કથાલોક/એક દુર્ઘટના, એક દાસ્તાન
એક દુર્ઘટના, એક દાસ્તાન
શ્રી. હરીન્દ્ર દવે :
તમારી નવલકથા ‘અગનપંખી’ મોડેમોડે પણ વાંચી ગયો છું. આ મોડા વાચન બદલ નુકસાન મને જ થયું છે. નહિતર, ગયા ઑગસ્ટમાં પ્રવૃત્તિ સંઘને ઉપક્રમે ફાર્બસ હૉલમાં હું નવલકથા વિશે બોલતો હતો અને એમાં કેટલાંક સનાતન કથાવસ્તુઓનાં ઉદાહરણો ટાંકતો હતો એમાં તમારી કથાનો ઉલ્લેખ કરી શક્યો હોત. તમને યાદ હશે કે એ વ્યાખ્યાનમાં મેં ‘સરસ્વતીચન્દ્ર’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ અને ‘સંગમ’ ચલચિત્રના કથાનકમાં રહેલા મૂળભૂત કથાબીજના સામ્યની વાત કરી હતી. [1] કથાનાયક અકસ્માતમાં મૃત્યુ પામે અથવા અદૃશ્ય થઈ જાય અને કથાનાયિકા પોતાનું જીવતર જુદે સ્થળે જોડી દે પછી નાયક જીવતો પાછો આવે અને જે કરુણિકા સરજાય એ પરિસ્થિતિ નવલકથાઓ માટે બહુ નાટ્યક્ષમ બની રહે છે. ‘અગનપંખી’નું કથાવસ્તુ, અહીં ગણાવેલ કથાઓ જોડે તંતોતંત મળતું નથી આવતું. છતાં એમાં એક મૂલગત કથાબીજનું સામ્ય તો રહેલું છે જ. વિમાન હોનારતમાં નાયક સનાતન મૃત્યુ પામ્યો છે એમ માની લેવામાં આવે છે. (વાચકો જાણે છે કે એ જીવતો છે.) પણ તમારી કથા આગલી કથાઓ કરતાં જુદી એ રીતે પડે છે કે નાયિકા વિશાખા પોતે ભ્રમમાં નથી. એને તો શ્રદ્ધા–કહો કે મુગ્ધ માન્યતા–છે જ કે સનાતન જીવે છે. આ બાબતમાં એ આગલી કથાઓની નાયિકાઓથી જુદી પડે છે. એ જુદાપણાને લીધે એના જીવનની કરુણતા પણ જુદો જ ઘાટ ધારણ કરે છે. આવી કથાઓ કોઈ વિલક્ષણ અકસ્માત ઉપર આધારિત હોય છે. સરસ્વતીચંદ્ર નામપલટો કરીને નવીનચંદ્ર બન્યો, કે સત્યકામ શીતળામાં મૃત્યુ પામવાને બદલે ચક્ષુહીન બનીને જીવતો રહ્યો, કે ‘સંગમ’માંનો નાયક વિમાની દુર્ઘટનામાં જીવતો બચી ગયો, એ બધા અકસ્માતોમાંથી વાર્તાઓ રચાય છે. અકસ્માતોની માંડણી ઉપર સારી વાર્તાઓ ન જ લખાય એવું નથી. ‘નૌકા ડૂબી’નું મંડાણ કેવા વિચિત્ર અકસ્માત ઉપર થયું છે! અને છતાં એ એક વિલક્ષણ વાચનક્ષમ નવલકથા બની જ છે. ‘અગનપંખી’ પણ એક વિલક્ષણ અકસ્માતમાંથી રચાતી વાચનક્ષમ ને રસક્ષમ વાર્તા છે. મુંબઈમાં આલિટાલિયા એરલાઈન્સનું વિમાન તૂટી પડ્યું એ હોનારતમાંથી તમને આ કથાબીજનો અણસાર ઓળખાયો હોય એમ બને. અને એ અકસ્માતમાંથી વળી એક વધારે આકસ્મિક બનાવ– સનાતનનો દેહ વિમાનના ભંગારમાં સળગી જવાને બદલે એક વૃક્ષડાળે અટકી રહ્યો અને જંગલનાં આદિવાસી યુગલે એને સાજોસારો કર્યો એ આ વાર્તાની ધરી છે. આવાં કથાવસ્તુઓ નાટ્યક્ષમ બને છે. આ રીતે નાટકમાં નાટ્યકાર ઘણીવાર અમુક બાબત અંગે પોતાનાં પાત્રોને અજાણ રાખે છે પણ વાચકો, શ્રોતાઓ કે પ્રેક્ષકોને વિશ્વાસમાં લઈ રાખે છે. આમ, પ્રેક્ષકો અમુક રહસ્ય જાણતાં હોય પણ તખ્તા પરનાં પાત્રો એ વાતથી