કથાવિવેચન પ્રતિ/જીવનની ગૂઢ તરસથી ઠરડાતા માનવસંબંધોની કથા (‘તેજ ગતિ અને ધ્વનિ’ની સમીક્ષાઓ)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
જીવનની ગૂઢ તરસથી ઠરડાતા માનવસંબંધોની કથા

જયંત ખત્રીની નવલિકા ‘તેજ ગતિ અને ધ્વનિ’ને આપણે તેમની એક ઉત્તમ રચના ગણી શકીએ. તેમની એક રંગદર્શી પ્રતિભાએ એમાં જે રીતે અનન્ય આવિર્ભાવ સાધ્યો છે તેથી, તેમના પોતાના જ નહિ આપણા સમસ્ત નવલિકાસાહિત્યમાં, તે નોખી તરી આવતી દેખાય છે. કળાકાર તરીકે ખત્રીની આ એક પ્રતિનિધિરૂપ કૃતિ પણ કહી શકાય. તેમની વિશિષ્ટ કળાદૃષ્ટિ અહીં ચેતોહર પરિણામ લાવી શકી છે. આ નવલિકાનું જે રહસ્ય છે તે જાણે કે વિવિધરંગી ઝાંયવાળા કોઈ અર્ધપારદર્શી અંતરપટથી ઢંકાયેલું છે. નગરસભ્યતાથી દૂર, અતિ દૂર, પ્રકૃતિને ખોળે મુક્ત રીતે ઊછરતાં ઊર્મિશીલ માનવીઓની આ રોમાંચક કથા છે. માનવ અને પ્રકૃતિનું જીવન અહીં કશાક અપાર્થિવ પણ રંગીન ધુમ્મસિયા વાતાવરણમાં ઓતપ્રોત બની ગયેલું દેખાય છે. પ્રકૃતિનાં પાર્થિવ-અપાર્થિવ રૂપો અહીં પરસ્પરમાં ભળી જાય છે. નક્કર વાસ્તવિકતાની આછીપાતળી ભૂમિકા પર એક સ્વપ્નિલ પરિવેશવાળું જગત રચાયું છે. અતિ લાવણ્યવતી નવયૌવના કસ્તુરના તેની આસપાસ ઊભેલા ત્રણ પુરુષો – જાગીરદાર પ્રસાદજી, પોતાના પિતા વજેસંગ અને પતિ નરપત – જોડેના વિવિધ સ્તરના સંબંધોની, તેમ એ સૌ પાત્રો વચ્ચે વધઘટ થતા અંતરની, આ નવલિકામાં કળાત્મક રજૂઆત થઈ છે. કળાકાર તરીકે જયંત ખત્રીનો મુખ્ય રસ, જીવનને પ્રેરતાં અને સંકોરતાં પ્રકૃતિનાં તેમ માનવચિત્તનાં આદિમ બળો આવેગો અને ગૂઢ તૃષ્ણાઓનું આલેખન કરવામાં રહ્યો છે. આ પ્રકારનો તેમનો અભિગમ આ નવલિકામાં વિશેષ ઉઠાવ પામ્યો દેખાય છે. જુદા જુદા સ્તરનાં પાત્રોની ભૂમિકાઓ જોતાં એમાં, કદાચ, કોઈને સામાજિક વિષમતા કે વર્ગભેદની સભાનતા દેખાય; પણ પ્રસ્તુત નવલિકાના હાર્દને એવું દર્શન ભાગ્યે જ સ્પર્શે છે. આ તો જીવનની ગૂઢ તરસથી કંપતા ઠરડાતા અને તૂટતા માનવસંબંધોની કથા છે. જુદા જુદા સંયોગો વચ્ચે જીવન જીવવા મથતાં સ્ત્રી-પુરુષોની આસક્તિની, તેમની અતૃપ્ત વાસનાઓની, તેમની ખાલીખમ જિંદગીની આ કથા છે. આ નવલિકાનું રચનાતંત્ર, આપણે