કળા, સાહિત્ય અને વિવેચન/સાહિત્ય અને પુરાકલ્પન
પાશ્ચાત્ય ચિંતનમાં મીથ-‘પુરાકલ્પન’ સંજ્ઞા પ્રાચીન સમયથી મૂર્ત mythical narrative – પુરાણકથા-નો નિર્દેશ કરતી રહી છે, અને એ એનો સૌથી વધુ રૂઢ થઈ ગયેલો અર્થ છે. પણ આધુનિક સમયમાં એ સંજ્ઞાને એના આ રૂઢ અર્થ સાથે સંકળાયેલા સૂક્ષ્મ અર્થભેદો પ્રાપ્ત થયા છે. જેમ કે, Myth - M કેપિટલ સાથે યોજાતો શબ્દ – ઘણીય વાર એનો સર્વસાધારણ અમૂર્ત અર્થ સૂચવે છે. એવા સંદર્ભે મીથ પુરાણકથાઓમાં ઊપસતી આગવી પૌરાણિક વાસ્તવિકતાનો – પરિચિત એવા ઐતિહાસિક વાસ્તવથી તેમ વિજ્ઞાનવાદને અભિમત અમૂર્ત વાસ્તવથી સર્વથા ભિન્ન કોટિના છે તેનો –નિર્દેશ કરે છે. એ પૌરાણિક વાસ્તવના નિર્માણમાં કામ કરતી પ્રતીકાત્મક પુરાચેતનાનો ખ્યાલ અને પ્રતીકાત્મક નિર્મિતિઓનો ખ્યાલ પણ એની સાથે જોડાયેલો છે. આથી સાવ ઊલટું, આધુનિક યુગના ચિંતકો વર્તમાન માનવસંયોગો અને સમસ્યાઓનો વિચાર કરતા reality verses myth – વાસ્તવિકતા વિ. ભ્રાન્તિનું જગત – એવો વિરોધ ઉપસાવે છે ત્યાં એનો અર્થ સાવ બદલાઈ જાય છે. પણ ‘પુરાકલ્પન’ના અર્થબોધની બીજી મોટી મુશ્કેલી એ છે કે એનું વિશ્વ સુરેખ અને અલગ કોટિનું રહ્યું નથી. ધર્મદર્શન, વિધિવિધાન, સામાજિક સંસ્થાઓ અને પરંપરાઓ, લોકસાહિત્ય અને શિષ્ટ સાહિત્ય ઉપરાંત અન્ય લલિત કળાઓમાં એ વિસ્તર્યું છે. એટલે ધર્મતત્ત્વચિંતન, સમાજશાસ્ત્ર, માનવનૃવંશશાસ્ત્ર, મનોવિશ્લેષણવાદ, સાંસ્કૃતિક વિચાર એમ જુદાં જુદાં ક્ષેત્રોમાં પરંપરાથી સાવ ભિન્ન પરિપ્રેક્ષ્યમાં અને સાવ ભિન્ન ભૂમિકાએથી એની વ્યાખ્યાવિચારણા ચાલી છે. આથી એમાં સરળતાથી સંગતિ સાધી ન શકાય તેવી વિચારણાઓના નોખા પ્રવાહો જોવા મળે છે. સાહિત્ય અને પુરાકલ્પન વચ્ચેના આંતરસંબંધોની ચર્ચાય આજે વિખરાયેલી રહી છે. જગતની વિકસિત અણવિકસિત લગભગ બધી જ પ્રજાઓને ધર્મગ્રંથો, વિધિવિધાન, સાહિત્ય આદિ કોઈ ને કોઈ પરંપરારૂપે પુરાણકથાઓનો નાનોમોટો વારસો મળ્યો છે. ઐતિહાસિક સમય પૂર્વે ઘણુંખરું પુરાણકથાઓ રચાઈ ચૂકી હોવાનું જણાય છે. સૃષ્ટિનાં અદ્ભુત કરાલ દૃશ્યોના પરિવેશ વચ્ચે આદિમ સમાજે દિવ્ય, અલૌકિક પુરુષો અને અતિપ્રાકૃતિક ઘટનાઓ પર આધારિત