એકોત્તરશતી/૯૭. શૂન્ય ચોકિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ખાલી ખુરસી (શૂન્ય ચૌકિ)


જનહીન બપોરની વેળાએ તડકાના તાપ ધખે છે; ખાલી ખુરસી તરફ જોઉં છું, ત્યાં સાન્ત્વનાનો લેશ પણ નથી. તેના હૃદયમાં ભરેલી હતાશની ભાષા જાણે હાહાકાર કરે છે. કરુણાથી ભરેલી શૂન્યતાની વાણી ઊઠે છે, તેનો મર્મ પકડાતો નથી. માલિક ગુમાવેલો કૂતરો જેમ કરુણ દૃષ્ટિએ જુએ છે, તેમ અબૂઝ મનની વ્યથા હાય હાય કરે છે; શું થયું, કેમ થયું, કંઈ સમજતી નથી. દિનરાત વ્યર્થ આંખે ચારે કોર શોધે છે. ખુરસીની ભાષા જાણે એથીય વધારે કરુણ અને કાતર છે, શૂન્યતાની મૂક વ્યથા પ્રિયહીન ઘરને વ્યાપી વળે છે. ૨૬ માર્ચ, ૧૯૪૧ ‘શેષ લેખા’

(અનુ. નગીનદાસ પારેખ)