કંદરા/ઈજા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઈજા

બધાથી દૂર, અહીં આ હિલસ્ટેશન પર આવીને
મેં એક લાકડાનું ઘર બનાવ્યું છે.
આમ તો વાતાવરણ, પડોશીઓ બધું જ અનુકૂળ છે.
પણ મને સતત લાગ્યા કરે છે,
જાણે ખૂબ બધી ઊધઈઓ મારા ઘરને ખાયા કરે છે.
હું શું કરી શકું આખરે?
ઘરમાં દરેક નવી ઈયળના જન્મ વખતે સંગીત સાંભળું છું.
ખાતી વખતે મોઢામાં
ઇયળોનો કોળિયો હોય એમ ચાવું છું.
ઉપરથી પાણી પીને ઓડકાર ખાઉં છું.
જમીને ચિત્ર દોરવા બેસું છું, એક મોટી ઈયળનું.
એમાં પ્રાણ પૂરાઈ જાય એવા રંગો ભરું છું.
સાંજે દીવો કરું ત્યારે એક ઈયળને પકડી,
દીવામાં સળગાવું છું.
ઘેરા કથ્થાઈ રંગનું મારું ઘર
ચમકી ઊઠે છે, ફડ ફડ કરતું પોપટી ઉજાસમાં.
અને જાણે ઘેનની ગોળી ખાધી હોય
એવી ઊંઘ મને ઘેરી લે છે, ક્રમશઃ,
ઉન્માદ ફરી વળે છે.
મારા પુરુષ વગરના ઘરમાં.
ઊધઈનું દર તોડી, વાયોલિનનો એક ટુકડો
બહાર કાઢી વગાડું છું.
નાની નાની પાંખોવાળી ભમરીઓ
આનંદથી ઘરમાં ઊડે છે, ઝૂમી ઊઠે છે.
મારી આંગળીઓ પર લોહી ફૂટી આવે છે વાયોલિનના
તારથી
ઊધઈના દરની માટી દુખતી આંગળીઓ પર લગાવી,
પટ્ટી બાંધી સૂઈ જાઉં છું.
રાત્રે ઊધઈઓ એમનું કામ શરૂ કરે છે.
એટલી ઠંડી છે કે બહાર ઊઠીને જોવાનું પણ મન નથી થતું
પણ એમની આ આખીયે ક્રિયા,
હલનચલન, લયબદ્ધ ચાલુ રહે છે.
લાગે છે, જાણે દૂરના એક સુંદર દ્વીપમાંથી
આ સૈન્ય આવ્યું છે.
મારા ઘરને ખલાસ કરવા.
યુદ્ધની કોઈ ભૂમિકા નથી,
શંખનો નાદ નથી,
લોહીનાં ખાબોચિયાં નથી.
ઇજાગ્રસ્તોને આરામ કરવા રાત્રિવિરામ નથી.
હું જલ્દી જ હારી જઈશ,
ઘરવિહોણી થઈને ફરતી હોઈશ,
અહીં આ હિલસ્ટેશન પર આવતા
માઉથઓર્ગન વગાડતા પ્રવાસીઓ વચ્ચે.