ત્યાં ત્રીસીના ગાળામાં લખાયેલી નવલિકાઓના રચનાતંત્ર જોડે ગાઢ અનુસંધાન ધરાવે છે. એ સમયના નવલિકાકારોએ વાર્તાઓ રચવાને ઓછીવત્તી વજનદાર અને રોમાંચક ઘટનાઓનો જે રીતે આશ્રય લીધો હતો, એ જ રીતે જયંત ખત્રીએ પણ નાની-મોટી ઘટનાઓનો આશ્રય લીધો જ છે. પણ એ બધા લેખકોથી તેમની સર્જકતાની ભૂમિકા ઠીક ઠીક નિરાળી દેખાય છે. તેમણે પોતાના સમયમાં પણ કલ્પન પ્રતીક આદિ-તત્ત્વોનો કળાત્મક ઉપયોગ કર્યો છે. તેમના કથન-વર્ણનમાં, આથી, વિશેષ ભાવસમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. માનવસંબંધો અને સંવેદનોના આલેખનમાં, એથી સૂક્ષ્મ સંકુલતા સિદ્ધ થાય છે. એમ લાગે કે, અંદરની બાજુએ આકૃતિનું વિશેષ પરિમાણ વિસ્તરી રહ્યું છે. આ નવલિકાના ઉદ્‌ભવ વિશે ક્યાંક નોંધ કરતાં, જયંત ખત્રીએ પોતાના અંગત જીવનમાં અનુભવવા મળેલા એક રોમાંચક પ્રસંગનો નિર્દેશ કર્યો છે. પણ એ અંગત કથા કરતાં, નિર્માણ થયેલી આ કળાકૃતિનું રહસ્ય દેખીતી રીતે જુદું જ સંભવે છે. એટલે એ મુદ્દાને તો આપણે અપ્રસ્તુત ગણી તરત વેગળો કરી શકીએ. પણ, આ નવલિકાની રચનામાં લેખક આઈન્સ્ટાઈનના પ્રસિદ્ધ સાપેક્ષવાદના સિદ્ધાંતને, સીધી રીતે નહિ તો આડકતરી રીતે, લાગુ પાડવા ચાહતા હતા, એમ જે બકુલેશે ‘વહેતાં ઝરણાં’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છે, તે મુદ્દો અવગણી કાઢવા જેવો નથી. જો કે પ્રસ્તુત રચનામાં ‘સાપેક્ષવાદ’ની સફળતા વિશે તેમણે મોટી શંકા પણ વ્યક્ત કરી છે. પણ, એ છતાં ખત્રીના પ્રયત્નને કંઈક નિકટ જઈને સમજવો જોઈએ, એમ મને લાગે છે. સંભવ છે કે, સાપેક્ષવાદ વિશેની સભાનતા આ કૃતિના આયોજનમાં, ખાસ તો પાત્ર પાત્ર વચ્ચેના સંબંધો (કે અવકાશ)ની યથાર્થતા રજૂ કરવામાં ભાગ ભજવી ગઈ હોય. અને આ દૃષ્ટિએ પ્રસાદજી, વજેસંગ અને નરપતના કસ્તુર જોડેના લાગણીના સંબંધો શી રીતે બંધાય છે અને તૂટે છે, અને બદલાતી પરિસ્થિતિમાં (જ્યાં પાત્ર કે પાત્રો પણ પરિસ્થિતિના અનિવાર્ય ઘટક બને છે), પાત્ર પાત્ર વચ્ચેના સંબંધો કેવી રીતે ઓસિલેટ થતા રહે છે, તે બારીકાઈથી તપાસવા જેવું છે. જયંત ખત્રીને આ કળાકૃતિના સંદર્ભમાં, કદાચ, એમ અભિપ્રેત હોય કે, માનવીય