કંસારા બજાર/મૃત્યેચ્છા
પાણીમાં શું કે પાણીની બહાર શું
આ દેડકાને ચેન નથી
કેવો ઉભડક બેસીને કંઈક ગાઈ રહ્યો છે.
જોકે, એનું ગીત બધાને સાંભળવું છે.
આ સાપ, ગઈ કાલે વૃક્ષની વાંકીચૂકી ડાળીઓમાં
એવો સરકવા ગયો કે એનું આખું શરીર જ
ખૂલે નહીં એવું ગૂંચળું વળી ગયું છે,
તોયે નાનકડી ડોકીથી જોર લગાવીને
ખસવા પ્રયત્ન કરી રહ્યો છે,
ગીતની દિશામાં.
આ મગરનાં જડબાં કોઈએ સીવી દીધાં છે કે શું?
કેટલાય દિવસોથી કંઈ શિકાર કર્યા વગરનો
દૂબળો થઈ ગયેલો મગર
ધીમે ધીમે પાણીમાં ગરક થઈ રહ્યો છે.
એના ડૂબતા કાન
દેડકાનું આછું પાતળું ગીત સાંભળી રહ્યા છે.
આ કાચબો
કંઈ અચાનક જ ઊંધો પડી ગયો છે
ઢાલ નીચે અને એનું સુંવાળું શરીર
ખુલ્લું થઈ ગયું છે.
પોતાના નાનકડા હાથપગથી સીધો થઈને
ચાલવા પ્રયત્ન કરી રહ્યો છે,
ગીતની દિશામાં.
આ સસલું,
અજાણતાં કોઈ ઝેરી વનસ્પતિ ખાઈ ગયું લાગે છે.
એનું હંમેશ ગરમ રહેતું ઉષ્માભર્યું શરીર
હવે ઠંડું, શાંત
સાંભળી રહ્યું છે, દેડકાના ગીતને
ત્રૂટક, ત્રૂટક.
ઓહ, આ પંખીયે
વરસાદનો ભાર સહન ન થતાં
અહીં જ આવીને પડયું
દેડકાનું ગીત સાંભળવા?
નથી લાગતું કે આ ગીત મૃત્યુનું છે?
નહીં તો શા માટે આમ,
વરસાદી ઠંડકમાં મહાલતો કાચબો ઊંધો પડી જાય?
કૂમળા ઘાસને બદલે સસલું ઝેરી ઘાસ ખાઈ જાય?
શા માટે આમ, વરસાદમાં જ્યારે
નદી બેઉ કાંઠે છલકાતી હોય ત્યારે જ
ક્રીડા કરતો મગર ડૂબી જાય?
ક્યારેક લાગે છે કે આ દેડકો નિર્દોષ છે.
વર્ષાઋતુમાં ઉત્તેજિત થઈને
આમ જ કંઈક ગાઈ રહ્યો છે.
પણ નહીં, એ જેને બોલાવી રહ્યો છે,
એ દેડકી તો નથી જ.
હું જાણું છું એની ડેથ-વિશને.