એકાંકી નાટકો/‘પિયો ગોરી’ (દશ એકાંકી,1957):શ્રીધરાણીનાં નાટકોમાં અર્ક કાવ્યનો, મહેક નાટકની

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘પિયો ગોરી’ (દશ એકાંકી, 1957) શ્રીધરાણીનાં નાટકોમાં અર્ક કાવ્યનો, મહેક નાટકની

ચંદ્રવદન મહેતા

કાવ્યમાં નાટક : અને નાટકમાં કાવ્ય : ઘણી જાણીતી વાત કહી. કાવ્યપ્રકારમાં નાટકનો બંધ રમ્ય, મનમાં રમી રહે એવો : રમ્માંથી રામા, રમણી, રમણીય ઘણા શબ્દો સરક્યા છે. બધા સારા શબ્દો છે. મનને ભાવે એવા શબ્દો છે, ગમે એવા, પસંદ પડે એવા, મનમાં રમવા માંડે એવા શબ્દો છે. એવા રમ્ય બંધવાળા નાટકમાં કાવ્ય હોય તો દૂધમાં શર્કરા — કે મધમાં ઘી, શું કહીશું? હા, ઘણાંને ઘી જેવું ઘી પણ આજે ભાવતું નથી સાચા ઘીનો સ્વાદ માણનારાને વનસ્પતિ તો ન જ ભાવે એ સમજાય એવી વાત છે. મધ જોતાં જ ઘણાંનાં મોઢાં કટાણાં થઈ જાય છે; દૂધ તરફ અણગમો કેળવાયેલો પણ જાગ્યો છે. ખાંડમાં શર્કરા તો જોવા જ મળતી નથી, મળે છે તો મોરસી, કે મોરસી જેવી ભારતની છૂટા દાણાવાળી, ત્યાં દૂધ-શર્કરાની ઉપમા કે મધ-ઘીની ઉપમા સર્વાંગે બંધ બેસ્તી ન પણ લાગે! કાવ્યમાં નાટક રમ્ય, અને એવા નાટકમાં કાવ્યતત્ત્વ હોય તો? જરા આગળ જઈએ. રમ્યતત્ત્વ નાટકમાં, તો કાવ્યતત્ત્વ શું? રસ. તો આપણે સૂત્રને જરા દીર્ઘ કરીએ. કાવ્યમાં નાટક રમ્ય, અને રમ્ય એવા નાટકમાં રસનિર્ઝરનું કાવ્યતત્ત્વ ભેળસેળ વિનાનું તાજું દોહેલું દૂધ, અને ખેતરમાંથી તરતની કાપેલી તાજી શેરડીમાંથી ત્યાં જ બનાવેલી શુદ્ધ શર્કરા, એ બંનેને કદાચ એક કરીએ તોયે મોળાં લાગે; કારણ જીભનો સ્વાદ ક્ષણિક છે, ક્ષણિક નહીં તોયે બેપાંચ મિનિટનો, ચાખ્યા કરો, મમળાવ્યા કરો ત્યાં સુધીનો; મનનો રસાસ્વાદ લાંબા ગાળાનો છે. સરસ કલાકૃતિ ધ્યાન દઈ વાંચી હોય તો આપોઆપ મનમાં ઘોળાયા જ કરે, મનને રસમાં તરબોળ્યા જ કરે, અને એક પ્રકારનો, લૌકિક નહીં એવો. આનંદ પણ આપ્યા કરે.

(2) નાટક રમ્ય ખરું, પરંતુ નાટકની ન્યાતમાં પણ વટાળ તો પેસે જ છે. ભરતે દશ ભાત પાડી, અને એરિસ્ટોટલે બે જાત બનાવી. ભરતે રૂપકનો પ્રકાર બહલાવ્યો. એરિસ્ટોટલે ટ્રૅજેડીને બહલાવી. પછી તો જેમ મહારાજ્ય હોય એનો શાસક નબળો પડે એટલે બાવન ખંડિયા રાજા થઈ બેસે એ ન્યાયે ભાતભાતના પ્રકાર રચવા માંડ્યા. કોઈ ખંડિયો રાજા સારો પણ હોય, સારા સલાહકારોથી વિશેષ સારો પણ થાય અને વીરધીરચતુર હોય તો એ મહારાજા થઈ ચક્રવર્તી પણ થઈ જાય. ખંડેખંડે જાતજાતનાં નાટકો રચાયાં. એમાં કેટલાંક આકર્ષક થયાં, કેટલાંક રંજનાત્મક થયાં, કેટલાંક સારાં કમાનાર થયાં. કોઈ કીર્તિ કમાયાં, કોઈ ધન કમાયાં. કુળમાં કેટલાક સપુતો પુણ્યબળે કુળને તારનારા પણ નીવડે છે. જુઓને, ભગીરથે કેવું કુળ તાર્યું? નરસિંહે ઇકોતેર કુળ તાર્યાં. પણ દલ્લો કમાવામાં અલ્લાયો. નરસિંહ — શું ધૂળ કમાયો — પૈસાની દૃષ્ટિએ કંઈ જ નહિ, પણ અમર નામ મૂકી ગયો. અમર નામના કમાવાની પણ વૃત્તિ નહોતી તોયે. બ્લૅકમાં કરોડ કમાઈને બાપને આપે. એથી જ કંઈ દીકરો સપૂત નથી કહેવાતો; પણ બાપને મન તો એ લાખ ટકાનો ના, કરોડ ટકાનો ખરું, એવું આપણે ઘણે ઠેકાણે નથી જોતા? નાટકનું પણ એવું છે. કેટલાંક કમાઈ આપ્યા જ કરે છે. સારી જાતનાં નાટકો, સુંદર કોટિનાં એ નાટકો. શેક્સપિયરનાં નાટકો ચાર સૈકાથી ખંડેખંડે પૈસો રળાવી આપે છે. ભજવનાર અને ભજવાવનાર બંને કમાય. મોલિયેર પોતે જે કમાયો એથી અનેકગણું એની પછીના કમાયા, આજે કમાયે જાય છે. આમ તો