સંવેદનો અને સંબંધોમાં ક્યાંય કશું જ નિરપેક્ષ (એબ્સોલ્યુટ) રૂપમાં સંભવતું નથી. સ્થળ કાળ અને વ્યક્તિની વિશિષ્ટ પરિસ્થિતિ પ્રમાણે એ સંવેદનો અને સંબંધો સતત બદલાતા જ રહે છે. આમ, માનવીય સંબંધભાવ(રિલેશનશિપ)ની સાપેક્ષતા જ તેમને અહીં ઇષ્ટ જણાય છે. તેમના સાપેક્ષવાદી અભિગમને આ કૃતિના સંદર્ભે ઘટાવવો જ હોય તો, કદાચ, આ રીતે ઘટાવી શકાય. અને, એય ધ્યાનપાત્ર મુદ્દો છે કે, આ નવલિકામાં જે રહસ્ય મૂર્ત થયું છે તે આવા સંબંધભાવોની બદલાતી તરેહમાંથી જ ઉકેલી શકાય એમ છે. કૃતિના આયોજનમાં જ આવી એક સંકુલ તરેહ જોઈ શકાશે. અહીં જુદાં જુદાં પાત્રોને જે રીતે વિભિન્ન પરિસ્થિતિમાં તેમણે મૂક્યાં છે, તેમાંની દરેક પરિસ્થિતિ આવા સંબંધભાવને જુદી જુદી રીતે રજૂ કરે છે. કૃતિનાં મુખ્ય ‘દૃશ્યો’ની યોજનાનું વિગતે કરેલું વિશ્લેષણ એ બાબત પર પ્રકાશ પાડી શકે એમ છે. પ્રકૃતિને ખોળે ઊછરેલી અને પ્રકૃતિના જીવનમાં ઓતપ્રેત થયેલી કસ્તુર સામે જાગીરદાર પ્રસાદજી આવી ઊભે છે, એ પ્રથમ દૃશ્યથી નવલિકા આરંભાય છે. “ઊગતા સૂર્યનાં કિરણોએ લીમડાની ટોચ પર સોનાનો કળશ ચઢાવ્યો હતો; અને ઝાકળનું ધુમ્મસ વિખરાવા માંડયું હતું.” – એવી એક રોમાંચક ક્ષણે પ્રસાદજીએ કસ્તુરને લીમડા નીચે મોહિની રૂપે જોઈ. ગઈ કાલની બાલિકાએ આજે નવયૌવનની પ્રથમ લજ્જાભરી મસ્તી ધારણ કરી છે એમ તેમની ‘બાજ જેવી ચકોર’ આંખો જોઈ લે છે. આ નવયૌવનાના દર્શનથી પ્રસાદજીના અંતરના ઊંડાણમાં છુપાયેલી એકલતા અને ખાલીખમપણું એકાએક ખળભળી ઊઠે છે. કસ્તુરના પિતા વજેસંગ પણ પ્રસાદજીની અસ્વસ્થતા કળી જાય છે. પ્રસાદજી અને વજેસંગ બંને કસ્તુરના મહોરી રહેલા યૌવન વિશે સભાન બની જાય છે, તે સાથે જ પરિસ્થિતિમાં રહેલાં પરિબળો ગતિશીલ થાય છે... કસ્તુરના પાત્રમાં આ નવલિકાના મુખ્ય ભાવતંતુઓ કેન્દ્રિત થાય છે. એટલે આ કૃતિમાં તે વિશેષ મહત્ત્વનું પાત્ર બની રહે છે. ખત્રીનાં નારીપાત્રોમાં, ખરેખર, આ એક અનોખું સર્જન છે. પ્રકૃતિમાં અને માનવજીવનમાં ગહનતમ સ્તરે જે કોઈ આદિમ કામના અને તૃષ્ણા સળવળી રહી છે, તે જાણે એ પાત્રમાં મૂર્તિમંત થઈ ઊઠી છે. મુગ્ધ બાલ્યાવસ્થા છોડીને તે નવયૌવનને ઉંબરે ડગ ભરે છે, ત્યાં તેના જીવનમાં ગૂઢ તરસ જાગી ઊઠે છે. અને, પ્રસાદજીએ તેને લીંબડા નીચે જોઈ, તે પ્રસંગ વિશે તે પોતેય ઊંડે ઊંડે ક્યાંક સભાન બની રહી હોય, એ સહજ છે. પ્રસાદજી અસ્ત પામતા યુગના જાગીરદારોના છેલ્લા પ્રતિનિધિ છે. અઢળક સમૃદ્ધિ અને વૈભવવિલાસમાં તેમનું બાળપણ વીત્યું છે. કમનસીબે, વીસ વરસની ઉંમરે તેમણે મા અને પત્નીને ખોયાં છે. છેલ્લાં પચીસેક વર્ષોની તેમની રેઢિયાળ બનાવરહિત જિંદગી તેમને બોજરૂપ બની ગઈ છે. આજ સુધી પોતાના જીવનનું કોઈ આલંબન રહ્યું નથી. પણ, તેમણે કસ્તુરને નવયૌવના રૂપે જોઈ, તે પછી તેમના અજ્ઞાત ચિત્તમાં સંક્ષોભ જાગી પડ્યો. જોકે, કસ્તુરને પોતાના મહાલયમાં બેસાડી શકાશે નહિ, એવા જ કોઈ ખ્યાલથી પોતાના મુનીમ નરપત જોડે પરણાવવાની યોજના તેમણે વિચારી કાઢી છે. કસ્તુર પોતાની નજર સમક્ષ રહે, એવી કોઈક છૂપી ગણતરી એની પાછળ રહી હોય, એ અસંભવિત નથી. પણ પ્રસાદજીએ વજેસંગ આગળ આ પ્રસ્તાવ મૂક્યો, ત્યારે વજેસંગે સ્પષ્ટપણે કહી દીધું કે – “કસ્તુરને કોઈ કાળે હું મારી નજરથી દૂર નહિ કરું!” વજેસંગ અલબત્ત, ખડતલ અને ભડવીર છે. કઠોરકારમી જિંદગી તેણે ગુજારી છે. પણ કસ્તુરની માયા તે ત્યજી શકતો નથી, કસ્તુર ત્રણ વર્ષની થઈ હશે ત્યારે જ પત્ની ગુજરી ગઈ હતી. અને, ત્યારથી કસ્તુર તેની ‘છાયા’ બની રહી છે! કસ્તુરને પ્રસાદજીએ ‘તરસી નજરે’ જોઈ – અને વજેસંગ પ્રસાદજીના આ મનોભાવને કળી ગયો – એ સાથે જ, જાણે કે અહીંની પ્રકૃતિના નિષ્કંપ જીવનપ્રવાહમાં એક મોટું વમળ જન્મે છે; એના કેન્દ્રમાંથી નવાં નવાં વલયો જન્મતાં રહે છે, જે પરસ્પરને છેદતાં જાય છે... કસ્તુર અને નરપતના આરંભાતા દાંપત્યજીવન પર હવે પ્રસાદજી અને વજેસંગની છાયા તોળાવા લાગે છે. જોકે કસ્તુર જોડેના બંનેના સંબંધની ભૂમિકા જુદી છે. એટલે બંનેના પ્રતિભાવો પણ જુદા છે. કસ્તુર માટે પ્રસાદજીની આસક્તિ જેમ જેમ બળવત્તર બનતી જાય છે, તેમ તેમ તેમના અંતરમાં સુષુપ્ત પડેલી વાસના અવનવા વિકારો રૂપે સપાટી પર આવતી જાય છે; જોકે, અંતરની તૃષ્ણા ઢાંકવાના તેમના પ્રયત્નો અછતા રહેતા નથી. બીજી બાજુ, વજેસંગ પણ કસ્તુરના આલંબનને વધુ ને વધુ આસક્તિથી વળગવા