એક અજાણ્યા ગાંધીની આત્મકથા/૫. બેટન રુજ (૧૯૬૯ – ૧૯૭૩)
હું અને નલિની જ્યારે ગ્રીન્સબરો છોડીને બેટન રુજ જવા નીકળ્યા ત્યારે અમારી નાનકડી મસ્ટેંગ ગાડીમાં બધી ઘરવખરી સમાઈ ગઈ. ગ્રીન્સબરોમાં અમે બહુ કંઈ વસાવ્યું ન હતું. આમ અમે ખાલી અપાર્ટમેન્ટમાં ખાલી હાથે જઈ પહોંચ્યા. યુનિવર્સિટીના આ અપાર્ટમેન્ટ પરણેલાં વિદ્યાર્થીઓ માટે ખાસ બંધાયા હતા. સસ્તું ભાડું, અને યુનિવર્સિટી પાસે. દરરોજ ચાલતા જઈ શકાય. ગાડી હતી એટલે સ્ટોર્સમાં જઈને ગ્રોસરી અને બીજી જરૂરી વસ્તુઓ અને દરરોજનું ઉપયોગી ફર્નિચર લઈ આવ્યા અને અમે ઘર માંડ્યું. હું દરરોજ યુનિવર્સિટીમાં ભણવા અને ભણાવવા જાઉં. મને ટીચિંગ ફેલોશીપ મળી હતી. નૉર્થ કેરોલિના કરતા વ્યવસ્થા જુદી થઈ. ત્યાં હું ફૂલ ટાઈમ ટીચર અને પાર્ટ ટાઈમ સ્ટુડન્ટ હતો. અહીં ફૂલ ટાઈમ સ્ટુડન્ટ અને પાર્ટ ટાઈમ ટીચર થયો. જ્યારે ત્યાં ક્લાસમાં લગભગ સો ટકા વિદ્યાર્થીઓ કાળા હતા, તો અહીં ગોરા હતાં, અને પ્રૉફેસરો પણ બધા ગોરા. કાળો ચહેરો જોવા મળે તે તો માત્ર કામ કરવાવાળાનો—કિચનમાં કુક, જેનીટર, સાફસૂફી કરનારાઓનો.
અહીં હું અમેરિકાનાં દક્ષિણ રાજ્યોમાંના એક લુઈઝીઆનામાં હતો. લુઈઝીઆના ઉપરાંત નૉર્થ અને સાઉથ કેરોલિના, એલબામા, મીસીસીપી, આર્કાન્સા, જ્યોર્જિયા, ફ્લોરીડા અને ટૅક્સાસ–આ બધાં રાજ્યો હજી સિવિલ વોરને, ખાસ કરીને એમાં એમને હાર મળેલી તે, ભૂલી શક્યાં નહોતાં. એ વોરમાં લડેલા એમના અગત્યના જનરલ અને સૈનિકોના સ્મારકો ઠેકઠેકાણે જોવા મળે. ઉત્તરનાં રાજ્યો પ્રત્યેનું એમનું વેર વાત વાતમાં પ્રગટ થતું રહે. વિદ્યાર્થીઓ અને પ્રૉફેસરો પણ મોટે ભાગે દક્ષિણનાં રાજ્યોમાંથી આવેલા હોય. મને નવો નવો જાણી સિવિલ વોર શા માટે થઈ એ બાબતનું તેમનું દૃષ્ટિ બિંદુ સમજાવે. ખાસ કરીને ઉત્તરનાં રાજ્યો તેમના પર હજી કેવો અન્યાય કરે છે, વૉશિંગ્ટન અને ફૅડરલ ગવર્નમેન્ટ કેવો જુલમ કરે છે, તેની વાત કરે.
