એકોત્તરશતી/૧૧. યેતે નાહિ દિબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નહીં જવા દઉં (યેતે નાહિ દિબ)


બારણે ગાડી તૈયાર છે. બપોરનો સમય છે. શરદનો તડકો ધીમે ધીમે આકરો થતો જાય છે. ગામડાના નિર્જન રસ્તા પર મધ્યાહ્નના પવનથી ધૂળ ઊડે છે. પીપળાની શીળી છાયામાં થાકીપાકી ઘરડી ભિખારણ ફાટયુંતૂટયું કપડું પાથરીને ઊંઘી ગઈ છે. જાણે તડકાભરી રાત ચારે બાજુએ નિઃશબ્દ અને નિસ્તબ્ધ ઝગારા મારે છે. કેવળ મારે ઘેર આરામની ઊંઘ નથી.

આસો પૂરો થયો છે. દુર્ગાપૂજાની રજા પૂરી થતાં આજે ફરી કામકાજને સ્થાને બહુ દૂર પાછા જવું પડશે. નોકરો ધમાલમાં રસ્સીઓ લઈને સરસામાન બાંધે છે. આ એરડામાંથી તે એરડામાં ઘાંટાઘાંટ કરે છે. ઘરની ગૃહિણીની આંખો છલકાય છે. છાતી પાસે પથ્થરનો ભાર પીડી રહ્યો છે. તોયે એને પળભર રડવાનો સમય નથી. વિદાયની તૈયારીમાં એ વ્યગ્ર થઈને આમતેમ ફરે છે. સામાન ગમે એટલો વધે છે છતાં પૂરતો છે એમ લાગતું નથી. હું કહું છું, અરે, આટલાં બધાં ઘડા, લૂગડાં, હાંલ્લાં, ઢાંકણાં, વાસણ, બાટલી, બિછાના, પેટી—આખી દુનિયાનો સામાન લઈને હું શું કરીશ? એમાંનું થોડું મૂકી જાઉં ને થોડું લઈ જાઉં!’

મારી એ વાત કોઈ કાને ધરતું નથી. ‘કોને ખબર ભોગજોગે આ કે તે વસ્તુની આખરે જો જરૂર પડી તો ત્યાં પારકા પરદેશમાં ક્યાંથી મળશે? મગ, ચેાખા, સાપારી ને પાન, પેલી માટલામાં સૂકા ગોળની બેચાર ચકતી, થોડાં સૂકાં નારિયેળ, બે બરણીમાં રાઈ સરસવનું સારું તેલ, સૂકવેલો કેરીનો રસ, આંબોળિયાં, બશેર દૂધ, આ શીશીઓમાં તે ડબ્બીઓમાં દવાદારૂ છે. થોડી મીઠાઈ હાંડલીમાં છે. મારા સમ, ભૂલશો નહીં. યાદ રાખીને ખાજો.’ સમજી ગયો કે દલીલ કરવી નકામી છે. સામાન પણ ખાસ્સો ડુંગરની જેમ ખડકાયો. મેં ઘડિયાળ ભણી જોયું, પછી ફરીને પ્રિયાના મુખ ભણી જોયું. ધીરેથી કહ્યું, ‘જાઉં છું ત્યારે!' એણે સહેજ મોઢું ફેરવી લઈને નીચે માથે આંખો પર ઘૂમટો તાણી અમંગલ આંસુ છુપાવી દીધાં.

બહારના બારણા પાસે, અન્યમનસ્ક બનીને, મારી ચાર વરસની દીકરી બેઠી હતી. બીજે દિવસે તો અત્યાર સુધીમાં એનું નહાવાધોવાનું પતી જતું ને બે કોળિયા મોઢામાં મૂકે ના મૂકે કે એની આંખ ઊંઘથી ઘેરાઈ જતી. આજે એની માએ એના તરફ ધ્યાન આપ્યું નથી. આટલી વેળા થઈ ગઈ છે તોયે નથી એ નાહીધોઈ કે નથી એણે ખાધુંપીધું. અત્યાર સુધી પડછાયાની જેમ પાસે ભરાઈને મારી સાથે સાથે એ ફર્યાં કરતી હતી. વીદાયની ધમાલને બોલ્યાચાલ્યા વિના ધારીધારીને જોયા કરતી હતી. હવે થાકીપાકીને બહારના બારણા પાસે કોણ જાણે શુંય વિચાર કરીને, ચૂપચાપ બેઠી હતી. મેં જ્યારે કહ્યું, ‘બેટા, જાઉં છું.’ ત્યારે એ વિષાદભરી આંખે ને મ્લાનમુખે બોલી, ‘હું નહીં જવા દઉં તમને!’ જ્યાં બેઠી હતી ત્યાં જ એ બેસી રહી. નહીં મારો હાથ ઝાલ્યો કે નહીં બારણું રોક્યું, માત્ર પોતાના હૃદયના સ્નેહનો અધિકાર જાહેર કર્યો. ‘નહીં જવા દઉં તમને!’ તોય સમય પૂરો થયો ને જવા દેવો પડ્યો.