મથતો હોય, એમ જોઈ શકાશે. પણ, કસ્તુર સાચે જ તૃષ્ણામૂર્તિ છે! પોતાના મહોરી ઊઠેલા યૌવનને પૂરેપૂરા ધરવથી માણી લેવાની અદમ્ય કામના તેને પ્રેરી રહી છે. ડેલા પરની નાનકડી બંગલી તેને બંધનરૂપ લાગે છે. ભરીભરી કુદરત વચ્ચે રતિક્રીડા કરવાની ઝંખના તેનામાં સળવળી રહે છે. એટલે નરપત જોડે નદીકાંઠાની ભેખડોમાં તે જાય છે. તે સંધ્યાએ રતિસુખ ભોગવીને શ્રમ અને પ્રસ્વેદથી લથબથ થયેલાં કસ્તુર અને નરપત ભેખડોમાંથી બહાર આવી રહ્યાં હતાં ત્યારે, ‘સફેદ ઘોડા’ પર અસવાર થયેલા પ્રસાદજી ત્યાં એકાએક આવી ચઢે છે! – આ નવલિકાના રચના-સંવિધાનમાં ‘સફેદ ઘોડો’ રતિની કામનાનું પ્રતીક બનીને આખીય કૃતિની ઘટનાઓને સાંકળી આપે છે. કસ્તુર-નરપતના રતિવિહારની કલ્પના માત્રથી જ પ્રસાદજીના ચિત્તના ઊંડા અંધાર ખંડમાં પડેલી જાતીયવૃત્તિ આવેગમય બની જાય છે. કશીક અતૃપ્તિ તેમના ચહેરા પર વિકાર આણે છે. તેમનાં વાણીવર્તનમાં કશુંક લથડી રહે છે. અંદરની એકલતા અને શૂન્યતામાં એ અતૃપ્તિ ધૂંટાતી રહે છે. આ પ્રસંગથી કસ્તુર અને નરપતના અતિ નાજુક સંબંધો કંપી ઊઠે છે, અને ઠરડાવા લાગે છે. બંનેને ન સમજાય તે રીતે કશીક ભીતિ ડારી રહી છે. બંને વચ્ચે એકાએક દૂરતા રચાઈ જાય છે. રોજિંદું કામ કરતાં કરતાંય કસ્તુર અમસ્તી જ છળી ઊઠે છે. નરપત પણ પ્રસાદજીની આણ સ્વીકારીને તેમને પોતાના ખાનગી જીવનની રોમાંચક વાતો કહેવા લાચાર બની જાય છે. અંતરની અસ્વસ્થતાને સંગેાપી દઈ પ્રસાદજી ‘સફેદ ઘોડા’ પર સવાર થઈ કસ્તુરના ક્ષેમકુશળ પૂછવા રોજ સાંજે વાડીના ડેલા સુધી આંટો મારતા રહે છે. વજેસંગ પણ વિસામે કરવા નિમિત્તે રોજ રાતે ડેલે આવી બેસે છે. પિતા-પુત્રી વચ્ચે જ્યારે વિશ્રંભકથા ચાલે છે ત્યારે, નરપત એ બંનેની સૃષ્ટિથી દૂર ફેંકાઈ જાય છે. આમ, કસ્તુર પ્રસાદજી વજેસંગ અને નરપત – એ ચાર પાત્રો વચ્ચેના અવકાશ બદલાતા રહે છે. શરદપૂર્ણિમાની તે રાત્રે કસ્તુર અને નરપત પાસેના ગામમાં રાસડા રમી ડેલે પાછાં ફરી રહ્યાં છે. રસ્તા પરના ઘેઘૂર વડની ચાંદની ઝરતી છાયામાં બંને લાગણીની ભરતી અનુભવી રહે છે. નરપત કસ્તુરને પ્રગાઢ આશ્લેષમાં લે છે ત્યાં ‘સફેદ ઘોડા’ના ડાબલા સંભળાય છે. નરપતનાં