એકોત્તરશતી/ભૂમિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભૂમિકા

રવીન્દ્રનાથ સર્વકાલના અગ્રગણ્ય સાહિત્યકારોમાંના એક છે. કેવળ રચનાના જથ્થાની દૃષ્ટિએ બહુ જ ઓછા લેખકો એમની બરાબરી કરી શકે. એમની રચનાઓમાં હજારથી વધુ કાવ્યો અને બે હજારથી વધુ ગીતો ઉપરાંત સખ્યાબંધ ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, નાટકો અને ધર્મ, શિક્ષણ, રાજકારણ અને સાહિત્યવિષયક નિબંધોનો સમાવેશ થાય છે. ટૂંકમાં માણસના રસના એકેએક વિષયમાં એમને રસ હતો. ગુણવત્તાની દૃષ્ટિએ જોઈએ તો એમણે એવાં શિખરો સર કર્યાં છે જ્યાં કેવળ સર્વોચ્ય શક્તિશાળી પુરુષો જ અને તે પણ જવલ્લે જ પહોંચ્યા છે. એમના સાહિત્યના ક્ષેત્રની વિશાળતાનો તથા તેની અસાધારણ ગુણવત્તાનો વિચાર કરતા એમના પ્રશંસકો એમને ઈતિહાસના કદાચ સૌથી મોટા સાહિત્યકાર તરીકે બિરદાવે એમાં નવાઈ પામવા જેવું નથી. કોઈ પણ પ્રતિભાશાળી પુરુષના ઉદયનાં કારણો આપવાં મુશ્કેલ હાય છે, કારણ, પ્રતિભા હમેશાં અપવાદરૂપ જ હોય છે. તેમ છતાં પ્રજાના અચેતન અને અવચેતન માનસમાં જે ભાવો અને ભાવનાઓ વલોવાતાં હોય છે તેને વ્યક્ત કરવાનું એ પ્રતિભાશાળી પુરુષોનું કામ હોય છે. આ રીતે પ્રતિભાશાળી પુરુષ અને લોકો વચ્ચે એક સંબંધ સ્થપાય છે, અને જ્યારે કોઈ પ્રતિભાશાળી પુરુષનો આવિર્ભાવ થાય છે ત્યારે લોકો શા માટે તેને આદર અને આશ્ચર્યપૂર્વક વધાવી લે છે એનો ખુલાસો એમાંથી જ આપણને મળી રહે છે. લોકોએ પોતે જે ભાવો અને ભાવનાઓને અસ્ફુટપણે અનુભવ્યાં હોય છે, પણ જેને પોતે વ્યક્ત કરી શક્યા નથી હોતા તેને પ્રતિભાશાળી પુરુષનાં વચનો અને કાર્યોમાં લોકો મૂર્ત થયેલાં જુએ છે. આવા સંબંધને લીધે પ્રતિભાશાળી પુરુષને પણ લાભ થાય છે. પ્રજાચિત્તમાં વલોવાતા અસ્ફુટ ભાવો અને અસ્પષ્ટ અભીપ્સાઓમાંથી તેને બળ અને શક્તિ મળી રહે છે. આ બંને બાબતોમાં રવીન્દ્રનાથ પ્રતિભાશાળી પુરુષનો લાક્ષણિક નમૂનો છે. એમની અસાધારણતા વિશે તો કોઈ પ્રશ્ન જ નથી, અને એ સાથે જ જે પ્રજાને માટે એઓ જીવ્યા અને જેને એમણે પ્રેમ કર્યો તેના જીવનમાં એમણે ઊડાં મૂળ નાખ્યાં હતાં. પોતાના જન્મના સમય અને સ્થળની બાબતમાં પણ એઓ નસીબદાર હતા. પશ્ચિમના લોકોના આગમનને લીધે ભારતના શાન્ત જીવનજલમાં ખળભળાટ શરૂ થયો હતો અને આખા દેશમાં નવ જાગ્રતિનો સંચાર થઈ રહ્યો હતો, એના પ્રભાવે ભારતના ચિત્તને આંજી દીધું હતું અને એ આરંભના અનેક સુધારકોને પશ્ચિમનું અંધ અનુકરણ કરતા કરી દીધા હતા. રવીન્દ્રનાથ જન્મ્યા ત્યારે શરૂઆતનો એ વિવેકશૂન્ય અહોભાવ ઘટવા માંડ્યો હતો, પણ પશ્ચિમની પ્રજા જે આદર્શો લઈ આવી હતી તે હજી પ્રબળ અને ક્રિયાશીલ હતા. એની સાથોસાથ ભારતના પોતાના વારસાનાં મૂલ્યોનો પણ ઉત્તરોત્તર સ્વીકાર થતો જતો હતો. આથી પૂર્વના અને પશ્ચિમનાં મૂલ્યોનો પોતામાં સમન્વય સાધી શકે એવી પ્રતિભાના ઉદય માટે એ સમય અનુકૂળ હતો. કેવળ સમય જ અનુકૂળ હતો એમ નહિ સ્થળ પણ અનુકૂળ હતું. કદાચ ભારતના બીજા ભાગો કરતાં બંગાળે પશ્ચિમનો પ્રભાવ વિશેષરૂપે અનુભવ્યો હતો. બંગાળમાં પણ નવજીવનનાં સંચલન સૌથી વધુ કલકત્તામાં જોવામાં આવતાં હતાં. રવીન્દ્રનાથની પ્રતિભાના પ્રફુલ્લનમાં એમના કુટુંબની પરિસ્થિતિએ પણ મદદ કરી. ભારતની નવજાગ્રતિના અગ્રેસર એમના કુટુંબે ભૂતકાળના સમૃદ્ધ વારસાને છોડ્યા વગર જ એ નવા પડકારને ઝીલી લીધા. પોતે બ્રાહ્મણ હોઈને રવીન્દ્રનાથે પ્રાચીન ભારતની પરંપરાઓને સહજ અને સ્વાભાવિક રીતે અપનાવી લીધી હતી; એમના ઉપર કેવળ સંસ્કૃત સાહિત્યના જ નહિ પણ સંસ્કૃત ભાષામાં ભરેલા ધાર્મિક અને સાંસ્કૃતિક આદર્શોનો પણ પ્રભાવ પડ્યો હતો. જમીનદાર વર્ગના હોઈને એ મધ્યકાલીન ભારતની જીવનરીતિથી પરિચિત હતા અને મોગલ દરબારની સંકલિત સંસ્કૃતિને નિઃસંકોચપણે સ્વીકારી શક્યા હતા. આ બંને બાબતોમાં એઓ અને એમના જમાનાના બીજા બ્રાહ્મણ જમીનદારોની વચ્ચે કદાચ તફાવત ન હતો, પણ એમનામાં એક વિશેષતા એ હતી કે એઓ અર્વાચીન જગતના નવ પ્રવાહો વિશે પણ સચેત હતા. એમનું કુટુંબ પ્રાચીન અને મધ્યકાલીન ભારતની પરંપરાઓથી તરબોળ હતું અને સાથોસાથ પશ્ચિમનાં શિક્ષણ અને જીવનરીતિની બાબતમાં પણ એક અગ્રેસર હતું. રવીન્દ્રનાથનો ભારતીય વારસો ખૂબ સમૃદ્ધ હતો અને તે સાથે તેમના મનમાં કોઈ દ્વિધા કે છૂપો વિરોધ નહોતો તેનો ખુલાસો આ કૌટુબિક ભૂમિકામાંથી મળી રહે છે. એમનું વ્યક્તિત્વ સમન્વિત અને એમના ઘણા બધા સમકાલીનોની શક્તિનો હ્રાસ કરનારા વિરોધોથી મુક્ત હતું. ખરેખર, રવીન્દ્રનાથ નસીબદાર હતા કે પ્રાચીન અને મધ્યકાલીન ભારતનાં મૂલ્યોનો ત્યાગ કર્યા વગર જ એઓ નવાનો પડકાર ઝીલી શક્યા. જેઓ પોતાની સંસ્કૃતિથી વિખૂટા પડી ગયા હતા અને પશ્ચિમની પ્રેરણા ઉપર વધારે પડતો આધાર રાખતા હતા, તે પ્રજાજીવનમાંથી ઊખડી ગયા જેવા હતા. લોકો સાથેનો સંબંધ તૂટી જવાને લીધે તેઓની પ્રેરણાના ઝરા સુકાવા લાગ્યા અને તેઓની આધ્યાત્મિક મૂડી ઓછી થઈ ગઈ. એ જ કારણથી નિઃશંક કુદરતી બક્ષિસ અને શક્તિ હોવા છતાં તેઓમાંના ઘણાખરા ભારતીય જીવન અને સાહિત્ય ઉપર ઊંડો કે કાયમી પ્રભાવ ન પાડી શક્યા. પ્રજાની અંતરતમ પ્રેરણાઓ સાથે તાદાત્મ્ય સાધવાને લીધે પ્રતિભાશાળી પુરુષોને જે શક્તિ મળી રહે છે તેની તેમનામાં ખોટ રહી ગઈ. લોકોની સાથે તાદાત્મ્ય સાધવામાં રવીન્દ્રનાથને મદદ કરનાર બીજી પણ એક વસ્તુ હતી. જીવનના છેક શરૂઆતના સમયમાં તે પોતાની હોડીમાં પદ્માના રેતાળ કિનારે મહિનાઓ સુધી રહ્યા અને દેશની ગ્રામસંસ્કૃતિના નિકટ પરિચયમાં આવ્યા. આ પ્રદેશોમાં એમને જે પ્રકારના જીવનનો અનુભવ થયો તેનાં મૂળ દેશના આદિમ અને પ્રાચીન ઈતિહાસમાં રહેલાં હતાં. મધ્યકાલમાં વિકસેલી નગર સસ્કૃતિ કરતાં પણ પ્રજાના જીવનમાં એ સંસ્કૃતિ ભૂતકાળમાં વધારે ઊંડે સુધી ગયેલી હતી. આમ રવીન્દ્રનાથે એવા એક જગતમાં પ્રવેશ મેળવ્યા જેનો શહેરના લોકોને પરિચય જ નથી હોતો, અને પ્રજાકીય ચેતનાનાં કેટલાંક ઊંડામાં ઊંડા સ્તરોમાં પોતાનાં મૂળ જમાવ્યાં. એમની વિપુલ સર્જકશક્તિના મૂળમાં સામાન્ય લોકોના ભરપૂર જીવન સાથેનો એમનો સંપર્ક રહેલો છે અને એમની પ્રેરણામાં કદી ઓટ આવી જ નહિ એનો ખુલાસો પણ આમાંથી જ મળે છે. રવીન્દ્રનાથનાં જીવન અને કાર્યનો વિચાર કરતાં એમની પ્રતિભાની અદ્ભુત પ્રાણશક્તિ જોઈને આપણે વારંવાર આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. તેઓ પ્રધાનપણે કવિ હતા, પણ એમનો રસ કવિતા પૂરતો જ મર્યાદિત નહોતો. એમની સાહિત્યરચનાઓની વિવિધતાનો ઉલ્લેખ અમે આ પહેલાં જ કર્યો છે, પણ સાહિત્યનો વિશાળમાં વિશાળ અર્થ કરીએ તોયે કેવળ સાહિત્ય એમની શક્તિને ખુટવાડી શકતું નહોતું. એઓ સંગીતકાર અને ઊંચામાં ઊંચા દરજ્જાના ચિત્રકાર પણ હતા. ઉપરાંત, એમણે ધર્મ અને શિક્ષણને લગતી વિચારણામાં, તેમ જ રાજકારણ, સમાજસુધારણા, નૈતિક ઉન્નતિ અને આર્થિક નવરચનામાં મહત્ત્વનો ફાળો આપેલો છે. ખરું જોતાં, આ ક્ષેત્રોમાં એમની સિદ્ધિઓ એટલી મોટી છે કે આધુનિક ભારતના ઘડવૈયાઓમાં એમની ગણના થાય. જીવનની એકતાનો અનુભવ એ રવીન્દ્રનાથની મોટામાં મોટી શક્તિ હતી. આદર્શો કે સંસ્કૃતિની કોઈ દ્વિધાને લીધે એમની શક્તિ વિવિધ ફાંટાઓમાં વહેંચાઈ ગયેલી નહોતી. એટલે એઓ કલા અને જીવન વચ્ચે કોઈ જુદાઈ ન સ્વીકારે એમાં નવાઈ નથી. ઓગણીસમી સદીના અંતમાં યુરોપમાં કલામીમાંસામાં એક નવો જ વાદ વિજયી નીવડ્યો. ઘણા એવું માનવા લાગ્યા કે કલાના જીવન સાથેના સંબધનો વિચાર કર્યા વગર કેવળ કળા ખાતર જ કળાનું સેવન કરવું જોઈએ. એકદંડિયો મહેલ કલા પ્રવૃત્તિનાં પ્રતીક અને આદર્શ બની ગયો. એ મતના લોકોના કહેવા પ્રમાણે કવિ અને કલાકાર સૌ પ્રથમ સ્વપ્નસેવી હોય છે. રવીન્દ્રનાથે કલા જીવનથી અલગ છે એમ કદી સ્વીકાર્યું નથી. એમણે સૌંદર્યની ઉપાસના કરી છે પણ તે જીવનના એક આવિર્ભાવ તરીકે. સાથોસાથ તેઓ એમ પણ માનતા હતા કે જીવન જ્યાં સુધી સૌંદર્યમય ન બની જાય ત્યાં સુધી તેમાં માધુર્ય પ્રગટતું નથી. રવીન્દ્રનાથને મન કવિ ધર્મ એ માનવ ધર્મ પણ હતો.