કવિકુલગુરુ ગણાય એવા કાલિદાસ શાકુન્તલ લખી શું કમાયા એનો આંકઅંદાજ ત્યારે કરવેરાનાં દફતરો નહીં, એટલે નહીં મળે, પણ દોઢ હજાર વર્ષમાં ભાતભાતની શકુન્તલા સાસરે ગઈ, દુષ્યંતે ભલે કાઢી મૂકી, પણ કમાતી રહી. ત્યારબાદ સિનેમા ચાલ્યો, એમાંય પૈસો રળાવ્યો. નામ નાટકોની રળતરકથા પણ વિચિત્ર છે. ચિત્રવિચિત્રના ચોપડામાં પણ એની સારાનરસાની સરખી નોંધ નહીં નીકળે. માણસની જન્મોત્રી, ગ્રહદશા વિશે આપણે ઘણું જાણીએ છીએ. ક્યાંક તાળો મળે છે, ક્યાંક તાળો નથી પણ મળતો. એક જ ઘડી—એક જ ઘડીના અંશાત્મક બે જન્મોનો વિકાસ તપાસતાં પણ વિચારમાં પડી જઈએ છીએ. સ્થળકાળ એક જ, છતાં વિહારવ્યવહાર અલાયદા, એવું પણ જોઈએ છીએ. એના પણ જાણકારો પાસે, અપવાદનાં કે ખાસ કારણો કદાચ હશે; પરંતુ નાટકની જન્મોત્રીના ગ્રહોની ચાલ બ્રહ્માંડના ગ્રહોની ચાલ કરતાં ઘણીવાર જુદી માલૂમ પડે છે. ગૂઢ તો છે જ. આમ જુઓ તો બંનેની ગૂઢ છે, પણ નાટકોની જન્મકુંડલી ગૂઢતમ રહી છે. જન્માક્ષર કરનારા એની પણ જન્મપત્રિકા બનાવે છે. પરંતુ નિયમોની તારવણી કરનારું એમાંથી હજી શાસ્ત્ર નથી નીપજ્યું. અને એ એક રીતે ઠીક પણ છે. શાસ્ત્ર મળે તો એવી ગ્રહોની ચાલ સાધીને જ નાટકલેખકો સફળ કૃતિ સરજવા પરિશ્રમ સેવવાના. તો પછી બધા જ કરોડ કમાનાર દીકરા જેવા વહાલા લાગવાના; ભલે એ દીકરો સપૂત કુલદીપક હોય કે નયે હોય. નાટકની વળી આબોહવા પણ હોય છે. ક્યાંક કદીક હવામાન બહુ સારું, નહીં તો ખરાબ, ભારેનું ખતરનાક જેવું : નાટકનું વસ્તુ પછી એનો મઠાર, એમાંનો સંભાર, અને આખરે એની અસર. કેટલાકને નાટકનું સ્વરૂપ જોઈને જ માઠી અસરની બીક લાગે છે, ભડકી જાય છે. વિષય બરાબર નથી, નાટક નહીં ઊપડે, એવું પણ સાંભળ્યું છે. અસર ખરાબ, ખરાબ થશે, થાય છે, થઈ રહી છે, બંધ કરાવો, બંધ કરો — એવું પણ જોયું જાણ્યું છે. અને હમણાં હમણાં વળી નવો દૃષ્ટિકોણ જન્મવા પામ્યો છે. ભલે વસ્તુ બરાબર નહીં હોય, સંભાર નાટકનો નહીં હોય, પણ કહેવામાં આવે કે નીતિનો ભરો, અમારી કારવાહીનો ભરો, અમારી કારકિર્દીનો ભરો, અમારી કામયાબીનો ભરો, કારણ અમારે અસર ઉપજાવવી જ છે. આવાં નાટકો અસરકારક તો નીવડતાં જ નથી, પણ અસર ઉપજાવવાને નાટક વારંવાર ભજવાવ્યે રાખે છે, કોઈ દી ક્યાંક અસર પડશે! એમાં ધનની આવક ઓછી, નહીં જેવી, કીર્તિનો બનાવટી કોટ પહેલાંથી જ બાંધી લેવામાં આવે, અને જરૂર પડે તો ધનની કોથળીનું મોં પ્રેક્ષક તરફ ખુલ્લું મૂકવામાં આવે એવું પણ બને છે. સંસારમાં જેવા શઠ સાધુ એવા આ નાટકોમાં સાધુબાવા! નાટકના અલંકારોનો એમાં અલ્લાયો, શરીરે નીતિમાર્ગની ભભૂત, અને વેશભૂષામાં લંગોટી અને જટાજૂટ, બહુબહુ તો રાજદંડ એવાં તક-સાધુ નાટકો પણ હમણાં ઠીક ચાલ્યાં છે. સાધુઓનો ધર્મ છે કે કેવળ ઉપદેશ આપવો, સંદેશ ફેલાવવો. અમારા ભરતાચાર્યે કહેલા વિનોદના સાધનને ઉચ્છેદી નાંખ્યું. નાટક દુ:ખીને, શ્રમાર્તોને, શોકાર્તોને, તપસ્વીને પૂર્ણ વિશ્રામ દેનારું, એ હકીકત જ ઉડાડી દીધી! અને નાટકે સાધુનો સ્વાંગ સજ્યો. સાધુઓ સંસારથી અળગા થવાને બદલે સંસારમાં પડવા માંડ્યાં, ત્યાં નાટક હવે રંગરસ ત્યજી સાધુ થઈ બેસે એમાં શી નવાઈ? અસલ સાધુઓ હરદ્વારથી બહાર નીકળેલી ભાગીરથીની મધ્યમાં પડેલા બેટમાં મળતા, ષડ્દર્શનની ચર્ચા કરતા. હવે અમદાવાદ શહેરની વચ્ચોવચ સાધુસંમેલન મળે, સંસારની ચર્ચા કરે, તો નાટકે હવે લાલધોળા રંગની ભભક છોડી કેવળ ભભૂતિ લગાવી ઓછામાં ઓછા વચ્ચે જ બહાર પડવું રહ્યું.

