કથોપકથન/દુર્ગ / ફ્રાન્ઝ કાફકા કૃત ‘ધ કેસલ’નો પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દુર્ગ / ફ્રાન્ઝ કાફકા કૃત ‘ધ કેસલ’નો પરિચય

સુરેશ જોષી

ઓગણીસમી સદીના માનવીએ સરવાળો માંડીને આશાવાદ ઉપજાવ્યો: તમે ક્ષણ અને ક્ષણનો સરવાળો કર્યે જાવ એટલે શાશ્વતતા સિદ્ધ થાય; આધિભૌતિક સુખસમૃદ્ધિનો સરવાળો કરવાથી આપોઆપ આધ્યાત્મિકતા નીપજી આવે; એક પછી એક રૂપાન્તર ને પરિવર્તનનો સરવાળો કરવાથી પ્રગતિ પ્રાપ્ત થાય; પ્રયત્નો અને ક્ષતિઓનો સરવાળો માંડવાથી સત્ય હાથ લાગે. ડાવિર્નના ઉત્ક્રાન્તિવાદે પણ આ આશાવાદને પોષ્યો.

આ લેખું માંડવામાં માનવી એક મોટો આંકડો ભૂલી ગયો અને તે મૃત્યુનો. ક્ષણ અને ક્ષણનો સરવાળો કરતા હોઈએ ત્યાં જ મૃત્યુ આવીને આખું લેખું ખોટું પાડી દે. મૃત્યુથી સમયનો છેદ ઊડી જાય. ક્યિર્કેગાર્દે કહ્યું હતું કે માનવીને ક્ષણિકતા અને શાશ્વતતા વચ્ચે ઝોલાં ખાવાનું અનિવાર્ય છે. આથી ઉદ્ભવતો સંઘર્ષ અને એને પરિણામે આવતો વિષાદ માનવી ટાળી શકે નહીં. ઓગણીસમી સદીમાં માનવીઓનો સરવાળો કરીને સમાજ અને લોકશાહીની રચના થઈ. પણ એમ કરવાથી વ્યક્તિને નિ:શેષ કરી શકાય નહીં. આ સરવાળામાંથી જ સરમુખત્યારો નીપજી આવ્યા. એમણે માણસને આંકડાના જટાજૂથમાં, ધારાધોરણની કલમોમાં અટવાવી માર્યો. મરણની પણ સંખ્યા વધારીને એનું મહત્ત્વ દેખાય નહીં એવી ભ્રમજાળ રચી.

આ બધા પ્રયત્નો છતાં આશાવાદનો આભાસ ઝાઝો ટકી શક્યો નહીં. ડાવિર્નના ઉત્ક્રાન્તિવાદે બતાવેલી દિશાથી અવળી દિશામાં જઈને ફરી માનવી જન્તુ થવાની ઝંખના કરવા લાગ્યો. આંકડાની કિલ્લેબંદીમાંથી એ ભાગી છૂટ્યો. શાશ્વતતાને એ ક્ષણક્ષણના સરવાળા રૂપે જોઈ શક્યો નહીં. બે વસ્તુને જોડવાની કડી જ એને હાથ લાગી નહીં. ઈશ્વર ને નિયતિ આ કડીનું કામ આપતાં હતાં. પણ યુદ્ધ, મહામારી, ધરતીકમ્પ વગેરેથી થતા સંહારને જોઈને મનુષ્યને માટે ન્યાયી ઈશ્વરની કલ્પના કરવાનું અઘરું થઈ પડ્યું. ઈશ્વર અને નિયતિના ટેકા વિનાનો માનવી એકલો પડ્યો. આ એકાકીપણામાં સ્વયંનિર્ભરતાનું ગૌરવ હતું ને કેવળ પોતાના પરિઘમાં પુરાઈ રહેવાની લાચારીનો વિષાદ પણ હતો.

ભર્યાભર્યા વિશ્વમાં અનુભવાતી આ એકલતાનો વિષાદ ફ્રાન્ઝ કાફકાની આ નવલકથામાં અનુભવાયો છે. આ વિષાદ કાફકાની સૃષ્ટિમાં એક ડગલું આગળ વધે છે. એકાકી અને અટૂલો માનવી જો પોતા આગળ પોતાને સિદ્ધ કરી શકે તોય ઘણું. કાફકાની આ નવલકથાનો નાયક ક એ જ સિદ્ધ કરવા મથે છે. આખી નવલકથાનો વસ્તુવિકાસ, પોતાની જાતને આ રીતે સિદ્ધ કરવાના એના મરણિયા, ખંતીલા પણ નિષ્ફળ પ્રયત્નોથી જ, થતો રહે છે. આ નવલકથાનો અન્ત ન હોઈ શકે. કાફકાએ ધાર્યું હોત તો પણ આ નવલકથા પૂરી કરી શકાઈ ન હોત. મનુષ્યની પોતા વિશેની આ અનિશ્ચિતતા જ પોતાને ઓળખવાનું લક્ષણ બની રહી શકી હોત, પણ દુર્ભાગ્યે પોતાને વિશેની સંવિત્તિ પામવાની પ્રક્રિયા દરમિયાન પોતે જેને ‘હું’ કહે છે તે વેરણછેરણ થઈ જાય છે. એને પરિણામે શૂન્યના જ પર્યાય જેવી નરી પારદર્શકતા એને હાથ લાગે છે. આ પારદર્શકતા જ એને પોતામાંથી પણ બહિષ્કૃત કરે છે.

