કંદમૂળ/બે ભવ્ય મૃત્યુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બે ભવ્ય મૃત્યુ

ગઈ કાલે મેં બે ભવ્ય મૃત્યુ જોયાં.
એક હાથીનું અને એક વૃક્ષનું.
હાથીનું મહાકાય શરીર
જમીન પર એમ ઢળી પડેલું હતું
જાણે એ ક્યારેય ઊભું જ નહોતું થયું.
એક વિશાળ વૃક્ષ
જમીન પર એમ સૂતેલું હતું
જાણે એને જમીન સાથે
ક્યારેય કોઈ સંબંધ જ નહોતો.
હજી થોડા દિવસ પહેલાં જ
મેં જોયો હતો આ હાથીને.
એના લાંબા દાંત
સૂરજની કટારી જેવા ચમકતા હતા.
અને આ વૃક્ષ,
એવું તો ઘટાદાર હતું
કે સૂરજનાં કિરણો પણ એમાં પ્રવેશી ન શકે.
કહે છે કે, એ વૃક્ષ ઝેરી હતું.
એનાં પાન ચાવીને ગાંડો થઈ ગયો એ હાથી
અને કચડી નાંખ્યું એણે એ વૃક્ષ મૂળસોતું.
અને એમ, બે ભવ્ય મોત.
મારી નજર સામેથી એ દશ્ય ખસતું નથી.
હું ફરી ત્યાં જઉં છું.
જમીન પર પડેલા એ વૃક્ષનું
એક ફળ તોડીને ખાઉ છું,
અને મારી બંધ થઈ રહેલી આંખોમાં પ્રવેશે છે,
સૂર્યનાં તીવ્ર કિરણો.
મને દફનાવતી વેળા
આ લોકોએ ભૂલથી હાથીદાંત પણ
મૂકી દીધા મારી પડખે.
મૃત્યુની અવસ્થાથી પર
હું મને જોઈ શકું છું.
હાથીદાંતના અમૂલ્ય અલંકારો પહેરીને સૂતેલી એક સુંદર સ્ત્રી,
જેના ગોરા શરીર પર ઉપસેલી છે,
વૃક્ષની ડાળીઓ જેવી
લીલીછમ ઝેરી નસો.