કંદમૂળ/લેક ટાઉપો
સરોવરના બનેલા એ શહેરના રસ્તાઓ પર
ચાંદની એમ વીખરાયેલી પડી હતી
જાણે કાચના રજકણ.
લોહનીંગળતી પાનીએ.
હું બેઠી હતી
સરોવરના કિનારે
અને રાતના અંધકારમાં
મેં જોયાં હતાં
સરોવરનાં પાણીને રતાશ પકડતાં.
રાતાં પાણી પર સરકી રહેલાં
સફેદ યાટ,
જોતજોતામાં નજર સામેથી
ઓઝલ થઈ ગયાં હતાં.
અને પછી ધીમે ધીમે
સરોવરનાં પાણી
ફરી વળ્યાં હતાં આ શહેર પર.
એક આખું સરોવર
જિવાઈ રહ્યું હતું મારી અંદર,
અને હું, પ્રવેશી રહી હતી
એ શહેરમાં.
અહીંના લોકો કદાચ ઓળખે છે મને.
આ એ જ સ્ત્રી છે
જેની લાશ,
એકાંતરે સરોવરના કિનારે આવી જાય છે.
કોઈ જાણતું નથી
ક્યાંથી અને કેમ, આવી હતી હું અહીં.
વળી, પાણીના શરીરને
કોઈ અગ્નિદાહ પણ નથી આપી શકતું.
તેઓ સૌ ફરી ડુબાડી દે છે મને,
શરીરે પથ્થરો બાંધીને.
અને એમ ફરી એક સવાર પડે છે.
સરોવરમાં નવાં યાટ ગોઠવાય છે,
માછલીઓને પકડવા નવી જાળ ફેંકાય છે.
મને ગમે છે,
મારી ઉપર થઈને,
દૂર દૂર ચાલ્યાં જતાં સફેદ યાટ.
(લેક ટાઉપો એ ન્યૂઝીલૅન્ડનું સૌથી વિશાળ સરોવર છે.)