કંદમૂળ/ગુરુવારી બજાર
દર ગુરુવારે
વડોદરાના કાલુપુરાના આ ચોકમાં ભરાતી
ગુરુવારી બજારની હું રાહ જોતી રહું છું.
ઘડિયાળમાં નવા સેલ નાખી આપતા ઘડિયાળી,
રૂના તકિયા બનાવી આપતા પીંજારા,
શ્વાસની દુર્ગંઘ દૂર કરતી દવાઓ વેચતા હકીમો...
વેપારીઓની ખોટ નથી આ બજારમાં.
નવજાત શિશુઓને માલિશ કરવાના તેલ વેચતી
એક દુકાનની બહાર હું ઊભી છું.
સુંદર, કદરૂપા કેટલાયે લોકોને
જાતજાતની, સસ્તી ને ટકાઉ વસ્તુઓ ખરીદતા જોઈ રહી છું
ત્રીસ-પાંત્રીસ વર્ષના સહજીવન પછી
લગભગ એકમેકના જેવાં દેખાતાં,
એકસરખી ભાષા બોલતાં
ને એકસરખું વિચારતાં પતિ-પત્ની
સજોડે ઉપવસ્ત્રો ખરીદવાં આવે છે.
શાક વેચતી કાછિયણોના ચહેરા
તેમના શાક વેચવાના તોલ-માપ જેવા જ
નિઃસ્પૃહ બની ગયેલા દેખાય છે.
ક્યાં સુધી આપણે આ ઘાસ જેવા શાક-પાનમાં
તેલ-મસાલા નાંખીને તેમને સ્વાદિષ્ટ બનાવતા રહીશું?
પ્લાસ્ટિકના ડબ્બાની દુકાનમાં અને
સેકન્ડ-હૅન્ડ સાડીઓના સેલમાં હું ફરી વળું છું.
મને નવી કરતાં વપરાયેલી ચીજવસ્તુઓ ખરીદવાનું વધારે ગમે છે
ઘસાયેલી, ચળકાટ વિનાની વસ્તુઓ
કેટલી શાંત અને વધુ સમજદાર લાગે છે.
સેકન્ડ-હૅન્ડ વસ્તુઓનો બીજો ફાયદો એ કે
કોઈકની, ગોઠવણ અને કોઈકની આદતમાં ઢળી જવાનું.
નવીનક્કોર વસ્તુઓ તો જાણે મારી સામે
લાંબા આયુષ્યનો પડકાર ફેંકતી હોય તેમ લાગે.
મને ડર લાગે છે
નવી વસ્તુઓ સાથે નવી શરૂઆત કરવાનો.
જૂની વસ્તુઓ જલદી તૂટે-ફૂટે
અને તેમને ઘરમાંથી બહાર ફેંકી દેતાં
હું વિચિત્ર મુક્તિ અનુભવું છું.
એ વસ્તુઓના અસલ માલિકોને મારી નાંખ્યા હોય તેવી.
શું કામ જીવ્યા કરતા હતા એ લોકો
કારણ વગરના, કંટાળાજનક જીવન?
ગુરુવારની આ બજારમાં લોકો જૂની વસ્તુઓ વેચી જાય
અને હું તેમાંથી પસંદગી કરીને ખરીદી લઉં.
સાંજે બજાર બંધ થયા પછી પણ હું ત્યાં જઉં છું.
પેલી કાછિયણની જગ્યાએ જઈને બેસું છું
અને તેના જેવા જ નિઃસ્પૃહ ચહેરે જોઈ રહું છું
રસ્તામાં પડેલા કોઈ બગડેલા ફળને,
કોઈના ભુલાઈ ગયેલા તોલ-માપને કે ચમકતા પરચૂરણને.
ગુરુવારની બજાર
ખબર નહીં ક્યાંથી ઊતરી આવે છે
ને વેચનારા-ખરીદનારા સો ક્યાં ચાલ્યા જાય છે.
પાછળ રહી જાય છે
માલિશ કરવાના તેલની મહેક
અને તેની અદશ્ય ખુશબૂમાં
આળોટતાં રહે છે
નવજાત શિશુઓ
જે મોટા થઈને બનશે.
ભવિષ્યના ગ્રાહકો
કે પછી ભવ્ય સેકન્ડ-હૅન્ડ સેલ ગોઠવનારા વેપારીઓ.