કથાવિચાર/નારી હૃદયના રહસ્યમય ખૂણાઓનું દર્શન
નારી હૃદયના રહસ્યમય ખૂણાઓનું દર્શન
[ ‘વિશ્રંભકથા’ : ધીરુબહેન પટેલ ]
શ્રી ધીરુબહેન પટેલના નવા નવલિકાસંગ્રહ ‘વિશ્રંભકથા’માં તેમની પંદર નવલિકાઓ ગ્રંથસ્થ કરવામાં આવી છે. લેખિકાનો ઉદ્દેશ એ નવલિકાઓમાં માનવમનના કોઈ ને કોઈ રહસ્યમય અંશને નિરૂપવાનો રહ્યો છે. પરંતુ તેમની વિશિષ્ટતા તો કદાચ નારીહૃદયના કોઈક સંગોપિત ભાવે કે તેના ચિત્તના કોઈ રહસ્યમય ખૂણાને પ્રકાશિત કરવામાં રહેલી છે. આ સંગ્રહમાં ‘દર્પણ’, ‘હું ચાહું છું’, ‘અંતરનાં વહેણ’, ‘હેમંતના પ્રભાતે’, ‘વિશ્રંભકથા’, ‘મનસ્વિની’, ‘હરીફ’, ‘શિવનારાયણ’ કે ‘અવબોધ’ જેવી નવલિકાઓ એમાં સ્પર્શાયેલા માનવચિત્તના અંશોને કારણે કંઈક આગવી ભાત રચે છે. ‘એક મુસાફરી’ કે ‘ઊંહું’ જેવી રચનાઓમાં પણ પ્રયત્ન તો માનવચિત્તની કોઈક ગ્રંથિ નિરૂપવાનો જ રહ્યો છે. ‘બે દોસ્ત’, ‘જીવન’ કે ‘ચિત્ર’ની કથાવસ્તુ એ બધી કૃતિઓના કરતાં નિરાળી પડી જતી દેખાય છે. આ સંગ્રહને ‘વિશ્રંભકથા’ એ શીર્ષક આરંભમાં મુકાયેલી એ શીર્ષકવાળી કૃતિ પરથી પ્રાપ્ત થયું હોય એ ભલે, લેખિકાએ તેને સૌ કૃતિઓના સંદર્ભમાં યોજ્યું છે અને તે સાભિપ્રાય જ છે. ‘દર્પણ’ એ કદાચ આ સંગ્રહની ઉત્તમ રચના ગણાય. લેખિકાની કળાસૂઝનો સુંદર પરિચય એ કૃતિમાં થાય છે. સ્થૂળ રૂપમાં કહીએ તો એમાં એક દંપતીની જિંદગીની કરુણતાનું આલેખન છે પરંતુ આ વાર્તાની ચમત્કૃતિ તો માનવચિત્તનાં પડો ઉકેલવામાં રહી છે. વાર્તાનો નાયક એક અપ્રતિમ સૌન્દર્યવતી યુવતી ઝેનોબિયાને જોતાંવેંત પરવશ બન્યો અને લગ્નસંબંધથી જોડાયોય ખરો. પરંતુ એ યુવતી તેના અંતરના ઊંડાણમાં કોઈ એક રહસ્યપૂર્ણ જિંદગીને જાણે જતનપૂર્વક સંગોપીને જીવવા ચાહતી હતી! સમય મળે કે તરત જ નાયિકા તેના કીમતી દર્પણમાં પાગલ બની જોયા કરતી અને પેલી સંગોપેલી જિંદગીની સ્મૃતિમાં ખોવાઈ જતી. નાયિકાનું દર્પણ નાયકના ચિત્તને વધુ ને વધુ વ્યગ્ર કરતું ગયું. ધીમે ધીમે તેના ચિત્તમાં કશોક અજ્ઞાત ભય સંચરતો થયો. એક દિવસ એ જ દર્પણમાં બંનેની દૃષ્ટિ મળી ગઈ ત્યારે તેઓ પરસ્પરના અંતરનો ભેદ એકદમ કળી ગયાં અને તત્ક્ષણ જ બંનેનાં હૈયાં નંદવાઈ ગયાં. આમ આ વાર્તામાં, પતિપત્ની વચ્ચે રચાયેલા