‘દુર્ગ’ આવા પોતામાંથી જ બહિષ્કૃત માનવની કથા છે. આપણી ભાષા એક અટપટી જંજાળ છે. માણસે પોતાના એક પગથી બીજો પગ સહેજ ઊંચી સપાટી પર મૂક્યો ને એણે ‘ઊર્ધ્વ’ અને ‘અધસ્’ની કલ્પના કરી ચૌદ લોક ઉપજાવી કાઢ્યા. આ ચઢતી ઊતરતી ભાંજણીના ચોકઠામાં ઉન્નતિ અને અધોગતિનો હિસાબ માંડતો ગયો; એમાંથી એણે નીતિ અને ધર્મ તારવ્યાં; ઈશ્વરને માટેનું આસન ઘડ્યું. પણ અવકાશની બહાર જઈને જોઈએ તો ઉન્નતિ અને અધોગતિની આખી ભૂમિતિ બદલાઈ જાય, એને એક નવા પરિમાણમાં મૂકીને ફરીથી તપાસવાનું રહે. માનવી ખરેખર અવકાશની બહાર ગયો તે પહેલાં પોતાની કલ્પનાના બળે એ આ પગલું ભરી જ ચૂક્યો હતો. એમ કરવાની અનિવાર્યતા તો એને ક્યારનીય વરતાઈ ચૂકી હતી. એણે, પોતે જે સૃષ્ટિમાં રહે છે તે સૃષ્ટિ વિશે ને પોતા વિશે, વિચાર કર્યો ને એને લાગ્યું કે પોતે એનો જ એક અંશ હોવાથી એ વિશે, કશું પૂર્ણપણે કહી શકે નહીં. પોતા સહિતની સૃષ્ટિને વિશે એની અંદર રહીને એ શી રીતે કશું કહી શકે? ફિલસૂફોએ તો આ સમ્બન્ધમાં હાથ ધોઈ નાખ્યા, પણ કળાકાર કાંઈ એમ થોડો જ ગાંજ્યો જાય! સૃષ્ટિની અંદર એના એક અંશ બનીને જીવવાની અનિવાર્યતાને, એના યથાર્થ સ્વરૂપમાં ઓળખવા માટે, એણે કલ્પનાથી, એ સૃષ્ટિની બહાર રહીને જીવનારા, મનુષ્યને અવતાર્યો. એ મનુષ્યને સ્મૃતિ ન હોઈ શકે, કારણ કે એને કાળ નથી. આપણી વાસ્તવિકતાની પડખે એની કપોલકલ્પિતતા કાફકાએ મૂકી. આ નવા પરિમાણની ભૂમિતિરચના કાફકાએ આ નવલકથામાં કરી છે.

કાર્ય અને કારણ, સાધ્ય અને સાધન, પહેલાં અને પછી, ત્યાં અને અહીં – આવી કડીથી આપણે આપણી વાસ્તવિકતાને શૃંખલાબદ્ધ કરીએ છીએ અને એની વચ્ચે પુરાઈને આપણી જાતને સુરક્ષિત માનીએ છીએ. પણ વર્તમાન સન્દર્ભની બહાર નીકળી જઈને આ વાસ્તવિકતા પર નજર નાંખીએ તો? આપણી પછી દસેક પેઢી વીત્યા બાદ, આપણી દટાઈ ગયેલી સંસ્કૃતિને કોઈ ખોદી કાઢે તો આપણે જે ઉપકરણો આજે વાપરીએ છીએ તેનો, તેનાથી સિદ્ધ થતાં કાર્યો તથા પરિણામો સાથેનો, સમ્બન્ધ જોડવાનું કદાચ શક્ય ન રહે; ને જો એ શક્ય ન રહે, એ કડી તૂટી જાય તો આપણે જેને મૂલ્ય કહીએ છીએ તે કેવળ એક અલગ હકીકત (કચબા) માત્ર બની રહે. આપણી ઉપરની નક્ષત્રગ્રહોની સૃષ્ટિ એ મૂલ્યોની સૃષ્ટિ નથી, કારણ કે આપણે એની બહાર છીએ. એમાં પ્રવેશીને, એની હકીકતોની અંદર અનુસ્યૂત થઈને, આપણી ચેતના મૂલ્યોની ગૂંથણી કરતી નથી. આવી દૃષ્ટિએ કાફકાની નવલકથાનો નાયક પોતે જે સૃષ્ટિમાં આવી ચઢ્યો છે તે સૃષ્ટિને જુએ છે. એમાં પ્રસંગો બને છે, પણ પ્રસંગોને બનવા માટેની કાળની ભૂમિકા કાઢી નાખી હોવાથી એની આનુપૂર્વી શક્ય નથી. ‘આ પછી આ બન્યું’ એમ આપણે, આપણી જૂની ટેવ મુજબ, કહેવા જઈએ કે તરત જ કાફકા બધું ઊલટુંસૂલટું કરી નાખે. એકી સાથે, એક જ વ્યક્તિને વિશે, પરસ્પરવિરોધી ઘણું બન્યા કરતું હોય ત્યારે આનુપૂર્વીથી એનો ઇતિહાસ બતાવવાનું શક્ય ન રહે.

જે પરિવર્તનશીલ છે તેને સમજવાને માટે એ પરિવર્તનોના સન્દર્ભમાં કશાક અવિકારી (absolute) ગૃહીતની અપેક્ષા રહે છે. એવા કૂટસ્થ તત્ત્વની મદદથી જ એ પરિવર્તનોમાં હેતુની કે લક્ષ્યની પ્રતિષ્ઠા કરી શકાય. આ હેતુ જ એ પરિવર્તનોને દિશા આપીને સાર્થકતા તરફ દોરે, પણ એ અવિકારી તત્ત્વ ક્યાં છે? એ શું છે? પરિવર્તનો હેતુશૂન્ય બનતાં જતાં લાગે ત્યારે આપણા ગૃહીતની ફેરતપાસ કરવાની આવશ્યકતા ઊભી થાય. કાફકાની નવલકથાનો નાયક આપણા સૌના વતી એ ફેરતપાસની પ્રવૃત્તિ હાથ ધરે છે.

કાફકાની કળાકાર તરીકેની શક્તિ એ છે કે આવી અસાધારણ પ્રવૃત્તિની વાત કરવા માટે એ, લગભગ તુચ્છ ને નજીવી લાગે એવી અલ્પ સામગ્રીનો ઉપયોગ કરે છે. આવી અલ્પતાની ઉપર આટલી ભવ્ય ઇમારત નવલસૃષ્ટિમાં કોઈએ ભાગ્યે જ રચી હશે. ઇતિવૃત્તને, કથાનકને, એ પ્રાધાન્ય આપતો નથી. ઇતિવૃત્તનો દરેક અંશ પ્રતીકાત્મક બનીને નવલકથાના મર્મના પરિમાણનો બૃહત્ વિસ્તાર આપે, એવી અસાધારણ એની રચનાશક્તિ છે. આમ છતાં, એમાં એક પ્રકારની નિર્વ્યાજ સરળતા રહેલી છે, ને તે અસાવધ વાચકને ભુલાવામાં નાખી દે છે.

