કંકાવટી મંડળ 2/કંઠસ્થ વ્રત-સાહિત્ય 2 (‘કંકાવટી’ (મંડળ 2)નો પ્રવેશક : 1936)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કંઠસ્થ વ્રત-સાહિત્ય [2]

(‘કંકાવટી’ (મંડળ 2)નો પ્રવેશક : 1936)

શ્રી બલવંતરાય ઠાકોરનું એક પ્રિય કથન છે : દીવે દીવો પેટાય. લોકસાહિત્યના મારા સંશોધનકાર્યનો પણ એવો જ ઇતિહાસ બની ગયો. વ્રતસાહિત્યનો પ્રદેશ એક દિવસ સુરતમાં શ્રી દયાશંકર ભટ્ટને ઘેર જરીક ઝબૂકી ગયો. ઘેર જઈને મેં મારાં પડોશણ ડોશીઓને એ પ્રદેશના વાવડ પૂછ્યા. એમણે લખાવ્યું ને મેં લખ્યું. નાની છોકરીઓ ઘેર ઘેર ફરતી જે બડબડી જતી, તે મેં લખ્યું.

ડોશીશાસ્ત્ર કહીને!

એ સર્વનું ‘કંકાવટી’ નામ પાડીને જ્યારે પ્રગટ કરવાની તૈયારી હતી, ત્યારે લોકસાહિત્યના એક રસિક અભ્યાસીએ જ મને બીવરાવ્યો : ‘ગીતો-વાર્તાઓના તારા આજ સુધીના સંગ્રહો તો સન્માન પામ્યા, પણ આ ચોપડી બદલ તો લોકો તારાં પીંછડાં પીંખશે!’ આ બનેલું ભાવનગરમાં. તે પૂર્વે પાંચ-સાત વર્ષો પર ત્યાંના એક આર્યસમાજી ભાઈએ ડોશીશાસ્ત્રમાં રહેલા પાખંડ પર સસ્તા પ્રહારો કરતી એક નાની ચોપડી લખી છપાવી હતી તે પણ મારા લક્ષ પર મૂકવામાં આવી. મેં તેમાં આ જ વ્રતોની મજાક દીઠી. પેલા સ્નેહીએ બતાવેલો ડર મારા પર અસર કરી ગયોય ખરો.

ઇતિહાસનો દીવો

પરંતુ એ ડર કરતાં મારી સંશોધનવૃત્તિ વધુ સબળ નીવડી. મને લોકસાહિત્યમાં શ્રદ્ધા હતી; ધર્મનો હું પ્રેમી નહોતો. લોકસાહિત્યને હું સમાજના હજારો વર્ષના જીવન-ઇતિહાસને અજવાળનાર એક દીવો માનતો હતો. આજે પણ એ મારી માન્યતા છે. એ માન્યતા આજે તો જોરાવર બની છે. ઈ.સ. 1924-25માં આ ક્ષેત્રની તપાસ અન્યત્ર થઈ રહેલ છે તેની મને જાણ નહોતી. એક દશકા પૂર્વે આ લોકસાહિત્યને અને આ લોકવિદ્યાને સાહિત્ય અથવા ઇતિહાસને ત્રાજવે ચડાવનાર કોઈ હતું નહીં. આજે એની તુલા મંડાઈ છે. એ તોળાયું છે. એનો તોલ ન ઉવેખી શકાય તેવો નીવડ્યો છે. ‘કંકાવટી’નું પ્રકાશન એ આંતરગત આસ્થાને જોરે કરાવ્યું, ને મને દેખાડવામાં આવેલો ડર જૂઠો પડ્યો. ‘કંકાવટી’નું સાહિત્ય સાહિત્ય તરીકે પ્રત્યાઘાતી ન બન્યું. એ સાહિત્યનો સાહિત્ય હિસાબે તેમ જ આપણા લોકસમૂહના સંસ્કાર-વિકાસના ઇતિહાસને હિસાબે ઉકેલ સૂચવનારી મારી દૃષ્ટિ મેં મારા વિસ્તૃત પ્રવેશકમાં મૂકી હતી. એ દૃષ્ટિ સન્માન પામી.

ગુજરાતના પ્રયત્નો

— ને દીવે દીવો પેટાય! સૌરાષ્ટ્રના પ્રતિઘોષ ગુજરાતમાં પડ્યા હતા. ઉમરેઠમાં તે વખતે ગૂજરાત વિદ્યાપીઠનું એક નાનું યુવકમંડળ હતું. એ મંડળના મુખ્ય સંચાલક ભાઈશ્રી ઇંદુલાલ ભટ્ટ હતા. પોતાનાં સાથીજનોને ભાઈ ઇન્દુલાલે લોકસાહિત્યની શોધમાં પ્રેર્યાં. ચરોતરમાં જીવતાં રહેલાં ગીતોનો સ્વચ્છ સુંદર સંગ્રહ કરીને તેમણે મારા હાથમાં સોંપ્યો. ઈ.સ. 1928ની આ વાત. આઠ વર્ષો સુધી એ સંગ્રહ મારી જોડે રજોટાતો ને પાછો ઝાપટાતો સ્થળે સ્થળે આથડ્યા કર્યો. પ્રગટ કરવાના સુયોગો મને ન મળ્યા તે ન જ મળ્યા. ચારેક મહિના પર મેં એ હસ્તપ્રત ભાઈ ઇંદુલાલને પાછી આપી. પરંતુ ‘કંકાવટી’ના લોકસાહિત્યને હજુ હું ખલાસ નહોતો કરી શક્યો. ટીપે ટીપે મારી પાસે નવી સામગ્રી ઉમેરાતી હતી. વચગાળાનાં વર્ષોએ મારી પાસેથી બીજી કેટલીક પ્રવૃત્તિઓ માગી લીધી. પણ આજે પાછા ફરી વાર લોકસાહિત્યના કાર્ય પ્રત્યેનું મારું અધૂરું રહેલું ઋણ ચુકાવવા મારી ‘હરિની હાટડી’ માંડું છું ત્યારે મારા જૂના સંઘરામાંથી ગુજરાતની બે વસ્તુઓ નીકળી આવે છે : એક તો ભાઈ ઇંદુપ્રસાદે આઠ વર્ષ પર મોકલેલી બે વ્રતકથાઓ : ગાયવ્રતની કથા, : સૂરજ–પાંદડું વ્રતની કથા, અને બીજી તે, તે વખતના ગૂજરાત વિદ્યાપીઠના, શ્રી કાકા કાલેલકરના સંસ્કાર-રંગે રંગાએલ ભાઈ ઇન્દુપ્રસાદનો ટૂંકો લેખ (‘લોકજન્ય સમાજશાસ્ત્ર’), એ લેખ પ્રકટ કરું છું, પણ તેથી હું ભાઈ ઇન્દુપ્રસાદની વિચારસૃષ્ટિને આજે આઠ વર્ષે જરીકે બાંધી લેવાનો ઇરાદો નથી રાખતો. મુનિવ્રત ને મેઘરાજાનું વ્રત પણ મને ગુજરાતમાંથી મળ્યાં છે.

