એકોત્તરશતી/૭૨. દુઇ નારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બે નારી(દુઈ નારી)

કોઈક ક્ષણે સૃજનના સમુદ્રમન્થનથી બે નારી અતલના શય્યાતલને છોડીને નીકળી હતી. એક જણ ઉર્વશી, સુન્દરી, વિશ્વના કામના-રાજ્યમાં રાણી, સ્વર્ગની અપ્સરી. બીજી લક્ષ્મી તે કલ્યાણી, સ્વર્ગીની ઈશ્વરી; વિશ્વની જનનીરૂપે તેને ઓળખું છું, એક જણ તપોભંગ કરી ઉચ્ચહાસ્યના અગ્નિરસથી ફાગણનું સુરાપાત્ર ભરીને પ્રાણમન હરી લઈ જાય છે; વસન્તના પુષ્પિત પ્રલાપમાં, રાગરક્ત કેસૂડામાં અને ગુલાબમાં, નિદ્રાહીન યૌવનના ગાનમાં, બે હાથે તેમને વેરે છે. બીજી અશ્રુના ઠંડકભર્યા સ્નાનથી સ્નિગ્ધ વાસનામાં (પ્રાણમનને) પાછાં વાળી લાવે છે; હેમન્તની સુવર્ણકાન્તિમયી ફળવતી શાન્તિની પૂર્ણતાએ પહોંચાડે છે; વિશ્વજગતના આશીર્વાદ તરફ અચંચલ લાવણ્યના સ્મિતહાસ્યની મધુર સુધામાં વાળી લાવે છે. ધીરેથી, જીવન મૃત્યુના પવિત્ર સંગમતીર્થને તટે અનન્તની પૂજાના મન્દિરે લઈ આવે છે. ૩ ફેબ્રુઆરી, ૧૯૧૫ ‘બલાકા’

(અનુ. ઉમાશંકર જોશી)