ઓખાહરણ/આસ્વાદલક્ષી અભ્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આસ્વાદલક્ષી અભ્યાસ

‘ઓખાહરણ’ એ રસરાજવી પ્રેમાનંદની સર્વપ્રથમ કૃતિ છે. એ પહેલાં અનેક સર્જકોએ ઓખા-અનિરુદ્ધની કથાને પોતાની રચનાનો વિષય બનાવ્યો છે. પરંતુ એમાં પ્રેમાનંદનું ‘ઓખાહરણ’ વિશેષ સફળતાને પામ્યું છે. કૃતિનો આરંભ શિવ, ગણપતિ, સરસ્વતીની સ્તુતિથી-મંગલાચરણથી થાય છે. મંગલાચરણ પછીના બીજા કડવામાં જ કવિ વસ્તુનિર્દેશ કરતાં એનું કથાવસ્તુ ક્યાંથી લીધું? શેની કથા છે? તેનો ઉલ્લેખ કરે છે જેમ કે,

"વ્યાસનંદન વદે વાણી, વર્ણવું પૂર્ણાનંદ,
રસિક કથા ભાગવત તણી, તે મધ્યે દશમસ્કંધ
શુકદેવ વાણી ઓચરે, બાસઠમો અધ્યાય
આખ્યાન એ ઓખા તણું, અનિરૂધ્ધનું હરણ થાય."

આખ્યાનની કથા આદિથી અંત સુધી નાટ્યાત્મક અને રોચક છે. ત્રણેય ભુવનમાં અજેય બનવાના હેતુથી રાક્ષસરાજ બાણાસુર તપ કરીને શિવજી પાસે એક હજાર હાથ ની તાકાતનું વરદાન મેળવે છે પૃથ્વીલોક ઉપર એની સમકક્ષ કોઈ યોધ્ધો ન રહેતાં ફરીથી શિવજીને તપ કરીને પડકારે છે, શિવજી ગુસ્સે થઈને ‘જા તારી દીકરીનો વડસસરો તારા મદને હણશે.’ એવો શાપ આપે છે. બીજી બાજુ એની દીકરી ઓખાએ પાર્વતી પાસેથી સુંદર વર પ્રાપ્તિનું વરદાન મેળવવાના સમાચાર મળતાં બાણાસુર એની હત્યા કરવા જતા હોય છે ત્યારે નારદ બાળહત્યાનું પાપ લાગશે એમ કહીને તેને આજીવન કુંવારી રાખવા ને એકદંડિયા મહેલમાં કેદ કરવાની સલાહ આપે છે. પરંતુ ઓખા યુવાન થતાં વરદાન મુજબ ઓખાના સ્વપ્નમાં મનમાન્યા પતિ સાથે લગ્ન થાય છે. અને તે રિસાઈને ચાલ્યો જાય છે. સખી ચિત્રલેખા વિવિધ વીરપુરૂષોનાં ચિત્રો દોરીને તેના પતિની ભાળ મેળવી આપે છે. અંતે ચિત્રલેખા એના પતિ અનિરૂધ્ધનું અપહરણ કરીને લાવે છે. બંને ગાંધર્વલગ્ન કરી પ્રણયમસ્તીની મજા માણે છે. છેવટે બાણાસુરને ઘટનાની શંકા જતાં તપાસ કરાવે છે. બાણાસુર અને તેની સેના સામે અનિરૂધ્ધ વીરતાથી લડે છે. અંતે બાણાસુર અનિરૂધ્ધને બાંધીને કેદમાં પૂરતાં નારદજી આ સમાચાર શ્રીકૃષ્ણને પહોંચાડે છે. બાણાસુર અને શ્રીકૃષ્ણની સેના વચ્ચે ભીષણ યુધ્ધ થાય છે. બાણાસુર શિવજીની મદદ મેળવે છે. શ્રીકૃષ્ણ સુદર્શન ચક્રથી બાણાસુરના હાથ કાપી નાંખતાં શિવજી અને કૃષ્ણ વચ્ચે ભયાનક યુધ્ધ થાય છે. અંતે બ્રહ્માજી વિનંતિથી યુધ્ધનો અંત આવે છે. બાણાસુર માફી માંગીને ઓખા-અનિરૂધ્ધનાં ધામધૂમથી લગ્ન કરાવી દીકરીને સાસરે વળાવે છે.

