કનૈયાલાલ મુનશી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/વિચારાત્મક અને ચિંતનાત્મક કૃતિઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

વિચારાત્મક અને ચિન્તનાત્મક કૃતિઓ

મુનશીએ આ વિભાગમાં મૂકી શકાય તેવી જે કૃતિઓ લખી છે તેમાં ૧. કેટલાક લેખો, ભાગ ૧, ૨ (૧૯૨૪), ૨. થોડાંક રસદર્શનો – સાહિત્યનાં અને ભક્તિનાં (૧૯૩૦) અને ૩. આદિવચનો, ભાગ ૧, ૨ (૧૯૩૩) મુખ્ય છે.

કેટલાક લેખો ભાગ ૧, ૨

આ બંને ભાગમાં નિબંધો, નોંધો, વ્યાખ્યાનો અને મીરાં, બુદ્ધ, નર્મદ, ગાંધીજી વગેરે કેટલીક વ્યક્તિઓનાં રેખાચિત્રોનો સમાવેશ થાય છે. એમાં વિષયવૈવિધ્ય સારું છે. પણ ગહનતા અને તત્ત્વવિમર્શ ઓછાં છે. શૈલી પણ ઘણા લેખોની કાચી છે.

થોડાંક રસદર્શનો—સાહિત્યનાં અને ભક્તિનાં

આ પુસ્તકમાં મુનશીની કેટલીક સાહિત્યવિષયક અને ભક્તિના તત્ત્વ સંબંધી વિચારણા રજૂ કરવામાં આવી છે. સાહિત્યવિષયક વિચારણામાં એમણે સાહિત્યનું નિર્માણ શાથી થાય છે અને કયા ગુણો સાહિત્યને શિષ્ટતા અર્પે છે તેની પોતાના સ્વતંત્ર દૃષ્ટિબિન્દુથી ચર્ચા કરી છે. અત્યારે પણ આ વિષયમાં અન્વેષણ જેટલું થવું જોઈએ તેટલું થયું છે એમ ભાગ્યે જ કહી શકાય. તો આજથી લગભગ ૫૦ વર્ષ પહેલાં તો કેટલુંક થયું હોય? એ પરિસ્થિતિમાં મુનશીના અન્વેષણની ઉપયોગિતા ઓછી નથી. પણ વિશ્વનાથ ભટ્ટ કહે છે તે પ્રમાણે, “લેખકે પોતાના સામાન્ય રિવાજ પ્રમાણે આમાંના કેટલાક વિચારો બીજેથી લીધા છે તે તો ભલે, પણ બીજેથી લીધા પછી પણ એ વિચારોને આપણી ભાષામાં રજૂ કરતાં પહેલાં તેને જેટલા આત્મસાત્‌ કરવા જોઈએ, ને આપણા પ્રચલિત વિચારો તેમ જ પરંપરાગત પરિભાષા સાથે એનો જેટલો સમન્વય સાધવો જોઈએ તે કશું થયેલું નહિ હોવાથી આ ભાગનું લખાણ જોઈએ તેટલું વિશદ બન્યું નથી, એટલું જ નહિ પણ કેટલેક ઠેકાણે તો જાણે પારકું હોય નહિ એવું અતડું લાગ્યા કરે છે.” પુસ્તકનો મોટો ભાગ ભક્તિની તત્ત્વચર્ચા અને ઇતિહાસનિરૂપણમાં રોકાયેલો છે. આ વિષય પણ પહેલી જ વાર હાથ ધરાતો હોઈ, ખૂબ ઉપયોગી છે એ ખરું; પણ એમાંનાં કેટલાંક વિધાનો અત્યંત ચર્ચાસ્પદ છે. ઉદાહરણ તરીકે મુનશી ભક્તિને કામવૃત્તિની વિકૃતિ કે રૂપાંતર તરીકે ઓળખાવે છે. આ વિધાન, અલબત્ત, ફ્રૉઇડના માનસપૃથક્કરણશાસ્ત્રના સિદ્ધાંતોને આધારે કરવામાં આવ્યું છે. અને મુનશીએ આ રસદર્શનો લખ્યાં તે જમાનામાં ફ્રોઇડ વંચાતો ઘણો અને માનવચિત્તની પ્રક્રિયા ક્રિયા આદિ વિશે એનાં વિધાનોને આપ્તવાક્ય જેવાં માનવામાં આવતાં. નિરુદ્ધ જાતીય વાસનાને લીધે કોઈક મનુષ્ય ભક્તિ તરફ વળી પણ ગયો હોય. પણ ભક્ત ભક્ત વચ્ચે તફાવત હોય છે; અને જાતીય વૃત્તિ માનવ પ્રવૃત્તિનું મહત્ત્વનું સંચલનબળ હોવા છતાં, એ એકમાત્ર બળ નથી, એ હકીકત મુનશીના ધ્યાન બહાર રહી ગઈ છે. ખરું કહીએ તો ચમકદાર અને ‘અણિયાળા’ વિધાનો કરીને ‘ગાંભીર્યના ઇજારદારો’ને ચમકાવવા પર મુનશી જેટલું લક્ષ આપે છે તેટલું કોઈ પણ વિષયનું સાંગોપાંગ અને તલસ્પર્શી અવગાહન કરી, સત્યનો નિર્ણય કરવા પર આપતા નથી. પરિણામે, વિશ્વનાથ ભટ્ટ કહે છે તે પ્રમાણે, “એમના, કથનમાં જેટલી વિચારપ્રેરકતા હોય છે એટલી વિશ્વસનીયતા કે યથાર્થતા નથી હોતી.”

