કંદમૂળ/સ્પર્શ
આ હું બેઠી છું એ લાકડાની બેન્ચ
આજે જાણે નવેસરથી અનુભવાય છે.
લાકડામાં પડેલી તિરાડો પરથી હટીને
નજર સ્થિર થાય છે,
મારા હાથ પરની કરચલીઓ પર.
કથ્થાઈ રંગના મારા હાથ
ફરી વળે છે,
લાકડાની તિરાડોમાં.
ન સામ્ય, ન વિરોધ.
ઘેટાના મુલાયમ શરીરની ગરમ રુવાંટી પર હાથ ફેરવું
કે પ્રાચીન સ્થાપત્યની ઠંડીગાર ભીંતને હાથ અડાડું,
સંવેદનમાં કોઈ ઝાઝો ફરક હોય એવું નથી લાગતું.
અને છતાં મગજમાં હજી પણ પડી રહ્યા છે,
વિવિધ સંવેદનનાં ચોકઠાં કે વિવિધ સ્પર્શની સ્મૃતિઓ.
ક્યારેક વરસાદમાં ભીંજાઈ રહેલી આ બૅન્ચને,
હું દૂરથી જોઉ તો પણ,
મારા હાથ જાણે અનુભવે છે,
ભીના લાકડાના સ્પર્શને.
પલળેલા લાકડાની પહોળી થયેલી તિરાડો,
અને એમાંથી છૂટી પડી રહેલી લાકડાની નાનકડી ફાંસો.
લાકડું દૂર ભીંજાતું રહે છે અલિપ્ત
પણ મારા હાથમાં વાગે છે
એ ઝીણી ઝીણી ફાંસો.
ક્યારેક વંટોળભરી સાંજે,
ધૂળની એક ડમરી
ફરી વળે છે આ લાકડાની બેન્ચ પર.
મારા બેસવાની જગ્યા પરની એ ધૂળ
હું મારા હાથે સાફ કરું છું
અને પછી ત્યાં બેસી રહું છું,
કલાકો સુધી,
હાથ પરની ધૂળ ખંખેર્યા વિના.
દૂર દૂરની શેરીઓમાંથી ઊડીને આવેલી ધૂળ,
મારા હાથ પર જામી છે.
આજે ઘણા વખતે,
મારા હાથ મને ઓળખીતા લાગે છે.