કોઈની નહિ થાઉં કદી; છતાં કોઈને મારા થયા વિના નહિ જીવવા દઉં; અને મારા થયા વિના રહેશે તેય જીવશે નહિ. અશ્વિનીસિંહ : ઠીક. આવો દેવી! (પાસે જાય છે અને સુવર્ણચંપાની અરતાફરતા હાથ ગોઠવે છે. કૂદીને સુવર્ણચંપા કોડથી એના ખોળામાં ચડી બેસે છે. એની ઓખમાંથી એક આંસુ પડે છે, આશ્વિનીસિંહની આંખમાંથી પણ અશ્રુધાર થાય છે.) સુવર્ણચંપા : તમારા ખોળામાં હું શિવના ખોળામાં ચડેલી પાર્વતી સમાન લાગું છું, નહિ? ફેર માત્ર આટલો : પાર્વતીનો શિવ નીલકંઠ થયો; પણ અશ્વિનની ચંપા નીલકંઠા થશે! (ઊછળતી એક ચુંબન ચોડે છે.) અશ્વિનીસિંહ : (મોરલાની જેમ કેકી ઊઠતો) પીઓ, ગોરી! નકર હું પી જાઉં રે ... ... સુંવર્ણચંપા : (વાટકી ગટગટાવી જાય છે. ક્ષત્રમાં ઊછળી પડે છે અને કારમી ચીસ સાથે ઢળી પડે છે. દગો! દગો! દોડજો! દોડજો ! મને વિષ પાયું! દોડજો કોઈ વર્ધમાને મને સાચે જ વિષ પાયું! (રંગભૂમિ ઉપર તરફડવા લાગે છે. વર્ધમાન મુગટ ફેંકી દે છે. અને એક પછી એક સ્વાંગ ચીરવા લાગે છે. પછી અટ્ટહાસ્ય કરતો ઊભો રહે છે.) વર્ધમાન : સુંદરા, તને શોખ હતો એનો! અને સુવર્ણચંપા તરીકે તે ભવેભવના એકાકિનીત્વની ભાવના કરી, તો વર્ધમાન તરીકે જન્મોજન્મનું કે મારું એકાકિત્વ વાંચ્છું છું; નટવર નાગર પાસે! (મૂઢ પ્રેક્ષકવર્ગ તરફ ફરી) મહારાજ, મને ગિરફતાર કરો. મેં સુંદરાને ઝેર આપ્યું છે. (આસપાસની પાંખોમાંથી મેનેજર, પ્રોમ્પ્ટર, ડાયરેક્ટર, કોરકીપર (દશ વર્ષ પછી નાન્દીના મેનેજરનું મોઢું બની રહે તેવી આગાહીવાળું વદન). અને બીજા એક્ટરો ધસી આવે છે. પ્રેક્ષકવર્ગમાંથી કેટલાક કૂદી કૂદીને રંગભૂમિ ઉપર ચડી જાય છે. બધાના કોલાહલમાં સુંદરાનો આર્તનાદ તણાઈ જાય છે; અને ટોળાંની આડે એનો લીલોકાચ દેહ અદૃશ્ય થાય છે. થોડી વારે આસપાસના લોકોને ખસેડતો વર્ધમાન ટોળા બહાર આવે છે અને દૂર ઊભેલા ન્યાયાધીશ પાસે જઈ પગે પડે છે.) વર્ધમાન : ગુનો કબૂલ કરું છું, ન્યાયાધીશ! ન્યાયાધીશ : ફોજદાર! (અંધારું છવાય છે.)


