એકાંકી નાટકો/બહારનો અવાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બહારનો અવાજ

દૃશ્ય પહેલું

(દેવાલયની પછીત. આખા મંદિરનો કચરો એકઠો કરી બાર નાખવા માટે પછીતની મધ્યમાં એક નાનકડું દ્વાર દેખાય છે. એ દ્વારની જમણી બાજુ એક ચોતરા વચ્ચે લીમડાનું ઝડ ઊભું છે. ડાબી બાજુ જંગલ તરફ જવાની કેડી છે. ચોતરાની અને પછીતની વચમાં મંદિરની ખાળ પડે છે. નીચે એક નાનકડી કૂંડી બાંધી લીધી છે. અબીલ-ગુલાલથી લાલ બનેલું પાણી મંદિરની વેદી ધોઈ પૂજાનાં ચોળાયેલાં ફૂલો લઈને બહાર પડે છે. દીવાલ પરથી જાસૂદ ને પીળી કરેણની ડાળો ડોકિયાં કરે છે. વંડી પર એક મોર બેઠો છે. પાછળ થોડે દૂર મંદિરનો ઘુંમટ દેખાય છે. થોડીથોડી ક્ષણે અંદરથી ઘંટારવ આવે છે. કચરો એકઠો થઈથઈને નાનકડો ટેકરો થઈ ગયો છે. તેની પેલી મેર કેસૂડો કાંઈક ગોતી રહ્યો છે. ટેકરાની ટોચે ટેકરાંની આડે એનું વાંકું વળેલું શરીર અર્ધું દેખાય છે. આ બાજુ તળેટીમાં દીવડી અને ગૂગળ મંદ મંદ વાતો કરતાં સૂકાં સાંઠીકાં વીણી રહ્યાં છે. સૌનાં કપડાં જીર્ણ અને મલિન છે.

સમી સાંજ છે.)

કેસૂડો : (ટેકરીની ટોચે ટટ્ટાર થઈ ઉત્સાહમાં) દીવડી! ગૂગળ! આવો, જલદી આવો. અહીં મને કાંઈ જડ્યું! દીવડી : (ઊંચે જોઈ આંખો ચમકાવી) શું જડ્યું? સોનાનો ચરુ? આટલો કૂદી રહ્યો છે તે? ગૂગળ : જવા દેને દીવડી! કાચનો કટકો મળે તોય નાચી ઊઠવાની એને ટેવ છે. ચાલ, ભારી પૂરી કરી નાખીએ. મોડાં થઈશું તો મા ચૂલો સળગાવ્યા વિના બેસી રહેશે અને બાપુ થાક્્યાભૂખ્યા સામે આવશે. જોષીએ કહ્યું કે ‘તું મહારાજનો માનીતો થઈશ’ ત્યારથી કેસૂડાનો તો દિ’ ઊઠી ગયો છે. બાએ સાંઠીકાં વીણવા મોકલ્યા નો ભાઈસાહેબ સોનાનો ચરુ શોધવા ટેકરે ચડ્યા છે. કેસૂડો : (મોઢું પડી જાય છે.) તમે મને આમ ને આમ રોજ કહેશો? આજે તો માનો! જુઓ તો ખરા ચરુ કરતાંય ક્યાંય મોંઘું મને સાંપડ્યું છે. (નીચે નમી ખોદવા લાગે છે.) દીવડી : ચાલને ગૂગળભાઈ, બે પળમાં મોડું શું થવાનું હતું? એને બહુ ઓછું આવે છે. (આંગળામાં આંગળાં ગૂંથી બંને ચડવા લાગે છે. કેસૂડા પાસે જઈને ઊભાં રહે છે અને કેસૂડો જ્યાં ખોદે છે તે દિશામાં જોઈ રહે છે.) ગૂગળ : વાહ! આ તો....... (નીચે બેસી આંગળાંઓ વતી ખોદવા લાગે છે.) દીવડી : વાહ! કેવી મજા! (નીચે બેસી જાય છે અને કેસૂડાએ અને