કવિની ચોકી/3

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઉપવાસની મહાવાણી

આશ્રમમાં કવિવર અભય આશ્રમની મુલાકાત પછી થોડા મહિનામાં 15 મે, 1926ના રોજ કવિ યુરોપની લાંબી યાત્રાએ ગયા જે 19 ડિસેમ્બર, 1926ના રોજ શાંતિનિકેતન પાછા આવ્યા. ઇટાલીના પ્રવાસ પછી 22 જૂન, 1926ના રોજ તેઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં વિલેન્યૂવ ગયા અને મનીષી રોમા રોલાં સાથે લાંબી મુલાકાતો કરી. તેમની વાતચીતના વિષયમાં યુરોપમાં અને ખાસ કરીને ઇટાલીમાં આવી રહેલ ફાસીવાદ હતો તો હિંદની સ્થિતિ પણ હતી. કવિએ રોમા રોલાં સાથેની વાતચીતમાં પોતાનું મન ખોલ્યું અને મહાત્મા સાથેના પોતાના મતભેદનું કારણ બતાવ્યું. ‘‘મને યાદ છે કે ગામડાંમાં અમારી ઘણી બહેનો લગભગ નિ:વસ્ત્ર રહેતી. મહાત્મા ગાંધીએ કહ્યું કે વિદેશી કાપડનો ઉપયોગ એ તો રક્તપીત્તિયાએ પહેરેલાં કપડાં વાપરવા સમાન છે. મને આનાથી ઘણો ગુસ્સો આવ્યો હતો. જ્યારે મહાત્માજી મારી મુલાકાતે આવ્યા ત્યારે મેં તેમને પૂછ્યું; તમે ખરેખર, ગંભીરપણે માનો છો કે વિદેશી કાપડ અશુદ્ધ છે ? તેઓ ચૂપ રહ્યા અને કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો, પણ એમ કીધું કે તેઓ મૂર્તિપૂજામાં માને છે. મને લાગે છે કે તેઓ કહી રહ્યા હતા કે અમારા દેશબાંધવો માટે મૂર્તિપૂજા આવશ્યક છે. મૂર્તિપૂજા એટલે કોઈ વિચારને મૂર્તિના સ્થાને પ્રસ્થાપિત કરવો. મને લાગ્યું કે આવાં કૃત્યોથી તેઓ અંગ્રેજો પ્રતિ આંધળી ઘૃણામાં વધારો કરી રહ્યા હતા. આ દિવસો દરમિયાન મહાત્માજીનો વિરોધ કરવો તે લગભગ ભયજનક હતું, તેમ છતાં મેં કહ્યું; રાજકીય આઝાદી ન મળે તેનાં કરતાં પણ બદતર આપણા મનની આઝાદી ખોવી તે છે.’ મેં મહાત્માજીને કહ્યું; ‘જો તમારી વાત સાચી હોય તો એનો અર્થ એવો થાય કે આપણી પ્રજા સત્યને, જૂઠાંણાંના સ્વરૂપે રજૂ કરીએ તો જ સ્વીકારી શકે.’ મારે મન તો અમારી ખરી સમસ્યા તો આ છે, વિદેશી શાસનની ગુલામી નહીં. આ સૌથી મોટી દુષ્ટતા છે, એવી દુષ્ટતા જેમાંથી અમને કોઈ ઉગારી શકે નહીં. રાજકારણમાં પણ અમે આવું જ કરીએ છીએ. અમુક કાયદો કે અમુક ઘટના વાંધાજનક છે તેમ કહી અમે અંગ્રેજ સરકારની ટીકા કરીએ છીએ. અમે હિંમતભેર કહી શકતા નથી કે વિદેશી સરકાર જવી જ જોઈએ. ગયા વર્ષે મહાત્માજી શાંતિનિકેતન આવ્યા ત્યારે મેં તેઓને કહ્યું, ‘તમે સ્વરાજની વ્યાખ્યા કરી નથી. શું તેનો અર્થ પૂર્ણસ્વરાજ છે ?’ ફરી એક વાર તેઓ ચૂપ રહ્યા અને સીધો જવાબ આપવાનું ટાળ્યું, પણ એવું કહ્યું કે તેઓને અંગ્રેજી પ્રજાના ચારિયમાં ગાઢ શ્રદ્ધા હતી. આ વાત પરથી હું સમજ્યો કે તેઓ અંગ્રેજો સાથેનો તમામ સંબંધ કાપી નાખવા ઇચ્છતા હતા... હિંદમાં પાયાની સમસ્યા એ છે કે અમારી પ્રજા ટોળાની જેમ જીવે છે. કોઈ સર્વસામાન્ય સર્જનાત્મક ક્રિયા છે જ નહીં. અમે કેવળ આ ભૂમિના કબજેદાર છીએ. અમે તેને અમારો દેશ કરવા કોઈ યત્ન કરતા નથી. હિંદની સાચી સમસ્યા એ છે કે અમારે, અમારા દેશને અમારી સ્વયંની રચના કરવી રહી; એવું સર્જન કે જેમાં દરેક કોમ અને દરેક વ્યક્તિ સહભાગી થઈ શકે. મેં શાંતિનિકેતનની આસપાસનાં ગામડાંના રહીશો સાથે એક સંસ્થા સ્થાપી છે. તેમાં હિંદુ અને મુસલમાન બંને સામેલ છે. અમે તેઓ વચ્ચે કોઈ ભેદ રાખતા નથી. અમે તેમને ગ્રામસફાઈ સુધારવાની, તબીબી સારવારની, ગ્રામ્ય શાળાઓ સ્થાપવાની અને સહકારી સંસ્થાઓ ઊભી કરવાની તાલીમ આપીએ છીએ, જેમાં હિંદુ અને મુસલમાન બંને સહકલ્યાણ માટે સાથે કામ કરે છે. કૉલકાતાનાં રમખાણો દરમિયાન એક મહત્વની ઘટના બની. મોટી સંખ્યામાં મુસલમાન ગુંડાઓને બહારથી બોલપુર લાવવામાં આવ્યા. એક તોફાની અફવા ફેલાઈ કે હિંદુ મંદિર પર હુમલો કરી તેનો નાશ કરવામાં આવશે. વિચિત્ર વાત તો એ બની કે અમારે પોલીસની મદદ સુધ્ધાં માંગવી ન પડી. અમે અમારા મુસલમાન કાર્યકર્તાઓ પાસે ગયા. આ લોકોમાં કોઈ કોમી દ્વેષ કે ઘૃણા નથી. આ મુસલમાન ગ્રામવાસીઓએ મુસલમાન ગુંડાઓને કોઈ પ્રકારે ધમાલ કરવા ન દીધી અને બાજુના ગામેથી જ પાછા મોકલી આપ્યા. હિંદમાં અમારું આ કર્તવ્ય છે. અમારે એવી સંસ્થાઓ બનાવવી રહી કે જેની મદદથી અમે અમારા દેશને પાછો અમારો કરી શકીએ. અમારે માનવીય થવું રહ્યું, યંત્રવત્ નહીં. આ વાતમાં મારે મહાત્માજી સાથે ભેદ છે. તેઓ માને છે કે કેવળ ચરખાથી બધું સંપન્ન થશે. મારે તો આખું ગ્રામ્યજીવન સાથે લેવું છે. શાંતિનિકેતનમાં મારો નાનો પ્રયોગ સફળ થાય તો આખા બંગાળ માટે પદાર્થપાઠ હશે. બધા ગ્રામ્ય યુવાનો –કેટલાક મુસલમાન, કેટલાક બ્રાહ્મણો, કેટલાક નિમ્ન જ્ઞાતિના –સાથે મળીને ગ્રામોદ્ધાર માટે કામ કરે છે. તેઓ સહકારના વાતાવરણમાં જીવે છે અને ઊછરે છે. તેઓ ભાવિ ગ્રામ્યજનો છે અને જો તેમને સહિયારા કલ્યાણ અને ઉદ્ધાર વિશે જાગ્રત કરી શકાય તો સમસ્યાનું નિરાકરણ થશે... આમાં સમય લાગશે પણ આ જ એક રસ્તો છે. મને ખાતરી છે કે શરૂઆતની મુશ્કેલીઓમાંથી પાર નીકળીએ અને એક વાર સફળતા હાથ લાગે તો આ કામ આગની જેમ ફેલાશે. પહેલાં દસ વરસ મુશ્કેલ હશે. અમારે ધીરજ ધરવી પડશે. જ્યારે લોકો મને પૂછે છે કે હું મહાત્માજી સાથે શા કારણે નથી જોડાતો ત્યારે હું તેમને સીધો જવાબ આપતો નથી. હું મારા અંતરમાં જાણું છું કે અમારાં ગામોમાં કામ કરીને, અમારી સમસ્યાનું નિરાકરણ એ જ મારો જવાબ હશે.’’[1] કવિ સ્વરાજઆંદોલનને કેવળ ચરખા સાથે સાંકળે છે. શરૂઆતની ચર્ચાઓથી તેમનું આ મંતવ્ય અને વલણ રહ્યાં. તેમણે હિંદુ-મુસ્લિમ એકતાના મુદ્દાનો ગાંધીજીના પ્રયાસને કેવળ રાજકીય મંચ ઊભો કરવાનો પ્રયાસ ગણ્યો. આનાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક પાસાં છે જ નહીં તેમ તેઓએ દલીલ કરી. ગ્રામોદ્ધાર, કુટિર-ઉદ્યોગ, ગ્રામોત્થાન, ગ્રામસફાઈ, સહકારી પ્રવૃત્તિ આ બધા વિષયમાં ગાંધીજીના વિચાર અને તેમનાં કાર્ય, તે માટે શરૂ કરાયેલી સંસ્થાઓ વિશે તેઓ બેધ્યાન રહ્યા. કૉંગ્રેસ દ્વારા સંચાલિત રાજકીય ચળવળ સ્વરાજ આંદોલનના અનેક અંગમાંનું – જોકે રાજકીય આઝાદી માટે મહત્વનું – એક અંગ હતું અને સ્વરાજની કલ્પના અને તેના માટેના પ્રયાસ સર્વગ્રાહી હતા તે વિશે પણ કવિ ઓછા સહિષ્ણુ છે. કવિ એમ કહે છે કે સર્જનાત્મક કાર્ય દ્વારા દેશની પ્રજાએ દેશને પોતાનો કરવાનો છે. આ સર્જનાત્મક કાર્ય ગ્રામઉદ્ધાર હોઈ શકે તેવું તેમના પોતાના શ્રીનિકેતનના પ્રયાસને આધારે તેઓ સ્વીકારે પણ છે. આ સિવાય બીજું સર્જનાત્મક કાર્ય શું હોઈ શકે તેની કોઈ ઝાંખી તેઓ આપતા નથી. રાજકારણ પણ સર્જનાત્મક હોઈ શકે, સત્યાગ્રહી પોતાના બલિદાનથી દેશનો કબજેદાર નહીં પણ તેનો નાગરિક બની શકે તે કવિના વિચારવિશ્વની બહાર રહે છે. વળી ચરખો પણ કેવળ આર્થિક ઉપાર્જનનું નહીં પણ એકતા અને સૂત્રયજ્ઞ દ્વારા સ્વાર્પણનું માધ્યમ બની શકે તે સ્વીકારવા તેઓ જરા પણ તૈયાર નથી. 1925થી 1930ના ગાળામાં ગાંધીજી અને કવિ ટાગોરનો પ્રત્યક્ષ સંબંધ, પત્રલેખન કે ચર્ચાપત્ર દ્વારા ઓછો રહ્યો. ગાંધીજી વખતોવખત કવિશ્રીનો ઉલ્લેખ તેમનાં ભાષણો અને લખાણોમાં કરતા રહ્યા. 13 ફેબ્રુઆરી, 1927ના રોજ ધૂળિયાની એક સભામાં ગાંધીજી રેંટિયો લઈને ગયા અને ભાષણ આપતી વખતે પોતે રેંટિયો ચલાવ્યો. આ વખતે તેમણે કવિ ટાગોરની 1920ની આશ્રમની મુલાકાતનો ઉલ્લેખ કર્યો. ‘‘કવિવર ટાગોર જ્યારે આશ્રમમાં આવ્યા હતા ત્યારે પ્રાત: કાળે અમે એમને મળવાનો સમય રાખ્યો હતો. પ્રાર્થના કરી અને તેમને વિનંતી કરી, ‘કંઈ કહેશો ?’ તેમણે તો ન કંઈ પ્રસ્તાવના કરી. ન કાંઈ ભાષણ કર્યું, માત્ર તુરત જ પોતાનું એક મધુરું ભજન ગાવું શરૂ કર્યું અને તે પૂરું કરીને મૌન ધર્યું. એ તેમના વિનયની પરાકાષ્ઠા હતી. મધુર સંગીત વર્ષાવીને એમણે અમને તૃપ્ત કર્યા. આજે હું પણ તેમની રીતે તમારા પ્રેમનો બદલો વાળી રહ્યો છું. મારો રેંટિયો મારી વીણા છે.’’[2] પરસ્પર પૃચ્છા પણ ચાલુ રહી. 1 એપ્રિલ, 1928ના રોજ કવિના સ્વાસ્થ્યની ચિંતા કરતાં ગાંધીજીએ ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘ગુરુદેવને તમે યુરોપમાં લાંબો આરામ લેવાનું સમજાવી ન શકો ? આટલી બધી ઝડપથી વૃદ્ધ થઈ જવાનું તેમને માટે કાંઈ કારણ નથી.’’[3] 11 એપ્રિલે ફરી વાર ઍન્ડૂઝને લખ્યું; ‘‘ગુરુદેવ આટલા બધા બીમાર છે અને તેમને લોહીનું દબાણ વધ્યું છે એ ખૂબ જ દુ:ખદાયક છે.’’[4] એપ્રિલ 23, 1928ના રોજ મગનલાલ ગાંધીનું અવસાન થયું, આશ્રમનો પ્રાણ ગયો, ગાંધીજીનો ઉત્તમ સાથી ગયો. ગુરુદેવ તથા ઍન્ડ્રૂઝે તાર દ્વારા દિલસોજી પાઠવી. ગાંધીજીએ જવાબમાં લખ્યું; ‘‘આ કદાચ મારા જીવનની મોટામાં મોટી ક્સોટી છે.’’