કંદમૂળ/બંધાઈ રહેલું મકાન
એ ઘરમાં ક્યારેય કોઈ રહ્યું જ નથી.
મકાન બંધાતું હતું ત્યારે
રોજ ઈંટ-રેતી લાવનારી મજૂરણ અને તેનો પતિ
ક્યારેક ત્યાં બે-ત્રણ ઈંટો ગોઠવીને ખાવાનું બનાવતા હતા.
ક્યારેક ત્યાં બીજા બે-ચાર મજૂરોનાં કપડાં સુકાતાં દેખાતાં.
એ પછી, એક વાર ખબર પડી હતી કે ત્યાં રાતના સમયે
કોઈ એક પાગલ સ્ત્રી પર બળાત્કાર થયો હતો.
ફળિયાના લોકો વળી દયા ખાઈને
એ સ્ત્રીને ગર્ભપાત કરાવવા લઈ ગયા હતા.
મકાન હવે સુંદર બંધાઈ ગયું છે.
સાંભળ્યું છે કે તેના એનઆરઆઈ માલિક ત્યાં રહેવા નથી આવવાના.
પેલી પાગલ સ્ત્રી હજી પણ ક્યારેક
આ ગલીમાંથી પસાર થાય છે.
કંઈક યાદ આવતું હશે એને
એટલે બે ઘડી એ સુંદર મકાન સામે ઊભી રહે છે.
તેની આંખોમાં મને દેખાય છે
એક બંધાઈ રહેલું મકાન.
જેની છત હજી ભરાઈ નથી,
દીવાલો હજી અડધી ચણાઈ છે,
બારી-બારણાં હજી નંખાયાં નથી,
હા, સ્ટ્રીટ લાઇટનું અજવાળું
ત્યાં થોડું થોડું પહોંચે છે...