ગૂગળે કાઢેલી ધૂળ દૂર કરવા લાગે છે.) કેસૂડો : કેમ, મશ્કરી કરતાં હતાં ને? ગૂગળ : તે અમને ખબર હતી? પણ તકરાર પછી, હવે તો આ બહાર ખેંચી કઢાશે. (બંને ઊભા થઈ જોરથી ખેંચવા લાગે છે. એક ભાંગેલી મૂર્તિ બહાર આવે છે. દીવડી આનંદના ઉદ્રેકમાં છાતી પર હાથ મૂકી મોઢું ફાડી જોઈ રહે છે.) કેસૂડો : ભગવાનની મૂર્તિ! ગૂગળ : ચોથો હાથ ભાંગી ગયો છે. દીવડી : શંખ, ચક્ર, અને પદ્મ છે. ગદાવાળો હાથ તૂટી ગયો છે. ગૂગળ : ગદા તો મુખિયાજીને મારવા ગઈ હશે! (ત્રણે હસે છે) દીવડી : કેટલો કચરો ભરાયો છે? લાવો, મને આપો. મારાં આંસુએ ધોઉં અને વાળથી એને લૂછું. ગૂગળ : દીવડી, તું તો કવિ થઈ! કેસૂડો : એ તો પેલા પાદરીએ વાર્તા કહેલી ને, એમાંથી! દર રવિવારે આવી આવીને આપણા વાડામાં કેવી સરસ વાતો કહી જાવ છે? ધનાકાકાની મણકીને વાગ્યું ત્યાં મલમ ચોપડી પાટો પણ બાંધી ગયેલો. (વાતો કરતાં-કરતાં ત્રણે નીચે આવી ગયાં હોય છે. ત્રણે ઓટલા ઉપર બેસે છે. દીવડી મૂતિર્ને ખોળામાં મૂકી પોતાની ફાટેલી ઓઢણીના છેડાથી સાફ કરવા લાગે છે.) ગૂગળ : પાણી વિના સાફ થાય એમ નથી. કેસૂડો : અહીં પાણી ક્યાંથી કાઢવું? જોઈતી હોય તો આ ખાળ છે. દીવડી : અરે રે! સાંભર્યું! જોને ગયે ચોમસે માણભટ્ટ આવેલા! એ કહેતા હતા કે જેમ આખી દુનિયાનો મેલ દરિયામાં જાય. આપણે તો એમને મંદિરના મેલમાં જ નવરાવવાના! (ઊઠીને કૂંડી પાસે જાય છે. મૂર્તિને મહીં ઝબોળે છે. બહાર કાઢી કપડાંથી લોેહવા માંડે છે.) મારાં કપડાંથી તો મૂર્તિ ઊલટી મેલી થશે. કેસૂડો : મેલાંના દેવ મેલા! એમાં શરમાવાનું શું? દીવડી : પણ આપણે મૂર્તિ મુકશું ક્યાં? ગૂગળ : ઘરે લઈ જઈએ દીવડી : ના, મુખિયાને ખબર પડે તો બાપુને મારી નાખે ને!’ કેસૂડો : મંદિરમાં આપી આવીએ! દીવડી : ઓ મા! ના રે! તે દિવસે આરતી વખતે હું સહેજ બારમાં જઈને ઊભી ત્યાં તો મુખિયાજીએ ખાસડું ફગાવ્યું. મને કહે, ‘ગંદી, ગંધારી, ચાલી જા અહીંથી. મંદિર અભડાવવા આવી છે, ડાકણ?’ ત્યાર પછી તો મને એનું મોઢું પણ જોવું ગમતું નથી. પાપનો ઢગલો હોય એવું તો એનું શરીર છે મોટું! મારા ભગવાનનેય એનું મોઢું ન જોવા દઉં તો! (મૂર્તિને છાતીએ ચાંપી એક બચી કરે છે. પછીતનું બારણું ઊઘડે છે. અંદરથી બે ચાકરડા માથા ઉપર કચરાના સૂંડલા લઈને નીકળે છે.) પહેલો : (છોકરાંઓને જોઈને રોફથી.) ભાગી જાઓ અહીંથી, નહિ તો મારવાં પડશે. આખી દુનિયાને અભડાવવા નીકળ્યાં છો તે! ભાગો! બીજો : લાજશરમ છે કે નહિ? મુખિયાએ ખાસડું માર્યું હતું કે ભૂલી ગયાં? નકટા! ભાગો! (છોકરાંઓ નાસી જાય છે. ઉતાવળમાં મૂતિર્ પડી રહી છે. ચાકરડાઓ ટેકરા પર જઈ સંૂડલા ઠલવે છે.) પહેલો : મહારાજે તો માથે કરી : આવતી કાલે સવારે મહાપ્રભુ પધારવાના છે તે ચાર દિવસથી મુખિયાજીએ જંપવા નથી દીધા. હું તો લોથ થઈ ગયો છું. બીજો : એમ થાક્યે પાર નહિ આવે. હજી તો તોરણો બાંધી તાડના પંખા ચોડવા બાકી છે. (બંને જવા પાછા ફરે છે. ચોતરા ઊપર મૂર્તિને પડેલી જુએ છે, આ મૂર્તિને અહીં કોણ લાવ્યું હશે? આ શું! પહેલો : (પાસે જઈ) અરે આ તો ભાંગેલી મૂર્તિ છે. અડીશ નહિ. પેલા છોકરાઓએ અભડાવી હશે. (એક લાકડું ઉઠાવી એના છેડાથી હડસેલતો હડસેલતો મૂર્તિને કચરાના ઢગલામાં પાછી નાખી આવે છે. પછી અંદર જઈ બારણું વાસે છે. રાત્રિ અંધારાનો પહેલો પટકૂળ ઓઢે છે. લપાતાંછુપાતાં છોકરાંઓ પાછાં આવે છે.) દીવડી : (ધૂળમાં પડેલી મૂર્તિને ઉપાડીને) આ...અં! તમને ધૂળમાં ફગાવ્યા, પ્રભુ! (છાતીએ ચાંપે છે.) તોય તમારા એ ભક્તો. તમે એમને ત્યાં જશો અને રહેશો. અમારે ત્યાં આવો તો તો અભડાઈ જાવને! (ચૂંદડીના છેડાથી ફરી મૂર્તિને સાફ કરવા લાગે છે.) ગૂગળ : આજે તું ગાંડી થઈ ગઈ છે, દીવડી? કેસૂડો : ભક્તો ગાંડા હોય! દીવડી : હું કાંઈ ભક્ત નથી. મીરાંબાઈ જેમ વિઠ્ઠલવરને વર્યાં’તાં એમ હું વિઠ્ઠલને વરવાની. હું તો એમની પટરાણી થવાની. કેસૂડો : હવે તો હુંય કહું છું કે સાચે જ તું ગાંડી થઈ ગઈ છે. ગૂગળ : હવે એ વાત મૂકો. આ મૂર્તિનું શું કરવું છે તે નક્કી કરીએ. પેલા બે ચાકરડાઓ વાત કરતા હતા તે સાંભળી? કાલે મહાપ્રભુ પધારવાના છે. મંદિરને તો શણગારી શણગારીને અમરાપુરી બનાવી દીધું છે. કેસૂડો : હા; પણ તેનું શું? ગૂગળ : તેનું શું કેમ? આપણેય આ મૂર્તિને આ ચોતરે મૂકીને મંદિર બનાવીએ. કાલે મહારાજ મંદિરમાં પધારશે એટલે સાથેસાથે આપણુંય મંદિર પાવન થઈ જશે. દીવડી : હા, બરાબર કહ્યું. કાળિયાની મા અંદર વાળવા જાય છે. તે વાત કરતી હતી; મુખિયાજી મહાપ્રભુના પગ ધોવાના છે અને પછી કંકુમાં પગ મુકાવી આરસના ઓટલા ઉપર પગલાં પડાવવાના છે અને પછી એ ઉપર એક મોટું મંદિર બંધાવવાના છે. મહારાજના પગ ધોયેલું પાણી ખાળમાં આવશે. આંખે અડાડીને પાવન થશું. એમને ચડાવેલા ફૂલો પાણીમાં ઘસડાઈ આવશે. આપણા ભગવાનને ચડાવીને એમની પૂજા કરશું. બાકી એમનું દર્શનબર્શન થાય નહિ! આપણને અંદર કોણ પેસવા દે? કેસૂડો : બરાબર છે. ગૂગળ : ચાલો ત્યારે મૂર્તિને પધરાવીએ. (મૂર્તિને ઉપાડી લીમડાના થડને અઢેલાવીને મૂકે છે. ત્રણે વારાફરતી સાષ્ટાંગ પ્રણામ કરે છે.) ગૂગળ : ઊભા રહો, કૂદકો મારી આ કરેણનાં ફૂલ તોડી લઉં, દીવડી : ના, આપણા ભગવાનને કરેણ ન હોય; વગડાની આવળ શોભે. બંનેનો રંગ પીળો છે. છતાં બંનેમાં જમીન-આસમાનનો ફેર છે. એકને વાવીએ તો ઊગે, બીજી તો માતાના ઉમળકાની જેમ આપોઆપ જમીન ભેદીને ફૂટી નીકળે. (કેસૂડો થોડાં આવળનાં ફૂલ તોડી ચડાવે છે. ત્રણે ભાવભીની આંખે મૂર્તિ સામે જોઈ રહે છે. મંદિરમાં આરતીની ઝાલર તથા ઘંટાનો નિયમિત અવાજ થવા લાગે છે. કેસૂડો : દીવડી, આરતી શરૂ થઈ. ગચૂગળ : ગા તારું ગાન. દીવડી, આપણી કને શંખ, ઝાલર કે ઘંટ નથી, પણ એનો અવાજ આવતો હોય તો પ્રતિધ્વનિ પાડતું હૃદય છે. ચાલો એમના સંગીતે આપણી આરતી શરૂ કરીએ. (ત્રણેય હારબંધ ઊભાં રહી, હાથ જોડી સ્થિર દૃષ્ટિએ મૂર્તિ સામે જોઈ રહે છે. મંદિરની આરતીના તાલે દીવડી ગાન ઉપાડે છે અને બંને ભાઈઓ તે ઝીલે છે.) દસ કોઠે દસ દીવડા કીધા, અંતરથાળમાં આરતી; પરસેવાના ધૂપ ધરી દીધા, આંતર-ઘંટ પુકારતી. જગના લોકના મેલ હરી હરી, ફૂલ મૂક્યાં તુજ પાયમાં; પાપ તણાં નૈવેદ દીધાં ધરી, અવર કાંઈ ધરાય ના. હાડ સૂકાં અમ ચામ ગંધાતાં, પગલા એમાં પાડજે! છોડવાના નથી કોઈ કાળે તને, છાંડવા હોય તો છાંડજે! (મંદિરની ઘંટા સાથે દીવડીનું ગીત પૂરું થાય છે. પગે પડી ત્રણે ઊભા થાય છે.) ગૂગળ : બહુ મોડું થયું દીવડી. કેસૂડો : બાપુને ભૂખ્યા આંટો ખાવો પડશે. ચાલો ઉતાવળ કરીએ સવારમાં વહેલાં અહીં આવી પહોંચશું. દીવડી : હા, ચાલો. ભગવાન. મંદિરના લોકો રાત બધી તારું રક્ષણ કરે છે, કેમ કે એમનો ‘તું’ સોનાનો છે. તારું અમે શું રક્ષણ કરીએ? અહીં તને તારે આધારે એકલો મૂકીને જઈએ છીએ. અમારું રક્ષણ કરતાં તો તને આવડ્યું — હવે જોઈએ તો ખરાં તને તારું પોતાનું રક્ષણ કરતાં આવડે છે કે નહિ! કેસૂડો : ગાંડી રે ગાંડી! ચાલ હવે ચાલ. (હાથ પકડી ખેંચવા લાગે છે. ત્રણે વધતા જતા અંધારામાં અલોપ થઈ જાય છે-બુઝાતી શિખાઓની જેમ.)


દૃશ્ય બીજું


(દેવાલયનું પ્રાંગણ સામે પછીતમાં પહેલા દૃશ્યમાં દેખાતા દ્વારનો અંદરનો ભાગ દેખાય છે. અને બીજી બાજુએ મંદિર છે, અને બીજી બાજુએ એક નાનકડો મંડપ બાંધવામાં આવ્યો છે. આખા મંડપને લાલપીળા પટ્ટા અને પતાકાઓથી શણગારવામાં આવ્યો છે. આસોપાલવ અને આંબાનાં તોરણો લટકે છે, અને તાલવૃક્ષના પંખાઓ ખૂણાઓમાં ખોડ્યા છે. સ્થળેસ્થળે ભાતીગળ ફૂલોથી મંડપને મંડિત કર્યો છે. સિંહાસનની સામે ધૂપસળીના ને ગંધધૂપના ગોટાઓ ઊપડે છે. સિંહાસન ખાલી છે, છતાં બે બાજુએ બે પ્રતિહારીઓ ચમ્મર લઈને ઊભા છે. ડાબે પડખે રાજા અને નગરજનો છે. જમણે પડખે એક બાજઠ ઉપર મુખિયાજી પીળું પીતામ્બર પહેરીને બેઠા છે. એમની ગંજાવર કાયાનો કંઈક ભાગ બાજઠની આસપાસ પણ લટકે છે. પૂજારીઓની અને સેવકગણની હાર બેસી ગઈ છે. પ્રેક્ષકોની ઠઠ જામી છે. એક બાજુ વૈતાલિકો સંગીતના સાજ સાથે બેઠા છે. સવારનો શીતળ પવન વાય છે. પંખીઓએ પ્રભાતસંગીત પૂરું કર્યું છે. આકાશમાં અરુણનો ઉદય થયો છે. દૂરથી બહુ જ આછો શંખધ્વનિ આવે છે.) મુખિયાજી : મહાપ્રભુની સવારી આવતી લાગે છે. કોઈ બહાર જઈ જુઓ તો! (એક સેવક જાય છે.) સૌ તૈયાર થઈ જાઓ. મહારાજ પધારે કે સૌએ સાષ્ટાંગ પ્રણિપાત કરવાના છે. પછી વૈતાલિકોએ ગાન શરૂ કરવાનું. પછી પુરજનોએ એક પછી એક નજરાણાં ધરી દૂર ખસી જવાનું, પછી પૂજારીઓએ મહાપ્રભુની પૂજા કરી નૈવેદ્ય ધરવાનું અને સૌથી છેલ્લે આપે એ પુનિત પાદનું પ્રક્ષાલન કરી આચમન કરવાનું છે. ઊઠતાં એમના પગ કંકુમાં પડશે અને પછી આરસમાં એના અંશો રહી જશે. નગરશેઠે ત્યાં મંદિર ચણાવી આપવાનું વચન આપ્યું છે. બરાબર છેને શેઠજી! નગરશેઠ : હા મહારાજ, આપનું કહેવું યથાર્થ છે. સેવક : (બહારથી આવી નમસ્કાર કરી) મહારાજ, મહાપ્રભુની સવારી આમ્રકુંજ સુધી આવી પહોંચી છે. થોડી ક્ષણોમાં અહીં આવી પહોંચશે. મુખિયાજી : ઠીક, તું જા અને પૂજાદ્રવ્યો અહીં લઈ આવ. (સેવક જાય છે.) સૌ સાવધાન. આજે મારો, આ મંદિરનો, આ નગરનો ભાગ્યોદય થયો છે. વર્ષોથી મહાપ્રભુને વિજ્ઞપ્તિઓ મોકલી હતી તે આજે ફળી. રાજા : મહારાજ, આપનાં પુણ્ય ફળે છે. બાકી અમે તો પાપનો ભારો બાંધીને જવાના