કંસારા બજાર/પડછાવું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પડછાવું

આ પ્રકાશ
રોજ આવી જાય છે ઘરમાં.
સૂરજનો હોય કે પછી
આખી રાત બહાર ચાલુ રહેતી સ્ટ્રીટ લાઈટનો –
પથરાઈ જાય છે, ભીંતો પર.
બદલાય છે રૂમ પ્રમાણે,
વહેંચાય છે બારીના સળિયા પ્રમાણે,
તૂટે છે દરવાજા પ્રમાણે. એને આવડે માત્ર પડછાવું.
બારી સામેની ભીંત પર
એ પડછાય છે, અદલ બારી બનીને.
રૂમની વચ્ચોવચ, હું ઊભી રહું છું મૂંઝાયેલી.
આખરે નક્કી કરું છું કે,
આ જ બારી સાચ્ચી,
અને કૂદી પડું છું એ બારીમાંથી બહાર.
પડછાયાની બારી,
રોજ મને આપે છે,
એક નવું જીવતદાન.