એકોત્તરશતી/૯. હિં ટિ છટ્

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હિંગ્ ટિંગ્ છટ્

(સ્વપ્નમંગલ)


હબુચન્દ્ર રાજાએ રાતે સ્વપ્ન જોયું. — એના અર્થનો વિચાર કરતાં કરતાં ગબુચન્દ્ર મૂંગો થઈ ગયો! જાણે કે ત્રણ વાંદરાઓ ઓશિકા આગળ બેસીને પરમ આદરપૂર્વક જૂ વીણતા હતા; જરાક હાલવા જતાં ગાલ પર લપડાક ચેાડી દે છે, અને આંખ મોં પર એમના નખના ઉઝરડા થાય છે, અચાનક એઓ અલોપ થઈ ગયા, અને એક રખડુ જિપ્સી આવ્યો.

‘પંખી ઊડી ગયું છે!' એમ કરીને એ રોઈ મરે છે. સામે રાજાને જોઈ એણે એને પોતાની કાંધે ઉપાડી લીધો, અને એક પંખીને બેસવાના ઊંચા દાંડા પર લટકાવી દીધો. નીચે એક બુઢ્ઢી ડોશી ઊભી હતી — તે હસીને રાજાના પગનાં તળિયાં પર ગલીપચી કરતી હતી! ‘આ કેવી આફત!’ કહીને રાજા બૂમો પાડે છે, પણ કોઈ એને છોડતું નથી, — પગ ઊંચા લેવા ચાહે છે, પણ ઊંચા કરી શકતો નથી. પંખીની પેઠે રાજા તરફડે છે, અને પેલો રખડુ જિપ્સી એના કાનમાં કહે છે : હિંગ્ ટિંગ્ છટ્! સ્વપ્નમંગલની કથા અમૃત સમાન છે. ગૌડાનદ કવિ કહે છે, અને પુણ્યશાળી સાંભળે છે.

હબુપુર રાજ્યમાં આજે છ સાત દિવસથી કોઈની આંખમાં ઊંઘ નથી, અને કોઈના પેટમાં ભાતનો દાણો નથી. શીર્ણ ગાલ પર હાથ રાખી, અને માથું નીચુ ઘાલી આખા રાજ્યનાં આબાલવૃદ્ધ સૌ વિચાર કરી કરીને ઘેલાં બની ગયાં છે. છોકરાઓ રમવાનું ભૂલી ગયા છે, પંડિતો પાઠ ભૂલી ગયા છે, સ્ત્રીઓ મૂંગી થઈ ગઈ છે — એવડું મોટું સંકટ માથે આવી પડ્યું છે! કતારો ને કતારો બેસી ગઈ છે, કોઈના મુખમાં શબ્દ નથી, અને ચિંતા જેમ વધે છે તેમ માથું ઝૂકી પડે છે—જાણે ભેાંય ફોડીને નીકળનાર તત્ત્વની શોધ કરે છે, જાણે બધા નિરાકાર ભોજન જમવા બેસી ગયા છે! વચમાં વચમાં તેઓ ઉત્કટ લાંબો શ્વાસ છોડીને ઓચિંતાના પોકારી ઊઠે છે: હિં ટિં છટ્! સ્વપ્નમંગલની કથા અમૃત સમાન છે. ગૌડાનંદ કવિ કહે છે, અને પુણ્યશાળી એ સાંભળે છે.

અયોધ્યા, કનોજ, કાંચી, મગધ, કોશલ——ચારે દિશાએથી પંડિતોનાં દળ આવ્યાં. ઉજ્જયિનીથી કવીન્દ્ર કાલિદાસના ભાણેજના વંશના પંડિત શિરોમણિ આવ્યા. બધા મોટી મોટી પોથીઓ લઈને પાનાં ફેરવે છે, અને વારે વારે ચોટલી સમેત માથું ધુણાવે છે. મોટાં મોટાં મસ્તકોરૂપી પાકા ધાનનાં ખેતરો, હવામાં જાણે ડૂંડાં સમેત ઝોલાં ખાય છે. કોઈ શ્રુતિ જુએ છે, તો કોઈ સ્મૃતિ, કોઈ વળી પુરાણ જુએ છે, તો કોઈ વ્યાકરણ અને કોઈ કોશ. પણ ક્યાંયે કંઈ અર્થ મળતો નથી, અને અનુસ્વાર અને વિસર્ગનો ઢગલો વધતો જ જાય છે. વિષમ સંકટ છે. ચૂપ થઈને બધા બેસી રહે છે, ને રહી રહીને બૂમ પાડી ઊઠે છે: હિં ટિં છટ્! સ્વપ્નમંગલની કથા અમૃત સમાન છે. ગૌડાનંદ કવિ કહે છે અને પુણ્યશાળી એ સાંભળે છે.