[5] કવિ 1928, 1930ના ગાળામાં ઘણો ભાગ વિદેશમાં રહ્યા. આ દરમિયાન તેમનું સ્વાસ્થ્ય કથળતાં 8 May’ 1928ના રોજ ગાંધીજીએ ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘મારું સમગ્ર હૃદય ગુરુદેવ તરફ ખેંચાય છે. હું આશા રાખું છું કે તે દરિયાઈ સફર માટે તદ્દન સાજા અને સ્વસ્થ થઈ જશે અને યુરોપમાં સંપૂર્ણ આરામ કરીને નવી શક્તિ મેળવી તેઓ સ્વદેશ પાછા ફરશે.’’[6] હિંદનું રાજકારણ ઝડપથી બદલાઈ રહ્યું હતું. લાહોર કૉંગ્રેસે પૂર્ણ સ્વરાજનો ઠરાવ કર્યો અને સવિનય કાનૂનભંગનો વિચાર પણ કર્યો. સવિનય કાનૂનભંગની ચળવળનું નેતૃત્વ કૉંગ્રેસે ગાંધીજીને આપવાનું ઠરાવ્યું. લાહોર કૉંગ્રેસના ઠરાવ પછી અને ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રાની પહેલાં કવિ મહારાજા સયાજીરાવ ગાયકવાડના આમંત્રણે વડોદરા આવવા નીકળ્યા. તેમણે 10 જાન્યુઆરી, 1930ના રોજ કૉલકાતા છોડ્યું અને લગભગ એક પખવાડિયું અમદાવાદમાં રહ્યા. આ દરમિયાન તેઓ સરલાદેવી અને શેઠ અંબાલાલ સારાભાઈના મહેમાન હતા.[7] 18મી જાન્યુઆરીના રોજ કવિ ટાગોર સત્યાગ્રહ આશ્રમ, સાબરમતી, જે હવે ઉદ્યોગમંદિર હતું ત્યાં, ગાંધીજીની મુલાકાતે ગયા અને સાથે લગભગ બે કલાક ગાળ્યા. મહાદેવભાઈએ ‘આશ્રમમાં કવિવર’ નામે હેવાલ તૈયાર કર્યો. આ લખાણ કોઈ પણ કાપ-કૂપ વગર અહીં આપ્યું છે : ‘‘ગાંધીજીને ખાદીને માટે ભિક્ષા માગવા નીકળવું પડે છે તો કવિવર રવીન્દ્રનાથ ટાગોરને વિશ્વભારતી માટે ભિક્ષા માગવા જવું પડે છે. કવિશ્રીએ ભિક્ષા માગવાની પોતાની અશક્તિ વિશે કહ્યું; ‘‘માલવીયાજી જેવી શક્તિ મારામાં હોત તો કેવું સારું ? તમેય માલવીયાજીને થોડે ઘણે અંશે પહોંચી જાવ ખરા.’’ ગાંધીજી કહે : ‘પહોંચું; પણ મારે ગરીબની પાસે લેવાના; માલવીયાજી તો કરોડાધિપતિ પાસે જ જાય. મને કોડી મળે ત્યારે એમને માણેક-મોતી મળે છે.’ કવિવર કહે : ‘સાચી વાત. માલવીયાજીએ ભિક્ષા માગવાનું શીખવવાનો વર્ગ કઢાવો જોઈએ.’ પણ ગમે તેમ હોય; ભિક્ષા માગવાનું ન હોત તો મિલોના ધુમાડાવાળા અમદાવાદમાં કવિવરનાં પગલાં શી રીતે થાત ? એટલે એક રીતે સારું જ છે કે કવિવરને બે-ચાર વર્ષમાં એકાદ વખત આણી તરફ આવવું પડે છે, અને તેથી અનાયાસે આશ્રમને પણ એમનાં દર્શનનો લાભ મળે છે. આ વેળા કવિવરની ઉપર ચોથી અવસ્થાનાં ચિહ્નો સ્પષ્ટ ભાસતાં હતાં. એમના અવાજમાં હંમેશનું જોર નહોતું, એમની ગતિમાં સામર્થ્ય નહોતું અને એમના મોં ઉપર થાક અને ઘડપણ દેખાતાં હતાં. કવિએ પોતે જ આવતાંની સાથે કહ્યું. ‘હું હવે સિત્તેરનો થયો એટલે તમારા કરતાં ઘણો મોટો કહેવાઉં ને ?’ ગાંધીજી કહે; ‘સાચું; પણ જ્યારે 60 વર્ષનો વૃદ્ધ નાચી નથી શકતો, ત્યારે 70 વર્ષનો યુવાન કવિ નાચી શકે છે.’ હસતાં હસતાં કવિવરે એ વાત કબૂલ કરી. પછી કહે ‘વડોદરા મને કાંઈ ઇલકાબ આપવા માગે છે. મને પૂરતા મળ્યા છે અને વધુ સ્વીકારવા એ હું ન વહી શકું એટલા ભારરૂપ મને લાગે છે.’ પછી ગાંધીજી પાસે તબિયત જાળવવાની અનેક કૂંચીઓ છે તેની જાણે અદેખાઈ કરતા હોય તેમ કવિવર બોલ્યા: ‘તમે વળી પાછા એક ‘એરેસ્ટ ક્યોર’ની તૈયારી કરી રહ્યા લાગો છે. (માણસ થાકીને તબિયત સુધારવા આરામ લે છે, તેને ‘રેસ્ટ ક્યોર’ કહે છે. એ શબ્દ ઉપર જરા શ્ર્લેષ કરીને કવિએ ‘એરેસ્ટ ક્યોર’ શબ્દ વાપર્યો. ‘એરેસ્ટ ક્યોર’ એટલે પકડાઈને જેલમાં જઈ આરામ મેળવી તબિયત સુધારવી.)[8] મને પણ કહે સરકાર થોડા દહાડા ક્યાંક દેશનિકાલ કરે તો કેવું સારું ?’ ગાંધીજી કહે : ‘તમારા ઢંગ તેવા નથી એટલે સરકાર બિચારી શું કરે ?’ સૌ ખડખડાટ હસ્યા, અને સાબરમતી ઉપરનો સ્વ. મગનલાલ ગાંધીનો ઓરડો જેમાં કવિવર અને રેંટિયો કાંતતા ગાંધીજી બેઠા હતા તે આ હાસ્યથી ગાજી ઊઠ્યો. ‘તમારી ઉંમરે હું જ્યારે પહોંચીશ ત્યારે હુંય અમેરિકા ગયા વિના રહીશ નહીં.’ ગાંધીજી બોલ્યા. કવિવરની બધી વાતો નોંધી જાય એમ નથી. અને ધાર્યા કરતાં ઠીક વધારે વખત કવિશ્રીએ પોતાની હાજરીનો લાભ આપ્યો. એટલે આ દેશ-પરદેશની અનેક વાતો થઈ. કોરિયાનો એક સજ્જન એમને મળ્યો હતો તેની કવિશ્રીએ વાત કરી. સ્વાતંત્ર્યના આ જમાનામાં, પેલો, સ્વતંત્ર કોરિયાનાં સ્વપ્ન જોતો હતો. કવિશ્રીએ પૂછ્યું : ‘ભક્ષક જાપાનનો મુકાબલો તમારાથી શી રીતે થશે ?’ (સાડા ચાર કરોડની વસતિવાળા જાપાને સવા કરોડની વસતિવાળા કોરિયાનો કબજો છેક 1910માં મેળવ્યો હતો. મૂળ એ ચીનનું બચ્ચું હતું, પણ સ્વતંત્ર રાજ્ય હતું.)[9] એટલે પેલાએ કવિવરને જવાબ આપેલો : ‘જગતની પ્રજાના બે ભાગ પાડી શકાય : ચૂસનારી પ્રજા અને ચુસાતી પ્રજા. એ તો ચુસાતી પ્રજાનો સંપ થાય તો ચૂસનારાઓને હટાવી શકાય. એ સંપ એક દિવસ થવાનો જ છે અને મને આશા છે કે જાપાનની સામે લડવામાં, ચુસાતો જાપાની આમવર્ગ અમારી સાથે હશે.’ આ વાત કરીને કવિવર બોલ્યા : ‘એ વાત સાચી નથી, મહાત્માજી ? માતબર લોકોનો સંપ ન થઈ શકે; માત્ર પીડિત અને દલિત લોકોનો જ સંપ થઈ શકે.’ ‘સાચી વાત, સાચી વાત.’ ગાંધીજીએ કહ્યું : ‘માતબર લોકો સંપ શી રીતે કરી શકે ? કારણ તેમને તો એકબીજાની અદેખાઈ થાય અને એકબીજાના ભોગે માતબર બનવું હોય.’ કવિવરે આગળ ચલાવ્યું : ‘એવા એ માણસના વિચાર હતા. અને એ એમ પણ કહેતો હતો કે ચુસાતી પ્રજા ચૂસનારી પ્રજાની સાથે તેમનાં શસ્ત્રો ન લડી શકે; એ લોકોએ પોતાનાં જ શસ્ત્રો યોજવાં પડશે. (બિચારાને ખબર હતી કે ચુસાતી પ્રજા દારૂગોળો ક્યાંથી લાવે ? એની પાસે તો મોટામાં મોટું શ અસહકાર જ હોય. અસહકાર – એના મનમાં હશે કે નહીં, પણ મારું અનુમાન છે – મેં કવિની વાતમાં વિક્ષેપ ન પાડતા એમને પૂછ્યું નહીં.)[10] એ માણસે એમ પણ કહ્યું કે એક દિવસ આખું જગત અમારી તરફ રહીને લડવાનું છે. આ વિચાર એને બૉલ્શેવિકો પાસેથી મળેલો લાગે છે. આજે બૉલ્શેવિઝમ અને રશિયાનું નામ લેતાં આપણે ધ્રૂજીએ છીએ, આપણી સરકાર પણ ધ્રૂજે છે. અને બધે રશિયાની સામે મોટી દીવાલો રચવામાં આવે છે. પણ વિચારનો પ્રવેશ તે કોઈ રીતે રોકી શકતો હશે ખરો ? આપણે ત્યાં એક કાળે બ્રાહ્મણોની સર્વોપરિતા હતી; પછી ક્ષત્રિયોની આવી, આજે વૈશ્યોની છે, અને હવે શૂદ્રોની આવે છે. આજે શૂદ્રોની સંખ્યા વધારેમાં વધારે છે ના ? શિક્ષણ એટલું બધું પ્રસારિત થવું જોઈએ કે જેઓથી શૂદ્રો પણ પોતાનું મન જાણી શકે.’ આમ કવિવરે ભાવી હિંદનું પોતાનું સ્વપ્ન દોરી બતાવ્યું. ચીન વિશે પણ એમણે ખૂબ વાતો કરી. ‘હું ચીન ગયો હતો જ્યારે સુન-યાટ્-સેનના પક્ષ સાથે મુલાકાત થઈ હતી.’ ત્યાં મુસલમાન ચીનાઓમાં અને બીજા ધર્મના ચીનાઓમાં તો સમાજભેદ તો છે જ નહીં, ભોજનવ્યવહાર અને કન્યાવ્યવહાર છે, છતાં એકબીજાની કાપાકાપી ચાલી રહી છે એમ કવિવરે જણાવ્યું. (એટલે ભોજનવ્યવહાર અને કન્યાવ્યવહારથી ઐક્ય ન થઈ શકે એ ચોખ્ખું દેખાય છે.)[11] રાજ્યની અંધાધૂંધીની એમણે વાત કરી; અને પ્રજાસત્તાક રાજ્ય કહેવાય છે, પણ અમુક ટોળીઓનું જ રાજ્ય છે. એ બધી વાતનો ઉપસંહાર કરતાં બોલ્યા : ‘જે રાજ્યમાં આમવર્ગનો અવાજ નથી તે રાજ્ય નભી જ ન શકે. આમવર્ગને કેળવવો જોઈએ, અને તે લોકોને પોતાની જરૂરિયાતો સ્પષ્ટ રીતે જણાવવાની શક્તિ આવવી જોઈએ. એ જરૂરિયાત સંતોષીને જ રાજ ચાલી શકે.’ પછી કહે; ‘બંગાળ આખું થોડા વખતમાં મુસલમાન થઈ જશે. એમનામાં કશા પ્રતિબંધો નથી. એઓ બહુ ઝડપે વધતા જાય છે. જાવા અને સિયામમાં પણ મેં એ જ જોયું. બાલિ એક હિંદુ સંસ્થાન હતું પણ આજે એની પરંપરા એ બહુ ઝડપે ભૂલતું જાય છે. એક હિંદુ, બાલિ છોકરીને નહીં પરણે, પણ એક મુસલમાન પરણશે. અને એ લોકો બહુપ્રસવી છે. ‘સ્વરક્ષણની કળા હસ્તગત કરવા માટે અને જૂજુત્સુ શીખવાની વ્યવસ્થા કરી છે. છોકરીઓ એમાં બહુ રસ લે છે.’ સરદાર – ‘આગળના તોફાનની તૈયારી કરવા માટે ?’ ‘એમ લાગે છે કે અમારે ત્યાં બેલગોલામાં ચાલતો સત્યાગ્રહ હોલાઈ જવાની સ્થિતિમાં છે. એને માટે યોગ્ય નેતા જોઈએ, અને બંગાળમાં એવો કોઈ માણસ નથી.’ કવિવરને વાતો કરતાં મજા આવતી હતી, પણ જાણે બહુ બેઠા હોય અને ગાંધીજીનો બહુ સમય લઈ લીધો હોય તે માટે ક્ષમા માગવા લાગ્યા. આથી ગાંધીજીને પોતાના માનીતા વિષય ઉપર બોલવાની તક મળી. ગાંધીજીએ કહ્યું; ‘નાજી; એવું કશું જ નથી. મારો વખત જરાય ગયો જ નથી. હું તો તમે જુઓ છો ને કે આપણી વાતોમાં જરાય વિક્ષેપ આણ્યા વિના કાંત્યે જ જાઉં છું. દરેક મિનિટે મને એમ લાગે છે કે હું દેશના ધનમાં કંઈક વધારો કરી રહ્યો છું. મારી ગણતરી એવી છે કે જો એક કરોડ માણસ દરરોજ એક કલાક કાંતે, અને એમ કરીને પોતાનો એળે જતો એક કલાક ઉપયોગમાં લાવે, તો આપણે દરરોજ 40,000 રૂપિયા દેશના ધનમાં ઉમેરી શકીએ. આપણી જણદીઠ રોજની સરાસરી આવક સાત પૈસા છે, અને એમાં એક પૈસો પણ ઉમેરાય તે બહુ થઈ પડે. પણ એ સાત પૈસા પણ ગરીબોની સાચી સરાસરી આવક નથી, કારણ કે એમાં તો કરોડાધિપતિઓની આવક પણ આવી જાય છે. એટલે ગરીબની આવક તો એથી કેટલી બધી ઓછી હશે ? એટલે એ બધાંને તો દાંત અને અન્નને વેર હશે એમ સિદ્ધ થાય છે. શ્રી ઘનશ્યામદાસ બિરલા પાસેથી મેં જાણ્યું કે આપણે દર વર્ષે 80 કરોડ રૂપિયા વ્યાજે આપીએ છીએ, એ આપવાનું આપણી પાસે સાધન નથી, અને દેશના વ્યાપારનું ત્રાજવું આપણા પક્ષમાં કહેવાય છે છતાં આપણી ગરીબી તો દહાડે દિવસે વધતી જ જાય છે. એટલે આપણે જે કરજ કરીએ છીએ તે કરજમાંથી આપણને લાભ કશો નથી મળતો. આવા ગરીબ દેશમાં 30 કરોડ લોકો રોજની એક પાઈ મેળવે એ પણ કાંઈ ઓછું ન કહેવાય. રેંટિયો કોઈ પણ પુરુષ કે સ્ત્રીનો ચાલુ ધંધો બંધ કરવાને માટે નથી જ; પણ એ તો જેની પાસે કામ નથી તેની દરેક બેકાર મિનિટનો ઉપયોગ દેશના ધનની વૃદ્ધિને માટે થાય છે એ હેતુથી યોજવામાં આવ્યો છે. આપણો ખેડૂતવર્ગ હતાશ થઈ ગયો છે, એનામાં સૂઝ નથી, એની બુદ્ધિ મારી ગઈ છે; એટલે આજે એની પાસે રેંટિયા સિવાય એણે સહેલી, ઘરગથ્થુ અને લાભદાયક વસ્તુ મૂકી શકાય એમ નથી. શું આપણે એને કહીશું કે તારી પોતાની કમાણીમાં વૃદ્ધિ કર ? શી રીતે એ વૃદ્ધિ કરે ? એની પાસે ખેતી જ ક્યાં છે ? ખેડૂતની સરાસરી ખેતી માંડ બે એકરની કહેવાય છે, અને એ બે એકર એટલે પણ ધનાઢ્ય જમીનદારોના હજારો એકરો મેળવીને કાઢેલી સરાસરી. ખેતીવાડી કમિશને પોતાની ભલામણનાં થોથાં બહાર પાડ્યાં છે, પણ તેને ખેડૂતો બિચારા શું, નિચોવીને પીએ ?’ કવિવર બોલ્યા : ‘સાચું; આ કમિશનથી કશો ભલીવાર વળતો નથી. એ થોડાં ખાતાં વધારી આપે છે ખરાં, એટલો એનો લાભ ! મને એમાં જરાય વિશ્વાસ નથી.’ વાતો ખૂબ ચાલી. કવિવર ગાંધીજી પાસે જાણવા ઇચ્છતા હતા કે આ વર્ષે હવે શો નવો નુસખો શોધી રહ્યા છે. ‘એક વખત તમે એમ જાહેર કરો કે આપણે સંપૂર્ણ સ્વાતંત્ર્ય લઈશું; અને આપણી પાસે કોઈ કાર્યક્રમ તો નથી. તો તમને એમ નથી લાગતું કે એ આપણું સત્વ ભાંગી નાખશે ?’ ગાંધીજી કહે, ‘હા. રાતદિવસ એ જ વિચારમાં હું મશગૂલ છું. હજી મને અંધકારમાંથી કશો પ્રકાશ મળી રહ્યો નથી. પણ મળી રહેશે. પણ ધારો કે સરકારનો મુકાબલો કરવાનો સજ્જડ કાર્યક્રમ આપણને હાથ ન લાગે.’ પછી કહે, ‘અને અત્યારના સંયોગોમાં એ તદ્દન શક્ય છે કારણ કે ‘ડુમિનિયન સ્ટેટ્સ’નો જે અર્થ આપણે કોઈ દિવસ ઘટાવ્યો નહોતો તેવો આજે કરવામાં આવે છે. વાઇસરૉય કહે છે કે ‘કૅબિનેટની શું નીતિ છે એની અમને ખબર નથી; અને તમારે આવીને અમને ખાતરી કરાવી આપવી જોઈએ.’ મેં કહ્યું, ‘ના. આમાં ખાતરી કરાવી આપવાનો પ્રશ્ન જ નથી. તમારા હાથમાંથી અમે સત્તા છીનવી લઈ શકીએ છીએ એ તમને કેમ બતાવવું એ જ પ્રશ્ન છે. રાજામહારાજાઓ સામ્રાજ્ય માટે તલવારો ઉગામવા તૈયાર છે ત્યાં ખાતરી કરાવવાની જ ક્યાં છે ?’ કવિવર : ‘આપણને લાગવું જોઈએ કે આપણે આપણો દેશ ગુમાવ્યો નથી; અને આપણો દેશ આપણો એમ માનવું એ એક ભ્રમ છે. એવા વિશ્વાસથી, અને આપણા દેશની માલિકી આપણી હોવાનો આપણો હક છે એનાથી શરૂઆત કરો. મેં અમેરિકા છોડ્યું ત્યારે મને એવી આશા હતી કે સૌ સૌની શક્તિ અનુસાર સૌ કોઈ સેવા કરી શકે એવું, આપણા દેશનું, એક સંપૂર્ણ સેવાદળ તમે શરૂ કરશો. તમે જો મને કેળવણીનું કામ આપો તો હું હર્ષભેર સેવા આપીશ. દેશમાં દટાયેલી શક્તિ શોધી શકો અને એને જોતરો. એક સમય હતો જ્યારે આ બધું થઈ શકતું હતું પણ હવે બહુ મોડું થયું છે. દુનિયાની કોઈ પણ સત્તા દેશની સેવા, સ્વચ્છતા, શિક્ષણ વગેરે રોકી શકે નહીં. આવું સેવાદળ તૈયાર કરવા માટે તમારી બરાબરી કરી શકે એવા બીજા કોઈને હું જાણતો નથી. સુભાષ સમાંતર સરકારની વાત કરે છે. (સંભવ છે મારા ભાષણમાંથી એમણે આ વિચાર લીધો હોય.)[12]મેં આશા રાખી હતી કે અમે અમેરિકાથી આવીએ પછી તમે મને બોલાવશો. લોકોનો વિશ્વાસ ધરાવતી હોય એવી કોઈ વ્યક્તિની આપણને જરૂર છે. તમે એ ધરાવો છો. મારા અભિપ્રાયે તો સ્વાતંત્ર્યનો ખરો કાર્યક્રમ એ જ છે. પહેલાં જાહેર કરવું કે અમે સ્વતંત્ર છીએ, અમે અમારી બાબતો સંભાળીશું અને અમે અમારા દેશની સેવા કરવા પ્રયત્ન કરીશું.’ બાપુ –‘એવો સમય એ વખતે પાક્યો નહોતો; આજે પણ પાક્યો નથી. એનું વાતાવરણ જ નથી. હું વિચારી રહ્યો છું  લોકોની જરૂરિયાતોને અનુરૂપ એક તંત્ર ઊભું કરવા માટે. મારો કાબૂ ગયો છે એવું હું એક ક્ષણ પણ માનતો નથી; કદાચ કાબૂ વધુ મજબૂત છે. પણ એમની સમક્ષ ધરવા માટે અત્યારે મારી પાસે કાંઈ નથી. શિક્ષણસંસ્થાઓ ચલાવવા માટે આજે પૂરતું સાધન નથી. સામાજિક અનિષ્ટો પણ ઘણાં છે. તમને આકર્ષી શકે એવું તમને સૂચવવા માટે મારી પાસે કાંઈ નથી. પણ તમારા નામનો દુરુપયોગ કરવાનું મને ન ગમે.’ કવિવર –‘હું આશા રાખું છું આખા દેશને સ્વીકાર્ય એવો કોઈ કાર્યક્રમ તમે શોધી કાઢશો.’ બાપુ –‘એ જ્યારે શોધાશે ત્યારે ઇંગ્લૅન્ડ પણ જાણશે કે સત્તા ગઈ. કાર્યક્રમ મને જડી જાય તો પછી જે કાંઈ બને તેની પરવા કર્યા વિના સંપૂર્ણ શ્રદ્ધાથી હું આગળ ધપું. હજારોની કતલ થઈ જાય. આજે તો એ પણ નથી. પણ હું બહુ જલદી એને પહોંચી જઈશ. એને ક્રિયામાં મૂકવું એ કદાચ મારું દિવાસ્વપ્ન લાગે. પણ આવી બાબતોનો મને અનુભવ છે. અને એ તો એની મેળે ઊકલી જશે, અને સ્વતંત્રતાની પારાશીશીમાં પારો રોજ ઊંચો ચડાવશે.’ કવિવર –‘હું તો ફક્ત મને જેમ વિચારો આવે તેમ તેમને ઉચ્ચારું. તમારા ‘અસહકાર’ની સાથે જ્યારે મેં અસંમતિ દર્શાવી હતી ત્યારે મેં કહ્યું હતું કે જેની સાથે સહકાર સાધવો શક્ય હોય તે બધાનો સાધવો. દરેકને કહો કે એ પોતપોતાની વિશિષ્ટતાઓ સાંકળી લઈને દેશની સેવા કરે. આપણે ભૂલી જઈએ કે આપણે પરદેશી હકૂમત તળે છીએ. આપણો દેશ, હકથી આપણો છે એ દૃષ્ટિએ આપણે કામ કરીએ. તો પછી એક બીજ રોપાશે અને ટૂંક સમયમાં જ ખરેખર સારું કામ થશે. એમાં સ્વાર્થત્યાગ હશે –ભીખ માગવાની નહીં હોય.’ બાપુ – ‘મુશ્કેલી એ છે કે આપણે પરદેશી રાજથી ઘેરાઈ ગયેલા છીએ. જો આપણને સૌનો કામયાબ સહકાર જોઈતો હોય તો એના સકંજામાં આપણને બાંધી રાખનાર દોરડાંઓને આપણે કાપવાં જોઈશે. સીઝરને સીઝરનું આપો એમ કહેવું તો અશક્ય છે. તમે જ કહ્યું કે એક મિકાડો[13] હોય તો એને પહોંચી વળાય, પણ અહીં તો અનેક મિકાડો છે.’ કવિવર –‘હું સંમત છું કે આપણા ઉપર એ ઓથાર છે. મેં લોકોને કહ્યું કે લવાદ નીમીને નિવેડો લાવો. લોકો તૈયાર હતા પણ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે એમનાં નામ માગ્યાં. આમ, પોલીસની નજર હોય છે. મેં સૂચવ્યું એ મુજબનું એક દળ રચાય તો એક મોટી વસ્તુ બનશે. હું – પોતે એકલે હાથે એ કરી શક્યો નહીં. પણ મેં અનુભવ્યું કે જો લોકોને પૂરતું પીઠબળ હોય તો એ વસ્તુ શક્ય છે.’ બાપુ – ‘એ જ કારણે અસહકાર એક પ્રાણવાન શબ્દ બન્યો. એ વખતસર બન્યું અને આજે પણ એનો પ્રભાવ છે. લોકો ભયને ખંખેરી નાંખે છે. એ એક કમનસીબી હતી કે એ માટેનાં સાધનો શુદ્ધ નહોતાં, અમે ત્યાં પંચાયતની અદાલતો સ્થાપી હતી. અમુક વખત સુધી એણે ઠીક કામ કર્યું. પણ એના સભ્યો, એમના ઉપર મૂકેલા વિશ્વાસને લાયક નહોતા.’ સાંજ પડતી જતી હતી, અને રસમય વાતો સાંભળનારો સમૂહ પણ એ નાનકડા ઓરડામાં વધતો જતો હતો. એટલે કવિવર અકળાયા અને જવા ઊઠ્યા. ગાંધીજી કહે : ‘પણ અમદાવાદ વિના થોડા જ તમે પાછા ફરી શકવાના છો ? અને અમદાવાદ સ્ટેશને ઊતરો તો તો મને મળ્યા વિના થોડા જ ભાગી જઈ શકો એમ છો ? એટલે અમે તો તમારા પાછા આવવાની આશા રાખીશું. અને આ વેળા 24 કલાક તમે અમારી સાથે રહો અને તમારા સમાગમનો લાભ આપો એમ ઇચ્છીએ. તમને અહીં રહ્યે ઘણાં વર્ષ થઈ ગયાં.’ જતાં જતાં આશ્રમનાં બાળક-બાલિકાઓએ કવિવરને પ્રાર્થનાની ભૂમિ ઉપર એમનો સત્કાર કરવાને ઘેર્યા. સૂતરનો હાર અને અક્ષતકુંકુમ સિવાય અમારી પાસે બીજું શું હોય ? કવિવરે આના જવાબમાં પોતાનાં આશીર્વચન ઉચ્ચાર્યાં જે આશ્રમીઓ ચિરકાળ પોતાની સ્મૃતિમાં સંઘરશે : ‘બોલવાની મને ટેવ છે ખરી, પણ અનુભવે હું જાણું છું કે એ વૈખરીમાં કશું વળતું નથી, માત્ર જીભ અને શ્વાસ થાકે છે એટલું જ. એટલે વૈખરી ચલાવવાને બદલે હું તો તમને એક જ વાક્યમાં મારો સંદેશે સંભળાવીશ. એ સંદેશ આ છે : આપણા દેશને સેવવાને માટે જે ત્યાગ જોઈએ છે તે લાગણી અને વાણીના ઊભરાથી ન થઈ શકે  એમાં ભલે આપણને મજા આવતી હોય –પણ એ ત્યાગ તો સત્યપાલન અને તેને અંગે રહેલા કડક નિયમપાલનથી જ આવે. મને ખબર છે કે તમે બાળક-બાળાઓ એ તાલીમ લઈ રહ્યાં છો, અને તમારા ગુરુ જ્યાં સુધી તમારી પાસે બેઠા છે ત્યાં સુધી એ તાલીમ તમને મળ્યા જ કરવાની. એટલે તમારી પાસેથી જે મોટી આશા હું રાખી રહ્યો છું તે તમે પૂરી કરશો એવો મને વિશ્વાસ છે. એટલે ભાષણો અને સરઘસો વગેરે તોફાનમાં આપણે ન પડીએ, એથી ન રાચીએ, પણ શાંત અને મૂંગા કાર્યનું વૈતરું અને વેઠ આનંદપૂર્વક સ્વીકારીએ. અહીં આ વસ્તુ કહેવાની પણ જરૂર નથી રહેતી એ હું જાણું છું. પણ હું તો, અવાજ અને ધાંધલમાં મને જરાય વિશ્વાસ નથી એ ફરી ફરીને કહેવાને ઇચ્છું છું એટલે કહેવાઈ જાય છે. આપણે વાતો કરવાનું છોડીએ, મૂંગા કાર્યની સાથે જ ગાંઠ વાળીએ, નાનકડા કામના આરંભથી સંતોષ માનીએ અને મને વિશ્વાસ છે કે સત્ય તો પોતાની મેળે પાંખ લેશે અને દેશમાં દાવાનળની જેમ વ્યાપી ઊઠશે; ભલે પછી તે સત્યનો અંકુર છુપાયેલા અને ન જણાય એવા બીજમાંથી ફૂટ્યો હોય. આગબોટોનાં ભૂંગળાં ફૂંક્યાં કરે અને વરાળ બધી એળે જાય તો આગબોટ ચાલે ? આપણે ભૂંગળાં ફૂંક્યાં કરવાને બદલે વરાળનો સંચય કરીએ.’