કંસારા બજાર/પ્રાર્થના
આજે ફરી એક વાર, રસ્તે ચાલતાં
પેલો કાગળનો ડૂચો પગમાં અટવાયો.
એ કાગળ પર અનંત યુગોની
એક પ્રાર્થના લખાયેલી છે.
હસ્તાક્ષર મારા જ છે.
એ જ કેટલીક ઇચ્છાઓ છે.
વરદાન માગવા માટે, હું રોજ
ખરતા તારાઓને હાથમાં ઝીલી લેવા દોડું છું.
તેજવિહીન, શક્તિવિહીન
તારાના આકારના પથ્થરોનો
મારા ઘર પાસે ઢગલો ખડકાઈ ગયો છે.
પથ્થરોના ઢગલા નીચે દબાયેલી ઈચ્છાઓ
સહેજ સળવળે છે અને
ઘેરા કથ્થાઈ રંગના પાષાણો વચ્ચેથી
કોઈ છોડની લીલી કૂંપળો ફૂટી નીકળે છે.
આ છોડનાં બીજ તે પથ્થર,
ઘડીકમાં તારા તો ઘડીકમાં તમરાં.
તમરાંઓના અવાજ તળે, તતફફ કરતી ઈચ્છાઓ
તારા બનીને તળાવમાં ખરે છે.
તળાવની પાળે કપડાં ધોતા ધોબીઓ
પાણી પર સાબુનાં ફીણ ફેલાવી દે છે.
નીચે ડૂબી જાય છે કંઈ કેટલાંયે તમરાં.
તમરાંઓની લાશો તળે
તેજ ફેલાવે છે તારા.
તારાઓના તેજ તળે
શાંત થઈ જાય છે પથ્થર,
પથ્થરો તળે એક પ્રાર્થના,
સાબુનાં ફીણ જેવી.