ઓખાહરણમાં પ્રેમાનંદની અસાધારણ ભાષા, કવિશક્તિ અને વર્ણનકળાનો પરિચય મળે છે. યુવાન થતી ઓખાની લગ્ન માટેની ઉતાવળ અને અધીરાઈનું વર્ણન કરતી આ પંક્તિઓમાં ઓખાનો વિરહ પ્રગટ થાય છે. જેમ કે,

"જમપે ભૂંડું જોબનિયું રે, મદપૂરણ મુજ કાય જી,
પિતા તો પ્રીછે નહિં રે બાઈ! કુંવારો ભવ કયમ જાય જી?
સાસરિયે જાયે ને આવે સખીઓ મુજ સમાણી જી
હું અપરાધણ હરખે હણાઈ, આંખે ભરૂં નિત પાણી જી.

  • * *

જળ વિના જેમ માનસરોવર, ચંદ્ર વિના નિશા જેવી જી
પિયુ વિના જોબન ગયું રે, હું અભાગણી પૂરી તેવી જી,
અઘોર વનમાં વેલી ફૂલી, ન મળે ભમરો ભોગી જી,
વપુવેલી જોબનિયું ફૂલ્યું, ન મળ્યો નાથ સંજોગી જી,

જ્યારે ચિત્રલેખા પંખિણી સ્વરૂપે અનિરૂધ્ધનું અપહરણ કરવા દ્વારિકા નગરીમાં પ્રવેશ કરે છે, તે નિમિત્તે કવિ દ્વારિકા નગરીના વૈભવ અને સમૃધ્ધિનું આબેહૂબ વર્ણન કરવાની તક ઝડપી લે છે, જેમ કે,

"ચાલી પંખિણી જોતી ગામ, સામસામી શોભીતાં ધામ,
સપ્ત ભોમ તણાં અવાસ, જોતાં ક્ષુધાતૃષા થાય નાશ
બહુ કળશ ધજા રે વિરાજે, જોતાં અમરાપુરી તે લાજે
શોભે છજાં, ઝરૂખા ને માળ, સ્તંભ મણિમય ઝાકઝમાળ
ચોક બારી ને ગોખ જાળી, નીલા કાચ મૂક્યા છે ઢાળી,
ઝળકે મંડપ હેમની થાળી, પર માંહે જડિત્ર પરવાળી,
ભલાં ચૌરાં, શેરી ને પોળ, સામસામી હાટોની ઓળ
લીંપી ભીત કનકની ગાર, ચળકે કાચ તે મીનાકાર,

  • * *


જોયું ધામ કામ-ઝાતકાર, દીઠો મેડીએ રાજકુમાર
અનિરૂધ્ધ સૂતો છે હિંડોળે, દાસી ચારે તે વાયુ ઢોળે
શોભે દીપક ચારે પાસ કોઈ ચરણ તળાંસે દાસ
તાંહાં બાવનાચંદન મહેકે, હિંડોળે ફૂમતડાં લહેકે :

ઓખા-અનિરૂધ્ધ ગાંધર્વલગ્ન પછી રોજ રતિક્રીડા કરે છે, નવદંપતિનો આ મેળાપ અને વર્ષાઋતુનો અદ્‌ભુત સમન્વયરૂપ છે જેમ કે,

"નેત્ર અંજન આભરણ હાર, મુખ તાંબુલનો પિચકાર
ઇંદુ માંહે ઉડુગણ જેવો, સોહે નિલવટ ચાંદલો તેવો,
શીશ રાખડી શોભા ઘણી, ચોટલો નાગની ફણી
શીશફૂલ ને સેંથે સિંદૂર, મોહ્યો તે અનિરૂધ્ધ શૂર

  • * *

બંનેની રતિક્રીડાનું પણ સુંદર નિરૂપણ થયું છે જેમ કે,
"સ્ત્રીએ મોહની મદિરા પાઈ, આલિંગન દે છે ધાઈ ધાઈ
નિર્ભે નિશ્વે કરે છે ભોગ, તેણે નીવરતો વ્રેહનો રોગ
એક એકને ગ્રહી રાખે અન્યોન્ય અધરામૃત ચાખે,
અંગ ઉપર અંગ જ નાંખે, ‘મૂકો મૂકો જી’ મુખથી ભાખે."