નિરાશ થઈને હબુચન્દ્ર રાજાએ કહ્યુ : ‘કહે છે કે મ્લેચ્છ દેશમાં ઘણા પંડિતો છે—એ લોકોને જ્યાં હોય ત્યાંથી બોલાવી લાવો- વખતે એમના હાથમાં અર્થ પકડાઈ જાય! ભૂખરા વાળ છે, નીલ આંખો છે, રાખોડી ગાલ છે, એવા યવન પંડિતો આવે છે, ઢોલ નગારા વાગે છે. શરીર પર કાળા રંગના જાડા જાડા ટૂંકા ટૂંકા ડગલા છે; ઉનાળાના તાપમાં એમની ગરમીનો પારો ચડે છે. ભારે ઉગ્ર મૂર્તિ છે. કંઈ પણ ભૂમિકા કર્યા વગર ઘડિયાળ ખોલી કહે છે : ‘બસ, માત્ર સત્તર મિનિટનો વખત રહ્યો છે, કંઈ કહેવાનું હોય તો ચટપટ બોલી નાખો!’ અને આખી સભા તરત બોલી ઊઠે છેઃ હિં ટિં છટ્! સ્વપ્નમગલની કથા અમૃત સમાન છે. ગૌડાનંદ કવિ કહે છે અને પુણ્યશાળી એ સાંભળે છે.

સ્વપ્ન સાંભળીને મ્લેચ્છનું મોં રાતુંચોળ થઈ જાય છે, એની આંખો અને મુખમાંથી આગના ભડકા નીકળવાનું કરે છે, જમણા હાથની મૂઠી ડાબા હાથની હથેળીમાં પછાડીને ગુસ્સામાં એ બોલે છે: ‘બોલાવીને મારી મશ્કરી!’ એમાં એક ફ્રેન્ચ પંડિત હતો, તેણે માથું નમાવીને, છાતી પર હાથ રાખી, હાસ્યોજ્જ્વળ મુખે કહ્યું: ‘મેં જે સ્વપ્નું સાંભળ્યુ. તે ખરેખર રાજાને યોગ્ય સ્વપ્નું હતું. આવું સ્વપ્નું બધાના નસીબમાં નથી હોતું. પરંતુ તોયે હું ધારું છું કે એ કેવળ સ્વપ્નું છે—ભલેને પછી એણે રાજાના માથામાં સ્થાન પ્રાપ્ત કર્યું હોય, અને અર્થ જોઈએ તો રાજાની તિજોરીમાં એની ખોટ નથી, બાકી હું ગમે તેટલું માથું પટકું પણ રાજાના સ્વપ્નમાં કંઈ અર્થ નથી. અર્થ નથી, તોપણ હું નિષ્કપટ ભાવે એટલું કહું છું કે આહા! સાંભળતાં કેવું મીઠું લાગે છે! હિં ટિં છટ્’ સ્વપ્નમંગલની કથા અમૃત સમાન છે. ગૌડાનંદ કવિ કહે છે અને પુણ્યશાળી એ સાંભળે છે.

આ સાંભળીને સભામાં બેઠેલા બધા ધિક્ ધિક્ કરવા લાગ્યા : શી ખબર ક્યાંથી આવ્યો છે આવો મહામૂર્ખ પાખંડી નાસ્તિક! સ્વપ્ન કેવળ સ્વપ્ન છે, મસ્તિષ્કનો વિકાર છે, એવી વાત અમે કેમ કરીને કબૂલ કરીએ? અમે જગવિખ્યાત ‘ધર્મપ્રાણ' જાતિ છીએ,—સ્વપ્ન ઉડાવી દેવા માગે છે? ધોળે દહાડે ધાડ! હબુચન્દ્ર રાજાએ આંખો લાલ કરીને કહ્યું : ‘ગબુચન્દ્ર, આ લોકોને યોગ્ય શિક્ષા થવા દો! નીચે કાંટા નાખો, ઉપર કાંટા નાખો, શિકારી કૂતરાઓમાં એમને વહેંચી દો!' સત્તર મિનિટ પૂરી થતાં થતાંમાં મ્લેચ્છ પંડિતનું નામનિશાન રહ્યું નહિ. સભાસદો બધા આનંદાશ્રુના પ્રવાહમાં તણાવા લાગ્યા, અને ધર્મ રાજ્યમાં ફરીને શાન્તિ પાછી આવી. પંડિતોએ આંખમોંની વિકટ ભંગી કરી કરીને ઉચ્ચાર કર્યો: હિં ટિં છટ્! સ્વપ્નમંગલની કથા અમૃત સમાન છે. ગૌડાનંદ કવિ કહે છે અને પુણ્યશાળી એ સાંભળે છે. આ પછી ગૌડ દેશથી આવ્યા યવન પંડિતોનો ગુરુને હરાવી કાઢે એવો ચેલો! ઉઘાડું માથું છે, ધડ પર નથી સાજ, નથી લાજ—કાછડી પાટલી સો વાર નીકળી જાય છે. અસ્તિત્વ છે કે નથી શરીર ક્ષીણ અને ઠીંગણું છે, પણ જ્યારે બોલવા માંડે છે ત્યારે શંકા રહેતી નથી. આવડા નાનકડા યંત્રમાંથી આવડો મોટો અવાજ નીકળે છે એ જોઈને દુનિયા અત્યંત નવાઈ પામી જાય છે. નથી એ અભિવાદનમાં સમજતો, નથી કુશળ પૂછતો, પિતાનું નામ પૂછીએ તો સાંબેલું લઈને ઊઠે છે. ગર્વથી એ પૂછે છે: ‘શાની વિચારણા ચાલે છે? કહો તો હું બેચાર વાતો કહી શકું, વ્યાખ્યાથી ઊંધુંછતું કરી શકું.’ બધા એક અવાજે બોલી ઊઠે છે—હિં ટિં છૂટ્! સ્વપ્નમંગલની કથા અમૃત સમાન છે. ગૌડાનંદ કવિ કહે છે, અને પુણ્યશાળી એ સાંભળે છે.