(૨)

રવીન્દ્રનાથ જગતના શ્રેષ્ઠ ઊર્મિકવિઓમાંના એક છે. લાગણીની સચ્ચાઈ અને ચિત્રોની સબળ સ્પષ્ટતા એમના પદ્યના સંગીત સાથે ભળીને એવાં કાવ્યો સર્જે છે જે તેના શબ્દો ભુલાઈ ગયા પછી પણ લાંબા કાળ સુધી વાચકના ચિત્તમાં ગુંજ્યા કરે છે. લાગણી, ચિત્ર અને સંગીતનો આ ત્રિવેણી-સંગમ એમના જીવનની શરૂઆતથી જ જોવામાં આવે છે. ‘નિર્ઝરેર સ્વપ્ન ભંગ’ની રચના એઓ વીસ વર્ષના થયા તે પહેલાં જ થયેલી છે. તેમ છતાં આજે પણ એ બંગાળી ભાષાનાં, બલકે કોઈ પણ ભાષાનાં, શ્રેષ્ઠ ઊર્મિ –કાવ્યોમાંનું એક છે. એ કાવ્ય કેવળ એના સંગીતને અને લાગણીની તીવ્રતાને કારણે જ નહિ પણ તેનાં ચિત્રોની પ્રગલ્ભતાને કારણે પણ ધ્યાનપાત્ર બની રહે છે. એથી પણ કદાચ વધારે મહત્વની વસ્તુ તો એમાં સધાયેલી પ્રકૃતિ અને મનુષ્યની અવિચ્છેદ્ય એકતા છે. પ્રકૃતિ અને મનુષ્યનું આ તાદાત્મ્ય રવીન્દ્રનાથની કવિતાનું જીવનભર એક સૌથી વિશિષ્ટ લક્ષણ રહ્યું છે. પૃથ્વીને આટલા ભાવાવેગપૂર્વક ચાહનાર બીજો કવિ કદાચ કોઈ કાળે નહિ થયો હોય. દિવસની કે રાતની કે ઋતુચક્રની ભાગ્યે જ કોઈ ભાવભંગી એવી હશે જે રવીન્દ્રનાથે પોતાની કવિતામાં ગાઈ ન હોય. બંગાળનાં દૃશ્યો અને ધ્વનિઓ અને ખાસ કરીને તેના ગ્રામપ્રદેશનાં પ્રાકૃતિક દૃશ્યો વારંવાર એમના છંદની ઇન્દ્રજાળમાં પકડાયાં છે. કાલિદાસના સમયથી ભારતના કવિઓ વર્ષાનો વૈભવ મન મૂકીને ગાતા આવ્યા છે. રવીન્દ્રનાથે પણ પોતાનાં સેંકડો ગીતો અને કાવ્યોમાં વર્ષાની પલટાતી રહેતી છટાઓને ઝીલી છે. ખરું જોતાં, એમનાં વર્ષાનાં ગીતો અને કાવ્યો આપણા રાષ્ટ્રીય વારસાનો એક ભાગ બની ગયાં છે. વરસાદના આગમનની સહેજ પહેલાંની તપેલી શુષ્ક ધરતીની પ્રતીક્ષા, પહેલા ઝાપટા પછી ભીની ધરતીમાંથી ઊઠતી હરી હરી સોડમ, નવા નવા ઊગતા ઘાસના લીલા અંકુરોમાંનો પ્રાણધબકાર, સવારના સ્વચ્છ પ્રકાશને ઝાંખો કરી નાખનાર અને સંધ્યાની છાયાને જાદુથી ભરી દેનાર કાળાં વાદળો, રાત્રિની નીરવતામાં વરસતા વરસાદનો અવિરત ઝરમર ઝરમર અવાજ—આ અને આવાં બીજાં સેંકડો ચિત્રો રવીન્દ્રનાથની જાદુભરી પદાવલિ આપણા ચિત્તને હૂબહૂ પ્રત્યક્ષ કરાવે છે. ઉપરાંત એમણે માનવહૃદયનાં સુખદુ:ખને પણ તેમાં એવાં વણી દીધાં છે કે પ્રકૃતિ અને મનુષ્ય એકબીજાના ભાવોનો પડઘો પાડે છે અને પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ઓગાળીને એકરૂપ થઈ જાય છે. વળી રવીન્દ્રનાથે બીજી ઋતુઓની પણ ઉપેક્ષા કરી નથી. શરદ અને વસંતના ભિન્નભિન્ન ભાવોનું નિરૂપણ તેમણે કર્યું છે. નવવસંતની ઉદ્દામ ચંચલતા, શિશિરના બંધનમાંથી મુક્ત થવાનો ભાવ, અને રંગો અને ધ્વનિઓનું એકાએક પ્રબળપણે ફૂટી નીકળવું—એ બધું જ એમનાં અનેક કાવ્યોમાં અને ગીતોમાં પ્રતિબિંબિત થયેલું છે. એ રચનાઓમાં વસંતનો કેવળ આનંદ અને શક્તિમત્તા જ નહિ પણ તેની અનિત્યતા અને ક્ષણભંગુરતા પણ પ્રતિબિંબિત થયાં છે. પૂર્ણતાના અને પરિપક્વતાની ભાવભરી શરદે અને તેનાં મેઘધોયાં સ્વચ્છ વાદળોએ રવીન્દ્રનાથનાં અનેક કાવ્યોમાં વિશેષ ભાગ ભજવ્યો છે. એમનું એક અત્યંત સફળ ગીતનાટ્ય ‘શરદુત્સવ’ શરદની આસપાસ જ ગૂંથાયેલું છે અને તેમાં તાત્કાલિક કામના દબાણમાંથી મુક્તિનો ભાવ રહેલો છે. શિયાળાને અને ઉનાળાને પણ એમણે વિસાર્યા નથી. એમના એક અત્યંત પ્રસિદ્ધ કાવ્યમાં રવીન્દ્રનાથે ગ્રીષ્મની, નવજીવનના આગમનની અઘ્ધર શ્વાસે પ્રતીક્ષા કરતા રુદ્ર સંન્યાસીરૂપે કલ્પના કરી. રવીન્દ્રનાથને ધરતી સાથે આટલી નિકટતાથી બાંધનાર કેવળ પ્રકૃતિનું સૌંદર્ય જ નહોતું. પૃથ્વી એ માણસનું વાસસ્થાન છે એ કારણે પણ એમને પૃથ્વી ઉપર પ્રેમ હતો અને એમણે પોતાના માનવપ્રેમને અગણિત ગીતો અને કાવ્યોમાં વહાવ્યો છે. માનવ હૃદયની ભાગ્યે જ કોઈ એવી ઊર્મિ હશે જેનો એમનામાંથી પ્રતિશબ્દ ન ઊઠયો હોય. હર્ષ અને શોકની આછી ઘેરી બધી જ છાયાઓ સાથેની પ્રેમની વિશ્રંભલીલા અવિસ્મરણીય શબ્દોમાં સાકાર થયેલી છે. દુઃખ, શોક અને નિરાશાપૂર્ણ પ્રતીક્ષાની અકથ્ય વેદના એટલી બધી હૂબહૂ પ્રતિબિંબિત થયેલી છે કે આપણે દંગ થઈ જઈએ. માનવ ભાવોના સાથીરૂપે પ્રકૃતિ સદૈવ હાજર હોય છે જ એવું અનુભવાયા કરે છે. એઓ જાણતા હતા કે જીવન જદ્દોજહદથી ભરેલું છે અને જગતમાં ઘણી ઊણપો છે, તેમ છતાં તેમને લાગતું હતું કે એ બધી અપૂર્ણતાઓ અને દોષો, યાતનાઓ અને ઝંખનાઓને કારણે જ દુન્યવી જીવન માણસને વધુ વહાલું લાગે છે. રવીન્દ્રનાથને મન આ જગત કેવળ રંગભૂમિ જ નથી જ્યાં માણસ પૂર્ણતર જીવન માટે મથતો હોય, પણ એ તે એક પ્રેમાળ માતા પણ છે, જે