કંકાવટી/વીરપસલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વીરપસલી

કણબીની એક ડોશી હતી. ડોશીને દીકરો અને દીકરી હતાં. દીકરી તો સાસરે ગઈ છે ને દીકરો માની આગળ છે. શ્રાવણ માસ આવ્યો છે. અંજવળિયો આતવાર આવ્યો છે. વીરપસલી આવી છે. ડોશી તો દીકરાને કહે છે કે,”ભાઈ ભાઈ! તું બેનની વીરપસલી લઈને જા.” ભાઈ તો વીરપસલી લઈને બેનને ઘેર જાય છે, રસ્તે મોટો એરુ મળ્યો છે. એરુ કહે, “હું તને કરડું ને કરડું.” “ના ભાઈ, આજ તું મને કરડીશ મા. મારી બેનને આજ વીરપસલી છે, તે બેન બિચારી વાટ જોઈને બેસી રહેશે. કાલ પાછો આવું ત્યારે કરડજે.” એરુ કહે,”કાલ તું પાછો આ રસ્તે નીકળે જ શેનો? બીજે જ રસ્તે નીકળ તો?” “નીકળ્યા વગર રહું જ નહિ. ને તને મારો વિશ્વાઅસ ન પડે તો લે હું ખડનો પૂડો વાઢી લઉં, એમાં તું બેસી જા. કાલ પડે એટલે તું મને કરડી ખાજે.” ભાઈએ તો ખડનો પૂળો વાઢ્યો છે. એરુને પૂળામાં બેસાડી દીધો છે. બેસાડીને પૂળો તો ખંભે નાખી લીધો છે. બેનને ઘેર જતાં તો બહુ મોડું થયું છે. બેન તો બિચારી વાટ જોઈ જોઇને થાકી ગઈ છે. થાકીને બેન તો રેંટિયો કાંતવા બેસી ગઈ છે. કાંતતાં કાંતતાં વિચાર કરે છે: અરેરેમ, ભાઈ કેમ ન આવ્યો! હજીય ભાઈ કેમ ન આવ્યો! ત્યાં તો ભાઈએ બારણું ઉઘાડ્યું છે. ભાઈને દીઠો ત્યાં તો કાંતતાં બેનનો ત્રાગડો તૂટી જાય છે. બેનને તો ફાળ પડી કે મારો ભાઈ આવ્યો ને ત્રાગડો કેમ તૂટી ગયો! ત્રાગડો સાંધીને ઊઠું તો ભાઈની આવરદા સંધાય. ભાઈને તો ખોટું લાગ્યું છે. અરેરે, હું આવ્યો છું; કાલ તો મરી જવાનો છું, તો ય મારે બેન તો હજી ઊઠતી યે નથી. બેન તો ત્રાગડો સાંધીને ઊઠી છે, ઊઠીને ભાઈના ઓવારણાં લીધાં છે. વીરપસલીનો દોરો ઊજવ્યો છે. ભાઈને જમાડવા લાપસી કરે છે. ખારણિયામાં સોપારી નાખી, સાંબેલાના ચાર આંટા ફેરવી, સોપારી ભાંગતી બેન બોલે છે કે, શિરછત નવખંડ ધરતીમાં મારા ભાઈનું જે ભૂંડુ વાંછે એના સા...ત કટકા થઈ જજો! આટલું બોલ્યા ભેળો તો, છાપરે ભાઈએ ખડનો પૂળો મેલ્યો’તો તેમાં એરુના સાત કટકા થઈ ગયા છે. રાત પડી છે ભાઈ કહે કે,”બેન, હું કાલે જઈશ ને જઈશ.” બેન કહે,”ના ભાઈ, નહિ જ જવા દઉં.” પણ ભાઈને તો થયું છે કે બેનને આંગણે એરુ કરડે ને હું મરી જાઉં તો બેન બિચારી રોઈ રોઈને મરે. એનાથી