zoom in zoom out toggle zoom 

< એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર

એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર/૧૬. અભિજ્ઞાનના વિભિન્ન પ્રકારો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૬. અભિજ્ઞાનના વિભિન્ન પ્રકારો

અભિજ્ઞાન શું છે,તે તો પહેલાં આપણે જોઈ ગયા છીએ. હવે તેના પ્રકારો ગણાવીએ.

અભિજ્ઞાનનું પહેલું અને સૌથી ઓછું કલાત્મક સ્વરૂપ તે છે જેમાં ચિહ્નો વડે અભિજ્ઞાન થતું હોય. વિદગ્ધતાના અભાવનું તે દ્યૌતક છે; અને મોટેભાગે તેનો જ પ્રયોગ થતો આવ્યો છે. આમાંનાં કેટલાંક ચિહ્નો તો જન્મજાત હોય છે. જેમ કે ‘પૃથ્વીમાંથી ઉત્પન્ન થયેલી જાતિના લોકોના શરીર પર અંકિત ભાલાનું ચિહ્ન’, અથવા તો ‘થિયેસ્ટિસ’માં કાસિર્નસે કરેલો તારાઓનો ઉપયોગ. અન્ય પ્રકારનાં ચિહ્નો જન્મ પછી ધારણ કરાતાં હોય છે અને આમાંનાં કેટલાંક શારીરિક ચિહ્નો હોય છે, જેમ કે વ્રણ. કેટલાંક બાહ્ય ઉપકરણો હોય છે, જેવાં કે કંઠાભરણ અથવા તો ‘ટાયરો’માં નાનકડી નૌકા, જેના વડે શોધ થતી હોય છે. આ પણ વત્તાઓછા કૌશલની અપેક્ષા રાખે છે. વ્રણના આધારે થતા ઓડિસિયસના અભિજ્ઞાનમાં પરિચારિકા એક રીતે શોધ કરે છે જ્યારે ડુક્કરપાળો બીજી રીતે. સાબિતીના પ્રગટ કારણરૂપે થતો બાહ્ય ચિહ્નોનો ઉપયોગ – અને બાહ્ય ચિહ્નોવાળી કે વિનાની ઔપચારિક સાબિતી સુધ્ધાં – અભિજ્ઞાનની ઓછી કલાત્મક રીત છે. એનાથી વધુ સારી રીત તે છે જેમાં ઘટનાના વળાંક દ્વારા અભિજ્ઞાન થતું હોય, જેમ કે ‘ઓડિસી’માં આવતું સ્નાનદૃશ્ય.

હવે પછી કવિએ યદૃચ્છા શોધેલાં અભિજ્ઞાનોનો પ્રકાર આવે છે; અને યદૃચ્છા શોધાયેલાં હોવાથી તેમાં કલાની ન્યૂનતા હોય છે. દૃષ્ટાન્ત રૂપે, ‘ઇફિજેનિયા’માં ઓરેસ્ટિસ પોતે જ ઓરેસ્ટિસ છે એમ કહીને હકીકત ખુલ્લી કરે છે. ઇફિજેનિયા તો પત્ર દ્વારા પોતાની ઓળખ કરાવે છે; પણ ઓરેસ્ટિસ પોતે જ બોલીને, વસ્તુની જરૂરિયાત પ્રમાણે નહિ પણ કવિની ઇચ્છાનુસાર બોલીને, પરિચય આપે છે. આગળ બતાવેલા દોષની સાથે આ દોષ મળતો આવે છે કારણ કે ઓરેસ્ટિસ પોતાની સાથે બાહ્ય નિશાનીઓ પણ લાવી શકત. બીજું આને મળતું દૃષ્ટાન્ત સોફોક્લિસના ‘ટેરેઅસ’માં ‘સાળવીના કાંઠલાના અવાજ’નું છે.

ત્રીજો પ્રકાર સ્મૃતિ પર આધારિત છે, જ્યારે કોઈ પદાર્થનું દર્શન લાગણીને જન્મ આપતું હોય. દાખલા તરીકે ડાયસીઓજીનીસના ‘સાયપ્રિયન્સ’માં તેનો નાયક ચિત્ર જોઈને ચોધાર આંસુએ રડી પડે છે. અથવા ‘લે ઓફ એલ્સીનોસ’માં ઓડિસિયસ મિન્સ્ટ્રેલને વીણા વગાડતો સાંભળીને ભૂતકાળ યાદ કરીને રડે છે; અને આમ અભિજ્ઞાન થાય છે.

ચોથો પ્રકાર તર્કપ્રક્રિયા દ્વારા સિદ્ધ થાય છે. જેમ કે ‘કોઈફોરી’માં ‘મને મળતું કોઈ આવ્યું છે : ઓરેસ્ટિસ સિવાય મને મળતું આવે એવું અન્ય કોઈ છે નહિ; તેથી ઓરેસ્ટિસ જ આવ્યો છે.’ સોફિસ્ટ પોલાઇડસના નાટકમાં ઇફિજેનિયાએ કરેલી શોધ પણ આ જ જાતની છે. ‘વેદી પર મારે પણ મારી બહેનની જેમ મરવું જોઈએ’ એવો ઓરેસ્ટિસન વિચાર સ્વાભાવિક હતો. એવી જ રીતે થિઓડિક્ટસના ‘ટાઇડિયસ’માં પિતા બોલે છે : ‘મારા પુત્રની શોધમાં હું આવ્યો; અને હું મારી જંદિગી ગુમાવું છું.’ એ જ પ્રમાણે ‘ફિનેડેઈ’માં સ્ત્રીઓએ એક સ્થળને જોયું અને પોતાના ભાગ્ય વિશે તર્ક કર્યો : ‘અહીં આપણે મૃત્યુ પામીશું કારણ કે આપમે અહીં જ જાહેર થયાં હતાં.’ અભિજ્ઞાનનો એક મિશ્ર પ્રકાર પણ હોય છે જેમાં એકાદ ચરિત્ર ભ્રાંતિકારક અનુમાન કરે, જેમ કે ‘સંદેશવાહકના વેશમાં છુપાયેલ ઓડેસિયસ’માં બને છે તેમ અ બોલ્યો : ધનુષ્યને વાળવા માટે અન્ય કોઈ શક્તિમાન નથી… પછીથી બ (છુપાયેલ ઓડિસિયસ) એ કલ્પના કરી કે અ ધનુષ્યને ઓળખી કાઢશે જે ધનુષ્ય એણે જોયું નથી; અને આવા આધારે અભિજ્ઞાન કરવું – અ ધનુષ્યને ઓળખી કાઢશે એવી અપેક્ષાએ – તે ખોટો તર્ક છે.

પણ બધાં જ અભિજ્ઞાનોમાં ઉત્તમ તો તે છે જે ઘટનાઓમાંથી જ જન્મતું હોય અને જેમાં વિસ્મયકારક શોધ સ્વાભાવિક સાધનોથી થતી હોય. સોફોક્લિસના ‘ઇડિપસ’માં અને ‘ઇફિજેનિયા’માં આવું અભિજ્ઞાન છે, કારણ કે ઇફિજેનિયા પત્ર મોકલવાની ઇચ્છા કરે તે સાવ સ્વાભાવિક હતું. આવાં અભિજ્ઞાનો જ બાહ્ય નિશાનીઓ કે અલંકરણોની કૃત્રિમ સહાયથી મુક્ત રહે છે. તર્કપ્રક્રિયા દ્વારા થતાં અભિજ્ઞાનોનું સ્થાન બીજું છે.