આપણે ઇતિવૃત્ત પર એક નજર નાખી લઈએ: નવલકથાનો નાયક ક એક નમતી સાંજે, મોજણીદાર તરીકે, ગામમાં ફરજ પર હાજર થાય છે. ગામ બરફથી ઢંકાઈ ગયું છે. ગામમાં પ્રવેશ કરતાં પહેલાં એ લાકડાનો પુલ ઓળંગે છે. આ પુલની બીજી બાજુની દુનિયા વિશે આપણને કશી માહિતી નથી. એ પુલ તે જાણે આપણને પરિચિત એવી વાસ્તવિકતા સાથે સાંકળતો સેતુ છે, એના સમય અને સ્થળના પરિમાણને પણ, આ પુલ ઓળંગતાંની સાથે જ, આપણે પાછળ મૂકતા આવીએ છીએ. કથાનકમાં માત્ર એક-બે વાર પુલની પેલે પારની દુનિયાની આછી સ્મૃતિ નાયકને થાય છે. આ પુલ ઓળંગતાં ક ધુમ્મસમાં ઢંકાયેલા દુર્ગનો આછો આભાસ જુએ છે, પણ એ ગાઢા ધુમ્મસમાં ક્યાંય સહેજ સરખોય પ્રકાશનો અણસાર દેખાતો નથી, આથી કને પોતાની ઉપર એક આભાસી શૂન્યતા તોળાઈ રહી હોય એવો અનુભવ થાય છે. દુર્ગનો આ પ્રથમ અનુભવ, તે પછીના આખા કથાનક દરમિયાન, પેલાં ગાઢાં ધુમ્મસની જેમ, કની ચેતનાને આવરીને રહે છે. અંધારું થઈ ગયું હોવાથી ક એક વિશ્રાન્તિગૃહમાં આશ્રય લેવા જાય છે, ત્યાં જગ્યા નથી. એટલે મુખ્ય ખણ્ડના એક ખૂણામાં પરાળ પાથરીને એને માટે સૂવાની કામચલાઉ સગવડ કરવામાં આવે છે. માંડ એની આંખ મળી છે ત્યાં કોઈ એને ઢંઢોળીને જગાડે છે ને આ ગામમાં રાતવાસો કરવા બદલનો પરવાનો એની પાસે છે કે નહીં તેની તપાસ કરે છે. આ ગામ દુર્ગની હકૂમત નીચે છે ને દુર્ગમાંથી પરવાનો મેળવ્યા વિના ગામમાં રહી શકાય નહીં. કને અહીંથી પોતાની ઓળખ આપીને પોતાનો નિશ્ચિત પરિચય સિદ્ધ કરવાની પ્રવૃત્તિ શરૂ કરવી પડે છે. નવલકથાના પહેલા પાનાથી જ એના આ ઉધામા શરૂ થઈ જાય છે. આખી નવલકથામાં, રૂંધાયેલા શ્વાસે, એ એકસરખો પોતાની જાતને સ્થાપિત કરવાના હક્ક માટે મથતો રહે છે. એના આ પ્રયત્નો ને દુર્ગના તન્ત્રની જટાજાળનું આલેખન એવી રીતે થયું છે કે એથી ક્રમશ: આપણો પણ શ્વાસ રૂંધાતો જાય છે. અનિશ્ચિત, અપરિચિત ભયની ભૂતાવળ આપણી આંખ સામે નાચવા લાગે છે, ને તેમ છતાં, કથાના નાયકની જેમ, આ અવિરત પ્રયત્નોમાંથી જ ઉદ્ભવતા કશાક કેફ કે સંમોહનને કારણે, ક્રમશ: વધુ ને વધુ જટિલ બનતી ને વ્યર્થતાની દિશામાં જ આગળ વધતી, આ પ્રવૃત્તિના વૃત્તની બહાર આપણે પગ મૂકી શકતા નથી. ક પોતાને મોજણીદાર તરીકે ઓળખાવે છે ને એ રૂએ એને ગામમાં રહેવાનો હક છે એમ કહે છે. આ હકીકતની ખાતરી કરવા દુર્ગના અધિકારીને ટેલિફોન કરીને પૂછવામાં આવે છે. પહેલાં તો આ બાબતમાં થોડી ગૂંચ ઊભી થાય છે, પણ પાછળથી એક મોજણીદારની નિમણૂક થઈ છે ખરી, એટલું જાણવા મળે છે. પણ ક જ એ મોજણીદાર છે એ તો સાબિત કરવાનું જ રહે છે. બીજી સવારે પોતાના મોજણીદાર તરીકેના કામની વિગત વિશે તથા આ ગામમાંના પોતાના સ્થાન વિશે નિશ્ચિતતા પ્રાપ્ત કરવા ક દુર્ગની દિશામાં જવા નીકળે છે. આછા બરફના પડથી ઢંકાયેલા ને સવારના તડકામાં તગતગતા દુર્ગની રૂપરેખા હવે ક સામે સ્પષ્ટ થાય છે. એ દુર્ગ બહુ જૂનોપુરાણોય નહોતો કે સાવ નવોય નહોતો લાગતો. નાનાં નાનાં ગીચોગીચ ઊભેલા પથ્થરિયાં મકાનોના સમૂહ જેવો એ લાગતો હતો. એ દુર્ગ છે એમ જો કોઈએ એને કહ્યું ન હોત તો એને ટેકરી પરની નાની વસતિ રૂપે જ એણે જોયો હોત. એની આજુબાજુ કાગડા ઊડતા હતા. એમાં એક ટાવર હતો, પણ તે દેવળનો હતો કે પછી કોઈના ઊંચા મકાનનો તે કહી શકાય એમ નહોતું. રસ્તા પરનો બરફ ટેકરી પરના બરફ કરતાં ગાઢો હતો, ને એમાંથી રસ્તો કરવાનું ઘણું મુશ્કેલ હતું.

