કથાવિચાર/ગુજરાતીની જાનપદી નવલકથા : રચનાની નવી તરેહો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૩

ગુજરાતીની જાનપદી નવલકથા –
રચનાની નવી તરેહો

ગુજરાતી કથાવિવેચનમાં ‘જાનપદી નવલકથા’ સંજ્ઞા, દેખીતી રીતે જ, વ્યાપકપણે ગ્રામજીવનને વિષય કરતી નવલકથાઓની ઓળખ માટે યોજાતી રહી છે. છતાં ‘ગ્રામકેન્દ્રી નવલકથા’ સંજ્ઞા કરતાં ‘જાનપદી નવલકથા’ની અર્થચ્છાયા કંઈક જુદી છે. સંસ્કૃતના મૂળ ‘જનપદ’ શબ્દનાં સૂક્ષ્મ અર્થસાહચર્યો એને હજી ય વળગેલાં રહ્યાં છે. ગુજરાતના પ્રજાજીવનનાં મુખ્ય વહેણો સાથે સંપર્કમાં મૂકાયેલાં પરિચિત ગામડા કરતાં ય, દૂર સરહદ પરનાં ભદ્ર સંસ્કૃતિથી લગભગ અલિપ્ત, કંઈક આરણ્યક આબોહવામાં અલગ લોકસંસ્કૃતિમાં ઓતપ્રોત ગ્રામજીવનનો એમાં નિર્દેશ રહ્યો છે. આ સંજ્ઞાનો ઐતિહાસિક સંદર્ભ જોતાં આ અર્થપ્રયોગ પરત્વે કશું અચરજ રહેતું નથી. ત્રીજાચોથા દાયકામાં ગુજરાતીમાં ગ્રામજીવનની નવલકથાઓ લખાવી શરૂ થઈ ત્યારે પન્નાલાલની ‘વળામણાં’ અને ‘મળેલા જીવ’ જેવી તળપદ લોકજીવનની નવલકથાઓ માટે ‘જાનપદી’ સંજ્ઞા વ્યાપક પ્રચારમાં આવી. ગુજરાતના ઈશાનિયા ખૂણાના ડુંગરાળ વિસ્તારના આગવા પ્રાકૃતિક પરિવેશમાં જીવતા લોકોની એ કથાઓ છે. જો કે પન્નાલાલની દૃષ્ટિ સામે ગામડાંનાં તરુણતરુણીઓના મુગ્ધ પ્રેમ, વિયોગ કે લગ્નજીવનની વૈયક્તિક સમસ્યાઓ જ મુખ્ય કથાવસ્તુરૂપે પડી છે. એવી વ્યક્તિકથા નિમિત્તે લોકજીવનના રોજિંદા વ્યવહારો આચારવિચારો ઉત્સવોપર્વો આદિનું સહજ ભાવે આલેખન થતું રહ્યું છે. પણ સંપ્રજ્ઞપણે સમગ્ર અંચલની સંસ્કૃતિને તેના સમગ્ર વ્યાપમાં લેવાનું પન્નાલાલને કદાચ એટલું ઉદ્દિષ્ટ નહોતું. હિંદી કથાસાહિત્યમાં ફણીશ્વરનાથ ‘રેણું’, ‘નાગાર્જુન’, શ્રીલાલ શુક્લ, રાંગેય રાઘવ આદિ નવલકથાકારોએ આંચલિક જીવનની સૂક્ષ્મતા અને જટિલતા સિદ્ધ કરીને આંચલિક નવલકથાનું જે બહુસ્તરીય બહુપરિમાણીય સ્વરૂપ ખીલવ્યું તે પન્નાલાલની જાનપદી કથાઓને મળ્યું નથી. ગુજરાતીમાં જાનપદી કથાઓની જે પરંપરા ઊભી થઈ તેમાં પન્નાલાલની જાનપદી કથાઓ વધુ પ્રભાવક રહી છે. ‘જાનપદી નવલકથા’ સંજ્ઞા હજીય એની મૂળની અર્થચ્છાયા જાળવી રહી છે. મારા વક્તવ્યનો વિષય છે : ‘ગુજરાતીની જાનપદી નવલકથા-રચનાની નવી તરેહો.’ એમાં અભિપ્રેત છે કે પરંપરામાં જાનપદી કથાઓનું જે સ્વરૂપ બંધાવા પામ્યું છે તેની સામે છેલ્લા દોઢ બે દાયકાઓમાં લખાયેલી ગ્રામકેન્દ્રી નવલકથાઓમાં ખરેખર કોઈ નવો પ્રવાહ (new trend) જન્મ્યો છે કે કેમ, અને જો એવો પ્રવાહ સંચલિત થયો હોય તો તેનાં પ્રેરકબળો ક્યાં, પ્રેરણાસ્રોતો કયા, વિકાસદિશા કઈ અને એમાં કોનું પ્રદાન ધ્યાનપાત્ર બને છે વગેરે વગેરે પ્રશ્નો આપણી ચર્ચામાં આવશે. પણ આ નવા પ્રવાહને, નવાં વલણોને યથાર્થ પરિપ્રેક્ષ્યમાં જોવા સમજવા માટે આગલી પરંપરાનો અલ્પ નિર્દેશ કરી લેવાનું અહીં આવશ્યક બની રહે છે. ગુજરાતીમાં ગ્રામજીવનની સમસ્યાઓ લઈને નવલકથાઓ લખવાની પ્રવૃત્તિ આશરે ૧૯૩૨-૩૩ની આસપાસમાં શરૂ થઈ. એ પહેલાં મુખ્યત્વે સામાજિક અને ઐતિહાસિક કથાઓના ક્ષેત્રમાં લેખન થયું હતું. ત્રીજા દાયકામાં જ ગુજરાતી કવિતા, વાર્તા, નવલકથા જેવાં સ્વરૂપોમાં એ સમયની રાષ્ટ્રીય હિલચાલ અને વિચારધારાઓની અસરો પડવા લાગી હતી. જ્યાં સુધી કાવ્યસર્જનનો પ્રશ્ન છે, એમાં ગાંધીજીની જીવનવિચારણા વ્યાપકપણે પ્રભાવક નીવડી છે, જો કે રવીન્દ્રનાથનો સૌંદર્યવાદ અને માનવ્યવાદ ઉપરાંત થોડેક અંશે રશિયન ક્રાંતિની ઘટના અને માકર્‌સવાદ પ્રગતિવાદ જેવી વિચારધારાઓ ય એમાં પ્રેરક બની. એ સમયે ગાંધી નહેરુ આદિ રાષ્ટ્રપુરુષોએ વિશાળ સમભાવ અને કરુણાદૃષ્ટિથી ભારતના ગ્રામીણજીવનનું દર્શન કર્યું. એ વેળાની રાષ્ટ્રીય હિલચાલની પ્રેરણાથી લોકસંસ્કૃતિ અને લોકસાહિત્ય તરફ લેખકો ચિંતકો ઝુકતા ગયા. એવે તબક્કે ગ્રામજીવનનાં સુખદુઃખ વેરઝેર આશાનિરાશા વગેરે સમભાવપૂર્વક રજૂ કરવા કેટલાક નવલકથાકારો બહાર આવ્યા. એ પૈકી રમણલાલ દેસાઈ સમકાલીન વિચારધારાઓ અને યુગબળો ઝીલવા ઘણા આતુર અને મહત્ત્વાકાંક્ષી રહ્યા છે. તેમણે ગ્રામજીવનની સમસ્યાઓને એકસાથે રજૂ કરવા ‘ગ્રામલક્ષ્મી’ (ભાગ ૧-૪) જેવી મોટા ફલકની કથા લખી. કથાનાયક અશ્વિન ઇજનેરી શિક્ષણ લીધું હોવા છતાં બેકાર છે, ગામના તળાવમાં આપઘાત કરવા જાય છે અને ત્યાં ગ્રામલક્ષ્મી સાક્ષાત્‌ દેવીરૂપે પ્રત્યક્ષ થયાં અને તેની આજ્ઞાથી અશ્વિને ગ્રામસુધારણાની પ્રવૃત્તિ આદરી. અસ્પૃશ્યતા નિવારણ, કિસાન ઉત્કર્ષ, નારીમુક્તિ જેવા પ્રશ્નો અશ્વિને ઉકેલી નાંખ્યા. આ આખી ય કથા રંગીન આદર્શો પર મંડાયેલી છે. એમાં રજૂ થયેલું ગ્રામજીવન ઘણું કૃત્રિમ અને આભાસી છે. ઝવેરચંદ મેઘાણીની ત્રણ જાણીતી સામાજિક કથાઓ ‘તુલસીક્યારો’, ‘વેવિશાળ’ અને ‘નિરંજન’માં સૌરાષ્ટ્રના આગવા ગ્રામજીવનનો અને તેની આગવી સંસ્કૃતિનો પરિવેશ છે, પણ એમાં લગ્નજીવન અને કુટુંબજીવનની વૈયક્તિક સમસ્યાઓ જ કેન્દ્રમાં છે. ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ એ તેમની ઘણી જાણીતી પ્રાદેશિક કથા છે. અલબત્ત, એમાં તેમનો મુખ્ય રસ તો સોરઠી લોકજીવનની અસ્ત પામતી પેઢીઓમાંથી કેટલાંક અતિવિલક્ષણ માનવીઓના વૃત્તાંતો સાંકળી લઈ તેમાં વીતેલા યુગની શૌર્યવીર્ય, બલિદાન, ભક્તિ, આત્મસમર્પણ, સેવાવૃત્તિ જેવી ભાવનાઓ આલેખવાનો રહ્યો છે. મેઘાણી જો કે પ્રગતિવાદનો પ્રભાવ પણ ઝીલવા ચાહે છે. ‘સત્યની શોધમાં’ જેવી રૂપાંતરરૂપ નવલકથામાં ગ્રામીણ કસ્બાની પશ્ચાદ્‌ભૂમિકા પર પૂંજીવાદી શેઠશાહુકારની દુનિયા અને રઝળતાં ફરતાં રંક બાળકોની દુનિયા એ બે વચ્ચેની તીવ્ર વિષમતા આલેખવાનો પ્રયત્ન કર્યો છે, પણ બનાવો અને ચરિત્રોના વર્ણનમાં ઘેરા રંગો વપરાયા છે. ચુનીલાલ મડિયાએ પોતાની કારકિર્દીના આરંભમાં લખેલી ગ્રામકેન્દ્રી કથાઓમાં, વિશેષતઃ ‘ઈંધણ ઓછાં પડ્યાં’ અને ‘પાવકજ્વાલા’ જેવી કૃતિઓમાં, રાષ્ટ્રીય મુક્તિની લડતના અમુક બનાવો અને તત્કાલીન વાતાવરણનો આધાર લીધો છે, પણ મડિયાની નજર સામે અટપટા પ્લૉટવાળી કથારચનાઓ છે. સામાજિક આર્થિક પરિસ્થિતિનું યથાર્થ ચિત્રણ તેમાં ઓછું જ છે. આ સમયના નવલકથાકારોમાં પન્નાલાલ પટેલ એક અતિ રસપ્રદ ઘટના જેવા છે. સમકાલીન રાષ્ટ્રીય લડત સમકાલીન વિચારધારાઓ અને યુગબળોથી ઘણેઅંશે અપ્રભાવિત રહ્યા છે. કેવળ આંતરસૂઝથી માનવ્યક્તિ અને સમાજજીવન વચ્ચેના સંકુલ સંબંધો અને વ્યક્તિચેતનાના ગહન સૂક્ષ્મ પ્રવાહોનો તેઓ તાગ લેવા સમર્થ બન્યા છે. ‘ના છૂટકે’, ‘પાછલે બારણે’, ‘ઘમ્મર વલોણું (૧-૨) જેવી કથાઓમાં ક્યાંક રાષ્ટ્રીય હિલચાલ કે ક્યાંક સામંતશાહીના અવશેષ જેવા ઠાકોરની જુલ્મકથાઓ રજૂ થઈ છે, પણ એમાં નવીન સામાજિક મૂલ્યોની સમર્થ રીતે પ્રતિષ્ઠા કરવાનું તેમનાથી બન્યું નથી કે તેમણે સભાનપણે એવા મૂલ્યબોધને ઉપસાવવા આવશ્યક એવી રચનાદૃષ્ટિ કેળવી નથી. તેમના સમગ્ર નવલકથાલેખનમાં શિરમોર જેવી અને સમસ્ત ગુજરાતી કથાસાહિત્યમાં મોટા સીમાચિહ્ન સમી. ‘માનવીની ભવાઈ’માં પણ, આમ જુઓ તો, કોઈ સામાજિક દર્શનનો નિર્ણાયક પ્રભાવ નથી. નાયકનાયિકા કાળુરાજુના મર્મસ્પર્શી પ્રણયકથાનક રજૂ કરતાં યુવાન ખેડૂત કાળુમાં નિખરતા લોકનાયકનું ચિત્રણ એમાં અસાધારણ કળાત્મકતાથી થયું છે. છપ્પનિયાના મહાદુઃકાળના પ્રસંગે સમગ્ર પીડિત સમાજની સહાય કરવા તે પ્રવૃત્ત થાય છે તેમાં તેની અસામાન્ય પરગજુવૃત્તિ અને કરુણાદૃષ્ટિ છતાં થાય છે. પન્નાલાલ આ કથામાં લોકજીવનની પ્રવૃત્તિઓ અને આચારવિચારની બાહ્ય વાસ્તવિકતા અને નાયકનાયિકાના હૃદયજીવનની ગહન સૂક્ષ્મ સંવેદનાઓમાં માનસિક વાસ્તવિકતા એકીસાથે પૂરી સચ્ચાઈ અને શ્રદ્ધેય રૂપમાં મૂકી શક્યા છે. વિશાળ પ્રાદેશિક જીવનની કઠોર દુર્ભેદ્ય વાસ્તવિકતાનું, એમના કોઈ સમકાલીન કે અનુકાલીન લેખક દ્વારા, પન્નાલાલની કોટિએ નિરૂપણ થયું નથી. છઠ્ઠા દાયકામાં ગુજરાતીમાં આધુનિકતાવાદ (Modernism)નું વિશાળ આંદોલન શરૂ થયું, ત્યારે ય પન્નાલાલ, મડિયા, પેટલીકર આદિ આગલી પેઢીના નવલકથાકારો આગવી આગવી રીતિએ ગ્રામજીવનની કથાઓ લખતા રહ્યા. પણ આધુનિકતાવાદે રજૂ કરેલી નવીન કળાવિચારણાઓ અને નવીન કળામૂલ્યોના વ્યાપક પ્રસારના સમયે જાનપદી નવલકથાઓ, બલકે સમગ્ર સામાજિક નવલકથાઓ, ઉપેક્ષિત થતી ગઈ. આધુનિકતાવાદના પાશ્ચાત્ય પ્રગટીકરણમાં દોસ્તોએવ્સ્કી, કાફકા, કામૂ, પુસ્ત આદિનું જે રીતે પ્રદાન હતું તેને લક્ષમાં રાખીને અહીં નવલકથાની નવી વિભાવના બાંધવાના પ્રયત્નો થયા. આધુનિકોના અગ્રણી સુરેશ જોષીએ કળામાં રૂપનિર્માણ અને સંપ્રજ્ઞપણે ટેકનિકના વિનિયોગ પર અસાધારણ ભાર મૂક્યો. તે સાથે કળાનિર્મિતિમાં પદાર્થજગતના પ્રતીકીકરણના, અમૂર્તીકરણના અને અમાનવીયકરણ (dehumanization)ના ખ્યાલોનો ય મહિમા થયો. વળી પરિચિત વાસ્તવનું સ્વપ્ન, ભ્રાંતિ, કપોલકલ્પિત કે એબ્સર્ડના આવિર્ભાવો સાંકળીને વિઘટન કરવાનું વલણ પણ જન્મ્યું. આ સમયની કેટલીક આધુનિક લેખાતી કથાઓ – ‘છિન્નપત્ર’ અને ‘મરણોત્તર’ (સુરેશ જોષી) ‘કામિની’ (મધુ રાય), ‘નિશાચક’ (કિશોર જાદવ), ‘ફેરો’ અને ‘સ્વપ્નતીર્થ’ (રાધેશ્યામ શર્મા), ‘અસ્તી’ (શ્રીકાન્ત શાહ), ‘મહાભિનિષ્કમણ’ (મુકુંદ), ‘કોણ?’ (લાભશંકર ઠાકર), ‘આકાર’ અને ‘પેરેલિસિસ’ (ચંદ્રકાન્ત બક્ષી), ‘અચલા’ અને ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ (જ્યોતિષ જાની) – આદિ કૃતિઓ આધુનિક વલણોને જુદી જુદી રીતે રજૂ કરે છે. એમાં સ્વચ્છ સુરેખ વસ્તુવિધાન અને કાર્યવિકાસને સ્થાને માનવસંયોગોની વિષમતા રજૂ કરવા તરફનું વલણ છે. સામાજિક વાસ્તવ સાથેનો સંબંધ એમાં તૂટ્યો છે અને પરિચિત માનવપ્રતિમા ય ઠીકઠીક હ્રાસ પામી છે. નવી ચૈતસિક વાસ્તવિકતાને મૂર્ત રૂપ આપવા કલ્પનો/પ્રતીકોથી યુક્ત કથનવર્ણન રીતિનો એમાં વ્યાપક વિનિયોગ થવા પામ્યો છે. પન્નાલાલ આદિ છેક આગલી પેઢીના લેખકો આ આધુનિકતાવાદી વિચારવલણોથી લગભગ અલિપ્ત રહ્યા, પણ છઠ્ઠાસાતમા દાયકામાં લખતા થયેલા કથાસર્જકોમાં જેઓ પરંપરાગત નવલકથાના ઢાંચા તરફ વળ્યા છે તેમની રચનારીતિમાં અને વિશેષતઃ તેમની કથનવર્ણનની રીતિમાં આધુનિકોની કલ્પન/પ્રતીકનિષ્ઠ શૈલીના સંસ્કારો ઊતર્યા જ છે.

