એકોત્તરશતી/૪૭. વીર પુરુષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વીરપુરુષ

ધારો કે જાણે દેશવિદેશ ઘૂમતો માને લઈને હું દૂર દૂર જઈ રહ્યો છું. તું, મા, પાલખીમાં બેસીને જઈ રહી છે, બંને બારણાં જરીક ઉઘાડાં રાખીને, અને હું રાતા ઘોડા પર સવાર થઈને તારી બાજુમાં તબડક તબડક કરતો જઈ રહ્યો છું. ઘેાડાની ખરીથી રસ્તામાંથી રાતા ધૂળના ગોટા ઊડતા આવે છે. સાંજ પડી, સૂરજ આથમે છે. આપણે જાણે જોડાદિઘિ (જોડતળાવ)ના મેદાનમાં આવ્યા છીએ. જ્યાં નજર નાખું ત્યાં બધું ખાવા ધાય છે, ક્યાંયે માણસ નથી; તેથી તું મનમાં મનમાં ભયભીત બની ગઈ છે અને વિચાર કરે છે કે ‘ક્યાં આવ્યાં!' તેવે વખતે હું કહું છું: ‘તું બીતી નહિ, ઓ મા, પેલો દેખાય સૂકાયલી નદીનો પટ!’ કૂતરાના ઘાસથી મેદાન ઢંકાઈ ગયું છે, અને વચમાં થઈને વાંકી પગદંડી જાય છે. ગાયવાછરુ ક્યાંય દેખાતાં નથી, સાંજ થતાં જ તેઓ ગામમાં વળી ગયાં છે. આપણે ક્યાં જઈ રહ્યાં છીએ તેની કોને ખબર છે! અંધારામાં બરાબર દેખાતું નથી. એવામાં તેં મને બોલાવીને કહ્યું : ‘તળાવના કિનારે પેલું અજવાળું શાનું દેખાય છે?' એટલામાં ‘હાં રે રે રે રે રે’ની બૂમો પાડતા પેલા કોણ બધા આવી રહ્યા છે? તું બી જઈને પાલખીના એક ખૂણામાં ભરાઈ મનમાં મનમાં ઠાકેારજીનું સ્મરણ કરી રહી છે. પાલખી ઊંચકનારાઓ પાલખી છોડીને બાજુના કાંટાળાવનમાં ભરાઈ ગયા છે ને થરથર કાંપે છે. અને હું જાણે બૂમ પાડી તને કહી રહ્યો છું ‘હું છું મા, તું શા માટે બીએ છે?’ એ લોકોના હાથમાં લાઠી છે, માથા પર લાંબા લાંબા જીંથરિયા વાળ છે, કાનમાં જાસુદનાં ફૂલ ખોસેલાં છે. હું પડકાર કરું છું : ‘ખબરદાર, ઊભા રહો! એક ડગલુંયે જો આગળ ભર્યું છે તો જોઈ લો મારી આ તલવાર, તમારા સૌના ટુકડા કરીને ખતમ કરી નાંખીશ!' આ સાંભળીને તેઓ બધા છલંગ મારીને બૂમ પાડી ઊઠ્યા ‘હાં રે રે રે રે રે!’ તેં કહ્યું: ‘ઓરે કીકા તું જતો નહિ!' મેં કહ્યું. ‘તું તારે ગુપચુપ જોયા કર!’ હું ઘોડો દોડાવીને એ લોકોની વચમાં પહોંચી ગયો. ઢાલ તલવારની રમઝટ બોલી ગઈ. એવી ભયાનક લડાઈ થઈ, મા, કે એ સાંભળીને તારાં રૂવાટાં ઊભાં થઈ જશે. કેટલાયે લોકો બીને ભાગી ગયા, અને કેટલાયનાં માથાં કપાઈ ગયાં તું મનમાં વિચાર કરે છે કે આટલા બધા માણસોની સામે લડીને કીકો કદાચ મરી જ ગયો હશે. એવામાં હું પસીનાથી તર લોહીલુહાણ હાલતમાં આવીને તને કહું છું કે ‘લડાઈ પૂરી થઈ ગઈ!' એ સાંભળીને તું પાલખીમાંથી ઊતરી મને ચુંબન કરી તારી ગોદમાં લઈ લે છે. ને કહે છેઃ ‘સારું થયું કીકો સાથે હતો, નહિ તો આજે કેવી દુર્દશા થાત!' આહા! રોજ ગમે તે કેટલુંયે બને છે, પણ આવું કેમ સાચેસાચ બનતું નથી? તો બરાબર એક વાર્તા જેવું થાત, અને સાંભળનારા બધા આભા બની જાત, મોટાભાઈ તો કહેત કે ‘આ બને કેવી રીતે? શું કીકાના શરીરમાં આટલું બધુ જોર છે!’ મહોલ્લાના લોકો બધા સાંભળીને કહેત, ‘સારુ થયું કીકો તે વખતે માની પાસે હતો!' ડિસેમ્બર, ૧૯૦૩ ‘શિશુ’

(અનુ. રમણલાલ સોની)