કમલ વોરાનાં કાવ્યો/13 કેડેથી નમી ગયેલી ડોસીને દેખી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કેડેથી નમી ગયેલી ડોસીને દેખી

કેડેથી નમી ગયેલી ડોસીને દેખી
જુવાન નર માને છે કે
ડોસી હજુય એનું ખોવાયેલું બાળપણ શોધી રહી છે
એ તો બોખું મોં ખડખડ ફુલાવતાં
જવાબ વાળે છે :
ભોંયમાં છુપાયેલ પીટ્યા મરણને
લાકડીની આ ઠક... ઠકથી
હાકોટા દઉં છું
આવ... બહાર આવ
મોઢામોઢ થા
તેં ભલે મારી કેડ આગોતરી વાળી દીધી
લે, આ ઊભી તારી સામે ભાયડા જેવી
તને ચોટલીએ ન ઝાલું ન હંફાવું
એકાદ વાર ન ફંગોળું
તો હું બે બાપની
પછી તું મને ભોંયભેગી કરવી હોય તો કરજે

કેડેથી નમી ગયેલી ડોસીને દેખી
જુવાન નર
સહેજ ટટ્ટાર ઊભો રહેવા મથે છે