બધા અનુભવોમાં ઊંડો અર્થ જોવાના માણસના પ્રયાસો ઉપર નજર રાખી રહેલી છે. રવીન્દ્રનાથ કઈ સંન્યાસી નહોતા અને તેમણે દેહના નાનાવિધ ભોગભર્યા જીવનનો ઇન્કાર કરનાર આદર્શનો જાણીબૂઝીને અસ્વીકાર કર્યો હતો. તેમ એ વિલાસી કે ભોગવાદી પણ નહોતા, કારણ, તેઓ માનતા હતા કે જીવનનું સાચું ગૌરવ, પૂર્ણતર અને સમૃદ્ધતર અનુભૂતિ માટે સતત પ્રયત્નશીલ રહેવામાં છે. પૂર્ણતર જીવન માટેની આ ઝંખના એમનાં કાવ્યોમાં વારે વારે દેખા દે છે. ‘વસુન્ધરા’માં એમણે પૃથ્વીના ભર્યાભાદર્યા જીવનને અને આદિમ શક્તિના ઊભરાતા જુવાળ સાથેના માણસના અંતરંગ સંબંધને ગાયો છે. ‘સ્વર્ગ હઇતે વિદાય' નામના એમના એક અતિપ્રસિદ્ધ ઊર્મિકાવ્યમાં એમણે સ્વર્ગના લાગણીશૂન્ય શાન્ત સુખને દુન્યવી જીવનમાં વહેતી સુખદુ:ખની અનિર્વચનીય ધારા સાથે સરખાવ્યું છે. એમની પોતાની પસંદગી કઈ તરફ ઢળે છે એ વિશે રવીન્દ્રનાથે આપણા મનમાં લેશ પણ શંકા રહેવા દીધી નથી. રવીન્દ્રનાથ પ્રધાનપણે ઊર્મિકવિ હતા, પણ એમના પ્રકૃતિપ્રેમ અને સર્વ જીવસૃષ્ટિ સાથેની એમની આત્મીયતાને કારણે એમનાં અનેક કાવ્યોમાં એક સમૃદ્ધ નાટયગુણ પ્રવેશ પામે છે. એમની ઊંડી માનવતા અને ન્યાય માટેની જોશીલી ઝંખના જોતાં એઓ સામાજિક અને રાજકીય વિષયો તરફ આકર્ષાય એમાં નવાઈ પામવા જેવું કશું નથી. પ્રસંગ ભલે કોઈ વિશેષ અનુભવનો હોય, તેમ છતાં એઓ જેને જેને સ્પર્શે છે તેને સર્વદેશીય અર્થની ભૂમિકા ઉપર ઉઠાવે છે. એમણે પોતાના દેશજનોના પૂર્વગ્રહો અને વહેમો વિરુદ્ધ કેટલાંક કટુ કટાક્ષકાવ્યો લખ્યાં છે, પણ તે કાવ્યો પણ, વિરલ અપવાદ બાદ કરતાં, એમનો મૂલગત માનવવાદ, એમના પ્રકોપ અને રોષની ઉપર કેવો વિજયી બને છે એ જ બતાવે છે. એમનાં રાષ્ટ્રપ્રેમનાં કાવ્યો સુધ્ધાં એક પ્રકારની સમસ્ત માનવજાત માટેની લાગણીથી ભરેલાં છે. રવીન્દ્રનાથને મન રાષ્ટ્રપ્રેમ એટલે પોતાના દેશ અને દેશબંધુઓ માટેના પ્રેમરૂપી ભાવાત્મક ગુણ, નહિ કે પરદેશીઓ પ્રત્યેના ધિક્કારરૂપી અભાવાત્મક વલણ. આનું એક ઉત્તમ દૃષ્ટાંત એમના કાવ્ય ‘ગુરુ ગોવિંદ’માં જોવા મળે છે. એ કાવ્યમાં પોતાના દેશ અને દેશજનો માટેનો ઊભરાતો પ્રેમ ગાઢ બનતો બનતો આખી માનવજાત પ્રત્યેના પ્રેમમાં પરિણમે છે. ખરુ જોતાં, જેને જેને માનવ સાથે સંબંધ છે તે એમને મન પરાયું હોઈ શકે, એવું એમણે કદી સ્વીકાર્યું જ નથી. એમના પ્રસિદ્ધ ઊર્મિકાવ્ય ‘પ્રવાસી’માં એઓ જણાવે છે કે દરેક ઠેકાણે મારું ઘર છે અને દરેક દેશમાં મારો દેશ છે.. આખી માનવજાત સાથેના તાદાત્મ્યનો આ ભાવ આપણા રાષ્ટ્રગીતમાં ઉત્તમ રીતે અભિવ્યક્તિ પામ્યો છે, જેમાં રવીન્દ્રનાથ જગતના જનગણમનના અધિનાયકનું ભારતના ભાગ્યવિધાતા તરીકે આવાહન કરે છે. રવીન્દ્રનાથનો માનવપ્રેમ અજાણતા અને અપરિહાર્યપણે ઈશ્વરપ્રેમમાં ભળી જાય છે. અમે આ પહેલાં નિર્દેશ કરી ગયા છીએ કે એમની કલ્પનાએ અનુભવને જે રીતે ઝડપ્યો છે તેમાં પ્રકૃતિ અને માનવ કેવાં એક થઈ ગયાં છે. તેમ એમણે ઈશ્વર કદી માણસના જીવનથી અલગ અને દૂરની વસ્તુ હોય એમ માન્યું જ નથી. એમને મન ઈશ્વર પ્રધાનપણે પ્રેમસ્વરૂપ છે. માતાનો સંતાન માટેનો પ્રેમ અથવા પ્રેમીનો પ્રિયતમા માટેનો પ્રેમ એ કેવળ પરમ પ્રેમસ્વરૂપ ઈશ્વરનાં જ રૂપો છે. અને એ પ્રેમ કેવળ અગમ્યવાદીની ભાવવિહ્વલ ભક્તિમાં જ પ્રગટ થાય છે એમ નહિ, સામાન્ય માનવીના રાજિંદા જીવનના વ્યવહારમાં પણ પ્રગટ થાય છે. રવીન્દ્રનાથે વારંવાર કહ્યું છે કે ઈશ્વરનો સાક્ષાત્કાર જીવનના સામાન્ય સંબંધોમાં અને જેને આધારે જગત ટકેલું છે એવા રોજરોજનાં કાર્યોમાં કરવાનો છે. રવીન્દ્રનાથ ઉપર વૈષ્ણવ કવિતાનો અને સૂફીઓના અગમ્યવાદનો ઊંડો પ્રભાવ પડ્યો હતો એમાં શંકા નથી. એમનાં કાવ્યોમાં અને ગીતોમાં એવાં ભાવપ્રતીકો અને વિષયો ભર્યા પડ્યા છે જે આપણને મરમીઓના ભાવદશાના અનુભવની યાદ આપે, પણ સાથોસાથ એ કાવ્યોમાં અને ગીતોમાં આપણે રોજિંદા જીવનની હકીકતોનું તીવ્ર ભાન પણ જોવા પામીએ છીએ. એમના શબ્દોમાં અને વાકયપ્રયોગોમાં અભિવ્યક્તિની એવી એક પ્રતીતિકરતા છે, જે કેવળ અંગત અનુભૂતિમાંથી જ પ્રગટી શકે. ભાવની સૂક્ષ્મ ભંગીઓ પ્રકૃતિના ભાવો સાથે એવી ભળી ગયેલી છે કે જેનો જોટો જગતના કાવ્યસાહિત્યમાં ઓછો જ મળે. એમની અગમ્યવાદી કવિતાની ગુણવત્તા વિશે બે શબ્દો કહેવાની જરૂર છે. ‘ગીતાંજલિ’નો અંગ્રેજી અનુવાદ પહેલવહેલો પ્રગટ થયો તે પછી યુદ્ધથી છિન્નભિન્ન અને કટુ બની ગયેલા જગતમાં શાંતિ અને પ્રેમના એના સંદેશને કારણે પશ્ચિમના લોકોએ એને ઉત્સાહથી