એકોત્તરશતી/૪૫. પ્રતિનિધિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રતિનિધિ

આ શ્યામ ધરા ઉપર તેં પ્રેમ કર્યો હતો. તારું હાસ્ય અત્યંત સુખથી ભરેલું હતું. અખિલ વિશ્વના સ્ત્રોતમાં ભળી જઈ ને ખુશ થતાં તેં જાણ્યું હતું, એથી તારું હૃદય હૃદય અને પ્રાણને હરી લેનારું હતું. આ શ્યામ ધરા તારી પોતાની હતી. આજે આ ઉદાસ મેદાનમાં આકાશમાં બધે જાણે તારી આંખો જોતી જોતી ફરે છે. તે તારું હાસ્ય, તે ધારી ધારીને જોવાનો આનંદ, બધાંને સ્પર્શ કરીને વિદાયનાં ગીત ગાતાં ગાતાં, આ તાલવન, ગ્રામ અને વગડામાં થઈને ચાલ્યાં જાય છે. તારો તે ગમો મારી આંખમાં અંકિત કરીને મારી આંખમાં તું તારી દૃષ્ટિ મૂકી ગઈ છે. આજે હું એકલો એકલો બે જણનું જોવાનું જોઉં છું. મારી કીકીમાં તારી મુગ્ધ દૃષ્ટિ અંકિત કરીને તું મારા મનમાં રહીને ભોગ કરે છે, આસ્વાદ લે છે. આ જે શિયાળાનો પ્રકાશ વનમાં કંપે છે, શિરીષનાં પાંદડાં પવનથી ખરી પડે છે, એ છાયા અને પ્રકાશના આકુલ કંપનમાં અને એ શિયાળાના મધ્યાહ્નના મર્મરિત વનમાં તારું અને મારું મન આખો વખત રમે છે. મારા જીવનમાં તું જીવ, અરે જીવ, તારી કામના મારા ચિત્ત મારફતે માગ. જાણે હું મનમાં ને મનમાં સમજું કે અત્યંત ગુપ્તભાવે તું આજે મારામાં હું થઈને રહેલી છે. મારા જીવનમાં તું જીવ, અરે જીવ. ૧૮ ડિસેમ્બર, ૧૯૦૨ ‘સ્મરણ’

(અનુ. નગીનદાસ પારેખ)