ગાત્રો એકદમ શિથિલ બની જાય છે. કસ્તુર એથી પછડાટ અનુભવે છે. તેની અતૃપ્તિ ઊંડા રોષમાં પરિણમે છે. બંને વચ્ચેના ગહન નાજુક સંબંધ પર ભયંકર આઘાત થાય છે. એ પછી ડેલાની મેડીએ રતિસુખના શ્રમથી નરપત ગાઢ નિદ્રામાં ડૂબી જાય છે ત્યારે પણ કસ્તુરનાં નેત્રો બીડાતાં નથી. તેના અંતરમાં ચાંદનીની સ્વપ્નિલતા વ્યાપી વળે છે. દૂર ટેકરીના ઢોળાવ પર વનરાજિમાં તે તાકી રહે છે. અંતરમાંથી કશીક ઝંખના, કશીક તરસ જાગી ઊઠી છે. પેલા ‘સફેદ ઘોડા’ના ડાબલા સાંભળવા તે હવે આતુર બની ગઈ છે. આ નવલિકામાં રહસ્યભરી મુખ્ય ઘટના અહીં મોટો મરોડ લે છે. જે ‘સફેદ ઘોડો’ પોતાના ચિત્ત પર આજ સુધી ઓથાર બની રહ્યો હતો, તેને પ્રત્યક્ષ કરવાની અકળ ઝંખના તેનામાં જાગી ઊઠી છે. નરપત જોડેના દૈહિક સંબંધો તો જેમના તેમ ચાલુ રહ્યા છે, પણ પોતાને ન સમજાય તેવી રીતે કશુંક અંતરમાં ચાલી રહ્યું છે. કશુંક પોતાનાથી દૂર સરી જઈ રહ્યું હોય તેને ઓળખવાની એ મથામણ હશે, કદાચ. જે કશું શૂન્ય રૂપે અંદર વિસ્તરી રહ્યું છે, તેનાથી વેગળા થવાનો એ પ્રયત્ન હશે, કદાચ અદમ્ય વેગથી તે જીવનને પી જવા ચાહતી હોય ને એ માટેના બધા પ્રયત્નો છતાં શોષ રહી જતો હોય, તો એ શોષને મિટાવી દેવાની એ કામના હશે, કદાચ. કસ્તુર હવે પોતાના જીવનને પૂરું ભરી દેવા ઇચ્છે છે અને, જે કારમી છાયા અત્યાર સુધી આધાર બની રહી હતી, તેને તે સામે ચાલીને મળવા ચાહે છે. એટલે જ તો, પેલી સાંજે કપડાં ધોવાને મિષે તે નદીના કાંઠા પર એકલવાયી ક્ષણોથી ગુજારી રહી છે ત્યારે, એ નિર્જન સ્થળે એકાએક આવી પહોંચેલા ‘સફેદ ઘોડા’ને તે લગામ પકડીને થંભાવે છે. પ્રસાદજી તરફ કસ્તુરનો અનુરાગ ત્યારે પ્રગટ થઈ જાય છે : “બાળક જન્મે તેમ એક સુંદર સ્મિત જન્મ્યું અને પ્રસાદજી તરફથી વળ્યું. બેભાનપણે ઘોડાની લગામ ખેંચતાં એ પ્રસાદજીની છેક નજીક જઈ પહોંચી. એનું વાંકું રહી ગયેલું મોઢું, પરાગ ફોરતું લજ્જાભર્યું સ્મિત, એ અંગમરોડ અને એની એ સમયની ઉગ્ર ભાવનાશીલતા...” કૃતિના અંત ભાગની ઘટનાઓ વિશેષ રોમાંચક ક્ષણો પૂરી પાડે છે. કશુંક નાટકીય તત્ત્વ એમાં ભળે છે. વૈશાખના એ ધોમધખતા બપોરે માર્ગ પરની નિર્જન તલાવડીમાં કસ્તુર જળવિહાર