દક્ષિણનાં રાજ્યોમાં વસતા લોકોનું આ માનસ, ખાસ કરીને ઉત્તરના લોકો પ્રત્યેનો વેર ભાવ તો ત્યાં રહીએ તો જ સમજાય. હજી પણ ટૅક્સાસ જેવા રાજ્યમાં કેટલાય લોકો એવા છે કે જેમને યુનાઈટેડ સ્ટેટ્સથી છૂટું થવું છે અને પોતાનું અલગ રાજ્ય સ્થાપવું છે! એમની વાતચીતો અને વ્યવહારમાં કાળા લોકો પ્રત્યેનો તેમનો અણગમો વારંવાર વ્યક્ત થઈ જતો તે હું જોઈ શકતો. હું બેટન રુજમાં હતો ત્યારે જ તેના લેજીસ્લેચરમાં બે જુદી જુદી બ્લડ બૅંક—એક ગોરા લોકોના લોહીની અને બીજી કાળા લોકોના લોહીની—રાખવાની વાતની ચર્ચા થતી હતી. ગોરા લોકોનું માનવું એવું છે કે એમને જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે એમને કાળા લોકોનું બ્લડ નથી જોઈતું. એમની નસોમાં માત્ર ગોરું બ્લડ જ નખાવું જોઈએ, કાળું નહીં!
યુનિવર્સિટી મોટી. લુઈઝીઆના સ્ટેટમાંથી બધું ફંડિંગ મળે. બધી સ્ટેટ યુનિવર્સિટીઓ જેમ અહીં સ્પોર્ટ્સનું મહત્ત્વ મોટું. ફૉલ સેમેસ્ટરમાં દર શનિવારે ફૂટબોલની ગેમ હોય. આ ફૂટબોલ આપણા ફૂટબોલથી જુદો. આપણા ફૂટબોલને અહીં સાકર કહે છે. આખું સ્ટેડિયમ ભરાઈ જાય. રાજ્યના ગવર્નર, ધારાસભ્યો, અગત્યના ઑફિસરો, બધા આવે. યુનિવર્સિટીના ઍલમનાઈ દૂર દૂરથી ગેમ માટે ખાસ આવે. મોટો ઉત્સવ જોઈ લો. જેમ જેમ ફૂટબોલમાં યુનિવર્સિટીની ટીમ જીતતી રહે, અને રાષ્ટ્રીય કક્ષાએ ટોપ ટેનમાં એની ગણતરી થાય ત્યારે એના ઍલમનાઈ યુનિવર્સિટીને વધુ ને વધુ ડોનેશન આપે. નવા આવતા વિદ્યાર્થીઓ પણ આ કારણે યુનિવર્સિટી પસંદ કરે.
અમેરિકન યુનિવર્સિટીઓને, ખાસ કરીને, મોટી સ્ટેટ યુનિવર્સિટીઓને, સ્પોર્ટ્સનો મહારોગ લાગેલ છે. એમાં ફૂટબોલનું મહત્ત્વ હદ બહારનું. ફૂટબોલના કોચ અને એમાં ભાગ લેતા વિદ્યાર્થીઓને બધી જ સગવડો આપવામાં આવે. લાડકા દીકરાની જેમ એમને સાચવવામાં આવે. કોચનો પગાર સૌથી વધુ, ગવર્નર કરતાં પણ વધુ હોય! એથલીટ વિદ્યાર્થીઓ માટે સ્પેશલ ડોર્મ હોય. સ્પોર્ટ્સને આ મહત્ત્વ અપાવાથી શિક્ષણ ક્ષેત્રે યુનિવર્સિટીનું સ્થાન કથળે તેનો બહુ વાંધો નહીં. અમેરિકન ફૂટબોલ એ એક હિંસક સ્પોર્ટ છે. એ રમતા ખેલાડીઓને માથું અથડાતા જે સખ્ત માનસિક અને શારીરિક હાનિ થાય છે તેની તો વર્ષો અને દાયકાઓ પછી ખબર પડે. સ્પોર્ટ્સને અપાતા આ મહત્ત્વથી શિક્ષણ ક્ષેત્રે જે વિપરીત અસર પડે છે એને કારણે શિકાગો યુનિવર્સિટીએ ઠેઠ ત્રીસીના દાયકાથી સ્પોર્ટ્સમાં ભાગ લેવાનું બંધ કર્યું હતું અને તે નિષેધ હજી પણ ચાલુ છે.
