કંસારા બજાર/વનપુરુષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વનપુરુષ

વનપુરુષની છાતી પર ઊગેલા
વાળ જેવાં વૃક્ષો પર હું હાથ પસારું છું.
અને ક્યાંકથી વનના કોઈક ખૂણે
સિંહોએ અડધા ખાઈને છોડી દીધેલા
કોઈ મૃત પ્રાણીના શરીરની વાસ
આખા વનમાં ફેલાઈ જાય છે.
તેની વચ્ચે બીજી એક તીવ્ર ગંધ પ્રસરે છે.
વનદેવતાના પરસેવાની.
વનમાં સતત કશુંક બનતું રહે છે,
વનચંપો ખીલે છે, મુરઝાય છે.
માટી પ્હાડ બને છે, પ્હાડ ગુફા બને છે,
ગુફા આકાશ બને છે, તો.
એ આકાશ નીચે દબાઈને કોઈ સસલું
આખું વન માથે લઈ લે છે.
વનનાં વૃક્ષો હવે ઘરડાં થયેલાં લાગે છે
પણ વનપુરુષની છાતી પરના વાળ.
હજી સફેદ નથી થયા.
પાનખરમાં ખરી પડેલાં
પીળાં પાંદડાંના ઢગલા પર
એક સફેદ પંખી શાંતિથી બેઠું છે,
ત્યાં સુધી,
વૃક્ષો ઊડીને ક્યાંય નહીં જાય.
વનપુરુષની વાતો સાંભળતાં વૃક્ષો
જમીનમાં ઊંડે ઊંડે મૂળ પસારી રહ્યાં છે.
જમીનની અંદર એક બીજું વન છે, મૂળિયાઓનું.
એકબીજામાં ગૂંચવાઈ ગયેલા મૂળિયાઓની વચ્ચેથી
ઊગી નીકળે છે કોઈ નવું જ અજાણ્યું વૃક્ષ.
વનપુરુષના વશમાં નથી હવે આ વન.