ગુજરાતીમાં આધુનિકતાવાદી આંદોલન હવે લગભગ થંભી ગયું છે, જો કે કવિતાલેખન, ટૂંકી વાર્તા, લલિત નિબંધ જેવાં સ્વરૂપોમાં સંવેદનશીલતા (sensibility) અને શૈલી પરત્વે આધુનિકતાનું અનુસંધાન ઠીકઠીક જારી રહ્યું છે. પણ ટૂંકી વાર્તામાં કેટલાક તરુણોના જૂથે સુરેશ જોષીના આત્યંતિક કળાવાદ સામે તીવ્ર પ્રતિક્રિયા દર્શાવી છે. તળ ધરતી પર વસનારાં લોકોનાં જીવનમૂળ તરફ તેઓ જવા ચાહે છે, તળ જીવનચેતના (nativity)ને તેઓ ઓળખવા ચાહે છે એવો તેમનો દાવો છે. પણ સર્જકતાના આ પ્રકારનાં સંચલનોને વિકસવા વિસ્તરવાને નવી સાહિત્યચર્ચાનો સંદર્ભ મળ્યો નથી. સમાજદર્શન સંસ્કૃતિચિંતન કે જીવનવિચારની ભોંય મળી નથી. છેલ્લા દોઢબે દાયકાની સામાજિક/જાનપદી નવલકથાઓની ગતિવિધિઓનો વિચાર કરીએ ત્યારે એક વાત એ નોંધવાની રહે છે કે આઠમા દાયકાના અંત સુધીમાં રાષ્ટ્રીય સ્તરે કેટલાંક આમૂલ પરિવર્તનકારી વિચારવલણો સક્રિય બન્યાં હતાં. આપણા અગ્રણી બૌદ્ધિકોનો એક વર્ગ આપણી પ્રજાકીય ચેતનાને રુંધી રહેલા સંસ્થાનવાદી બોજને હઠાવવા આગ્રહ સાથે આગળ આવ્યો. ભારતીય લેખકોમાં ય પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિને, બલકે સાચ્ચી ભારતીયતાને સમજવાની ઊંડી ઝંખના જાગી. ભારતીય સાહિત્ય અકાદમીએ આ સમયગાળામાં હિંદી, બંગાળી, મરાઠી, કન્નડ આદિ ભારતીય ભાષાના મોટા સાહિત્યકારો અને તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓ વિશે અનુવાદરૂપે મહત્ત્વની સામગ્રી ઉપલબ્ધ કરી આપી. દેશભરમાં પરિસંવાદો વ્યાખ્યાનો આદિ કાર્યક્રમોનું આયોજન કર્યું. બીજી બાજુ, આ તબક્કામાં જ આંબેડકર ચેતના વધુ પ્રજ્વલિત થઈ અને દેશના અનેક ભાગોમાં એક સક્રિય આંદોલનરૂપે એ ફેલાતી રહી. એ આંદોલનના ભાગરૂપે જ દલિત સમાજ પરના જુલ્મો, અત્યાચારો અને અમાનુષી વ્યવહારોની આક્રોશભરી કથની કહેતું દલિત સાહિત્ય ય ખેડાવા લાગ્યું. રાષ્ટ્રભરમાં, આમ, કંઈક સૂક્ષ્મ રીતે નવી વૈચારિક આબોહવા બંધાઈ રહી હતી, ત્યારે ગુજરાતીમાં આધુનિકતાવાદથી પ્રેરિત અને સમાંતરે પરંપરાગત રીતિ તરફ ઝોક ધરાવતી એમ અલગ કથાધારાઓ વહેતી હતી, પણ રાષ્ટ્રીય સ્તરની બૌદ્ધિક વિચારધારા નવી પેઢીના કેટલાક ગણ્યાગાંઠ્યા લેખકો સિવાય ઝાઝી પ્રભાવક બની નહિ. ગુજરાતીમાં આ સમયે દલિત સમાજમાંથી આવતા કેટલાક ખરેખર આશાસ્પદ અને તેજસ્વી સર્જકતાનો સુખદ અણસાર આપતા તરુણ લેખકોની પેઢીએ લેખન શરૂ કર્યું. કવિતા, વાર્તા ઉપરાંત નવલકથાના સ્વરૂપમાંય તેમણે એટલી જ નિષ્ઠા અને ખુદવફાઈથી કામ કર્યું. પોતે જે વર્ગમાંથી આવ્યા હતા તેનાં દર્દ, વ્યથા, સંઘર્ષ વગેરે જાતઅનુભવોમાં તેમણે પ્રત્યક્ષ કર્યાં હતાં. એટલે એ દલિત લેખકોએ રચેલી નવલકથાઓ એક નોખી તરેહ રચે છે એમ સમગ્રપણે કહી શકાય. જો કે ગુજરાતમાં દલિતચેતનાનું આંદોલન મહારાષ્ટ્ર જેટલું વ્યાપક અને ઉગ્ર બન્યું નથી અને મરાઠીના દલિતસાહિત્ય જેવાં અને જેટલાં એનાં પરિમાણો પણ ખૂલ્યાં નથી. એનાં સમાજશાસ્ત્રીય, શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક કારણો સંભવે છે. અહીં એવાં કારણોમાં ઊંડે ઊતરવાને અવકાશ નથી. માત્ર એટલું જ સૂચવવું છે કે દલિતચેતનાની નવલકથાઓ એક નોખો પ્રવાહ રચે છે. અન્ય વર્ગના તરુણ લેખકો ગ્રામકેન્દ્રી નવલકથા તરફ ભિન્નભિન્ન સર્જકવૃત્તિ અને ભિન્નભિન્ન આકારબોધ લઈને ચાલ્યા છે. રચનારીતિ અને કલ્પન/પ્રતીકયુક્ત શૈલીના સંયોજન પરત્વે ભિન્ન અભિગમ દર્શાવે છે. ગ્રામજીવનના નવા પ્રવાહો, સામાજિક આર્થિક વિષમતાઓ, સમાજના રૂઢ ઢાંચામાં જ્ઞાતિઓનો ઉચ્ચાવચ ક્રમ અને અસ્પૃશ્ય વર્ગની યાતના એ પ્રકારના વર્ણ્યવિષયો એમાં સ્વીકાર પામ્યા છે. પણ દરેક નવલકથાકાર કંઈક આગવો વર્ણ્યવિષય લઈને કે આગવી સંવિધાનરીતિ નિર્માણ કરીને ચાલવા ઝંખે છે. પણ એવા લેખનપ્રયોગોને પરિણામે ઉત્કૃષ્ટ કળાકૃતિ બહુ ઓછી મળી છે અને દરેકની ગતિ જુદી દિશાની રહી છે એ કારણે પણ આ કથાઓમાં કોઈ મોટી બળવાન ધારા રચાતી નથી.

છેલ્લા દાયકા દોઢ દાયકા દરમ્યાન જોસેફ મેકવાન ગુજરાતમાં દલિત સાહિત્યના એક અગ્રણી લેખક અને દલિત સમાજના એક સમર્થ પ્રવક્તાના રૂપમાં ઊપસી આવ્યા છે. એમનું લેખન, આમ તો, છેક સાતમા દાયકાના આરંભમાં શરૂ થયેલું. પણ એમને માન્યતા છેક તાજેતરનાં વર્ષોમાં મળી. એમણે આરંભમાં દલિત વર્ગમાંથી કેટલાંક વિશિષ્ટ માનવીઓનું મર્મસ્પર્શી ચરિત્રચિત્રણ કર્યું. એ વર્ગનાં માનવીઓમાં ય કોઠાસૂઝ, તિતિક્ષા, ધૈર્ય, સમર્પણ, સહાનુકંપા જેવા વિરલ હૃદયધર્મો પ્રગટે છે અને સહજ રીતે માનવીય ગરિમાનો નવો અંદાજ આપે છે, એ વસ્તુ તેમણે સહૃદયભાવે રજૂ કરી. પણ તેમને એક સશક્ત અને નોખી માટીના સર્જક તરીકે પ્રતિષ્ઠા મળી તે તેમની બહુચર્ચિત ગ્રામકેન્દ્રી નવલકથા ‘આંગળિયાત’ દ્વારા. લેખકની પોતાની કારકિર્દીમાં જ નહિ, ગુજરાતીની જાનપદી નવલકથાઓની ધારામાં એ એક વિશેષ આવિર્ભાવ બની રહે છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અસ્પૃશ્ય મનાતી રહેલી વણકર જ્ઞાતિનાં ચરિત્રો લઈ તેમણે, એ વર્ગને અહીંની ધનિક જમીનદાર એવી પાટીદાર જ્ઞાતિ તરફથી જે અન્યાય જુલ્મ અને શોષણનો ભોગ બનવું પડયું છે તેની સામાજિક ભૂમિકા પર કથાની માંડણી કરી છે. (સાહિત્ય અકાદમી, ન્યૂ દિલ્હી, દ્વારા એ કૃતિને રાષ્ટ્રીય એવોર્ડથી સંમાનિત કરવામાં આવી છે.) દલિત સમાજની એક અનોખી કથા લેખે ઉમાશંકર જોશીએ આ કથાનો સત્કાર કરેલો. ગુજરાતના પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી ધવલભાઈ મહેતા એને ગુજરાતી જાનપદી કથાઓની ધારામાં ‘ચોથું મોજું’ તરીકે ઓળખાવે છે. એમના મંતવ્યાનુસાર પહેલી વાર એક અસ્પૃશ્ય જાતિને કેન્દ્રમાં રાખી એમના જીવનસંઘર્ષનું તાદૃશ ચિત્રણ લેખકે કર્યું છે.’ નવલથાનાં મુખ્ય ચરિત્રો ટીહો, વાલજી, કંકુ, મેઠી વગેરે વિરલ આત્મશ્રદ્ધા અને ખુમારીથી પોતાના જીવનસંયોગોનો સામનો કરે છે અને લેખક એ ચરિત્રોના આલેખનમાં વણકર જાતિની પ્રબળ અસ્મિતાનો પરિચય આપે છે. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં રાજકીય અને સામાજિક સ્તરે દલિતોના ઉત્કર્ષ માટે જે નવી હિલચાલો થતી રહી, તેને પરિણામે ટીહો, વાલજી જેવાં પાત્રો સમગ્ર સામાજિક ઢાંચામાં પોતાનું સ્થાન ક્યાં છે તે વિશે તીવ્ર સભાનતા પ્રગટ કરે છે. ચરોતરનો પાટીદાર સમાજ, આથી, શોષકવર્ગના રૂપમાં તેઓ જોઈ શક્યા છે. ઉજળિયાત વર્ગ વણકર જ્ઞાતિનું આર્થિક દૃષ્ટિએ શોષણ કરે જ છે, પણ વણકર સ્ત્રીઓનું જાતીય શોષણ પણ એ વર્ગ દ્વારા થાય છે એ વિશે તેઓ એટલા જ સભાન છે. નવલકથામાં ટીહો અને મેઠીનો નિર્વ્યાજ પ્રેમસંબંધ, બંનેના લગ્નમાં દુષ્ટ માણસોનો અવરોધ અને બંનેની કઠોર વ્રત સમી એકાકી જિંદગી – એવો એક ગંભીર લાગણીમૂલક કથાતંતુ પડેલો છે. બંનેના નિર્મળ સંબંધમાં ઉદાત્ત મંગલ અંશ પડ્યો છે. વણકર જ્ઞાતિની નિજી લહેકાવાળી તળપદ બોલીનો લેખકે સમર્થ રીતે ઉપયોગ કર્યો છે. પણ જ્યાં કળાત્મક સંવિધાનનો પ્રશ્ન છે, આ નવલકથાની નિર્બળતા છતી થઈ જાય છે. કથાવિકાસ અર્થે ગૂંથેલા કેટલાક બનાવો કૃત્રિમ અને અપ્રતીતિકર લાગે છે. વળી ટીહો અને વાલજીમાં શોષક વર્ગ પ્રતિ રોષ અને આક્રોશ છે, પણ વર્ગ વિષમતા અને સંઘર્ષની પરિસ્થિતિ અહીં પૂરી સંકુલતા સમેત રજૂ થયાં નથી. એનું મૂળ કારણ કદાચ એ સંભવે છે કે લેખકની સંવેદના વણકર સમાજની અસ્મિતા રજૂ કરવામાં વિશેષ રોકાયેલી છે. જૉસેફ મેકવાનની ‘આંગળિયાત’ પછીની બે જાનપદી નવલકથાઓ – ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા’ અને ‘મારી પરણેતર’ – બંને ય એમના એ જ અનુભવસ્રોત સમા વણકર સમાજની કથાવસ્તુઓ રજૂ કરે છે. બંનેમાં વણકર સમાજનાં મુખ્ય પાત્રો પોતાની અતૂટ આત્મશક્તિ અને સહનશીલતાનો આપણે પરિચય કરાવે છે અને છતાં બંનેમાં વર્ગભેદ, શોષણ અને અન્યાય જેવા સામાજિક પ્રશ્નો એકદમ ગૌણ બની જતા દેખાય છે. લગ્નજીવનની સમસ્યા અને તેની આસપાસ અન્ય જનોના સંબંધોના ગૂંચાતા ઉકેલાતા તાણાવાણાઓ અહીં રસપ્રદ વૃત્તાંતો રચે છે. ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા’માં વિધવા સરિતા પતિના મિત્ર લક્ષ્મણ સાથે લગ્ન કરે છે, છતાં બંને સદ્‌ગત ભાનુભાઈના પવિત્ર સ્મરણમાં, એક જ મકાનમાં વર્ષો સુધી સાથે રહેવા છતાં, બ્રહ્મચર્યવ્રતનું કઠોર પાલન કરે છે. આ રીતની અપ્રતીતિકર પરિસ્થિતિને સ્વીકારવાનું મુશ્કેલ છે અને લગ્નજીવનના સમવિષમ સંયોગોને લક્ષ કરતી આ નવલકથા સામાજિક સમસ્યાઓથી વેગળી રહી ગઈ છે. ‘મારી પરણેતર’માં વણકર સમાજની એક ખમીરવંતી પરિણીતાની હૃદયસ્પર્શી કરુણ કથા રજૂ થઈ છે. આત્મગૌરવશાળી, પ્રતાપી અને અલ્લડ સ્વભાવની ગૌરીને યોગ્ય વર મળ્યો નથી. અંતે તે આત્મહત્યા કરે છે. એક મધુર નારીચરિત્ર જાણે સંજોગોનો શિકાર બન્યું છે. કથામાં બેત્રણ નાના વૃત્તાંતોમાં ગામના સાધનસંપન્ન ઉચ્ચ વર્ણના લોકો દ્વારા દલિતો પર થતા અત્યાચારોનું વર્ણન છે. પણ કથાવિકાસમાં એ વૃત્તાંતો આગંતુક અને અપ્રસ્તુત લાગ્યા કરે છે. દલિત લેખકોમાં દલપત ચૌહાણનું પણ આગવું સ્થાન છે. કવિતાના સ્વરૂપમાં કેટલીક સશક્ત પ્રતીકવાદી કૃતિઓ તેમણે આપી છે. દલિત સંવેદનાઓનું એ રીતે સૂક્ષ્મ અને માર્મિક આલેખન કરવાનો તેમનો એમાં પ્રભાવક પ્રયત્ન રહ્યો છે. તેમની લઘુનવલ ‘મલક’ ઉત્તર ગુજરાતના ગામડામાં વસતી વણકર જ્ઞાતિની એકદમ નોખી કથા રજૂ કરે છે. એનો કથાતંતુ સાદો અને સુરેખ છે. અંત્યજ યુવાન ભગો ગામની ઉજળિયાત ચૌધરી કોમની એક નવોઢા સંતોક સાથે સીમખેતરના એકાંતમાં પરસ્પરની ઇચ્છાના અણસારે જાતીય સંબંધ રાખે છે. સંતોકનો પતિ નપુંસક હતો, એ સંજોગોમાં સંતાન ઝંખતી સંતોક સ્વેચ્છાએ ભગાને આમંત્રે છે. પણ નિયતિ કહો, સમાજવ્યવસ્થા કહો, સંતોકનું કૃત્ય વિષમ પરિણામ સર્જે છે. સંતોક સગર્ભા બને છે અને પૂરા દિવસે બાળકને જન્મ આપે છે, ત્યારે એ બાળકનો પિતા અંત્યજ યુવાન ભગો છે એ રહસ્ય ખુલ્લું પડે છે. ભગાના ઘોર અપરાધથી ક્રોધે ભરાયેલા સર્વ ઉજળિયાત લોક વણકરોના વાસ પર હૂમલો કરે છે, તેમના ઘર સામાન બધું સળગાવી દે છે અને આ હૂમલાથી બચવા આખી વણકરકોમ અંધારી રાતે દૂર મુલકમાં હિજરત આદરે છે! એક વૈયક્તિક સમસ્યા આખા સમાજને સંઘર્ષમાં ધકેલી દે છે. એક રીતે નિરાધાર અને ભયત્રસ્ત વણકર સમાજ જે રીતે ઘર/રાચરચીલું હોમાતું જોઈ વ્યથિત હૈયે ચાલી નીકળે છે તેમાં આધુનિક સમાજની મહાકરુણાંતિકા છતી થાય છે. હિજરતી કોમની વ્યથા ચિંતા અને નિરાધારપણાની લાગણીનું ચિત્રણ અહીં ઠીક ઠીક મર્મસ્પર્શી બન્યું છે. દલિત કથાસર્જકોમાં હરીશ મંગલમ્‌ અને મોહન પરમારની લેખનપ્રવૃત્તિ ય ઉલ્લેખ માગે છે. હરીશ મંગલમ્‌ની લઘુનવલ ‘તિરાડ’માં જોઈતી નામની દલિત નારીના દુર્ભાગ્યપૂર્ણ જીવનની કથા રજૂ થઈ છે. પણ જોઈતીના દુઃખની કથા કંઈ સામાજિક સંઘર્ષની બાબત નથી. મોહન પરમારની ‘વિક્રિયા’ અને ‘નેળિયું’ આ પ્રકારની ગ્રામકેન્દ્રી નવલકથાઓ છે. આ દલિત લેખકો મુખ્યત્વે દલિત સમાજનાં પાત્રો લઈને આવ્યા છે. તેઓ કોઈ ને કોઈ message આપવા આતુર છે. એટલે કથાવિષયની સીધી સોંસરી રજૂઆત કરવા તેઓ પ્રેરાયા છે. ચરિત્રચિત્રણ વસ્તુગ્રંથન કે ભાષાશૈલીની કળાત્મક માવજત કરવા ય તેઓ ઓછી વાર રોકાયા છે. વણકર સમાજની આગવા લ્હેકા, આગવાં ઉચ્ચારણો અને આગવા શબ્દભંડોળવાળી તળપદ બોલીનો તેમણે સૌએ પ્રભાવક ઉપયોગ કર્યો છે. તળપદ બોલીપ્રયોગો પણ માનવઅંતરની ગૂઢ એષણાઓ, વૃત્તિઓ અને ઊર્મિઓને કેવી બલિષ્ઠતાથી પ્રગટ કરી શકે, ખાસ તો તેમના રૂઢિપ્રયોગો અને કહેવતો તેમના અંતરના અનુભવોને કેવી સચોટતાથી વ્યક્ત કરી શકે તે તેમના બોલીપ્રયોગોમાંથી પ્રતીત થાય છે. પણ કથનવર્ણનની રીતિમાં આવા બોલીપ્રયોગોનો વધુ પડતો મહિમા ન હોવો ઘટે. અંતે સદીઓ જૂની હિંદુસમાજ વ્યવસ્થા જે રીતે આજે ટકી રહી છે અને વીસમી સદીને અંતે બદલાઈ રહેલા ભારતીય સમાજ અને વ્યાપકપણે આંતરરાષ્ટ્રીય સમાજ વચ્ચે જૂના ખ્યાલો અને જૂનાં મૂલ્યો કેટલે અંશે પ્રસ્તુત છે તે આપણા સાહિત્યકારો સામે ઘણા ગંભીર પ્રશ્નો અને ગુજરાતના દલિત લેખકોએ વિશેષતઃ પોતાના હૃદયવેધક અનુભવોને રજૂ કરવાના પ્રામાણિક પ્રયત્નો કર્યા તે આવકાર્ય છે, પણ તેમનું વર્ણ્યવસ્તુ કોઈ ને કોઈ રીતે ચરિત્રની અંગત સમસ્યા તરફ ઢળતું રહ્યું છે. સમાજજીવનને વ્યાપક રૂપે પકડમાં લઈ તેના મૂળભૂત આંતરવિરોધો પ્રગટાવવાનું તેમનાથી ઓછું બન્યું છે.

