એકોત્તરશતી/૪. વધૂ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪. વહુ


‘સાંજ પડવા આવી, પાણી ભરવા ચાલ!' એ પુરાણો સાદ પાડી કોઈ જાણે મને દૂરથી બોલાવી રહ્યું છે!— ક્યાં છે એ છાયા, સખી, ક્યાં છે એ જળ? ક્યાં છે એ બાંધેલો ઘાટ અને ક્યાં છે એ પીપળો? હું તો અહીં ઘરના ખૂણામાં એકલી વિચારવશ બેઠી હતી – ત્યાં કોઈએ જાણે મને બૂમ પાડી : ‘પાણી ભરવા ચાલ!’

કાખમાં ઘડો લીધો છે, રસ્તો વાંકો છે— ડાબી તરફ માત્ર મેદાન છે, જે આખો વખત બસ ખાવા ધાય છે. જમણી તરફ વાંસનું વન ડાળીઓ હલાવ્યા કરે છે. તળાવના કાળા જળમાં, સાંજનું અજવાળું ઝળહળે છે, બેઉ બાજુએ ગાઢ વન છાયામાં ઢંકાયેલું છે. ગંભીર સ્થિર પાણીમાં હું ધીરેધીરે તણાયે જાઉં છું, કાંઠા પર સુધામય સ્વરે કોયલ ટહુકા કરે છે. પાછા ફરતી વખતે રસ્તામાં, અંધારઘેર્યાં તરુઓ માથે હું અચાનક આકાશમાં અંકાયલો ચન્દ્ર જોઉં છું.

પીપળાનું ઝાડ દીવાલ તોડીને ઊગી આવ્યું છે. સવારમાં ઊઠીને હું ત્યાં દોડી જતી. શરદઋતુમાં ધરતી ઝાકળથી ચમકે છે, કરેણનાં ફૂલ ખીલ્યાં છે. દીવાલ પર પથરાઈને તેને હરિયાળીથી ભરી દેતી બે લતિકાઓ જાંબલી રંગનાં ફૂલોથી ભરાઈ ગયેલી છે. ફાટમાં આંખો માંડીને હું ખૂણે આડશમાં બેસી રહું છું. પગ નીચે પાલવ રોળાય છે.

મેદાન પર મેદાન છે. મેદાનોની પેલી પાર દૂર દૂર ગામડું આકાશની સાથે એકાકાર થઈ ગયેલું દેખાય છે. આ તરફ પુરાતન લીલાં તાડ–વન એકમેક શું ઘસાઈને ઘીચોઘીચ હારબંધ ઊભેલાં છે. બંધની જળરેખા ચમકે છે, અને ગોવાળિયા કાંઠા પર આવીને ભેગા થતા દેખાય છે. રસ્તો ક્યાં જાય છે તેની મને ખબર નથી. કોણ જાણે કંઈ કેટલા સેંકડો નવા નવા દેશોમાં(એ જતો હશે)!

હાય રે પાષાણ–કાયા રાજધાની! વ્યાકુળ બાલિકાને તું તારી વિરાટ મુઠ્ઠીમાં જોરથી પીસી રહી છે—તને જરીકે દયામાયા નથી! ક્યાં ગયું એ ખુલ્લું મેદાન, ક્યાં ગયો એ ઉદાર પથ-ઘાટ, ક્યાં ગયું એ પંખીનું ગાન અને ક્યાં ગઈ એ વનની છાયા? કોઈ જાણે મારી ચારે તરફ ઊભું છે— રખેને એ સાંભળી જાય એ બીકે હું મન ખુલ્લું કરી શકતી નથી. અહીં રડવું એ વૃથા છે; દીવાલોની સાથે અથડાઈને રુદન પોતાની જ પાસે પાછું આવે છે.

મારી આંખોનાં આંસુ કોઈ સમજતું નથી. અવાક્ બનીને બધા કારણ શોધે છે(ને કહે છે): 'એને કશાથી સંતોષ નથી. આ એનો ભારે દોષ છે. ગામડાની છોકરીનો સ્વભાવ જ એવો! સગાંવહાલાં ને પાડોશીઓમાં આટલું હળવામળવાનું છે, ને એ શું કરવા આંખો મીંચીને ખૂણામાં બેસી રહે છે?’

કોઈ મોં જુએ છે, કોઈ શરીર જુએ છું.- કોઈ સારું કહે છે, કોઈ નથી કહેતું. ફૂલની માળા થઈને હું વેચાવા આવી છું, બધા પરખ કરે છે, કોઈ સ્નેહ કરતું નથી. સૌની અંદર હું એકલી ફરું છું. જેમ તેમ આખો દિવસ પૂરો કરું છું! ઈંટ પર ઈંટ છે, ને વચમાં મનુષ્યકીટ છે,— નથી સ્નેહ, નથી ખેલકૂદ!

ક્યાં છે, તુ ક્યાં છે, એ મા! રે! તું કેવી રીતે મને ભૂલી ગઈ છે! નવ-ચંદ્રમા ઊગે ત્યારે અગાશી પર બેસીને હવે તું મને વારતાઓ નહિ કહે શું? હું ધારું છું મા, કે તું હૃદયવેદનાથી ખાલી પથારીમાં આંસુભરી આંખે આખી રાત જાગે છે; અને ફૂલ વીણીને સવારે શિવાલયમાં જઈ પરદેશવાસી દીકરીનું કુશલ માગે છે.

અહીં પણ અગાશી માથે ચાંદો ચડે છે, અને પ્રકાશ ઘરના બારણામાં પ્રવેશ માગે છે. મને ખોળતો એ દેશવિદેશ ફરે છે, જાણે એ મને પ્રેમપૂર્વક ચાહે છે. તેથી હું પળભર મને ભૂલી જાઉં છું અને વ્યાકુળ બની બારણું ઉઘાડીને દોડી જાઉં છું. ત્યાં તો એકદમ ચારે તરફથી આંખો તીરછી થઈને વાગે છે અને શાસન(સાસુ વગેરે)વંટોળિયો ઊભો કરીને દોડી આવે છે!

મને નહિ દેશે પ્રેમ, નહિ દેશે પ્રકાશ! હમેશાં મને એમ થયા જ કરે છે કે તળાવનું પેલું અંધકારમય છાયામય શીતળ કાળું પાણી છે, તેના જ ખોળામાં જઈને મરવું સારું! પાડો, પાડો, બૂમ પાડો તમે, બોલો, બોલો કે ‘સાંજ પડવા આવી, પાણી ભરવા ચાલ!’ પણ ક્યારે પડશે સાંજ, ક્યારે પૂરી થશે બધી રમત, અને ક્યારે બધી જ્વાળાઓને હોલવશે શીતલ જળ — તમે કોઈ જાણતાં હો તો મને કહો! ૨૩ મે ૧૮૮૮ ‘માનસી’

(અનુ. રમણલાલ સોની)