કથાવિવેચન પ્રતિ/થોડુંક પૂર્વકથન
છેલ્લા દોઢેક દાયકા દરમ્યાન પ્રગટ થયેલાં મારાં કથાવિવેચનનાં લખાણોમાંથી પસંદ કરેલાં કેટલાંક લખાણો, ઉપરાંત ‘જયંત ખત્રીનું વાર્તાવિશ્વ’ શીર્ષકનું એક અપ્રગટ લખાણ, અહીં મેં ગ્રંથસ્થ કર્યાં છે. દેખીતું છે કે જુદા જુદા સમયે જુદા જુદા નિમિત્તે એ લખાણો તૈયાર થયાં છે. એથી, એમાં ક્યાંક કોઈ મુદ્દો પુનરાવર્તિત થતો દેખાશે. અહીં આ લખાણો માટે નિમિત્ત બનનાર ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીનો અધ્યાપકસંઘ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓનો તેમજ આપણાં સામયિકોનાં તંત્રીશ્રીઓ અને ગ્રંથસંપાદકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. વિશેષતઃ ‘ફાર્બસ ત્રૈમાસિક’નાં તંત્રી શ્રીમતી મંજુબહેન ઝવેરી, ‘ગ્રંથ’ના શ્રી યશવંત દોશી, ‘પરબ’ના શ્રી ભોળાભાઈ પટેલ અને ‘કંકાવટી’ના શ્રી અનિલનો હું અંગત રીતે ઋણસ્વીકાર કરવા ચાહું છું. અધ્યાપકસંઘના ‘અધીત’ના સંપાદકોનો પણ આભારી છું. સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને જાણીતા વિદ્વાન પ્રા. શ્રી જશવંત શેખડીવાળા તેમજ વિભાગના સાથીઓ ડૉ. જયંત ગાડીત અને ડૉ. નરેશ વેદ, ઉપરાંત અહીં કેમ્પસની વિવિધ સંસ્થાઓમાં કામ કરતા બીજા અનેક અભ્યાસીમિત્રો જોડે, સાહિત્યિક ચર્ચાવિચારણાઓ કરતાં, તેમના મૂલ્યવાન વિચારોનો લાભ મને મળ્યો છે. તેમને સૌને અહીં કૃતજ્ઞભાવે યાદ કરું છું. આ ગ્રંથના કેટલાક લેખોની પ્રેસકૉપી તૈયાર કરવામાં અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી સિલાસ પટેલિયાની મને સહાય મળી છે, તેમનો અહીં સ્નેહપૂર્વક ઉલ્લેખ કરવા ચાહું છું. ગ્રંથના પ્રકાશનમાં ચિ. રોહિતે પૂરી નિષ્ઠા અને ચીવટથી સહાય કરી છે તેની પણ સહર્ષ નોંધ લઉં છું. આ ગ્રંથને ગુજરાત સરકાર તરફથી, ‘શિષ્ટમાન્ય ગ્રંથોના પ્રકાશન અર્થે આર્થિક સહાય યોજના’ અન્વયે, આર્થિક સહાય મળી છે. આ પ્રસંગે સરકારશ્રીનો, ભાષાનિયામકશ્રી, તેમની કચેરીના સંબંધકર્તા અધિકારીશ્રીઓ અને પસંદગી સમિતિનો – સૌનો અહીં અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૧૯૮૨
વલ્લભવિદ્યાનગર
પ્રમોદકુમાર પટેલ