ઓખાહરણ/કડવું ૨૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૨૦

[વીરતાપૂર્વક લડતો અનિરૂધ્ધને યુધ્ધમાં દુશ્મનોથી ઘેરાઈ ગયેલો જોઈ ઓખા પોતાના પૌત્રને ઉગારવા શ્રીકૃષ્ણને પ્રાર્થના કરે છે. અંતે બાણાસુર યુધ્ધમાં અનિરૂધ્ધને બંદી બનાવે છે. અહીં યુધ્ધની ભીષણતા અને ઓખાની વિહવળતાનું વિસ્તૃત વર્ણન થયું છે.]

રાગ સામેરી

આવી તે સેના અસુર તણી, અનિરુદ્ધ લીધો ઘેરી,
કામકુંવરને મધ્યે લીધો, વીંટી વળ્યા ચોફેરી; ૧

અમર કહે, ‘શું નીપજશે, ઇચ્છા તે પરમેશ્વરી.’
રિપુ-ગજના જૂથ માંહે અનિરુદ્ધ લઘુ કેસરી. ૨

બાણાસુરને શું કરે? ભોગળ લીધી ફોગટ;
વેરી વાયસ[1] કોટિ મળિયા, કેમ જીવશે પોપટ? ૩

બાણાસુરે સુભટ વાર્યા, ‘કોઈ ન કરશો ઘાત,
છે વીર થોડી વય તણો, હું પૂછું માંડી વાત.’ ૪

માળિયેથી ઓખા નીરખે, રુદન મૂક્યું છોડી,
‘ઓ જીવન પૂઠે જોદ્ધા ઊભા, રહ્યા ભાથા જોડી. ૫

બળવંત બહેકે અતિઘણું, છે સેન્યા બિહામણી,
ભડે ભાથા ભલા ભીડિયા, હીંડિયા સ્વામી ભણી. ૬

આ દળવાદળ[2] કેમ સહેશો, ઓ સ્વામી સુકોમળ?
પ્રાણનાથને પીડશે એ, પ્રગટ્યાં તે કર્મનાં ફળ. ૭

દેવના લીધા દૈત્ય બળિયા, દયા નહિ લવલેશ,
કુંવર-વય છે કંથ માહરો, નથી આવિયા મુખ કેશ. ૮

ચાર દિવસનું ચાંદરણું, ગયું સુખ, કર્મડા! વહી,
પાપી પીડશે પ્રભુને, દૈવડા! જાઉં ક્યહીં? ૯

આ તન તમારો એકલો, વીંટી વળ્યા અસુર,
એવું જાણી સહાય કરજો, શામળિયા શ્વસુર! ૧૦

કષ્ટનિવારણ કૃષ્ણજી! હું થઈ તમારી વધૂ,
એ આશા અમારી ભાંજશે તો લાજશે જાદવકુળ બધું. ૧૧

પ્રજા પરિપાલન કરો છો, પનોતા શ્રીમોરારિ!
સંભાવના તો સરવની લીજે, ના મૂકીએ વિસારી. ૧૨

અમોને છે આશા તમારી, અમો તમારાં છોરુ,
લાજ લાગશે વૃદ્ધને, કોઈ કહે કાળું–ગોરું; ૧૩

એવું જાણી સહાય કરજો. દામોદરજી દક્ષ!
પક્ષી પલાણી, પરભુજી! પુત્રની કરજો પક્ષ.’ ૧૪

ભગવંત ભજતી ભામની, ભરથાર રિપુદળ-મધ્ય,
‘કોણ કહે પિતા બાણને : એ બાળક છે અબૂધ?’ ૧૫

ગદ્‌ગદ કંઠે ગોરડી, ગતિભંગ જાણે ગહેલી,
મન જાણે પ્રાણ જ કાઢું, મરું સંગ્રામ પહેલી. ૧૬