[14] દેશના રહનુમા બનવા તૈયાર, અંદરથી પ્રકાશની શોધમાં ગાંધીજીને આ મુલાકાતથી અત્યંત આનંદ થયો. તેમણે 2 ફેબ્રુઆરી, 1980ના રોજ ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘ગુરુદેવે બે આનંદભર્યા કલાકો મારી સાથે ગાળ્યા. એ ખૂબ જ વૃદ્ધ થઈ ગયા છે. આ વખતે અમે એકમેકની વધારે નજીક આવ્યા અને હું ખૂબ જ આભારવશ બન્યો છું.’’[15] કવિને મહાદેવભાઈએ બારડોલી સત્યાગ્રહના ઇતિહાસની કથા स्टोरी ऑफ बारडोली પુસ્તક ભેટમાં આપ્યું. તે વાંચીને કવિ ટાગોરે મહાદેવભાઈ પર અને ચળવળ પર આશીર્વાદ વરસાવ્યા. તેમણે લખ્યું; ‘‘મેં તમારી બારડોલીની કથા પૂરી કરી. આધુનિક યુગમાં વિરલ એવું ધર્મયુદ્ધ ચલાવીને આપખુદ સત્તાની પાસેથી ન્યાય મેળવવામાં લોકોએ જે વિજય મેળવ્યો છે તેનું વર્ણન વાંચી એક મહાભારતની ઝાંખી થતી જણાય છે. તમારો, યુદ્ધના સરદારનો, સૈનિકોનો અને તમારા મહા રહનુમાનો આભાર માનું છું. મારા આશીર્વાદ.’’[16] દેશ સવિનય કાનૂનભંગની તૈયારી કરી રહ્યો હતો ત્યારે ગુજરાતની મુલાકાતના થોડા જ દિવસમાં 10 ફેબ્રુઆરી, 1930ના રોજ કવિના આમંત્રણથી બંગાળના ગવર્નર સર સ્ટેનલી જેક્સન બોલપુર ગયા, ત્યાં શ્રી નિકેતનમાં સહકારી કાર્યકરોની એક ગોષ્ઠીનું તેમણે ઉદઘાટન કર્યું અને પોતાના પ્રવચનમાં તેમણે શ્રીનિકેતન માટે સરકારી તિજોરીમાંથી રૂ. 5000ના અનુદાનની જાહેરાત કરી, આ સાથે ત્રણ વર્ષ માટે દરેક વર્ષે રૂ. 1000ના વિશિષ્ટ અનુદાનની પણ જાહેરાત કરી. કવિએ શ્રી નિકેતન માટે આ સરકારી અનુદાન સ્વીકારી પ્રજાની ટીકા વહોરી લીધી.[17] ગાંધીજી એક ચપટી મીઠું ઉઠાવવા સાબરમતીથી દાંડી તરફ નીકળ્યા તે જ અરસામાં કવિ ટાગોર યુરોપ-અમેરિકાના લાંબા પ્રવાસે ગયા. માર્ચ, 1930થી જાન્યુઆરી, 1931 સુધી તેઓ વિદેશમાં રહ્યા. આ દરમિયાન તેમણે સોવિયત યુનિયનની મુલાકાત લીધી, પોતાનાં ચિત્રોનું પહેલું પ્રદર્શન પૅરિસમાં કર્યું અને 19, 21 અને 28 મેએ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં હિબર્ટ વ્યાખ્યાન આપ્યાં જે પછીથી ‘ध रिलीजीयन ऑफ मेन’ તરીકે પ્રકાશિત થયાં. આ દરમિયાન દેશમાં નમક આંદોલન ચાલ્યું, હજારોએ સ્વાર્પણ કર્યું, જેલ વ્હોરી. ગાંધીજીએ જાન્યુઆરી, 1930માં કવિને કહ્યું હતું કે પોતે કાર્યક્રમની શોધમાં છે અને ‘એ જ્યારે શોધાશે ત્યારે ઇંગ્લૅન્ડ પણ જાણશે કે સત્તા ગઈ.’ અંગ્રેજી સામ્રાજ્યનો પાયો હચમચાવીને ગાંધીજીએ જેલ વહોરી. આ દરમિયાન પહેલી ગોળમેજી પરિષદની જાહેરાત થઈ જેમાં ભાગ લેવા માટે ગાંધીજીએ પોતાની મંજૂરી ન આપી. કવિને અમેરિકાના પ્રવાસ દરમિયાન લાગ્યું કે આ તક ગાંધીજીએ જવા દેવી ન જોઈએ. તેમણે ગાંધીજીના પગલા પર નારાજગી વ્યક્ત કરતો જાહેરપત્ર 19 નવેમ્બરે 1930 લંડનના ध स्पेक्टेटरના અધિપતિને ઉદ્દેશીને લખ્યો.17 આ પત્રમાં તેમણે કહ્યું કે સમય પાકી ગયો છે કે માણસજાતનું ભાવિ કેવળ રાજદ્વારી લોકો નક્કી ન કરે. સમય એવો છે કે કેવળ રાજકીય કે રાષ્ટ્રીય હિતની ચર્ચા ન કરતાં આપણે સમસ્ત રાષ્ટ્રસમૂહના નૈતિક જીવનની ચર્ચા કરતાં થઈએ. આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં રાજકીય ક્ષેત્રે નૈતિક તાકાતની નોંધ લેવી પડે, પણ આ નૈતિક તાકાતને આપણે સત્યને ભોગે પણ નાથવા મથીએ. જેનો અવાજ ગૂંગળાવી શકાય, જેનું ગળું દબાવી શકાય, જેને કચડી શકાય એવી પ્રજાના પ્રતિનિધિઓને ગોળમેજી પરિષદમાં બોલાવવાની કલ્પના પચાસ વર્ષ પહેલાં કોઈએ ન કરી હોત. મહાત્માજીની વિશિષ્ટ ખૂબી વર્ણવતા કહ્યું; ‘‘આપણો સમય રાષ્ટ્રની બદીઓને નાબૂદ કરવાની નવી અને ઉદાત્ત પદ્ધતિની પ્રતિક્ષા કરી રહ્યો છે. વર્તમાન સમયમાં મહાત્મા ગાંધી એક એવી વ્યક્તિ છે કે જેણે દક્ષિણ આફ્રિકા અને હિંદુસ્તાનમાં તેમનાં અહિંસક પ્રતિક્ર દ્વારા આ પદ્ધતિનો બોધ કર્યો છે, તેને ઘડી છે.’’[18] કવિ કહે છે કે મહાત્મા ગાંધી આવી પરિષદોની સફળતા વિશે સાશંક હોઈ શકે પણ તેઓ સ્વીકારશે કે પોતાની પ્રજા માટે જે નૈતિક તાકાત મેળવવા તેઓ મથી રહ્યા છે, તેવી જ તાકાત, નૈતિક શક્તિનું આ ગોળમેજી પરિષદ પ્રતિનિધિત્વ કરે છે. ‘‘મારું મંતવ્ય છે કે મહાત્મા ગાંધીએ આ ગોળમેજી પરિષદનું આમંત્રણ પરિષદની તમામ શરતો તેમને સ્વીકાર્ય ન હોવા છતાં પણ, કોઈ પણ અચકાટ વગર સ્વીકારવું જોઈતું હતું. આ પરિષદની રાજકીય સફળતાની કોઈ બાંયધરી વિના હાજરી આપવાથી તેમની નૈતિક ચળવળ વધુ પ્રસ્તુત બની હોત. ઈશ્વરની કૃપા નાનકડી બારીમાંથી વરસે છે, આપણામાં આ કૃપાને પાત્ર થવાની નમ્રતા અને શ્રદ્ધા હોવાં જોઈએ. આપણે તેને વધાવી લેવી જોઈએ અને આપણા પુણ્ય દ્વારા તેનાં શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા મથવું જોઈએ.’’[19] કવિના મતે ગોળમેજી પરિષદ એવી શક્યતા હતી કે જેના દ્વારા ગાંધીજી પોતાનો સંદેશો અને નૈતિક તાકાતનો પરચો આખી દુનિયાની કચડાયેલી પ્રજાને આપી શક્યા હોત. ‘‘મને દુ:ખ છે કે હાલની ઘડીએ તો આ શક્યતા હિંદુસ્તાન અને સમસ્ત દુનિયા માટે સરકી ગઈ છે.’’[20] આમ છતાં કવિ ટાગોરને શોષણ, અત્યાચાર અને ભયના સામ્રાજ્યનો ખ્યાલ છે. જે પીડિત હોય તેનામાં રોજિંદા શોષણ અને અત્યાચારની સામે ઝઝૂમવાની ક્ષમતા અને હિંમત જોઈએ, એ નિર્ભય અવસ્થા જોઈએ. કવિના મને આ હિંમત અને અભય હિંદની પ્રજાને ગાંધીજીએ આપ્યા. ‘‘પોતાની માનવશક્તિ વિશે યુગોથી અવિશ્વાસ ધરાવતી હિંદની મૂંગી પ્રજાના હૃદયમાં અત્યાચારી અને શોષક વ્યવસ્થા સામે અવાજ ઉઠાવવાની હિંમત મહાત્મા ગાંધીજીના મહાન વ્યક્તિત્વએ પ્રેરી.’’[21] કવિ એકરાર કરે છે કે તેમને પણ સદીઓથી શિક્ષણ અને જ્ઞાનથી વંચિત રહેલી પ્રજામાં આવી ચેતનાનો સંચાર થઈ શકે તે વિશે અનેક શંકાઓ હતી. ‘‘પણ મહાત્માની અચળ આત્મશક્તિ અને માનવસ્વભાવની અટલ શ્રદ્ધાના જાદુઈ સ્પર્શથી આ ચમત્કાર થયો છે.’’[22] કવિ કહે છે કે આ ચમત્કારી અનુભવ પછી તેઓ મહાત્માના આ નિર્ણય વિશે, તેમના ડહાપણ વિશે શંકા કરતાં અચકાય છે. ‘‘મને તેઓની અટલ માન્યતામાં શ્રદ્ધા કાયમ રહો, મારી શંકાઓમાં નહીં.’’[23] દાંડી માર્ચ પછી ગાંધીજીની ધરપકડ, યરવડા જેલમાં કારાવાસ અને કવિના વિદેશ પ્રવાસ દરમિયાન બે વચ્ચે સીધો સંપર્ક તો ન રહ્યો, પણ કારાવાસ દરમિયાન રામાનંદ ચેટરજીએ તેમને વિનંતી કરી કે કવિશ્રીને તેમનાં 71મા જન્મદિને અર્પણ કરવાના અભિનંદન ગ્રંથ गोल्डन बूकમાં અપીલ લખે. આ અપીલમાં સહી કરનારાઓમાં બીજાઓ ઉપરાંત સર જગદીશચંદ્ર બોઝ, રોમાં રોલાં અને આલ્બર્ટ આઇનસ્ટાઇન પણ હતાં. કેદી એવા ગાંધીજીને આ અપીલ લખવાનો અધિકાર ન હતો. તેમણે 16 જાન્યુઆરી, 1931ના રોજ જેલ સુપરિટેન્ડેન્ટ મેજર માર્ટિનને પત્ર લખી પરવાનગી માગી. ‘‘મને રજા હોય તો સહી આપવાનું મને ગમે. મને રજા આપવાની તમને સત્તા નથી એવું તમને લાગતું હોય, તો કૃપા કરીને સરકારની ઇચ્છા જાણી લેશો ? મને સત્વરે જવાબ મળે તો સારું.’’[24] ગાંધીજીએ ટાગોરને અંજલિ આપતાં લખ્યું; ‘‘તેમના હજારો દેશબાંધવોની પેઠે હું પણ તેમનો ઘણો ૠણી છું. તેમની કાવ્યપ્રતિભા અને જીવનની અસાધારણ પવિત્રતા વડે તેમણે હિંદને દુનિયાની દૃષ્ટિમાં ઊંચો ચડાવ્યો છે. પણ હું તો તેથીય વિશેષ ૠણી છું. દક્ષિણ આફ્રિકાથી મારી પહેલાં હિંદ આવનાર મારા આશ્રમના અંતેવાસીઓને તેમણે શાંતિનિકેતનમાં આશ્રય નહોતો આપ્યો ? બીજા સંબંધો અને સંસ્મરણો તો જાહેર અંજલિમાં ન કહી શકાય એટલાં પવિત્ર છે.’’[25]

II
ઉપવાસ, 1932

