કંદરા/પરિઘ
પરિઘની પરાકાષ્ઠાએ જ પેન્સિલની અણી તૂટી ગઈ.
અને ભૂમિતિનો એક અધ્યાય અધૂરો જ રહી ગયો.
એ પછી તો કેટલાંયે વર્ષો, અસંખ્ય વૃક્ષોનાં
મોટાં મોટાં થડને શાર્પનરમાં નાંખી જોયાં,
પણ એવી તીક્ષ્ણ અણી નીકળી જ નહીં,
પછી એને ઇરેઝરથી ભૂંસી નાખવાનો પ્રયત્ન કર્યો.
પણ હંમેશા એવું બને છે કે જેને નષ્ટ કરવા ઈચ્છીએ
એ ચિરંજીવ, અવિનાશી બની રહે છે.
સ્કૂલમાં ટીચરે પૂછયું હતું,
‘આ પરિઘ કેમ પૂરો નથી કર્યો?'
મેં જવાબ આપ્યો હતો, ‘સાયકોલોજીમાં એવું આવે છે
કે ત્રિકોણના ત્રણ ખૂણા જોડાયેલા ન હોય છતાં દ્રષ્ટિ —
સાતત્યના કારણે એ ત્રિકોણ જ લાગે છે. તો તમે
કેમ એવું ધારી નથી લેતા કે આ પરિઘ સંપૂર્ણ છે.’
ટીચરે કહ્યું હતું, ‘એમ કેમ ધારી લેવાય?’
વાત તો સાચી છે.
હું અને તું એકબીજાંને નથી મળ્યાં,
છતાં મળી લીધું, એમ કેમ ધારી લેવાય?
એ પરિઘ, જન્મ આપીને ભૂલાઈ ગયેલા
આપણા કોઈ વિકલાંગ બાળક જેવો,
હજી અધૂરો પડી રહ્યો છે, મારી નોટબુકમાં.
❏