મેં એ પણ જોયું કે અહીં ફેકલ્ટીમાં ઉચ્ચ કક્ષાના બૌદ્ધિકો બહુ ઓછા હતા. હા, જેમનો જે વિષય હોય, અને જે ભણાવતા હોય, તેમાં હોશિયાર હોય એ ખરું, પણ પછી બીજી બધી બાબતમાં એમનું જ્ઞાન કે સમજણ સામાન્ય કક્ષાના. પબ્લિક અફેર્સમાં તો ધબડકો જ સમજો. દક્ષિણની પ્રજાના જે બધા પૂર્વગ્રહો અને સંકુચિત દૃષ્ટિ છે તે તેમની પાસેથી જોવા સાંભળવા મળે. મારા ચાર વરસના વસવાટમાં મને ભાગ્યે જ કોઈ એવો પ્રૉફેસર મળ્યો હોય કે જેની બુદ્ધિથી હું અંજાયો હોઉં. મોટા ભાગના સહવિદ્યાર્થીઓનું પણ એવું જ. અમેરિકન પબ્લિક અફેર્સ અને રાજકારણની બાબતમાં તેમના કરતાં હું વધુ જાણતો હતો! વર્તમાન અમેરિકન રાજકારણ, અર્થશાસ્ત્ર, સાહિત્ય વગેરેમાં મારું વાચન એ લોકોના કરતાં પ્રમાણમાં બહોળું હતું. જો કે એ લોકોને એ બાબતની કશી પડી પણ ન હતી. એ તો અહીં પીએચ.ડી.ની ડીગ્રી લેવા આવ્યા હતા. એમને તો એ યુનિયન કાર્ડ જોઈતું હતું.
જો પ્રૉફેસરો અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ મારી દૃષ્ટિએ બૌદ્ધિક ક્ષેત્રે પછાત હોય, તો પછી સામાન્ય લોકોની તો શી વાત કરવી? એ તો તમે ત્યાંના દૈનિક છાપા ઉપર નજર કરો તો ખબર પડે કે બૌદ્ધિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પ્રજા કેટલી સંકુચિત હતી. એ છાપાંમાં ભાગ્યે જ કોઈ આંતરરાષ્ટ્રીય સમાચાર કે એ બાબતની એનાલીસિસ મળે. ન્યૂ યૉર્ક ટાઈમ્સ વાંચવું હોય તો ઠેઠ લાઇબ્રેરીમાં જવું પડે. જો કે લોકોની ઉષ્મા મને જરૂર સ્પર્શી ગઈ. પરદેશથી આવેલા એટલે અમને ખાસ ઘરે બોલાવે. થેન્ક્સગીવીંગ કે ક્રિસમસ જેવા અગત્યના તહેવારોમાં જરૂર તમારી આગતાસ્વાગતા કરે. મદદ માટે અરધી રાતે આવીને ઊભા રહે. વર્ષો પછી પણ એમની સાથે અમારી એ મૈત્રીના સંબંધો ટકી રહેલા છે.
હું મારી જાતને સમજાવતો હતો કે હું તો અહીં પીએચ.ડી. કરવા, યુનિયન કાર્ડ લેવા આવ્યો છું. અને એમાં જ મારે મારું ધ્યાન રાખવું જોઈએ. આખરે, જો કોઈ પણ અમેરિકન યુનિવર્સિટીમાં મારે ભણાવવું હોય, ટેન્યર લેવું હોય તો આ ડિગ્રી અનિવાર્ય હતી. હું અહીં કંઈ મારા જ્ઞાનમાં વધારો કરવા આવ્યો નથી. એટલે નીચી મૂંડીએ કોર્સ વર્ક પૂરું કરી, પીએચ.ડી.નો થીસિસ લખી, ડિગ્રી લઈ લો અને પછી રવાના થાવ. એ હિસાબે મેં પૂરજોશમાં કોર્સ વર્ક શરૂ કરી દીધું, અને એ પૂરું થતાં થીસિસનો વિષય શોધવાનો શરૂ કરી દીધો. અને સાથે સાથે જોબની પણ શોધ શરૂ કરી.