ભરતવાક્ય


(પ્રવેશાનુક્રમે પાત્રો મેનેજર, ફોજદાર, નગરશેઠ, સ્ટેશન માસ્તર, કવિરાજ, સુશીલ, ડોરકીપર, સૂત્રધાર (અદૃશ્ય), આગંતુક દૃશ્ય : નાન્દીનું જ. પડદાના ચડવાની સાથે અજવાળું ઉમેરાતું જાય છે. પૂરતું અજવાળું થતાં ઘડિયાળમાં મિનિટનો કાંટો બારને અડવા આવતો દૃશ્યમાન, ફોજદાર, સ્ટેશન માસ્તર, કાળિયો માળી, નગરશેઠ, કવિરાજ વગેરે મેનેજરની ખૂબ નજીક પહોંચી ગયેલા દેખાય છે. માત્ર સુશીલ દૂર બેઠાં બેઠાં આછું મલકીમલકી નીચે જોયા કરે છે.) મેનેજર : પણ તે દિવસનો તેઓનો અભિનય! જીવનમાં એવો મેં જોયો નથી. ફોજદાર : પછી વર્ધમાનનું શું થયું? મેનેજર : વકીલ બહુ બાહોશ હતો એટલે ફાંસીમાંથી તો બચી ગયો; પણ દશ વર્ષની જેલ મળી. નગરશેઠ : માણસોય થાય છે કાંઈ! જવા દ્યો ને: કાંઈ નથી એમાં! સ્ટેશન માસ્તર : તો તો હજી એ હશે ખરો! કવિરાજ : હા, જાળવજો. ટ્રેનમાંથી ઊતરીને કોઈક દિવસ તમને ઓચિંતો અળાઈ ન પડે! સુશીલ : (આછું મલકી નીચે જોઈ જાય છે.) મેનેજર : મને તો ભય પેઠો છે કે મગનો અને છગનો આજે કાંઈક એવું જ કરી ન બેસે! કવિરાજ : હા, આજના નાટકમાંય જાળવવા જેવું ખરું! ડોરકીપર : (પ્રવેશ કરી) સાહેબ, ન્યાયાધીશ સાહેબનો માણસ આવ્યો છે. કહે છે કે સાહેબ પા કલાક મોડા આવશે એટલે પડદો મોડો ઊપડે. મેનેજર : એમાં ના નહિ! (ડોરકીપર જાય છે.) નગરશેઠ : આજકાલના અધિકારીઓય કાંઈ છે? જવા દ્યો ને મારા મહેરબાન : કાંઈ નથી એમાં! (ઘડિયાળમાં દરાના ટકોરા પડે છે; અને ત્રીજી ટકોરી વાગે છે. બંદૂકનો એક ધડાકો થાય છે, હાર્મોનિયમ અને તબલાંની તરમઝટ વચ્ચે સૂત્રધારનો પહાડી અવાજ ગાજી રહે છે.) મેનેજર : (સફાળા ઊભા થઈ જઈ) કોણે ટકોરી વગાડી? રેઢિયાળ! હજી તો ન્યાયાધીશ સાહેબ પણ આવ્યા નથી ને... કવિરાજ : (ઊભા થતા) હવે કાંઈ એક વખત પડદો ચડ્યો તે પાછો પડાશે? ન્યાયાધીશ સાહેબ આવે ત્યારે નવેસરથી શરૂ કરશું! સુશીલ : (આછું મલકી નીચે જોઈ ઊભા થાય છે.) નગરશેઠ : ચાલો ત્યારે, સાહેબ, સલામ. અમે સહેજ નાટક જોઈને જ જઈએ. ચાલો ફોજદાર! ચાલો ને માસ્તર સાહેબ! સ્ટેશન માસ્તર : હા, એ ઠીક સુઝાડ્યું! (બધા નમસ્કર કરતા કરતા જાય છે.) મેનેજર : (કાળિયા માળી ઉપર નજર પડતાં) સાળા રેઢિયાળ! નાટક શરૂ થઈ ગયું તોય હજી અહીં ઊભો છે? (કાળિયો જવા જાય છે. પાછળથી ફાટી ગયેલી એની રેશમી સુરવાળ દેખાઈ જાય છે.) સાળા તારી સુરવાળ તો ફાટી ગઈ છે. મોટી અકબરબાશા થઈને આવ્યો છે તે! દિવસભરમાં સાંધી લેવાનીય ફુરસદ નથી મળતી? ટેબલ ઉપરથી ‘પ્રણવીર પ્રતાપ’ની હસ્તપ્રત ઉપાડી કાળિયાના માથામાં મારે છે.) લે. આ લેતો જા; પ્રોમ્પ્ટરને આપજે. (કાળિયો માળી જાય છે. ઘડીભર એકલા એકલા મેનેજર આમથી તેમ આંટા મારે છે. પછી ખિસ્સામાંથી સિગારેટનું અડધું પીધેલું ઠૂંઠું કાઢી સળગાવે છે; અને ખુરશીમાં પડ્યાપડ્યા સૂત્રધારની નાન્દી સાંભળે છે : ‘અજબ રસ જમાવ્યો, વિલમ્બિત ને ત્વર : પૃથ્વીના તખ્તા પર : નમન કરું તુજને, નટવર! તું સૂત્રધાર, વિશ્વંભર! નટ સકળ નારી ને નર : જીવન ભીષણ ને મનોહર, નાટક એક સુખકર નમન કરું તુજને નટવર!’ એક આધેડ વયનો માણસ આવી મેનેજરની તંદ્રા તોડે છે. એના ગાલમાં ખાડા છે, અને આંખો આસપાસ કરચલીઓ પડી છે. દાઢીના વાળ વધી ગયા છે. કપડાં કંગાલ અને ફાટેલાં છે. મુખાકૃતિ વર્ધમાનને મળતી છે. આગંતુક : સાહેબ, નોકરીમાં રાખશો? મેનેજર : (જાગી ઊઠતા હોય તેમ) કોણ? આગંતુક : હું મેનેજર : ટિકિટ કયા વર્ગની છે? આગંતુક : ઓરચેસ્ટ્રાની. મેનેજર : ક્યાં છે? બતાવ જોઉં? આગંતુક : ઓરચેસ્ટ્રાની ટિકિટ તે કાંઈ બતાવાતી હશે! મેનેજર : તો તને કોણે દાખલ થવા દીધો? આગંતુક : ડોરકીપર નાટક જોવામાં પડ્યો તે તકનો લાભ લઈ હું અંદર સરકી આવ્યો. પણ પોલીસને બોલાવશો નહિ, મારે નાટક નથી જોવું, મારે તો નોકરી જોઈએ છે. મેનેજર : સાળા બધા જ ડોરકીપર હરામી હોય છે. આગંતુક : સાહેબ, તમેય હતા! મેનેજર : (ચમકી) તું....! આગંતુક : (મૌન સેવે છે.) મેનેજર : જા...જા...જા...જા....! અહીં નોકરી-બોકરી નથી! જા...જા...જા ચાલ્યો જા!.....જા! (બોલતા-બોલતા આગંતુકની દિશામાં વધતા જાય છે, અને આગંતુકની પાછળ દ્વાર વાસે છે.) આજની રાત......

(નેપથ્યમાં ચાલ્યા જાય છે. પડખેથી ‘નટી!’ ‘પ્રાણનાથ’

એવા અવાજો આવે છે.)
0 0 0