કરી હોય છે ત્યારે, સ્ફટિક શાં નિર્મળ પાણીમાં અપાર ઉલ્લાસથી સેલારા મારતી તેની નિર્વસ્ત્ર કાયાને પ્રસાદજી આતુર નજરે જોઈ રહે છે. જોેગાનુજોગ વજેસંગ ત્યાં આવી પહોંચે છે, અને પ્રસાદજી કસ્તુરને જે રીતે જોઈ રહ્યા હતા તે પરિસ્થિતિને નોંધી રહે છે. તે સાંજે વજેસંગ બંદૂક અને કટાર લઈને પ્રસાદજીના મહાલયે ધસી જાય છે. પણ તે પહોંચે તે પહેલાં પ્રસાદજીનું અવસાન થઈ ચૂક્યું હોય છે. તેના અંતરમાં પ્રસાદજી માટે ભભૂકી ઊઠેલો રોષ વંધ્ય નીવડે છે. પોતાની ઝૂંપડીએ તે પાછો ફરે છે ત્યારે અંદરના એવા જ કશાક રોષથી કસ્તુરને તે ઝૂંપડી બહાર ફેંકી દે છે, અને ધડ દઈને પોતાની ઝૂંપડીનું બારણું બંધ કરી દે છે. કેટલીક અસહ્ય વેદનાની ક્ષણો પછી કસ્તુરના હૈયામાં એક હળવી લહર શી નવીન સ્ફૂર્તિ અને પ્રસન્નતા જાગે છે. એક ન કલ્પેલી મુક્તિનો અનુભવ તેને થઈ રહે છે. પ્રસાદજી હવે ચિર નિદ્રામાં પોઢ્યા હતા : પિતા વજેસંગે બળપૂર્વક તેને જાણે કે ઉતરડી નાખી હતી! આજ સુધી ચિત્ત પર તોળાઈ રહેલી એ કારમી છાયાઓ હંમેશ માટે ઊતરી ગઈ હતી! વિરાટ પ્રકૃતિનાં સત્ત્વો વચ્ચે ‘આ જીવન હરેક પળે જીવવા લાયક હતું!’ એવો આનંદ તેના દેહના અણુએ અણુમાં હવે વ્યાપી વળે છે! આકાશના ખરતા તારામાંથી તેજ ગતિ અને ધ્વનિનો તેને સંદેશ મળ્યો છે. અંતની આ ક્ષણે નારીહૃદયનું રહસ્ય જાણે વધુ અપારદર્શી બની સહૃદયને વિશેષ તીવ્રતાથી આકર્ષી રહે છે... જયંત ખત્રીની રંગદર્શી સર્જકતા પ્રસંગના કથનમાં તેમ વર્ણનમાં અનન્ય છટા દાખવે છે. આવેગ સાથે તેમની કલમ ગતિ કરે છે. “નદીને પેલે કાંઠે ટેકરીના ઢોળાવ પર, રૂપેરી ઘાસને ખૂંદતો, સફેદ ઘોડો પસાર થઈ ગયો. એણે પેલા મોટા પથ્થર આગળ વળાંક લીધો, અને ફરી ટેકરી ચડવા લાગ્યો. દૂરની વનરાજિમાં દીપડાની ગર્જના સંભળાઈ. ઘોડાના દાબડાનો આછો અવાજ...પછી ચૂપકીને અંતે બંદૂક ફૂટ્યાનો અવાજ. નદીની ભેખડોમાં અને ટેકરીઓના ઢોળાવ પર એ અવાજ સંભળાયો. દીપડાની ગર્જના દૂર અને દૂર થતી સંભળાઈ... અને ફરી એ જ ચૂપકીદી – જાણે અવાજ પોતે વિસ્તૃત બનતાં ચૂપ થઈ ગયો હોય એવી અકળાવે, ગૂંગળાવે એવી સર્વવ્યાપી ચૂપકી! ચાંદની, યૌવન, તાકાત અને ચૂપકી! કસ્તુર એક