જેમ જેમ હું મારું પીએચ.ડી.નું ભણવાનું વાંચતો ગયો તેમ તેમ મને થવા માંડ્યું કે આવા કંટાળાજનક વિષયમાં—એકાઉન્ટિંગમાં—મારે સ્પેશય્લાઇઝ કરીને જિંદગી કાઢવાની છે? બે વસ્તુ મને ખાસ કઠી : એક તો એની સંકુચિતતા, ઝીણી ઝીણી વસ્તુઓનો અભ્યાસ કરવાનો અને એની પર થીસિસ લખવાનો. પછી એ થીસિસમાંથી થોડા પ્રોફેશનલ આર્ટિકલ તૈયાર કરીને મુખ્ય એકાઉન્ટિંગ જર્નલ્સમાં પબ્લીશ કરવાના. જેમ કે ઇન્વેન્ટરી વેલ્યુએશન કેમ કરવું કે જેથી શેરના ચડતા-ઊતરતા ભાવોનું ભવિષ્ય ભાખી શકાય. આ માટે તમારે કંપનીઓના ઇન્વેન્ટરી વેલ્યુએશનનો અભ્યાસ કરવાનો, એના પુષ્કળ ડેટા ભેગા કરવાના, એની સ્ટેટીસ્ટીકલ એનાલીસિસ કરવાની. એ બધામાંથી તમે જે કંઈ નવું શોધી લાવ્યા હો તેની બીજા એવા આર્ટિકલ્સ સાથે સરખામણી કરવાની. એકાઉન્ટિંગ રીવ્યુ જેવા પ્રોફેશનના અગત્યના જર્નલ્સમાં આવા જ બધાં આર્ટિકલ્સ આવે. આ આર્ટિકલ્સ એલ્જીબ્રાની ફોર્મ્યુલાઓથી ભરચક જાર્ગનવાળી ભાષામાં લખાયેલા હોય. સાદીસીધી અંગ્રેજીમાં ન જ લખવાના સમ ખાઈ બેઠેલા પ્રૉફેસરોએ આ આર્ટિકલ્સ લખેલા હોય. આર્ટિકલ્સ હું દસવાર વાંચું તોય સમજાય નહીં, તો હું એવું કંઈ કેવી રીતે લખવાનો હતો? હું જ્યારે પીટ્સબર્ગ યુનિવર્સિટીમાં પ્રૉફેસર થયો ત્યારે આ પ્રશ્ન મારે માટે ખૂબ વિકટ બની ગયો.
આવી ઈમ્પિરિકલ એનાલીસિસ માટે નહોતી મારી પાસે કોઈ પૂર્વભૂમિકા કે નહોતી એ મારી મનગમતી ચીજ. એ પ્રકારની એનાલીસિસ માટે તમારી પાસે મેથેમેટિક્સ, હાયર કેલ્ક્યુલસ અને સ્ટેટીસ્ટીક્સની જે ટ્રેનિંગ હોવી જોઈએ એ મારી પાસે ન હતી. પીએચ.ડી.માં મારું મેજર એકાઉન્ટિંગ તો ખરું, પણ સાથે સાથે બે માયનર વિષયો લેવાના. એમાં મેં એક મૅનેજમૅન્ટ અને બીજું સ્ટેટિટિક્સ લીધું. મૅનેજમૅન્ટ વિષયને હું સહેલાઈથી મેનેજ કરી શકું એની ખાતરી હતી, પણ સ્ટેટિટિક્સ લેવામાં જોખમ હતું, છતાં મારા એડવાઈઝરની એ લેવા માટે સલાહ હતી. એમાં મારો દમ નીકળી ગયો. અને છેવટે એ માયનરમાં હું ફેલ થયો. પહેલી જ વાર કોઈ પરીક્ષામાં હું નપાસ થયો. જિંદગીમાં આવું પહેલી વાર ફેલ થવું બહુ કડવું લાગ્યું. થયું કે આ મૂકો પીએચ.ડી.નું લફરું અને બીજા બધા ઇન્ડિયનોની જેમ કોઈ કંપનીમાં સામાન્ય નોકરી લઈ લો અને પછી ખાઈ-પીને મજા કરો.
ગમ ખાઈને એડવાઇઝરની પાસે જઈ મારી લાચારી સમજાવી. એમણે મને માયનર બદલવાની છૂટ આપી. આખરે સોશિયોલોજીમાં માયનર કર્યું, જે મેં સહેલાઈથી પાસ કર્યું. પણ આ મારી એકેડેમિક દ્વિધા હતી. મને જે રસના વિષય હતા તે—બૃહદ્ સામાજિક અને આર્થિક પ્રવાહો અને એની વ્યક્તિ અને ઉદ્યોગો ઉપર અસર—અને જે રીતે હું એને સરળ ગદ્યમાં વ્યક્ત કરવા માગતો હતો તેની હવે એકેડેમિક ફેશન નહોતી. મને કહેવામાં આવ્યું કે મેથેમેટિકલ ઇક્વેશન અને ઈમ્પિરિકલ એનાલીસિસ વગરનું હું જે કાંઈ લખીશ તો એ કોઈ દિવસ છપાશે નહીં. આ વાત હું સમજતો હતો છતાં એનું મારા લેખન વાંચનમાં અનુકરણ કરવા તૈયાર ન હતો. પહેલાં તો મને આ મેથેમેટિક્સ, હાયર કેલ્ક્યુલસ અને સ્ટેટીસ્ટીક્સની ટ્રેનિંગ લેવામાં કોઈ રસ ન હતો. લાઇબ્રેરીમાં બેસીને એકાઉન્ટિંગ રીવ્યુ વાંચવાને બદલે હું ન્યૂ યૉર્ક રીવ્યુ ઓફ બુક્સ અને કોમેન્ટરી જેવા ઉચ્ચ કક્ષાનાં બૌદ્ધિક મૅગેઝિન જોતો અને ઉત્સાહથી વાંચતો. સોશિયોલોજી, પોલીટિક્સ, લીટરેચર અને પોલીટિકલ ઇકોનોમિક્સના આર્ટિકલ્સ વાંચવામાં મને રસ વધુ હતો. જો કે એ વિષયોના એકેડેમિકસ જર્નલ્સમાં પણ મેથેમેટિકલ ઇક્વેશન્સ અને ઈમ્પિરિકલ એનાલીસિસની બોલબાલા હતી. એવા આર્ટિકલ્સને હું અડતો પણ નહીં.
છેલ્લાં સિત્તેરેક વર્ષોમાં અમેરિકન એકેડેમીમાં આ એક ધરખમ ફેરફાર થયો છે. અને તેથી જ તો જોહન કેનેથ ગાલબ્રેથ અને રોબર્ટ હાઈલાબ્રોનર જેવા ઈકોનોમિસ્ટની એકેડેમિક ઈકોનોમિક્સમાં ઝાઝી ગણતરી નથી થતી. એ બંને સરળ ભાષામાં, કોઈ પણ પ્રકારના પ્રોફેશનલ જાર્ગન કે મેથેમેટિકલ ઇક્વેશન વગર લખે. એમના વિચારો ગમે તેટલા તથ્યપૂર્ણ અને સારા હોય તો પણ એકેડેમીમાં એમની અવગણના થાય. એકેડેમિક ઈકોનોમિસ્ટની કોઈ મીટિંગમાં એનું નામ પણ ન લેવાય! ગેલ્બ્રેથ જ્યારે અમેરિકન ઇકોનોમિક એસોસિયેશનના પ્રમુખ થયા ત્યારે એ બાબતનો વિરોધ નોંધાવા માટે કેટલાક અર્થશાસ્ત્રીઓએ એસોસિયેશનમાંથી રાજીનામું આપી દીધું હતું!
આમ શરૂઆતમાં જ મારી દશા વળી પાછી સાપે છછુંદર ગળ્યા જેવી થઈ. મારે એકાઉન્ટિંગનું પીએચ.ડી. કર્યા સિવાય છૂટકો નહોતો કારણ કે મને યુનિવર્સિટીમાં ભણાવવાનું ગમતું હતું, અને યુનિવર્સિટીમાં જોબ લેવા માટે પીએચ.ડી.ની ડિગ્રી અનિવાર્ય હતી. એ યુનિયન કાર્ડ લેવું જ પડે. પણ એ મેળવવા માટે જે પ્રકારનો અભ્યાસ કરવો પડે, જે પ્રકારનું લેખન કામ કરવું પડે તે માટે મારી પાસે કોઈ તૈયારી નહોતી. વળી પાછું એ મને ગમતું પણ નહોતું. છતાં મનોમન નક્કી કર્યું કે યેન કેન પ્રકારેણ પીએચ.ડી. તો લેવું જ અને જોબ લઈ લેવો. એક વાર જોબ મળ્યા પછી જોયું જશે.
