કંદમૂળ/પ્રથમ રુદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રથમ રુદન

કોઈ એક દેશના, કોઈ એક ગામના,
કોઈ એક ઘરમાં, કોઈ એક મધરાતે,
મેં કર્યું હશે,
એક હળવું,
પ્રથમ રુદન.
એ વખતે આંગણામાં ઊભેલું એક વૃક્ષ
સહેજ સળવળ્યું હશે, કદાચ.
આજે હવે,
હું એ વૃક્ષ પાસે જઈને
આક્રંદ પણ કરું
તો એ ઓળખશે મને?
એક નાનકડા સ્કાર્ફમાં સમાઈ જતું હતું એ મારું શરીર
હવે તો જાણે
કેટલાયે ટુકડાઓમાં વહેંચાઈ ગયું છે.
મમ્મી-પપ્પાએ તેમની સગાઈ વખતે પડાવેલો
એક સુંદર ફોટો દીવાલ પર ગોઠવાયેલો છે.
હું તાકી રહું છું એ ફોટા સામે.
ધારી ધારીને જોઈ રહી છું,
એ એક અજાણ્યા દંપતીને.
તેઓ મને ઓળખતાં થયાં
અને હું તેમને ઓળખતી થઈ
એ પહેલાંની
કોઈ એક ક્ષણ
હાથમાં આવે તે પહેલાં જ સરકી જાય છે.
ઘણી વખત મન થાય છે કે
મારા જન્મના સાક્ષી
એ ઘરની દીવાલોના નવા રંગ ઉખેડી નાખું
એ વૃક્ષની છાલ ઉતરડી નાખું,
જુઓ, મને ઓળખો.
એ હું જ છું.
મારું રુદન ધ્યાનથી સાંભળો.
શોધી આપો મને
એ એક ક્ષણ.
વિલાપની ભાષા જાણનાર
તમારા સિવાય
બીજું કોઈ નથી મારું.