ઓખાહરણ/કડવું ૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૨

[મુનિ શુકદેવજી રાજા પરીક્ષિતને ઓખાહરણની કથા સંભળાવે છે. અસુરરાજ બાણાસુર શિવજીની કઠોર સાધના દ્વારા મહાબલિ થવાના આશીર્વાદ મેળવીને એક હજાર હાથનું બળ મેળવે છે.]

રાગ રામગ્રી
એણી પેરે બોલ્યા શુકદેવજી, બાણાસુરનો ઉતાર્યો અહમેવ જી;
જે હરે આપ્યા સહસ્ર હાથ જી, ચઢે છેદ્યા તે વૈકુંઠનાથ જી. ૧
ઢાળ
વૈકુંઠનાથે હાથ છેદ્યા, ઉતાર્યું અભિમાન,
પરીક્ષિત પૂછે શુકદેવને : કહો ઓખાનું આખ્યાન. ૨

વ્યાસનંદન વદે વાણી, વર્ણવું પૂર્ણાનંદ,
રસિક કથા ભાગવત તણી, તે મધ્યે દશમસ્કંધ; ૩

શુકદેવ વાણી ઓચરે[1], બાસઠમો અધ્યાય,
આખ્યાન એ ઓખા તણું, અનિરુદ્ધનું હરણ થાય. ૪

પરિબ્રહ્મથી એક પદ્મ પ્રગટ્યું, તેથી ઊપન્યા પ્રજાકાર,
પ્રજાપતિથી મરીચિ ને તેનો હવો કશ્યપકુમાર; ૫

તેનો [પુત્ર] હિરણ્યકશિપુ, તેનો પુત્ર પ્રહ્‌લાદ,
પ્રહ્‌લાદનો સુત વિરોચન, તેને મન અતિ આહ્‌લાદ; ૬

વિરોચનનો બલિ બળિયો, બલિનો બાણાસુર રાજાન,
તે મહા પ્રતાપી હવો આદ્યે, ધરતો મન અભિમાન; ૭

તો શોણિતપુરમાં રાજ્ય કરતો, મન ઊપન્યો[2]વિચાર;
વર પામું ઈશ્વર આરાધું, આણ વર્તાવું સંસાર, ૮

કૌભાંડ નામે મંત્રી મોટો, તેહને સૂંપ્યું રાજ્ય,
વૈરાગ્ય મન માંહે ધર્યો, ગૃહ પછે કીધું ત્યાજ્ય; ૯

કૈલાસ નિકટે ગંગાત્રટે બેસી તપ કરે અસુર,
મન સાથે ઈશ્વર આરાધે, મહા પ્રાક્રમી તે શૂર; ૧૦

આસન વાળી તાળી લાગી, તે ભજે ભોળો મન,
સંવત્સર એક આસને, ઉધેઈ લાગી તન; ૧૧

વર્ષા, શીત ને ગ્રીષ્મ વેઠે, ઓઢવા તે અવની-આભ,
શ્રવણે સુગરીએ માળા ઘાલિયા, મસ્તક ઊગ્યા દાભ; ૧૨

ક્ષુધા-તૃષા તજીને બેઠો, મહા તીવ્ર માંડ્યું તપ,
માળા તે ફેરવે મન તણી, જપે જોગેશ્વરનો જપ; ૧૩

ઇંદ્રે મોકલી અપ્સરા તપ તણો કરવા ભંગ
બાણાસુર ચૂકે નહિ, પરભવે નહિ અનંગ; ૧૪

યોગી વેશે વૃષભ ચડી આવિયા અતીતરૂપે,
તવ બાણાસુર બોલાવિયો, ભાવે તે ભોળે ભૂપે. ૧૫

‘માગ, માગ, રે મહીપતિ!’ એમ બોલ્યા ઉમિયાનાથ,
બાણાસુર કહે, ‘નાથજી! મુને સહસ્ર આપો હાથ.’ ૧૬
વલણ
‘સહસ્ર આપો હાથ, હરજી! ગણો ગણપતિ સમાન રે;
વિપત્તિવેળા ધાઈ આવજો,’ ‘હા’ કહી હવા અંતર્ધાન રે. ૧૭



  1. ઓચરે-ઉચ્ચારે-કહે
  2. ઊપન્યો-ઉપજ્યો