આદિવચનો, ભા. ૧, ૨

ગુજરાત સાહિત્ય સંસદના પ્રમુખ તરીકે, મુનશી દર વરસે એક વ્યાખ્યાન આપતા. ૧૯૨૩થી ૧૯૨૯ સુધી આપાયેલાં એવાં વ્યાખ્યાનોનો સંગ્રહ ‘આદિવચનો’નો પહેલા ભાગમાં અને અન્યત્ર પ્રમુખપદેશી આપેલાં છ વ્યાખ્યાનોને સંગ્રહ ‘આદિવચનો’ના બીજા ભાગમાં કરવામાં આવ્યો છે. મુનશી કહે છે તે પ્રમાણે સાહિત્ય અને જીવન વિશેનાં એમનાં ઘણાં ખરાં મંતવ્યો એમાં આવી જાય છે. વિષયોની નવીનતા, દૃષ્ટિની સ્વતંત્રતા અને વિચારોની પ્રેરકતા, મુનશીનાં બધાં લખણોની તેમ આ વ્યાખ્યાનોની પણ લાક્ષણિકતા છે. આમાંનાં ઘણાં વ્યાખ્યાનો અપાયાં ત્યારે તેમાંનાં કેટલાંક પ્રગલ્ભ વિધાનોએ ઠીક ઠીક ચર્ચા પણ જગાડેલી. આવાં બે વિધાનો (૧) “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં જે જીવન પ્રત્યે નિર્વેદ અને એથી ઉત્પન્ન થતો વિષાદ જોવામાં આવે છે તેને બદલે આધુનિક[1] ગુજરાતી સાહિત્યમાં જીવનનો ઉલ્લાસ નજરે પડે છે.” અને (૨) “સરસતાને સચોટ રીતે ગૂંગળાવી નાખનાર ધર્મ, સત્ય અને નીતિરૂપી વિષકન્યા છે” તે—નો પ્રતિવાદ કરવાને આચાર્ય આનંદશંકર ધ્રુવ જેવા પણ પ્રેરાયેલા અને આવાં વિધાનો આ વ્યાખ્યાનોમાં અનેક છે.

