કથાલોક/ગુજરાતી નવલકથા : આજની અને આવતી કાલની
ગુજરાતી નવલકથા : આજની અને આવતી કાલની
કોઈ પણ સાહિત્યપ્રકારની આવતી કાલ વિશે વાત કરવાનું કામ અકળાવનારું હોવા છતાં આહ્લાદક પણ બની રહે છે. અકળાવનારું એટલા પૂરતું કે સાહિત્યપ્રકારનું ભવિષ્ય ભાખવા માટે મનુષ્યની જેમ એની જન્મકુંડળી કે ગ્રહયોગો જેવી કશી આધારસામગ્રી સુલભ નથી હોતી. વળી, સાહિત્યનું કોઈ સ્વરૂપ મનુષ્યની જેમ એના ગ્રહયોગોને વશ પણ નથી રહેતું. અને છતાંય એને વિશે આગાહી કરવાનું કામ આહ્લાદક એટલા માટે બને છે કે એ સાહસ કરનાર ઘડીભર અવેતન નજૂમી કે ભવિષ્યવેત્તાની કામગીરીનો રોમાંચક પાઠ ભજવી શકે છે. કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે આવું સાહસ કરનાર માણસ પેલા બજારુ ત્રિકાળદર્શીઓ અને ટપકાં–તાવીજવાળાઓની પેઠે દુઃસાહસ પણ કરી બેસે ખરો. ગુજરાતી નવલકથાની આવતી કાલ વિશે વાત કરતાં પહેલાં જ એક અમંગલ ઉલ્લેખ કરું તો શ્રોતાઓ મને માફ કરે. ૧૯૫૫માં ઇંગ્લૅન્ડમાં એક સંવિવાદ યોજાયેલો. એની ચર્ચાને વિષય હતો : નવલકથા મરી પરવારી કે શું? એ ચર્ચાના પડઘા આપણે ત્યાં પણ પડેલા. અને એ જ અરસામાં વડોદરા ખાતે મળેલા લેખકમિલનમાં આ વક્તાએ ‘નવલકથાનું શું થવા બેઠું છે?’ એ વિશે એક નિબંધ વાંચેલો. ત્યાર પછી પણ વિદેશોમાં તેમજ આપણે ત્યાં આ પ્રકારની ચિંતા વારંવાર વ્યક્ત થતી રહી છે. પણ એથી આપણે નિરાશ થવાની જરા પણ જરૂર નથી. નવલકથાના સ્વાસ્થ્ય અંગે ફરીફરીને આવી ચિંતા સેવાતી રહે એ આ સાહિત્યપ્રકારની સંગીનતાની જ સૂચક ગણાય. તો, ગુજરાતી નવલકથાની આવતી કાલનો અંદાજ થી રીતે કાઢીશું? એનાં આજ સુધીનાં જીવનલક્ષણો ઉપરથી સ્તો. ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય’ એ ઉક્તિને જ અનુસરીએ. ગુજરાતી નવલકથા હવે કાંઈ પારણામાં એટલે કે શિશુક વયમાં રહી નથી. નંદશંકર મહેતાની નવલકથા ‘કરણ ઘેલો’ ઈ. સ. ૧૮૬૭માં પ્રગટ થયેલી. એટલે આ સાહિત્યપ્રકારને ખાસ્સો નવ દાયકાથી ઝાઝેરો જીવનકાળ-આપણું નજર સામે છે. થોડાં વરસ રહીને ઈ. સ. ૧૯૬૭માં તો ગુજરાતી નવલકથાની જન્મશતાબ્દી ઊજવી શકાય એવા યોગ છે. એ વેળા અને એ પછીના દાયકામાં ગુજરાતી નવલકથાનું સ્વરૂપ કેવું હશે એની કલ્પના કરવા માટે આ નવ દાયકા દરમિયાન એણે દાખવેલાં ગુણલક્ષણો અવલોકવાં જોઈએ અને એ ઉપરથી ભવિષ્યની નવલકથાનાં ગુણલક્ષણો કેવાં હશે એમ કહેવા કરતાં એ કેવાં નહિ હોય એ તો વધારે