એક ડોશીમા

છેલ્લે પણ દીવે દીવો કેમ પેટાયો તે જણાવી લઉં. વિલેપારલેમાં એક જ ઓસરીએ રહેતા અમારા ઘરમાલિકનાં બુઢ્ઢાં મા મળી ગયાં. એ માએ જેમ –

બટકુંક રોટલો
થીનું ઘી
નાચ રે નાનકા
રાત ને દી.
અને
આજ મારો નાનકો
નાચ્યો નથી
કૂદ્યો નથી
કડ્યની ઘૂઘરી વાગી નથી.
અને
કૂદ ઘોડા કૂદ!
તારી નળીઓમાં દૂધ!
ઘોડો બાંધ્યો બજાર
ઘોડો ખાય ચણાની દાળ
મોટો થૈશ
ઢીંકા ખૈશ
તું તો શેરીએ ભાગ્યો જઈશ.

એવાં એવાં જોડકણાં બોલીને જેમ એક બાજુ મારા એક ધાવણા સંતાનને ‘મૂક’માંથી ‘વાચાલ’ તેમ જ ‘પંગુ’માંથી ‘ગિરિલંઘન’ માટે છલંગો દેતો કર્યો, તેમ બીજી બાજુ લોકસાહિત્યમાં રાચતા મારાય શિશુ-માનસને ભે’-બારશની કથા, રાણી રળકાદેની કથા, વિસામડાનાં ને કોયલ-વ્રતનાં જોડકણાં વગેરે ગાઈને નવા કૂદકા મારતું કર્યું.

અવિનાશી કૌમાર

એ દાદીમાની કથા કહેવાની લઢણ છેક જાફરાબાદ પંથકની. વિસામડાનું જોડકણું બોલતાં બોલતાં એ જે તાળીઓ દેતાં હતાં, તે તાળીઓ, તેમની અર્ધઅંધાપે ગયેલી આંખોની બોલતી વેળાની ચપળ, ઘેરી, દુઃખ વીસરતી પ્રસન્નતા, તેમનો દરેક હાવ અને ભાવ એક જ વાત કહેતાં હતાં કે વ્રતોએ પોષેલું ને એ વ્રતોએ રમાડેલું કૌમાર, એંશી વર્ષોને મૃત્યુ-આરે પહોંચેલા વૈધવ્યમાંથી પણ નાશ નથી પામતું.

પરસ્પર પ્રતીકો

એવાં દાદીમાઓ મને જાણે કે પ્રત્યેક વ્રતની માનવપ્રતિમા લાગે છે. જૂના કાળની ડોશીઓ, ડગુમગુ પગલે દેવમંદિરે જનારીઓ, ધીરે લહેકે સુખદુઃખની વાતો કહેનારીઓ, દીકરા-દીકરીઓનાં ધાવણાં બાળને એક પછી એક અણથાક લાગણીએ રમાડનારીઓ, સમતા અને સહિષ્ણુતાની સહજ મુખરેખાઓ ધારણ કરનારીઓ, સ્વભાવની અનેક લઘુતાઓની જોડે અનેક મહાનુભાવતાઓનો પણ મેળ મેળવનારીઓ, ગાળો દેનારીઓ તેમ કીર્તનો પણ ગાનારીઓ, ઊનાં બે આંસુ પાડીને પાછી બે જ ઘડીમાં હસી રહેનારીઓ, ઉદારતા અને કંજૂસાઈ વચ્ચેની સીમાદોરી ક્યાં દોરાય છે તેની સદા સર્વદા અજાણ, સો સો દુઃખોને પાર કરી જનાર, જીવનને ત્યજી દેવા તત્પર છતાંય જીવનની ઝીણામાં ઝીણી વિગતોનેય જમ જાણે કદાપિ આવવાનો જ નથી એટલી અટલ આસ્થાથી વળગી રહેનાર, એવી એ દાદીમાઓ અને આ વ્રતો, આ વ્રતકથાઓ : બન્ને મને એકબીજાનાં પ્રતીકો લાગે છે. જમાનાજૂનાં ઝુઝાડ આ વ્રતો; છતાં તેમની જુનવટ કંઈ સૂગ નથી કરાવતી. એમાં પડેલા વહેમો કેવળ બાલભાવે રંજિત છે. એમાં પડેલી તપશ્ચર્યામાં ફૂલોની હળવાશ છે. એ ડોશીમાથી ઊલટા પ્રકારની સ્ત્રીઓને પણ તમે જોઈ હશે : બળેલી ને ઝળેલી, વાતવાતમાં છોવાઈ જતી, પગલે પગલે પાતક કલ્પતી ઉલ્લાસહીન અને ઊર્મિજડ ધર્મચુસ્ત નારીઓ. એને જુઓ તો જાણી લેજો કે એ છે ‘વ્રતરાજ’નાં ફળ. અનેક શાસ્ત્રો-પુરાણોનું સંશોધન કરીને સંવત 1793 [સન 1737]માં એ બનાવેલું છે એવું એની પ્રસ્તાવના બોલે છે. એની પોણા ચારસો પાનાંની શાસ્ત્રોક્ત વ્રત-સામગ્રી જોઈ જતાં આપણને સમજ પડે છે કે શ્રી અવનીન્દ્રનાથ ઠાકુરે લોકવ્રતો તેમ જ શાસ્ત્રીય વ્રતો વચ્ચે દોરેલી તુલના કેટલી સચોટ છે. પણ શ્રી અવનીન્દ્રનાથે નથી ચર્ચી તેવી કેટલીક વાતો અહીં સ્ફોટ માગે છે. વ્રતો કોણ કરી શકે? વ્રતનાં અધિકારી કોણ? ‘વ્રતરાજ’ ગ્રંથનું અવતરણ લઈએ : વ્રતનાં અધિકારી “સ્કંદપુરાણમાં વચન છે કે : હે રાજન્! પોતાના વર્ણના તથા આશ્રમના આચારમાં તત્પર, શુદ્ધ મનવાળો, લોભરહિત, સત્યવાદી, સર્વ પ્રાણીઓના કલ્યાણમાં તત્પર જે પુરુષ હોય તે વ્રતનો અધિકારી કહેવાય છે.” વગેરે વગેરે. લોકવ્રતોમાં આરપાર નીકળી જાઓ. ત્યાં કોઈને માટે પ્રવેશ-નિષેધ નથી. કોઈ શરત નથી. કોઈ બંધન નથી. મનુષ્ય તો વ્રત કરે છે, પણ વાંદરી (જુઓ ‘જીકાળિયો’ : ‘કંકાવટી’) અને પંખીઓ (જુઓ ‘ઘણકો-ઘણકી’ : ‘કંકાવટી’) પણ કરી શકે છે, વ્રતો કરે છે એટલું જ નહિ પણ માનવીઓના અધિકારો પર તે પશુપંખીડાં સરસાઈ પણ ભોગવે છે એવો એમાં ધ્વનિ મુકાયો છે.

પતિની રજા

શાસ્ત્રાધારે રચાયેલ ‘વ્રતરાજ’માં લખે છે કે વ્રત કરવાનો સ્ત્રીઓનો પણ અધિકાર છે. પરંતુ ત્યાં તો મર્યાદાઓ મુકાઈ છે : ‘સુવાસિની સ્ત્રીઓને પતિ વગેરેની આજ્ઞા વિના વ્રતનો અધિકાર નથી’. મદરત્નમાં માર્કંડેય પુરાણનું વચન : ‘પતિની, પિતાની વા પુત્રની આજ્ઞાથી સર્વ વ્રતમાં અધિકાર પ્રાપ્ત થાય છે, કારણ કે સ્ત્રી પતિની અનુમતિથી વ્રત વગેરે સર્વદા કરે એમ કાત્યાયનનું કહેવું છે. જે સ્ત્રી પતિ જીવતા છતાં ઉપવાસ વ્રત કરે છે તે સ્ત્રી પતિનું આયુષ્ય હરે છે ને પોતે નરકમાં પડે છે.’ લોકવ્રતોની પરંપરા આવો કોઈ પણ સંકોચ દાખવતી નથી. એક પણ આવો પ્રસંગ આટલાં લોકવ્રતોમાં નથી મળતો કે જ્યાં સ્ત્રી સ્વામીની રજા લેવા ગઈ હોય. લોકવ્રતોનું એ મૂગું ઔદાર્ય છે. સ્ત્રી-પુરુષ વચ્ચેના અધિકાર-ભેદની બનાવટ એમાં પેઠી નથી. એટલું જ નહિ પણ લોકોક્ત ‘કોયલ વ્રત’માં તો સ્ત્રી ધણીને પથારી સુધ્ધાં ન કરી આપે એટલી હદે વ્રતિની સ્ત્રી સ્વાધીન બને છે.

