એકોત્તરશતી/૪૯. જગત્-પારાવારેર તીરે
જગત–પારાવારને કિનારે બાળકો મેળો જમાવે છે. માથા પર અનંત સ્થિર ગગનતલ છે, પેલું ફેનિલ સુનીલ જળ આખો વખત નાચી રહ્યું છે. કિનારા પર કેવો કોલાહલ જાગે છે—બાળકો મેળો જમાવે છે. તેઓ રેતીનાં ઘર બનાવે છે, છીપલાં લઈ ને રમે છે, નીલ સલીલ પર તેઓ રમવાની હોડી અને પોતાના હાથે રમતવાતમાં પાંદડાં ગૂંથીને બનાવેલો તરાપો તરાવે છે. જગત-પારાવારને કિનારે બાળકો રમત રમે છે. તરવાનું તેમને આવડતું નથી, જાળ ફેંકવાનું આવડતું નથી. મરજીવાઓ મોતી વીણવા ડૂબકી મારે છે; અને વણિકો વહાણમાં બેસીને દોટ મૂકે છે. બાળકો કાંકરા વીણી ભેગા કરી બેઠા બેઠા તેનો ઢગલો ગોઠવી રહ્યા છે. તેઓ રતન-ધન નથી ખોળતા, જાળ ફેંકવાનું તેમને આવડતું નથી. ફીણ ફીણ થઈને સાગર હસે છે; સાગરનો કિનારો હસે છે. ભીષણ મોજાં બાળકના કાનમાં તરલ તરલ તાનમાં ગાથાઓ રચે છે—ઝોળી પકડીને જેમ જનની ગાતાં ગાતાં પારણાને હીંચોળે છે તેમ. સાગર બાળકોની સાથે રમે છે, અને સાગરનો કિનારો હસે છે. જગત–પારાવારને કિનારે બાળકો રમે છે. વાવાઝોડું આકાશમાં ઘૂમે છે, વહાણ દૂર દૂર જળમાં ડૂબે છે, મરણનો દૂત ઊડતો ચાલે છે, બાળકો રમે છે. જગત–પારાવારને કિનારે બાળકોનો મહામેળો જામ્યો છે. સપ્ટેમ્બર, ૧૯૦૩ ‘શિશુ’