અરે મારી અબુધ દીકરી, તું તે કોણ! ક્યાંથી શી શક્તિ પામીને તેં ધૃષ્ટતાપૂર્વક કહી દીધું ‘હું નહીં જવા દઉં તમને!' આ સચરાચરમાં તું તારા બે નાના હાથથી કોને પકડી રાખવાની હતી? હે ગર્વીલી! તારા થાક્યાપાક્યા નાના શા દેહે ઘરના બારણા આગળ બેસીને કેવળ હૃદયભર્યા આટલા સ્નેહના જોરે તું કોની જોડે ઝૂઝવાની હતી? આ જગતમાં તો ભયપૂર્વક વ્યથિત હૃદયથી અંતરની ઇચ્છા જ માત્ર પ્રગટ કરવી છાજે. એટલું જ કહી મૂકવું કે 'જવા દેવાની ઇચ્છા નથી.’ ‘જવા નહીં દઉં!' એવું તે કોણ કહી શકે? તારા શિશુમુખે સ્નેહની આ પ્રબળ ગર્વવાણી સાંભળીને કૌતુકભર્યું હસીને સંસાર મને ખેંચી લઈ ગયો. તું માત્ર હારેલી આંસુભરી આંખે ચિત્રવત્ બારણે બેસી રહી એ જોઈને આંસુ લૂછીને હું ચાલ્યો આવ્યો.

જતાં જતાં જોઉં છું તો રસ્તાની બન્ને બાજુએ શરદનાં ધાનથી લચેલાં ખેતર તડકો ખાય છે. રાજમાર્ગની બાજૂમાં વૃક્ષોની હાર ઉદાસીન બનીને આખો દિવસ પોતાની જ છાયાને જોઈ રહી છે. શરદની બે કાંઠે ભરપૂર ગંગા પૂરવેગથી વહી રહી છે. ધોળાં ધોળાં નાનાં, વાદળાં માના દૂધથી ધરાઈને સુખભરી નીંદરમાં પડેલા તરતના જન્મેલા સુકુમાર વાછરડાની જેમ ભૂરા આકાશમાં સૂતાં છે. બળબળતા તડકામાં જૂગજૂગાંતરની થાકેલી, દિશાઓના છેડા સુધી વિસ્તરેલી ખૂલ્લી ધરણીના ભણી જોઈને મેં નિઃશ્વાસ નાંખ્યો. કેવા ઊંડા દુઃખમાં સમસ્ત આકાશ ને સમસ્ત પૃથ્વી ડૂબી ગયાં છે. ગમે એટલો દૂર જાઉં છું પણ એકમાત્ર મર્મઘાતક સૂર સાંભળું છું, ‘હું નહીં જવા દઉં તમને!’ ધરતીના છેડાથી તે ભૂરા આકાશનો છેક છેવટનો છેડો સદાકાળ અનાદિ અનંત રવથી ગાજ્યા કરે છે, ‘નહીં જવા દઉં, નહીં જવા દઉં!’ સૌ કોઈ કહે છે, ‘નહીં જવા દઉં' તૃણ અત્યંત ક્ષુદ્ર છે એને પણ છાતી સરસું વળગાડીને માતા વસુધા જીવ પર આવીને બોલી ઊઠે છે, ‘નહીં જવા દઉં!' ક્ષીણઆયુ દીપને મુખે હોલવાઈ જવા આવેલી જ્યોતને અંધકારનો કોળિયો થતી અટકાવવા ખેંચીને કોણ સેંકડો વાર કહી રહ્યું છે, ‘નહીં જવા દઉં'? આ અનંત ચરાચરમાં સ્વર્ગ અને પૃથ્વીને આવરીને ઘેરું ક્રન્દન ચાલી રહ્યું છે ‘ ‘નહીં જવા દઉં!’ હાય, તોયે (જનારને) જવા દેવું પડે છે. (જનાર) ચાલી જાય છે. એમ જ અનાદિકાળથી ચાલતું આવ્યું છે. પ્રલયના સમુદ્ર તરફ વહી રહેલા સર્જનના સ્ત્રોતમાં ઉજ્જ્વલ આંખે અધીરાઈથી હાથ પસારીને ‘નહીં જવા દઉં!’નો સાદ પાડતાં પાડતાં બધાં હૂહૂ કરતાં તીવ્ર વેગે વિશ્વના કાંઠાને આર્ત ચીસથી ભરી દઈને ચાલ્યાં જાય છે. આગળના મોજાને પાછળનું મોજું સાદ પાડીને કહે છે 'નહીં જવા દઉં,’ ‘ નહી જવા દઉં!' કોઈ સાંભળતું નથી, કશો જવાબ મળતો નથી.