(3) આવા સંજોગોમાં નાટકનું વસ્તુ ક્રિયાશીલ, વેગીલું હોવાની સાથે રસપ્રદ ઉપરાંત રોમાંચક લઈને કોઈ આવે તો એવાના જિગરને આપણે કઠણ જ કહેવું પડે, કઠણ બહારથી, અંદરથી તો સુકોમલ જ હોવાનું. કારણ રોમાંચક ગૂંથણી માટે, સંવેદનામય લખાણ માટે, ફૂલ-પરી પતંગિયા કેવડો કેતકી ચંપો ઉદ્યાન મોરલો મોરલી વાદળ ધુમ્મસ તરંગ તારા શશી કંકુ કંકણ સેંથી કેશવળાંક વેણીમરોડ ઓઢણીછેડો ચૂંદડીપલ્લવ એ બધાની રંગીલી સૃષ્ટિમાં રચીપચી જવું પડે, દિલમાંની, ઉરમાંની અંતરમાંની ઊર્મિઓને નિતારી નિતારી એમાંથી તંતુવાદ્યમાંથી નીપજતી ઝીણી શ્રુતિઓ જેટલી સુકોમલ વણી વણી અને ભાવ અને ભાવનાના તાણાવાણામાં જાતજાતના બુટ્ટાઓ ઊપજે એવી રીતે વણવી જોઈ એ. તો જ રસતત્ત્વ. કાવ્યમય લખાણ લઈને આવે એટલે ઊર્મિમય તો હોય જ. કાવ્ય, એનો આત્મા રસ એમાં નાટક સંલગ્ન થતાં રસને સંજીવની મળે, સજીવન થતાં ક્રિયાત્મક બને, એક દીવડામાંથી અનેક દીવડા પ્રગટે એમ ભિન્ન-ભિન્ન રુચિતંત્રમાં રસનું સર્જન કરે, કૃષ્ણલાલ શ્રીધરાણી ‘કોડિયાં’ના સર્જક — મૂળભૂત પ્રતિભા કવિની, એમાંથી આડા ફંટાયા, ક્યાંક પત્રકારિત્વને ચાળે ચઢ્યા — એમાં નાટક લખવા પ્રેરાયા ત્યાં કવિતાએ સન્માન્યા. મૂળ કાવ્યના લેખક, એણે નાટકનું રમ્ય બીબું હાથ ધરી, એમાં કવિતાને ઉતારી મનોરમ્ય કૃતિઓ સરજાવી. જુઓ 1933થી 1956 બે દાયકા ઉપરનો ગાળો — ‘પ્રાંગણ અને પછીત’ અને છેલ્લું ‘મારે થવું છે.’ બે છેડાની વચગાળે દશ એકાંકી, અગિયારમું ‘વડલો’ નીચે ખાસ્સો પગથાર પાથરીને પડે, અને બધાંયે એકાંકીઓ પડ્યાંપડ્યાં નિરાંતે બે અઢી કલાક કે ત્રણ કલાક સુધી ‘મોરનાં ઈંડાં’ને કે ‘પદ્મિની’ને જોયાં કરે, એવો નાટકનો રાચરચીલો ખડો કરી આપે, તો એ પણ કહેવું પડે કે જિગર છે. અલબત્ત ‘વડલો’ બહુ જૂનો, ક્યાંક ભણાવાથી, ક્યાંક વાચનથી, એની ઠીકઠીક આવૃત્તિઓ થઈ, બાકી નાટકની વળી ઘરાકી કેવી? વાંચનારા કેટલા, એટલે કહું છું કે આવી કૃતિઓ લખવામાં પણ જિગર છે.

(4) કવિતાનો લેખક મોટે ભાગે સ્વતંત્ર છે. એનો માંહ્યલો જાગે છે અને એ લખવા પ્રેરાય છે. બુદ્ધિ, મેધા, આત્મસંવેદના, મનોજાગૃતિ ઊર્મિઉમળકો બધાનો એકસામટો ઉન્મેષ, ઝાકમઝોળ, અવનવું, લૌકિક નથી એવું અનુભવતી અલૌકિક આલેખનક્રિયા, સ્થળ કે કાળ, સંજોગ વાતાવરણ એની તાત્કાલિક પ્રેરણાત્મક અસર ભલે હોય પણ એની બાધક અસર નહીં, એમ કવિમાનસ સ્વતંત્ર છે, એટલું નાટકકારનું માનસ સ્વતંત્ર રહેવા જાય તોયે રહી શકતું નથી. નાટકકારને વિચારવું, ઘટાડવું, મઠારવું, વિધવિધ બંધનો. લોક આચાર, વ્યવહાર, સમાજવ્યવસ્થા, સ્થળ કાળ ઘટના, વાર્તા વસ્તુ સંકલના, અને એ નિમિત્તે અનેક, માનસશાસ્ત્રથી માંડી પ્રયોગ રજૂઆત વખતે પરદા વેશભૂષા આવન-જાવન તે ફાસનશાસ્ત્ર સુધીના નિયમ પરત્વે રાખવાનું ધ્યાન — એવા એવા આલેખનનાં પણ બંધનો. શ્રીધરાણી એવા આ નાટકના ક્ષેત્રમાં આકર્ષાયા. ત્યાં જવા કોણે ચોખા મૂક્યા? કોણે દોર્યા, કોળું પ્રેર્યા, રંગભૂમિએ આકર્ષ્યા? ના, બહુ મોટી ના. કવિતાદેવીએ જ પ્રેર્યાં. એટલે નાટકના મનોવ્યાપારમાં પણ કાવ્યનું તત્ત્વ તરતું રહ્યું. નાટક ભજવવા માટે લખે છે, એવી કૃતિઓ પણ જો ચિરંજીવી લાંબા આયુષ્યવાળી નીવડવાની હોય તો એવી કૃતિ લખાવવા પ્રેરક રંગભૂમિની દેવી નહીં, પણ કવિતા