કમલ વોરાનાં કાવ્યો/20 એ ખુરશી પર બેઠો હોય અને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એ ખુરશી પર બેઠો હોય અને

એ ખુરશી પર બેઠો હોય અને
બાજુમાંથી પસાર થઈ જનારની
નજરે સુધ્ધાં ન ચડે એ તો એને સમજાતું
પણ એ બેઠો હોય એની એનેય ખબર ન પડે
એ વાતે એ અકળાતો
કશુંક બોલવું હોય
ત્યારે એકેય શબ્દ ન જડે
કે જડે તો રૂંધાતા ગળામાંથી બહાર ન નીકળે
તે બાબત પણ હવે લગભગ કોઠે પડી ગયેલી
તણાઈને જોવા મથતી આંખો
અવરજવર કરતાં ધાબાંથી ટેવાઈ ગયેલી
મોં પર હથેળી ફેરવતાં
કઈ ચામડીમાં અડવું નહોતું રહ્યું
એય કળી ન શકાતું
પણ વૃદ્ધને ઘણા વખતથી ખાતરી થઈ ગઈ હતી
એ ગેરહાજરીમાં જીવી રહ્યો હતો
હાજર અને ગેરહાજર એકીવેળાએ
ક્યારેક તો ગેરહાજરી એટલી નક્કર લાગતી
કે એ ક્યારેય હતો કે કેમ એની શંકા થતી
ઘરડા થવા અગાઉ એણે કલ્પના કરી રાખેલી કે
ઘડપણથી બૂરું કંઈ નહીં હોય
પણ હવે એ ધારણા બદલાઈ ગયેલી
આ હોઈને ન હોવું તો ઘડપણથીય બદતર
હોઈને ન હોવું તો
ન હોવા કરતાંય ભૂંડું