ઓખા સગર્ભા હોવાનું જાણીને બાણાસુર પોતાના સૈન્યને લડવા મોકલે છે, મંત્રી કૌભાંડ અનિરૂધ્ધને પડકાર ફેંકે છે, ત્યારે એ પડકારને ઝીલી લઈને અનિરૂધ્ધ વળતો પડકાર કરે છે અને લડવા માટેની અધીરાઈ દર્શાવે છે ત્યારે ઓખા તેને સમજાવતાં કે વારતાં કહે છે કે,

આ શો ઉજમ વઢવા તણો? સામું નથી કામનું ધામ,
દાનવને માનવ જીતે નહીં, એ નોહે રતિ સંગ્રામ.

ત્યારે અનિરૂધ્ધ ઓખાને જણાવે છે કે, હવે આપણે પતિ-પત્ની બની જ ગયાં છીએ, બધાંને આ વાતની ખબર પડી જ ગઈ છે તો પછી ભય શાનો? કોઈ ચોરી તો કરી નથી. ચાલો બારીએ જઈને બેસીએ, અહીં તેની નીડરતા જોવા મળે છે જેમ કે,

નાથ કહે સુણ સુંદરી? વાત તો સઘળે થઇ
હવે ચોરી શાની? ચાલો આપણે બેસીએ બારીએ જઈં.
નર નાર બેઠાં બારીએ, વાત પ્રીતે કીધી રે
છજે ભજે કામકુંવર, ને ઓખા ઓછંગે લીધી રે"

યુધ્ધમાં અનિરૂધ્ધની લડવાની તત્પરતા જોઈ, ઓખા તેને તેના પિતાએ મોકલેલ સૈન્યની શક્તિની સામે અનિરૂધ્ધની શક્તિની સરખામણી કરીને તેને યુધ્ધમાં ન જવા સમજાવે છે ત્યારે અનિરૂધ્ધ વીરપુરૂષનાં લક્ષણો દર્શાવી યુધ્ધમાં જવા માટેની અધીરાઈ દર્શાવે છે કે,