સમાજના દલિતપીડિત, અસ્પૃશ્ય કે પછાત વર્ગના લોકોની કથાવસ્તુ લઈને લખનારા દલિતેતર લેખકોમાં જયંત ગાડીતની ગ્રામકેન્દ્રી નવલકથા ‘બદલાતી ક્ષિતિજ’ એક બહુચર્ચિત કૃતિ છે. ગુજરાતના વર્તમાન રાજકારણ અને સમાજકારણના પ્રવાહોને ઝીલવાનો જયંત ગાડીતે એમાં સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. રાજકારણના પ્રવાહો અને રાજકીય ક્ષેત્રની ગતિવિધિઓને રજૂ કરવા તરફ ગુજરાતી નવલકથાકારો ખાસ વળ્યા નથી. એ રીતે એ કૃતિ તરત ધ્યાન ખેંચે એમ બનવાનું. પણ વધુ ધ્યાન ખેંચે એવી બાબત કદાચ એ હોઈ શકે કે એનો કથાનાયક જીવાભાઈ ગુજરાતમાં અત્યંત પછાત લેખાતી અને ચોરી શરાબ જેવી બૂરાઈઓને કારણે ભદ્ર સમાજનો તિરસ્કાર પામેલી વાઘરી જ્ઞાતિમાંથી આવ્યો છે. એથી આ કથા ગુજરાતી લેખકો-વિવેચકો અને સમાજશાસ્ત્રીઓના વર્તુળમાં સારું એવું ધ્યાન ખેંચી શકી છે. જીવાભાઈના વૃત્તાંત સામે મધ્યમ વર્ગનાં પ્રતિનિધિરૂપ એવાં બીજાં કેટલાંક ચરિત્રો ય રજૂ કરવામાં આવ્યાં છે. ચરોતર પ્રદેશના પેટાદરા ગામની પૃષ્ઠભૂમિ એમાં મહત્ત્વની ઘટનાભૂમિ છે. જીવાભાઈ વાઘરી આમ તો પેટાદરાની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા છે, પણ આ વિસ્તારના પછાત વર્ગ માટેની અનામત સીટ પરના ધારાસભ્યનું એકાએક અવસાન થતાં એ સ્થાન પર જીવાભાઈને ચૂંટી મોકલવા આ વિસ્તારના ખંધા રાજકારણી શનાભાઈ વાઘેલા દ્વારા વ્યૂહરચના ગોઠવાય છે અને શનાભાઈના કાવાદાવા, ખટપટ અને દોડધામને પરિણામે જીવાભાઈ ચૂંટણી જીતે છે ય ખરા. જયંત ગાડીતે આ કેન્દ્રવર્તી ઘટનાને જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવા અલગઅલગ કથાખંડોની યોજના કરી છે. પહેલા ખંડમાં જીવાભાઈના પડોશમાં રહેતા ઇજનેર રશ્મિભાઈ અને તેની શિક્ષિત પત્ની ચંદ્રિકાનો વૃત્તાંત રજૂ થયો છે. આ દંપતી દક્ષિણ ગુજરાતની અનાવિલ બ્રાહ્મણ જ્ઞાતિમાંથી આવે છે. રશ્મિભાઈના પિતાજી ગઈ પેઢીના ગાંધીવાદી કાર્યકર છે, વતનના ગામમાં રહે છે અને ગાંધીજીએ રજૂ કરેલા આદર્શો અને મૂલ્યોમાં આસ્થા કેળવી જીવ્યે જાય છે. ઇજનેર બનેલા રશ્મિકાન્તને અમેરિકા જઈ ખૂબ ધનાઢ્ય બનવું હતું, પણ તેના ભાગ્યમાં ઇલેક્ટ્રિસિટી બોર્ડની કંટાળાજનક નોકરી લખાઈ હશે તે અહીં પેટાદરામાં આવી વસ્યા છે. જીવાભાઈએ અહીંની હાઈસ્કૂલમાં નોકરી મેળવી તે પછી પત્ની સાથે રશ્મિકાન્તના પડોશમાં ભાડૂત તરીકે રહેવા આવ્યા છે. શિક્ષકના વ્યવસાયમાં પડેલા જીવાભાઈ ધારાસભ્ય જે રીતે બન્યા એ સર્વ બનાવોના તેઓ સાક્ષી બન્યાં. જીવાભાઈ અને તેમની પત્ની સાથે આ ઊજળિયાત દંપતીએ જે રીતે સંબંધ બાંધ્યો અને જે રીતે વ્યવહાર કર્યો તેમાં તેમના અંતરની દ્વિધાગ્રસ્ત લાગણીઓના સંકેત મળે છે. શિક્ષિત અને સંસ્કારી વર્ગમાંથી આવતાં રશ્મિકાન્ત અને ચંદ્રિકા જીવાભાઈને સમભાવપૂર્વક બોલાવે છે, પણ હરેક ક્ષણે તેમના બંનેના અંતરમાં ઊંડેઊંડે પોષાતો રહેલો ભય, શંકા અને ઘૃણાનો ભાવ તેમના વર્તનમાં ક્યાંક ને ક્યાંક છતો થઈ જાય છે. જીવાભાઈ અને તેમની પત્નીના આચારવિચારને તેઓ અસામાન્ય કુતૂહલથી નિહાળે છે. જીવાભાઈ ધારાસભ્ય બન્યા એ ઘટનાથી તેઓ ઊંડેઊંડે સંક્ષુબ્ધ બને છે. સરકારી નોકરી કરનાર ઇજનેરનું માનસ અને સમકાલીન રાજકારણને જોવાની તેની દૃષ્ટિ એમાં ઊપસે છે. બીજા ખંડમાં જીવાભાઈ વાઘરી પોતાના શિક્ષણની પોતાના ઘડતરની અને ધારાસભ્ય તરીકેની કારકિર્દી મેળવ્યાની કથા પોતે રજૂ કરે છે. પોતાના કુટુંબજીવનની અને પોતાના દાંપત્યની કથા નિમિત્તે સમગ્ર વાઘરી કોમના આચારવિચારની કથા એમાં ગૂંથી લેવામાં આવી છે. જીવાભાઈના પિતા મંગળને ચોરીકામની બૂરી આદત છે, શરાબી છે અને શના વાધેલા જેવા રીઢા રાજકારણી અને પોલીસ ઑફિસર ખાનસાહેબ વગેરે સાથે તેણે સારું ગઠબંધન રાખ્યું છે. આમ જુઓ તો આખી ય વાઘરી કોમ તરેહતરેહની બૂરાઈઓમાં સપડાયેલી છે. એની વચ્ચે જીવાભાઈ જેવા કોઈક આત્મા પોતાની આસપાસનાં અનિષ્ટોમાંથી બચવા જેટલી વૃત્તિ કેળવી શકે. પિતા મંગળ આખાય ઇલાકામાં નામચીન ચોર તરીકે કુખ્યાત છે. તેની પ્રચંડ વિકરાળ કાળી મૂર્તિ જીવાભાઈના અજ્ઞાત મનમાં બાલ્યકાળથી જ કોઈ ભયાવહ આકાર બનીને તેને સતત રૂંધતી રહી છે. જીવાભાઈના દાંપત્યજીવનની ય ઘેરી કરુણતા છે. તેમને સંતાન પ્રાપ્ત થયું નથી. એટલે જીવાભાઈને પોતાના પુરુષત્વ વિશે ય સંશયો જન્મે છે. શનાભાઈ વાઘેલાએ તેમને ધારાસભ્યની જગ્યાએ ઊભો રહેવા તેડ્યો ત્યારેય તેને રાજકારણમાં પ્રવેશ કરવાને ઉત્સાહ નહોતો. આત્મશ્રદ્ધાનો અભાવ તેને ઊંડેઊંડે પીડી રહ્યો હતો. જીવાભાઈનાં માતાપિતા બલ્કે આખી જ્ઞાતિ તેમને ફરીથી સૌનો થઈને રહેવા આગ્રહ કરતાં હતાં અને ધારાસભ્ય માટેની ચૂંટણીમાં તેને શરતી ટેકો આપવા તૈયાર હતાં. જીવાભાઈને ઊજળિયાતોના જેવી રીતભાત અને સંસ્કાર કેળવી વિકાસ સાધવો હતો. પોતાની જ્ઞાતિની બૂરાઈઓથી તે મુક્ત થવા ઝંખતો હતો. પણ વાસ્તવમાં ઊજળિયાત વર્ગના લોકો તેના તરફ ઉપહાસની નજરે જોઈ રહ્યા હતા. એવા એક ઉપહાસના પ્રસંગે તેનો અત્યાર સુધી રુંધાતો રહેલો આત્મા એકાએક વિદ્રોહ કરી ઊઠે છે. પિતાજીની અને જ્ઞાતિની બૂરાઈઓથી તે વેગળો રહેવા ઇચ્છતો હતો, તે હવે તેમને શરણે જઈ તેમની મદદથી ચૂંટણી જીતવા કટિબદ્ધ થાય છે. પોતાના અંતરાત્માને કચડી તે કુટિલ રાજકારણમાં ઝંપલાવે છે અને વિજેતા તરીકે બહાર આવે છે ત્યારે એક રીઢા રાજકારણીના વેશમાં તે પ્રગટ થાય છે. નવલકથાના ત્રીજા ટૂંકા ખંડમાં શના વાઘેલાનો વૃત્તાંત છે, ચોથામાં જીવાભાઈના પિતા મંગળનું આત્મકથન છે. મંગળની અંતભાગની ગર્વોક્તિ છે : ‘જીવલો પણ ભગત બનવા નીકળ્યો હતો, પણ હવે તે તેના ઠેકાણે આવી ગયો છે. તે અને શનો વાઘેલો ગમે તેટલા કૂદકા મારે, બંનેની લગામ હવે મારા હાથમાં છે.’ એક મોટું દુરિતતત્ત્વ (evil) આસપાસના રાજકારણમાં કબજો જમાવી ચૂક્યું છે, એવો એક રણકો – અટ્ટહાસ્ય શો – એમાં પડઘાય છે. કથાનાયક જીવાભાઈના વ્યક્તિત્વઘડતરનો એક તંતુ પોતાની આસપાસના સામાજિક અને રાજકીય જીવનમાં તો બીજો તેના દાંપત્યજીવનની નાજુક કટોકટીમાં વિસ્તરે છે. પોતાના પુરુષત્વ વિશેનો સંશય અને ભીતિ તેના અજ્ઞાત માનસમાં ગહન સંઘર્ષનું કારણ બને છે. જીવાભાઈનાં સ્વપ્નોમાં જે પ્રતીકાત્મક સંદર્ભો ઊપસે છે તેમાં એનાં સંકેત મળે છે. આ નવલકથામાં કથાનાયકના અજ્ઞાત માનસનું આ ચિત્રણ ખરેખર પ્રભાવક છે. જયંત ગાડીતે કથનવર્ણનમાં સૂઝપૂર્વક શિષ્ટ અને તળપદ બોલીનું સંયોજન કર્યું છે. જો કે અન્યથા આટલી પ્રભાવક કૃતિમાં વસ્તુસંવિધાનની વ્યસ્તતા કંઈક ખૂંચે છે. આરંભના બે વિસ્તૃત ખંડોમાં તેમણે મુખ્ય પરિસ્થિતિને અલગ અલગ દૃષ્ટિકોણથી રજૂ કરવા ધારી છે. પહેલા ખંડમાં રશ્મિકાન્ત-ચંદ્રિકાનો આગવો દૃષ્ટિકોણ છે, બીજામાં જીવાભાઈની ગતિવિધિ તેના જ્ઞાતિજનોના સંદર્ભે રજૂ થઈ છે. એ બંનેમાં થિમેટિક ડેવલપમેન્ટ જે રીતે થયું છે તેમાં ક્યાંક તિરાડ રહી જવા પામી છે. આમ, રચનાસંવિધાનની મર્યાદા છતાં, એકંદરે, એમાં પ્રસ્તુત થયેલી અસામાન્ય કથાવસ્તુ પ્રભાવક બની રહે છે. મણિલાલ પટેલની લઘુનવલ ‘અંધારું’ પંચમહાલના પૂર્વીય સીમાડા પરનું ગ્રામજીવન રજૂ કરવા તાકે છે. ખાસ તો એ પ્રદેશમાં મોટા જમીનદાર એવા પાટીદારો અને સામંતશાહીના અવશેષ સમા ઠાકોરો ત્યાંની પછાત આદિવાસી નાયકા કોમનું કેવી રીતે શોષણ કરે છે તે તેમને ઉદ્દિષ્ટ છે. આ આદિવાસી કોમના પુરુષો પાટીદારોને ત્યાં ખેતીમાં હાળી તરીકે કામ કરવા દર વર્ષે બંધાય છે – બંધવા મજૂરો સમી તેમની પરિસ્થિતિ હોય છે – અને એ રીતે ગુલામીખત લખ્યા જેવી દશા નિર્માણ થાય છે. નાયકા સ્ત્રીઓ પાટીદારોનું ઘરકામ કરે અને પાટીદારો તેમનું જાતીય શોષણ પણ કરે. આ રીતે જમીનદારી પ્રથા સાથે સંકળાયેલાં અન્યાય જુલ્મ અને શોષણની આ કથા છે. લેખકે નાયકા કોમના રુમાલ અને રેશમના લગ્નજીવનની વિપત્તિઓનો એક સિલસિલો પકડ્યો છે, પણ એની સાથે બીજાં અનેક ગૌણ વૃત્તાંતો તેમણે સાંકળી લીધા છે. રુમાલ અને રેશમ, અંતે, વિષમ પરિસ્થિતિથી બચવા એક ઘોર અંધારી રાતે હંમેશ માટે આ ગામ છોડી દૂર મુલકમાં ચાલી નીકળે છે. ઇંદિરા વિકાસ યોજના હેઠળ પછાત વર્ગના લોકો માટે નાના નાના નિવાસો થઈ રહ્યા છે અને વીજળીનો પ્રકાશ એ નિવાસો વચ્ચેની પગથાર પર રેલાતો થયો છે ત્યારે એ દંપતી અંધકાર ઓઢીને જાણે દૂર ચાલી જાય છે – એ પરિસ્થિતિમાં કરુણ વક્રતા રહી છે. અહીં લેખકે મુખ્ય કથાવસ્તુનો રૈખિક વિકાસ કરવાનો વ્યૂહ જતો કરી રુમાલ રેશમાના ભૂતકાળમાં ફરીફરીને પ્રવેશ કરવાનો અને એ રીતે મુખ્ય વસ્તુને જુદા જુદા કોણથી રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમની કથનવર્ણનની રીતિ ભૂત વર્તમાનને સહોપસ્થિત કરવાની છે. પણ મુશ્કેલી કથનશૈલીના પોતની છે. એમાં નાયકા કોમની અને પાટીદાર સમાજની તળપદ બોલીઓ એ બંનેની માનસિક ભૂમિકાને અનુસરે છે : કહેવતો અને રૂઢિપ્રયોગોના પ્રચૂર પ્રયોગો કંઈક ખૂંચે એટલી હદે યોજાયા છે : પણ કથાનિવેદક (narrator) સતત કલ્પનો/પ્રતીકોની રંગીન ઝાંયવાળી ધુમ્મસિયા શૈલી યોજે છે. આમ પણ, સામાજિક આર્થિક વિષમતા અને અન્યાય જુલ્મ અને શોષણને રજૂ કરવા માટે વિશેષ વિચારધારાનું બળ જોઈએ, પણ અહીં એ વરતાતું નથી. નારીશોષણના ખ્યાલથી પ્રેરાઈને લેખકે નાયકા સ્ત્રીઓ પરના અત્યાચારના જે બનાવો રજૂ કર્યા છે તે પૂરેપૂરા શ્રદ્ધેય પ્રતીત થતા નથી. કિશોરસિંહ સોલંકીની લઘુનવલ ‘મશારી’, દલિતોમાં ય દલિત દશા ભોગવતી ચમાર જ્ઞાતિના એક ભગતની સ્વપ્નિલતાની કથા છે. (કથાશીર્ષક ‘મશારી’નો અર્થ છે જમીનદારની ખેતીમાં હળ હાંકનાર સાથી.) ચમાર જ્ઞાતિ ઘણુંખરું તો મરેલાં ઢોરની ખાલ ઉતારવાનું કામ કરે છે, પણ આ ભગતને એ કામમાં હવે રસ રહ્યો નથી. તેના મનમાં તે એક સ્વપ્ન ઉછેરી રહ્યો હતો : બેપાંચ વીઘાં સારી જમીન મળે તો તેમાં એક લીલીછમ વાડી ખિલવવી છે અને એ સ્વપ્ન સાકાર કરવા પાસેના ગામના એક મોટા પ્રતિષ્ઠિત જમીનદાર વીરા મુખીના ખેતર-ઘરે તે મશારી તરીકે કામ કરવા આવે છે. પૂરી લગન અને જહેમતથી તે કામ કરે છે, પણ મુખીની પુત્રી અને બીજા એક મશારીના ગંદી ચાલબાજીના કારણે તેને મુશ્કેલીઓ સહેવી પડે છે. અંતે પોતાની એક નાનકડી વાડીનું નિર્માણ કરવાની તેને તક આવી મળે છે. ભગતના ઓરતા પૂરા થયા, એક સાદી મર્માળી કથા પૂરી થઈ, પણ અહીં ભગતની ઓલિયાવૃત્તિ અને તેની માનવસહજ અભીપ્સા જ આકર્ષણનો મુદ્દો છે. વર્તમાન સમાજ જીવનની વિષમતા કે સામાજિક આર્થિક પરિબળોની દુઃસહ ભીંસ કે સંકુલ સમાજરચનાની કુટિલ પરિસ્થિતિ જેવું ખાસ ઊપસતું નથી. જમીનદારી વ્યવસ્થામાં રોપાયેલા અન્યાય જુલ્મ અને શોષણ વિશે લેખકને કંઈ વિશેષરૂપે ઉદ્દિષ્ટ જણાતું નથી. સાદી સરળ કથનરીતિમાં વચ્ચે વચ્ચે પ્રકૃતિ સીમનાં મનોરમ ચિત્રાંકનો છે, જે જુદી રીતે આકર્ષક બન્યાં છે.