વિશ્વાસપૂર્વક કહી શકાશે. ‘કરણઘેલો’ની જેમ મહીપતરામ કૃત ‘સાસુ–વહુ’ની લડાઈ પણ ગુજરાતી સાહિત્યની આરંભિક નવલકથા ગણાય. ભવિષ્યમાં ‘કરણ ઘેલો’ જેવી કૃતિઓ તો નવાંનવાં દૃષ્ટિકોણથી લખાતી રહેશે પણ ‘સાસુ–વહુની લડાઈ’ જેવાં સુધારાવાંચ્છુ સંસારચિત્રો બહુ ઝાઝાં નહિ રચાય. હવે આવી રહેલા યાંત્રિકવિજ્ઞાનયુગમાં સંયુક્ત કુટુંબની જીવનપ્રથા આજના કરતાંય વધારે પાંખી થઈ જશે. એને પરિણામે ભવિષ્યની નવલકથાઓનાં સંસારસૂત્રો સાસુ–વહુની લડાઈ કરતાં સાવ જુદા જ પ્રકારનાં–કદાચ સાવ વિપરીત પણ–થઈ જાય તો બહુ નવાઈ પામવા જેવું નહિ રહે. નવલકથાનું સાહિત્ય સ્વરૂપ આપણે ત્યાં પશ્ચિમમાંથી આવ્યું એની સાથેસાથે જ આપણા લોકજીવન પર પશ્ચિમની સભ્યતાની પણ પ્રબળ અસર થયેલી. બે ભિન્નભિન્ન સભ્યતાઓ અને જીવનશૈલીઓ સામસામી ટકરાયેલી. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો આરંભમાં ઉગ્ર સંઘર્ષનો અને પછીથી સ્વસ્થ સમન્વયનો એ યુગ હતો. એ યુગસંધ્યાએ ‘સરસ્વતીચંદ્ર’નું બીજારોપણ થયું. ‘સરસ્વતીચંદ્ર’ અને ‘ભદ્રંભદ્ર’ આ યુગસંક્રાંતિ સમયનાં બે લાક્ષણિક સર્જનો હતાં. ભવિષ્યમાં ‘સરસ્વતીચંદ્ર’ તો સંભવતઃ ફરી લખાશે અને ત્યારે ગુર્જરગિરા ફરી વાર ધન્ય બનશે. પણ ‘ભંદ્રભદ્ર’નું પુનરાવર્તન કદી નહિ થાય, કેમ કે એ બિનજરૂરી છે. પૂર્વ અને પશ્ચિમનો સંગમયુગ પૂરો થયો છે અને મરજાદી રક્ષણવાદીઓ ઉપર આવા કાતિલ કટાક્ષ કે પ્રહારની હવે જરૂર જ નથી રહી. સારા માટે કહો કે નરસા માટે, પણ પશ્ચિમની સંસ્કૃતિનો પ્રબળ પ્રભાવ હવે આપણા જીવનમાં કાયમ રહેવા જ નિર્માયો છે. આ સંગમયુગમાં અને આ પછીના તુરતના સમયમાં સંસાર-સુધારા અને સામાજિક અનિષ્ટોને કથાવિષય બનાવતી જે કૃતિઓ બહોળા પ્રમાણમાં રચાયેલી એનું પુનરાવર્તન થવાનો પણ હવે સંભવ નથી લાગતો. એ કૃતિઓમાં જે સમસ્યાઓ રજૂ થયેલી એમાંની ઘણીખરી આજે ઊકલી ગઈ છે. દાખલા તરીકે મેઘાણીએ ‘વેવિશાળ’માં જ્ઞાતિઓની પશ્ચાદ્ભૂમાં વિવાહવિચ્છેદનું ચિત્ર રજૂ કરેલું. એ જ્ઞાતિઓ જ આજે એવી તો છિન્નભિન્ન થઈ ગઈ છે કે, ભવિષ્યમાં કોઈ સુશીલા કે સુખલાલને સહન કરવું નહિ પડે. એ જ પ્રમાણે, સોપાનકૃત ‘પ્રાયશ્ચિત’ જેવી નવલકથા પણ હવે પછી બિનજરૂરી બની રહેશે, કેમ કે અસ્પૃશ્યતા અને અછૂતોનો પ્રશ્ન સ્વતંત્ર ભારતના બંધારણમાં જ ઉકેલાઈ ગયો છે. દરેક યુગમાં દસ્તાવેજી નવલકથાઓનો પણ બહોળો ફાલ ઊતરે છે. ગાંધીજીનાં સત્યાગ્રહ આંદોલનો દરમિયાન આવી ઘણી કૃતિઓ રચાયેલી. ‘દિવ્યચક્ષુ’, ‘સંજીવની’, ‘બંધન અને મુક્તિ’, ‘જલિયાંવાલા’ વગેરે તત્કાલીન જીવનનું ફોટોગ્રાફ્રિક પ્રતિબિંબ રજૂ કરે છે. ઉપરાંત ગાંધીજીનાં જ આંદોલનોને પરિણામે આપણું નગરસંસ્કૃતિ ધીમે ધીમે ગ્રામાભિમુખ બનવા માંડેલી અને એની કદાચ આડકતરી નીપજ તરીકે ગ્રામજીવનની કેટલીક કલાત્મક નવલકથાઓ ગુજરાતી સાહિત્યને સાંપડી શકી. આ દિશામાં પહેલવહેલું પગરણ મેઘાણીએ ‘વસુંધરાનાં વહાલાંદવલાં’થી કરેલું. એમની બીજી એક જાણીતી દસ્તાવેજી કૃતિ ‘સોરઠ તારાં વહેતાં પાણી’માં પણ ગ્રામજીવનનું જ ચિત્રણ હતું. ઉમાશંકર જોશીકૃત ‘પારકાં જણ્યાં’ની પાત્રસૃષ્ટિનાં મૂળિયાં તો ગ્રામજીવનમાં જ રોપાયેલાં છે. પણ પ્રાદેશિક પશ્ચાદ્ભૂમાં તળપદાં કથાવસ્તુનું મોટા પાયા પર ખેડાણ તો પન્નાલાલ પટેલે ‘મળેલા જીવ’માં, ઈશ્વર પેટલીકરે ‘જનમટીપ’માં અને પુષ્કર ચંદરવાકરે ‘રાંકના રતન’માં કરેલું. ‘માનવીની ભવાઈ’માં પ્રાદેશિકતાનું એક ચરમ શિખર જોવા મળેલું. પૂરા બે દાયકા સુધી આ પ્રાદેશિકતાની અસર ચાલુ રહેવા પામેલી. પીતાંબર પટેલ, સારંગ બારોટ, સુહાસી, દેવશંકર મહેતા, વિશ્વમિત્ર વગેરે વત્તેઓછે અંશે આ અસર તળે આવ્યા છે. આર્થિક ક્ષેત્રે જેમ તેજી અને મંદીનાં ચક્રો વારાફરતી આવે–જાય છે એવું સાહિત્યમાં પણ બનતું લાગે છે. પ્રાદેશિક નવલકથાઓની બાબતમાં પણ એનું ચક્ર એક પૂરો આંટો ફરી ચૂક્યું છે અને આ ક્ષેત્રના બે ખ્યાતનામ કથાકારો પેટલીકર અને પન્નાલાલ હવે ગ્રામીણ કથાવસ્તુઓને બદલે નગરજીવનની વાતો તરફ વળી રહ્યા છે. હવે ભવિષ્યમાં પ્રાદેશિક નવલકથાઓ લખાશે તો પણ એ આજના ઢાંચા કરતાં સાવ જુદી જ હશે. આ તો બધી, ભવિષ્યમાં શું શું નહિ લખાય એની ‘નેતિ, નેતિ’ જેવી વાત થઈ. આવતી કાલે શું શું લખાશે એનો વિચાર કરતાં જરા વિચારમાં પડી જવાય એવું છે. પશ્ચિમમાં ઘણા વિવેચકો એવો મત ધરાવે છે કે લોકશાહી સમાજરચના સારી નવલકથાની નીપજ માટે બહુ અનુકૂળતા આપતી નથી. આ વિધાનથી આઘાત અનુભવવાની જરૂર નથી. તેમ, ઉત્તમ નવલકથાઓની નીપજ માટે થઈને સામંતશાહી સમાજરચના પાછી લાવવાનુંય કોઈ કહેતું નથી. છતાં નંદશંકરે શરૂ કરેલ અને મુનશીએ સંપૂર્ણતાએ પહોંચાડેલ ઐતિહાસિક નવલકથાઓનો ચીલો આજે સંખ્યાબંધ-લેખકો ઘણી વાર તો એનાં એ જ કથાવસ્તુઓ વડે–ખેડી રહ્યા છે. એ ઉપરથી પાણીદાર નવલકથાઓની નીપજ માટે લોકશાહી જીવનશૈલીની પ્રતિકૂળતા અંગેનો પેલો સંદેહ દૃઢ બની રહે એવું લાગે છે. ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય, ચુનીલાલ વર્ધમાન શાહ, જયભિખ્ખુ, મોહનલાલ ધામી વગેરે બહુવખારી લેખકો થોકબંધ ઐતિહાસિક કથાઓ આપી રહ્યા છે. મેઘાણી, રાયચુરા અને રમણલાલ દેસાઈએ પણ સારા પ્રમાણમાં ઐતિહાસિક કૃતિઓ રચેલી. બહુજનસમાજને સામાજિક કરતાં ઐતિહાસિક કથાઓ વધારે આકર્ષક લાગે છે એ એક હકીકત છે. લોકશાહી સમાજરચનાની રહેણીકરણી, એના રીતરિવાજ, વાણી–વર્તન, એનાં સુખદુઃખ, એનાં પ્રણય અને પરિણય, એનાં આનંદ અને આંસુ વગેરે સામંતયુગ જેટલાં કાવ્યક્ષમ કે કથાક્ષમ નહિ લાગતાં હોય? ગમે તેમ, પણ ઐતિહાસિક કથાઓનું આકર્ષણ શાશ્વત છે અને એવી કૃતિઓનો ફાલ પણ યુગે યુગે નવી નવી કલમો મારફત નીપજતો જ રહેશે. ભવિષ્યની નવલકથામાં વિશેષ પ્રમાણમાં મનોવૈજ્ઞાનિક કથાપ્રકાર ખેડવાનો સંભવ ગણાય. પણ આ બાબતમાં બેધડક આગાહી કરતાં જરા અચકાવું પડે એમ છે, કેમ કે આવી મનોવિશ્લેષણની કથાઓ સામે એની જન્મભૂમિ પશ્ચિમની દુનિયામાં જ પ્રત્યાઘાતો શરૂ થઈ ગયા છે. જેમ્સ જોઈસકૃત, ‘યુલિસિસ’માં કથાનાયકના ચિત્તમાં ચોવીસ કલાક દરમિયાન ચાલતી ક્રિયા–પ્રક્રિયાની વાત છે. એ કથાનો ઘણોખરો ભાગ ઝુરિક ખાતે લખાયેલો અને એ અરસામાં ઝુરિકમાં મનોવિજ્ઞાનશાસ્ત્રી જુંગ માનવીના મનનું વિશ્લેષણ કરી રહેલા એનો જોઈસ ઉપર ઘેરો પ્રભાવ પડેલો. માનવમનની અંધારી ગલીકૂચીઓનું લેખકે જે આલેખન કરેલું એ એટલું તો સમર્થ હતું કે એલિયટે કહેવું પડેલું કે, ‘યુલિસિસ’ અને વર્જિનીઆ વુલ્ફકૃત ‘વેઈઝ’ એ નવલકથાઓનું છેલ્લું શિખર છે અને ત્યાં એ સાહિત્યપ્રકારનો અંત આવે છે. બરાબર અરધી સદી સુધી ‘યુલિસિસ’ની અસર તળે સ્થૂલ ઘટનાઓને બદલે મનોઘટનાઓની કથાઓ લખાતી રહેલી. આપણે ત્યાં પણ આ વલણ કદાચ શરૂ થશે એવું લાગતું હતું, પણ હવે પશ્ચિમના દેશોમાં આ પ્રકારની નવલકથાઓનાં પાણી ઓસરવા માંડ્યાં છે. તાજેતરમાં ‘ધ પેરિસ રિવ્યૂ’ સામયિકે ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ અને અમેરિકાના અગ્રણી નવલકથાકારોની મુલાકાત લઈને વિસ્તૃત સવાલ–જવાબ પ્રગટ કરેલા. એમાં મોટા ભાગના સર્જકોએ મનોવિશ્લેષણાત્મક એવી પેલી ચોવીસ કલાકની નવલકથાઓ સામે ઉગ્ર નફરત વ્યક્ત કરી છે. આ પ્રત્યાઘાતની અસર આપણા સાહિત્ય ઉપર પણ વહેલીમોડી થશે જ. નવલકથામાં ઘટનાઓ ભરપૂર હોવી જોઈએ એ સત્ય તો એટલું સાદું છે કે એનું ઉચ્ચારણ પણ ટાહ્યલા જેવું લાગે. ‘નોવેલ’, ‘નુવેલ’, ‘નુવેલા’ વગેરે શબ્દોનો અર્થ જ સમાચાર–બનાવ એેવો થાય છે. ચેખૉવે કહેલું કે, ‘કથાના આરંભમાં દીવાલ પર બંદૂક ટિંગાતી બતાવવામાં આવે તો કથા પૂરી થતાં પહેલાં એ ફૂટવી જોઈએ.’ એટલે કે વાર્તા–નવલકથામાં કશુંક બનવું જોઈએ. અલબત્ત, કેટલીક કથાઓ વાતાવરણની હોઈ શકે, પાત્રના વિશિષ્ટ mood મનોદશા કે તાસીરની હોઈ શકે ખરી, છતાં નવલકથા મનોવિશ્લેષણ કરે કે પછી કોઈ ગહનતમ ફિલસૂફી રજૂ કરે પણ એ ભરચક ઘટનાઓ વડે જ એ કામ કલાત્મક રીતે પાર પાડી શકે. ‘સરસ્વતીચંદ્ર’માંની ફિલસૂફી કાંઈ ઓછી ગહન નથી, છતાં એના નિરૂપણ માટે ગોવર્ધનરામે કેટલી બધી ઘટનાઓ યોજી છે! ‘કાળરાત્રીનું ખૂની ખંજર’ આજે કલાદૃષ્ટિએ ભલે કચરા જેવી લાગે. પણ એના શીર્ષકમાં જ, ‘મર્ડર ઈન ધ કૅથેડ્રલ’ની જેમ સ્થળસમય સહિત કેટલા બધા ક્રિયાતત્ત્વનું સૂચન આવી જાય છે! આવી પ્રસંગપુષ્ટ કૃતિઓમાં સર્જક કલાતત્ત્વ ભળે ત્યારે સોનામાં સુંગધ મળવા જેવો સુયોગ થાય. તેથી જ, ‘સરસ્વતીચંદ્ર’, ‘ગુજરાતનો નાથ’, ‘જીગર અને અમી’ કે ‘જનમટીપ’ જેવી નવલકથાઓ ભવિષ્યમાં પણ વારંવાર રચાતી રહેશે અને હોંશેહોંશે વંચાતી રહેશે. એમાં એક ફેરફાર અવશ્ય થશે. સ્થૂલ ઘટનાઓ વધારે સૂક્ષ્મ રીતે આલેખાશે, સીધાં, સ્ફુટ કથનને સ્થાને પરોક્ષ ધ્વન્યાત્મક કથનરીતિઓ યોજાશે, પલટાતી વાચનરુચિ અનુસાર કથાવસ્તુની માવજત પણ પલટાશે. કુસુમ અને કુમુદ, કાક અને મંજરી, વિશ્વંભર કે ચંદા હાડચામનાં માનવીનું સાચકલાપણું ગુમાવ્યા વિના પણ કોઈ જીવનશૈલી, કોઈ ખ્યાલાત કે કોઈ ફિલસૂફીનાં પ્રતીક બની રહેશે. સઘળી ફિલસૂફી આખરે તો પ્લેટોને છેડે પાદટીપ છે, એ ઢબે પશ્ચિમમાં કહેવાય છે કે બધી જ નવલકથાઓ ‘ડોન કિહોટે’ની નીચે ફૂટનોટ સમી જ છે. આપણે ત્યાં પણ ‘સરસ્વતીચંદ્ર’એ કલાસિદ્ધિનું એવું તો ઊંચું શિખર સર કર્યું છે કે એના સામીપ્યમાં આજ સુધીની તેમ જ ભવિષ્યની પણ ઘણી નવલકથાઓ ટચૂકડી ટેકરીઓ જેવી લાગે એ સ્વાભાવિક છે. પણ સદ્ભાગ્યે આવતી કાલ, શું માનવીના ઇતિહાસમાં કે શું સાહિત્યની તવારીખમાં કદી વંધ્ય નથી નીવડતી. કોને ખબર છે, ૧૯૬૭માં ગુજરાતી નવલકથાની જન્મશતાબ્દી મનાવવાને અવસરે, ‘સરસ્વતીચંદ્ર’ના રચયિતા પણ ધન્યતા અનુભવે એવી સમૃદ્ધ કલાકૃતિ નહિ રચાય? અને ત્યારે ગુજરાતી નવલકથામાં આજ સુધીની રંગ થકી પણ અધિક સરસ રંગ સોહશે...
[મુંબઈ રેડિયો પરથી પ્રસારિત, ફેબ્રુઆરી ૮, ૧૯૬૦.]