ગાંધી-અરવિન કરાર અંતર્ગત ગાંધીજી ઝેરનો કટોરો પીવા વિલાયત ગયા અને બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી. આ દરમિયાન કવિ ટાગોરે તાર દ્વારા તેઓને જન્મદિનની શુભેચ્છા આપી.[26] વિલાયતમાં ગોળમેજી પરિષદની અપેક્ષિત નિષ્ફળતા છતાં ત્યાંની પ્રજાનું અને રોમાં રોલાં જેવા અનેક મનીષીનું હૃદય જીતી આવેલા ગાંધીજીની ધરપકડના ભણકારા વાગી રહ્યા હતા. ધરપકડના થોડા કલાકો પહેલાં તેમણે 3 જાન્યુઆરી, 1932ના રોજ કવિને પત્ર લખ્યો; ‘‘મારાં થાકેલાં અંગોને હું આ ઘડીએ જ પથારી ઉપર લંબાવું છું, અને એક્દ મટકું ઊંઘ લેવાનો પ્રયત્ન કરું છું ત્યાં આપનું સ્મરણ કરું છું. જે યજ્ઞનો અગ્નિ પેટવાઈ રહ્યો છે તેમાં આપ આપનું સર્વશ્રેષ્ઠ અર્પો એમ ઇચ્છું છું.’’[27] ગાંધીજીની ધરપકડ બાદ તેઓને યરવડા મોકલી આપવામાં આવ્યા. અંગ્રેજ સરકારના કોમી ચુકાદાની સામે ગાંધીજીએ અનશન કરવાનો નિર્ણય કર્યો. સપ્ટેમ્બર 20, 1932ના રોજ મંગળવારે બપોરે તપની શરૂઆત થવાની હતી. તે દિવસે પરોઢિયે ગાંધીજીએ ગુરુદેવને પત્ર લખ્યો. ‘‘મંગળવારની પરોઢના ત્રણ વાગ્યા છે. આજે બપોરે મારો અગ્નિપ્રવેશ થશે. એ કાર્યને તમે જો આશીર્વાદ આપી શકતા હો તો મારે તમારા આશીર્વાદ જોઈએ છે. તમે મારા સાચા મિત્ર છો અને જે મનમાં આવે તે મોઢેથી કહી દો છો. એક યા બીજી તરફના તમારા દૃઢ અભિપ્રાયની મેં આશા રાખી હતી. પણ તમે ટીકા કરવાની ના પાડી. હવે તો એ ટીકા મારા ઉપવાસ દરમિયાન જ આવી શકે. તમારું હૃદય મારા આ કાર્યને વખોડી કાઢતું હોય તોપણ તમારી એ ટીકા હું ભેટ સમાન ગણીશ. મને જો મારી ભૂલ ખબર પડે તો, તેનો એકરાર કરવાની ગમે તેટલી કિંમત આપવી પડે છતાં, મારી ભૂલનો ખુલ્લો એકરાર ન કરું એવો અભિમાની હું નથી. તમારું હૃદય જો મારા આ કાર્યને પસંદ કરે તો તમારા આશીર્વાદ મારે જોઈએ છીએ. એ મને ટકાવી રાખશે. હું આશા રાખું છું કે મારું કહેવું હું સ્પષ્ટ કહી શક્યો છું.’’[28] ગાંધીજીને અવઢવમાં રહેવાની આ ક્ષણે કોઈ જરૂર ન હતી. તેઓ સવારના સાડા દસ વાગે જેવા સુપરિટેન્ડેન્ટને કવિ માટેનો પત્ર આપવા ગયા ત્યારે અધિકારીએ તેમને કવિનો ‘પ્રેમાળ અને ભવ્ય’ તાર આપ્યો. ગાંધીજીને શ્રદ્ધા બેઠી કે આ આશીર્વાદ તેમને અગ્નિપરીક્ષામાં ટકાવી રાખશે. કવિએ ઉપવાસને આગલા દિવસે, 19 સપ્ટેમ્બર, 1932ના રોજ મોકલેલા તારમાં ગાંધીજીને લખ્યું; ‘‘આપણા દેશની એકતા ખાતર અને આપણા સમાજની અખંડિતતા માટે કીમતી જીવનનું બલિદાન આપવા જેવું છે. આપણા રાજકર્તાઓ ઉપર તેની શી અસર થશે તે આપણે કલ્પી ન શકીએ. આપણા લોકોને માટે આ વસ્તુ કેટલી મહત્વની છે તે એ લોકો ન સમજી શકે. છતાં એટલું તો નક્કી છે કે આવા ઐચ્છિક બલિદાનની આપણા દેશબાંધવોના હૃદય ઉપર જે ભારે અસર થશે તે નિષ્ફળ નહીં જાય. હું ઉત્કટ આશા સેવું છું કે આવી રાષ્ટ્રીય આપત્તિને તેની છેલ્લી હદ સુધી પહોંચવા દેવા જેવા કઠોર અમે નહીં થઈએ. અમારાં દુ:ખી હૃદય તમારી ભવ્ય તપશ્ચર્યાને પૂજ્યભાવ અને પ્રેમ સાથે અનુસરી રહ્યા છે.’’[29]કવિ ટાગોરે આટલી સ્પષ્ટ, અવઢવ, અસમંજસ, શંકા કે દાર્શનિક સવાલરહિત સંમતિ અને અનુમોદન આ અગાઉ ક્યારે પણ ગાંધીજીને આપ્યાં ન હતાં. આ પ્રેમાળ અને ભવ્ય આશીર્વાદ પછી ગાંધીજીને પોતે નિર્ધારેલા અગ્નિપર્વ વિશે જો કોઈ પણ અવઢવ હોત તો અવશ્ય, સર્વથા દૂર થયો હોત. ગાંધીજીએ તરત જ તારથી જવાબ આપ્યો. ‘‘મેં ઈશ્વરની કૃપા હંમેશ અનુભવી છે. આજે પરોઢિયે જ મેં, આપ મારા પગલાને જો આશીર્વાદ આપી શકતા હો તો, આશીર્વાદ આપવા પત્ર લખ્યો અને જુઓ તો ખરા કે હમણાં જ લખેલા આપના સંદેશામાં મને એ ભરપૂર મળી પણ ગયા. આપનો આભાર.’’[30] ઉપવાસ શરૂ થયા તે જ દિવસે ગુરુદેવે શાંતિનિકેતન અને શ્રીનિકેતનના રહીશો સમક્ષ ઉપવાસની મહાવાણી પર પ્રવચન આપ્યું. ‘‘સૂર્યનું પૂર્ણ ગ્રહણ થવા ટાણે ધીમે ધીમે અંધકાર છવાતો જાય છે તેમ આજે આખા દેશની ઉપર મૃત્યુની છાયા છવાઈ રહી છે. ભારતના ઇતિહાસમાં આવી સમસ્ત દેશવ્યાપી ઉત્કંઠા અગાઉ કદી ઉત્પન્ન થયેલી જાણી નથી. આ શોક આખા દેશની વ્યક્તિ વ્યક્તિએ વહેંચી લીધો છે. એ આ શોકને વિશે રહેલી મહાસાંત્વનાની વસ્તુ છે. દેશના તુચ્છમાં તુચ્છ માણસને પણ આજના દિવસની વેદના વીંધી રહી છે. જેણે લાંબા સમય સુધી દેશને દુ:ખ અને તપશ્ચર્યાને માર્ગે, પોતાનો ગણીને દોર્યો છે, તે જ મહાત્મા આજે આપણા સૌના તરફથી મહામૃત્યુવ્રત ગ્રહણ કરીને બેઠા છે.’’[31] કવિએ દેશના મર્મસ્થાન અને હૃદયની વાત છેડી. દેશ પર શસ્ત્ર, અસ્ત્ર, સરંજામથી કબજો મેળવી શકાય, વિજય અને આધિપત્ય ભોગવાય પણ આ સત્તા દેશના મર્મસ્થાનમાં પ્રવેશ મેળવી શકતી નથી. કેટલાય વિદેશીઓએ દેશની માટી ઉપર પોતાના ધ્વજસ્તંભ રોપ્યા છે પણ તે અંતે પાછા માટીમાં મળી ગયા છે. ‘‘પણ જેઓ સત્ય દ્વારા વિજય મેળવે છે તેમનું આધિપત્ય તેમના આયુષ્યને ઓળંગીને યુગ યુગ પર્યંત લંબાય છે, અને દેશના મર્મસ્થાનમાં તે બિરાજે છે.’’[32] આ દેશના મર્મસ્થાનમાં પોતાનું સ્થાન સત્વ દ્વારા બનાવનાર કેવળ એક મહાત્મા છે. અને તે મહાત્મા આજે મૃત્યુપથ પર નીકળ્યા છે. ‘‘દેશના સમગ્ર હૃદયની ઉપર જેમણે આવો અધિકાર મેળવ્યો છે તેઓ આખા દેશના તરફથી આજે આત્મસમર્પણને પંથે નીકળી ફરી એક જયયાત્રાએ નીકળ્યા છે. દેશની પ્રગતિમાં આવી પડેલા જે ભયાનક અંતરાયને દૂર કરવાને માટે તેઓ આજે પ્રાણરૂપ મહામૂલ્ય ખર્ચી નાંખવા તૈયાર થાય છે તે અંતરાય કયો એ આપણે આજે જરા શાંતપણે વિચારવું જોઈએ. ‘‘આ વિકટ ઘડીએ રખેને આપણે કંઈ ન કરવાનું કરી બેસીએ ! જે વસ્તુ માનસિક અથવા હૃદયની છે તેનું સન્માન બાહ્ય રીતે દક્ષિણા આપીને ન કરી શકાય. બાહ્યને મોટું સ્વરૂપ આપવાથી અંતરનું સત્ય માર્યું જાય છે. દેશનેતાઓએ દેશને હાકલ કરી છે કે સૌએ આજના મહાપર્વે ઉપવાસ કરવો. આ હાકલમાં કોઈ દોષ નથી. પણ મને ડર એ છે કે મહાત્માજી જે મહાસત્યને માટે પ્રાણનું મહામૂલ્ય આપવા તૈયાર થયા છે તેની સામે તુચ્છ ઉપવાસ મૂકીને કદાચ આપણે તેનું મૂલ્ય ઓછું કરીએ. જાણે એક સામાન્ય આપત્તિ આવી પડી હોય ને આપણે ઉપવાસ કરી છૂટીએ તેમ સામાન્ય પ્રાયશ્ચિત્ત કરીને કૃતકૃત્યતા માનવાનો આ અવસર નથી. મહાત્માજીનો ઉપવાસ અને આપણો ઉપવાસ એ બેની વચ્ચે રજમાત્રની પણ તુલનાનો અવકાશ નથી. મહાત્માજીનો ઉપવાસ એક ખાલી અનુષ્ઠાન નથી, એ એક મહાવાણી છે, એ એક મહા સંદેશ છે. મૃત્યુ એ વાણીને ભારતવર્ષની આગળ, સમસ્ત વિશ્વની આગળ સદાકાળને માટે શાશ્વત સંદેશ કરી મૂકશે.’’[33] કવિનો સવાલ છે કે દેશે આ મહાવાણીને સમજવા માટે કયા પ્રકારની તપશ્ચર્યા કરવી રહી ? શું કરવાથી આ મહાવાણીનો સાદ દેશ સાંભળી શકશે ? તેમના મતે જગતનો ઇતિહાસ ગુલામીનો છે. એક સમૂહ બીજા સમૂહને નીચે પાડી તેની ઉપર સવારી કરવા ઇચ્છે છે. આ જંગલી કાયદા, અમાનુષી પ્રથા અને પારકાની ગુલામી ઉપર આપણે ઐશ્વર્યની ઇમારત રચવા મથીએ છીએ. આમાં માત્ર ગુલામની દુર્ગતિ થાય છે તેમ નહીં પણ ગુલામ બનાવનારનો પણ વિનાશ થાય છે. જેને આપણે દીનહીન અને અસ્પૃશ્ય બનાવીએ છીએ તેઓ આપણને ત્યાજ્ય બનાવે છે. એ સડો જે સભ્યતાને લાગ્યો છે તેનો વિનાશ નિશ્ચિત છે. કવિ કહે છે કે હિંદે સમાજના મોટા ભાગને હીન બનાવ્યો છે, તેને ચૂસી નાખ્યો છે પણ તેમની હીનતાનો ભાર હિંદની પ્રજાનું ખવાણ કરી રહ્યો છે. કવિ આને સામાજિક કારાગાર કહે છે. ‘‘ભારતવર્ષમાં એ સામાજિક ક્રાગારને આપણે વધાર્યે જ ગયા છીએ. આ કેદીઓના દેશમાં – અનેક બંદીખાનાઓના દેશમાં – આપણને મુક્તિ શી રીતે મળે ? જેઓ મુક્તિ આપે તેઓ જ મુકાત થઈ શકે; જેને કેદી બનાવી રાખ્યા છે; તેમને મુક્ત કર્યે જ મુક્તિ મળે એમ છે.’’[34] અને એકાએક, આ કારાગારમાંથી, અનેક બંદીખાનાઓમાંથી છુટકારો પામવા હિંદે બાથ ભીડી; નક્કી કર્યું કે હવે ગુલામ નથી રહેવું, આપણે મુક્તિતંત્ર વિક્સાવવું છે. પણ કવિ કહે છે કે હિંદની મુક્તિસાધનાના માર્ગમાં આપણે ઊભા કરેલા સામાજિક કારાગારોની બાધા આવી પડી. કવિને લાગ્યું કે મહાત્માએ વર્ષોથી આ અસમાનતા, અપમાન તરફ દેશપ્રજાનું લક્ષ્ય ખેંચ્યું પણ રેંટિયા અને ખાદી તરફ દેશની દૃષ્ટિ ગઈ તેવી રીતે સામાજિક પાપ રોકવા તરફ પ્રજાનું લક્ષ્ય ગયું નહીં, આથી આ દુ:ખનો દિવસ આવ્યો છે. ‘‘એ જડમૂળ ઘાલી બેઠેલા મહાપાતકની સામે મહાત્માજીએ આજે અંતિમયુદ્ધની ઘોષણા કરી છે. આપણે દુર્ભાગ્યે કદાચ આ ક્ષેત્રમાં તેમના દેહનું અવસાન થાય પણ ખરું, પણ એ ધર્મયુદ્ધનો ભાર એમણે આપણા દરેકની ઉપર નાંખ્યો છે, એ ભારનું તેઓ દાન કરી જશે. એ વારસો આપણે અંત:કરણપૂર્વક તેમની પાસેથી લઈ શકીએ તો તે આજનો દિન સાર્થક થયો કહેવાશે. આવી મહાઘોષણા છતાં પણ જેઓ એક દિવસ ઉપવાસ કરીને બીજે દિવસે ઉદાસીન બેસી જશે તેઓને દહાડો વળવાનો નથી. ઉપવાસ માત્ર કરીને સંતોષ માનીશું તો મહાતપશ્ચર્યાનું અપમાન કરવાના છીએ.’’[35] દેશવાસીઓને ઉદ્દેશ્યા પછી કવિ રાજકર્તાઓને સંબોધે છે. ગાંધીજીના આ અંતિમમાર્ગનો અર્થ તેઓ સમજી શકશે ? કવિને ખાતરી છે કે તેઓ આ મહાવાણીના મર્મને પામી નહીં શકે, કારણ આ પશ્ચિમની ભાષા નથી. પશ્ચિમની ભાષા સામાજિક શરીરને છિન્નભિન્ન કરવાની છે, રક્તપાત અને અમાનુષી નિષ્ઠુરતાની છે. પશ્ચિમને કાપાકાપીનો જ અભ્યાસ છે. ‘‘એટલે આયર્લૅંડની લોહીનીગળતી મૂર્તિ ઘણાખરાને વિચિત્ર લાગી નહોતી, પણ મહાત્માજીનાં અહિંસક આત્મત્યાગી પ્રયાસની શાંતિમૂર્તિ તેમને વિચિત્ર લાગે છે !... અહીં જ્યારે હિંદુ સમાજ ઉપર મહાસંકટ આવ્યું છે ત્યારે મહાત્માજીએ પ્રાણઘાતક યુદ્ધની પ્રચલિત રીતિને બદલે આત્મબલિદાનની અસાધારણ રીતિ ધારણ કરી છે... રાજકાજમાં મહાત્માજીએ આટલા દિવસ જે અહિંસક નીતિનો પ્રચાર કર્યો છે તે નીતિનું અંતિમ પ્રતિપાદન મહાત્માજી પોતાના પ્રાણ આપીને કરવા તૈયાર છે એ સમજવું મુશ્કેલ નથી.’’