એકોત્તરશતી/૮૦. આશંકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આશંકા


મને પ્રેમનું મૂલ્ય બે હાથભરીને જેમ જેમ વધારે ને વધારે દઈશ તેમ તેમ મારા અંતરની આ ઊંડી વંચના આપોઆપ ખુલ્લી નહિ પડશે કે? એના કરતાં તે ઋણના રાશિને ઠાલવી દઈને ખાલી હોડી ન લઈ જાઉં? ભૂખથી પીડાતા રહેવું તેય સારું, સુધાથી ભરેલું તારું હૃદય પાછું લઈને ચાલી જા. રખેને મારી પોતાની વ્યથા દૂર કરવા જતાં તારા ચિત્તમાં વ્યથા જગાડી બેસું; રખેને મારો પોતાનો બોજો હળવો કરવા જતાં તારા પર બોજો લાદી બેસું; રખેને મારા એકાકી પ્રાણના ક્ષુબ્ધ સાદથી તને રાતે જાગતી રાખું;— આ બીકનો માર્યો જ મનની વાત ખોલીને કરી શકતો નથી. જો ભૂલી શકે તો તું એ ભૂલી જાય એ જ સારું, હું નિર્જન માર્ગે ચાલ્યો જતો હતો, ત્યાં તું મારા મુખ ઉપર દૃષ્ટિ કરતી આવી. મનમાં હતું કે તને કહું: ' સાથે ચાલ, મારી સાથે કશીક વાત કર.’ પણ તારા મુખ ભણી જોતાં, કોણ જાણે શાથી, મને મનમાં ભય લાગ્યો. તારા પ્રાણની મધ્યરાત્રિના અન્ધકારને ઊંડે તળિયે મેં સૂતેલા અગ્નિને સંતાઈને બળતો જોયો હતો. તપસ્વિની, જો હું તારા તપની શિખાને એકાએક જગાવી બેસું, તો એના જ દીપ્ત પ્રકાશમાં આવરણ ખસી જતાં મારું દૈન્ય પ્રગટ થઈ જશે. તારા પ્રેમના હોમાગ્નિમાં હવિ થાય એવું મારી પાસે આપવા જેવું શું છે? તેથી જ તો હું તને નતશિરે કહું છું કે તારા દર્શનની સ્મૃતિ લઈને હું એકલો પાછો ફરી જઈશ. ૧૭ સપ્ટેમ્બર ૧૯૨૪ ‘પૂરબી’

(અનુ. સુરેશ જોશી)