ન કરવાની સજા

“ગ્રહણ કરેલું વ્રત ન કરે તો તેના સંબંધમાં મદનરત્નમાં છાગલેય કહે છે કે જે પુરુષ પ્રથમ વ્રતનું ગ્રહણ કરી પછી ઈચ્છાથી વ્રત ન કરે, તે જીવતો ચાંડાલ થાય છે અને મુઆ પછી કૂતરો થઈ અવતરે છે.” (‘વ્રતરાજ’.) શાસ્ત્રની આવી વાતોને લોકવ્રતમાં સ્થાન નથી. હા, એક વાર્તા છે : ઘણકા-ઘણકીની. પુરુષોત્તમ મહિનો નાહનાર એ લકડખોદ માદા પક્ષી મરીને રાજકુંવરી સરજે છે, ને ભોગ ભોગવનાર નરપક્ષી ઘણકો (લકડખોદ) બોકડો સરજે છે. છતાં તે સ્થિતિમાં કુમાશ તેમ જ મીઠાશ મૂકનાર એક તત્ત્વ લોકવ્રતોની સૃષ્ટિમાં સહજ આવી ગયું છે. બોકડો પણ રાજકુંવરીને ઘેર જ સરજાય છે. બેઉની પૂર્વજન્મની જુગલ-પ્રીતિ પણ અનામત રહે છે. સાસરે જતી એ કુમારી પોતાના પ્યારા બકરાને જોડે લઈ જાય છે. ત્યાં સાસરવાસીમાં પણ બન્નેના પરસ્પર પરિહાસ ચાલુ છે : રૂમઝૂમતી રાણી મેડીએ ચડ્યા. હા, મારા પીટ્યા! અમે મેડીએ ચડ્યાં તે કરકર બરકર ખાયા! આ પરિહાસની અંદર એ મૂંગી વેદના છે. બન્નેના આત્માઓ દેહની દીવાલોની આરપાર જાણે કે મિલન શોધે છે. વાર્તાપ્રસંગ શાસ્ત્રોક્ત વ્રતોમાં ઊઠતી ભયાનકતાને લેશ પણ સ્થાન ન આપતાં કરુણતાની છાયા પાથરે છે.

પ્રાયશ્ચિત્તની ભયાનકતા

વધુ મોટો ભેદ તો બંને પ્રકારનાં વ્રતોની વચ્ચે પ્રાયશ્ચિત્તના મુદ્દા પર પડી રહે છે. ‘વ્રતરાજ’માં લખે છે કે પ્રાયશ્ચિત્ત માટે ગરુડ તથા સ્કંદપુરાણમાં કહેલું છે : ‘ક્રોધથી, પ્રમાદથી વા લોભથી જો વ્રતનો ભંગ થાય તો ત્રણ દિવસ સુધી ભોજન કરવું નહિ, અથવા માથે મુંડન કરાવવું’. અને લોકવ્રતમાં ફક્ત આટલું જ : ‘વાર્તા ન કહીએ તો ઉપવાસ પડે’. ‘વાર્તા ન કહીએ તો ઉપવાસ પડે’ એ તો જાણે કે આ દેશની આબોહવાને માટે સરળ હળવી એક ચેતવણી છે. પણ માથું મૂંડાવવાની સજા મોટા પતનની સૂચક વાત છે. વાળની કાળી કાળી વાદળઘટા, હિંગળે પૂર્યો સેંથો, ફૂલભર્યો અંબોડો, કેશગૂંથણની કલા, ફૂલો અને વેણીના શિરસાજ, એ બધાં સૂચવે છે કે સ્ત્રીઓના રસજીવનમાં, તેમ જ પુરુષોના પણ સૌંદર્ય પ્રદેશમાં એ સ્ત્રીના માથાના કેશ મુખ્યત્વે રમણ કરનારા છે. એ રસતત્ત્વનો પ્રભાવ નરનારીના જુગલજીવનમાં એટલી હદ સુધી પડ્યો હતો કે જુગલજીવનના ખંડિત થવા સાથે કેશના શણગાર જ નહિ પણ કેશ પોતે નિરર્થક બનતા. સુંદરતા, મંગલતા અને સંસ્કારના પ્રતીક એવા કેશનું મુંડન કેટલું ભયાનક છે તે સમજ્યા પછી શાસ્ત્રીય વ્રતોનું જગત બિહામણું બની જાય છે. એ દુનિયામાં પેસનાર સ્ત્રીસમૂહ પોતાની સ્ફૂર્તિ અને પ્રફુલ્લતા હારી બેસે. એ વ્રતોનું રાજ્ય કોઈ પરદેશી શાસનનું પોલીસ-રાજ જ લાગે.

અરધી પૂજા અરધી રમત

પાપ-પુણ્યના આવા વિકરાળ ભાવોથી લોકાવ્રતો મુક્ત છે. આવી કલ્પના જ લોકવ્રતોના આશયથી વિરુદ્ધ જાય છે. અરધી પૂજા અને અરધી રમત જેવાં લોકવ્રતો જીવનના ફૂલને ફૂટવા આપે છે, ભસ્મ કરતાં નથી. તે વ્રતોનું નિર્માણ જ જીવનને મોકળું, પ્રફુલ્લિત અને નિયમપ્રેમી બનાવવાનું છે. અને વ્રતોની દુનિયામાં વળી આ પવિત્ર અને આ પતિત એવા આ ભેદ શાના? ‘વ્રતરાજ’માં વિષ્ણુપુરાણનો આધાર ટાંકીને લખે છે કે ‘જો પતિત વગેરે નજરે પડે તો બુદ્ધિમાન પુરુષે સૂર્યદર્શન કરવું’. ‘બૃહન્નારદીય’નો આધાર ટાંકી કહે છે કે ‘વ્રતાદિકની મધ્યમાં રજસ્વલા, ચાંડાલ, મહાપાપી, સુવાવડી સ્ત્રી, પતિત, ઉચ્છિષ્ટ અથવા ધોબી વગેરે નજરે પડવાથી અથવા તેનો શબ્દ સાંભળવાથી બુદ્ધિમાન પુરુષે એક હજાર ને આઠ ગાયત્રી મંત્રનો જપ કરવો. હેમાદ્રિમાં પદ્મપુરાણનું વચન છે કે ‘ગર્ભિણી, સુવાવડી, કુમારી અથવા રોગિણી સ્ત્રી જ્યાં સુધી અશુદ્ધ હોય ત્યાં સુધી બીજા પાસે વ્રત કરાવે, અને શુદ્ધ થયા પછી પોતે વ્રત કરે.’

