કમલ વોરાનાં કાવ્યો/કૃતિ-પરિચય
સેજલ શાહ
૧૯૭૦ પછીની ગુજરાતી કવિતા આધુનિક વિચારધારાના મુખ્ય પ્રવાહથી વેગળી પડી. નવતરના વિષયો અને બાની સાથે તેની સિમ્ફનીનો અનેરો સૂર તેની નવી ઓળખ બને છે. ત્યારે સંવેદના અને પ્રતીકોના સુમેળની એક વિશિષ્ટ સૃષ્ટિ મળે છે, જેમાં તીવ્ર અવાજને બદલે શાંત અને પોતપોતાના કોલાહલની કવિતાઓ સંભળાય છે. અહીં વ્યક્ત થવાના મોકળા આકાશ સાથે સંવેદનની ભીનાશને વધુ પડતા રોમેન્ટિક બન્યા વગર આછેરી લાગણી સાથે આલેખાય છે. આ કવિતા વધુ સંકુલ બન્યા વગર વિવિધ ભાવ આયામોને આલેખે છે, જેમાં અનેક શક્યતાઓ હોય છે. ગતિ, અવકાશ અને વિવિધ વિષયોના અનેક પરિમાણ તરફ ધ્યાન ખેંચાય છે. આવા કેટલાક નવા શાંત, મક્કમ અને સાહસિક આંદોલનની કવિતા કમલ વોરાની કવિતા છે, કવિ ક્યારેક સ્થિર-જડ વસ્તુમાં ચેતન ઉમેરે છે, તો ક્યારેક અધ્યાત્મના ઊંડા અતળ સ્પંદનોને સ્પર્શે છે. તો ક્યારેક આયુ વધતા મનુષ્યનું મન કેવા ભિન્ન તરાહોમાંથી પસાર થાય છે, તેનું આલેખન કરે છે.
કમલ વોરાની કવિતા અનુઆધુનિક ગુજરાતી કવિતાનો આગવો અવાજ છે, તેમની કવિતાના ત્રણ મુકામો છે, ‘અરવ’ (૧૯૯૧), ‘અનેકએક’ (૨૦૧૨) અને ‘વૃદ્ધશતક’ (૨૦૧૫). પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયા બાદ બીજો કાવ્યસંગ્રહ ૨૧ વર્ષે અને તેના ત્રણ વર્ષ પછી ત્રીજો કાવ્યસંગ્રહ પ્રગટ થયો છે. ઓછાબોલા, મિતભાષી કવિએ શબ્દો પાસેથી બહુ જ સંયતપૂર્વક, જરાય બોલકા બન્યા વિના, પ્રતીકના ઉપયોગથી રમ્ય શબ્દચિત્ર આકાર્યા છે. કવિએ લેખનના આારંભકાળમાં ગઝલ લખ્યા બાદ અછાંદસ કવિતા સ્વરૂપ પર વિશેષ કાર્ય કર્યું છે. આ ત્રણેય સંગ્રહ અછાંદસ બાની લખાયા છે. પોતાની આજુબાજુની સૃષ્ટિમાંથી અનેક પ્રતીકો પસંદ કરીને કવિએ કરેલું આલેખન જોઈશું ત્યારે સમજાશે કે તેમની નિરીક્ષણ શક્તિ કેવી સૂક્ષ્મ છે અને પરાપૂર્વથી ચાલી આવતા સંદર્ભોને કવિની સર્જકતા કેવા નવા જ પરિમાણ આપ્યા છે. જેને આપણે કવિતાનું ‘ક્રાફ્ટ’ કહીએ છીએ, તે નખશિખ આકાર, શબ્દાકારે કાવ્યસૌન્દર્ય દિપાવ્યું છે. તેમની કવિતાની સૃષ્ટિ ગહન છે, જે ઉપરછલ્લી ભાવસંવેદનાની લપસણી ભૂમિ પર છેતરાતી નથી. કવિતાના શબ્દો સાવ સરળ લાગે તો પણ કવિનું એક ચોક્કસ લક્ષ્ય હોય છે, જે ભાવકને પડકાર સાથે સજાગ અને આંતરભાવ સમૃદ્ધિનો અનુભવ કરાવે છે.
કમલ વોરાની કવિતાનું સૌથી મોટું ચાલકબળ ‘ગતિ’. ‘અરવ’ અને ‘અનેકએક’ની કવિતામાં પ્રતીકોનું રૂપાંતર, નવ્ય દૃષ્ટિકોણનું આરોપણ જોવા મળે છે. જેમાં સૌંદર્યની સંદિગ્ધતા જોવા મળે છે, તે છે ‘ગતિ’, સામાન્ય રીતે કવિની મોટાભાગની કવિતામાં જોઈએ તો, જ્યારે કવિ કોઈ વસ્તુ કે ક્ષુલ્લક જીવ/પદાર્થની વાત કરે છે ત્યારે કવિનો કૅમેરો તેના પર ફોક્સ થઈ એ પદાર્થને નવ્ય રીતે જુએ છે.
‘ક્યારેક/ આ ભીંત/ કાગળની માફક/ ધ્રૂજે છે.’ (‘અરવ’, પૃ. ૧૪)
‘શું કરું/ તો/ ભીંત જાગે? (‘અરવ’, પૃ. ૧૫)
‘ભોંય પર પડેલ/ એક પીછું ઉપાડવા/ ભીંત/ વાંકી વળે છે.’ (‘અરવ’, પૃ. ૧૭)
કોઈ એક દૃશ્યને એક જ દિશા કે સપાટી પરથી કે જેમનું તેમ નક્કી કરેલ વ્યાખ્યા પ્રમાણે જોવાને બદલે, તેમના માટે પ્રતિક એ, અનુભૂતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ વસ્તુનો વિસ્તાર, સંકોચન, વિવિધ પરિમાણ કવિત્વને એક જુદા જ અભિવ્યક્તિના પરિણામ પર લાવીને મૂકે છે.
‘કાન દઈ સાંભળું તો/ આ ભીંતોમાં/ અસંખ્ય પંખીઓની/ પાંખોનો ફફડાટ/ સંભળાય છે. (‘અરવ’, પૃ. ૧૮)
‘અનેકએક’ની કવિતામાં જુઓ.
‘કદાવર કાળમીંઢ ખડક પર બેઠું પતંગિયું/ પાંખો/ સંકોરતું/ સરી જાય/ હળવે... હળવે.../ ખડક ઊંચકાય/ ઊડઊડ થાય.’ (‘અનેકએક’, પૃ. ૨૯)
‘અનેકએક’ની કવિતામાં અધ્યાત્મ અને શબ્દ સૌન્દર્યનો અનેરો સુમેળ સર્જાયો છે. ‘અનેકએક’, ‘અનેકાંત’ તરફનો દિશાનિર્દેશ છે કે ‘એકોહમ બહુસ્યામ’ની વિચારણા છે! અહીં માત્ર ચિત્તન-દર્શનની વાત નથી, પણ અનેકએક, એક સાથે હોવાની શક્યતા અને એના સૌંદર્યની વાત છે. આ અનેક અને એકની ઉપસ્થિતિ એક સાથે હોય છે, સ્થળ, કાળભેદે, તેનું સ્વરૂપ અનેકરૂપે હોઈ શકે અને તે રીતે તેના અનેક પરિમાણ હોય છે. આ જીવન અને જગતથી આપણે ઘેરાયેલા છીએ, જેને આપણે આપણી ચેતનાના સ્તરેથી કઈ રીતે જોઈએ છીએ. પામીએ છીએ, તે મહત્ત્વનું છે.