સ્વપ્નની વાત સાંભળ્યા પછી મુખ ગંભીર કરીને ગૌડીય સાધુપુરુષ એક પહોર લગી બોલ્યા: “સાવ સરળ અર્થ છે—બિલકુલ સ્પષ્ટ! ભાવ અતિ પુરાતન છે, પણ આવિષ્કાર નવો છે. ત્ર્યંબકની ત્રણ આંખો, ત્રણ કાલ, ત્રણ ગુણ—શક્તિભેદથી વ્યક્તિભેદ દ્વિગુણ નિર્ગુણ, વિવર્તન આવર્તન સંવર્તન વગેરે જીવશક્તિ અને શિવશક્તિને વિસંવાદી કરે છે. આકર્ષણ વિકર્ષણ પુરુષપ્રકૃતિ આણવિક ચુંબકશક્તિના બળે કરીને આકૃતિ વિકૃતિ થાય છે, કુશાગ્રે જીવાત્મવિદ્યુત વહે છે અને ધારણા પરમા શક્તિ ત્યાંથી ઉત્પન્ન થયેલી છે. આ ત્રયી શક્તિ ત્રણ સ્વરૂપે પ્રપંચમાં પ્રગટ થયેલી છે. તેને ટૂંકમાં કહીએ તો હિં ટિં છટ્! સ્વપ્નમંગલની કથા અમૃતસમાન છે. ગૌડાનંદ કવિ કહે છે અને પુણ્યશાળી એ સાંભળે છે. ‘ધન્ય! ધન્ય! ધન્ય!'ના પોકારોથી ચારે દિશાઓ કાંપી ઊઠી, બધા કહેઃ સ્પષ્ટ! બિલકુલ સ્પષ્ટ! જે કંઈ દુર્બોધ હતું તે બધું પાણી જેવું સરળ અને શૂન્ય આકાશના જેવું અત્યંત નિર્મળ થઈ ગયુ. રાજા હબુચન્દ્ર હાશ કરી ઊભા થયા અને પોતાના મસ્તક પરથી તાજ ઉપાડીને તેમણે એ દુબળા પાતળા બંગાળીના મસ્તક ઉપર પહેરાવી દીધો—તાજના ભારથી એનું માથુ તૂટી પડશે એવું લાગ્યું. ઘણે દિવસે આજે ચિંતામાંથી છુટકારો થયો. ડૂબુંડૂબું થતા હબુ-રાજ્યમાં હલચલ મચી. છોકરાઓએ રમવા માંડ્યું, વૃદ્ધોએ હૂકો પીવા માંડ્યો, સ્ત્રીઓનાં મોં એક પળમાં ઊઘડી ગયાં! આખા દેશનું માથું એકદમ ઊતરી ગયું; બધાને સમજાઈ ગયું—હિં ટિં છટ્! સ્વપ્નમંગલની કથા અમૃતસમાન છે. ગૌડાનંદ કવિ કહે છે અને પુણ્યશાળી એ સાંભળે છે.

આ સ્વપ્નમંગલની કથા જે સાંભળશે, તેના બધા ભ્રમો દૂર થઈ જશે, એમાં કદી પણ અન્યથા થવાનો સંભવ નથી. વિશ્વને વિશ્વ સમજી એણે કદી ઠગાવું નહિ પડે અને સત્યને એ મિથ્યા તરીકે તરત સમજી જશે. જે છે તે નથી અને જે નથી તે છે એ વાત એની આગળ દીવા જેવી સ્પષ્ટ થઈ જશે. જે વસ્તુને બધા લોકો સહજ સરળ ભાવે જોશે, તેની પાછળ એ પોતાની પૂંછડી જોડી દેશે. આવો ભાઈ, બગાસાં ખાઓ અને ચિત થઈને સૂઈ જાઓ! આ અનિશ્ચિત સંસારમાં આટલી વાત નિશ્ચિત છે— જગતમાં બધું મિથ્યા છે, બધું માયામય છે, એકમાત્ર સ્વપ્ન સાચું છે, બીજું કંઈ સત્ય નથી. સ્વપ્નમંગલની કથા અમૃતસમાન છે. ગૌડાનંદ કવિ કહે છે અને પુણ્યશાળી એ સાંભળે છે. ૩૦ મે ૧૮૯૨ ‘સોનાર તરી’

(અનુ. રમણલાલ સોની)