છીએ. આપ સરખા પુણ્યશાળીઓના પ્રતાપે તો અમે ઊજળા દેખાઈએ છીએ. મુખિયાજી : તમારી જાતને હીન ગણો મા રાજન. જગતમાં સૌ સમાન છે. મહાપ્રભુનો એ જ સંદેશો છે. કારભારી : આપની એ ઉદારતા છે, મહારાજ. (સેવક સપ્તશિખાથી મંડિત આરતી લઈને આવે છે. બીજા અનુચરો પુષ્પથાળ, ચંદન, કંકુ અને અબીલ-ગુલાલ લઈને આવે છે. ખાલી સિંહાસન સામે બધું મૂકવામાં આવે છે. શંખધ્વનિ અને ઘંટારવ વધારે સ્પષ્ટ થાય છે.) મુખિયાજી : મહાપ્રભુ પધાર્યા ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય! (હાથ છાતી સુધી લઈ જઈ આંખો બંધ કરી ધ્યાનસ્થ થાય છે. બધા એમની સામે જોઈ રહે છે. થોડીવારે આંખો ઉઘડે છે.) મારા જીવનનું સાર્થક્ય લાધ્યું. હવે મને કશાની આશા નથી. લોકકલ્યાણ અર્થે જીવન ખર્ચ્યું એની અંતે ફળપ્રાપ્તિ થઈ. મહાપ્રભુની વિશ્વલીલામાં ક્યાંય અન્યાય નથી. (પ્રભાતના પ્રકાશમાં ધીમેધીમે અંધ થતી મમાલોનાં અજવાળાં મંદિરદ્વાર સુધી આવી લાગે છે. શંખધ્વનિ અને ઘંટારવથી વાતાવરણ ગાજી ઊઠે છે. આખો સંઘ ધડકતે હૈયે ઊભો થઈ જાય છે. હાથ જોડી સ્તબ્ધ ચિત્તે સૌ પ્રતીક્ષા કરી રહે છે. મુખિયાજી હજી ઊઠવાની તૈયારી કરતા બાજઠ ઉપર બેસી રહ્યા છે.) આવ્યો આવ્યો, મારો માધવ, મારો પ્રભુ, મારો નાથ! (બે હાથ બાજઠ ઉપર મૂકી ઊંચા થવા જાય છે. હાથ અને પગની વચ્ચેનો બધો ભાગ પેટથી પુરાઈ ગયો. બે સેવકો એમને ટેકો આપી ઊભા કરે છે. આ શું? શો કેર! મહાપ્રભુની સવારી મંદિર મૂકીને ચાલતી થઈ. પ્રભુ, મારા નાથ, મારો શો અપરાધ? (બહારની સવારી મંદિર પાસેથી પસાર થઈ જાય છે. મુખિયાજી બહાવરાની માફક આમતેમ જોવા લાગે છે. સૌની આખોમાં રઘવાટ છે.) રાજા : મહારાજ, આપનો કાંઈ દોષ નહિ હોય. અમ સંસારના કીડાઓએ કાંઈક પાપ કર્યું હશે. મહારાજ, એના પ્રાયશ્ચિત્તરૂપે નગરશેઠના મંદિર ઉપર સોનાનું ઈંડું ચડાવવાની હું માનતા રાખું છું. મહાપ્રભુ પધારે તો એમને પગલેપગલે રૂપાનાં પગલાં જડાવું. (સવારી મંદિરની પછીત આગળ આવીને અટકે છે. સૌ આશ્ચર્યથી એ દિશામાં કાન અને આંખ દોરવે છે. શાંખધ્વનિ અને ઘંટારવ બંધ થઈ જાય છે. બહારથી કોઈ બાળકોના આનંદના ફાટફાટ થતા અવાજો આવે છે.) મુખિયાજી : અરે સમજ્યો, મારા નાથે પાછલે બારણેથી પ્રવેશ કરવો ધાર્યો હશે. ભક્તની બે ઘડી કસોટી કરી! ‘(મારા નાથ!’ ‘મારા નાથ!’ કરતા મુખિયાજી બારણા તરફ દોડે છે. આગળિયો ઉઘાડી ઊભા રહે છે. બારણાં ખુલ્લાં છે પણ એમનું શરીર આડું હોવાથી બહારનું કાંઈ જ દેખાતું નથી.) પધારો, પ્રભુ, અંદર આવો. ગરીબની ખૂબ કસોટી કરી. બહારનો અવાજ : મારે અંદર નથી આવવાનું, પણ તારે બહાર આવવાનું છે. મુખિયાજી : પણ પ્રભુ અંદર પૂજાદ્રવ્યો સુકાય છે, ઘીનો દીવો ઠરી જરી, ગંધધૂપ ઊડી જશે. આપને કાજે એ બધું તૈયાર રાખ્યું છે. કૃપા કરીને અંદર પધારો. બહારનો અવાજ : એ પૂજાદ્રવ્યોનું મને કામ નથી. અહીં મને એક કેસૂડાનું ફૂલ ચડાવવામાં આવ્યું છે. તારાં ફૂલો તો કાલે કરમાઈ જશે. આ તો જીવતું ને જાગતું! એક દીવડી પણ ધરવામાં આવી છે. જેમ દીવાની જ્યોત ફરકે છે એમ એનું કાળજું પણ ધબકે છે. અને તારા સુગંધિત ગંધધૂપને હું શું કરું? મને મૂંઝારો થાય. અહીં મને ગૂગળનો ધૂપ પણ ધરવામાં આવ્યો છે. મને એ પ્રિય છે. મુખિયાજી : (હાંફતાંહાંફતા હાથ જોડી) મહારાજ, ક્ષમા કરો હાંસી ન કરો. ત્યાં કોણ તમને એ બધું ધરે? બહારનો અવાજ : તને મારામાં વિશ્વાસ નથી. બહાર આવ, જોવું હોય તો! તારે ત્યાં તો બધું મર્યાદામાં છે. અહીં બધું અપાર પડ્યું છે. મુખિયાજી : પણ મહારાજ, અહીં રાજાજી અને પુરજનો આપની રાહ જોઈ રહ્યાં છે. આપનાં પગલાં ઉપર મંદિર ચણાવવાનું છે. અમને નિરાશ કરશો? બહારનો અવાજ : અહીં પણ મારી રાહ જોવાય છે. અને તારે ત્યાં છે તેથી તો અનેકગણી આંખોએ યુગયુગથી જાગરણ માંડ્યાં છે. વળી મારું મંદિર તો ચણાઈ ગયું.-ગઈ કાલે સાંજે! પણ તને ભાન ક્યાં છે? મુખિયાજી : આપનું મંદિર ચણાઈ ગયું? ક્યાં? ક્યારે? કોણે ચણાનું મને પૂછ્યા વિના? બહારનો અવાજ : એ જ દુ:ખ છે તો! જોને લોકો પ્રેમનાં મંદિર બાંધે છે અને તને પૂછતાંય નથી. એના કરતાં તો રાજામહારાજા સારા, શેઠશ્રીમંત સારા, કે પાયો તો તારે હાથે નખાવે? પોતાનાં પથ્થરનાં મંદિરોનો! મુખિયાજી : મહારાજ, આપ શું કહો છો તે આજે સમજાતું નથી. અપરાધ થયો હોય તો ક્ષમા કરો, પણ કૃપા કરી અંદર