[36] કવિની વાણી મુક્તધારા બની વહેતી રહી. કોઈ બાંધ ન રહ્યાં, કોઈ અવઢવ નહીં. બીજા દિવસે ફરી શાંતિનિકેતનના રહેવાસીઓ પાસે મહાત્માના જીવનનું મર્મ સમજાવ્યું. યુગાવતાર મહાત્મા હોવાપણાનો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું; ‘‘યુગે યુગે ઈશ્વર કૃપાથી સંસારમાં મહાપુરુષ અવતાર લે છે. હંમેશાં તેમના દર્શન થતાં નથી, જ્યારે થાય ત્યારે આપણું નસીબ.’’[37] જ્યારે દેશમાં દુ:ખ, રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિનો પાર નથી તેવા સમયે દુ:ખમાં આનંદવર્ષા થઈ છે. ‘‘જે માટી ઉપર આપણે પેદા થયા છીએ, જીવીએ છીએ, તે જ માટીમાંથી એક મહાપુરુષ પાક્યો છે, જેની તુલના થઈ શકે તેમ નથી.’’[38] પણ મહાપુરુષના અવતરણ કરતાં પણ મહાન વાત કવિ માટે તે વ્યક્તિનો સ્વીકાર છે. કારણ, માણસજાત મહાપુરુષને ઓળખવા સક્ષમ નથી હોતી. માણસના મન એટલાં તો ભીરુ, મલિન, શિથિલ અને સ્વભાવે દુર્બળ હોય છે કે એમનામાં મહાપુરુષને ઓળખવાની શક્તિ જ નથી હોતી. ‘‘અનેક વાર એવું બને છે કે સૌથી મહાન હોય છે તેને જ આપણે દોઢ ગાઉં દૂર રાખીએ છીએ. જે જ્ઞાની, ગુણી, કઠોર તપસ્વી છે તેને ઓળખવા એ સહેલી વાત નથી. કારણ કે આપણાં જ્ઞાન, બુદ્ધિ અને સંસ્કાર તેમની જ્ઞાન, બુદ્ધિ અને સંસ્કાર સાથે બંધબેસતાં નથી.’’[39] પણ એક વસ્તુ સમજવી મુશ્કેલ નથી –પ્રેમ. જે મહાપુરુષ પ્રેમ દ્વારા પોતાનો પરિચય આપે છે તેને પ્રેમમાં, પ્રેમ દ્વારા આપણે ઓળખી શકીએ છીએ. કવિના મતે મહાત્મા ગાંધીનો હિંદના હૃદયમાં પ્રવેશ એ આશ્ચર્યઘટના છે; એવી ઘટના જે હંમેશાં બનતી નથી. ‘‘આપણી મધ્યે જેમણે અવતાર લીધો છે તેઓ અત્યંત મહાન છે, છતાં તેમનો આપણે સ્વીકાર કર્યો છે, તેમને આપણે ઓળખ્યા છે. સૌ જાણે છે કે એ આપણા છે. તેમના પ્રેમમાં ઊંચનીચનો ભેદ નથી, મૂર્ખ–વિદ્વાનનો ભેદ નથી, રંકરાયનો ભેદ નથી. તે તો કહે છે, સૌનું કલ્યાણ થાઓ, સૌનું મંગળ થાઓ.’’[40] પણ કેવળ મંગળવાણીથી મહાત્માએ પ્રજાને પોતાની અને પોતાને દેશના નથી કર્યા. મહાત્માની વાણીમાં વેદના છે. ‘‘જે કહે છે તે માત્ર મુખે નથી કહેતા, હૃદયની વેદના દ્વારા કહે છે. કેટલી પીડા, કેટલાં અપમાન, કેટલાં સંકટ તેમણે સહન કર્યાં છે !’’[41] શત્રુઓ પણ તેમનાં ધૈર્ય, સહનશક્તિથી આશ્ચર્યચક્તિ થયા છે. અને કવિ માટે દેશનું સૌભાગ્ય એ છે કે આખું હિંદ તેમને ઓળખે છે; તેમને પૂજે છે, ભક્તિથી તેમને ‘મહાત્મા’નું નામ આપ્યું છે. ‘‘ ‘મહાત્મા’ તો અનેક કહેવાય છે. પણ તેનો કાંઈ અર્થ નથી. પણ આ પુરુષને વિશે ‘મહાત્મા’ શબ્દ સાર્થ છે. જેનો આત્મા મહાન છે તે જ મહાત્મા છે. જેનું મન સંકુચિત છે, વિષયમાં પરોવાયેલું છે, ધન ઘરબારમાં જેનું મન લાગેલું છે તે દીનાત્મા છે, મહાત્મા તે જ કે જેણે સૌનાં સુખદુ:ખ પોતાનાં કરીને માન્યાં છે, સૌના કલ્યાણમાં જ જેણે પોતાનું કલ્યાણ માન્યું છે... આપણા શાસ્ત્રમાં ઈશ્વરને મહાત્મા કહે છે.’’[42] આપણી પ્રજાએ મહાત્માને ઓળખી કાઢ્યા, પણ કવિને ખેદ છે કે તેમના સત્યને પ્રજા નિરખી ન શકી, તેને ગ્રહણ ન કરી શકી. એટલે જ આપણે તેમને માર્યા. કવિ ઈસુને યાદ કરે છે. કર્મક યહુદીઓએ ઈસુને શત્રુ ગણી મારી નાંખ્યા. પણ મૃત્યુ શું કેવળ દેહનું જ છે ? ‘‘જે પ્રાણ ખર્ચીને કલ્યાણનો માર્ગ ખોલવા માટે અવતર્યા છે તેના માર્ગમાં બાધા નાખવી એટલે તેને મારી નાંખવા નહીં તો બીજું શું ? સૌથી કઠોરમાં કઠોર હત્યા એ જ કહેવાય. મહાત્માજી કેટલી અસહ્ય વેદના ભોગવીને આજે મૃત્યુવ્રત લઈ બેઠા છે ! એ વ્રતનો આપણે સ્વીકાર ન કરીએ તો એમને માર્યા નહીં કહેવાય ? આપણાં નાનાં મનમાં સંકોચ, ભીરુતા આજે લાજતાં નથી ?’’[43] મહાત્મા જ્યારે મૃત્યુને તૃણવત કરીને, કારાવાસની દીવાલોને નગણ્ય કરીને મહાવ્રત કરી રહ્યા હોય તે સમયે પ્રજાએ પોતાની ભીરુતા છોડવી રહી. જો આપણી પ્રજા ડરી તો કવિ કહે છે કે તેને માટે શરમાઈને ભૂમિમાં પેસવાનો મારગ પણ નથી રહેવાનો. તેમણે લીધેલું મૃત્યુવ્રત તો ઊંચનીચને એક કરવા કાજે હતું; તે ઘડીએ પ્રજાએ ‘‘ઘાંટો પાડીને એમને વીનવીએ કે તમે અમારામાંથી જશો માં, અમે તમારા વ્રતનો ભાર લઈએ છીએ. જો એટલું ન કરી શકીએ, જો આવા મોટા જીવનને વ્યર્થ થવા દઈએ તો તેનાં કરતાં ભયંકર સત્યાનાશ બીજું કયું હોઈ શકે ?’’[44] કવિ દેશને યાદ કરાવે છે પ્રજાની ભીરુતા. ડરના માર્યા આપણે શત્રુ બહાર શોધીએ છીએ પણ મોટો શત્રુ તો આપણા હાડમાં પડેલો છે. મહાત્માના જીવનનું કાર્ય જ અભયદાન છે. શું દેશપ્રજા એને પાછું ઠેલશે ? ‘‘એ લંગોટધારી મહાત્મા આપણે ઘરેઘર ફરીને, બારણાં ઠોકીને સાવધાન કરવા આવ્યા છે કે આપણી વિપત્તિ ક્યાં રહેલી છે. મનુષ્ય જ્યારે મનુષ્યનું અપમાન કરે છે ત્યારે ભગવાન તેનાથી રૂઠીને બેસે છે.’’[45] સેંકડો વર્ષથી આ અપમાનનું વિષ, અસ્પૃશ્યતાનું વિષ ભારતની નસેનસમાં વહે છે, એ પાપને લીધે પ્રજા દુર્બળ થઈ બાહ્ય શત્રુ સામે ટક્કર ઝીલવા કાબેલ નથી રહી. મહાત્માની વાણી આ પાપને દૂર કરવાનો સાદ દઈ રહી છે ત્યારે કવિ પ્રજાને કહે છે; ‘‘આજે એ તપસ્વીએ અનશન લીધું છે. દિન-પ્રતિદિન અન્ન વિના એમનો દેહ ગળતો જશે. તમે એને અન્ન નહીં ખવડાવો કે ? એમનો સંદેશ ઝીલવો એ જ એમનું અન્ન છે, એ અન્ન આપીને એમને આપણે જિવાડવા છે.’’[46] કવિ કહે છે કે દેશને કાજે જે એક વ્યક્તિ પ્રાયશ્ચિત્ત લઈને બેઠી છે તેમાં બધાંએ સાથે ભળવું કર્તવ્ય છે. મહાત્માજી જે સન્માન દલિત, પીડિતને આપવા માંગે છે તે સૌ દેશવાસીઓએ આપવું રહ્યું. કવિ કહે છે, ‘‘એમનો છેવટનો સંદેશ હું તમને સુણાવવા આવ્યો છું.’’[47] જો તેમણે દેશની ખાતર પ્રાણ આપવા પડશે તો હિંદીઓના પરિતાપની કોઈ સીમા નહીં રહે. આ સંદેશ ઝીલવાની એકમાત્ર ચાવી અભય છે –લોકભય, રાજભય, સમાજભય – તમામને ત્યજવા રહ્યાં. આ સત્યની વાણી અમોઘ છે, તેનાથી હિંદ ધન્ય થશે. કવિ જાણે મહાત્માને છેલ્લી અંજલિ આપતા હોય તેમ આદ્ર સ્વરે કહે છે; ‘‘જય થાઓ એ તપસ્વીનો જે આ ઘડીએ બેઠો છે, –મૃત્યુને સમીપે રાખીને, ભગવાનને અંતરમાં સ્થાપીને, સમસ્ત હૃદયના પ્રેમનો ઉજ્જ્વળ દીવો પ્રગટાવીને તમે એનો જયધ્વનિ પોકારો. તમારો કંઠસ્વર પહોંચાડો. એના આસનની પાસે. કહો એમને કે એમને પકડી રાખ્યા છે, તમારા સત્યનો સ્વીકાર કર્યો છે.’’[48] ગાંધીજીની ભાષા સામે કવિને પોતાની વાણી જોર વિનાની જણાય છે; કારણ કે ગાંધીજીની ભાષા મનુષ્યની અંતિમ ભાષા છે, તે કાને સાંભળવાની નથી, તે પ્રાણે સાંભળવાની છે. ઈસુના ગીરી પ્રવચનની યાદ આપે તે ભાષામાં તેમણે દેશને કહ્યું; ‘‘આપણું પરમ સૌભાગ્ય સમજવું જેને પારકા માન્યાં છે તેને પાછાં પોતાનાં કરી શકીએ તો. સૌનું મોટું દુર્ભાગ્ય જો આપણાં છે તે પારકા થઈ બેસે. જાણીબૂજીને જેને આપણે ગુમાવી બેઠા છીએ, જાણીબૂજીને તેને આજે પાછા સોડમાં બોલાવો; પાપનું પ્રક્ષાલન થાઓ. અમંગલ દૂર થાઓ. મનુષ્યને મનુષ્યનું ગૌરવ આપી આપણે પોતે મનુષ્યત્વનો અધિકાર મેળવીએ.’’[49] કવિને આ બે મહાન અંજલિથી સંતોષ ન થયો. તેમણે 22 સપ્ટેમ્બરે દેશવાસીઓને અપીલ કરી કે પોતાના જીવન અને આસપાસથી અસ્પૃશ્યતા દરેક સ્વરૂપમાં નાબૂદ કરવા સૌ કટીબદ્ધ થાય. ‘‘આપણામાંથી જે કોઈ આ મહાન કટોકટીની ક્ષણે હિંદ પર આવેલી આફતને દૂર કરવામાં નિષ્ફળ નીવડશે તે આપણી અને દુનિયાની સૌથી શોકમય, કરુણ ઘટના માટે જવાબદાર ગણાશે.’’[50] શાંતિનિકેતનમાં આનો અમલ થયો. ઉપવાસ દરમિયાન પરંપરાગત રીતે નિમ્ન અને અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિની વ્યક્તિઓનું સંસ્કૃતના પ્રકાંડ પંડિત વિદુશેખર શાસ્ત્રીએ હાર આપી સન્માન કર્યું અને હાર સ્વીકાર્યો; અને સહભોજનનું પણ આયોજન થયું.[51] કવિનું હૃદય ગાંધીજી પાસે હતું. શાંતિનિકેતનમાં બેચેન ગુરુદેવે મહાદેવ દેસાઈને સંદેશો મોકલાવ્યો કે જો ગાંધીજીની પરવાનગી હોય તો તેઓ યરવડા પહોંચવા ઉત્સુક છે. ગુરુદેવના સચિવ અમિયા ચક્રવર્તીનો તાર પહોંચ્યો નહીં હોય ત્યાં જ ગુરુદેવે જાતે મહાદેવભાઈને તાર કર્યો; ‘‘એક મહાન જીવનનો ભોગ આપી સત્યનો અંતે વિજય થશે, એ શ્રદ્ધા રાખવા હું મથી રહ્યો છું. પણ આપણા દેશને એની શું કિંમત ચૂકવવી પડશે એ વિચાર માત્રથી મારું હૃદય ચિરાઈ જાય છે. મારી તમામ શક્તિઓ વડે હું જાતને સમજાવવા મથું છું કે હિંદ આ સ્વાર્પણને, કટોકટીની આ ક્ષણે જીરવી શકશે.’’