જેમ જેમ ક આગળ વધે છે તેમ તેમ દુર્ગ દૂર ને દૂર જતો હોય એવું લાગે છે. એને લાગે છે કે એ માંડ બેએક કલાક ચાલ્યો હશે, પણ થોડા જ વખતમાં અંધારું છવાઈ જાય છે. આખરે થાકીને એ એક નાની ઝૂંપડીમાં આશ્રય શોધે છે. ઝૂંપડીમાંનો વૃદ્ધ કશુંક અસ્પષ્ટ અવાજે બોલે છે, તેને આવકારના શબ્દો માની લઈને ક અંદર પ્રવેશે છે. અંદર દાખલ થતાં રસોડાના હૂંફભર્યા વાતાવરણમાં એ થોડી વાર આરામ કરે છે. ત્યાં એક માણસ એને કહે છે: ‘તમે અહીં રહી શકશો નહીં. આતિથ્યના આ અભાવથી તમને આશ્ચર્ય તો થશે, પણ અહીં અતિથિ-સ્વાગતનો રિવાજ નથી. કોઈ મુલાકાતી સાથે અમને કશી નિસ્બત નથી.’ આ જ શબ્દો, રહી રહીને, થોડે થોડે ગાળે, ક આખા ગામમાંથી સાંભળતો રહે છે. ગામની વચ્ચેનું પોતાનું આ પારકાપણું ને એકલતા એને વધારે ખંતથી ને મરણિયાપણાથી પોતાના સ્થાનને સ્થાપિત કરવાના પ્રયત્નો કરવા પ્રેરે છે. એ ઝૂંપડીમાંથી બહાર નીકળે છે ત્યારે અધારું ગાઢ થયું છે ને બરફ વરસવા લાગ્યો છે. રસ્તા પર એને ઊભો રહી ગયેલો જોઈને પાસેના ઘરની બારીમાંથી કોઈક ડોકાઈને પૂછે છે: ‘તમે કોની રાહ જુઓ છો?’ ક જવાબમાં કહે છે: ‘આ રસ્તેથી કોઈક સ્લેજ પસાર થતી હોય તો અહીંથી મારે મુકામે પહોંચી જઉં.’ પણ પેલો માણસ કહે છે: ‘આ રસ્તા પર તો વાહનવહેવાર છે જ નહીં.’ પણ પોતાની સ્લેજમાં બેસાડીને એ કને એને મુકામે પહોંચાડી આવે છે. મુકામે પહોંચતાં ક બે જુવાનોને પોતાની રાહ જોતાં બેઠેલા જુએ છે. એ બે – આર્થર અને જેરેમિયાહ – એના મદદનીશ છે. કને એ બંને એકસરખા લાગે છે – બે સાપ જેવા એકસરખા! આથી એને મન તો એ બે મળીને એક જ માણસ થાય છે. પોતાને પરિચિત મદદનીશની એ રાહ જોતો હતો, પણ આ તો સાવ અજાણ્યા છે. આ મદદનીશો તે જાણે કની પોતાની જ સાક્ષીભૂત ચેતના હોય, ક્યિર્કેગાર્દ જેને other-self કહે છે તે હોય, એવું લાગે છે. કની બધીય પ્રવૃતિના – પ્રેમની સુધ્ધાં – એ અનિવાર્ય સાક્ષી છે, ને કનું સ્થાન લઈ લેવા સુધીની હદે એ જાય છે. આ દરમિયાન દુર્ગમાંના એક ખાતાના વડાનો એના પર પત્ર આવે છે. એના અક્ષર ક માંડ ઉકેલી શકે છે. પત્ર લખનારનું નામ તો એ ઉકેલી શકતો નથી, પણ પત્ર લાવનાર સંદેશવાહક બાર્નાબાસ એનું નામ કલામ છે એમ કહે છે. ગામનો મુખી એ કનો સીધો ઉપરી છે ને જરૂરી માહિતી બાર્નાબાસ સાથે સંદેશો મોકલાવીને કલામ પાસેથી મેળવી શકાશે એવી, પત્રમાં સૂચના છે. આ સંદેશો આપીને બાર્નાબાસ જતો હોય છે ત્યાં ક પાછળ દોડીને એને ઊભો રાખે છે ને જો ભવિષ્યમાં સંદેશો મોકલવો હોય તો એને ક્યાં શોધવો તે વિશે પૂછે છે. બાર્નાબાસ એ વિશે કશો નિશ્ચિત જવાબ આપી શકતો નથી. પોતાના મુકામની વ્યવસ્થા સન્તોષકારક નથી એમ કહીને ક બાર્નાબાસ સાથે દુર્ગની દિશામાં જવા નીકળે છે. પણ બાર્નાબાસ કને પોતાને ઘેર લઈ જાય છે. ત્યાં ક બાર્નાબાસનાં વૃદ્ધ માતાપિતા તથા એની ઓલ્ગા અને આમાલિયા નામની બે બહેનોની ઓળખાણ કરે છે. ઓલ્ગા થોડો દારૂ લેવા માટે હેરેનહોફ નામના વિશ્રાન્તિગૃહમાં જાય છે, તેની સાથે ક પણ ત્યાં જાય છે. એ વિશ્રાન્તિગૃહમાં એને સગવડભર્યો રાતવાસો મળશે એવી એને આશા છે, પણ એને જાણવા મળે છે કે એ વિશ્રાન્તિગૃહ તો માત્ર દુર્ગ પરના અમલદારોને માટે જ છે, ને તે રાતે કલામનો મુકામ એ વિશ્રાન્તિગૃહમાં છે. કલામને રૂ-બ-રૂ મળવાની શક્યતાથી ક ઉત્સાહી બને છે. ઓલ્ગા એને પીઠામાં લઈ જાય છે. ત્યાં ક ફ્રીડા નામની નોકરડીને મળે છે. ફ્રીડા કને એક કાણામાંથી કલામ બેઠો છે તે બતાવે છે. એ બેઠો બેઠો, માથું ઝૂકાવીને ઊંઘતો હોય છે. આથી કને એના ચહેરાનો સ્પષ્ટ ખ્યાલ આવતો નથી. પણ ગામમાં કોઈનેય કલામના ચહેરા વિશે સ્પષ્ટ ખ્યાલ નથી. સવારે એનો ચહેરો જુદો લાગે છે, દારૂ પીધા પછી વળી એનો ચહેરો બદલાઈ જાય છે, કોઈ સાથે વાત કરે છે ત્યારે એનો ચહેરો જુદો હોય છે ને એકલો બેઠો હોય ત્યારે જુદો હોય છે. એની પાસેથી સંદેશા લાવનાર પેલા બાર્નાબાસને પણ, આ જ કારણે, ખાતરી નથી કે એ સંદેશા કલામ જ મોકલાવે છે કે બીજું કોઈ! એ ઘણુંખરું નિદ્રાધીન અવસ્થામાં જ દેખાય છે. માત્ર કલામ નહીં, બીજા દુર્ગના અમલદારો પણ રાત દરમિયાન, પથારીમાં પડ્યા પડ્યા જ, અરજદારોને મુલાકાત આપે છે. એ અમલદારોનાં નામમાં પણ ગોટાળો ઊભો થાય છે (જેમ કે સોતિર્નિ અને સોદિની વચ્ચે આવો ગોટાળો ઘણાંનાં મનમાં છે).