પુરાણકથાઓ રચી છે એમાં બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની અદ્ભુત કથાઓ, સ્વર્ગ-પૃથ્વી-પાતાળ જેવાં ભુવનોની કલ્પના, દેવદેવતાઓની લોકોત્તર ચમત્કારોની કથાઓ, દેવદાનવના સંઘર્ષો, દિવ્ય શક્તિવાળા મહામાનવોની કથાઓ, વિશ્વપ્રકૃતિની અકળ ઘટનાઓ, માનવ, પ્રાણી કે પંખીનું દેવરૂપે કે દેવોનું પ્રાણીપંખી કે માનવરૂપે પ્રકટીકરણ, એવી એ અદ્ભુત લીલામય બનાવોની કથા છે. એમાંનાં ચરિત્રો પ્રસંગો, દૃશ્યો પ્રતીકાત્મક વિશ્વનું આગવું તંત્ર રચે છે. એ વિશ્વને બૌદ્ધિક ચિંતનની કોઈ કોટિમાં, કોઈ વિભાવનામાં ઢાળી શકાય નહિ. કપોલકલ્પિતનાં તત્ત્વોથી સભર એવું એ કથાવિશ્વ સ્વતઃ રહસ્ય પર મંડાયેલું છે. સ્વયં એ કથાવિશ્વ આત્મસત્તા ધરાવે છે, અને માનવસમાજને સંપ્રજ્ઞ અને અસંપ્રજ્ઞ બંને સ્તરોએ એકીસાથે પ્રભાવિત કરે છે. પુરાણકથાઓના ઉદ્ભવ સ્રોતો, તેના ગર્ભિત કે પ્રગટ અર્થો, તેની સંરચનાઓ આદિ પાસાંઓનો આ વિષયના અભ્યાસીઓએ ઘણી ઝીણવટથી અભ્યાસ કર્યો છે. એમાં ધર્મ અને વિધિવિધાન સાથેના સંબંધોની વિચારણા આગવું મહત્ત્વ ધારણ કરે છે. પુરાણકથાઓ ધાર્મિક વિધિવિધાનના ભાગરૂપે જન્મી છે કે વિધિવિધાનોના નિર્માણમાં પુરાણકથાઓ ચાલકબળ રહી છે – એવા વિરોધી મતોય અસ્તિત્વમાં આવ્યા છે પણ જગતની અનેક આદિમ જાતિઓએ જે પુરાણકથાઓ જાળવી રાખી છે તે કોઈ પ્રસિદ્ધ ધર્મ સાથે સંકળાયેલી નથી. એ રીતે પુરાણકથાઓના ઉદ્ભવની ઘટના ધર્મસંસ્થાથી કોઈક રીતે સ્વતંત્ર હોવાનું સમજાય છે. પણ ધર્મસ્થાપના સાથે જન્મેલી કે તેમની સાથે સંકળાઈ ગયેલી પુરાણકથાઓ ધાર્મિક (sacred) ગણાય છે, અને દંતકથા, પરીકથા, પ્રાણીકથા જેવી લોકકથાઓથી જુદો ઊંચો મોભો ધરાવે છે. હકીકત એ છે કે ધર્મ સાથે સંયોજિત અને સુવિકસિત પુરાણકથાઓ વિશ્વની સંચાલક-નિયામક શક્તિ વિશે, વિશ્વજીવનના પ્રવાહો વિશે અમુક આસ્થા, માન્યતા કે ધારણા પ્રગટ કરે છે. કેટલાંક દૃષ્ટાંતોમાં સમાજરચના શાસન, કાનૂન, નીતિમત્તા કે આચારવિચારનાં ધોરણોને લગતા નિર્દેશો એમાં મળે છે. પુરાણકથાઓ દ્વારા સમાજજીવનને એકત્ર કરનારું બળ મળ્યું છે. જીવનના શ્રેયાશ્રેય, સદ્અસદ્, નૈતિકઅનૈતિક એવા મૂલ્યબોધની એમાં ભૂમિકા ભળી હોય