કંદમૂળ/અનુત્તર
કોઈ સવાલો અનુત્તર નથી રહ્યા,
કોઈ જવાબ પ્રશ્ન વિનાના નથી રહ્યા.
પ્રશ્ન પૂછનાર જાણે છે જવાબ
અને ઉત્તર આપનાર જાણતો હોય છે સવાલ.
બધું જ જાણતા હોવાની
કે કંઈ જ ન જાણતા હોવાની આ નિરંતર પ્રક્રિયા,
ફરી ફરીને લાવી મૂકે છે
એક એવા સ્તર પર, જયાં
પ્રશ્ન પૂછનાર અને ઉત્તર આપનાર,
બંને સમાન,
બંને વિવશ.
પ્રશ્ન કોને ઉદ્દેશીને પુછાય છે
કે ઉત્તર કોને સંબોધીને અપાય છે તે માત્ર એક વ્યવસ્થા.
પ્રતિકૂળ વિષય પર અનુકૂળ થવાની એ કોશિશ
આમ જ ચાલતી રહે છે.
મૂળભૂત અધૂરા પ્રશ્નો, પૂરા સાંભળવા
હું બેસી રહું છું અંત સુધી.
એક નિર્વિવાદ, સંપૂર્ણ, સત્ય ઉત્તર આપવો છે મારે,
પરંતુ સવાલ પૂછનારા
આ મૂગામંતર વૃક્ષો,
મારી સામે એમ તાકી રહે છે
જાણે સાવ જ અબોધ હોય.
તો શાને આમ તાડ જેવા ઊંચાં થતાં હશે?
હું જન્મી છું ત્યારથી જોઉં છું, આ ઝાડવાને.
તે હશે ભલે પ્રાચીન એમનું હોવું,
પણ હાલ હું છું અહીં, આદિ-અનાદિ અવતરણમાં.
દાવાનળમાં વૃક્ષોના સળગી ગયા પછી પણ,
ખાલી વન વચાળે
હું છું હજી.
વૃક્ષોની રાખનાં પોટલાં
ખભે ઊંચકીને ફરી રહી છું.
ન પુછાયેલા સવાલોના ઉત્તરોનો ભાર
ખભે વેંઢારીને જીવી રહી છું.
રાખમાંથી સજીવન નથી થતાં આ વૃક્ષો,
અને હું બેવડ વળી જઈશ આ બોજથી,
આમ જ અનુત્તર.