કથાલોક/‘વેવિશાળ’ જેવી છતાં જુદી
‘વેવિશાળ’ જેવી છતાં જુદી
પ્રાદેશિક રંગછાંટવાળી તળપદી નવલકથાઓની શાખ આજકાલ બહુ ઊંચી નથી જણાતી. ‘મળેલા જીવ’ અને ‘જનમટીપ’નો જમાનો પૂરો થઈ ગયો લાગે છે. જાનપદી કથાઓમાં કોઈક નવીન ઉન્મેષ ન આવે તો એ કથાપ્રકારની શક્યતાઓ ખરચાઈ ગઈ લાગે છે. જે છૂટીછવાઈ રચનાઓ સાંપડે છે એ બહુધા ચર્વિતચર્ણવની રાહે નવા શીશામાં જૂનો શરાબ જ પીરસતી જણાય છે. તળપદી નવલકથાઓ અકારી થઈ પડવાનું એક કારણ એ છે કે ઘણા નવલેખકો જીવનની નિજી અનુભૂતિ વડે નહિ પણ પુરોગામીઓની રચનાઓ વાંચીવાંચીને એમાંથી વાર્તાઓ વણી કાઢે છે. પ્રાદેશિક કથાઓનો કૃતક–રંગદર્શી ઢાંચો હવે અબખે પડવા માંડ્યો છે. આવી સ્થિતિમાં ઢાંચાઢાળ આલેખન કે નકલખોરી ત્યાગીને નિજનું જ જીવનદર્શન કરાવતી કોઈ કલમ આવે છે ત્યારે એ તાજગીનો અનુભવ કરાવી જાય છે. જાનપદી કથાઓના નવલેખકોમાં આવી તાજગી એક વેળા મનસુખલાલ મો. ઝવેરીકૃત ‘કાળુભારને કાંઠે’માં જેવા મળેલી. દોલત ભટ્ટકૃત ‘નાચે મનના મોર’માં પણ એવું પોતાપણું દેખાય છે. બેઉ લેખકો સ્વ. મેઘાણીભાઈની જનમભોમકા પાંચાળ પ્રદેશનાં સંતાન છે. (બેઉનું વતન બાબરા છે, એ એક અદકું આકસ્મિક સામ્ય છે.) દોલત ભટ્ટને એક વિશેષ લાભ એ મળી રહ્યો છે કે તેઓ સામાજિક–રાજકીય પ્રવૃત્તિઓને પરિણામે લોકજીવનમાં ઓતપ્રોત રહી શકે છે. ‘નાચે મનના મોર’માં લોકવૃત્તનું આ પ્રત્યક્ષ નિરીક્ષણ પારખી શકાય છે. આ કથામાં વહાલપ અને વેરનું સમાન્તર ચિત્રણ થયું છે. કથાના આરંભમાં જ તરશીંગડાની ભેંકાર ગાળીમાં સનાતન શેઠને હમીર બોરીચાનો ભેટો થાય છે અને કથાને અંતે પણ બોરીચો ઉપસ્થિત થાય છે; વચ્ચેના કથાપટમાં પણ એ અદૃષ્ટપણે સનાતનની જીવનસૃષ્ટિ પર ઝળુંબી જ રહે છે. એ વચગાળામાં સનાતનને રસીલા અને સમજુ જોડે જે પ્રેમગાંઠ બંધાય છે એમાંથી આ કથાની કરુણતા સર્જાય છે. ગઢડા છોડીને મુંબઈગરા બનેલા દુર્લભદાસ દોશી એ સોરઠી નવલકથાઓનું એક કાયમી પાત્ર છે. ‘વેવિશાળ’થી માંડીને આજ સુધીની સંખ્યાબંધ નવલકથાઓ–વાર્તાઓમાં એ શોધી શકાય એમ છે. એ જ રીતે, દોશી પોતાની પુત્રી રસીલા અને સનાતનનો બાળવિવાહ ફોક કરવા મથે છે, એ પણ સોરઠી કથાઓનો એક માનીતો વિષય છે. પણ અહીં એની માવજત જુદી છે, અને એનો અંજામ તદ્દન અણધાર્યો છે. એ જ રીતે, સનાતનને સરાણિયા પુત્રી સમજુ જોડે જે પ્રીત બંધાય છે એનો એક પુરોગામી કિસ્સો આપણા કલ્પનોત્થ સાહિત્યમાંથી શોધી શકાય એમ છે. ‘વસુંધરાનાં વહાલાં દવલાં’માંના પ્રતાપ શેઠ અને તેજુડીનો પ્રસંગ સ્વાભાવિક જ તાજો થાય છે. પણ અહીં સનાતન–સમજુની વાત વધારે હિંમતથી અને ન્યાયયુક્ત દૃષ્ટિએ વર્ણવાઈ છે. પ્રેમની જેમ કલાકૃતિ પોતે જ એક સ્વતંત્ર મૂલ્ય ધરાવે એ જોતાં એમાંથી સાવ અલગ મૂલ્યો તારવવાનો ઉદ્યમ અકલાત્મક બની રહે. છતાં સનાતન જે રીતે સમજુને તેમ જ એના પુત્રને સ્વીકૃતિ આપે છે, એમાં શુદ્ધ પ્રેમનો વિજય વાંચી શકાય છે. સનાતનની સઘળી મિલકતનો વારસો પ્રતાપને મળી રહે એ રચનામાં સામાજિક કે આર્થિક ન્યાય કરતાંય પ્રેમનો જ ન્યાય નિહાળવાનું મન થાય છે. માર્ક્સવાદી વિચારણા કરતાંય સ્નેહનું મૂલ્ય અદકું છે. કથામાં પ્રેમ અને વેર બેઉ પલ્લાંને લેખકે સમતોલ કર્યાં છે, અને એમાંથી એક આકર્ષક પાત્રસૃષ્ટિ ઉઠાવ પામી છે. એમાં ઓતમમા, જેસંગભા, લાખો, વગેરે સોરઠી અસલિયત—ખાનદાની, અટકીપણું, ખેલદિલી, નેકી આદિ–ના અણસાર ધરાવે છે, તો દુર્લભ દોશી એ નઘરોળ નાગરીકરણનો નમૂનો છે. કથાને અંતે સનાતન અને રસીલા નહિ પણ સનાતન અને સમજુનું મનહર પાત્રયુગ્મ જ વાચકના ચિત્તમાં રમી રહે છે, કેમ કે પેલી અંગ્રેજી ઉક્તિ કહે છે તેમ, દુનિયા હંમેશાં ચાહકોને જ ચાહે છે. સાચી કથાનાયિકા રસીલા આપણી ચાહનામાં એટલે અંશે ઊણી ઊતરે છે. આ અગાઉ ‘વસમી વેળા’ જેવી એક જોમભરી ગ્રામીણ કથા આપી ચૂકેલા અને તાજેતરમાં જ ‘પરણેતર’ નામે એક વાર્તાસંગ્રહ પણ રજૂ કરી ચૂકેલા આ લેખક આ સાહિત્યપ્રકારનું હજી ઉત્તરોત્તર વધારે સર્જકતા વડે ખેડાણ કરતા રહે એવા આગ્રહ સાથે એમની આ નવતર કથાનું સ્વાગત કરીએ. (દોલત ભટ્ટકૃત ‘નાચે મનના મોર’નો આમુખ) ૧૯૬૬