પધારો. બહારનો અવાજ : તને આજે જ સમજાતું નથી એમ નહિ; કદી જ તને સમજાયું નથી. એને માટે તો હું મારે નામે વેપાર કરી શક્યો છે. સમજ મૂર્ખા, મને અંદર પૂરવાનો પ્રયત્ન મિથ્યા છે. મારી સાથે રહેવું હોય તો તારે બહાર આવવું પડશે, તારું સઘળું લઈને. મુખિયાજી : પણ મહાપ્રભુ, હું બહાર કેમ કરીને આવું? બારણું બહુ સાંકડું છે. મારાથી નીકળાતું નથી. (મુખિયાજી બહાર જવાનો પ્રયત્ન કરતા દેખાય છે.) બહારનો અવાજ : (હસતાં-હસતાં) હા. હા. હા. તેં બાંધેલા બારણામાંથી તું જ નીકળી શકતો નથી; તો હું ક્યાંથી પ્રવેશી શકું? મારી સાથે તો ટોળાં છે. મુખિયાજી : મહાપ્રભુ દયા કરો. કાંઈક ઉપાય બતાવો. હું અજ્ઞાની છું. બહારનો અવાજ : દયા? દયા તો મેં કરી જ છે એને માટે તો બહાર રહ્યો છું. અને ઉપાય પણ મારે બતાવવો પડશે? તું અજ્ઞાની હોત તો મેં ઉપાય બતાવ્યો હોત, પણ તું તો વિજ્ઞાની-વિશેષજ્ઞાની છે. મુખિયાજી : ક્ષમા કરો મહારાજ, હું બાળક છું. (બહારથી ત્રણ અવાજ એકસાથે) (બાળક તો અમે છીએ. આજે અમને અમારા બાપુ લાધ્યા એનેય તમારે લઈ જવા છે? તમારે શાની ખોટ છે તે અમને નિર્ધનને લૂંટો છો? તમારી પાસે તો સોનું છે. પણ તમારે બહાર આવવું હોય તો એક ઉપાય બતાવીએ. દીવાલ તોડી નાખો. બાકી તમે બારણામાંથી બહાર આવવાની આશા છોડી દેજો.) બહારનો અવાજ : (હસતાં) સાચું કહ્યું. દીવાલ તોડી નાખ. મુખિયાજી : (પાછળ ફરીને) સેવકો, દીવાલ તોડી નાખો. મહાપ્રભુ અંદર નહિ આવે. આપણે જ બહાર જવું પડશે. (લોકો કોશકોદાળી લઈ દીવાલ તોડવા લાગે છે. વાતાવરણમાં ધડાધડીનો અવાજ ગાજી રહે છે. જોતજોતામાં દીવાલ જમીન ભેગી થઈ જાય છે. તૂટેલા પથ્થરો ઉપર થઈને અંદરના લોકો ધસી જાય છે. મુખિયાજી દડી પડે છે, અને મહાપ્રભુના પગમાં જઈ પડે છે. દીવડી : અરે, અરે, અમને અડશો નહિ અમે... (મહાપ્રભુની એક બાજુ દીવડી અને બીજી બાજુ કેસુડો તથા ગૂગળ લપાઈ જાય છે.) મહાપ્રભુ : મુખિયાજી, તને બાળકો અડવા તૈયાર નથી. તો પછી મારાથી તો તને કેમ અડાય! છોડી દે મારા પગ, અને બાળકો ચાલો આપણે ચાલ્યાં જઈએ—દૂર દૂર અહીં બધું બહુ સ્વચ્છ છે!

(બાળકોને બાજુમાં ચાંપી ચાલ્યા જાય છે.)