છે. સમાજ અને સંસ્કૃતિના જતન અને સંવર્ધનમાં પુરાણકથાઓએ આગવી રીતે અર્પણ કર્યું છે. આધુનિક યુગમાં બૌદ્ધિક જિજ્ઞાસા પ્રબળ બની ત્યારે એ પુરાણકથાઓની આસપાસ વીંટળાયેલું પવિત્રતાનું વાતાવરણ લુપ્ત થયું. માત્ર સાંસ્કૃતિક પદાર્થ લેખે એનું અધ્યયન સંશોધન શરૂ થયું. પૂર્વમાં ભારત, ચીન અને જાપાન જેવા તથા પશ્ચિમમાં ગ્રીસ, ઇટાલી, ફ્રાન્સ, જર્મની અને ઇંગ્લૅન્ડ જેવા દેશોની સાહિત્યિક પરંપરાઓ જોતાં તરત સ્પષ્ટ થાય છે કે એ દરેક પરંપરામાં એના પોતાના પુરાણસાહિત્યની કોઈ ને કોઈ રીતે પ્રેરણા રહી છે. ભારતીય સાહિત્યમાં ઋગ્વેદકાળથી મધ્યકાળના અંત સુધી પુરાણતત્ત્વોનો સાતત્યપૂર્વક સ્વીકાર થયો છે. મહાકાવ્યો, નાટકો, આખ્યાનો, પદો જેવાં પરંપરાગત સ્વરૂપોમાં પુરાણકથાઓ નવા નવા મર્મો સાથે ગૂંથાતી રહી છે. વ્યાપકપણે ભારત, જાપાન આદિ પૂર્વીય અને ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ આદિ પાશ્ચાત્ય દેશોમાં મધ્યકાળના અંત સુધી પરંપરાગત ધર્મનીતિ અને આચારવિચારના ખ્યાલો પ્રવર્તતા રહ્યા અને ત્યાં સુધી પુરાણકથાઓનો સ્વીકાર અમુક અપવાદો સિવાય, આસ્થાપૂર્વક થતો રહ્યો. આધુનિક યુગના આરંભ સાથે ધર્મશ્રદ્ધા અને આસ્થાનું એ જગત હચમચી ઊઠ્યું. બૌદ્ધિકતાવાદે અને વિજ્ઞાનવાદે માનવ, પશુપંખી અને દેવતાઓના આ જગતને જડ અમૂર્ત વિચારતંત્રમાં તારવી લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે આધુનિક કવિઓ અને લેખકોએ સંપ્રજ્ઞપણે રહસ્યસભર વિશ્વનું નિર્માણ કરવાની દિશામાં પ્રવૃત્તિ આદરી. બૌદ્ધિક ચોકઠામાં વિભાજિત થયેલા અને સંકોચ પામેલા આ જગતને ફરી અખિલાઈ અને એકતા આપવા પૌરાણિક ચેતનાની ખોજમાં તેઓ વળ્યા. પુરાણોનું વિશ્વ આમ પણ સમયાતીત અને સ્વાયત્ત રહ્યું છે. સામૂહિક અસંપ્રજ્ઞાતનાં પ્રતીકો/આદ્યરૂપોમાં તે વિસ્તરેલું છે. માનવઅસ્તિત્વની ગહનતમ ઝંખનાઓ, ઇચ્છાઓ, એષણાઓ, ભયગ્રંથિઓ એમાં સાર્વત્રિક રૂપ પામીને વ્યક્ત થઈ છે. માનવનિયતિ અને માનવની અંતિમ ગતિના ગૂઢ અને અકળ પ્રશ્નો નિમિત્તે માનવવ્યક્તિની ઇચ્છાના અને સ્વાતંત્ર્યના તથા તેને અવરોધતી કોઈ અજ્ઞાત સત્તાના, મૃત્યુની ઘટના સાથે અનુભવાતી માનવજીવનની નશ્વરતા