*

મુનશીનાં સર્જક તેમ જ આ પ્રકારનાં લખાણોનો સમગ્ર દૃષ્ટિએ વિચાર કરતાં કેટલીક વસ્તુઓ આપોઆપ તરી આવે છે : એક તો એ કે મુનશીને કોઈ પણ વિષયનો તટસ્થભાવે સાંગોપાંગ અભ્યાસ કરીને સત્યનો નિર્ણય કરવાની વૃત્તિ કે નિવૃત્તિ નહોતી. જીવન અને સાહિત્ય વિશેની સ્વીકૃત માન્યતાઓનો વિરોધ કરીને કંઈક જુદું, કંઈક નવું, કંઈક સ્વતંત્ર લાગે તેવું ભભકભરી ભાષામાં કહેવું, સંરક્ષકો અને સનાતનીઓને આઘાત આપવો અને ચર્ચાચર્ચી ઊભી કરવી એ તેમને ગમતું. પરિણામે, તેમનામાં આંજી નાખે તેવા ચમકારા અનેક દેખાય છે, શાન્ત અને સ્થિર દ્યુતિ નહિ. બીજી વસ્તુ એ તરી આવે છે કે મુનશીનું અનુસંધાન મુખ્યત્વે દેશની રાજકીય પરિસ્થિતિની સાથે રહેલું છે. એ પોતે લખે છે તે પ્રમાણે દેશના રાજકારણમાં ગાંધીજીની કાર્યશૈલી તેમને રુચી નહિ, એટલે એ કૉંગ્રેસમાંથી નીકળી ગયા ને સાહિત્યને તેમણે પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. ને આગળ જતાં કહે છે કે, “મને આ બધા રાજકારણિયાઓ જોડે ફરીથી સમાગમમાં આવતાં તિરસ્કાર આવે છે. એના કરતાં સાહિત્ય દ્વારા પ્રેરણા અર્પી નવું રાષ્ટ્ર ઊભું કરવું એમાં શું મહત્તા નથી જણાતી?”[2] પણ એ “પ્રેરણા અર્પી નવું રાષ્ટ્ર ઊભું” કરવાના કાર્યમાં પણ એ એક તરફથી પુરસ્કાર કરે છે સરસતાને ખાતર સરસતાના વાદનો;[3] અને બીજી તરફથી પુરસ્કાર કરે છે, ખાસ કરીને ૧૯૨૨[4] પછી લખાયેલી પૌરાણિક કૃતિઓમાં આર્યત્વનો, ભારતભક્તિનો અને માનવતાનો, રંગદ્વેષના વિરોધનો, દાસ્યોન્મૂલનનો, એકહથ્થુ શાસનના અન્તનો, અને સાચી લોકશાહીના સ્થાપનનો, વિધર્મીના આક્રમણ સામે એક થવાનો, સ્વમાનશીલ અને તેજસ્વી, સ્ત્રીત્વનો, સ્ત્રી અને પુરુષની જ નહિ પણ આર્યો અને દસ્યુઓની—માનવમાત્રની સમાનતાનો, સમષ્ટિના શ્રેય ખાતર વ્યક્તિના પ્રેયનો ભોગ આપવાનો, તપ ત્યાગ સત્ય સંયમ અને ઋતનો—શ્લોકાર્ધેણ કહીએ તો ગાંધીયુગમાં જે ભાવનાઓ સર્વત્ર પુરસ્કારાતી હતી તેમનો. દેશના જાહેર જીવન પર ગાંધીજીનો પ્રભાવ જેમ જેમ જામતો આવે છે તેમ તેમ મુનશીની કલ્પનાને પ્રભાવ, પ્રતાપ, શ્રેષ્ઠતા, ઉલ્લાસ, સરસતા અને પ્રચંડ વ્યક્તિત્વે વશ કરી લીધી હોવા છતાં, પોતાની કૃતિઓ દ્વારા મુનશી ગુજરાતને પ્રેરણા પાય છે સ્વતંત્રતા, સમાનતા અને બન્ધુતાની.