કવિ પાસેથી અનેક જૂથબદ્ધ કાવ્યો પ્રાપ્ત થયા છે. કોઈ એક વિષય હોય અને એના પરની ૬ કે ૭ કે ૧૦ ભિન્ન અવસ્થાની પંક્તિઓ/ જૂથ હોય, જેમાં એ ઘટના/ ક્રિયા/ પ્રતિક ગતિમાન હોય, કલમ કાવ્યમાં ૭ જૂથ છે. પહેલા જૂથમાં, ‘કલમ ક્યારેય કાગળને અડી શકે નહિ... કલમના કોરાપણાને જોયા કરવું, જ કાગળ, ખળભળતો સમંદર હોય..., આ કલ્પના, આ ગતિ, કવિની સૌમ્ય ગંભીરતા. પ્રત્યેક ખંડ એક નવી શક્યતા અને લખવાનું તીવ્ર મંથન કેવી સૌમ્ય રીતે આલેખે છે. ચોથ ખંડમાં,
‘કલમ/ ખેતી ગઈ છે કાગળમાં છેક ઊંડે/ અક્ષર પ્રગટે નહિ ત્યાં સુધી/કલમ ઊગરી શકે નહિ/ કલમ ઊગરી શકે નહિ/ કલમ ઊગરે નહિ ત્યાં સુધી...’ (‘અનેકએક’, પૃ. ૨૯)
કવિનું સતત મંથન, શબ્દો સાથે, સ્વ-સાથે ચાલ્યા કરે છે, આ યાત્રા કવિની એકલાની ક્યાં રહી છે, કલમનું તરડાવું એ જ હશે કોઈ અંતિમ નિર્વિકલ્પ? આમને આમ જે છે તે જ, જો લખવું હોત, જે સામે છે તેનું, એવુંને એવું જ પ્રતિબિંબ પાડવું હોત તો, તો અનેક એક ને એક અનેકની અપાર શક્યતા ક્યાંથી નિર્માણ થાત? કવિને આંતરમંથન પછી જે નિર્દ્વંન્દ્વ આનંદની ક્ષણ મળે છે અને તેનો અનુભવ કવિએ આલેખેલા અક્ષર અને કાગળ વચ્ચેના અવકાશમાં ભાવક અનુભવી શકે છે. સત્ય અને ભ્રાંતિ વચ્ચેના અવકાશને લખવાનું સાહસ આ કવિએ કર્યું છે. અનેક મૌનમંથનને કાગળ પર ઉતારવાનો પ્રયત્ન કવિએ કર્યો છે. આ કવિતા પાસે બેસવું પડે, કોરા કાગળની પારદર્શકતા અને શબ્દોના તરંગોના પુનરાવર્તનને ફરી-ફરી સાંભળવા પડે. કમલ વોરાની કવિતાના શબ્દો માત્ર ભાવ કે વસ્તુજગતનું ક્ષણિક સત્ય નથી દર્શાવતા, આ કવિતા એક પ્રક્રિયા છે, પ્રવાસ છે. જેમાં ચેતન અને શબ્દો – બન્નેએ સાથે જ ભ્રમણ કરીને જાતે ઉકેલવું પડે છે.
કવિનું કાગળ સાથેનું અને કાગળ પ્રત્યેનું આકર્ષણ અને મંથન સમજાય તેવું છે. ‘અરવ’ની કવિતામાં કાગળનું પ્રતિક અને તેના જાતજાતનાં રૂપાંતરો આકર્ષક લાગે છે, નવીનતા આપે છે. કાગળ પર નથી ઉતારી શકતા તેવા શબ્દોની વાત અને છતાં શબ્દો દ્વારા જ વ્યક્ત થવાની એક માત્ર રીતિ, એ જ અધૂરપ અને લાચારી. શબ્દ અને ભાવની મર્યાદા સાથે રહી ભરત મહેતા કહે છે તેવા સામાજિક અને નૈતિક અધ્યાસો વાંચી શકાય છે. એ જૂથની છેલ્લી પંક્તિ,
‘આ અક્ષરો હેઠળથી/ કાગળ/ ખસી જાય તો?’ (‘અરવ’, પૃ. ૨૧)
અર્થવ્યંજકતાનું શિખર છે, આ પંક્તિ સમગ્ર જૂથને વિશિષ્ટ ઊંચાઈએ બેસાડે છે. ત્યારપછીના સંગ્રહ ‘અનેકએક’માં પણ ‘કાગળ’ ફરી કવિની આંતરચેતનાનો ભાગ બન્યો છે પણ અહીં કવિએ કાગળને એક જુદું જ પરિમાણ આપ્યું છે. પોતાના અતિ રેખાંકનોથી મુક્ત થઈ કવિ નવા વિસ્તારિત અર્થમાં પ્રવેશ કરે છે.