[52] ગાંધીજીએ જાતે પ્રત્યુત્તર આપ્યો; કહ્યું કે તમારા સંદેશાથી નવું જોમ મળ્યું છે, પ્રાણનો સંચાર થયો છે અને તબિયત મુસાફરી જીરવી શકે તેમ હોય તો અવશ્ય આવો. પૂનાથી સતીષચંદ્ર દાસગુપ્તાનો પણ કવિને તાર ગયો કે પ્રકાશ અને તિમિર વચ્ચેની આ લડાઈમાં એમની હાજરી હશે તો તમામને પ્રેરણા મળશે અને ઘાવ પર મલમ પણ લાગશે. કવિ 24 સપ્ટેમ્બરના રોજ ‘બૉમ્બે મેલ’થી સુરેન્દ્રનાથ કર અને અમિયા ચક્રવર્તી સાથે પૂના જવા નીકળ્યા. તે દિવસે તેમણે અંગ્રેજ પ્રધાનમંત્રી રામસે મેકડોનાલ્ડને અંગત પત્ર લખ્યો. આ પત્ર કવિના પૌત્ર નીતિન્દ્રનાથ ગાંગુલીના અવસાન અંગે દિલસોજી આપતા પ્રધાનમંત્રીના પત્રનો જવાબ હતો. આ પત્રને અંતે ‘તાજા કલમ’ ઉમેરી કવિએ લખ્યું; ‘‘આ તકનો લાભ લઈ મારે આપને કહેવું જોઈએ કે સામાન્ય રીતે હું રાજકીય બાબતોથી અળગો રહું છું છતાં આપણા બે દેશ વચ્ચેની વાટાઘાટોએ અંતે જે વળાંક લીધો છે તેથી મને અત્યંત ઉદાસી થઈ છે. હું સમગ્ર માનવતાનાં હિત ખાતર આપને અરજ કરું છું કે અમારો દેશ આપના દેશથી હજુ વધારે દૂર જાય અને આપણા સંબંધની સ્મૃતિ કાયમને માટે કડવી થાય તેવું આપ કશું ન કરશો.’’[53] મુસાફરી દરમિયાન દરેક નાનાં-મોટાં સ્ટેશન ઉપર કવિના સાથીઓ અખબાર ખરીદતા, મહાત્માના કથળી રહેલાં સ્વાસ્થ્યના સમાચારથી ભય, આશંકા અને અંદેશા સાથે તેમણે મુસાફરી પૂરી કરી. આશા અને આશંકા વચ્ચે ઝોલાં ખાતા કવિ 26 સપ્ટેમ્બરની સવારે કલ્યાણ પહોંચ્યા અને મોટરમાર્ગે પૂના લેડી ઠાકરસીના ‘’પર્ણકુટિ’’ બંગલે પહોંચ્યા. ‘‘ઘરે પહોંચતાં જ આશંકાનું વાતાવરણ જણાયું, દરેક ચહેરા ઉપર પ્રશ્નાર્થ હતો. પૃચ્છા કરતાં જણાયું કે મહાત્માજીની હાલત અત્યંત નાજુક હતી. લંડનથી કોઈ જવાબ મળ્યો ન હતો. મેં પ્રધાનમંત્રીને તાકીદે તાર કર્યો.’’[54] તે દિવસે ગાંધીજીનો મૌનવાર હતો. તેમણે મૌન કવિની હાજરીમાં એક વાગે તોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કવિ આથી તુરત યરવડા જેલ જવા રવાના થયા. જેલના મંત્રીઓએ કવિ જેમાં મુસાફરી કરી રહ્યા હતા તે વાહન રોક્યું, કારણ તેમની પાસે જેલમાં પ્રવેશ કરવાનો પરવાનો ન હતો. પરવાનો મેળવવાની મથામણ ચાલતી હતી ત્યાં દેવદાસ ગાંધી કવિ અને સાથીઓ માટે પરવાનો લઈને હાજર થયા. કવિએ બાદમાં કહ્યું કે ગાંધીજીને લાગ્યું હતું કે જે વાહન દ્વારા કવિ મુસાફરી કરી રહ્યા હતા તેને જેલના દરવાજે રોકવામાં આવશે આથી તેમણે દેવદાસ ગાંધીને પરવાના સાથે મોકલ્યા હતા. કવિ જેલનો દરવાજો પસાર કરી તુરંગમાં દાખલ થયા. તેમના માટે આ પહેલી ‘જેલયાત્રા’ હતી. જેલના ચોગાનમાં આંબાના વૃક્ષ નીચે પથારીમાં ગાંધીજી સૂતા હતા. ગુરુદેવ અને ગાંધીજી એકબીજાને ભેટ્યા, ઘણો વખત ભેટી રહ્યા. સરકારે પૂના કરાર માન્ય રાખ્યા છે તેવી અન-અધિકૃત માહિતી ચારે તરફ ફેલાઈ ગઈ હતી. સ્થાનિક સરકાર કે જેલ અધિકારીઓ પાસે કોઈ સમાચાર ન હતા. બધા ઊંચા શ્વાસે સરકાર તરફી સમાચારની પ્રતીક્ષા કરતા બેઠા. કવિએ જોયું કે ચોગાન મિત્રો અને પરિચિત ચહેરાઓથી ભરાઈ રહ્યું હતું. પ્રતીક્ષા કરતી વ્યક્તિઓમાં કસ્તૂરબા, મહાદેવભાઈ, સરદાર, રાજાજી, રાજેન્દ્રપ્રસાદ, સરોજિની નાયડુ અને કમલા નહેરુ પણ હતાં. પથારીમાં પડેલા કૃષ શરીરને જોતાં કવિને તેમાં આત્માની અદમ્ય શક્તિનાં દર્શન થયાં. ‘‘મહાત્માજીનું પાતળું શરીર કૃષ જણાતું હતું, તેમનો અવાજ સાંભળી ન શકાય તેટલો ક્ષીણ હતો... આમ છતાં તેમની આંતરિક તાકાતમાં કોઈ કમી ન હતી, તેમની બૌદ્ધિક શક્તિ ચપળ હતી, તેમની તેજસ્વી ક્રાંતિ પહેલા જેવી ઉજ્જ્વળ હતી... આપણે જાણીએ છીએ તેમ ઉપવાસ દરમિયાન પણ ભિન્ન પક્ષો સાથેની વાટાઘાટોમાંથી તેઓ અળગા નહોતા રહ્યા. આમ છતાં માનસિક થાકનું એક પણ ચિહન ન હતું; એમના વિચારોની સ્પષ્ટ અભિવ્યક્તિ પર કોઈ ઓછાયો ન હતો. શરીરની અત્યંત વિકટ પીડાને અતિક્રમીને તેમની આત્માની અદમ્ય શક્તિ પ્રકાશી રહી હતી અને અમે સૌ તેનાથી મુગ્ધ હતા. આ કૃષકાય વ્યક્તિમાં કેટલી તાકાત છે તેનો અંદાજો જો હું તેમની પાસે ન હોત તો મને ક્યારેય ન આવ્યો હોત.’’[55] કવિ દોઢ કે બે વાગ્યે આવ્યા હતા. ચાર વાગ્યા સુધી સરકાર તરફથી કોઈ જવાબ ન આવ્યો. ઘડીઓ અને મિનિટો કલાક જેવડી લાગતી હતી. કવિ આસપાસ ભેગા થયેલાં સફેદ ખાદીધારી મંડળ તરફ નજર ફેરવે છે. તેમની શિસ્ત, આત્મસંયમથી કવિ પ્રભાવિત થયા. જેલના સત્તાવાળાઓએ આપેલી છૂટનો કોઈ દૂરઉપયોગ કરતા જણાયા નહીં. આ એ જ લોકો હતા જેમના શિરે હિંદના સ્વરાજની જવાબદારી હતી. ‘‘આત્મસન્માન અને આત્મસંયમ તો એમનો જ. તરત જ જણાઈ આવે કે સત્યનિષ્ઠા દ્વારા હિંદને સ્વરાજ અપાવવાની જવાબદારી તેમના ઉપર છે, તેનાં તેઓ સાચા હકદાર છે.’’[56] સવા ચાર વાગે સરકારનું નિવેદન આવ્યું. નિવેદન ગાંધીજીએ વાંચ્યું. વાંચ્યા પછી હૃદયનાથ કુંઝરું, રાજાજી, સરદાર, મહાદેવભાઈ અને કવિએ આ નિવેદન વાંચ્યું. પંડિત કુંઝરુંએ આની કલમોની સ્પષ્ટ છણાવટ કરી. કોઈ શંકાનું કારણ ન હતું. ગાંધીજીએ જેલ-અધિકારીઓની પાસે અસ્પૃશ્યતાનું કામ કરવા તેઓને જે છૂટ મળી હતી, તે ચાલુ રાખવા જણાવ્યું. અધિકારીઓએ સરકાર પાસેથી રજા મેળવી આપવાની આશા વ્યક્ત કરી. આ સાથે ગાંધીજીના તપની પૂર્ણાહુતિ થઈ. કમલા નહેરુએ લીંબુનો રસ બનાવ્યો અને ગાંધીજીને પારણાં કરાવવા માટે કસ્તૂરબાને આપ્યો. ‘‘બાપુએ કહ્યું; ‘મારે પરચૂરે શાસ્ત્રીની જરૂર છે.’ શાસ્ત્રીને બોલાવવામાં આવ્યા. બાપુની જમણી બાજુએ ખુરશી પર કવિ બેઠા, ડાબી બાજુએ પરચૂરે શાસ્ત્રી કામળી નાખી બેઠા. સામે આખું આશ્રમ મંડળ બેઠું. પાછળ જેલર, મેજર ભંડારી અને મહેતા બેઠા.’’[57] ગાંધીજીએ કવિને ગીતાંજલિમાંથી ‘‘જીવન જખન સુકાયે જાય’’ ગાવા વિનંતી કરી. કવિને ન તો કાવ્ય કે ન રાગ કંઠસ્થ હતાં. સદભાગ્યે કાવ્ય મહાદેવભાઈ પાસે લખેલું હતું. કવિએ નવા ઢાળમાં તે ગાયું. આજ પછી ગાંધીજીના તમામ ઉપવાસના અંતે આ ગીત ગાવાની પરંપરા શરૂ થઈ. પરચૂરે શાસ્ત્રીએ ઉપનિષદના મંત્રોનો પાઠ કર્યો; ‘વૈષ્ણવજન’ ગવાયું, સૌને ફળ વહેંચાયાં, જેલ મંડળે પણ તે લીધાં. સર્વત્ર આનંદ છવાયો. 26 સપ્ટેમ્બર, 1932ના છાપાજોગ નિવેદનમાં ગાંધીજીએ કહ્યું; ‘‘ઈશ્વરને નામે શરૂ કરેલ ઉપવાસનાં પારણાં એને જ નામે, અને ગુરુદેવ તથા તેમની સામે બેઠેલા રક્તપિત્તના દર્દી અને વિદ્વાન પંડિત શ્રી પરચૂરે શાસ્ત્રી, તેમજ મારી આસપાસ વીંટળાઈ વળેલાં અનેક પ્રિયજનોની હાજરીમાં મેં કર્યાં છે. પારણાં કરતાં પહેલાં કવિએ પોતાનું એક બંગાળી ભજન ગાયું, પછી પરચૂરે શાસ્ત્રી ઉપનિષદના મંત્રો બોલ્યા અને પછી મારું પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ ગવાયું.’’[58] ગાંધીજીએ આ નિવેદનમાં ચેતવણી પણ આપી કે અત્યારે છોડેલા ઉપવાસની શરતો મર્યાદિત સમયમાં પાર ન આવે તો તેઓ ફરી ઉપવાસ કરશે. ‘‘આ વસ્તુ જરાયે મચક આપ્યા વિના હાથ ન ધરવામાં આવે અને મર્યાદિત સમયમાં પાર પાડવામાં ન આવે તો, અત્યારે છોડેલા ઉપવાસ ફરી કરવાની મારી પ્રતિજ્ઞા તેમાં રહેલી છે. એ ચેતવણી સાથી સુધારકોને અને સામાન્યત: સઘળા સવર્ણ હિંદુઓને હું ન આપું તો વિશ્વાસભંગ કર્યાનો દોષિત હું ઠરું.’’[59] બીજે દિવસે રેંટિયા બારસ હતી. પૂનાના શિવજી મંદિરના પ્રાંગણમાં વિશાળ જનસભાનું આયોજન કરાયું. કવિ ટાગોરને તેની અધ્યક્ષતા સ્વીકારવાનું કહેવાયું; પરંતુ તેમણે પંડિત માલવિયાજીનું નામ સૂચવ્યું. કવિએ હાજરી આપી, થોડા શબ્દો બોલ્યા, બાકીનું પ્રવચન પંડિત માલવિયાજીના પુત્ર શ્રીમન ગોવિંદ નારાયણે વાંચી સંભળાવ્યું. કવિએ કહ્યું; ‘‘આપણું સદભાગ્ય કે આવી વ્યક્તિ આપણી વચમાં છે, એથી પણ અનેરી વાત તો એ છે કે આપણે તેઓને ત્યજ્ય ન ગણ્યાં; કારણ કે આવું તો આપણે અનેક વાર મુક્તિ અને સત્યના મસિહા સાથે કરતા આવ્યા છીએ.’’[60] તેમણે સભાને મહાત્મા શબ્દનો અર્થ સમજાવતા કહ્યું; ‘‘આપણે જાણીએ છીએ કે ઉપનિષદમાં સર્વ માનવના હૃદયમાં વસતા ઈશ્વરને મહાત્મા કહેવામાં આવે છે. આપણે જે વ્યક્તિનું અર્ચન કરવા એકઠા થયા છીએ તે ઈશ્વરના બંદાને મહાત્માનું પદ આપણે આપ્યું છે તે સર્વથા યોગ્ય છે, કારણ કે તેમનો નિવાસ વ્યક્તિગત ચેતનાના બંધિયારવાડામાં નહીં પણ હિંદમાં આજે જન્મેલા અને હવે પછી આવનારી પેઢીઓના હૃદયમાં છે.’’[61] 28 સપ્ટેમ્બરના રોજ પણ કવિ અને ગાંધીજીની યરવડા જેલમાં મુલાકાત થઈ. મહાદેવભાઈએ નોંધ્યું; ‘‘કવિએ ખૂબ વાતો કરી –પોતાની યોજના વિશે.’’[62] આ મુલાકાત પછી કવિ શાંતિનિકેતન જવા રવાના થયા. 