*

તો, છેલ્લે, પ્રશ્નનો પ્રશ્ન એ ઊભો થાય છે કે સર્જક તરીકે અને વિવેચક-વિચારક તરીકે મુનશીમાં જે આપણે જોઈ ગયા તે બધી મર્યાદાઓ હોય તો તે આવડા મોટા લેખક ગણાયા શી રીતે? ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ભાગ બહાર નહોતો પડ્યો ત્યાં સુધીમાં ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ, ચૂનીલાલ વર્ધમાન શાહ, મોતીલાલ ત્રિભુવનદાસ સટ્ટાવાલા, મણિલાલ છબારામ ભટ્ટ અને ઠક્કર નારાયણ વિસનજીનું આગમન થઈ ચૂક્યું હતું. અને ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ભાગ ૧૯૦૧માં બહાર પડ્યો અને મુનશી ૧૯૧૨-૧૩માં આવ્યાં તે ગાળા દરમ્યાન બંગભંગ થઈ ચૂક્યો હતો, રાષ્ટ્રધર્મ, વિપ્લવ, સ્વરાજ્ય, સ્વદેશી, બહિષ્કાર, રાષ્ટ્રીય કેળવણી, મદ્યનિષેધ વગેરેના આવેશયુક્ત પુરસ્કાર પ્રચાર દ્વારા દેશનાં શહેરો ગાજવા લાગ્યાં હતાં, ભણેલગણેલ વર્ગ રાજકીય દૃષ્ટિએ જાગ્રત થઈ રહ્યો હતો. વિનીતોના હાથમાંથી સરીને બાજી ઉદ્દામોના હાથમાં આવી ગઈ હતી. દેશ ચાંચલ્ય અને સ્ફૂર્તિથી થનગની રહ્યો હતો. ગુજરાત અને ગુજરાતી સાહિત્ય પૂરતી વાત કરીએ તો અમૃત કેશવ નાયક અને ભોગીન્દ્રરાવ રતનલાલ દિવેટિયાની નવલકથાઓએ જુદી દિશામાં વળાંક લીધો હતો. ‘સરસ્વતીચંદ્ર’ના પ્રકારની દર્શનચિન્તન આદિથી સંભૃત બૃહન્નવલોને યુગ તો ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ભાગ બહાર પડ્યો તેની પહેલાં જ આથમવો શરૂ થયો હતો. અને નવલકથા સંક્ષિપ્ત, સરળ અને સુવાચ્ય બનવા લાગી હતી. અમૃત કેશવ નાયક અને ભોગીન્દ્રરાવની નવલકથાઓમાં કથારસ અને સુવાચ્યતા વિશેષ સિદ્ધ થયાં. પણ અમૃત કેશવ નાયકની નવલકથા ‘એમ.એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી?’ ઉર્દૂ પરથી અને ભેગીન્દ્રરાવની ‘ઉષાકાન્ત’, ‘આસિસ્ટંટ કલેક્ટર’ વગેરે નવલકથાઓ અંગ્રેજી પરથી આવી હતી. મુનશી આવ્યા, એમની સ્વતંત્ર નવલકથાઓ લઈને. અને ‘સરસ્વતીચંદ્ર’ સાથે તેનું સૂક્ષ્મ અનુસંધાન જળવાઈ રહ્યું હોવા છતાં, મુનશીની નવલકથાઓ એમનાં સજીવ પાત્રો, નાટ્યતત્ત્વમય પ્રસંગો, સ્વાભાવિક અને ચોટદાર સંવાદો અને અસાધારણ ક્રિયાવેગથી એનાથી જુદી પડી ગઈ અને પોતાનાં પાત્રો અને કથારસને લીધે ગુજરાતી નવલકથા સાહિત્યના વિકાસમાં સીમાસ્તંભ બની ગઈ. ઐતિહાસિક દૃષ્ટિએ આ હકીકત મહત્ત્વની છે. કારણ કે જ્યારે કોઈ લેખક કશુંક જુદું, કશુંક નવું, કશુંક અસામાન્ય લઈને આવતો હોય છે ત્યારે જો એનો વિરોધ કરનાર વર્ગ નીકળતો હોય છે તો એનો હોંશભેર પુરસ્કાર કરનાર વર્ગ પણ નીકળતો હોય છે, અને પુરસ્કાર કરનાર વર્ગ મુખ્યત્વે જુવાનોનો હોવાથી, આવતી કાલ એની હોય છે ને એનો સૂર વધારે લાંબો સમય સંભળાતો હોય છે. પછી પાછી જ્યારે નવી પેઢી આવે છે ત્યારે નવા લેખકો આવતા હોય છે ને તેમના