આજે ચારે દિશાએથી મારી કન્યાના કંઠસ્વરમાં શિશુના જેવા અબુધ વિશ્વની વાણી, એ વિશ્વના મર્મને ભેદનાર કરુણ ક્રંદન એકસરખું મારે કાને પડે છે. સદાકાળથી એ જેને પામે છે તેને જ ખોઈ બેસે છે. તોય એની મૂઠી ઢીલી થઈ નથી. તોય અવિરત મારી ચાર વરસની કન્યાની જેમ એ અખંડિત પ્રેમના ગર્વથી બૂમ પાડીને કહે છે, ‘નહીં જવા દઉં!’ મ્લાન મુખે આંસુભરી આંખે ક્ષણેક્ષણે પળેપળે એનો ગર્વ તૂટે છે. ને તોયે પ્રેમ કેમેય પરાભવનો સ્વીકાર કરતો નથી. તોય એ વિદ્રોહના ભાવથી રુદ્ધકંઠે કહે છે, ‘નહીં જવા દઉં!’ જેટલી વાર પરાજય પામે છે એટલી વાર કહે છે, ‘હું જેને ચાહું તે શું કદી મારાથી દૂર જઈ શકે?' મારી આકાંક્ષાના જેવું આટલું આકુલ, આટલું સૌથી શ્રેષ્ઠ, આવું અપાર, આવું પ્રબળ વિશ્વમાં બીજું કશું છે ખરું? આમ કહીને દર્પથી આહ્વાન કરે છે, ‘નહીં જવા દઉં!'ને તરત જ જુએ છે તો શુષ્ક તુચ્છ ધૂળની જેમ એક નિઃશ્વાસે એનું આદરનું ધન ઊડીને ચાલ્યું જાય છે. બન્ને આંખો આંસુમાં વહી જાય છે, છિન્નમૂળ તરુની જેમ એ હતવર્ગ નતશિર ધરણી પર ઢળી પડે છે. તોય પ્રેમ કહે છે, ‘વિધિના વચનનો ભંગ નહીં થાય. મને હંમેશનો અધિકાર આપતો સહીવાળો એનો મહા અંગીકારલેખ હું પામ્યો છું.' આથી છાતી ફુલાવીને સર્વશક્તિ મરણના મુખ સામે ઊભી રહીને સુકુમાર ક્ષીણ દેહલતા કહે છે, ‘મૃત્યુ, તું નથી’ એવાં ગર્વનાં વચનો! મૃત્યુ બેઠું બેઠું હસે છે. વિષાદભર્યાં નયનો પર આંસુની ઝાંયની જેમ વ્યાકુલ આશંકાથી સદા કંપમાન એ મરણપીડિત ચિરંજીવી પ્રેમ આ અનંત સંસારને છાઈ રહ્યો છે. આશાહીન શ્રાન્ત આશાએ વિષાદના ધુમ્મસને આખા વિશ્વમાં ફેલાવી રાખ્યું છે. વિશ્વને ઘેરીને વિફળ બંધનમાં વળગી પડેલા બે અબોધ સ્તબ્ધ ભયભીત બાહુ આજે જાણે નજરે પડે છે. ચંચળ સ્રોતના નીરમાં એક અચંચલ છાયા પડી છે. અશ્રુની વૃષ્ટિથી ભરેલા કયા મેઘની એ માયા છે! તેથી આજે તરુમર્મરમાં આટલી વ્યાકુળતા સાંભળું છું. આળસ અને ઔદાસ્યપૂર્વક મધ્યાહ્નની ગરમ હવા સૂકાં પાંદડાં સાથે ઠાલી રમત રમે છે. પીપળાની તળિયેની છાયાને લંબાવીને દિવસ ધીરેધીરે વહી જાય છે. અનંતની વાંસળી વિશ્વની સીમના મેદાનના સૂરે જાણે કે રડે છે. આ સાંભળીને દૂર સુધી વિસ્તરેલાં ધાનનાં ખેતરમાં જાહ્નવીને કાંઠે તડકાથી પીળા એક સોનેરી અંચલને વક્ષ પર ખેંચી લઈને ઉદાસ વસુંધરા વિખરાયલા વાળે બેઠી છે. એ સ્થિર આંખો દૂર નીલાંબરમાં મગ્ન છે. એને મુખે વાણી નથી. બારણા પાસે મર્માઘાત પામેલી સ્તબ્ધ ને લીન બનેલી મારી ચાર વરસની કન્યા જેવું એનું એ મ્લાન મુખ મેં જોયું. ૨૯ ઑક્ટોબર ૧૮૯૨ ‘સોનાર તરી’

(અનુ. સુરેશ જોશી)