વળી દુર્ગ તરફ જવાના રસ્તા વિશે પણ ગામમાં કોઈને કશી નિશ્ચિત માહિતી નથી. ઘડીમાં એક રસ્તો ચાલુ હોય છે તો ઘડીમાં બીજો. વાર્તામાં મોટે ભાગે રાતનો જ સમય વર્ણવાયો છે. સૂર્ય તો દેખાતો જ નથી, ચન્દ્રનું પણ ક્યાંય વર્ણન નથી. માત્ર થીજી ગયેલા રૂપેરી બિન્દુ જેવા તારાવાળું આકાશ ને બધે છવાયેલો બરફ કે ગાઢો અન્ધકાર – એટલું જ આ સૃષ્ટિમાં દેખાય છે. એ સૃષ્ટિમાં બાળકો કોઈક વાર દેખાય છે, પણ એમનો કિલકિલાટ નથી. પંખીઓમાં માત્ર એક વાર કાગડાઓને ઊડતા વર્ણવ્યા છે. પંખીઓનો ટહુકાર પણ આ સૃષ્ટિમાં કાને પડતો નથી. વૃક્ષો છે, પણ એનાં પાંદડાં સરખાં જાણે હાલતાં નથી. એની ડાળીઓ પર ગૂંછળું વાળીને પડેલા સાપ સળવળે ત્યારે જ પાંદડાં હાલે છે! આપણને પરિચિત પ્રકૃતિદૃશ્યોનો આ સૃષ્ટિમાં કેવળ અભાવ છે. આ બધાંને કારણે એક વિશિષ્ટ પ્રકારના ભયાનકની અહીં નિષ્પત્તિ થાય છે.

ફ્રીડા કલામની રખાત છે. કલામ હેરેનહોફમાં રાતવાસો કરે છે ત્યારે એને પોતાની પાસે બોલાવે છે. પણ આ પ્રેમ નથી. પ્રેમને નિષ્ઠાની અપેક્ષા છે, નિષ્ઠાને સ્મૃતિની, કલામને સ્મૃતિ છે જ નહીં. ફ્રીડાની મા પણ એક વખત કલામની માનીતી હતી. એ કલામને ભૂલી શકતી નથી. પણ કલામ એને ઓળખે પણ નહીં એની એને ખબર છે ને એ પરિસ્થિતિ એણે પૂરી સ્વાભાવિકતાથી સ્વીકારી લીધી છે. ફ્રીડા દ્વારા કલામની નજીક પહોંચવાની ઇચ્છાથી ક એની જોડે સમ્બન્ધ બાંધે છે ત્યારે ફ્રીડાની મા કહે છે કે: ‘એ તમને પરણે તોય કલામથી દૂર એ કદી ખસી શકવાની નથી.’ ફ્રીડા પોતે કલામ સાથેના સમ્બન્ધથી ગૌરવ અનુભવે છે. ને છતાં, એ રાતે હેરનહોફના પીઠામાં, પ્રથમ પરિચયે જ, એ ક જોડે પ્રેમ કરી નાખે છે. પણ આ પ્રેમ તે આપણી સૃષ્ટિનો, આપણને પરિચિત, પ્રેમ નથી. દારૂના ખાબોચિયામાં આળોટીને ને અજીઠી વસ્તુઓના ટુકડા વચ્ચે રગદોળાઈને બંને પ્રેમ કરે છે. એ વેળાનો કનો પ્રતિભાવ નોંધવા જેવો છે: ‘કલાક પછી કલાક વીતતા ગયા, એ દરમિયાન બંને એક બનીને શ્વાસ લેવા લાગ્યાં, બંનેમાં જાણે એક જ હૃદય ધબકવા લાગ્યું (રોમેન્ટિક પ્રેમને માટેનો આ વ્યંગ અછતો રહેતો નથી.) આ દરમિયાન કને લાગ્યું કે એ પોતાની જાતને ખોતો જતો હતો, એ જાણે કોઈ અજાણ્યા પ્રદેશમાં રઝળી રહ્યો હતો, કોઈ પણ માણસ કદી ગયો હોય તેથીય ઘણે દૂર સુધી એ નીકળી ગયો હતો. એ દેશ એટલો તો અજાણ્યો હતો કે એની હવા પણ જાણે કોઈ નવા જ પ્રકારની લાગતી હતી, એમાં કોઈ શ્વાસ લે તો એની વિચિત્રતાને કારણે મરી જ જાય, ને છતાં એનું સંમોહન એવું હતું કે એમાં આગળ ને આગળ વધતા જઈને જાતને ખોયા વિના રહેવાય એમ નહોતું. આથી કલામના ઓરડામાંથી સત્તાવાહી પણ નિર્વૈયક્તિક સાદે ફ્રીડાને બોલાવવામાં આવી ત્યારે એ પહેલાં તો ચોંક્યો પણ પછીથી એમાં એને આછી આસાયેશનો અનુભવ થયો.’ ફ્રીડા પોતે તો કને છોડીને કલામ પાસે જવા તૈયાર નથી, પણ ક જ એને મોકલે છે. પાછળથી ક કલામ પર સંદેશો મોકલીને પોતાના ભાવિ વિશે પુછાવે છે ત્યારે એના જવાબના બદલામાં એ કલામની ઇચ્છા મુજબ ગમે તે કરવાની તૈયારી બતાવે છે. એમાં ફ્રીડાના ત્યાગનો પણ સમાવેશ થઈ જાય છે. કાફકા અહીં પ્રેમને એક ઉદ્ધારક કે તારક શક્તિ કે મૂલ્ય તરીકે દોસ્તોએવસ્કીની જેમ રજૂ કરતો નથી. આ પ્રસંગને માટેનો રચેલો પરિવેશ, એમાં રહેલી ગૂંગળામણ, આત્મવિઘાતકતા આ વાતને સ્પષ્ટ કરે છે. બીજે એક પ્રસંગે નિશાળના મકાનમાં ક ફ્રીડાનો સહવાસ સેવીને પતિપત્ની તરીકે ગામના એક વાસી તરીકે સાધારણ જીવન ગાળવાની ઇચ્છાથી સામાન્ય નોકર તરીકે પણ રહેવા તૈયાર થાય છે, ત્યારેય ફ્રીડા સર્વાંશે એની બનતી નથી. કેમ કે કના મદદનીશની આંખોમાં એને કલામની દૃષ્ટિ દેખાય છે ને એ કને કહે છે કે આપણે એકબીજાને નિશ્ચિન્ત બનીને વિશ્રમ્ભપૂર્વક ચાહી શકીએ એવું એક માત્ર સ્થાન તો કબર જ છે. આથી એ આખરે કના મદદનીશ જેરેમિયાહ જોડે ચાલી જાય છે.