સંદર્ભમાં જૂની પેઢીના લેખકોની નવા પરિપ્રેક્ષ્યમાં પુનર્વ્યવસ્થા થતી હોય છે. મુનશી આવ્યા ત્યારે નવા હતા, કંઈક જુદા પણ હતા; એટલે બદલાયેલા દેશકાળમાં બદલાયેલી રુચિવાળા વાચકો—અને વાચકો કરતાંય વિશેષ તો નવ્ય વિવેચકો—એ ઉમળકાભેર મુનશીની નવલકથાઓને વધાવી. નરસિંહરાવ જેવા ‘ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામહ’ તરીકે ઓળખાવાતા પંડિત ૫ણ ગોવર્ધનરામ પ્રત્યેના પૂર્વગ્રહથી પ્રેરાઈને નહિ પણ પ્રામાણિક રીતે જ મુનશી પ્રત્યે આકર્ષાયા, ને તેમણે મુનશીના ‘વૃત્તાન્તના પ્રબળ વેગ’ને અને પાત્રાલેખનની ‘અપૂર્વ કલા’ને બિરદાવીને મુનશીનાં પાત્રોને શેક્‌સ્પિયર અને ડિકન્સનાં પાત્રોની હરોળમાં મૂકી દીધાં. આને લીધે તેમ જ મુનશીએ વકીલ તરીકેના પોતાના વ્યવસાયમાં અને દેશના તેમ જ સાહિત્યના રાજકારણમાં જે સફળતા મેળવી ને તેમનું નામ પ્રજાની નજરની પાસે ને પાસે રહ્યાં કર્યું તેને લીધે પણ ઘણા વાચકો અને વિવેચકો અંજાઈ ગયા અને તેની અસર મુનશીના સાહિત્યકાર તરીકેના મૂલ્યાંકન પર પણ થાય એ સ્વાભાવિક હતું. મુનશીના સમકાલીનોમાંથી કોઈએ એમનો વિરોધ ન કર્યો તેમ નહોતું; પણ પંચ બોલે તે પરમેશ્વર ગણીને ગતાનુગતિક ન્યાયે થતી પ્રશંસાનું પ્રમાણ ઘણું વધારે હતું. આમ, સર્જક તરીકે મુનશીનું સ્થાન માત્ર ઐતિહાસિક દૃષ્ટિએ જ નહિ પણ સર્વકાલીન ને નિરપેક્ષ દૃષ્ટિએ પણ ઉત્કૃષ્ટ છે એમ એમના ઘણા સમકાલીનોને લાગ્યું. ગુજરાતમાં એવો એક પણ વિવેચક નહિ હોય, જેણે મુનશી પર કંઈક ને કંઈક પણ નહિ લખ્યું હોય. એમાં કેટલાકનાં વિવેચનોમાં મુનશીની અતિપ્રશસ્તિ થઈ છે, તો કેટલાંકનાં વિવેચનોમાં અતિનિન્દા પણ. ૫ણ, અત્યારે હવે જ્યારે મુનશીને કાલનો યોગ્ય પરિપ્રેક્ષ્ય મળવા લાગ્યો છે ને સંબંધ આપણને એમના સાહિત્યક કાર્ય સાથે જ રહ્યો છે ત્યારે આવતી કાલનો ઉત્તમાધિકારી વિવેચક મુનશીના સાહિત્યનું ઝીણવટથી પર્યાલોચન કરીને, સાહિત્યકાર તરીકે મુનશીની સિદ્ધિ-અસિદ્ધિ વિશે જે અભિપ્રાય આપશે તેને રાગ કે દ્વેશનો અજાણતાં પણ પાસ નહિ લાગ્યો હાય તેથી તે સર્વથા નિષ્પક્ષ અને તેથી જ સવિશેષ શ્રદ્ધેય હશે.

ઋણસ્વીકાર

ડૉ. એરચ જહાંગીર તારાપોરવાળાનું ‘મુનશી’ વિશેનું પ્રકરણ (Gujarat And Its Literature-૧૯૩૫); ‘ગ્રંથ’નો કનૈયાલાલ વિશેષાંક - ૧૯૭૧અને અન્ય લખાણો.


  1. ૧. ‘આધુનિક’ એટલે ગુજરાત સાહિત્ય સંસદના સભ્યો જે સર્જી રહ્યા છે તે સાહિત્ય એવું મુનશીને વિવક્ષિત હોવાનો સંભવ છે.
  2. ૨. સ્વપ્નસિદ્ધિની શોધમાં, પૃ. ૨૮૯
  3. ૩. “હું કલાને ખાતર કલાનો ઉપાસક ન હતો અને નથી. હું તો ‘સરસતાને ખાતર સરસતા’નો ઉપાસક હતો અને છું.” – સ્વપ્નસિદ્ધિની શોધમાં, પૃ. ૧૯૪-૫
  4. ૪. તે વખતે ગાંધીજીના વ્યક્તિત્વ અને વિચારનો પ્રભાવ દેશ પર પડવો શરૂ થઈ ગયો હતો.