વધાવી લીધો હતો. એ નાનકડા સંગ્રહમાંનાં કાવ્યો ગભીર શાંતિ અને શાતાથી ભરેલાં છે એમાં કોઈ શંકા નથી. એ કાવ્યોના વિષય પરિચિત છે અને ભાષા અને ભાવચિત્રો સાદાં છે તેમ છતાં તેમાં સૌંદર્ય અને સુદૂરતાનો એવો એક ગુણ છે જે અનિર્વચનીય છે. યુરોપ અમેરિકાના વાચકોને તો એ કાવ્યોએ કંઈક નવુંજ મળી આવ્યું હોય એવો આનંદાશ્ચર્યનો અનુભવ કરાવ્યો. પણ બંગાળીમાં એમનાં કાવ્યો વાંચનારને તો એ કાવ્યો એમના પહેલાંનાં કાવ્યોની સ્વાભાવિક પરિણતિરૂપ હતાં. પ્રકૃતિ અને માનવ પ્રત્યેનો પ્રેમ અજાણતાં જ આગળ વધતાં પ્રભુ પ્રેમમાં મળી ગયો હતો. ગભીર અંગત દુ:ખાનુભવે એમનાં ભાવપ્રતીકો અને વિષયોને એક પ્રકારની પરિપકવતા અર્પી હતી. વધતા જતા અનુભવે એમને એ નિઃશંક સત્યનું દર્શન કરાવ્યું હતું કે આપણું સમગ્ર જીવન રહસ્યથી વીંટાયેલું છે. માનવજીવનનાં વિસ્મય અને વેદનાએ એમનાં કલ્પના–સર્જનોને એક નવી જ સહાનુભૂતિ અને સમજ આપી હતી. નરી સાદાઈ એ રવીન્દ્રનાથનાં આ ઉત્તર વયનાં ઘણાંખરાં ઊર્મિકાવ્યોની એક લાક્ષણિકતા છે. પોતાનાં પ્રારંભકાળનાં કાવ્યોમાં એમણે સંસ્કૃતના વિપુલ અનુષંગો અને સ્વરસામ્યનો પુષ્કળ ઉપયોગ કર્યો છે. તેમાંની ઘણી કવિતાઓ પ્રશિષ્ટ ભારતીય સાહિત્યના વિષયો અને ભાવને ઝીલે છે. બેશક, તેમણે જૂના પ્રસંગોને નવો વળાંક આપેલો છે, તેમ છતાં ભારતની સમૃદ્ધ પ્રાચીન પુરાણકથાઓ સાથેનો સબંધ અચૂક સચવાયો હોય છે. માનવ અને ઈશ્વર વિશેનાં એમનાં પાછલા સમયનાં કાવ્યોમાં એમણે બધા જ અલંકરણોનો ત્યાગ કર્યો છે. પોતાની ઈશ્વર સંબધી અનુભૂતિને વ્યક્ત કરવા માટે સાદામાં સાદી માનવ પરિસ્થિતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભાષા સુધ્ધાં રોજિંદા વ્યવહારની સામાન્ય ભાષાના જેવી સાદી અને સીધી બની ગઈ છે. આ ઉત્તર કાળનાં ઘણાં કાવ્યો અને ગીતોમાં આપણે અવ્યવહિત અનુભૂતિનો સાક્ષાત્કાર કરીએ છીએ. વાણી બિલકુલ પ્રાસાદિક અને પારદર્શક બની ગઈ છે અને તેમાં વિશુદ્ધ સંગીતની સૂરાવલિની પેઠે એવી એક તાદૃશતા અને શક્તિને અનુભવ થાય છે જે આપણને ઘણીવાર અવાક્ બનાવી દે છે. તેમ રવીન્દ્રનાથ જીવનભર સત્યના નિર્ભીક અને નિષ્ઠાવાન શોધક હતા એ પણ આપણે ભૂલવું ન જોઈએ. આપણા દારિદ્યને ઢાંકવા માટે દેખાડા અને પાખંડનો જે એક મુખવટો આપણે ઘણીવાર ઊભો કરીએ છીએ તેને એમની પ્રખર બુદ્ધિ ભેદી નાખે છે. જેમણે એમનાં મૂળ બંગાળી લખાણો વાંચ્યા નથી તેમને એમના લખાણના એ ધિંગા પૌરુષનો બહુ ઓછો પરિચય છે. એક તો અનુવાદ માટે અમુક જ કૃતિઓ પસંદ કરવામાં આવી છે અને એમની વ્યાપક બુદ્ધિશક્તિનાં ઊર્જસ્વી ઉદાહરણ બની શકે એવી કેટલીક કૃતિઓ છોડી દેવામાં આવી છે. બીજું, ઘણાખરાં ભાષાંતરો ખરું જોતાં રૂપાંતરો છે, અને તેમાં મૂળના ઓજસ્વી બળને હળવું બનાવી દેવામાં આવ્યું છે. રવીન્દ્રનાથના જીવનમાં માનવ અને તેના ભાવિને લગતી ચિંતા બહુ વહેલી જોવા મળે છે. એમના તદ્દન શરૂઆતના કાવ્યગ્રંથોમાંના એક ‘સંધ્યાસંગીત’માં આપણે એમને જીવન અને જગતની સમસ્યાનું ચિંતવન કરતા જોઈએ છીએ. માણસની સ્વાર્થવૃત્તિ જ્યારે પ્રેમનો વેશ ધારણ કરીને ફરે છે ત્યારે તેમાંથી પરિણમતી અસુન્દરતાને પણ એમણે બહુ વહેલી ઓળખી લીધી હતી. આ તત્ત્વચિંતનનની વૃત્તિ ‘નૈવેદ્ય’માં વધુ ઊંડી અને તીવ્ર બને છે, પણ બુદ્ધિ અને લાગણીને સુંદરમાં સુંદર સમન્વય કદાચ ‘બલાકા’માં આપણે જોવા પામીએ છીએ. ‘બલાકા’માંનાં કેટલાંક કાવ્યોમાં વિચાર અને લાગણીની એવી એકરૂપતા જોવા મળે છે જે આધ્યાત્મિક ચિંતનને પણ વિશુદ્ધ ઊર્મિકવિતામાં પલટી નાખે છે. રવીન્દ્રનાથ પોતાના જીવનના લગભગ છેલ્લા દિવસ સુધી નવીનવી અનુભૂતિઓ અને નવીનવી અભિવ્યક્તિઓ માટે મથ્યા કરતા હતા. એમની સાઠ વરસની ઉમ્મર પછીના દસકામાં ઊર્મિકાવ્યોનો એવો એક જુવાળ આવ્યો જે એમની તદ્દન જુવાનીની શ્રેષ્ઠ રચનાઓ સાથે સરસાઈ કરી શકે. આ ગાળાનાં કાવ્યો દુ:ખથી વિશુદ્ધ બનેલી ગભીર લાગણી અને ભાવાવેશનો એક નવો જ સૂર સંભળાવે છે. એ કાવ્યોમાંના વિશ્રંભ અને અંગત ભાવોનું સ્થાન પછીના દસકામાં સમૃદ્ધ અને પરિપક્વ માનવતાવાદ લે છે. એમનાં પ્રારંભનાં લખાણોમાં એક વૈપુલ્ય હતું તેને બદલે હવે વિચાર અને વાણીની વિરલ કરકસર જોવા મળે છે. એમનાં કેટલાંક છેલ્લાં કાવ્યોમાં પ્રગટ થતાં સામર્થ્ય અને આત્મવિશ્વાસ બુદ્ધિની વીર્યવત્તાથી આપણને ચકિત કરે છે. વળી જીવનનના અંતિમ હેતુઓ વિશે નવી જ જિજ્ઞાસા અને સાથોસાથ બધી ઊણપો અને સંભાવનાઓ સહિત જીવનનો સ્વસ્થ સ્વીકાર પણ જોવા મળે છે.

