કંસારા બજાર/પ્રવાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રવાસ

હીલ સ્ટેશન પર સવારી માટે તૈયાર ઊભા રહેલા
જાતવાન ઘોડા મને ગમે છે
પણ તેમની પીઠ પર લદાયેલું વજન
જાણે મારી પીઠ પર હોય
એમ મને થકવી નાખે છે.
પ્હાડ પરની નાની નાની કેડીઓ
મારા પગને સંકોચી નાખે છે.
ઘોડાની લાદની સતત ભીની સુગંધથી
મારું માથું દુખી આવે છે.
દરિયા નજીકના ગેસ્ટહાઉસના મારા કમરામાં
નવા જન્મી રહેલા દરિયાઈ જીવોના
અવાજ સંભળાયા કરે છે, આખી રાત.
સવારે નાસ્તામાં સી-ફૂડ ખાતી વખતે
દરિયાના રહસ્યો
મારી સામે મુકાયેલી પ્લેટમાં છતા થઈ જાય છે.
રણ મને રેતીની ડમરીઓમાં
છૂપાવે છે અને પ્રગટ કરે છે.
મને ગમે છે
રોજ રોજ મરવું ને રોજ રોજ જીવવું.
હું પ્રગટ થઉં છું ત્યારે
આખો દિવસ મને કચડતા રહેતા ઊંટ
થાકીને સૂઈ ગયા હોય છે.
જંગલમાં રસ્તો ભૂલી જઈને
હું સેંકડો પુનઃજન્મ મેળવું છું
પક્ષીઓના માળા, મધપૂડા, થડની બખોલ,
સાપના દર અને સિંહની ગુફા
હું બધે જ ફરી વળું છું.

છુપાઈને જોઉં છું, સૂતેલા જીવનને.
મને વ્હાલ આવે છે,
જંગલી મધમાખીઓ પ૨
અને પછી હું તાપણું સળગાવું છું.
ઉડાઉડ કરતી વ્યગ્ર મધમાખીઓને જોઈને
હું રડી પડું છું.
મધની મીઠી સુગંધ
ઘોડાની લાદની ભીની સુગંધ
અંતે તો એક જ.
પ્રવાસ ચાલુ રહે છે.
જીવન અટકી જાય છે.
શેની કવિતા લખું હવે?
દરિયાની કે પ્હાડની,
રણની કે અરણ્યની?