દલિત ચેતનાની જાનપદી કથાઓની સાથોસાથ ગ્રામજીવનના વ્યાપક પ્રવાહોને આલેખવા ચાહતી નવલકથાઓ પણ લખાતી રહી. છઠ્ઠા, સાતમા અને આઠમા દાયકામાં આધુનિકતાવાદી આંદોલન ઘણું જોમવંતું રહ્યું ત્યારે ય પરંપરાગત રીતિએ ગ્રામજીવનની કથાઓ/જાનપદી કથાઓ સમાંતર પ્રવાહ રૂપે લખાતી રહી. પણ છઠ્ઠાસાતમા દાયકામાં અને તે પછી લખતા થયેલા નવી પેઢીના વાર્તાકારો અને નવલકથાકરોમાંના અનેક આધુનિકતાવાદે રચેલી નવીન આબોહવામાં શ્વસી રહ્યા હતા. આધુનિકતાવાદથી તેઓ અળગા રહ્યા તો પણ નવલકથાના રચનાવિધાન, શૈલી, સર્જનાત્મક ભાષાપ્રયોગ જેવા અંશોમાં પ્રગટ કે પ્રચ્છન્નપણે આધુનિકતાના સંસ્કારો ઝીલતા રહ્યા છે. ગ્રામજીવનની કથાઓમાં ફરી ફરી ખેડાઈને સત્ત્વરહિત બની ગયેલા વિષયો છોડી નવા જ વિસ્તારો શોધવા અને ખેડવા તેઓ પ્રેરાયા. એમાં સમકાલીન રાજકારણનો પ્રભાવ કે સામાજિક પરિસ્થિતિની વિષમતાનું ચિત્રણ કરવાના થોડાક ઉપક્રમો મળે છે, પણ કોઈ વિશેષ સમાજદર્શન કે વિચારધારાના સઘન પ્રભાવ નીચે કોઈ વિશાળ સમૃદ્ધ પરંપરા એમાં બંધાતી નથી. કેટલાએક તરુણ લેખકો તો આગવી આગવી રુચિ અને આગવી આગવી સૂઝ લઈને કામ કરતા રહ્યા છે, ભિન્ન વૃત્તિના અને ભિન્ન દિશાના એ સાહિત્યલેખનમાં કોઈ પ્રાણવાન પ્રવાહ પણ રચાતો નથી. રઘુવીર ચૌધરીએ તેમની લેખક તરીકેની કારકિર્દીના આરંભમાં ‘પૂર્વરાગ’ અને ‘અમૃતા’ જેવી રંગરાગી શૈલીની કથાઓ લખ્યા પછી કેટલીક ગ્રામજીવનની નવલકથાઓ આપી. એમાં તેમની પ્રસિદ્ધ કથાત્રયી ‘ઉપરવાસ’, ‘સહવાસ’, ‘અંતરવાસ’ ગુજરાતીની ગ્રામજીવનની નવલકથાઓમાં એક મોટા સીમાચિહ્ન જેવી બની રહી. ઉત્તર ગુજરાતમાંના પોતાના વતન અને તેની આસપાસના વિસ્તારનું ગ્રામજીવન અહીં રજૂ થયું છે. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં ૧૯૪૭થી ૧૯૭૨ના સમયગાળામાં – નવા રાજકીય પ્રવાહો, આર્થિક વિકાસના કાર્યક્રમો અને નવાં સામાજિક સાંસ્કૃતિક પરિબળો વચ્ચે એ આખાય વિસ્તારના લોકજીવનમાં જે સ્થૂળ સૂક્ષ્મ બાહ્ય આંતરિક પરિવર્તનો આરંભાયાં અને ગામડાંની જૂની જીવનરીતિ અને જીવનવ્યવસ્થામાં જે ફેરફાર આરંભાયો તેનું આ બૃહદ્‌ ફલક પરનું ચિત્રણ છે. વ્યક્તિ, કુટુંબ અને ગામ જેવા ભિન્ન ભિન્ન સ્તરે જે રીતે નવાં પરિબળો અસર કરતાં ગયાં તેને શક્ય તેટલા સર્વગ્રાહી રૂપમાં રજૂ કરવા રઘુવીરે મુખ્યગૌણ અસંખ્ય ચરિત્રો ઉપસાવી લીધાં છે. એમાં પિથુ ભગત, કરસન મુખી, દોલીમા, મૂળજી, મગા મનોર, પભાકાકા વગેરે સૌથી જૂની પેઢીનાં પાત્રો છે. નરસંગ, ભીમો, કંકુ, જેઠો, ચેહર, ઘેમર, રમણભાઈ, હેતી આદિ વચલી પેઢીનાં છે, તો દેવજી, લવજી, જૈમિની વગેરે બિલકુલ નવી પેઢીના છે. પિથુ ભગત, કરસન મુખી અને રમણભાઈ એ ત્રણ કુટુંબોની કથા એમાં વિશેષ વ્યવસ્થા અને અર્થવત્તા અર્પે છે. પિથુ ભગત તો સાચે જ એક સંત વૃત્તિનો નિસ્પૃહી આત્મા છે. રાજકીય સામાજિક પરિવર્તનો અને તેમાં સક્રિય આંદોલનોથી તે સર્વથા નિર્લેપ છે. નરસંગ કેટલોક સમય નવા યુગના પ્રભાવ નીચે આવે છે, પણ પછીથી તે પિથુભગતના જીવનપંથે ચઢી જાય છે. તરુણ દેવજી નિષ્ઠા અને જહેમતથી ગામનાં વિકાસકાર્યોમાં જોડાય છે, પણ વસમા અનુભવ થતાં તે પોતાની જાતને પાછી ખેંચે છે. દેવુનો ભાઈ લવજી પ્રબળ વ્યક્તિત્વવાદી છે. કુટુંબીજનોથી તે અળગો થઈ જાય છે અને અંતે અમેરિકામાં જઈ વસે છે. તીવ્ર એકલતા અને પરાયાપણાની વેદનામાં તેનો આત્મા આક્રોશ કરી રહે છે. આ કુટુંબકથા એક મોટી Saga જેવી છે. ખેતીઉદ્યોગ જેવાં ક્ષેત્રોમાં આધુનિક સાધનોના ઉપયોગ સાથે આર્થિક સમૃદ્ધિ ઝડપથી વધી છે, પણ તે સાથે કુટુંબજીવનમાં વિચ્છેદ અને વિઘટન શરૂ થયાં છે. નવી સંપત્તિએ નવા સંઘર્ષો જન્માવ્યા છે. કહેવાતા આર્થિક ‘વિકાસ’ સામે રઘુવીરે અહીં મોટું પ્રશ્નચિહ્ન મૂકી દીધું છે. દિલીપ રાણપુરાની ‘આંસુ ભીનો ઉજાસ’ (૧૯૮૪) ગ્રામજીવનની કથાઓમાં ઠીકઠીક નોખી પડે છે. સૌરાષ્ટ્રના પંચાલ પંથકના નપાણિયા વિસ્તારના મેરુપર ગામના પુનરુદ્ધારની આ મર્મસ્પર્શી કથા છે. આ વિસ્તારમાં દર વર્ષે દુકાળના જેવી કારમી પરિસ્થિતિ સર્જાતી રહે છે. કથાનાયક દેવરાજ અહીંના મેરુપર ગામમાં પછાત અને બદનામ એવી કોળી જ્ઞાતિમાં જન્મ્યો છે. ભીષણ દુકાળના વરસમાં કુટુંબ સાથે શહેરમાં પહોંચ્યો છે. ગાંધીજીની બુનિયાદી કેળવણીની એક સંસ્થા ‘વસુધા’માં કેળવણી લઈ પોતાના વતનના ગામ મેરુપરના પુનરુદ્ધાર અર્થે તે ત્યાં આવી વસ્યો છે. સંસ્થાના ઉપનિયામક ઉચ્ચ વર્ણના છે અને તેની પુત્રી સરોજ સાથે તેને પ્રણય થાય છે, પણ પોતે ઘણી પછાત જ્ઞાતિનો હોવાથી તેને સરોજના માતાપિતા તરફથી જાકારો મળે છે. હૃદયભંગ થયેલા દેવરાજે એ પ્રણયને સાર્થક કરવા એકલે હાથે પોતાના ખંડિયેર ગામનું નવસર્જન આરંભ્યું. આ પ્રવૃત્તિમાં ગામના ખંધા રાજકારણીઓ, સરકારી અધિકારીઓ, ગામના મુખી, સરપંચ, પૂજારી એમ અનેક બાજુએથી વિરોધો થયા, આક્ષેપો થયા, ચારિત્ર્યખંડન કરવાના પ્રયત્નો થયા, છતાં દેવરાજ દૃઢ મનોબળ કેળવીને પ્રવૃત્તિ કરતો ગયો. આખરનાં ઉપરાઉપરી દુઃકાળનાં વર્ષોમાં તેના સેવાકાર્યમાં પાર વિનાનાં વિઘ્નો આવ્યાં. વર્ષાના આગમને સૌની દૃષ્ટિમાં ‘આંસુ ભીનો ઉજાસ’ ચમકી રહ્યો. લેખકે કથાનાયકના આશાવાદને સફળ થતો દર્શાવ્યો છે. તેની સામે કઠોર કારમી વાસ્તવિકતા વિસ્તરી છે, છતાં પોતાના આદર્શોમાં અંત સુધી અચળ જ રહ્યો એમ લેખકને બતાવવું છે. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં દૂર ઊંડાણના ગામડામાં પણ રાજકીય કાવાદાવા ભ્રષ્ટાચાર વગેરે અનિષ્ટો કેટલાં ઊંડાં ઊતરી ગયાં છે તે અહીં, અલબત્ત, ઘેરા રંગોમાં રજૂ થયું છે. કાનજી પટેલની લઘુનવલ ‘કોતરની ધાર પર’માં પંચમહાલના પૂર્વીય સીમાડા પરનું ગ્રામજીવન આલેખાયું છે. અહીં પણ જમીનદાર અને તેમના કુટુંબમાં હાળી તરીકે કામ કરતા આદિવાસીઓનો વૃત્તાંત છે, પણ મુખ્ય પ્રશ્ન અહીં અવૈધ જાતીય સંબંધનો છે. આદિવાસીઓની તળપદ બોલીનો ઘનિષ્ઠ પ્રયોગ એમાં ધ્યાન ખેંચે છે. એ લેખકની બીજી જાનપદી કથા ‘ડહેલુ’નો વર્ણ્યવિષય પણ કંઈક નિરાળો જ છે. કિશોરવયમાંથી યુવાનીમાં પ્રવેશતા રેવજી નામના તરુણના અજ્ઞાત મનનાં સંચલનોને અને સંક્રાન્તિકાળની તેની બદલાતી મનોદશાને રજૂ કરવાનું લેખકે તાક્યું છે. એમાં કોઈ સળંગ સાતત્યપૂર્વક વિકાસતંતુ ધારણ કરતો પ્લૉટ નથી. કેટલાક અલગ અલગ અનુભવો અને સંવેદનાના સંદર્ભો જ મૂક્યા છે. રેવજીનું કુટુંબ પરાપૂર્વથી ખેતીના વ્યવસાયમાં રોકાયેલું રહ્યું છે. જીવનની કોઈ એક સ્થગિત દશામાં બધું પડ્યું છે. અંતના બે સંદર્ભોમાં રેવજીએ લગ્ન કર્યાનો અને પુત્રનો પિતા બન્યાનો ઉલ્લેખ છે. આ રીતે અસ્તિત્વની ઘટમાળમાં પિતામહના સ્થાને તે પોતાને જુએ છે. દાદાજીનો હોકો ગગડાવતાં તેને પોતાની એબ્સર્ડ દશાનું તીવ્ર ભાન થાય છે. માનવઅસ્તિત્વ સ્વયં કોઈ અર્થહીન દિશાહીન યાંત્રિક પુનરાવર્તન હોવાનો તેને અહેસાસ થાય છે. રેવજીની સંધિવયના પ્રસંગો દેખીતી રીતે પરસ્પરથી વિશૃંખલિત છે. પણ અસ્તિત્વમૂલક સંવેદનાના સંદર્ભો અને ફૅન્ટસી/સ્વપ્નોને સાકાર કરતાં પ્રતીકો કૃતિના આંતરસંબંધો જોડી આપે છે. રેવજીના અજ્ઞાત મનના જાતીય ભાવાવેશો અંધકાર, કૂવો, જળ જેવાં આદિમ્‌ પ્રતીકો દ્વારા રજૂ થયા છે. વાસ્તવમાં, અહીં કાર્યવિકાસનો મુદ્દો ગૌણ છે. દરેક પ્રસંગમાં વિભિન્ન ચરિત્રોનું મનોગત પરસ્પરની સહોપસ્થિતિમાં યોજાયું છે. વાસ્તવવાદી/પ્રકૃતિવાદી નક્કર તાદૃશ વિગતોનો સ્વીકાર છતાં વારંવાર એમાં ફૅન્ટસીને ઉપસાવતી વિલક્ષણ સર્જકકલ્પના સહજ જોડાઈ જાય છે. આધુનિકતાવાદી કથનશૈલીનો બળવાન પ્રભાવ એમાં જોઈ શકાય. રામચંદ્ર પટેલની આરંભની કથા ‘વરાળ’માં સમકાલીન સમાજજીવનના પ્રશ્નો સાથે ચોક્કસ નિસ્બત હતી, પણ પછીની કથાઓ ‘એક સોનેરી નદી’, ‘પૃથ્વીની એક બારી’, ‘અમૃતકુંભ’ વગેરેમાં અર્ધપૌરાણિક અર્ધવાસ્તવિક સૃષ્ટિઓનું કંઈક વિચિત્ર સંયોજન થયું છે. કથાવસ્તુને કોઈ ભવ્ય ફલક પર મૂકવાની એષણા જ એમાં કામ કરી રહી છે. પણ નવલકથાની નિજી વાસ્તવિકતા અને નિજી ચેતનાથી તેઓ દૂર નીકળી ગયા છે. એક કુશળ ચિત્રકાર હોવાથી અલગઅલગ દૃશ્યોની મૂર્ત ઐન્દ્રિયિક રેખાઓ તેમને સહજ લભ્ય છે. દૃશ્યકલ્પનોની ચિત્રવિચિત્ર શ્રેણીઓ તેઓ કુશળતાથી સર્જી લે છે. પણ ગંભીર થિમની પકડ વિના એ સામગ્રી ભાગ્યે જ અર્થવાહી બને છે. મફત ઓઝાની ‘આસો સુદ આઠમ્‌’ અને ‘જાતર’ એ બે કથાઓ ઉત્તર ગુજરાતની લોકસંસ્કૃતિને સ્પર્શવા ચાહે છે. એ પ્રદેશના જનસમાજમાં પ્રચલિત બાધા, માનતા, ભુવાઓની સંસ્થા અને તેમનાં વિધિવિધાન ‘જાતર’માં મુખ્ય વિષય છે. ત્યાંની તળપદ બોલીનો વ્યાપક પ્રયોગ બંનેમાં ધ્યાન ખેંચે છે. સાથે આધુનિકોની પદ્ધતિએ કલ્પનોનાં સંયોજનો પણ તેમાં થતાં રહે છે. અશોકપુરી ગોસ્વામીની લઘુનવલ ‘મૂળ’માં સંતાનવિહોણા દંપતીની ઘેરી નિરાશા વર્ણવવામાં આવી છે. નિકટના સ્વજનનો દૂધમલ પુત્ર એ દંપતીને ત્યાં થોડા દિવસ રહેવા આવે છે તે સાથે દંપતીના જીવનનો ખાલીપો અતિ તીવ્ર બને છે. અશોકપુરીએ કુશળતાથી દંપતીના મનોભાવ આલેખ્યા છે. આ કથામાં ય કલ્પનનિષ્ઠ બાની, પ્રતીકાત્મક સંદર્ભો અને ગર્ભિતસૂચન કરતી કથનશૈલી અસરકારક રહી છે. કેશુભાઈ પટેલની ‘જોબનવન’ અને ‘વનવનનાં પારેવાં’ આદિવાસીઓનાં સુખદુઃખની અને વધુ તો ઉજળિયાતો દ્વારા થતા શોષણની કથાઓ છે. વર્ષા અડાલજાની ‘ગાંઠ છૂટ્યાની વેળા’ આ રીતે ગ્રામીણ પ્રજાની નોંધપાત્ર કૃતિ છે. સમાપન કરતાં આ સમીક્ષક એમ કહેવા ચાહે છે કે અહીં અવલોકનમાં આવેલી થોડીક જ જાનપદી નવલકથાઓ આજના રાજકારણ અને સમાજકારણના પ્રવાહો અને પરિબળોને ઝીલવા અભિમુખ છે. એમાં પણ આજના ગ્રામજીવનની પરિવર્તનની પ્રક્રિયાને તેની સમગ્ર સંકુલતાઓ અને આંતરવિરોધો સમેત રજૂ કરવાનું ભાગ્યે જ એકબે લેખકોને ફાવ્યું છે. જે ગામડાં મહાનગરના પરિસરમાં વસ્યાં છે, વિરાટ ઉદ્યોગનગરો અને તેની વસાહતોની નિકટમાં છે કે નેશનલ હાઈવેને અડે છે તેની પરિવર્તનકથા હજી લગભગ અણખેડાયેલો વિષય છે. મૂળભૂત પ્રશ્ન એ છે કે તમે ગામડાંને, ગ્રામજીવનને, આજની ક્ષણે કેવી રીતે જુઓ છો અને કેવી રીતે સમજો છો? એટલે, ગામની સદીઓ જૂની ધર્મસંસ્થાઓ વર્તમાન લોકશાહીનાં મૂલ્યો અને બંધારણીય જોગવાઈઓ સાથે કેવી રીતે ટકરાય છે અને કેવી રીતે અનુકૂલન સાધવા મથે છે એ વ્યાપક પ્રક્રિયા સુધી લેખકે વિસ્તરવાનું રહે. તે સાથે એ સંકુલ આંતરવિરોધપૂર્ણ પ્રક્રિયાને એનાં વિવિધ પરિમાણો સમેત ઝીલવા સમુચિત ભાષાશૈલી જોઈએ. ગુજરાતી જાનપદી કથાઓમાં, થોડાક વિરલ અપવાદ બાદ કરીએ તો, વિશેષ સમાજદર્શન અને વિચારધારાઓની ઊણપ સાલે છે. વર્તમાન ગ્રામજીવનની જે સમસ્યાઓ છે, સંઘર્ષો છે તેને તેનું મનોવૈજ્ઞાનિક પાસું ય છે અને માનવસ્વભાવની કૂટ દુર્ભેદ્ય સત્તા ય છે, પણ સાથોસાથ વ્યાપક સમાજ, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમાજને સીધી રીતે સ્પર્શતી વિચારધારાઓ, કાર્યક્રમો અને આંદોલનો ય એટલી જ કૂટ વાસ્તવિકતા છે. આ સંજોગોમાં ચેતોવિસ્તાર જ લેખકને નવી પ્રાણશક્તિ અર્પી શકે, એવી મારી દૃઢ પ્રતીતિ છે. અસ્તુ.