દેવી જ હોય છે. નથી માનતા, તો જુઓ ‘વડલો’. કવિ એને શોકપર્યવસાયી નાટક કહે છે. કહે કવિ છે. એને ફાવે તેમ કહે. શેનો શોક — શેની ગ્લાનિ - વડલો વાયુએ વીંઝાઈ ગયો એનો? દરેક માણસ મરે છે. એથી આજના અર્થમાં દરેકની ટ્રેજેડી નથી થતી. વડલો લાંબું જીવે છે, પણ આખરે તો ભલભલાનાં મૂળિયાં ઊખડી જવાનાં છે. પણ વડલો ધીર ગંભીર સમભાવશાળી સંવેદનશીલ કૃતિનાયક છે. કથા નહીં જેવી, આડાંઅવળાં છૂપાંછપનાં સૂચનો પણ નહીં જેવાં — અને છતાં એક ઠેકાણે વિસ્તરતો ભારેની સંસારમાયા રચ્યો જાય છે. કોયલ આવી, પોપટ આવ્યો; મેના ને કાબર પણ આવી, કિરણ તે અજવાળું લાગ્યો. કાગડાને મન કાબર ભાવી, ઝરણીને મન કિરણ ભાવ્યો. કમિલનીએ શરમ પાથરી, એ જાજમ પર સજી શણગાર સૂરજમુખીએ વાંકા વળીને, ચંપાને મઘમઘ વધાવ્યો. મોરલો તે તો નાચે થનગન, ભીંડાભાઈની ભૂંડી ભવાઈ; વડલો બેઠો રંગત દેખે, એને તે શી નવી નવાઈ? ના જી, આ કંઈ ગીત નથી, કાવ્ય નથી, પણ મૂળ સૂત્ર એ કે કવિ આ નાટક લખવા બેઠા, એટલે અમારાથી પણ કાવ્યમાં જ સરકી પડાયું. આ મનોરમ સૃષ્ટિમાં ભારોભારની કલ્પના છે, તે તેજદાયક છે, આનંદપ્રેરક છે, કોઈને ચંપો ગમશે, તો કોઈને ઝરણી ગમશે — જેવો જેનો કવિઆત્મા પણ આ કલ્પનાનીતરતી કૃતિમાં નાટ્યતત્ત્વથી ભર્યુંભર્યું પાત્ર તો એક જ છે, અને તે પણ હૃદયંગમ છે. કોણ એ વારુ, પારખી શકો છો? રસપ્રવાહમાં વણાયા-તણાયા હશો તો તરત અંતરથી હોઠે આવશે : ગોધણધણીની ભથવારી. સેંથડે સિન્દૂર, આંખમાં આંજણ, નાકમાં નથડી, હાથમાં કડલાં, પગમાં ઝાંઝર, ઘેરવાળો ઘાઘરો અને કસુંબલ ચૂંદડી; માથે મહીની મટુકી અને ભાતની પોટલી. આ વર્ણન મારું નથી, કવિનું જ નાટકમાં છે. ભથવારીના પ્રવેશની સૂચનામાં. શા માટે કર્યું હશે? ભથવારી જે ગીત ગાય છે એ ગીત જ અનોખું છે, સાહિત્યમાં ચિરસ્થાન પામે એવું છે. વર્ણનાત્મક, રોમાંચક, લલિતભાવનું ભર્યુંભર્યું, એ રંગીલું ગીત છે. અને એ ગીત ચિરકાળ ગુંજ્યા કરે તો ગાનારી થનગનતી ભથવારી મનભોમમાં નહીં રમ્યાં કરે! ગીતમાં જ ભથવારી અનાયાસ પોતાને વર્ણવે છે. રંગભૂમિનું ગીત છે ઉપરાંત નૃત્યગીત હોવા છતાં આકાશવાણીનું — રેડિયોનું પણ એ ગીત છે, કારણ એ ગોધણ-ધણીની ભથવારી આપમેળે જ પોતીકા રંગો જીભની પીંછીએ ચીતરે છે ભલી તું રંગીલી, ભારેની મદીલી, ગોધણધણીની ભથવારી. જુઓ, માણસનું મન, પોતીકો સ્વભાવ છુપાવવા માંગે તોયે એ છુપાવી શકાતો નથી. ઘણાં મીંઢા થવા, દંભી થવા, પ્રયત્નો કરે છે. એવા જાતછેતરનારા પણ છે. જીવે છે. અને હજી જન્મ્યા જશે. બળ્યા એમના અવતાર. અહીં તો આ ભથવારીની ચારે બાજુ, એની જીભે પણ એટલા બધા રંગોની મિલાવટ કરી દીધી છે કે ન પૂછો વાત, કારણ લેખકનું મન રંગીલું છે. રખે અવળું સમજતાં! આ ‘પિયો ગોરી’વાળા સંગ્રહમાં એમનો હાથચિતાર પણ દેખા દે છે. સુશોભનો શ્રી શ્રીધરાણીએ જાતે ચીતર્યાં છે. દક્ષિણામૂર્તિના કોઈ જૂના ગોઠિયાને પૂછશો તો કહેશે કે પહેલાં વળી ચિત્રકળાને દોરવા પણ પીંછાં ચીતરેલાં. એથી રંગીલું મન, પણ નસીબવાન છે કે સુરેખ રંગો જુએ છે. આગળ ચાલીએ. અહીં હું તમને મારા મનની વાત કહું. તમને રુચે તો તમે પણ એમ માનજો, ન રુચે તો મને ભ્રમ થયો છે એમ જાણજો. લેખકે ભથવારીનું આવું સુન્દર વર્ણન કર્યું છે, કારણ લેખકને આખી કૃતિમાં એ જ વધારે ગમી છે, લેખકના મનને વરી છે. અથવા તો ભથવારીનું સતીપણું જાળવવા આપણે એમ કહીએ કે લેખકનું મન ભથવારીને વર્યું છે. ભથવારીની સ્પર્ધામાં ઊતરે તો તે કમલિની. બંનેની ઉક્તિઓ લગભગ સરખી છે, પણ ભથવારી પોતાનાં ગીતથી દિલડાં ચોરી જાય છે, આવે છે મોડી, જાય છે વહેલી; કમલિની પ્રવેશે છે વહેલી, રહે છે ખડી, પણ ખૂણામાં પડી જાય છે. કમલિની દુ:ખી છે, રોજની દુ:ખી, વિરહે તપતી. ભથવારી તો સુખી છે, સંતોષી છે, આનંદી છે. વહાલમને છોગલે ચંબેલી ગૂંથનારી એનું રળિયામણું મુખ જોતાં હૈયામાં ફુવારી ઉડાવનારી ચબરાક નારી છે. કોને ન ગમે? જીવતીજાગતી જોબનવંતી પ્રેમની ક્યારી છે. ખરેખર એ ભથવારી મનમાં રમ્યા કરે છે કે એનું ગીત ગુંજ્યાં કરે છે એનો નિર્ણય કરવો અઘરો છે. લેખકનું આ કલાચાતુર્ય છે. બે દાયકા પહેલાં ‘રમકડાંની દુકાન’નું નાટક અમે લખી ભજવ્યું હતું, એમાં આ ભથવારીને અમે ઉપાડી ગયા હતા. બીજા અંકની છેડે આ ગીતનો રાસ જમાવ્યો હતો. હજી એ સૂર, એ હલક અને એ રોનક મનને રસળાવ્યાં કરે છે. ગાનારી ત્યારે તો બાળક કુમારી હતી, હવે તો એ ભાનુ કંચનવરને પરણી મિસિસ પરીખ થઈ ભથવારીને બદલે શેઠાણી થઈ અમદાવાદમાં બેઠી છે. એ સાદ, એ સૂર, એ હલક...‘રમકડાંની દુકાન’ કદીક ક્યાંક ભજવાય છે, પણ ભથવારીના એ ગીત વિના દુકાનની બરકત દીપી નીકળતી નથી. ઠીક, ‘વડલો’ તમને ભજવવામાં જરા નાનો પડ્યો? વડલાની વડવાઈઓની છાયા એકંદરે તો નાની, ભલેને એમાં અગમપારથી કલ્પના અડુકતી-દડુકતી ઊડતી આવી, તો ‘મોરનાં ઈંડાં’ જોવા જઈએ. અરેરે, તમે કહેશો, ક્યાં વિશાળ વડલો, અને આટલું અમથું મોરનું ઈંડું! એને તમે વડલાથી પણ મોટું કહો છો? હા જી. એ તો વળી ભારી નાટક છે. વડલા જેવું રસળતું નથી. આમાં તો બીજમાંથી વૃક્ષ, કે વૃક્ષમાંથી બી, ઈંડામાંથી પૃથ્વી — સભર ભર્યું જગત કે જગતમાંથી પાછું ઈંડું — શંકરાચાર્ય કહે છે, તેમ શૂન્ય? ‘મોરનાં ઈંડાં’ લાંબું નાટક જરા જુદી જાતનું છે. પાછા આમાં મથાળે કવિ લખે છે ‘ત્રણ અંકનું એક સામાજિક નાટક.’ સામાજિક નાટક છે, એવી દાંડી પીટવાનું કોણે કહ્યું હતું! કયો સમાજ, બળ્યો એ સમાજ! કયાં સમાજની કથા છે અહીં? વડલાને શોક કરાવનારી કૃતિ કહે છે, ‘મોરના ઈંડાં’’ને સામાજિક નાટક કહે છે! ના, ના, ના, ના કવિ થઈને છાપ મારે છે, લેબલ ચોડે છે! એમાં છે પ્રોફેસર અભિજિત, સત્ય-અસત્યનો સંશોધક, ઈંડાંનું પૃથક્કરણ કરનારો, જેની પૂજા કરવી હોય એમાં માનવું નહીં, અને જેમાં માનવું તેની પૂજા કરવી નહીં, એવું કહેનારો. વિચારે કંઈ, કરે બીજું; અથવા ધારે શું, થાય તૃતીયમ્; બહુ વિચિત્ર માણસ, સીનિક, કોણ જાણે, અમે કંઈ અહીંયાં પાત્રાલેખન કરવા નથી બેઠા કે ઝીણું પીંજીએ — એટલું જ કે આ અભિજિત કયા સમાજનો? સંસારનો ખરો, — સારો સંસાર તો અનંત ગૂંચળો છે, એમાંનો ખરો, પણ સામાન્ય સમાજનો નહીં. વિચિત્ર, વક્રદૃષ્ટિવાળો ગુજરાતનો જ, પણ બહિર રંગે રંગાયેલો, કેટલાકને અદેખાઈ આવે એવો ભગરી માટીના ઘડતરનો ઘડાયેલો છે, અનોખો છે. હશે! એ વિતંડાવાદમાં પડીશું તો મૂળ વાત રહી જશે : આપણે આગળ કંઈક ઘટાવી ગયા — માણસ ધારે કંઈ, થાય કંઈ, કરવા જાય કંઈ, થઈ જાય બીજું. એ તો થઈ એરિસ્ટોટલથી અવતરેલી અને ઉપર શેક્સપિયની છાપે મહોરેલી ટ્રૅજેડી - કરુણરસ પર્યવસાયવાળી વાત થઈ, નહીં? અને કવિ એને કરુણરસની છાયાવાળી નથી કહેતા, પેલા વડલાને કહે છે. કહે. કવિ છે, એટલે એને બધું માફ. અભિજિત તો એક આશરો છે. બાકી આમાં પ્રણયત્રિકોણ તો ખાસ્સો બેસે છે. અને એમાં ફાલ્ગુની કે આરતી બેમાંથી કોણ વધારે ગમે છે? આપણે તો એ જ નક્કી કરવાનું છે, જો નક્કી કરી શકાય તો. મેં તો નક્કી કર્યું છે, પણ એ તમને કહીને તમારું મન લલચાવી મૂકું કે પખીલું [પક્ષપાતી. પક્ષીલું, પખીલું.] બનાવી દઉં એ ઠીક નહીં. પ્રણયત્રિકોણ તો થતાં થઈ જાય છે, પણ એમાં કરુણિકા ઉદ્ભવે છે. ફાલ્ગુની છે, આરતી છે, અને ત્રીજો છે તીરથ, એ ત્રણે વચ્ચે લાગણીનું ઘમસાણ મચે છે. પલાશ કાંકરો મારે છે, વિદુર સળિયા ઊભા કરે છે, ધાડપાડુને લઈને તોફાન થાય છે એ પહેલાં મનોજે લાગણીઓમાં સળવળાટ કરાવી મૂક્યો છે. આરતીની લાગણી અને ફાલ્ગુનીની લાગણી બંને નોખી નોખી છે. બંને કિશોરીઓ જ નોખી માટીની ઘડાયેલી છે, છતાં પહેલે પગલે બંને જ ગમી જાય છે. તીરથિયો પ્રેમમાં પડે તે પહેલાં તો વાચક જ બંને તરફ આકર્ષાય એવું બની જાય છે. પણ આપણે એ બેમાંથી કિયા ઘાટની ગોરીને પસંદ કરીએ એ વિચારીએ તે પહેલાં ભોળો નક્કર તીરથો બિચારો રુખસદ લઈ લેવા ખાટલે પડે છે, અને આપણે વિષાદમાં ઊતરતા જઈએ છીએ. તીરથો તો ચાલ્યો, મોરલો શો ઊડ્યો, પણ ભાગ્યવન્તી આરતીને તો ખબર પણ ન પડી. અસત્ય અને સત્યમાં ભેદ છે કે નહીં, એનો તોડ કાઢનાર અભિજિતે અસત્ય બોલી સત્ય કામ કર્યું. અલબત્ત, એક વરસ તો શું પણ એક દિવસ પણ એ અસત્ય છૂપું તો રહેવાનું જ નથી, તોયે. ‘મોરનાં ઈંડાં,’ આ કૃતિ પણ કાવ્યમય છે. નાટકકાર કરતાં કવિ વધારે દેખા દે છે. કારણ એક જ કે કવિએ બારી આગળ બંધ બારીએ આરતીને બોલાવરાવી સૂત્રધારનું કામ બહુ અઘરું બનાવી દીધું છે. તમે કહેશો પાછળ માઈક્રોફોન મૂકે તો ચાલે — પણ એમાં સુકોમલ, ભાવની ભરીભરી, નમણી આરતીનો સાદ નહીં નીકળે તો? આ કાવ્યમય નાટકનો તખ્તો બેસાડવા માટે ગોરડન ગ્રેગ કે ડીયાગીલોફ જોઈએ. છેવટમાં અભિજિત આંટા માર્યા કરે અને દૂરદૂરથી આરતીનું ગીત આવ્યા કરે — ક્યાં સુધી એની પાસે આંટા મરાવ્યા કરવા, એ પણ સૂત્રધારને માટે વિકટ કોયડો છે કે ગીત ટૂંકાવવું? ગીત ટૂંકાવીએ તો કાવ્યમાંનું રમ્યતત્ત્વ વિખરાઈ જાય. આખરની કરુણિકા નંદવાઈ જાય. પણ આ આપણા સવાલો નથી, ભજવાવનારના છે. ફોડશે એ માથું આપણે તો આ રમ્ય કૃતિની રસલહાણ શા માટે નહીં માણીએ? મને વેણી વીંઝતી ફાલ્ગુની કરતાં દૃઢનિશ્ચયી, ઊંડી લાગણીવાળી કહ્યાગરી આરતી વધારે ગમે છે. આવો બારી આગળ. બારી બંધ છે. એ દોરડે ચઢીને આવી છે. આરતી અલપઝલપ પણ દેખાતી નથી. અથવા દેખાય છે. ફરીફરી આરતીનું મોં જોવાનું મન થયા કરે છે. ઊતરી ગઈ, ગઈ. હૃદયના તંતુ ખેંચતી ગઈ. પાછી મળશે? ક્યારે મળશે? ગીતની લહેરો વછૂટે છે, અને રોમાંચક સૃષ્ટિ ખડી થાય છે. ગઈ, પાછી મળશે? અભિજિત વિષાદની ઘેરી છાયામાં ક્યાંક મનડું હળવું કરાવવા શબ્દપાસા ફેંક્યે રાખે છે, પણ વિધિ પોતાનો દાવ રમવો ક્યાં ચૂકે એમ છે? ગઈ, પાછી મળશે? કોને? આપણી વાત તો છોડો, તીરથાને એ મળશે? હા, મળવા તો ફેર આવી, પણ રે રે તીરથો ન મળ્યો. આપણો વિરહ આરતી માટે ભારેના સમભાવમાં પલટાઈ જાય છે. જીવડો ધબાક દઈને નીચે પડતાં જીભડી અવાક થઈ જાય છે.