પણ થીસિસનો વિષય કયો લેવો? એ સમયે હાર્વર્ડના સોશિયોલોજીસ્ટ ડેનિયલ બેલ પોસ્ટ ઈન્ડસ્ટ્રિયલ સોસાયટી વિશે ચર્ચા ચલાવતા હતા. એમના લેખો અને પુસ્તકો દ્વારા એ કહેતા હતા કે અમેરિકન સોસાઈટી ઇન્ડસ્ટ્રિયલ સ્ટેજમાંથી નીકળીને પોસ્ટ ઈન્ડસ્ટ્રિયલ સ્ટેજમાં પહોંચી છે અને એને કારણે સમાજમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે તેનો અભ્યાસ કરવો ઘટે. મને થયું કે આ પોસ્ટ ઇન્ડસ્ટ્રિયલ સ્ટેજની એકાઉન્ટિંગ ઉપર શી અસર હોઈ શકે એ વિશે હું થીસિસ તૈયાર કરું. આ પ્રોપોજલ લઈને હું મારા એકેડેમિક એડવાઈઝર આગળ ગયો અને એમને મનાવ્યા કે આવું કામ કોઈ કરતું નથી, તમે મને એમાં થીસિસ લખવાની રજા આપો. થોડી આનાકાની પછી એ માની ગયા, પણ એમણે મને ચેતવણી આપી કે જો એમાં ઈમ્પિરિકલ એનાલીસિસ અને મેથેમેટિકલ ઇક્વેશન નહીં હોય તો એને પબ્લીશ કરવો મુશ્કેલ થશે. એ વાત સાવ સાચી ઠરી. ઍકાઉન્ટિંગ રીવ્યુ જેવા મુખ્ય જર્નલમાં હું એને પબ્લીશ ન જ કરી શક્યો, અને બીજે ઠેકાણે પણ પબ્લીશ કરતા નાકે દમ આવી ગયો.
ડેનિયલ બેલ અને બીજા અનેક સમાજશાસ્ત્રીઓએ પોસ્ટ ઈન્ડસ્ટ્રિયલ સ્ટેજ વિશે ખુબ સંશોધન કર્યું હતું અને અઢળક ડેટા ભેગા કર્યા હતાં. મેં એને આધારે મારું થીસિસનું કામ શરૂ કર્યું અને ખૂબ મહેનત પછી પૂરું પણ કર્યું. પણ સારાંશમાં મારે જે કહેવાનું હતું તે સાવ ઈમ્પ્રેક્ટિકલ હતું. મારું કહેવું એમ હતું કે પોસ્ટ ઈન્ડસ્ટ્રિયલ સોસાયટીમાં એકાઉન્ટિંગના આંકડાઓ નહીં પણ બીજા કોઈ મેજરમેન્ટની શોધ કરવી પડશે. જમા ઉધાર, નફો તોટો, બૅલેન્સ શીટ, ઇન્કમ સ્ટેટમેન્ટ મુખ્યત્વે આંકડામાં જ હોય, અને હું એમ કહેતો હતો કે એ હવે ઉપયોગી નહીં નીવડે! આંકડાઓની સંકુચિતતામાંથી બહાર નીકળવામાં જ એકાઉન્ટિંગનું ભવિષ્ય છે! આજે આ વાત ઉપર મને જ હસવું આવે છે. પણ આ વાત મેં મારી થીસિસ કમિટી આગળ જોશપૂર્વક મૂકી. અને એ લોકોએ મને-કમને પણ એ વાત માન્ય રાખી અને આમ મને પીએચ.ડી.ની ડીગ્રી મળી. યુનિયન કાર્ડ મળ્યું.
જો કે આ ડીગ્રી હાથમાં આવે એ પહેલાં મેં જોબની જોગવાઈ કરી લીધી હતી. એ જમાનામાં એકાઉન્ટિંગના પીએચ.ડી.ની બહુ તંગી હતી. એટલે જો તમે પીએચ.ડી.નું કોર્સ વર્ક પૂરું કર્યું હોય અને થીસિસ હજી પૂરી ન થઈ હોય તોય નોકરી મળી જાય. મને બે-ત્રણ જગ્યાએથી ઓફર્સ આવી. મેં પેન્સીલ્વેનિયા રાજ્યના પીટ્સબર્ગ શહેરની યુનિવર્સિટી પસંદ કરી. મારે દક્ષિણનાં રાજ્યોમાંથી બહાર નીકળવું હતું. વળી મોટા શહેરમાં જવું હતું. કોઈ ખ્યાતનામ યુનિવર્સિટીમાં જોડાવું હતું. જો કે પીટ્સબર્ગ યુનિવર્સિટીમાં રીસર્ચ અને પબ્લીશીંગ ઉપર વધુ મહત્ત્વ અપાતું હતું અને ત્યાં હું જઈ રહ્યો હતો તેમાં જોખમ હતું. પણ પડશે એવા દેવાશે એ ન્યાયે હું ત્યાં જોડાયો. બેટન રુજના મારા મિત્રો સમજી જ નહોતા શકતા કે પીટ્સબર્ગ જેવા ઠંડા પ્રદેશમાં હું શા માટે જઈ રહ્યો હતો. વધુમાં બેટન રુજના લોકોમાં જે ઉષ્મા અને મૈત્રી મને મળી તેવી ત્યાં મળવી મુશ્કેલ હશે એ પણ હું સમજી શકતો હતો. છતાં વળી પાછા લબાચા ઉપાડી અમે પીટ્સબર્ગ જવા નીકળ્યા.