(૩)

રવીન્દ્રનાથે હજાર ઉપરાંત કાવ્યો અને બે હજાર જેટલાં ગીતો લખેલાં છે. એમનું પ્રથમ પુસ્તક પ્રગટ થયું ત્યારે એમની ઉંમર માંડ પંદર વરસની હતી અને એમણે પોતાનું છેલ્લું કાવ્ય લગભગ મરણની પહેલાં જ લખ્યું હતું. આ ઉપરથી સમજી શકાય છે કે એમનાં લખાણોમાંથી પસંદગી કરવી એ આટલું બધું મુશ્કેલ શા માટે છે? ખરું જોતાં, કોઈ પણ સંગ્રહ તૈયાર કરવો એ મુશ્કેલ કામ છે. સંગ્રહમાંથી સંપાદકનો અભિપ્રાય પ્રતિબિંબિત થતો હોય છે અને તેની પસંદગી ભિન્નભિન્ન રુચિ ધરાવનાર સૌ કોઈને સંતોષ આપી શકે એવી આશા રાખી શકાય જ નહિ. આથી આપણે જોઈએ છીએ કે કોઈ પણ સંગ્રહ કદી પૂરેપૂરો સંતોષ આપી શકતો નથી. જો ગદ્યને આ લાગુ પડતું હોય તે કવિતાને વિશે તો એ વધારે સાચું છે. ભિન્નભિન્ન વાચકોની રુચિ ભિન્નભિન્ન હોય છે. વળી કવિતાની અપીલનો આધાર વાચકના અનુભવ અને મનઃસ્થિતિ ઉપર હોય છે. જે કવિતા એકના હૃદયને સ્પર્શે છે તે બીજાને નથી પણ સ્પર્શતી, એટલું જ નહિ, એક ને એક વાચક પણ જુદેજુદે સમયે અને જુદીજુદી લાગણીઓની અસર નીચે જુદોજુદો પ્રતિભાવ અનુભવે છે. પસંદગી ગમે એટલી કુશળતાપૂર્વક કરવામાં આવી હોય અને સંપાદક ગમે એવો નિષ્ઠાવાન હોય તોયે બધા વાચકોને બધો વખત સંતોષ આપી શકે એવો સગ્રહ તૈયાર કરવો કદાચ શક્ય નથી.

રવીન્દ્રનાથની રચનાઓનાં વિપુલ પરિમાણ, વિસ્તાર અને વૈવિધ્યને કારણે પસંદગીનું કામ વધુ મુશ્કેલ અને વધુ આવશ્યક બની જાય છે. મહાનમાં મહાન કવિ પણ આખો વખત પ્રેરણાના શિખર ઉપર રહી શકતો નથી. તેણે અવારનવાર તંગ ઢીલા મૂકવા પડે છે અને કેટલીક વાર તો ખીણમાં ઊતરવું પડે છે. કોઈ કલાસ્વામીની શ્રેષ્ઠ રચનાઓ શોધીને આસ્વાદવા માટે તેની બધી રચનાએ જોઈ વળવાનો સરેરાશ વાચકને નથી સમય હોતો કે નથી વૃત્તિ હોતી. વિદેશી વાચકોમાં રવીન્દ્રનાથની ખ્યાતિને હાનિ પહોંચી છે કારણ રવીન્દ્રનાથનાં લખાણોની મોટે ભાગે એક જ બાજુ અને તે પણ હમેશાં પ્રબળ અને ગંભીર બાજુ જ નહિ—તેમની આગળ રજૂ થતી રહી છે. આ કેવળ પરદેશી વાચકોને જ લાગુ પડે છે એમ નથી, બંગાળ બહારના ભારતીય વાચકોને પણ લાગુ પડે છે. બે અર્થમાં આ રાષ્ટ્રનું દુર્ભાગ્ય છે. એક તો મોટા ભાગના ભારતવાસીઓ ભારતના સૌથી મહાન કવિની કેટલીક ઉત્તમ રચનાઓથી અપરિચિત રહ્યા છે. અને બીજું, બહારની દુનિયા ભારતમાં સધાયેલી ઊંડી અંતર્દષ્ટિ વિશે જાણવા કે સમજવા પામી નથી. એટલા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિતની દૃષ્ટિએ એ આવશ્યક છે કે રવીન્દ્રનાથનાં લખાણોમાંથી એક નવો સંગ્રહ કરવામાં આવે. સાહિત્ય અકાદેમીએ આ પડકાર ઝીલી લીધો છે અને તે આઠ ગ્રંથોમાં રવીન્દ્રનાથની ચૂંટી કાઢેલી કવિતાઓ, ગીતો, નાટકો, નવલકથાઓ, વાર્તાઓ અને નિબંધો પ્રગટ કરવા ધારે છે. એ સંગ્રહોનું પ્રથમ લક્ષ્ય ભારતની બધી ભાષાઓના વાચકોને રવીન્દ્રનાથની પ્રતિભાના વિસ્તારનો, તેની વ્યાપકતાનો અને તેની તાકાતનો વધુ સારો ખ્યાલ આપવાનું છે. બીજું અને ગૌણ લક્ષ્ય દુનિયાના બીજા દેશના વાચકોને એ જ ભેટ સાદર કરવાનું છે.

૧૦૧ કાવ્યોનો આ સંગ્રહ, પ્રગટ કરવા ધારેલી ચૂંટેલી કૃતિઓનો પહેલો ગ્રંથ છે. આ કવિતાઓ પહેલાં દેવનાગરી લિપિમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે અને પછી હિંદની બધી પ્રધાન ભાષાઓમાં એનો અનુવાદ આપવામાં આવશે. ત્યાર પછી, એ કવિતાઓનો દુનિયાની મુખ્ય મુખ્ય ભાષાઓમાં પણ અનુવાદ કદાચ થાય. ઉત્તર ભારતની બધી ભાષાઓ વચ્ચે એટલું બધું સામ્ય છે કે જે વાચકો રવીન્દ્રનાથે જે ભાષામાં લખ્યું છે તે બંગાળી ન જાણતા હોય તે પણ જો કોઈ કવિતા વાંચી શકે તો સમજી જાય. ભાષાની બાબતમાં જ નિકટનું સામ્ય છે એમ નહિ, સમાન ભૂમિકા, સમાન વિષયો અને સમાન અનુભવોમાંથી જન્મતી લાગણી અને વલણનું પણ ઘણું સામ્ય છે. દક્ષિણ ભારતની ભાષાઓની બાબતમાં શબ્દને લગતા ભેદો બેશક ખૂબ પ્રચંડ છે, પણ ભાવ અને પરંપરાનું ઐકય પણ એવું જ પ્રબળ છે. અનુવાદોની મદદથી ભારતની લગભગ બધી જ ભાષાના વાચકો દેવનાગરી લિપિમાં આપવામાં આવેલાં રવીન્દ્રનાથના મૂળ લખાણનાં સૌંદર્ય અને વ્યંજનાનો આસ્વાદ લઈ શકશે. જ્યારે પાછળથી આ કવિતાઓનો દુનિયાની બીજી ભાષાઓમાં અનુવાદ થશે ત્યારે તે આજના પ્રચલિત સંગ્રહો અને અનુવાદો કરતાં રવીન્દ્રનાથની અનેકમુખી પ્રતિભાનો વધુ સારો પરિચય આપી શકશે એવી આશા છે.

