કંસારા બજાર/વ્હેલનું હાડપિંજર
Jump to navigation
Jump to search
વ્હેલનું હાડપિંજર
મ્યુઝિયમમાં એક મહાકાય વ્હેલનું હાડપિંજર જોયું.
વ્હેલના હાડકાં પર બાઝેલી ધૂળ જોઈને થયું
કે આ આખું મ્યુઝિયમ
એક અફાટ, ઘૂઘવતો સમુદ્ર બની જાય.
વ્હેલના હાડપિંજરના પોલાણોમાં પાણી ભરાય
અને તેની ખાલી પાંસળીઓમાંથી વહેતા
પાણીના નાદથી સંગીત ઉત્પન્ન થાય.
દરિયામાં આખે આખા વ્હાણને ગળી જનારી આ વ્હેલ
અત્યારે આવી સાવ નિર્જીવ?
શક્ય છે ક્યારેક
દરિયો ફરી વળે આ મ્યુઝિયમ પર
અને ફરી જીવતી થાય વ્હેલ.
એના રાક્ષસી દાંત ભૂક્કો બોલાવી દેશે
આ કાચના શો કેસનો.
નિષ્પ્રાણ નથી આ વ્હેલ.
જુઓ, હજી પણ સમુદ્રનાં મોજાં
અફળાય છે ખડકો સાથે
ભાન ભૂલે છે દિશાઓ
ને અદશ્ય થાય છે વ્હાણો
ક્ષિતિજ પરથી.