એક બાજુ ફ્રીડા છે તો બીજી બાજુ આમાલિયા છે. ફાયર બ્રિગેડના યોજાયેલા ખાસ સમારમ્ભમાં સોતિર્નીની દૃષ્ટિ આમાલિયાના પર પડે છે. એથી બીજા બધા તો અનુગૃહીત થયાનો અનુભવ કરે છે, પણ આમાલિયા જુદી માટીની ઘડાયેલી છે. સોતિર્ની બીજે જ દિવસે દૂત સાથે સંદેશો મોકલીને આમાલિયાને પોતાની પાસે તેડી મંગાવે છે. આમાલિયા એનો કાગળ ફાડી નાખીને દૂતને ધૂત્કારી કાઢે છે. સોતિર્નીનું આ અપમાન તે દુર્ગનું અપમાન છે. આ બદલ આખા કુટુમ્બને ઘણું સહન કરવાનું આવે છે. કાફકા આખી વસ્તુને અત્યન્ત સન્દિગ્ધ બનાવી દે છે. ઓલ્ગાની વાત પરથી આપણા પર એવી છાપ પડે છે કે આમાલિયાને સોતિર્ની માટે ભાવ નહોતો એવું પણ નથી. તેમ છતાં આમાલિયાનું આ દુર્ગવિરોધી આચરણ એને શિક્ષાપાત્ર બનાવે છે. એના બાપની નોકરી જાય છે, ગામ આખું એ કુટુમ્બનો બહિષ્કાર કરે છે. આખરે આમાલિયાનો બાપ પ્રાયશ્ચિત્ત કરવા દુર્ગના રસ્તા આગળ, અમલદારના આવવાની રાહ જોતો, દિવસોના દિવસ ઊભો રહે છે, બરફમાં ઠરીને મરણતોલ થઈ જાય છે. મહામહેનતે એના ભાઈ બાર્નાબાસને સંદેશવાહકનું કામ મળે છે ને એ રીતે દુર્ગ સાથેનો સમ્બન્ધ બાંધવાની ભૂમિકા સ્થપાય છે. પણ બાર્નાબાસ દુર્ગના અમલદારો સુધી પહોંચી જ શકતો નથી, આથી કશી આશા બાંધવાની ભૂમિકા તૈયાર થતી નથી.

મોજણીદાર તરીકેનું સ્થાન પામવા મથતો ક, ગામના મુખી પાસેથી એક દિવસ સાંભળે છે કે ગામને મોજણીદારની જરૂર નથી એવો સંદેશો તો આ પહેલાં ક્યારનોય દુર્ગ તરફ રવાના કરી દેવાયો છે. પણ એ ખોટા ખાતામાં થઈ પડ્યો હોવાથી આ બાબતમાં સોદિર્ની ખાસ તપાસ ચલાવી રહ્યો છે. એ ભૂલ પકડાતાં એનું ભાવિ નક્કી થશે. આથી જો ગામમાં રહેવું હોય તો નિશાળમાં સાફસૂફી કરનારની જગ્યા સ્વીકારી લેવી એવી એને સલાહ આપવામાં આવે છે, ને તે ફ્રીડાને ખાતર અને એ ગાળામાં કલામ પાસેથી ફ્રીડા દ્વારા કશો ખુલાસો મળી જાય એવી આશાથી કચવાતે મને એ સ્વીકારે છે. આ દરમિયાન જ કલામ પાસેથી બાર્નાબાસ સંદેશો લાવે છે. એમાં કના મોજણીદાર તરીકેના કામની પ્રશંસા કરવામાં આવી છે! આ અસંગતિનો ક મેળ પાડી શકતો નથી. સંદેશો મોકલનાર, સંદેશો લાવનાર, સંદેશો પોતે આવ્યા વિશે એને સંદેહ ઊપજે છે ને અન્તે, એને પરિણામે, પોતા વિશે જ એને સંદેહ ઉપજે છે. અન્તમાં એ બહુ થાક્યો હોય છે ત્યારે એલેન્ગિર નામના અમલદારને મળવા જતાં ભૂલથી એ બુર્ગેલ નામના બીજા સેક્રેટરીના ઓરડામાં ઘૂસી જાય છે, ને ત્યાં બુર્ગેલ બધી આંટીઘૂંટી વિગતે સંભળાવતો હોય છે. ત્યારે ક ઘસઘસાટ ઊંઘી જાય છે.

આમ ને આમ એકબીજાથી વિરોધી સંદેશાઓ, ચહેરા બદલતા અમલદારો, દૂર ને દૂર સર્યે જતો દુર્ગ ને આ બધાંને પરિણામે પોતાને દૃઢ રીતે સ્થાપિત કરવાની સ્થિતિથી દૂર ને દૂર સર્યે જતો ક – આ પરિસ્થિતિનો ક્યાંય અન્ત દેખાતો નથી, માટે વાર્તાનોય અન્ત નથી. વાર્તાના અન્ત ભાગમાં ‘જા, જા ચાલ્યો જા. તું ક્યાં તો મૂરખ છે, ક્યાં તો બાળક છે, ને ક્યાં તો ભારે દુષ્ટ ખતરનાક આદમી છે.’ એવો જાકારો કને સાંભળવાનો રહે છે.