કોળીની કન્યા

પરંતુ લોકવ્રતોમાં તો એક પણ પતિત પાત્ર નથી. કણબીની કન્યાઓ વ્રતો કરે છે. ગાયવ્રતની વાતમાં કોળીની છોકરી ગાય માનાં વ્રત કરે છે. (‘કંકાવટી’.) કોળીની છોકરીનું એમાં આવું રમ્ય ચિત્ર અંકાયું છે — રાંકને પેટ રતન શાં! કુલડીમાં પાણી આલો! કોડિયામાં ધાણી આલો! ધાણી ધાણી ખાય છે. પાણી પાણી પીવે છે. ને પછી એનો વ્રત કરવાનો આગ્રહ : થશે પળશે ને કરીશ ગાય માને ગાળે કરીશ તુળસીને ક્યારે કરીશ પીપળાને પાને કરીશ સૂર્યનારાયણને સાખે કરીશ ધરતીને ધ્યાને કરીશ. અને કેવી સોહામણી લાગે છે એ વ્રતિની કોળી કન્યા : નાતી આવે ધોતી આવે જળની ઝારી ભરતી આવે ગાય માને પૂજતી આવે ફરતી ગાય ધરાવતી આવે એવી કોળી કન્યાના બાળને : ગાય મા ધવરાવે છે તુળસી મા ઉછેરે છે પીપળો પાળે છે સૂર્યનારાયણ સાચવે છે ધરતી મા રક્ષણ કરે છે. લોકવ્રતોમાં ગર્ભિણી-રોગિણીનેય માટે કશો પ્રતિબંધ નથી.

કુમારિકાના હક્કો

સૌથી વધુ વિસ્મયકારી તો કુમારિકા સામેનો પ્રતિબંધ છે. શાસ્ત્રોક્ત વ્રતો કરવાની જે કુમારિકાઓને મનાઈ છે, તે જ કુમારિકાઓના હાથમાં તો લોકવ્રતોની આખી ‘કંકાવટી’ રમી રહેલ છે. દેવદેવીઓના દ્વાર વહેલામાં વહેલી પરોઢે ખખડાવનારી આ કુમારિકાઓ, શું બંગાળામાં કે શું ગુજરાતમાં, સમસ્ત સમાજના વાતાવરણને પોતાની નિર્દોષ મનવાંછનાઓથી ને ભયહીન ત્રાસહીન દેવભક્તિથી મહેક મહેક કરી મૂકે છે. બંગાળી કન્યાઓ તો પોતાની માના ખોળા માટે પણ દીકરા માગતાં અચકાતી નથી : વસુધારા વ્રતમાં — આમાર માયેર કોલે દેખિ અષ્ટ સોના આટ ભાઈ પેલેમ જેન ચાંદેર કોના [મારી માને ખોળે આઠ સોનૈયા જોઉં છું. ચાંદાના ખૂણા જેવા આઠ ભાઈઓ મને સાંપડ્યા.] મા જેન વિયોય ચાંદપાના બેટા! [મા મારી જણજો ચાંદા જેવો પૂતર!] ગુજરાતી કન્યાઓ પોતાના વીરને માટે ‘ગોરડી ગા’ ને ‘વાંકડો ઠાંઠો’ માગે છે. પોતાને માટે ‘સવાદિયો સસરો’ ને ‘ભુખાળવાં સાસુ’ માગે છે. ગણાગોરના વ્રતમાં કન્યાઓ પોતાના અંતરનું અભીપ્સા-ચિત્ર આ રીતે આંકે છે : આગરીએ ઘૂઘરીએ ગોર્ય શણગારી બાપે બેટી ખોળે બેસારી કિયો વર કિયો વર કિયો વર ગમશે? પિતા પોતાની જોડે વરની પસંદગીની ચર્ચા કરે, એવી વાંછનાનાં વ્રતો રમતી કન્યા આપણી વ્રતસૃષ્ટિને હળવી હળવી છતાં કેટલી અર્થભરી બનાવી મૂકે છે! બંગાળી કન્યા પણ માગે છે : ગિરિરાજ બાપ ચાન મેનકાર મત મા ચાન રાજરાજેશ્વર સ્વામી ચાન સભાઉજ્જ્વલ જામાઈ ચાન નિત્યાનંદ ભાઈ ચાન ને એ તો વીરની પત્ની બને છે. રણાંગણથી પતિનું ક્ષેમકુશલ પાછા આવવું વાંછે છે : પાકા પાન વર્તમાન આમાર સ્વામી નારાયન જખન જાવેન રને — નિરાપદ ફિરે આસે જેન ઘરે એટલું જ બસ નથી, આપણી છોકરી જેમ — ગોર મા ગોર મા રે કંથ દેજો કહ્યાગરો! કહેતી ઊભી રહે છે, તેમ બંગાળી કન્યા પણ ‘સેંજતી-વ્રત’ની અંદર પ્રાર્થના કરે છે કે : હે હર શંકર, દિનકર નાથ! કખનો ના પડિ જેન મૂર્ખેર હાત. [હે પ્રભુ, હું કદાપિ મૂર્ખને હાથ ન પડું એટલું વરદાન દેજે.]

વૈધવ્યના ચિતાર

અરુંધતી વ્રતમાં વૈધવ્યનો ત્રાસજનક ચિતાર છે : ઋષિપંચમીના વ્રતમાં રજસ્વલા સ્ત્રીને વિશે આવું કમકમાટી ઉપજાવનારું વર્ણન છે કે ‘તે રજસ્વલા હતી છતાં તેણે ઘરમાં પાત્ર વગેરેને સ્પર્શ કર્યો હતો તે પાપથી આ પુત્રીના શરીરમાં કીડા પડી ગયા છે. હે પ્રિયે! રજસ્વલા સ્ત્રી પહેલે દિવસે ચાંડાલી, બીજે દિવસે બ્રહ્મચારી, ત્રીજે દિવસે ધોબણ અને ચોથે દિવસે શુદ્ધ થાય છે. હે પ્રિયે! આ પુત્રીને એક તો રજસ્વલાનું પાપ લાગ્યું અને એ પુત્રી શુદ્ધ થઈ ત્યારે એણે સખીઓને વ્રત કરતી જોઈ તેનો અનાદર કર્યો તેથી બીજું પાપ લાગ્યું… તેથી તેના શરીરમાં કીડા પડી ગયા છે.’ (‘વ્રતરાજ’.)

સુસંગત દંડ

આવા ચિતારોથી લોકવ્રતો મુક્ત છે. એમાં તો કોઈ દોષ કર્યો હોય તો તેનો દંડ પણ સુસંગત અને સુપ્રમાણ, ઉપર જાતાં પાછો સોહામણો, વાર્તાદૃષ્ટિએ પણ આવો રસવંતો હોય છે : શિવ ને પાર્વતી ચાલ્યાં જાય છે : માર્ગે એક ખેતર આવે છે. ખેતરમાં તો બાજરાનાં ડૂંડાં લચી રહ્યાં છે. પાર્વતીજીએ તો એક ડૂંડું તોડ્યું છે ત્યારે શિવે એમને કહ્યું છે કે હે સતી! ખેતરના ધણીની રજા વગર તમે ડૂંડું તોડ્યું, એટલે એક કણના સહસ્ર કણ તમારે પૂરી આપવા પડશે : કે’, હે મા’રાજ તે શી રીતે કરું? કે’, જાવ તમે એ ખેતરના ધણીના વાંઝિયા કણબીને ઘરે દીકરી થઈને જલમો! આ લોકવ્રતનું વાતાવરણ : લોકજીવનની રક્ષાનું જ લક્ષ્ય : એ લક્ષ્યથી રહિત કોઈને સજા નહિ.