પ્રપંચી અંતરપટનું છેદન અને તે ક્ષણની ગૂઢ ચિત્તવૃત્તિનું સુંદર નિરૂપણ થયું છે. લેખિકાએ દર્પણનો પ્રતીક લેખે કરેલો પ્રયોગ ખરેખર પ્રશસ્ય છે. વળી નાયિકાના વર્ણનની કેટલીક વિગતો પણ એટલી જ સૂચક છે. નાયક સ્ટીમરના તૂતક પર ઝેનોબિયાને પહેલી વાર જોયેલી ત્યારે તેની મોટી કાળી અગાધ વિષાદભરી આંખો અને કાળી સાડીના આચ્છાદને નાયકના હૃદયને જકડી લીધું હતું. એ કાળી સાડી માટે નાયિકાનો આગ્રહ, એ તેણે જતનપૂર્વક જાળવેલા પોતાના કોઈ જીવનરહસ્યનો સૂચક બની જાય છે. આ કૃતિ વ્યક્તિજીવનની કરુણ કથની હોવા છતાં તેનો કળાત્મક ઉઠાવ એટલો તો અભિવ્યંજક છે કે એ કૃતિ માનવજીવનની કોઈ વ્યાપક કરુણતાનું પ્રતીક બની રહે છે. અને એ કારણે જ એ વિશેષ મનોહર બને છે. આ કૃતિની કળાત્મક સિદ્ધિ વિશે આટલી ચર્ચા કર્યા પછી તેના અંત વિશે એક મુદ્દો રજૂ કરવાની આવશ્યકતા લાગે છે. એ મુદ્દો આ છે : નાયકનાયિકાએ દર્પણમાં જે એક ‘દર્પણપુરુષ’નું દર્શન કર્યું – એ જ કદાચ આ વાર્તામાં પરમ રહસ્યની ક્ષણ છે – એ પછી અંતના ભાગમાં કથાતંતુને આગળ લઈ જઈ ઝેનોબિયાની મૃત્યુની ઘટનાનો નિર્દેશ કરાયો છે. એ આવશ્યક છે ખરું? દર્પણમાં રહસ્યપ્રતીતિ થઈ એ ક્ષણે જ વાર્તા સમાપન પામી હોત તો કળાદૃષ્ટિએ વધુ ઔચિત્ય જળવાયું ન હોત? આ સંગ્રહમાં ‘હું ચાહું છું’ એ બીજી નોંધપાત્ર કૃતિ ગણાવી શકાય. એ પણ દાંપત્યજીવનની કરુણતાને નિરૂપવા ચાહે છે પરંતુ એમાં કથાની માંડણી જુદા બિંદુથી આરંભાઈ છે. રત્ના અને શિરીષ એક શ્રીમંત દંપતી છે. રત્નાના દેહમાં કોઈ વ્યાધિ લાગુ પડ્યો ત્યારે શિરીષે તેની ઉપેક્ષા કરી – ક્રૂર ઉપેક્ષા. એને કારણે પરસ્પર વચ્ચે શ્રદ્ધાનો જીવંત તંતુ કપાઈ ગયો. માત્ર એક એક મિથ્યા દંભી આચારવિચાર શેષ રહ્યા. આવી એક કટાક્ષપૂર્ણ સ્થિતિમાંથી વાર્તાની કરુણતા નિષ્પન્ન થાય છે. ‘અંતરનાં વહેણ’માં એક પુરુષના ચિત્તનો વિલક્ષણ ખૂણો અજવાળવાનો પ્રયત્ન છે. ઉર્વશી જેવી નૂતન સ્ત્રીના વ્યક્તિત્વથી પરાભવ પામી તેની પ્રણયઝંખના કરતો યુવાન હરેન્દ્ર, ઉમા જેવી મુગ્ધ સરલ અને જૂના સંસ્કારની સ્ત્રીને આરાધ્યમૂર્તિ લેખવા માંડે, એટલું જ નહિ, પોતાના વ્યક્તિત્વને એના પ્રભાવ હેઠળ નવો આકાર લેતું અનુભવે – અને