‘કોરા કાગળથી હળવું/ પારદર્શક/ પવિત્ર/ સાચું/ સુંદર.../ કશું નથી’ (‘અનેકએક’, પૃ. ૧૩)
કમલ વોરાની આ આગવી વિશેષતા છે. શબ્દોના નિશ્ચિત અર્થોને ઓગાળવા, જરા વેગળા કોલાહલ વગર પણ મક્કમ ચાલવું. આ એક સાહસની સફર છે. ક્ષણ અને સમય વચ્ચે ક્ષણ છે કે સમય, અને બંનેમાં શું ભેદ છે. બન્ને એકમેકથી છે કે બન્ને એકમેક વગર છે. કારણ ક્ષણનો ભાંગીને ભૂક્કો કર્યા પછી પણ સમયની ગતિ-સ્થિતિહીનતા અને ક્ષણનો લય, ઝાલ્યો ઝલાતો નથી, આ બધાની વચ્ચે કવિ કહે છે કે ‘આ ગૂંચ તો એમની એમ જ છે પણ બસ, થોડી ક્ષણો પસાર થયાનો સંતોષ આપણે મેળવી શકીએ.’ ગુજરાતી ભાષાને અને વિચારને નવી ભૂમિનો અનુભવ કરાવે છે.
કમલ વોરાની કવિતાનું બીજું એક અત્યંત મહત્ત્વનું પાસું એટલે જાણીતા કથાનક, ઉક્તિ તેમની કવિતામાં વિશેષ પરિમાણ સાથે વાત થાય છે. સર્જકના વાચન દરમ્યાન મળના સંચિત ગૃહીતો કાવ્ય સર્જન દરમ્યાન સુરેખરૂપે વ્યક્ત થયા છે. આ કાવ્યો આંતરકૃતિગત વાચનની શક્યતા ધરાવે છે.
‘છે... ને... એક હતો ડોસો
ને એક હતી ડોસી... ... (‘વૃદ્ધશતક’, પૃ. ૫૮)
કાવ્યમાં ચોખાનો દાણો અને મગનો દાણો આવે છે પણ ખીચડી તો કાચી-પાકી બને અને જે બન્ને ખાવા પામતા નથી. જીવનની વાર્તાનો અંત ખાધું-પીધું ને મજા કરી, ક્યાં હંમેશ સાચું પડે છે? વિષાદની કોર મનના ખૂણે અંકાઈ જાય, એવી આ કવિતા છે. વૃદ્ધોની નિસહાયતા, લાચારી, એકલતાનો કરુણ રસ આ કવિતાને શબ્દમેદથી નહીં પણ બહુ જ સહજ રીતે બોલચાલની ભાષામાં મૂકીને ધટ્ટ વેદનાની અનુભૂતિ કરાવી શકે છે. ધૂમકેતુની વાર્તા પોસ્ટઑફિસ, રઘુવીર ચૌધરીની વાર્તા પોટકુુંના આંતરસંકેતો પણ અહીં વાચન સમયે મળી આવે છે. કવિએ પોતે અનેક વર્ષોની સાહિત્યપ્રીતિને કારણે ખૂબ વાંચ્યું છે, સંપાદક તરીકેનો અનુભવ તો ખરો જ. પરિણામે તેમની કવિતામાં આવા આંતરસંકેતો પ્રસ્તુત બન્યા હશે. સાથે જરાક ઝીણવટથી તપાસીએ તો એવા અનેક જાણીતા પદ/ શબ્દ/ સંદર્ભ મળી આવશે.
વૃદ્ધાવસ્થાના કાવ્યો માત્ર વૃદ્ધો માટે દયા જન્માવતા કે એકલતાની કથા રજૂ કરતા અને એના ભારથી લચી પડતા કાવ્યો નથી બન્યા પણ એમાં જે આલેખનની રીતિનો પ્રયોગ થયો છે, તે આ કાવ્યોનું સૌથી મોટું જમા પાસું છે. વૃદ્ધોના વિશ્વની વાસ્તવિકતા, સમાજનો એમની પ્રત્યેનો વ્યવહાર તેને કારણે વેદનાના વિષને તીવ્ર ન બનાવતા કવિએ માત્ર એક ખૂણે બેસીને શબ્દરૂપી ચિત્ર આંક્યા છે. ‘વૃદ્ધશતક’ કાવ્યસંગ્રહ તેમના ચિત્રકાર મિત્ર અતુલ ડોડિયાના મિત્ર-આહ્વાનનું પરિણામ છે, એકસાથે એક જ વિષય પર કાવ્ય લખવા અને તેમાં વિવિધતા જાળવવી, એ કપરા કાર્યને કવિએ બખૂબી પાર પાડ્યું છે. આ એક વિશ્વ છે, જેમાં કપરી વાસ્તવિકતા છે. એકલતા છે. પરાવલંબીપણું છે, પણ છતાં કવિએ લાચારીના લયને મંદ કરી, ભાવલોકના સક્રિય ચિત્રો દ્વારા લક્ષણા-વ્યંજના પ્રગટાવી છે, વૃદ્ધ અવસ્થા એ આયુષ્ય વધવાનું એક પરિણામ છે, એક શરીરની અને મનની અવસ્થા છે, તેનું નિરૂપણ એક કે બે વાર કરી શકાય પરંતુ એ જ અવસ્થાના અનેક રંગો, ભાવસંવેદનો આલેખવા, તેમના બાળમનને રજૂ કરવું તો ક્યારેક મૃત્યુની સન્મુખ ઊભેલા એ વૃદ્ધોનો સંવાદ, તો ક્યારેક એમની જાત સાથેનો સંવાદ તો ક્યારેક પેલી કલ્પનાની સૃષ્ટિ, વૃદ્ધોના કાવ્યમાં બાળભાષાનો લય, બાળકથાનું સંમિશ્રણ આદિ માત્ર નાવીન્ય નથી પરંતુ વ્યંજનાનું ઉત્કૃષ્ટ આલેખન છે.