ઊનો નિઃશ્વાસ છોડી બિછાના તરફ ફરી.” અહીં જે પ્રકૃતિ રજૂ થઈ છે તે કેવળ ઘટના પાછળનું બાહ્ય ‘સેટિંગ’ નથી, કૃતિની રહસ્યમય ઘટનાનો જ એ માર્મિક અંશ છે. કસ્તુરના આંતરજગતનો એ પ્રક્ષેપ માત્ર છે. એ જ રીતે, અંત ભાગમાં કસ્તુરને તેજ ગતિ અને ધ્વનિ જે આલિંગન આપી રહ્યાં છે તેમાં પણ પ્રકૃતિ જોડેનો તેનો મજ્જાગત સંબંધ જ પ્રગટ થઈ જાય છે. ખત્રીની લગભગ બધી જ નવલિકાઓમાં પ્રકૃતિ અને તેને વ્યાપી રહેતું વાતાવરણ જીવતું તત્ત્વ પ્રતીત થાય છે. કૃતિનાં પાત્રો પ્રસંગો પરિસ્થિતિઓ સંવેદનો એ સર્વ વાતાવરણમાંથી પ્રાણશક્તિ મેળવતાં હોય એમ દેખાશે અને, ખત્રી પાસે આવું વાતાવરણ રચવાની અજબની સૂઝ છે. થોડીક જ માર્મિક વિગતોને રંગદર્શી પરિવેશમાં એવી રીતે રજૂ કરે છે કે સમસ્ત કૃતિનો આદિમ લય તેમાંથી આરંભાતો લાગશે. ઉપલક દૃષ્ટિએ સરળ અને સમરૂપ લાગતી તેમની શૈલીમાં ખરેખર તો અનેકવિધ રચનાત્મક પ્રયુક્તિઓ જોડાઈ ગઈ હોય છે. જેમ કે, પ્રસાદજી પોતાના મહાલયમાં વજેસંગને પેલો પ્રસ્તાવ રજૂ કરી રહ્યા હોય છે તે પ્રસંગનું ધ્વન્યાત્મક ચિત્ર તેમણે ‘પડછાયા’ના પ્રતીકથી આલેખ્યું છે : “એવે રાતને ટાણે વજેસંગનો પડછાયો ગાલીચા પર લંબાતો છેક ઉમરા સુધી પહોંચી ગયો હતો. એ પડછાયા પાછળ દોડતી પ્રસાદજીની નજર બહારના ચૂપકીભર્યા વાતાવરણમાં વિખરાઈ ગઈ..” લેખક ચિત્રકાર હતા, એટલે પાત્ર પ્રસંગ કે દૃશ્યમાં અનેક વાર ચિત્રકારની દૃષ્ટિથી રંગરેખા કે આયોજન પકડી લેતા દેખાશે. ‘લજ્જાનું સુંદરતમ્‌ શિલ્પ’ બની જતી કે ‘સફેદ ઘોડા’ આગળ સ્મિત મહેકાવતી, કે તેજ ગતિ અને ધ્વનિનો સંદેશ મદીલી આળસ સાથે સાંભળતી કસ્તુર એ જાણે જુદી જુદી પોર્ટ્રેટ્‌સ રચી દે છે. વળી કલ્પનો, પ્રતીકો અને અલંકારોની યોજનામાં તેમની એટલી જ બલિષ્ઠ કલ્પનાનો સદ્યસ્પર્શ થતો રહે છે. અને રંગદર્શી પ્રતિભાનો વિશેષ જ જે કંઈ વિષમ વાસ્તવરૂપ છે, તેને ઓળંગી જવામાં રહ્યો છે. ખત્રીની રંગદર્શિતા આ રીતે વારંવાર વાસ્તવને ઓળંગી જાય છે. અને, ત્યારે રોમાંચક સ્વપ્નિલતા ત્યાં સાકાર થાય છે. એમાં કૃતિનું રહસ્ય વિશેષ આહ્‌વાન કરનારું પણ બની રહે છે : ‘તેજ ગતિ અને ધ્વનિ’માં આવું આહ્‌વાન રહ્યું છે...