"મહુવર વાગે ને મણિધર ડોલે, ના ડોલે તો સર્પને તોલે
 ઘન ગાજે કેસરી દે ફાળ, ના ઊછળે તો જાણવો શિયાળ,
હાંક્યો વાઘ ન માંડે કાન, નહીં શાર્દૂલ જાણવો શ્વાન,
ક્ષત્રી નાસે દેખીને દળ, નહીં પુરૂષ જાણવો વ્યંઢળ,
અંતે ઓખાની સમજાવટને અવગણીને અનિરૂધ્ધની વીરતા જાગી ઊઠે છે અને તે મહેલના ઝરૂખામાંથી યુધ્ધ માટે દુશ્મનોની સેના વચ્ચે ઝંપલાવે છે, ત્યારનું વર્ણન પણ સુંદર છે જેમ કે,
અસુર દળમાં જઈ ખૂંપિયો, છજેથી કવિની પેરે પડિયો,
જેમ ગ્રાહ પેસે છે જળમાં તેમ અનિરૂધ્ધ પેઠો દળમાં
જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરૂધ્ધ થયો બળમાં
ગજ જૂથમાં લઘુ કેસરી, તેમ અનિરૂધ્ધ મધ્યે અરિ"
વળી, જ્યારે બાણાસુરની સેના સાથે વીર અનિરૂધ્ધના પરાક્રમનું વર્ણન પણ નોંધનીય છે. જે યુધ્ધની ભીષણતા પ્રગટ કરે છે. જેમ કે,
બહુ દાનવનો વાળ્યો દાટ, અનિરૂધ્ધ મુકાવે વાટ,
કોને ઝીંક્યા ઝીલીને કેશ, કો’ને ઉડાડ્યા પગની ઠેશ
કોને માર્યા ભોગળને ભડાકે, કો’નાં મુખ ભાંગ્યા લપડાકે
કો અધસસ્તા ને કો પૂરા, એમ સૈન્ય કર્યું ચકચૂરા
તે તો રણ ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે
મેં તો આવડું નહોતું જાણ્યું. ચિત્રલેખાએ રત્ન જ આણ્યું.
દાનવોની વિશાળ, ભયાનક સેના સામે અનિરૂધ્ધ એકલો હોવા છતાં જે વીરતાપૂર્વક યુધ્ધ કરી રહ્યો છે અને દાનવસૈન્યને હંફાવી રહ્યો છે, તે સમયનું તેનું સૌંદર્ય પણ કવિએ આ રીતે વર્ણવ્યું છે કે,
અનંત અભ્રે ઢાંકિયો, શોભતો જેમ ઈન્દ્ર
ઉપમા દઈએ ઈન્દુ તણી તો તારામાં જેમ ચંદ્ર
લઘુ કુંજરની સૂંઢ સરખા શોભીતા બે ભુજ
શરાસન સરખી ભ્રકુટિ, નેત્ર બે અંબુજ
યુધ્ધની ભીષણતા કે ભયાનકતાનું વર્ણન કરે છે તેમાં વીરરસની સાથે ક્યાંક બીભત્સ રસનું પણ નિરૂપણ થયેલું જોવા મળે છે, જે વાચકો માટે જરાક અરૂચિકર પણ લાગે. જેમ કે,
સાગર શું સંગમ હવો, શોણિતની સરિતા વહી,
અસ્થિ-ચર્મની મેદની બે પાળો બંધાઈ રહી
માતંગ-અંગ મસ્તક વિહોણાં, તે બિહામણાં વિકરાળ
કુંભસ્થળ શું કાચલાં, શીશ-કેશ શેવાળ.
નર-કર શું ભુજંગ ભાસે,! મુખકમળ શું કમળ
નેત્ર મચ્છ, ને મુગટ બગલાં નરનાભિ તે વમળ"

યુધ્ધના સમાપન પછી અખા-અનિરૂધ્ધનાં લગ્નપ્રસંગનું ઝીણવટભર્યું વર્ણન, તત્કાલીન યુગમાં લગ્નમંડપ, લગ્નવિધિ, રીતરિવાજો, કન્યાના પિતાની વરપક્ષ પ્રત્યેની સૌજન્યશીલતા અને વ્યવહારદક્ષતાનો પરિચય મળે છે, લગ્નનો પ્રસંગ પૂર્ણ થતાં કન્યાવિદાયની વેળા આવે છે. ઓખાના માતા-પિતા પુત્રવિરહથી વ્યથિત બને છે. માતા દ્વારા ઓખાને અપાતી શિખામણ પરંપરાગત ગુજરાતી નારીનો આદર્શ પૂરો પાડે છે. આખ્યાનના અંતે પ્રેમાનંદ ગુરુને શીશ નમાવીને ફલશ્રુતિ જણાવે છે કે આ પવિત્ર આખ્યાન જે સાંભળશે તેની ઉપર શ્રીકૃષ્ણની કૃપાદૃષ્ટિ રહેશે.

ઓખાહરણ અતિ અનુપમ તાપ ત્રણે જાય
શ્રોતા થઈ સાંભળે તેને વૈકુંઠ પ્રાપ્તિ થાય
ગોવિંદશરણે ગ્રંથ સમર્પ્યો ગુરુને નામ્યું શીશ
ઓખાહરણ જે ભાવે સાંભળે, તેને કૃપા કરે જગદીશ.