‘જમ ઘર ભાળતો નહીં અને/ ડોસી મરતી નહીં..../ એક તરફ/ આખું આયખું ભુલાઈ ગયેલું અને/ આ તરફ ઘર આખું ડોસીને વીસરી ગયેલું...’ (‘વૃદ્ધશતક’, પૃ. ૭૪)
તો બીજી તરફ આ વૃદ્ધાવસ્થામાં પોતાની કલ્પના વિશ્વને આધારે જીવતા આ વૃદ્ધોના વિશ્વના ચિત્રો પણ મળે છે. પોતાની જાત સાથે વાત કરતો, બીજા પર ગુસ્સો કરતો કે હસ્યા કરતા આ વૃદ્ધોનું (પાનાં નંબર ૭૬, ૭૭, ૯૯ ‘વૃદ્ધશતક’) વિશ્વ વ્યક્ત થયું છે. આ કાવ્યોનું બીજું એક જમા પાસું છે, તેની કાર્યાન્વિત અવસ્થા. આ કાવ્યમાં કોઈ એક સ્થિર ચિત્રનું આલેખન નથી પણ પાત્રો સતત કંઈને કંઈ કર્યા કરે છે. ક્યારેક બાળકથાના પાત્રો બની ખીચડી રાંધવાની ક્રિયા થાય કે પોતાની જાત સાથે સંવાદ ચાલ્યા કરે કે પછી પોતાની પોટલી, પોતાના સ્વપ્નોની દુનિયામાં વ્યસ્ત બની જાય, પોતાના બાળપણને શોધે કે પોતાની વૃદ્ધ અવસ્થાનો સામનો કરે – ખાંસી ખાવી, ગૂંગળામણ અનુભવવી કે ગતિની મંદતા, વિસ્મરણ થવું, પોતાના સમયનો સામનો અને વિરોધ કરવો – આવી અનેકાનેક બાબતો આ કવિતામાં મળી આવે છે. ૧૦૦ કવિતા એક વિષય પર લખતાં હોઈએ અને ત્યારે આવી વિવિધ અવસ્થાઓનું અવલોકન અને આલેખન સાહસ અને પડકાર માંગી લે છે. કેટલા બધા આંતરસંકેતોની અહીં શક્યતાઓ જોવા મળે છે. કાવ્ય ૪૮માં ડોસીના બોખા મોંમાં વિશ્વદર્શન, એકદંડિયા મહેલ અને પંખાળો ઘોડો, કાવ્ય નંબર ૫૩માં ડોસીની પોટલી અને રઘુવીર ચૌધરીની વારતા પોટકુંની સહજ યાદ દેવડાવે, કાવ્ય નંબર ૫૫માં આવતી માનીતી અને અણમાનીતીની વાત ફરી એકવાર બાળસૃષ્ટિમાં લઈ જાય છે. કાવ્ય નંબર ૩૦માં ‘ઘટમાં ઘોડા થનગને છે, આતમ પાંખ વીંઝે...’ ઝવેરચંદ મેઘાણીની યાદ અપાવે છે. ખાસ કરીને કવિએ જે રીતે બાળસૃષ્ટિને જોડી આપી છે, તે કાવ્યવિસ્તારની, આંતરકૃતિગત જોડાણની એક અનોખી શક્યતા ઊભી થઊ છે.