(5) આ સંગ્રહનાં એકબે નાનાં નાટકો પણ જોઈ લઈએ. દશ છે : ‘કેતકી’, ‘ડુંગળીનો દડો’, ‘ડૂસકું’, ‘બહારનો અવાજ’, ‘વૃષલ’, ‘પ્રાંગણ અને પછીત’, ‘નાક’, ‘ઝબક જ્યોત’, ‘વીજળી’ અને ‘પિયો ગોરી’. કુદરતી રીતે કોઈને પણ ‘પિયો ગોરી’ જ વાંચવાનું મન થતાં એમ થાય કે આમાંયે વિરાટ વડલા જેવી વિહ્વલાવી મૂકે એવી કવિતા હશે. છે છેલ્લું પણ એમાં તો ક્યાંય કવિતા નથી. તળપદી રંગભૂમિનું તાદૃશરંગી સચોટ નાટક છે. ખાસ્સું ભજવી શકાય એવું; વિચારમાં પડી જઈએ એવું કે આ જૂની રંગભૂમિનું નાટક કે નવી રંગભૂમિનું નાટક — સુંદરા ગોરી વિષનો પ્યાલો પીએ ત્યાં સુધીનું, કવિલેખક જૂની રંગભૂમિને ઝેર પિવડાવે છે કે બસ, એક તુક્કો આલેખે છે, એના વિચારમાં જ આપણે રહી જઈએ છીએ. અને ત્રીજું દૃશ્ય શરૂ થઈ જાય છે. મથાળામાં તો કાવ્યતત્ત્વ છે જ, અને ધ્વનિતત્ત્વ ક્યાં ઉગામી છે, અને ક્યાં તલવાર ઝીંકાણી છે એમાં છે. એટલે આપણે શરૂઆતમાં કરેલી તારવણી ખોટી તો ઠરતી જ નથી. જો ખોટી ઠરતી હોય તો તે ‘નાક’માં. સહેલાઈથી ભજવાય એવા એ નાટકથી ખોટી ઠરે છે. કેવું રીઆલીઝમ કહીશું, સરરીઆલીઝમ કે નક્કર કે નાગું કે ભડરીઆલીઝમ — શું કહીશું? કરુણ કટાક્ષ તે છે એવો કે આવા દરરોજના ચાબખા પડે તોયે આપણો સમાજ ન સુધરે એવું લાગે છે. બાકી આજના જમાનામાં તે વળી આવા નાટકની શી જરૂર છે. જી. ઘણી જરૂર છે! — એવો પણ કોઈ પ્રશ્ન કરે. હજી એવો જ છે જમાનો. કદાચ આજે એવી ચંપા ન મળે, પણ દિનકરો તો છે જ. રોજ ઊગે છે અને આથમે છે એટલા જ; નાક, નોક, એંટ, આબરૂ, વટ એ બધાને માટે મરી ફીટનારા નથી, પણ મારણહારા તો છે જ; ઠેરઠેર છે. વાત કંઈ, અને કરે કંઈ, એવા દંભીઓની ખોટ નથી. બને તો ‘નાક’ ભજવી જોજો. પણ ભજવવાને અઘરું એવું ‘કેતકી’, એ છે પાછું કવિતાનું નાટક, રમ્યતત્ત્વવાળું, અલબત્ત, કારુણિકાવાળું. મરણશરણ લાવ્યા વિના કવિને આનંદ પડતો નથી. કેતકીમાં ખાસ્સો મોટો જીવલેણ ઝેરીલો નાગ ડસાડ્યો. તખ્તાલાયકી અઘરી, નાગ લાવવો ઉતારવો અને દંશ મરાવવો, ક્યાંક જરી ગફલત થઈ ગઈ તો સત્યાનાશ. પણ કંકણ અને ગુંજનનું કેતકીમય કાવ્યતત્ત્વવાળું નાટક. નાનું છે, નાનકડા ગીત જેવું, ગીતમય જ છે. રસ — સમાધિમાં દોરવે, અને છેવટે ઝબકાવી જગાડી દે એવું. વાંચજો જ. ‘ડુંગળીનો દડો’ લ્યો. ‘‘આખા વિશ્વને હું સંગીતથી વિમુગ્ધ કરું છું. મહાયુદ્ધ એ મારો શ્વાસ છે.’’ નાટકનું મથાળું કેવું, અને આ ઉક્તિ કેવી? આ ઘૃણા પણ કાવ્યમંદિરમાંથી જ હાથ આવેલો પ્રસાદ છે. પણ આપણે બધાં જ નાટકોની ચકાસણી કરવા બેસીશું તો હવે પછી લખાનારાં નાટકોને ઓછું નહીં આવે? અને ઓછું આ રિસાઈ બેસે તો? મારા એક અમેરિકન મિત્ર મને કહેતા હતા કે ત્યાં બેઠાં પણ અંગ્રેજીમાં નાટક શ્રીધરાણીએ લખ્યાં હતાં. અહીં પણ અંગ્રેજીમાં લખે છે. લખો ભાઈ લખો. અંગ્રેજી ભાષાને ગુજરાતમાંથી રુખસદ મળે તે પહેલાં લખો, નહીં કોઈ એનું વાંચનારું નહીં રહે.