લોકોનું ડહાપણ

સૂર્ય-રન્નાદેના વ્રતમાં (‘સૂરજપાંદડું વ્રત’ : ‘કંકાવટી’) રન્નાદેને એના પતિ સૂર્યે એકાન્તમાં આ રહસ્ય બતાવ્યું : લોકજીવનમાં પડેલા સંસ્કારો વિશેની એક ડહાપણની વાત દેખાડી : રન્નાદે પૂછે છે : ‘આપણી પડોશણના છાણાં કોણ લઈ જાય છે?’ શાણો સ્વામી સૂર્યદેવ જવાબ વાળે છે : ‘થોડાબોલી લઈ જાય છે, ને વત્તાબોલીને માથે પડે છે.’ આવી રહસ્યગોષ્ઠિ કોઈને કહેવાય? કહેવાય તો લોકજીવનમાં ધડાપીટ મચી જાય ને! રન્નાદે ન રહી શક્યાં, પાડોશણને જઈ ને વાત કહી દીધી. ગાળાગાળી મચી. પછી — સૂર્ય તો ઊગીને ઘેર આવ્યા ને, તમે ચાડી ખાધી ને, મને ગાળો ભંડાવી ને માટે શાપ દઉં છું ને, તમે બૈરાના પેટમાં વાત નહિ ટકે ને, તમે ભભડતાં ભભડતાં રહેશો ને, સંતોષ ને સબૂરી નહીં વળે ને. શાપ તો માત્ર એક રૂપક છે, અસલ તો એ છે માનવસ્વભાવનું જ આલેખન.

બ્રાહ્મણને રૂખસદ

શાસ્ત્રોક્ત બુધાષ્ટમીની કથા વાંચીએ છીએ તો કમકમાં આવે છે. યમરાજ શ્યામલા નામની સ્ત્રીને પરણ્યા છે. શ્યામલાએ યમના ઘરની કોટડીઓ ઉઘાડતાં કોટડીએ કોટડીએ પોતાની માતાને અકથ્ય રિબામણો ભોગવતી દીઠી છે. કારણ? કારણ કે આગલે જન્મે એણે બ્રાહ્મણના ઘરમાંથી ઘઉં ચોર્યા હતા! ને એ હવે છૂટે શાથી? આગલે જન્મે બુધાષ્ટમીનું વ્રત કરનારી શ્યામલા એ વ્રતનું પુણ્ય પોતાની માને આપે તો જ છૂટે. નહિ નહિ, એ ભાવના લોકવ્રતોની નથી. આટલા માટે જ શું લોકવ્રતોની દુનિયામાંથી બ્રાહ્મણને કાઢી મૂકવામાં આવેલ નથી લાગતો? સ્ત્રીઓને વેદ વાંચવા-ભણવાની કે ઋચાઓ ને મંત્રો બોલવાની મના હતી તેની સામે આ મૂંગો બળવો તો નહિ હોય? સ્ત્રીઓએ અને પ્રાકૃત જનોએ પોતાની જાણે પોતાનું જ દેવમંડલ સરજી લીધું, પાપ-પુણ્યના દોષાદોષના ખ્યાલો પણ નિરાળા નક્કી કર્યા, જીવનમાં પડતી આંટીઘૂંટીઓના ઉકેલ પણ એમણે પોતાની રીતે યોજ્યા.

બે જુદાં દેવમંડળો

આખું દેવમંડળ જ લોકવ્રતોમાં સ્વતંત્ર અને સુંદર છે. એ દેવોની દેહમુદ્રા, વાંછના અને શક્તિઓ પણ ભિન્ન છે. સ્કંદપુરાણની શાસ્ત્રોક્ત શીતળા આવી છે : ‘ગધેડા ઉપર બેઠેલાં : નગ્ન : સાવરણી અને કલશ સહિત : સૂપડા વડે શોભતું મસ્તક!’ લોકોની શીતળા એક દુઃખિની દેખાતી ડોશી છે. શીતળા સાતમનાં આ બે વ્રતો વચ્ચે અણુમાત્ર પણ મળતાપણું નથી. શાસ્ત્રોક્ત કોકિલા-વ્રતની કોકિલા તો કોઈ દેવી છે, જગન્માતા છે, અંબિકારૂપ છે. દક્ષના યજ્ઞનો નાશ કરનાર પાર્વતીને શાપીને શંકરે પૃથ્વી પર કોકિલા પંખી સરજાવ્યાં છે. લોકોના કોયલ-વ્રતની કોયલ તે સાચી કોયલ જ છે. એને કોઈ પૂર્વ-ઇતિહાસ નથી. નિસર્ગ અને માનવી, બેઉ વચ્ચે કડીરૂપ બનતું આ વ્રત માગે છે શું? કે દરેક વ્રતની એ ચૈત્ર-વૈશાખના પ્રભાતે પ્રભાતે વનઘટાની નીચે જઈને કોયલને ટહુકા પાડવા : ટહુકાની સામે કોયલનો ટહુકો મળે તો જ જમાય. એમાં રસિકતા છે, કુદરતને ખોળે ખેલન છે, શુષ્ક વૈરાગ્ય નથી, પરજન્મોની વાત નથી, આ જન્મોનો આમોદ છે : અને — કોયલ વેદ ભણે કે ઘીના દીવા બળે.

સંધ્યાનો ઉત્સવ

એ વ્રતમાં જોડકણું વ્રતમાં મૂકીને કવિતાને વ્રતની બહેન બનાવી આપી છે. જેમ શાસ્ત્રોક્ત મૌનવ્રત છે તેમ લોકવ્રતોમાંયે મુનિવ્રત છે. પહેલામાં બ્રાહ્મણની પૂજા કરવાની વગેરે જટિલ વિધિક્રિયાઓ છે, જ્યારે લોકવ્રતની અબોલા તો હમેશ સંધ્યાકાળે આભના પ્રથમ તારલાને વરતી કાઢે ને ગામના દહેરામાં કાંસાની ઝાલરો ઝણકારાતી સાંભળે એટલે બસ — અંટ વાગે ઘંટ વાગે ઝાલરનો ઝણકાર વાગે આકાશે ઊગ્યા તારા બોલો મુનિબાળા! એવા કવિતા-બોલ બોલીને મૌનવ્રત છોડતી હોય છે. એમાં બાહ્મણ નથી. એ તો છે સોહામણી ગ્રામસંધ્યાનો ઉત્સવ. ગગનના તારલાને, ગ્રામદેવળની ઝાલરને અને અબોલ વ્રતિનીના પ્રથમોચ્ચારણને, ત્રણેયને એ વ્રત એક દોરે પરોવે છે. ખુદ પૂજા જ એક બાલક્રીડા બની જાય છે. હું પૂજું બોરડી રે બોરડી મારા વીરની ગા ગોરડી! હું પૂજું આકડો રે આકડો મારા વીરનો ઢાંઢો વાંકડો! હું પૂજું પોદળો રે પોદળો મારી સાસુ રોદળો રોદળો!