સમયની સાથે વય વધે અને તેના પર ક્યાં કોઈનો કાબૂ હોય છે, પણ એક છેતરામણી પળનું તીવ્ર આલેખન, કમલ વોરાની નિયત શબ્દોમાં ભાવ-સંવેદન રજૂ કરી શકવાની ક્ષમતા આ કાવ્યમાં જુઓ –
‘એક ઘડિયાળને એ સાફ કરે/ ચાવી દેવાની હોય તેને ચાવી દે/ પછી દરેકે દરેકમાં/ જુદો જુદો સમય ગોઠવે/ તકેદારી રાખે/ કોઈ બે ઘડિયાળમાં સરખો સમય ન હોય/ પછી બધી ઘડિયાળને એક પછી એક તપાસતો વૃદ્ધ/એવું માને/ સમયને એણે ખોરવી નાખ્યો છે.’ (‘વૃદ્ધશતક’, પૃ. ૬૭)
અનુ-આધુનિક ગુજરાતી કવિતાની અનેકોનેક સંવેદનાની વચ્ચે એક નક્કર ભૂમિકા સાથે ત્રણ ભિન્ન પડાવો કમલ વોરાના કાવ્યો દ્વારા મળે છે. એક આગવો જુદો પડતો અવાજ એટલે કમલ વોરાની કવિતા. એમ તો ચોક્કસ કહી જ શકાય, પરંતુ એથી વધુ જો મારે કહેવું હોય તો એમ કહું કે કમલ વોરાએ શબ્દો, ભાવ, બાની, કાવ્ય-પ્રવાહિતા અને લય સાથે જે રીતે કામ પાડ્યું છે, તેમાં માત્ર નાવીન્ય નહીં પણ ગુજરાતી કવિતાની ગતિ અને માનવીય ચેતનાનો અનોખો સેતુ રચાય છે.
‘સકળ સૃષ્ટિના રંગ/ ખરી રહ્યા હતા/ એ પળે/ એક સોનેરી પતંગિયું/ ક્યાંકથી આવી/ મારા હાથ પર બેઠું/ ને મને ઉગારી ગયું.’
કમલ વોરાને કવિતા દ્વારા ચિત્રો દોરવાનો અને સ્થિર પદાર્થમાં ચલિત/ સંચારભાવ આરોપે છે. ત્રણ કાવ્યસંગ્રહના ગ્રાફને જોઈએ ત્યારે ખ્યાલ આવે છે વસ્તુમાં ચૈતનના નિરૂપણથી ‘અરવ’ની કવિતાઓ વધુ પ્રમાણમાં લખાઈ છે. ત્યારબાદ અનેકએક શક્યતા, અવકાશ, મંથન, સંઘર્ષ, વર્તમાન ક્ષણ અંગે બહુવિધ પરિમાણ દર્શાવે છે. જ્યારે વૃદ્ધશતક વૃદ્ધઅવસ્થાના વિવિધ ચિત્રોને આકારે છે. વસ્તુ સ્થિતિને નવું પરિણામ આપવાનો કવિનો પ્રયાસ છે. વસ્તુને તેના નિર્ધારિત અર્થમાંથી મુક્તિ આપી તેને આરપાર કે આજુબાજુ જોવાનો કવિએ સતત પ્રયાસ કર્યો છે.
‘કોઈ કોઈ વાર/ આ ભીંતની/ આરપાર જોઈ શકાય છે.
૦
‘ભોંય પર પડેલ/ એક પીંછુ ઉપાડવા/ ભીંત/ વાંકી વળે છે.’
કલમ, કાગળ, કોરોકાગળ, પથ્થર કવિને સતત પડકારે છે. કવિની દ્વિધાને અહીં શબ્દરૂપ મળ્યું છે. છેલ્લે કવિની જ પંક્તિ દ્વારા વાત પૂરી કરીએ. સત્યના પ્રયોગો કાવ્યનો પ્રથમ ખંડ.
‘મારી પાસે/ અ-ખૂટ/ અસત્યો છે,/ તમારી પાસે?’
અને અંતિમ ખંડમાં
‘કહેવામાં આવ્યું હતું :/ છેવટે/ છેક છેવટે/ સત્યનો જ જય થશે./ યાદ છે,/ હા, બરાબર યાદ છે,/ એમ જ/ કહેવામાં તો એમ જ આવ્યું હતું.’