ઓખા મુખ્ય પાત્ર છે. મનગમતા વર માટે પાર્વતીજીની પૂજા કરી ચૈત્રમાસમાં એ અલૂણાનું વ્રત કરે છે. એમાં એની ધાર્મિકની સાથે સંસ્કારિતા દેખાય છે. પતિમિલનની અધીરાઈ અને સોળે શણગાર સજેલું દેહસૌંદર્ય તેને પ્રણયઘેલી નાયિકા દર્શાવે છે. આખ્યાનનો નાયક અનિરૂધ્ધ કૃષ્ણના કુળમાં શોભે તેવો દિવ્યરૂપ, સૌંદર્યવાન રાજકુમાર, અસાધારણ બળ ધરાવતો યોધ્ધો અને રસિક પતિ રૂપે હૃદયસ્પર્શી બને છે. સખી ચિત્રલેખા ઓખાની મુશ્કેલીભરી પરિસ્થિતિઓમાં એની દિવ્યશક્તિઓથી સાહસિક કાર્યો કરીને એની નીડરતા અને અસાધરણતાનો પરિચય કરાવે છે. કથાના અન્ય ગૌણ પાત્રોમાં અતિ મહત્વાકાંક્ષી, અભિમાની, ક્રૂર અસુર, બાણાસુર ખલનાયક રૂપે, દર્શાવાયો છે પણ અંતે કન્યાવિદાય સમયે એક પિતૃહૃદયની કોમળતા પ્રગટ થાય છે. પુત્રી વત્સલ માતા રૂપે બાણાસુરની પત્ની, વફાદાર મંત્રી કૌભાંડ, મુત્સદ્દી નારદમુનિ, અને અવતારી દિવ્યપુરૂષ શ્રીકૃષ્ણ કથાના પ્રવાહને એકબીજાના અનુસંધાનમાં અદ્‌ભુત વસ્તુસંકલના કરીને આખ્યાનકલાના સુબધ્ધ રચનાવિધાનને અનુસરીને આકર્ષક તેમજ રસિક એવું જિજ્ઞાસાપ્રેરક કલાકૃતિનું સંવિધાન રચી આવ્યું છે. પ્રેમાનંદ પોતાનાં પાત્રોની આસપાસના વાતાવરણને પણ પૌરાણિક ન રાખતાં પોતાના સમયની સામાજિકતાના રંગે રંગી દે છે, જેથી વાચકો કે શ્રોતાઓને પણ પોતાના સમય કે સમાજની કથા હોય તેવું અનુભવાય, બંધનગ્રસ્ત અનિરૂધ્ધને રસ્તા ઉપરથી સૈનિકો દ્વારા કેદખાનામાં લઈ જવાતો હોય છે ત્યારે એને જોવા ટોળે વળેલાં લોકોમાં એનાં રૂપ-વર્તનની થતી વાતોમાં તત્કાલીન સમાજના લોકસ્વભાવનું સુક્ષ્મ વર્ણન દેખાય છે જેમ કે,

ભુલવણી ભ્રકુટિ તણી જોઈ ભલી ભૂલે નાર,
કુંવારી કન્યાને કામણ કરે મોહે બાંધે કુમાર
સખી પ્રત્યે સખી કહે, દેખઈ અંગ-અવેવ
બાંધ્યો તોયે જુએ, આપણ ભણી, એવી એની શી ટેવ?

આ ઉપરાંત અંતે બંનેના લગ્નની વિધિ, ફેરા ફરવા, અખંડ સૌભાગ્યવતી કહેવું, વરકન્યાને કંસાર જમાડવો, મામેરૂં ભરવું, કન્યાવિદાય પ્રસંગે માતા દ્વારા દીકરીને અપાતી શિખામણ, કન્યાના પિતાની વરપક્ષ પ્રત્યેની સૌજન્યશીલતા જેવાં વર્ણનોમાં ગુજરાતીવણાંતું આબેહૂબ પ્રતિબિંબ જોઈ શકાય. એ વાંચતી વખતે આવણને આપણાં સમાજના કોઈ લગ્નપ્રસંગના દૃશ્યો સ્મૃતિપટ સમક્ષ ખડાં થઈ જાય. આમ, પ્રેમાનંદનું ઓખાહરણ ઓખા-અનિરૂધ્ધની પ્રણયકથાની સાથે-સાથે યુધ્ધના સંઘર્ષનું પણ નિરૂપણ કરતી નોંધપાત્ર કથા બને છે. જે આજના સમયમાં પણ સ્ત્રીઓ ચૈત્ર માસમાં એનું પઠન-શ્રવણ કરે છે એટલે વર્તમાન દૃષ્ટિએ પણ આ એટલી જ પ્રસ્તુત રચના બની રહે છે.