બેટન રુજની હૉસ્પિટલમાં દીકરા અપૂર્વનો જન્મ થયો. દીકરાનો જન્મ બહુ ટાઈમસર થયો. મારે તો જલદી જલદી પીએચ.ડી. પૂરું કરવું હતું તેથી હું રાતદિવસ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં પડી રહેતો. નલિની નવા સંતાનના ઉછેરમાં પડી હતી. બેટન રુજની ગરમ આબોહવા, એના પ્રેમાળ લોકો, એમની ઉષ્માભરી આગતાસ્વાગતા અમને બન્નેને ગમી ગઈ હતી. અમને સસ્તે ભાવે બે બેડ રૂમનો બૈરીછોકરાવાળા વિદ્યાર્થીઓ માટેનો અપાર્ટમેન્ટ મળી ગયેલો. ટીચિંગ ફેલોશીપ માટે જે પગાર મળતો હતો તે મારા દેશના પગારથી પણ વધુ હતો. તે ઉપરાંત વિદ્યાર્થીઓ માટે જરૂર પ્રમાણે નહિવત્ વ્યાજથી લોન મળે. તે પણ અમે લીધી હતી. હું હજી દેશનો નાગરિક પણ નહોતો થયો, છતાં મારા જેવા પરદેશીને પણ ભણવાની આવી સગવડ કરી આપે એવા આ દેશની ઉદારતા મને ખૂબ ગમી ગઈ. બેટન રુજમાં મને ક્યારેય પૈસાની તંગી પડી હોય એવું લાગ્યું નથી. જો કે અમારો ખર્ચ પણ ખાવા-પીવા જેટલો જ. ત્યાં મોંઘવારી પણ બહુ ઓછી. બાકી તો નવા બાળક માટે જે કંઈ થોડું ઘણું લાવવાનું હોય તેટલું વધારે.
જેવું મારું કોર્સ વર્ક પૂરું થયું કે મેં પીટ્સબર્ગ જવાનું નક્કી કર્યું. હા, મારો થીસિસ લખવાનો બાકી હતો. પણ એ માટે બેટન રુજ રહેવાની જરૂર ન હતી. એ કામ હું પીટ્સબર્ગમાં પણ કરી શકું, જો કે એમાં જોખમ પણ હતું. ઘણાં પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ આમ કોર્સ પૂરું કરીને થીસિસ લખ્યા વગર નીકળે અને પછી એમને એ થીસિસ પૂરું કરતા નાકે દમ આવી જાય. એક વાર જોબ શરૂ કરો એટલે એની બધી પળોજણમાં પડો અને થીસિસ બાજુમાં રહી જાય. મારા એડવાઈઝરે મને આ જોખમ વિશે ચેતવ્યો પણ ખરો, છતાં હું પીટ્સબર્ગ જવા એટલો અધીરો હતો કે મેં કહ્યું કે હું ટાઈમસર થીસિસ પૂરું કરીશ જ. આમ બેટન રુજનો અમારો ત્રણ વરસનો વસવાટ પૂરો કરીને અમે પીટ્સબર્ગ જવા ઊપડ્યા. બેટન રુજમાં અમારે ત્યાં પુત્રજન્મ થયેલો. ઘરવખરી થોડી વધેલી. એ બધી અમારી ગાડી પાછળ નાનું યુ-હોલ લગાડી એમાં ભરી અને અમે પીટ્સબર્ગ ભણી ગાડી હંકારી.