અને સીમિતતાના ગહન ગૂઢ અનુભવો એમાં રજૂ થયા છે. આધુનિક સાહિત્યમાં પુરાણકથાનાં તત્ત્વોનો જુદી જુદી રીતે વિનિયોગ થયો છે. જોય્યસની કથા ‘યુલિસીસ’, એલિયટની કાવ્યરચના ‘ધ વેસ્ટ લેન્ડ’, રિલ્કેની કવિતામાં ઓર્ફિયસનો વૃત્તાંત, યેટ્સની રચના ‘ધ સેકન્ડ કમીંગ’ વગેરેમાં પૌરાણિક તત્ત્વોનો વિન્યાસ નોંધપાત્ર છે. હકીકતમાં આધુનિક સાહિત્યકારોએ પોતાની વર્ણ્યવસ્તુ લેખે અનેક વાર જાણીતા પૌરાણિક વૃત્તાંતો કે તેમાંનાં મુખ્ય પાત્રો કે ઘટના લઈ તેમાં નવું રહસ્ય પ્રગટાવ્યું છે. કેટલીક વાર પોતાની કૃતિની રૂપરચનાર્થે પુરાણકથાના સંરચનાત્મક સિદ્ધાંત કે તેમાં સૂચિત વિધિવિધાનની તરેહને લક્ષ્યમાં લીધી છે. કેટલીક વાર અસંપ્રજ્ઞાત સ્તરના ગહનતર સંઘર્ષો અને તણાવો પૌરાણિક પાત્રોના આશ્રયે રજૂ કર્યા છે. વળી અસ્તિત્વમૂલક સંવેદનાઓની ખોજ કરતાં પુરાણકથાઓનાં પ્રતીકો/આદ્ય રૂપોને અભિવ્યક્તિમાં ગૂંથી લીધાં છે. આધુનિક સમયમાં વિવેચનના જે ભિન્ન ભિન્ન અભિગમો ઊપસી આવ્યા તેમાં પુરાણલક્ષી અભિગમ ઘણો નોખો તરી આવે છે. સાહિત્યકૃતિની બહારની કોઈ વિચારધારા લાગુ પાડવાનો એમાં ઉપક્રમ નથી. પણ કૃતિને વિશાળ સાંસ્કૃતિક માળખામાં મૂકીને જોવાની આ પદ્ધતિ છે. પ્રાચીન સંસ્કૃતિના અર્થો અને મૂલ્યોનું માળખું પુરાણકથાઓમાં જે રીતે સૂચિત રહ્યું હોય છે તે આધુનિક સર્જકની કૃતિને પામવાને વિશેષ બૃહદ્ સંદર્ભ રચી આપે છે. પૌરાણિક અને આધુનિક ચેતના વચ્ચે રચાતા સૂક્ષ્મ તણાવ અને દ્વન્દ્વાત્મક સંઘર્ષમાં કૃતિનો વિશેષ અર્થ નીપજી આવે છે. એમાં અનેક કૃતિઓના સંદર્ભે મેટાફીઝીકલ આયરનીનો અનુભવ થાય છે. પણ આ સિવાય આધુનિક કૃતિઓના રચનાવિધાનમાં વારંવાર પુરાણકથાનો સંરચનાત્મક સિદ્ધાંત કે વિધિવિધાનની તરેહ નિયામક બની હોય એમ જોવા મળશે. હર્બર્ટ વાઈઝીંગર દ્વારા શેક્સપિયરની ટ્રૅજડિઓમાં મીથ અને વિધિવિધાનના વિનિયોગની તપાસ, રિચર્ડ એડમ્સ દ્વારા મિલ્ટનની કૃતિ ‘Lycidas’માં મૃત્યુ અને પુનર્જન્મને લગતી આર્કિટિપલ પેટર્ન, જ્હોન વિકરી દ્વારા ડી.એચ.લોરેન્સની લઘુનવલકથાઓમાં પુરાણતત્ત્વ અને વિધિવિધાનની ઓળખ – આ અભિગમથી હાથ ધરાતાં અધ્યયનો – વિવેચનોનાં સુંદર દૃષ્ટાંતો છે.