કાફકાની બધી જ કૃતિઓમાં આ પ્રકારની અગતિકતા, ‘સ્વ’ને દૃઢપણે સ્થાપવાના મરણિયા પ્રયાસ, એની નિષ્ફળતા, પરાયાપણું, અટૂલાપણું, વિષાદ, ભય – આ બધાંની મિશ્ર છાયાઓથી બનેલી એક સંકુલ ભાત ઊપસી આવતી લાગે છે. રજ્જુમાં સર્પની ભ્રાન્તિ થાય તે પ્રત્યક્ષ જ્ઞાનથી કે પ્રત્યક્ષની સ્મૃતિથી નિવારી શકાય, પણ જ્યાં સ્મૃતિ જ ન હોય, પ્રત્યક્ષમાં જ એક સાથે અનેક વિરોધી છાયાઓ ભળેલી હોય, સત્ય અને ભ્રાન્તિનો વિવેક કરી આપનારું નિર્ણાયક તત્ત્વ જ દૂર ને દૂર સરી જતું હોય ત્યાં વાસ્તવિક અને કપોલકલ્પિત, એ બેય તાણાવાણાની જેમ એવાં તો ઓતપ્રોત થઈ જાય છે કે એ બેના ભેદના પાયા પર રચેલાં ધોરણો આપોઆપ નિરર્થક નીવડે છે. આલ્બેર કેમ્યૂના સિસિફસની જેમ આ કથાનો નાયક પણ અન્તહીન, નિરર્થક ને અસંગત પ્રવૃત્તિમાં પ્રામાણિકતાભરી નિષ્ઠા અને ખંતથી મચ્યો રહે છે. મહાકાવ્યના નાયકના ગૌરવ કરતાં જુદા પ્રકારનું એનું મહત્ત્વ છે. એ કોઈ કુળને તારતો કે ડુબાડતો નથી. રાજ્યો ઉથલાવતો નથી. એ કેવળ પોતાને દૃઢતાથી સ્થાપવાની તસુ ભોંય શોધે છે, પોતાના પરિચયને માટેની એક સંજ્ઞા શોધે છે.

આ કથામાં રૂપકગ્રન્થિ શોધવાના ને પોતાને અભિમત સમીકરણો માંડવાના પ્રયત્નો થયા છે. ‘દુર્ગ’ તે આપણા અસ્તિત્વને નિયન્ત્રિત કરતી દિવ્ય સત્તા ને ગામ તે આપણો અપૂર્ણ સંસાર, ક એમાં ભટકતો જીવ, આમાલિયા એ સત્તાનો વિદ્રોહ કરનાર શાપિત આત્મા – આમ ઘણા વિવેચકોએ પદ માંડ્યાં છે. પણ કાફકાની રચના, દેખીતી રીતે સરળ છતાં, એવી તો સંકુલ છે કે આટલાં સાદાં પદમાં એનું હાર્દ સમાઈ જતું નથી. દુર્ગના અમલદારો દૈવી તત્ત્વો છે એવી છાપ આપણા પર પડતી નથી. એ બધા મોટે ભાગે નિશાચર છે, એમનામાં આસુરી આવેગો છે, ઘણુંખરું તેઓ અગોચર રહે છે, એટલા પૂરતા જ એમને દૈવી કહી શકાય નહીં. તેઓ અપાથિર્વ લાગે છે, અલૌકિક નહીં, અને ભૂતાવળ પણ અપાથિર્વ જ હોય છે ને! આ દુર્ગ કાઉન્ટ વેસ્ટનો છે. ‘વેસ્ટ’નો અર્થ decompose થવું, વિચ્છિન્ન થવું એવો પણ છે. નિયતિ તો બધું નિયત કરે છે, પણ આ દુર્ગની અમલદારશાહી તો બધું જ અનિશ્ચિત અવસ્થામાં ને અન્તે શૂન્યની સ્થિતિમાં સરી પડવાની અવસ્થામાં રાખે છે. મનુષ્ય હંમેશાં પોતાથી અતીત એવા transcendental તત્ત્વની કલ્પના કરે છે, ને એ તત્ત્વ એનાં કાર્યોને નિયત કરનાર ઋત છે, એમ માને છે. આથી થોડી ગૂંચો ઉકેલવાનો ભાર કદાચ હળવો બનતો હશે, થોડું ભ્રાન્તિનું આશ્વાસન મળતું હશે. પણ જે મૂળમાં જઈને તંતોતંત તપાસ કરવા નીકળ્યો છે તેને તો આ ‘દુર્ગ’ માથા પર તોળાઈ રહેલા ધુમ્મસની શૂન્યતા રૂપે જ દેખાય છે. અહીં આત્માની અધ્યાત્મયાત્રાનું આલેખન નથી; આપણી દિશાશૂન્યતાનું સૂચન છે. મોજણીદાર એટલે સીમા નક્કી કરનાર, સરહદના ઝઘડાઓ પતાવનાર, આપણી વીસમી સદીનો ‘બૌદ્ધિક.’ પણ બુદ્ધિ જેને માપી શકે નહીં, જેના વડે બુદ્ધિની મર્યાદાનું જ માપ નીકળી જતું હોય તેનું શું? આથી જ ‘મોજણીદાર’ને માટેના મૂળ કૃતિના જર્મન શબ્દમાં આડમ્બર, મિથ્યાભિમાન ને ધૃષ્ટતાનું પણ સૂચન રહ્યું છે. બાર્નાબાસ એ ઇસુના મૂળ બાર મુખ્ય શિષ્યો પૈકીનો નહીં, છતાં પાછળથી એ પદવીનો ગણાતો શિષ્ય છે. એ રીતે આ કથાસૃષ્ટિમાં કને માટે બાર્નાબાસ જ મુખ્ય આશ્વાસન થઈ પડે છે. પણ એ બાર્નાબાસ એના ચળકાટવાળા રેશમી પોશાકમાં જેટલો ખાનદાન લાગે છે તેટલો વાસ્તવમાં નથી. એ કપડાં ઉતારે છે ત્યારે એની છાતી કોઈ સાધારણ મજૂરના જેવી લાગે છે. આમ, આ સૃષ્ટિમાં જે કાંઈ દેખાય છે તે તેવું છે પણ ખરું, ને નથી પણ ખરું. એ વિશે કશી નિશ્ચિતતા પર આવવું જ અશક્ય છે, આમ આ ‘દુર્ગ’ કોઈ અતીન્દ્રિય પરમ તત્ત્વનું નહીં, પણ કેમ્યૂ જેને અસંગતિ (ચમજેગિ) કહે છે તેનું પ્રતીક બની રહે છે.