મુખ વિકરાળ, નેત્ર બિહામણાં, છે મૂછ મોટી મોટી,
એવા અસુર આવી મળિયા, વાયસ કોટાનકોટી.[3] ૧૭

દળવાદળ સેન્યા ઊલટી, મધ્યે લીધો અનિરુદ્ધ;
વીર વીંટ્યો વેરીએ, જેમ મક્ષિકાએ મધ. ૧૮


ધનુષ્ય કરિયાં પાંચસે, બાણે ચડાવ્યાં બાણ,
રાગ મારુ ગાય ગુણીજન, એમ ગડગડિયાં નિશાણ, ૧૯

અનંત અભ્રે ઢાંકિયો, શોભતો જેમ ઇન્દ્ર;
ઉપમા દઈએ ઇન્દુ તણી તો તારામાં જેમ ચંદ્ર. ૨૦

લઘુ કુંજર[4]ની સૂંઢ સરખા શોભીતા બે ભુજ;
શરાસન સુમાત્ર સરખી ભ્રકુટિ, નેત્ર બે અંબુજ. ૨૧

તૃણમાત્ર ત્રેવડતો નથી બાણાસુર મહાબાહુ,
અસુર-અનિરુદ્ધ શોભતા જેમ ચંદ્રમા ને રાહુ. ૨૨

પાપીએ જોયું વક્રદૃષ્ટિ, તીવ્ર તાણી ચક્ષ,
વપુ[5] શોભે ભુજ ફૂલ્યું, જાણે અરણીનું વૃક્ષ. ૨૩

અનિરુદ્ધ કહે, ‘જો હોત કુહાડો, ભોગળને વળી ધાર,
આંચો ટાળું અસુર કેરો, ઉતારું ભુજનો ભાર. ૨૪

શું વપુ બાણનું બીલ[6] છે, માંહે વસે સર્પનો સાથ?
કે પેટમાંથી પૂર્વજો પિંડ લેવા કાઢે હાથ? ૨૫

કે કાષ્ઠના કે લાખના એણે ચોંટાડ્યા કર?
અથવા કો પક્ષી દીસે છે, મરવા વીખર્યા છે પર!’ ૨૬

તવ હસવું આવ્યું રાયને, ‘બાળક છે અજ્ઞાન,
શું કર્યું જે લાંછન લાગે, નહિ તો દઉં કન્યાદાન.’ ૨૭


કૌભાંડ કહે, ‘અજ્ઞાની નથી, રાય! તમને દે છે ગાળ,’
બલિસુત અંતરમાં બળ્યો, બ્રહ્માંડ લાગી જ્વાળ. ૨૮

સુભટ નિકટ રાવ આવ્યો, બોલાવ્યો બહુ ગર્વે,
‘નિર્લજ, લંપટ, નથી લહેતો, વીંટી વળ્યા છે. સર્વે! ૨૯

કુળ-લજામણો કોણ છે. તસ્કર ને નિર્લજ?
અપરાધ કરી કેમ ઊગરે સિંહના મુખથી અજ? ૩૦

ગમન નહિ આંહાં અમર કેરું, તો તે ક્યમ આગમાયું[7]?
અજાણે આવી ચડ્યો કે ભૂતે મન ભમાવ્યું? ૩૧

શકે સ્વર્ગથી કોએ નાખ્યો, કાંઈ કારણ સરખું ભાસે;
સાચું કહે તો મારું નહિ, બાળક! રહે વિશ્વાસે. ૩૨

કોણ કુળમાં અવતર્યો? કુણ માત, તાત, ને ગામ?
જથારથ હોય તે ભાખજે, ક્યમ સેવ્યું ઓખા-ધામ? ૩૩

અનિરુદ્ધ કહે, ‘પિતુ માહરા તે પ્રસિદ્ધિ છે સંસાર,
છોડી છત્રપતિની વર્યો, તું ચતુર છે, વિચાર. ૩૪