૧૦૧ એ સંખ્યાનું કોઈ ખાસ મહત્ત્વ નથી. જે કોઈ વાચક એમ કહે કે કેવળ ઉચ્ચતમ કક્ષાનાં જ કાવ્યો લેવા છતાં આ સંખ્યા બેવડી કરી શકાય, તો હું તો એ વિધાન સામે શંકા ન ઉઠાવું. હું એવી ટીકા પણ સ્વીકારી લઉં કે આ સંગ્રહમાં ન લેવાયેલી કેટલીક કવિતાઓ લેવાયેલી કવિતા કરતાં ચડિયાતી ન હોય તોય સમાન કક્ષાની તો છે જ. કોઈ પણ મોટા કવિની સર્વોત્તમ સો કે બસો કવિતા કઈ એ વિશે મતભેદને હંમેશાં અવકાશ રહેવાનો. તેમ છતાં આ સંગ્રહને વિશે હું બે દાવા કરું. એક તો, જે પ્રથમ કક્ષાનું નથી એવું કશું જ એમાં લેવામાં આવ્યું નથી. બીજું, આ પસંદગી પ્રતિનિધિરૂપની છે, અને રવીન્દ્રનાથે જે અનેક મનોવૃત્તિઓમાં અને શૈલીઓમાં લખ્યું છે તે બધાંના થોડા પણ નમૂનાને સ્થાન આપવાનો પ્રયાસ છે. આ વિધાનને એક રીતે મર્યાદિત કરવાની જરૂર છે, કારણ, ગીતોને જાણી જોઈને બાકાત રાખવામાં આવ્યાં છે. રવીન્દ્રનાથનાં કેટલાંક ઉત્તમોત્તમ ઊર્મિકાવ્યોનો ગીતોમાં સમાવેશ થાય છે, પણ ગીતોનો એક અલગ સંગ્રહ પ્રગટ કરવાનો ઇરાદો હોવાથી આ ગ્રંથમાંથી બાકાત રાખવાનું સલાહભર્યું માન્યું છે.

સંગ્રહની શરૂઆત ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’ (૧)થી થાય છે, જેનો ઉલ્લેખ હું પહેલાં કરી ગયો છું. પોતાની કવિપ્રતિભા જાગી તેનું આ કાવ્ય છે એમ એને વિશે રવીન્દ્રનાથ માને છે. એમાં જે ઊર્મિકાવ્યનો સૂર ગુંજી ઊઠ્યો છે તે રવીન્દ્રનાથના સુદીર્ઘ કવિજીવન દરમ્યાન વારંવાર ગુંજતો રહ્યો છે. કેટલીક વાર એમાં અગમ્યની ઝંખનાનો સૂર ભળ્યો છે જેમ કે ‘સોનાર તરી’(૮) અથવા ‘નિરુદ્દેશ યાત્રા’(૧૫)માં. કેટલીક વાર એ ઊર્મિકાવ્યના સૂરમાં ગંભીર માનવ લાગણીનો આવેશ અને જીવનરહસ્ય પણ ભળ્યાં છે, જેમ કે ‘યેતે નાહિ દિબ’(૧૧), ‘વસુન્ધરા’ (૧૪) અથવા ‘ભારત–તીર્થ’ (૬૦)માં. કેટલીક વાર નર્યું ઊર્મિ કાવ્યત્વ જ પ્રધાન બની ગયુ છે અને ઇંદ્રિયગ્રાહ્યતા અને બૌદ્ધિક સામગ્રીની સંપૂર્ણ એકતા સધાઈ છે, જેમ કે, ‘ઊર્વશી’ (૧૯), ‘ છબિ’ (૬૫) અથવા ‘ચંચલા’(૬૭)માં. આવી એકતાનો એક અત્યંત સુંદર નમૂનો ‘પ્રહર શેષેર આલોય રાઙા’(૮૭) નામના ખંડમાં જોવા મળે છે.


રવીન્દ્રનાથને મન અંગત દુ:ખ અને વિશ્વની વિરાટ વેદના ઉપર વિજય એ માણસની મોટામાં માટી સિદ્ધિ છે. સ્વાર્થવૃત્તિ અને વ્યક્તિગત વિસંવાદમાંથી પેદા થતાં દુ:ખો ઉપર માણસ વિજય મેળવે છે. જીવનની ક્ષણભંગુરતાના અવશ્યંભાવિ પરિણામ રૂપે આવતા ગહન શોકને પણ તે અતિક્રમી જાય છે. ‘વિદાય અભિશાપ’ (૧૩)માં કચ દેવયાનીના શાપના બદલામાં તેને આશીર્વાદ આપે છે ત્યારે તે સાચી માનવતા પ્રાપ્ત કરે છે. ‘બ્રાહ્મણ’ (૧૭)માં ગુરુને સમજાય છે કે માનવનું ગૌરવ અકસ્માત્ અમુક કુળમાં થતા જન્મમાં નહિ પણ તેણે કોઈ પણ જાતની દિલચોરી વગર કરેલી સત્યની સ્વીકૃતિમાં રહેલું છે. ‘યેતે નાહિ દિબ’ (૧૧)માં કવિ એ વાતનો સ્વીકાર કરે છે કે કેટલીક વાર માનવ પ્રકૃતિનું જે અંતર્નિહીત સત્ય વ્યક્ત કરવામાં વ્યવહારડાહ્યાં સ્ત્રીપુરુષો નિષ્ફળ જાય છે, તે એક નાનું બાળક વ્યક્ત કરે છે. ‘ગાંધારીર આવેદન’(૩૧) અને ‘કર્ણકુન્તી સંવાદ’(૩૦)માં પણ સ્નેહની હાકલ, મહત્ત્વાકાંક્ષા કે ભય ઉપર વિજયવંત થનારે માનવ ગૌરવ ઉપર એવો જ ભાર દેવાયેલો આપણે જોઈએ છીએ. ‘દિદિ’(૨૩) જેવા નાનકડા કાવ્યમાં અથવા ‘જન્મકથા’(૪૬)થી શરૂ થતાં સુંદર બાળકાવ્યોની માળામાં માનવ સંબંધોનું કારુણ્ય અને સૌંદર્ય ગૂંથાયેલાં છે.

રવીન્દ્રનાથે ઘણી વાર પર પરાપ્રાપ્ત વિષયો અને પ્રસંગો વાપર્યા છે અને પ્રશિષ્ટ ભારતીય સાહિત્યનાં ભાવાનુષંગો અને સ્વરસામ્યોનો પણ બહોળો ઉપયોગ કર્યો છે, તેમ છતાં જેને જેને તેમણે સ્પર્શ કર્યો છે તેને તેમણે પલટી નાખ્યું છે. કાલિદાસને માટે રવીન્દ્રનાથને અત્યંત આદરભાવ હતો, તેમ છતાં તેનામાંથી પણ જ્યારે કોઈ વિષય એઓ લે છે ત્યારે તેને એવો વળાંક આપે છે કે જેથી આખું નિરૂપણ તત્ત્વતઃ આધુનિક બની જાય. રવીન્દ્રનાથને મન ‘મેઘદૂત' (૬) એ કોઈ કાલ્પનિક યક્ષનો પોતાની પ્રિયતમા પ્રત્યેનો સંદેશ નથી પણ સર્વ કાળના અને સર્વ દેશના સર્વ પ્રેમીઓના હૃદયની મિલન ઝંખનાનો ઉદ્ગાર છે, ‘અહલ્યાર પ્રતિ’ (૭), ‘ ભ્રષ્ટ લગ્ન’(૨૫) અને ‘સ્વપ્ન’(૨૬)માં એમણે લુપ્ત થયેલા ભૂતકાળનું વાતાવરણ ઝીલ્યું છે, પણ એમણે સ્પષ્ટ કર્યું છે કે ભૂતકાળ આપણા આજના ભાવોમાં અને મનઃસ્થિતિમાં નવેસર જીવે છે. ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચેનો, પુરાણકથા અને અનુભવ વચ્ચેનો સંબંધ ‘મદન ભસ્મેર પરે’(૨૭) જેવા કાવ્યમાં નિરૂપાયો છે તેના કરતાં વધુ કુશળતાપૂર્વક ભાગ્યે જ નિરૂપાયો હશે. ભૂતકાળની પરંપરાઓને અપનાવીને તેમાં ફરી પ્રાણ પૂરવાની આ શક્તિ કવિના છેક છેલ્લા ગાળાનાં કાવ્યોમાં પણ જોવા મળે છે. ‘તપોભંગ’(૭૭)માં નવજીવનનો જુવાળ વૈરાગ્ય ઉપર અંતિમ વિજય પ્રાપ્ત કરે છે એની ઘોષણા કરતી એક પ્રાચીન પુરાણકથાનું સુંદર અને ભવ્ય અર્થઘટન અને રૂપાંતર કરેલું આપણે જોઈએ છીએ.