(6) ત્યારે સરવાળે શું? અંદાજ કાઢવો અઘરો છે; કારણ મને શ્રી. ઉમાશંકર જોશીની બીક લાગે છે. આમ વિવેચનના ક્ષેત્રમાં હું બહુ પડતો નથી. પરંતુ શ્રી. ઉમાશંકર તલસ્પર્શી વિવેચનામાં કવિ હોવા ઉપરાંત પણ પ્રકીર્તિત છે. (એમણે શ્રીધરાણીનાં કાવ્યોનું અવલોકન કરતાં કેટલાંક કાવ્યોમાં ‘‘ઝંઝાવાત’’, ‘‘અવલોકિતેશ્વર’’, અતિપ્રસિદ્ધ ‘‘સર્જક શ્રેષ્ઠ આંગળા’’માં નાટ્યાત્મકતા જોઈ છે. હું આ નાટ્યકૃતિઓમાં કાવ્યાત્મકતા જોઉં છું.) એથી શ્રી. ઉમાશંકર માઠું નહીં લગાડે એવી મને શ્રદ્ધા છે. હું તો એક ડગલું એ શ્રદ્ધાને લંબાવી એમ પણ કહ્યું કે ઉમાશંકરે જ આ આમુખ લખ્યો હોત તો મજા આવત — કેમ કે એમને પણ નાટકોમાં કાવ્યતત્ત્વ દેખાત જ. ત્યારે સરવાળે તો બધું એક જ છે ને? (અને મહાવિવેચકોએ અથવા તો આચાર્યોએ તો ‘કાવ્યેષુ નાટકમ્’ કહ્યું છે, એમાં રમ્ય શબ્દ ઉમેર્યો છે, અને એનું જ મેં પ્રતિપાદન કર્યું છે.) એક વાત સાચી, કે આપણે ત્યાં કિશોરકિશોરીઓ માટેનાં નાટકો ઓછાં છે. શ્રી યશવંત પંડ્યાએ એ પહેલ કરી હતી. ‘ઘરદીવડી’’ એની સુંદર કૃતિ. અને એ દિશામાં શ્રી શ્રીધરાણી ફળ્યા, એ કંઈ જેવોતેવો ફાળો નથી. સરકારને હમણાંહમણાં નાટ્યપ્રવૃત્તિ તરફ પ્રેમ ઊભરાયો છે, અને નિશાળોમાં એકબીજા વચ્ચે હરીફાઈઓ યોજાવે છે, ત્યારે હેડમાસ્તરો અને માસ્તસાયબો બાળકો માટે નાટકો નથી, નાટકો નથી એવી બૂમરાણ પાડી મૂકે છે. આ ક્ષેત્રમાં હેડમાસ્તરો જ જ્યાં અભણ હોય ત્યાં શિક્ષકોને શું ઠોઠ કહીશું? - તો છેડાઈ પડશે. કેટલી નિશાળની લાઇબ્રેરીમાં યશવંત પંડ્યાનાં, શ્રીધરાણીનાં, ચન્દ્રવદનનાં બાળનાટકો છે? અને હોય તો કેટલા શિક્ષકોએ વાંચ્યાં છે? ના, આ બોક્સ ઓફિસનાં નાટકો નથી. બ્લૅકમાં કરોડ કમાવી આપે એવા સપૂત દીકરા જેવી આ કૃતિઓ નથી. જે નિશાળો આડે ચાળે ચઢી જઈ કેવળ ઇનામો જીતવા, મકાનફંડ માટે પૈસા કમાવા બહાર પડે, એમને માટે આ નાટકો નથી. પણ બાળકોની કલ્પના ઉત્તેજવી હોય, મનોરમ સૃષ્ટિમાં એમને મહાલતાં કરવાં હોય, નભોમંડળના વિરાટ ગોખમાં ચકભિલ્લુ ખેલાવવાં હોય તો એમને માટે આમાંનાં ઘણાં નાટકો હાજર છે, — ભજવવાનો કીમિયો જાણતા હો તો. નાટક કંઈનું કંઈ કર્યા કરે છે. કર્યા કરવું જ પડે. એને કાર્યરત જ રહેવું પડે, નહીં તો એ ના ટકે. ક્રિયા, ક્રિયા. પરંતુ એ ક્રિયા, કવિતાથી છૂટાછેડા લઈ ઝંપલાવે, ત્યાં નાટ્યસંસારનો રથ ચાલવામાં કથળી જાય છે, ક્યાંક ઉથલાઈ પણ પડે. સંસાર સમાજમાં રોજબરોજ ઘણુંઘણું બન્યા તો કરે છે, ઘણુંઘણું એમાં નાટકી તત્ત્વોવાળું હોય છે, પણ એથી કંઈ આપણે એને નાટક નથી કહેતા. કવિતાનો સુકોમલ સહચાર એને શોધવો જ પડે, સાધવો જ જોઈ એ, તો જ રસભાવભર્યું નાટકલાવણ્ય, નટકલાલાવણ્ય નીપજે. (નાટક સાહસકર્મશૂર છે; કવિતા એની પ્રેરકશક્તિ છે; એ શક્તિ વિના એની માયા રચાતી જ નથી. શ્રીધરાણીમાં એ બંને તત્ત્વોનો સુમેળ છે, એટલે જ જે શ્રી ઉમાશંકર છાતી ઠોકીને કહે છે તે ખરું છે, હું નમ્રભાવે કહું છું તે પણ ખરું છે.) આ સુમેળના ટકા કોઈ નક્કી નહીં કરી શકે, અરધોઅરધ હોવા જોઈએ કે ઓછાવત્તા, એ કોઈ નહીં કહી શકે. જેવો વિષય, જેવો મોકો, જેવી ગતિ, જ્યાં જેવો વળાંક; ક્યાંક ઓછાવત્તા થઈ જાય તો ખૂબી પણ વધે, ક્યાંક ખામીરૂપ પણ નીવડે. અહીં એવી ખૂબીખામીઓ પણ છે. પરંતુ એ માટે પણ આવા ક્ષેત્રમાં કોઈને ખૂબી એ ખામી લાગવાની, કોઈને ખામી એ ખૂબી લાગવાની. ચરસ નામે ખરાબ, કેવળ ચરસ નકામો છે; પણ એની ઉપર બુદ્ધિ સવાર થઈ બેસે, અને લગામ હાથ રાખે તો એ ચરસ રસતત્ત્વ પેદા કરે છે. અંતરજાપ્રતિમાંથી ઉદ્ભવેલા આવા ચરસનું પરિણામ આટલું સારું આવે એ દેખીતું છે.

નાટક લખવાની પણ પેશન’ (passion) હોવી જોઈએ. પેશન; શું કહીશું? — ધગશ, વૃત્તિ, નર્મદનો ‘જોસ્સો’, રત રઢ ચસ્કો ચરસ? — ત્યાર વિના નાટકો લખાતાં નથી. એથી જ એનું કાવ્યતત્ત્વ સાથેનું સહિયારું સિદ્ધ થાય છે. એટલે અમે ફરીથી એક જ વાત કહીએ છીએ (શ્રીધરાણીની આ કૃતિઓમાં અર્ક કાવ્યનો છે, મહેક નાટકની છે.)

ચંદ્રવદન મહેતા


0 0 0