વ્રતોનાં ક્રીડાંગણો

પ્રત્યેક પૂજન કન્યાની અપ્રકટ મન:કામનાને પ્રકટ થવાનું ઓઠું માત્ર બની જાય છે. ને વ્રતોનાં ક્રીડાંગણોમાં તો — ચાંદા! ચાંદલી-શી રાત ચાંદલી-શી રાત ચાંદો ક્યારે ઊગશે રે એમ ચાંદનીની રાહ જોવાય છે, તથા ઘોડે ચડીને આવનારો ભાઈ — લાવશે લાવશે મોગરાનાં ફૂલ ડોલરિયાનાં ફૂલ ચંપેલીનાં ફૂલ આંબાના મોર કેળ્યોના કોર એમ ફૂલોની જ ઝંખના રમે છે. બાકી શાસ્ત્રોક્ત વ્રતોનું તો કોઈ સરું નથી. એની સંખ્યા, એની વિધિક્રિયા, એનાં નિષેધો ને બંધનો વ્રતની સૃષ્ટિને માનવસંસારનું એક કારાગૃહ બનાવી મૂકે છે. લોકવ્રતોની સંખ્યા અલ્પ છે; આંટીઘૂંટી ઓછામાં ઓછી છે, ને એની દુનિયા આમોદપ્રમોદ કરાવતી, ઋતુ-ઋતુના રસોની નીકો વહેવરાવતી મોકળી દુનિયા છે.

શાસ્ત્રોથી સ્વતંત્ર

દસ-બાર વ્રતકથાઓ ‘કંકાવટી’ મંડળ બીજામાં મુકાયેલી છે. એટલી જ બીજી કથાઓ ‘કંકાવટી’ મંડળ પહેલામાં પણ આવી ગઈ છે. એ વાર્તાઓને શાસ્ત્રોનો કે બીજા કશાનો આધાર નથી. વ્રત રહેનારી પણ સમજે છે કે એ વાર્તાઓ લોકસંસારના અમુક જીવનવહેણને રજૂ કરનારી સાહિત્યરચનાઓ જ છે. શાસ્ત્રભાખ્યું કોઈપણ પાત્ર એમાં આવતું નથી. શાસ્ત્રના શંકરથી આ વાર્તાઓના શંકર જુદા છે. શાસ્ત્રના સૂર્યથી પ્રાકૃત વ્રતકથાના રાંદલપતિ સૂર્ય નિરાળા છે. શાસ્ત્રની વૈતરણીને ને આ કથા માંહેલી ગાયને, શાસ્ત્રની વૃંદાવતાર તુલસીને ને આ વ્રતોની તુલસીને કોઈ જાતનાં લેવાદેવા નથી. સોગઠે રમતાં કે ખેતરોમાં વિચરતાં શંકર-પારવતી આપણા વાર્તાસર્જકોનાં સ્વતંત્ર પાત્રો છે. લોકવ્રતોની વાતોના જમરાજા અને ધર્મરાજા પણ પ્રાકૃત લક્ષણે કરીને અંકિત છે.

સાહિત્યની કૃતિઓ

વળી આ વાર્તાઓમાં પાત્રો બની વિચરતા ઘણકો-ઘણકી, વાંદરી, ખિલકોડી, બોકડો વગેરે પણ વાર્તાગૂંથણમાં પડતા બુટ્ટાઓ જેવાં છે. એને કોઈ પણ શાસ્ત્રકથાનો આધાર નથી. પ્રાકૃત લોકો પાકેપાકું સમજતા કે આપણે આ કલ્પિત વાર્તાઓ કહીએ-સાંભળીએ છીએ, શાસ્ત્ર નહિ. મતલબ કે વ્રતોની વાર્તાઓ શુદ્વ સાહિત્યની કૃતિઓ છે. જગતની આદ્ય નવલિકાકાર નારી છે. સ્ત્રીએ સમાજને અવલોકીને આ વાર્તાઓમાં આલેખ્યો આલેખીને જ એ ન બેસી રહી, એકે બીજીને કહી, બીજીએ ત્રીજીને, હજારોને, લાખો-કરોડોને, પેઢાનપેઢી. આમ આ વાર્તાઓ શુદ્વ લોકવાર્તાઓ હોવાથી લોકવિદ્યા (‘ફોકલોર’)નું એક અંગ બને છે. સ્ત્રીઓની હોવાથી મહત્ત્વનું અંગ બને છે. જમાને જમાને રચાતા અને ભાંગતા લોકસંસારે એમાં પોતાની આપવીતી લખી આપી છે.

ઇતિહાસનું પગેરું

ને જમાના પછી જમાનાના કાળઘસારા પોતાની જે જે પગલીઓ પાડતા ગયા છે તેનું પૂરું પગેરું હજુ આપણે ક્યાં કાઢી નાખ્યું છે? આપણે પોતે માનવી, પણ જાણ્યો નથી પૂરો માનવ-પેઢીઓનો જ ઇતિહાસ, માનવીના આશ્વાસ-નિ:શ્વાસનો ઇતિહાસ, એને હરએક ખૂણે ખૂણે ઊભા રહીને વાંચીએ તોપણ એનું વાચન ઝટ પૂરું નથી થવાનું. આ વ્રતોની વાર્તા આપણને પગેરું આપે છે : પ્રાકૃત ગણાતા જનમાનસની પગલીનું પગેરું. ‘ભે-બારશ’ની વાર્તા લ્યો. (‘કંકાવટી’.)

માનવતા જીતે છે

ભે-બારશનું વ્રત જ ગામના જળાશયની આબાદી માટે ઊજવાય. લોકસમાજની પ્રાણ-નાડી એની પાણીની સગવડ. ગામનાં નીરનવાણ અખંડિત રાખવાનો ભાર ગામના વેપારી વાણિયાને શિરે જ હોય, ને તળાવ ખોદાવવું એ તો માનવીનું કામ; પણ મેહ કાંઈ માનવીના વરસાવ્યા થોડા વરસતા હતા તે દિવસોમાં! (એ તો વિજ્ઞાને આજે કર્યું.) મેહ તો માનવીથી પર સત્તા. કોઈક દૈવી-આસુરી સત્ત્વને સંતોષવું રહ્યું. પુરોહિતે નાના બાળનો બત્રીશો સૂચવ્યો. તે સાંભળીને ‘વેવારિયા વાણિયાને તો કંપારી વછૂટી….. હૈયું હાલે નહિ’… ચોરની રીતે ભોગ ચડાવ્યો. પણ ત્યાંય માનવતા જીતી. પેટીમાં છોકરાને પૂર્યો, જોડે ઘીનો દીવો અને ખાવાનું પણ મૂક્યું. પેટી તળાવમાં દાટી. આભ તૂટી પડ્યો. તળાવ છલકાયું. પેટી તરવા લાગી. દીકરાની મા પિયર હતી. તે પતિના પુણ્યે પાણી છલક્યું સાંભળી દોડી આવી. પેટી અની પાસે તરતી આવી. પેટીમાં તો એનો બાળ જીવતો રમે છે! પણ તે દરમ્યાન ઘેરે તો એ ઘોર કૃત્યની શરમે સૌ ઘરમાં પુરાઈને બેઠાં હતાં. એની ડંફાસ નહોતી; પાણી વરસાવ્યાની કૃતાર્થતા પણ નહોતી. કરેલું કૃત્ય ઘાતકી હતું તેનું ભાન સર્વોપરી બન્યું. “વહુ દીકરી! અમે તો અમારું કાળું કરી ચૂક્યાં’તાં, પણ તારાં સત તે તળાવ ભરાણું. તારાં સત તે દીકરો જીવ્યો… વહુને તો વેવારિયો વાણિયો પગે પડ્યો છે.” એવી એની સમાપ્તિમાં સૂર છે શુદ્ધ માનવતાનો.