મારું મોત શે’ જોવાય! માટે હું તો માર્ગે જ જઈને મરું. બેન તો ઘણી તાણ કરે છે. પણ ભાઈ કેમે ય કરી માનતો જ નથી. રસ્તે મારા ભાઈને ભાતું જોશે! એમ સમજીને બેને તો ઘઉંના લોટના ખાખરા કર્યા. કરીને ખારાણીએ ખાંડવા બેઠી, ચૂરમું ખાંડી, ઘી ગોળ ભેળવી, જ્યાં લાડવા વાળવા બેસે છે, ત્યાં સાપના સાતેય કટકા એક્કેક લાડવામાં અક્કેક ગરી જાય છે. સવાર પડ્યું છે. સાતેય લાડવા બેને ભાઈને ભાતામાં બંધાવ્યા છે. ભાઈ કહે,”આ લે, એક લાડવો પાછો. ભાંકો ને ભાંકી ઊઠે ત્યારે ભાંગીને બેયને ફાડિયું ફાડિયું દેજે.” ભાઈ તો હાલી નીકળ્યો છે. વાંસેથી ભાંકો-ભાંકી તો ઊઠ્યાં છે. રાડો રાડો પાડવા માંડ્યાં છે કે મામો ક્યાં ગયા? મામો ક્યાં ગયા? મા કહે,” મામો તો એને ગામ ચાલ્યા ગયા. પણ લ્યો, આ લાડવો, મામા આપી ગયા છે. વહેંચીને ખાઓ.” લાડવો છોકરાંના હાથમાં દીધો છે. ભાંગે ત્યાં તો માલીપાથી એરુનો કટકો નીકળ્યો. બેનને તો હાયકારો થઈ ગયો છે. હાય હાય! મારો ભાઈ લાડાવા ખાશે તો શું થશે? એને છોકરાંને રોતાં મેલ્યાં છે. લાડવાના કટકા હાથમાં લઈને ભાઈની વાંસે દોડે છે. દોડતી જાય છે ને બોલતી જાય છે, કે - “મારા ભાઈને ખમા કરજો! મારા ભાઈને ખમા કરજો!” ભાઈ તો વાટે ચાલ્યો જાય છે. એના મનમાં તો થાય છે કે ક્યાંઈક તળાવળી દેખું તો ટીમણ કરવા બેસું. પણ એનાથી બહુ આગાળ ચલાતું નથી. બેને તાગડો સાંધીને ભાઈની આવરદા સીધી’તી ખરી ને, તે ભાઈને તો રસ્તામાં ચારે દૃશ્યે તાગડા તાગડા દેખાય છે, મારગ સૂઝતો નથી. ભાઈ આગળ હાલી શક્તો નથી. બેનને અને ભાઈને તો છેટું ભાંગતું જાય છે. બેન તો ધા દેતી દોડી આવે છે. એમ કરતાં નાની તલાવડી આવી છે. ભાઈ તો ભાતું ખાવા બેસે છે, બેસીને પોટલી છોડવા જાય છે, ત્યાં તો “ભાઈ! છોડીશ મા! છોડીશ મા!” એમ ચીસેચીસ નાખતી બેન જઈ પહોંચી છે. જઈને લાડવા ભાંગ્યાં છે. ત્યાં તો છયે લાડવામાંથી એરુના છ કટકા નીકળ્યા છે. બેને પૂછ્યું કે, “હે ભાઈ, આ કૌતક શું?” ભાઈએ તો એરુની વાત કરી છે. બેનને તો વાત સમજાણી છે કે વીરપસલી માને પ્રતાપે એરુના સાત કટકા થઈ ગયા છે. બેને તો ખાડો ગાળ્યો છે, લાડવા ભોંયમાં ભંડાર્યા છે. ભાઈને પાછો ઘેર તેડી જાય છે. જમાડે છે ને જુઠાડે છે. વીરપસલી મા એને ત્રુઠમાન થયાં એવાં સહુને થાજો!