રવીન્દ્રનાથે કેવળ વિષય અને વસ્તુના જ નહિ, કવિતા સ્વરૂપના પણ પ્રયોગો કર્યા છે. પોતાના પૂરોગામીઓના પ્રભાવથી એઓ કદી ડરતા નહોતા. એમણે બંગાળની પરંપરાપ્રાપ્ત વૈષ્ણવ કવિતામાંથી છૂટથી લીધું છે અને બિહારીલાલ જેવા કવિ પ્રત્યેનું પોતાનું ઋણ એમણે પોતે સ્વીકાર્યું છે. કોઈ પણ માણસ પોતાની આસપાસના વાતાવરણના કે પોતાના યુગના પ્રભાવથી અસ્પૃષ્ટ રહી નથી શકતો. અસ્પૃષ્ટ રહેવાના પ્રયત્નો મોટેભાગે નિષ્ફળ જ જાય છે, અને એ કવિમાં આત્મવિશ્વાસના અભાવનું લક્ષણ હોય છે. રવીન્દ્રનાથનો વિકાસ પોતાના સમકાલીન સમાજની અસર નીચે થયો હતો, પણ એ વિકાસની પ્રક્રિયાએ જ એમને જતે દહાડે એ અસરોથી પર જવાની શક્તિ આપી હતી. એક વખતે એમને પોતાના માધ્યમ ઉપર કાબૂ આવી ગયો એટલે પોતાની કવિતાના વિષય-વસ્તુ અને આકારની બાબતમાં એમણે બેધડક પ્રયોગો કર્યાં અને પહેલાં બંગાળી કવિતા સાહિત્યમાં અનુભવનાં જે ક્ષેત્રોની ઉપેક્ષા થતી રહી હતી એવાં ક્ષેત્રોમાંથી એમણે પ્રેરણા મેળવવા માંડી. ખરું જોતાં, એમણે કવિતોચિત અને અકવિતોચિત વિષયનો ભેદ જ ઉડાવી દીધો. ‘ક્ષણિકા’માં એઓ એવાં વિષયવસ્તુ હાથ ધરે છે જે પહેલી નજરે લેશ પણ કવિતોચિત સંભાવનાવાળાં લાગતાં નથી, પણ એમની પ્રતિભા એ વિષયોને સામાન્યતાના સ્તરમાંથી ઉઠાવી લઈને સૌંદર્યની દ્યુતિથી ઝળહળતા કરી મૂકે છે. ગંભીરમાં ગંભીર અનુભૂતિ પણ સાદામાં સાદા શબ્દોમાં વ્યક્ત કરી શકાય છે અને રાજિંદા જીવનની ઘટનાઓને પણ રહસ્યના પ્રકાશથી પ્રકાશિત કરી શકાય છે એવા વર્ડ્ઝવર્થના દાવાને રવીન્દ્રનાથની આ ગાળાની અનેક કવિતાઓમાં જ્વલંત સમર્થન મળી રહે છે. હાસ્ય અને અશ્રુ, વિનોદ અને ભાવાવેગ એવાં એકરસ બની ગયાં છે કે તેમાંથી અભિલાષ, ઉત્કંઠા અને ઉપહાસનું એક વિચિત્ર મિશ્રણ ઉત્પન્ન થાય છે. ‘કૃષ્ણકલિ’ (૩૫), ‘યથાસ્થાન’(૩૯) અથવા ‘સેકાલ’(૪૦) જેવાં કાવ્યોમાં માનવ મનઃસ્થિતિઓ, ભાવો અને લાગણીઓની અદ્ભુત લીલા જોવા પામીએ છીએ.


રવીન્દ્રનાથની પ્રતિભા પ્રધાનપણે ઊર્મિકવિની પ્રતિભા હતી, તેમ છતાં કોઈ કોઈ વાર તેમનામાં સમાજનાં અનિષ્ટો સામે કટાક્ષ નહિ તોય તીવ્ર વ્યંગ્યોક્તિ જોવા મળે છે. તેઓ જાણતા હતા કે ભારતીયોમાં આધ્યાત્મિકતાનો દાવો કરવાની રીત પડી ગઈ છે તે ઘણી વાર તે વિચાર કરવાનો ઇન્કાર અથવા વિચાર કરવાની અશક્તિ જ હોય છે. ‘હિં ટિં છટ’(૯)માં રવીન્દ્રનાથે ચિત્તની વિચારશૂન્યતાને ઢાંકવા માટે ધારણ કરાતી ગંભીરતાનો પડદો કોઈ પણ જાતની દયા રાખ્યા વગર ચીરી નાખ્યો છે. ‘દુઇ પાખી’(૧૦)માં એમણે નિર્જીવ રૂઢિઓ અને મૃત પરંપરાઓથી આપણે જીવનને જે રીતે ગૂંગળાઈ જવા દઈએ છીએ તેની મશ્કરી ઉડાવેલી છે. ‘દેવતાર ગ્રાસ’(૨૮)માં એમણે રૂઢિગત માન્યતાઓ અને માનવધર્મ વચ્ચેના સંઘર્ષને નિરૂપ્યો છે, અને જે બાહ્ય ક્રિયાકાંડોમાં માણસ ઘણી વાર સત્યને ખોઈ બેસે છે તેના ઉપર સત્ય અંતે કેવી રીતે વિજયી નીવડે છે તે બતાવેલું છે. ‘ અપમાનિત’ (૬૧) અને ‘ ધૂલામંદિર ’(૬૨)માં માનવના અપમાન પ્રત્યેના રોષ અને પુણ્યપ્રકોપ તથા બધા વ્યવસાયોની સમાનતાના સ્વીકાર વચ્ચેનો વિરોધ જોવા પામીએ છે.