કણી કણી વહેંચી છે

રખે આપણે આ વાર્તાનું મધ્યબિંદુ ચૂકીએ. દીકરો ચડાવવાથી નવાણ ભરાય એ મધ્યબિંદુ નથી, પણ લોકરક્ષાનો કારમો ધર્મ અદા કરવામાં જે માનવતાનાં મૂલ્ય ચૂકવવાં પડે છે, તેની ભાવના જ મધ્યબિંદુએ છે. અને ભવિષ્યમાં કોઈને આવાં કારમાં મૂલ્ય ચૂકવવાં ન પડે તે માટે થઈને આવા બલિદાનની કણી કણી કરી લાખો સ્ત્રીઓ વચ્ચે ભે-બારશના વ્રતની તપશ્ચર્યારૂપે વહેંચી નાખી છે.

પત્નીની સેવા

‘રાણી રળકાદે’ની કથામાં ગભરુ અને કમજોર ગ્રામ્ય પતિઓ પોતાની સ્ત્રીને સંયુક્ત કુટુંબ-જીવનની સતાવણીઓમાંથી ઉગારવાની ઉગ્ર કામના કરી. જીવનભર બીજી તો કશી જ પત્નીસેવા એ નહોતો કરી શક્યો, પણ જતાં જતાં સ્ત્રીના વાસીદાનું છાણ ઉપાડીને પાદર સુધી નાખતો ગયો. એ એક જ સેવાકાર્ય એને છાણમાંથી સોનું બની જવા રૂપે ફળ્યું? કે એના કોઈ પુરુષાર્થને જાગ્રત કરનાર આત્મબળ લેખે ફળ્યું? આપણે નથી જાણતા. લોકકથા ચમત્કારનું શરણ લઈ આકર્ષક બનવા મથે છે, ચમત્કાર વાર્તાની ગતિને જબરો વેગ આપે છે. અથવા સાચા જીવનમાં પણ રંકોનું આકસ્મિક ધનિક બની જવું એ ક્યાં અસંભવિત છે? પણ વાર્તાનું હાર્દ તો રહેલું છે તે પતિની લોકસેવાઓમાં. વાર્તાના એ હાર્દને વધુ હૃદયંગમ કરનાર તો બાપડી રળકાદેનાં વીતકો છે. એના નામે જ્યારે પગલે પગલે પુણ્ય પોકારાઈ રહેલ છે ત્યારે જ, તે જ પળે તેના માથા પર તો પીટ પડી રહી છે. વાર્તાગૂંથણની એ કલા છે. સંસારી સુખદુઃખોની ખડબચડી શિલાઓમાં થોડાંક જ ટાંકણાં મારીને આવા સ્પષ્ટ ઘાટની પ્રતિમા કંડારનાર વાર્તાકારની બુદ્ધિ નક્કી કોઈ શિલ્પીની જ હશે. (‘કંકાવટી’.)

શંકર–પારવતી

મેળાપ જેનો અશક્ય છે, પણ માનસિક સૃષ્ટિમાં જેને મળવું મીઠું લાગે, જેનું આ જગત પર મોજૂદ હોવું અવૈજ્ઞાનિક છતાં વાર્તાજગત વાસ્તવિક તેમ જ સુંદર ભાસે છે, તે છે પેલાં બે જણાં : શંકર અને પારવતીજી. ‘ખિલકોડી વહુ’ની વાર્તામાં આપણે એ બન્નેની સાદી સંસારદૃષ્ટિ દીઠી : માનવીની મનોવસ્થાને એમણે પોતાની જાતહાલત પરથી પારખી. પારવતીજીએ કહ્યું, આ ખિસકોલીને માનવી કરો. શંકરે પાડી ના, પારવતી માખી થઈ ને પતિની જટામાં પેઠાં, ઘડીપલમાં તો શિવજી વિજોગે ઝૂરી ઊઠ્યા, પારવતીજીએ પ્રકટ થઈને કહ્યું : ‘આપણે બેને એકબીજા વગર ઘડી પણ ન ચાલે, તો પછી આ બન્ને જણાંના કાયમી તલસાટોનો તો વિચાર કરો, હે સ્વામી! આ એમની વિચાર-ચાવી. આખી વાર્તા ની જ એ પ્રાણ-ચાવી. ‘આત્મવત્ સર્વભૂતેષુ’ની લાગણી.

વાર્તામાં વ્યવહારબુદ્ધિ

એ જ બંનેને આપણે પૃથ્વી પર વિચરતાં નિહાળીએ છીએ : ક્યાંક કોઈકની ચિંતાઓ કરતાં તો ક્યાંક વળી લહેરતી સોગઠાબાજીની રમત માંડતાં. ‘શ્રાવણિયા સોમવાર’ની વાર્તા માંહેલો કંગાલ બ્રાહ્મણ એ હારજીતની રમતનો નિર્ણાયક બન્યો. દ્રવ્યની લાલચ એની ન્યાયવૃત્તિને ખાઈ ગઈ. બાહ્ય દેખાવો પરથી એણે ભૂલ ખાધી. ‘સાચેસાચું’ કહ્યું ત્યારે જ એનો સંસાર ઠેકાણે પડ્યો. (‘કંકાવટી’.) અહીં ‘સત્ય બોલવું’ એ ઈશ્વરી આદેશ ન બની ગયો. જગતના વ્યવહારમાં સત્ય બોલવું એ એક સુખાકારી નિયમ છે, સલામત સાધન છે, સામાજિક શિસ્તની વસ્તુ છે.

એક જ ભયાનકતા

મૃત્યુ પછી જાતજાતનાં જન્માંતરો છે તે તો બીજી વાર્તાઓમાં નોંધાયું છે પણ મૃત્યુ પછીની છેલ્લી સુગતિએ પહોંચીએ તે પૂર્વે રસ્તામાં કેટલીક ભયાનક સ્થિતિઓ ઓળંગવી પડે છે, તેનો ચિતાર તો એક ‘ધર્મરાજાના વ્રતની વાત’માં જ જડે છે. સ્વર્ગ અને નરક આ લોકવ્રતોની દુનિયામાં અહીં એક જ વાર દેખા દે છે. પૌરાણિક દૃષ્ટિનો આ જરી જેટલો જ પાસ અહીં લોકદૃષ્ટિને લાગવા પામ્યો છે. તેમ છતાં એ વ્રતની અંદર આવતો ભયાનક ચિતાર સાવ સરળ બની ગયો નથી ભાસતો? (‘કંકાવટી’.)

સાંસારિક ફરજો

ધર્મરાજાનું વ્રત કરવા માનવજીવ છેક ત્યાંથી પાછો આવે છે : એને પાછા જતાં માર્ગમાં મુશ્કેલીઓ ઓળંગવી પડે છે તે પણ સાવ સાદાં સાધનો વડે : વહેતા પાણીમાં મૂકેલા દીવાનું પુણ્ય, જોડાનાં દાન દીધાનું પુણ્ય, ગાયના ફાળિયાં (દુપટ્ટા)નાં ને નિસરણીઓનાં દાનનું, ગામના સાંઢને ખીસરના દા’ડે ઘાસ નીરવાનું, કૂતરાને રોટલા નાખવાનું, આ બધાં પુણ્યો કંઈ પુણ્યો નથી; લોકજીવનનાં સરળ રોજિંદા કર્તવ્યો છે. એટલે કે સંસારી જીવનની સર્વવિધ નાની ફરજોને અદા કર્યા પછી મરનાર માનવીને કોઈ દુર્ગતિ નડે નહિ. એનો પંથ મોકળો છે. બિભીષિકાઓ એને ડરાવી શકતી નથી. ને છેવટે તો ધર્મરાજા ખુદની સત્તા પણ માનવજીવનની કર્તવ્યપરાયણતામાંથી ઉત્પન્ન થયેલ સિદ્ધિની સામે નબળી બને છે : ધર્મરાજાએ જેમને પોતાની વાર્તા સાંભળવાની ના પાડવાના ગુનાસર લોહીપરુના કુંડમાં નાખેલ છે, તેને આ તરેલો માનવજીવ એકલો જ ‘સોનાની ઝારી ને જળનું ટીપું’ વાપરી બહાર કાઢે છે. દેવની ‘ના’ નકામી બને છે.