છતાંયે ભાવિ પત્ની લેખે તો ઉર્વશી જ હોય એવો દાવો કરે. માનવમનની આવી વિચિત્ર લીલા એમાં રજૂ થઈ છે. ‘હેમંતના પ્રભાતે’ એ વાર્તામાં છિન્નભિન્ન દાંપત્યજીવનથી દૂર એકાંતમાં આવી વસેલ પુરુષના અંતરની મોકળાશને વાચા મળી છે અને એ સાથે જ તેના પૂર્વજીવનનો વૃત્તાંત સહજ રીતે વણી લેવાયો છે. સંગ્રહની અન્ય વાર્તાઓમાં ‘મનસ્વિની’, ‘હરીફ’, ‘શિવનારાયણ’ અને ‘વિશ્રંભકથા’ એ કૃતિઓ મુખ્યત્વે તેમાં આલેખાયેલા નારીચિત્તના રહસ્યમય અંશને કારણે જુદી જ તરી આવે છે. ‘મનસ્વિની’માં કુમારિકા સુવર્ણાના અંતરના સંગોપિત ભાવને પ્રગટ કરવાનો પ્રયત્ન છે. એક દૃષ્ટિએ આ વાર્તા બે બહેનો વચ્ચે રચાતી સૂક્ષ્મ દીવાલની કથા છે. મોટીબહેન આશા ભીના વાનની અને કદરૂપી હતી. તેની બહેન સુવર્ણા ગોરી, ઊંચી અને દેખાવડી હતી. બંને વચ્ચે નાનપણથી સખીપણાં હતાં. પણ તેમની બાએ આશા માટે જે નવા મૂરતિયાની ખટપટ આરંભી એ ઘટના સુવર્ણાના અંતરની લાગણીને થરકાવી ગઈ અને બે બહેનો વચ્ચે કશી ન સમજાય, ન કહેવાય એવી ભેદરેખા અંકાઈ ગઈ! લેખિકાએ સુવર્ણાના ચિત્તનાં વૃત્તિવલણો ઠીકઠીક કુશળતાથી રજૂ કર્યાં છે. ખાસ તો, વાર્તાનો આરંભ સૂચક છે. સૂટકેસમાં કપડાં મૂકવા ચાહતી સુવર્ણાની ગડમથલ વાસ્તવમાં તો તેના અંતરની કોઈક ગડમથલ જ દાખવે છે. ‘હરીફ’ એ નવલિકામાં યૌવનને આરે ઊભેલી પુત્રી નીલાના દેહલાવણ્ય અને તેની સ્વાધીનતાથી સભાન બનેલી માતાના ચિત્તમાં જન્મતાં ઈર્ષ્યા અને સ્પર્ધાભાવ સુંદર રીતે આલેખાયાં છે. એ છતાં, વાર્તાના અંતે નીલાના પિતાની ગૃહત્યાગની કથાનો ઉલ્લેખ મૂળ રહસ્યને ભાગ્યે જ ઉપકારક જણાય છે. ‘વિશ્રંભકથા’માં વિશ્વાસની માતા મંગળાના પૂર્વજીવનની રહસ્યમય ઘટનાનો સ્ફોટ કરી, તેના એક અણજાણ ચહેરાનું નિરૂપણ કરવાનો પ્રયત્ન થયો છે. તીર્થસ્થાનમાં પોતાની ખોવાયેલી માતાને શોધતો વિશ્વાસ મણિકકર્ણિકાના ઘાટે પહોંચ્યો ત્યારે મંગળા તેની જૂની સહિયર જોડે વિશ્રંભકથામાં ડૂબી ગઈ હતી! મંગળાના જીવનનું એક અણધાર્યું ચિત્ર પુત્રની દૃષ્ટિમાં આવ્યું, અને તે સૌ વચ્ચે કશીક ભ્રાન્તિ પણ તૂટી! પરંતુ વાર્તાના અંતે આ પ્રકારે ઘટસ્ફોટ કર્યા છતાં કૃતિ પૂરેપૂરી સંતર્પક નીવડી નથી. ‘શિવનારાયણ’માં એક પરિણીત યુવતીના