અજાણ હોય એમાંથી સરસ નાટકની ગૂંચ રચાય છે. તમે વિશાખાને સનાતન અંગે આશાવાદી રાખી છે, અને એના જીવનવહેણને જુદી દિશામાં વાળતી અટકાવીને કથાની આ નાટ્યાત્મક ગૂંચ જરા હળવી રાખવાનું પસંદ કર્યું છે, એ મને વધારે ગમ્યું છે. પેલી અતિરંજકતા કરતાં આ સ્વાભાવિક નાટ્યક્ષમતા વધારે આસ્વાદ્ય લાગે છે. આ ઉપરથી જ એક બીજી બાબત પણ સૂઝી એ અહીં જ નોંધી લઉં. આ કૃતિનું માળખું મને નવલકથા કરતાં લાંબી વાર્તા–tale–ને મળતું વિશેષ જણાયું છે. આમ કહીને હું આ રચનાનું મૂલ્ય ઘટાડી નાખવા નથી માગતો. કથાની સ્થૂલ લંબાઈના વધારા–ઘટાડા સાથે એની કિંમતમાં વધઘટ થાય છતાં ‘મૂલ્ય’નો વધારો–ઘટાડો નથી થતો મને આ કૃતિનું વળું લાંબી વાર્તાનું લાગ્યું છે. આપણા સાહિત્યમાં નવલિકાઓ અને ફુલાવેલી નવલિકાઓ (જે નવલકથા નામે ઓળખાય છે)ની સારી છત છે. અછત છે માત્ર લાંબી વાર્તાઓની. ‘વળામણાં’ જેવી લાંબી રચનાઓ આ૫ણને વારંવાર સાંપડતી નથી. તેથી જ ‘અગનપંખી’ને હું એવી રચના તરીકે આવકારું છું. વિશાખાના પ્રેમની તમે બહુ કસોટી કરી છે. સનાતન જીવે છે એવી એની શ્રદ્ધા સાચી પાડી, પણ એમનું મિલન કેટલું કરુણ બની રહે છે! છેલ્લે સનાતનને મળવા ગયેલી વિશાખા પણ હોડી હોનારતમાં સપડાય અને મૃત્યુ પામે એ અકસ્માત પણ ધ્યાનમાં લેવા જેવો છે. કથાના આરંભ અને અંતમાં અકસ્માતો યોજાયા છે. એક વિમાનની હોનારત, બીજી ગંગામાં હોડીની હોનારત. આમાંનો બીજો અકસ્માત કેટલે અંશે અનિવાર્ય હતો એમ કોઈ વાચક પૂછી શકે ખરો. જોકે, વાર્તાકાર તો એમ જ કહેવાનો કે કથાને કરુણાન્ત બનાવવા આ અકસ્માતની યોજના કર્યા વિના છૂટકો જ નહોતો. આ રચનાને તમે ભલે ‘અગનપંખી’ નામ આપ્યું. પણ એને ‘દાઝેલાં હૈયાં’ પણ કહી શકાય. તમે એકાદબે સ્થળે એ શબ્દપ્રયોગ કર્યો પણ છે. સનાતન તો સળગતા વિમાનમાં સ્થૂલ રીતે વાચ્યાર્થમાં પણ દાઝેલો. વિશાખા એના વિરહ ને વિયોગમાં દાઝી. અને આખરે એ ગંગામૈયાના વહેણમાં ડૂબી છતાં એને શાન્તિ ન લાધી. એ તો સનાતનને મળવા આવી અને એનું મોઢું જોઈને જ આ દુનિયામાંથી વિદાય થઈ ગઈ. ખાધું, પીધું ને રાજ કર્યું, કે કથાને અંતે શરણાઈના સૂર સંભળાવવાનું તમને પસંદ નહોતું. એવા તાલમેળિયા અંત કરતાં આ અકસ્માતસર્જિત અંત, એના કારુણ્યની માત્રા વધુ પડતી હોવા છતાં, વધારે કલાત્મક લાગે છે. આ કથાની લખાવટ મને ગમી છે. સરલ અને અસરકારક, અહીંતહીં કવિત્વની છાંટવાળી, પ્રસંગ અને વાતાવરણ અનુસાર છટા બદલતી એ લખાવટ હજી ઘણી ગુંજાયશ ધરાવતી લાગે છે. એ લેખિની હજી અતિલેખનના ઊંડા ચીલામાં નથી પડી તેથી તાઝગીસભર પણ લાગે છે. તેથી જ, એ લેખિનીમાંથી આવી વધારે રચનાઓ મળવાની રાહ જોઉં છું.
લિ.
ચુનીલાલ મડિયા
જાન્યુઆરી, ૧૯૬૫
- ↑ જુઓ, ‘નવલકથાની શક્તિ’, પૃ ૯–૧૦