શ્રમજીવીઓની સમસ્યા

લોકજીવન વિશેષ કરીને તો શ્રમજીવન હતું. એની સમસ્યાઓ પણ આજની જે છે તે જ હતી. અતિશ્રમના બોજ લાદનારી જુલમી સમાજ-વૃત્તિઓ સામે આ વ્રતોના પ્રબંધો એક ઈલાજરૂપ, રાહતરૂપ, બલકે બંડરૂપ હતા. એવું બંડ ‘અગતાની વાત’માં નોંધાયું છે. દિવસરાત કાળી મજૂરી ખેંચાવનાર સાસુને મહાત કરવા માટે બીજી બધી યુક્તિઓ નિષ્ફળ ગયા પછી વહુઓએ પોતે જ દેવીઓનાં રૂપ લીધાં. સાસુને ત્રાસ પોકરાવી મૂક્યો. એટલે વ્રતોની દુનિયા કેટલી નિર્બંધ, રમતિયાળ, વિનોદપૂર્ણ, અને જરૂર પડતાં તો વિનયહીન પણ બની શકે છે, તેનો આ કથા એક સચોટ ખ્યાલ આપે છે. (‘અગતાની વાત’ : ‘કંકાવટી’.) કામગીરીના દિવસોમાં ગાળે ગાળે અગતા-અણોજા ગોઠવનારી સમાજરચના આવાં ‘અવિનયી’ બંડોનું જ પરિણામ હશે ને!

વાર્તાકલાની આવડત

ગાયવ્રતની અને સૂર્યવ્રતની, એ બન્ને ગુજરાતી કથાઓ એની લહેકાદાર ડોલનશૈલીએ કરીને વાતાવરણ સરજાવે છે. એના પ્રત્યેક વાક્યે ‘ને’નો વિસામો મુકાયો છે. જાણે કે વાર્તા પોતે ચાલતી ચાલતી તાલબંધ પગલાં માંડે છે. વાર્તાના પ્રદેશમાં આ નવતર શૈલી લંબાણને હિસાબે ઘણી સફળ થઈ કહેવાય. ‘કીડીથી કંજર સુધી’ સર્વને જમાડીને જમવાનો જીવનધર્મ સમજનાર સૂર્ય આ વાર્તાનું પરમ સુંદર પાત્ર છે. પ્રભાતે રવાના થતાં એ સાકરનું પાણી સુધ્ધાં પીતા નથી, કારણ કે સર્વ જીવજંતુને જમાડી પછી જ જમવાનો એનો નિયમ છે. એની પરીક્ષા પણ મર્મભરી બને છે. પત્ની રન્નાદે એ ડાબલીમાં કીડી પૂરી દીધી — એને ભૂખે મારીને સૂર્યદેવને જૂઠા પાડવા માટે! ને આપણે સ્તબ્ધ બનીએ કે કીડીનો બચાવ શી રીતે થઈ શકશે? ત્યાં તો રન્નાદેના પોતાના જ લલાટના ચાંદલામાંથી ચોખાનો એક દાણો ડાબલીમાં ખરીને કીડી જોડે પુરાયો હોય છે તે ખાતી ખાતી કીડી, સાંજે ડાબલી ઊઘડતાં, સૂર્યદેવની સત્યતાનું ને રન્નાદેની ભોંઠામણનું કારણ બને છે! આ ઘટનાને કોઈ શાસ્ત્રોક્ત વ્રતની કથા ન જ સરજાવી શકે, કારણ કે એવું સર્જનકાર્ય બારીક કલાને માગી લે છે. એવી કલા આપણા લોકવાર્તાકારોમાં હતી.

શબ્દચિત્રો

વ્રતોની વાર્તાકલામાં કેટલાંક શબ્દચિત્રોની રચના સાવ જ અનોખી છે : આઠ માસ નવ માસ નવમે માસે દુખવા આવ્યું બેન રે, બાઈ રે, શું કરું, શું નહિ? ખાંયણિયામાં માથું ઘાલ્યું કોઠી વચાળે પગ ઘાલ્યા. એક નવપરિણીત વ્રતિનીના પ્રસવની પીડા આટલી નિરાધારી બીજા કયા બોલ આલેખી શકે? ને પછી તરત જ પ્રસવ થવાનો આનંદ આલેખેલો જોઈએ : રાણીને છોકરો આવ્યે રાજાની આંખમાં ફૂલના દડા પડ્યા ઘીના દીવા રાણા થયા. આ શૈલી ઉમરેઠ (ચરોતર) બાજુના ગુજરાતની તળપદી છે. ગુજરાતના લોકસાહિત્યનું સંશોધન કરવા લલચાવે તેવા આ પ્રયોગો છે. એ જ વાર્તામાં દુખિયારી મા અને અજ્ઞાન બાળકના મિલનનો પ્રસંગ આવો છે : એ તો જમવા આવી ને ઉકરડાની ટોચે બેઠી છોકરો પીરસતો માની ઘાલે આવ્યો કાપડાની કસ ટૂટી છઠ્ઠીનાં ધાવણ છૂટ્યાં. આવી ખૂબીઓ ‘કંકાવટી’માં છલોછલ પડી છે. વ્રતસાહિત્યનો પ્રદેશ પૂરેપૂરો સમજવા તેમ જ માણવા માટે બંને મંડળનું વાચન કરવાથી ઘણી મદદ થશે.

કેટલીક ચાવીઓ

ઘણીવાર લોકસાહિત્ય દ્વારા તે વેળાનો સમાજ સમજવામાં કેટલીક અધૂરી ચાવીઓ લગાવાય છે. દાખલા તરીકે લોકવ્રતોમાં ‘રાજા’ શબ્દ આવે છે. આખો પ્રસંગ નિહાળવાથી સૂઝ પડશે કે લોકવ્રતોમાં આલેખાયેલો સમાજરચનાનો રાજા એટલે સાધારણ કોઈ સાહસિક લડવૈયો, જેની મા — ડોશીએ તો ફાટલો સાલ્લો પેર્યો ફાટલું શું કાપડું પેયું માથે કોદરાની થાળ લીધી એ તો વધાવા ગઈને — આવી હોય છે. સૂર્ય સરીખાની મા પણ રાંધેચીંધે છે. ગરીબ-ધનિકના ભેદ છેક જ આછા છે. ભાંગે ઠીકરી તો લઉં દીકરી. એવાં વાક્યો પરથી અનુમાન થાય છે કે લગ્નરચના બહુ વિષમ હશે. ઘણીવાર એવા પ્રયોગો આમોદના, પ્રેમામોદના પણ હોય છે. સૂર્ય કોઈ પણ પ્રકારે રન્નાદેને પરણવા માગે છે, માટે માએ પરિહાસયુક્ત યુક્તિ કરી હશે. લોકસાહિત્ય પરથી સમાજની અવસ્થા કલ્પવામાં તેમનાં આમોદપ્રમોદથી અંકિત મર્મવાક્યો સાચા અર્થમાં સમજવાં જોઈએ.