ચિત્તને જકડી રહેલી જૂની વેદનાભરી સ્મૃતિ કથાવસ્તુ બનીને આવી છે પરંતુ એ નવલિકાની માંડણી એવી છે કે એને સાચા અર્થમાં કોઈ સચોટ અને રહસ્યપૂર્ણ અંત પ્રાપ્ત થતો નથી. ‘અવબોધ’માં ક્ષમાના પિતાને એક નવી પ્રતીતિ એ થઈ કે ક્ષમા પોતાની મટી ગઈ છે! આ પ્રકારે માનવસ્વભાવની લાક્ષણિકતા રજૂ કરવાનો પ્રયત્ન છતાં એ કથાનો અંત પણ એટલો માર્મિક નથી લાગતો. આ સંગ્રહમાં ‘દુનિયા’, ‘એક મુસાફરી’ કે ‘ઊંહું’ જેવી કૃતિઓ સાવ કથળી ગયેલી જણાય છે. એમાંની ‘દુનિયા’ કે ‘એક મુસાફરી’ જેવી વાર્તામાં તો વાર્તાની કોઈક મહત્ત્વની વિગતો અંત સુધી અપ્રગટ રાખી, અંતમાં ઘટસ્ફોટ કરતાં પ્રગટ કરાઈ છે પરંતુ એ રચનાઓમાં એ પ્રકારનો રહસ્ય પ્રગટાવવાનો પ્રયત્ન કૃતિઓને જીવાડવા સમર્થ બન્યો નથી. વળી ‘બે દોસ્ત’ અને ‘જીવન’ એ વાર્તાઓમાં લેખિકાએ બાળમાનસને કથાવિષય બતાવ્યું છે. ‘ચિત્ર’ એ નવલિકામાં એક ચિત્રકારની ઉઝરડાયેલી જિંદગીની કથા રજૂ કરવામાં આવી છે. આખી કૃતિનો રોમૅન્ટિક લાગતો પરિવેશ તેને સંગ્રહની અન્ય કૃતિઓથી જુદી તારવી આપે છે. અલબત્ત, માનવમન પાસે પહોંચવા નવલિકા એ કદાચ સૌથી ટૂંકો અને સરળ રસ્તો હોય પણ એનું ટૂંકાણ અને સરલતા એટલાં જ કસોટીરૂપ પણ નીવડે. કેમ કે જે માનવમનની લીલા નવલિકા રજૂ કરવા ચાહે છે એ મન તો સ્વયં છલનારૂપ છે : વાયુ જેવું સદાય ચંચલ અને ગતિશીલ, સાગર જેવું અગાધ ઊંડુ અને આકાશના જેવું અનંત વિસ્તારવાળું. એવું મન વાણીમાં શેં ઝિલાશે? કુશળ સર્જકની અંજલિમાંથીયે એ મન સરકી જાય તો આશ્ચર્ય નહિ. આમ માનવમનની કથા દુઃસાધ્ય કલા છે એટલે જ આ લિખિકાની સિદ્ધિને વરેલી ‘દર્પણ’, ‘હું ચાહું છું’, ‘મનસ્વિની’ કે ‘હરીફ’ જેવી કૃતિઓનું ઘણું ઘણું મૂલ્ય છે. એ કૃતિઓની સર્જકતાનો વિચાર કરતાં જ તેમાંની અભિવ્યક્તિની મહત્તા પ્રગટ થાય છે. લેખિકા પાસે જીવંત, બોલચાલની છટાની નજીક આવતી, સાહજિક અને મર્મસ્પર્શી કથનશૈલી છે. નિરૂપ્યમાણ વસ્તુને ઉચિત કલ્પના કે ભાવપ્રતીક પણ પ્રસંગે પ્રસંગે સ્થાન લેતાં દેખાય છે. ‘દર્પણ’ જેવી કૃતિની ગદ્ય ઇબારત વિશિષ્ટ સ્વરૂપની છે. લેખિકાની સર્જકતાના એવા સુભગ આવિષ્કાર એવી બીજી અનેક વૈભવશાળી કૃતિઓ દ્વારા પ્રગટ થશે એવી અપેક્ષા અવશ્ય રાખીએ.