વાર્ષ્ણિક કુળ છે માહરું, નામ તે અનિરુદ્ધ,
જો છોડશો તો સમુદ્ર માંહે નાખીશ નગરી બદ્ધ. ૩૫

બાણાસુર સામું જોઈને કૌભાંડ વળતું ભાખેઃ
‘ચોરી કરી કન્યા વરે કુણ તે વાર્ષ્ણિક પાખે?’ ૩૦

પૌત્ર જાણી કૃષ્ણનો બાણે તે ઘસિયા કર,
‘નીચ વર કન્યા વર્યો, દૈવડા! બેઠું ઘર.’ ૩૭

રીસે ધડહડી ડોક ધુણાવી, ધનુષ ધરિયાં ધી.,
કૌભાંડ કહે છે રાયને, ‘એ જોદ્ધો છે મહા વીર.’ ૩૮

હકારી વાર્ષ્ણિક વકાર્યો, થયો શોરાશોર,
ઓખા નયણે નિરખતાં નાથને પહોંચે જોર. ૩૯

પરિઘ પટ્ટી ને ગુરજ ગદા, ત્રિશૂળ ને તોમર,
મુદ્‌ગળ મુશળ ફરશીએ ઢાંકી લીધો શૂર. ૪૦

અઘોર માયા આસુરી વરસે શિલા ને શિખર,
પાગ હસ્ત ને અસ્થિ ચર્મ, પડે માંસ-રુધિર. ૪૧

હય ગજ રથ લથબથ અડકે, ભડકે બહુ વાહન,
દુંદુભિ વાજે, ખાંડાં ગાજે, રણ પડે બહુ જન. ૪૨

સાંગ ખળકે, ખડગ ચળકે, ઝળકે ભાલાની અણી,
રિપુ[8] કેરી લાખ માંહે અનિરુદ્ધ જડિયો મણિ. ૪૩

ફેરવી ભોગળ બળ ધરી, રિપુદળ દળ્યું જાદવજોદ્ધ,
ત્રાડે પાડે, આડા પછાડે, કરે કામકુંવર બહુ ક્રોધ. ૪૪


હાર્યા પૂરણ, રથ ચૂરણ, ગજ-હય પાછા વળિયા,
અંગ રાતાં, શીશ ફાટ્યાં, ધીર ધરણી ઢળિયા. ૪૫

ભડ યુદ્ધ કરતો, જાય રોળતો, અનિરુદ્ધ ઇન્દ્ર સમાન;
અસુર રણથી નાસતા, શાર્દૂલથી જેમ શ્વાન. ૪૬

હૈડું તે હરખે નારનું સુણી નાથના હોકાર,
તારુણી દેખતાં અનિરુદ્ધે સૈન્ય કીધું તારોરાર. ૪૭

દશ સહસ્ર જોદ્ધા બાણના મારી કીધા ચકચૂર;
સમુદ્ર માંહે સંગમ હવો, વહ્યું તે શોણિતપૂર. ૪૮

બુંબાણ[9] પડિયું પુર વિશે, અસુર નાસાનાસ;
તે દેખીને બાણ ધસિયો, સજીને નાગપાશ. ૪૯

ભોગળ છેદી ભુજ તણી, પછે કર્યા સહસ્ર સર્પ,
કામકુંવરને બાંધી લીધો, પછે ગાજિયા નૃપ, ૫૦
વલણ
નૃપ ગાજિયો મેઘની પેરે, ઉતરાવી ઓખાય રે;
વરકન્યાને બંધન કરી બાણાસુર મંદિર જાય રે. ૫૧



  1. વાયસ-કાગડો
  2. દળવાદળ-સૈન્યનું અસંખ્ય ટોળું
  3. કોટાનકોટી-કરોડો
  4. કુંજર-હાથી
  5. વપુ-શરીર
  6. બીલ-દર
  7. આગમાયું-આગમન થયું
  8. રિપુ-દુશ્મન
  9. બુંબાણ-બુમરાણ