કદાચ કોઈ વિવેચકો એવો વાંધો લે કે આ સંગ્રહમાં કવિની ઉત્તર વયનાં કાવ્યોની સંખ્યા વધી ગઈ છે. આ આક્ષેપમાં કદાચ કંઈક સત્ય છે, કારણ, એમાં ૧૯૨૮થી ૧૯૪૧ના ગાળામાં લખાયેલાં ૨૦થી વધુ કાવ્યો છે જ્યારે ૧૮૮૨થી ૧૯૨૪ના ગાળામાં લખાયેલાં ફક્ત ૮૦ જ કાવ્યો છે. એનું એક કારણ એ છે કે, અત્યાર સુધી મૂળ બંગાળીમાં તેમ જ બીજી ભાષામાં થયેલા અનુવાદોમાં પણ સામાન્યપણે એમના જીવનના પૂર્વ ભાગને વધારે પ્રતિનિધિત્વ મળતું રહ્યું છે. ઉત્તર કાળનાં કાવ્યોમાંથી કંઈક વધારે કાવ્યો પસંદ કરવા પાછળનું બીજું કારણ એ છે કે, એ પાછલા સમયનાં કાવ્યોમાં વિચાર અને વાણીનો સંયમ વધુ પ્રમાણમાં જોવા મળે છે. શિલ્પનું પ્રભુત્વ અને ભાવની એકાગ્રતા ભેગાં થવાને લીધે એ ગાળામાં કાવ્યો વધુ ઊંડાણવાળાં બન્યાં છે. રવીન્દ્રનાથે પોતાના યૌવનની શરૂઆતમાં અનેક સુંદર પ્રેમકાવ્યો લખ્યાં છે, પણ એ કાવ્યો જીવનની સપાટી ઉપર જ રમ્યાં કરતાં હોય અને જ્યાં ઊર્મિ-આવેશ ભડભડતો હોય એવાં ઊંડાણોમાં જાણે ઊતરતાં નથી એવું લાગે છે. ખરું જોતાં, કેટલીક વાર વિવેચકોએ એમ કહ્યું છે કે એમને પ્રેમની અનુભૂતિ કરતાં શબ્દોની અને અભિવ્યક્તિની રીતિની વધારે પડી છે. આ વાત તદ્દન સાચી નથી, કારણ એ ગાળાનાં કાવ્યોમાં પણ આપણને ‘રાત્રે ઓ પ્રભાતે' (રર) જેવાં કાવ્યો અને ‘સ્વર્ગ હઇતે વિદાય' (૨૦)માં છે તેવા ઊર્મિ-આવેશ ભર્યા ખંડો મળે છે, પણ એ કાવ્યોને એમનાં પાછલાં કાવ્યો જોડે મૂકીએ તો કબૂલ કર્યા વગર આપણો છૂટકો નથી કે એ પાછલાં કાવ્યોમાં એવું ઊંડાણ અને ગાંભીર્ય છે, જેનો પહેલાંના કાવ્યોમાં અભાવ છે. ‘પૂર્ણતા’ (૭૮) અથવા ‘આશંકા’(૮૦)ના સંયમની અને ભાવની ઘનતાની બરાબરી કરી શકે એવાં કાવ્યો કોઈ પણ ભાષામાં ઓછાં જ હોવાનાં. ભાવની વધતી જતી ઘનતા અને એકાગ્રતા ઉપરાંત, એમનાં છેલ્લા ગાળાનાં કાવ્યોમાં જીવનની રહસ્યમયતાને લગતા પ્રશ્નનોમાં એઓ ઉત્તરોત્તર વધુ ને વધુ રસ લેતા જોવામાં આવે છે. બંગાળી કવિતાસાહિત્ય ખૂબ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ હોવા છતાં તેમાં એક જાતની પ્રાદેશિકતા જોવા મળે છે. ઉત્તમમાં ઉત્તમ વૈષ્ણવ ગીતો પણ સ્થાનિક વાતાવરણમાં એવાં જડાઈ ગયેલાં છે કે તેમને એમના સંદર્ભમાંથી બહાર કાઢી જ ન શકાય. રવીન્દ્રનાથની એક મહાન સિદ્ધિ એ છે કે એમણે નાગરિકતા અને સર્વદેશીયતાનો એક નવો જ સૂર દાખલ કર્યો. એ બે ગુણોને લીધે એમનાં કાવ્યોની અપીલ બંગાળના વતનીને જેટલી થાય છે તેટલી જ યુરોપ કે અમેરિકાના વતનીને પણ થાય છે. આ નાગરિકતા અને સર્વદેશીયતાનો સૂર એમના લાંબા જીવન દરમ્યાન સતત ઘેરો થતો રહ્યો અને એમનાં છેલ્લા ગાળાનાં કાવ્યોમાં તો એ ગુણ ખૂબ જ આંખે ઊડીને વળગે એવા પ્રમાણમાં જોવા મળે છે. વળી એ કાવ્યોનું બીજું નોંધપાત્ર લક્ષણ એ છે કે એમાં માણસની સાથે—તેના બધા જ પુરુષાર્થો અને પ્રયાસોમાં, તેની આશાઓ અને નિષ્ફળતાઓમાં, તેની અભીપ્સાઓ અને રોજિંદા કાર્યોમાં—આત્મીય સંબંધ સ્થાપવાનો પ્રયત્ન રહેલો છે. રવીન્દ્રનાથને એમના અંતિમ દિવસોમાં જે શારીરિક વેદનાનો સામનો કરવો પડ્યો હતો તે પણ એવી તાદૃશતાથી અને તીવ્રતાથી વ્યક્ત થઈ છે કે જેને જોટો ભાગ્યે જ મળે. ‘અવસન્ન ચેતનાર' (૮૮) અથવા ‘ઋણશોધ' (૯૧) જેવાં કાવ્યોમાં વાણીની જે કરકસર છે તે એમના યૌવનના પ્રારંભનાં કાવ્યોમાંના નિર્બંધ અને અલંકારપ્રચુર વાણીના જુવાળથી બિલકુલ વિપરીત જ વસ્તુ છે. એમણે લખેલાં છેલ્લાં કાવ્યોમાં કેવળ સંયમ અને કરકસર જ છે એમ નહિ, પણ ભર્યાભર્યાપણાનો અને સંપૂર્ણતાનો પણ એક ભાવ રહેલો છે. એમ લાગ્યા કરે છે કે જાણે તેમણે જીવન અને જગત સાથે સમાધાન કરી લીધું ન હોય. જગતમાં દુઃખ દારિદ્ર અને યાતના છે, અવશ્યંભાવી મૃત્યુ જીવનના પીછો પકડી રહ્યું છે, તેમ છતાં બધી અપૂર્ણતાઓવાળું આ જીવન કંઈ નિરર્થક કે મૂલ્ય વગરનું નથી. ‘એ જીવને સુન્દરેર’ (૯૫) અથવા ‘મધુમય પૃથિવીર ધૂલિ’ (૯૬)માં મૃત્યુની ખીણની છાયામાં જીવનના વિજયનો જ ભાવ ભરેલો છે. કોઈ કવિના ચિત્તના વિકાસનો આલેખ દોરવો એ અશક્ય નહિ તોય મુશ્કેલ તો છે જ. અનુભવનાં અન્ય ક્ષેત્રમાં વિકાસનું એક સાતત્ય હોય છે જે અમુક નિયમોને વશ વર્તતું લાગે છે. પણ કવિતાની બાબતમાં પ્રેરણામાં કોઈ ગૂઢ અને ન સમજાવી શકાય એવી રીતે વૃદ્ધિ અને ક્ષય થતાં હોય છે. કોઈ કવિનાં કેટલાંક મહાનમાં મહાન કાવ્યો તેની જુવાનીની શરૂઆતમાં લખાયેલાં હોય છે, તો પોતાની પુખ્ત વયમાં તે કેવળ મધ્યમ કક્ષાનાં કે પરંપરાગત કાવ્યો જ આપે છે. રવીન્દ્રથનાથ પણ આ નિયમને અપવાદ નથી, અને આપણે જોઈએ છીએ કે એમના શરૂઆતના ગાળામાં એમણે કેટલાંક ઉત્કૃષ્ટ કાવ્યો લખેલાં છે અને પોતાની ઉત્તર વયમાં એમણે કેટલાંક પ્રેરણાશૂન્ય કાવ્યો લખેલાં છે. તેમ છતાં એંસી વર્ષના દીર્ઘ આયુષ્ય દરમ્યાન એમણે જે રીતે પ્રેરણાને ટકાવી રાખી હતી તેને કારણે એઓ સર્વ કાળના મોટામાં મોટા કવિઓની હરોળમાં સ્થાન પામે છે. જે શક્તિ અને પ્રાણોદ્રેકને કારણે એઓ આ સિદ્ધિ મેળવી શક્યા તેનાં મૂળ એમના વ્યક્તિત્વની એકતા અને સુસંકલિતતામાં રહેલાં છે. જે ભિન્નભિન્ન ધાગાઓ મળીને આજની ભારતની સંમિશ્ર સંસ્કૃતિ બનેલી છે તે બધા એમનામાં એકત્ર થયા હતા. ભારતના બહુમુખી જીવનનાં વિવિધ પાસાંને ઝીલીને પ્રતિબિંબિત કરવામાં જ એમનો વિશેષ મહિમા છે. એમણે સંસ્કૃત સાહિત્યમાંથી પુષ્કળ લીધું છે અને બંગાળીના શબ્દભંડોળમાં અને છંદોમાં ખૂબ વધારો કર્યો છે. એમણે વૈષ્ણવ ઊર્મિકાવ્યત્વ અને સુફી અગમ્યવાદી સંવેદનને લગભગ સંપૂર્ણપણે એકરસ બનાવી દીધાં હતાં. મધ્યયુગીન સામંતશાહીની પાછળ પાછળ જે દરબારી રીતરસમો વિકસી હતી તેને એમણે સમભાવ અને કલ્પનાપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. એની સાથોસાથ બહુજન સમાજના જીવનની સામગ્રી જે અત્યાર સુધી વણવપરાઈ રહી હતી તેને પણ એમણે ઉપયોગ કર્યો. બંગાળનાં ગામડાંનાં ભાવચિત્રો અને પ્રતીકો એમનાં કાવ્યના પટમાં અપૂર્વ કૌશલપૂર્વક વણાઈ ગયેલાં છે. ઉપરાંત એમણે યુરોપના આદર્શો અને મનઃસ્થિતિઓને પણ બંગાળી સાહિત્યમાં દાખલ કર્યાં છે. ‘બલાકા’નાં ઘણાંખરાં કાવ્યોમાં શક્તિ અને ગતિનો જે ભાવ છે તેનાં મૂળ આપણે યુરોપમાંથી બતાવી શકીએ. બધું જ ક્ષણિક છે એ તો માણસની બહુ જ પ્રાચીન શોધ છે, પણ રવીન્દ્રનાથે એને સર્વ વસ્તુઓમાં સુપ્ત રહેલી ગતિનું પ્રતીક બતાવીને એને નવો જ અર્થ અર્પ્યો છે. ટૂંકમાં, રવીન્દ્રનાથની કવિતા પ્રાચીન ભારતનો સમૃદ્ધ પ્રશિષ્ટ વારસો, મોગલ દરબારની મોકળાશભરી જીવનરીતિઓ, બંગાળની જનતાના જીવનની સાદી હકીકતો અને અર્વાચીન યુરોપની પ્રવૃત્તિપ્રવણ શક્તિ અને બૌદ્ધિક વીર્ય—એ બધાંના મિશ્રણમાંથી જન્મેલી છે. એઓ સર્વ યુગોના અને સંસ્કૃતિઓના વારસદાર છે. અનેક જુદાજુદા તંતુઓ અને વિષયોના આ સંચેાજનને લીધે જ એમની કવિતાને લવચીકતા, સર્વદેશીયતા અને અપાર હૃદયગ્રાહિતા પ્રાપ્ત થઈ છે.

- હુમાયૂ કબીર (અનુ. નગીનદાસ પારેખ)