કાફકાની બે નવલકથાઓ: ‘મુકદ્દમો’ (The Trial) અને ‘દુર્ગ’ એ કૅમ્યૂને મતે એકબીજાને પૂરક નીવડે છે… ‘મુકદ્દમો’માં ચાલતો મુકદ્દમો સમયના પરિમાણની બહાર ચાલે છે. પરિસ્થિતિ સાથે તત્સમ થઈને કેવળ નિશ્ચિહ્ન સાધારણતાને અપનાવવી ને એમાં જ જીવનની ઇતિ માનવી એટલે જ જીવનનો છેદ ઉડાડી દઈને મરણને અપનાવવું આ દોષ જોસેફ કે.નો છે. ને એ મરી જ ચૂકેલો હોવાથી માત્ર એને એની સાચી વાસ્તવિકતાનું ભાન કરાવવા પૂરતો જ આ મુદદ્દમો ચાલે છે. કયામતનો દિવસ સમયની સીધી રેખાને છેડે આવે એમ માનવું ખોટું છે. ખરું જોતાં એ સમયમાં જ આપણે જીવીએ છીએ, માટે દરેક પળ કયામતના દિવસ બરાબર છે. કાફકાની ‘મેટામોર્ફોસિસ’–રૂપાંતર–માં પણ જ્યોર્જ સામ્સા લાંબા જન્તુની અવસ્થાને પામે છે. એમાં એના જીવનની સાચી વાસ્તવિકતા કેવી તો જઘન્ય ને જુગુપ્સાજનક છે તેનું સૂચન છે. ‘પીનલ કોલોની’ નામની વાર્તામાં આવતું માનવહત્યાને માટેનું યન્ત્ર એવું છે કે એ દેહાન્તદણ્ડ પામેલાના કપાળમાં એના દાંતાથી અપરાધને લિપિબદ્ધ કરે છે, ને અપરાધને લિપિબદ્ધ કરવાની પ્રક્રિયા દરમિયાન જ પેલો ગુનેગાર, પોતાનો અપરાધ જાણ્યા વિના, મરી જાય છે! આ બધાંની પાછળ રહેલી વિભીષિકા તે માનવના આખાય લોહીતરસ્યા ભૂતકાળે ઊભી કરેલી ભૂતાવળના પડછાયામાંથી સરજાઈ છે. કાફકાએ એ ભૂતાવળ આડેનો પડદો ખસેડી નાંખ્યો છે. પિકાસોનાં ચિત્રોમાં થતાં વક્રીકરણ (distortion) વિશે કાફકા આગળ એક મિત્રે ફરિયાદ કરી ત્યારે એના જવાબમાં કાફકાએ કહેલું: કળા એ એક વિશિષ્ટ પ્રકારનું દર્પણ છે, ને જેમ ઘડિયાળ કેટલીક વાર આગળ જાય છે તેમ આ દર્પણ પણ આગળ દોડી જાય છે ને અનાગતની છબિને પ્રતિબિમ્બિત કરે છે. આપણે એને જોયું નથી, માટે વર્તમાનનું એ વક્રીકરણ છે એમ આપણે માની બેસીએ છીએ.

‘દુર્ગ’માં અવકાશનો આભાસી પ્રસાર છે, ને એની પડછે એક ને એક પ્રકારની ખંતપૂર્વક થતી પ્રવૃત્તિ દ્વારા સૂચવાતો રૂંધી નાંખે એવો સાંકડો સમયનો ખણ્ડ છે. આ એકવિધતાને કારણે સમય જાણે સ્થગિત થઈ ગયેલો લાગે છે. આ બેની વિરોધાત્મક સહોપસ્થિતિ અકળ રીતે આપણા પર સચોટ અસર પાડી જાય છે. એનું નામ પાડી શકાતું નથી, ને છતાં એની અસરથી મુક્ત રહી શકવાનું પણ બનતું નથી.

એક નાના સરખા ટુચકામાં કાફકા કહે છે કે મારા બે રિપુઓ છે. એ પૈકીનો એક મને આગળ હડસેલે છે, પાછળ હઠવા દેતો નથી; ત્યારે બીજો મને પાછળ ને પાછળ હડસેલે છે, આગળ વધવા દેતો નથી. આ ઠેલાઠેલીમાં હું જો રેખાની બહાર નીકળી જાઉં તો એ બે રિપુઓ સામસામે આવી જાય, ને પછી એ બેના યુદ્ધના નિર્ણાયક બનવાની પાત્રતા મને આપોઆપ મળી રહે. માનવચેતના વિશે આ એક દ્યોતક વિધાન છે.

કાફકાની સૃષ્ટિની જે સમસ્યા છે તે ‘ચીનની મોટી દીવાલ’ એ કથામાં સચોટ રીતે પ્રકટ થયેલી દેખાય છે. સંરક્ષણ માટે, સમ્પત્તિ માટે, સત્તાની દૃઢ સ્થાપના માટે દીવાલ તો બાંધવી જોઈએ. પણ જેમ હકૂમતનો પ્રદેશ મોટો તેમ દીવાલ મોટી. પણ માણસ તો બધું ટુકડે ટુકડે કરી શકે, ને વળી દીવાલ બંધાવનાર શહેનશાહ એટલે દૂર કે એનો સંદેશો આ માણસો સુધી પહોંચતાં સુધીમાં તો પેલો શહેનશાહ મરી ચૂક્યો હોય, ને છતાં આ પ્રજાજનો તો હજુ જૂના શહેનશાહના અમલને જ અનુસરતા હોય! કાળ બધું બદલી નાંખે છે, સાધન સાધ્યને ભક્ષી જાય છે, પરિણામે કશું નિવિર્કારી કે કૂટસ્થ રહેતું નથી, ને છતાં એવા કશાકની કલ્પના કર્યા વિના માણસને ચાલતું નથી. આખરે આ કલ્પના જ માણસનું કારાગૃહ બની રહે છે.

‘દુર્ગ’માં પણ સંદેશાઓથી ચાલતો વહેવાર, એ સંદેશાઓની અવિશ્વસનીયતા, તૂટી પડતી કડીઓ, અને પરિણામે અરાજક અનિશ્ચિતતા – આનું ચિત્ર આપણે જોઈએ છીએ. ઉંદરની કથા દ્વારા કાફકાએ આ વાત સચોટ રીતે કહી છે: પહેલાં તો વિશાળ મહાલયને જોઈને ઉંદર દીવાલને ઘસાઈને છુપાવાનો ખૂણો શોધતો હતો. પછી દીવાલ નજીક ને નજીક આવતી ગઈ, ને આખરે, આગળ વધવાનો રસ્તો જ ન રહ્યો, કારણ કે સામે એને પકડવાનું પાંજરું હતું. આથી બિલાડીએ સલાહ આપી: ‘વાત સાવ સાદી છે. તું દિશા બદલી નાંખ.’ ઉંદરે જેવી દિશા બદલી કે તરત બિલાડી એને હડપ કરી ગઈ!

ક્ષિતિજ: સપ્ટેમ્બર, 1960