30મીએ ગાંધીજીએ ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘ગુરુદેવની મુલાકાત આશીર્વાદરૂપ નીવડી. અમે પહેલાં કરતાં એકબીજાની વધારે નજીક આવ્યા છીએ. ઉપવાસના આરંભ વખતે જ તેમને લખેલો મારો કાગળ અને ઉપવાસને આશીર્વાદ આપતો તેમનો તાર સામસામા ભટકાયા, અને ત્યાર પછી શાસ્ત્રીનો બહુ પ્રેમભર્યો તાર આવ્યો.’’[63] ગુરુદેવની હાજરી અને તેમનો ટેકો ગાંધીજી માટે મહત્વનો હતો. તેમણે મીરાબહેનને લખ્યું; ‘‘ગુરુદેવનું આગમન ભારે આશ્વાસનરૂપ થઈ પડ્યું હતું અને હજી પણ છે. તે સંપૂર્ણપણે મારા ટેકામાં રહ્યા છે.’’[64] ઍન્ડ્રૂઝના પત્રોમાં ગાંધીજીએ વારંવાર ગુરુદેવની હાજરી અને ટેકાની વાત કરી. ‘‘આ બાબતમાં ગુરુદેવ ખૂબ જ ભળેલા છે એ જાણીને પણ તમે ટકી શક્યા હશો. ઉપવાસના પહેલા જ દિવસે તેમણે આપેલા ભાષણમાંથી એકનો તરજુમો કરી મહાદેવે મને વાંચી સંભળાવ્યો. ભારે ઉત્તેજક ચીજ હતી.’’[65] કવિએ શાંતિનિકેતન પહોંચતાંની સાથે 30 સપ્ટેમ્બર, 1932ના રોજ ગાંધીજીને પત્ર લખ્યો : ‘‘મહાત્માજી, છેલ્લા થોડા દિવસમાં અસંભવ જે રીતે સંભવ થયું તેથી આપણા લોકો હજી આશ્ચર્યચક્તિ છે. આપ અમારા માટે બચી ગયા તેથી સર્વ લોકોમાં ઊંડી હાશની લાગણી છે. હવે યોગ્ય ઘડી છે, જ્યારે આપના એક આદેશથી હિંદુ સમાજ મુસલમાનોને આપણા સહિયારા હેતુ કાજે પોતાના કરી લેવા જાગ્રત થશે અને ભગીરથ પ્રયત્ન કરશે. આમાં સફળતા મળવી આપની અસ્પૃશ્યતા સામેની લડાઈ કરતાં પણ વધુ દુષ્કર છે, કારણ કે આપણા મોટા ભાગના લોકોમાં મુસલમાન પ્રત્યે ઊંડા અવિશ્વાસની લાગણી ઘર કરી ગયેલી છે. તેઓને પણ આપણા માટે ઝાઝો પ્રેમ નથી. કઠિન હૃદયને સ્પર્શ કરતાં આપને આવડે છે અને સદીઓથી એકઠી થયેલી ઘૃણાની ઉપર વિજય મેળવવા જરૂરી પ્રેમશક્તિ પણ આપમાં છે. મને રાજકીય પરિણામોની ગણતરી કરતાં આવડતું નથી. હું માનું છું કે તેઓનો વિશ્વાસ સંપાદન કરી તેમને ખાતરી આપવી કે અમો તમારી મુશ્કેલીઓ અને તમારું દૃષ્ટિબિંદુ પણ સમજીએ છીએ; આ માટે આપેલી કાંઈ કિંમત મોટી નહીં કહેવાય. ખેર, મારે આપને સલાહ આપવાની ન હોય. હું ભાવી પગલાં અંગે આપના વિવેક પર પૂરો આધાર રાખીશ. છતાં, હું એક સૂચન કરીશ કે આપ હિંદુ મહાસભાને કહો કે તે બીજા પક્ષ તરફ થોડું સુલેહનું વર્તન કરે. આપ શારીરિક તાકાતનો સંચય કરી રહ્યા હશો અને આપની આસપાસ હર પળે શક્તિ અને આશાનો સંચાર કરી રહ્યા હશો તેમાં મને કોઈ શંકા નથી. સાદર પ્રેમ. આપનો રવીન્દ્રનાથ ટાગોર.’’[66] ગાંધીજીએ 9 ઑક્ટોબરના રોજ જવાબમાં લખ્યું; ‘‘તમારો સુંદર કાગળ મને મળ્યો. હું પ્રકાશને માટે નિત્ય પ્રાર્થના કરી રહ્યો છું. હિંદુ-મુસલમાનની એકતા એ પણ એક જીવનકાર્ય છે. અંતરાયો મારી આડે આવે છે પણ હું જાણું છું કે જ્યારે મને પ્રકાશ મળશે ત્યારે એ બધા અંતરાયોને ભેદીને પાર જશે. દરમિયાન હું પ્રાર્થના કરી રહ્યો છું. જોકે ઉપવાસ કરતો નથી... ગઈ 20મી તારીખે ગ્રામવાસીઓ આગળ તમે જે સુંદર પ્રવચન કર્યું તેનો અનુવાદ મહાદેવને અમને કહી સંભળાવ્યો હતો.’’[67] ગાંધીજીને લાગ્યું કે ઉપવાસને કારણે તેમને ગુરુદેવના હૃદયમાં એક ખૂણો મળ્યો. ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘ગુરુદેવ હજી પ્રેમ વરસાવી રહ્યા છે. પેલા નાના ઉપવાસથી સ્વપ્નેય નહીં ધારેલા એવા ધનના ખજાના હું પામ્યો છું. તેમાં મોટામાં મોટો ખજાનો ગુરુદેવ છે. કોઈએ મને કહ્યું હોત કે ‘ગુરુદેવને પામવા ઉપવાસ કરો’ તો બીજો કશો પણ વિચાર કર્યા વગર મેં તેમ કર્યું હોત. તેમના હૃદયમાં એક ખૂણો મેળવવા હું ઝંખતો હતો. હું ઈશ્વરનો આભાર માનું છું, ઉપવાસ દ્વારા એ ખૂણો મેં પ્રાપ્ત કર્યો.’’[68] 4 નવેમ્બરના રોજ ગાંધીજીએ ‘અસ્પૃશ્યતા વિશે નિવેદન’ બહાર પાડ્યું. તેમાં ઉપવાસનો અર્થ, પોતાની પ્રતિજ્ઞા અને નવા ઉપવાસની શક્યતા વિશે ચર્ચા કરી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે ઉપવાસ તોડ્યા તે ‘‘યજ્ઞની પૂર્ણાહુતિ નહોતી, પણ તેનો આરંભ હતો.’’[69] તેઓએ કહ્યું કે સરકારની હવે આ પ્રશ્નમાં કોઈ ભૂમિકા રહી નથી. ડૉ. આંબેડકર, રાવબહાદુર રાજા અને દલિત આગેવાનોને વિનંતી કરી કે કરારની શરતોનું પાલન ન થાય તો ‘‘તમે મારી જિંદગીની ખોળાધરી માનજો.’’[70] તેમણે નવા ઉપવાસની શક્યતા વિશે કહ્યું; ‘‘હવે જો ઉપવાસ કરવા પડશે તો તે આ સુધારાના વિરોધીઓને દબાવવા માટે નહીં હોય, પણ મારા સાથી બનેલાઓને અથવા અસ્પૃશ્યતાનિવારણની પ્રતિજ્ઞા લેનારાઓને સતેજ કરી કર્તવ્યપરાયણ કરવા માટે હશે.’’[71] તેમણે કેરળમાં ગુરુવાયુરનું મંદિર દલિતો માટે ખોલવાના કેલપ્પનના અનશનના સમર્થનમાં પોતે પણ ઉપવાસ કરશે એવી તાકીદ કરી હતી. ગાંધીજીએ 10 નવેમ્બર, 1932ના રોજ કવિ પાસેથી નવા ઉપવાસ માટે આશીર્વાદ માંગ્યા. ‘‘મારા આ વિશેષ પ્રયાસને આશીર્વાદ આપી શકો તો મારે જોઈએ છે. આ પ્રયાસ, જો શક્ય હોય તો, પહેલાંના કરતાં પણ વધારે પવિત્ર છે એમ તમને લાગે છે કે કેમ તે હું જાણતો નથી... તમને એ સ્મરણ હશે જ કે છેલ્લો ઉપવાસ મેં શક્ય તેટલી સ્પષ્ટ ચેતવણી આપીને જ તોડ્યો છે કે કહેવાતા સવર્ણ હિંદુઓ તરફથી કાંઈ પણ વચનભંગ થશે તો મારે ફરી ઉપવાસ આદરવા પડશે... મને લાગે છે એવું તમને પણ લાગતું હોય તો તમારો પૂરા હૃદયનો સહકાર હું ઇચ્છું છું.’’[72] 15 નવેમ્બર, 1932ના રોજ લખેલા પત્રમાં કવિએ પોતાની શંકા વ્યક્ત કરી. તેમણે લખ્યું; ‘‘આપે કેલપ્પનને આપેલા વચનની પવિત્રતા હું સમજું છું અને તમારા સત્યબોધને અનુસરી કરેલા કોઈ પણ કાર્યની ટીકા કરવાનો કોઈ ત્રાહિતને અધિકાર ન હોય. પણ મને ભય છે કે આપના તાજેતરના ઉપવાસની અમારી ચેતના ઉપરની અદભુત અસર હજુ વર્તાઈ રહી છે તે સમયે તેનું પુનરાવર્તન અમારા માટે માનસિક રીતે જીરવવું અને તેનું યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન કરી માનવતાના ઉત્થાન માટે તેનો ઉપયોગ કરવો કપરું બનશે.’’[73] કવિએ કહ્યું કે ગાંધીજીના ઉપવાસથી દેશમાં જે મુક્તિના વાયરા વાયા હતા તેની અસર હજુ વર્તાઈ રહી હતી, પરિવર્તન ચારે તરફ થઈ રહ્યાં હતાં, આ સંજોગોમાં ઉપવાસનું પુનરાવર્તન અનિવાર્ય નથી. જો દેશ ગાંધીજીનો સાદ સાંભળવાનું બંધ કરી દે તો અવશ્ય ઉપવાસ કરી શકાય. ‘‘જો મને ખાતરી હોત કે ચળવળમાં કોઈ ખોટ આવી છે કે તેમાં બીજી કોઈ ઊણપ છે તો અમારા પાપપ્રક્ષાલન માટે માનવજાત જે સર્વોચ્ચ સવાર્પણ કરવા સક્ષમ છે – તમારા પ્રાણનું અર્પણ – તે માટે પણ રાજી થાત.’’[74] કવિ કહે છે કે એક નાના જૂથની વર્તણૂકથી ઉપવાસ કરવા જેવું પગલું ન લઈ શકાય. તેઓ પોતે પણ આવી કોઈ સંભાવનાથી ચિંતિત હતા અને મહાદેવભાઈને આ વિષયમાં પત્ર લખવા વિચારી રહ્યા હતા. અંતે તેમણે કહ્યું; ‘‘તમે મારા વિચારો અને પ્રાર્થનામાં છો અને ઘટનાઓની ભાળ રાખતો રહીશ. પ્રાર્થું છું કે આજે જે સત્યના માર્ગમાં અવરોધરૂપ છે તેમનું હૃદયપરિવર્તન થશે.’’[75] ગાંધીજીએ 24 નવેમ્બરના રોજ લખ્યું; ‘‘આપના પહેલા પત્રથી મને આશ્વાસન મળ્યું છે. આપ જોઈ રહ્યા છો અને પ્રાર્થના કરો છો એટલું મારા માટે પૂરતું છે.’’[76] ગાંધીજીને કવિ ટાગોર સાથેની નિકટતાનો અહેસાસ ગાઢો બની રહ્યો હતો. ઍગથા હેરિસન મારફત તેમણે ચાર્લી ઍન્ડ્રૂઝને સંદેશો મોકલાવ્યો; ‘‘હું ચાર્લીને અલગ પત્ર લખવાનો નથી, પણ તમે તેમને એટલું કહેજો કે હું અને ગુરુદેવ દિનપ્રતિદિન વધુ ને વધુ નિકટ આવતા જઈએ છીએ. મને ખાતરી છે કે હું એમને બીજું જે કંઈ મોકલું તેનાં કરતાં આ સમાચારથી તેમને વધુ આનંદ થશે.’’[77] કવિ ટાગોર પણ સનાતનીઓના વર્તન અને અભિગમથી વ્યથિત હતા, આધ્યાત્મિક પીડા અનુભવી રહ્યા હતા. ગાંધીજીએ આ વેદનાને અનિવાર્ય ગણાવી. કવિના રહસ્યમંત્રીને પત્રમાં લખ્યું; ‘‘આટલે દૂરથી પણ ગુરુદેવની વેદનાની ખબર મને પડે છે. પણ હું ધારું છું કે એ અનિવાર્ય છે. ગુરુદેવ અત્યારે જે વેદનામાંથી પસાર થઈ રહ્યા છે તેવી વેદનામાંથી આપણા દેશના અનેક વિશુદ્ધ આત્માઓ પસાર નહીં થાય ત્યાં સુધી સનાતનીઓનાં હૃદય પીગળશે નહીં અને અસ્પૃશ્યતાનું કલંક ધોવાશે નહીં. આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર એમને સાજાસમા રાખે અને ઘણાં વર્ષો જિવાડે. ગુરુદેવે ઝામોરિનને જે સખત કાગળ લખ્યો છે તેની અસર એના ઉપર થવી જ જોઈએ. મારા આ કષ્ટમય દિવસોમાં ગુરુદેવના આશીર્વાદ અને મદદ મારા માટે અમૂલ્ય છે. મારો પ્રેમ તેમને હું પાઠવું છું.’’[78] ગાંધીજીને બીજા ઉપવાસની આવશ્યકતા વધુ સ્પષ્ટ લાગતી ગઈ. તેમના મતે અગાઉના ઉપવાસમાં રાજકીય મુદ્દો હતો, ભલે તેનું ધાર્મિક મહત્વ ઘણું હતું. પણ નવા કરવા ધારેલા ઉપવાસ શુદ્ધ ધાર્મિક હતા. તેમણે લગભગ 2 જાન્યુઆરી, 1933થી ઉપવાસ કરવા પડશે તેમ ધારેલું અને આની જાણ ઘણા સાથી મિત્રોને પણ હતી. આ વિશે ઘણાંને ગેરસમજ પણ હતી. તેમને ડર હતો કે ચાર્લી ઍન્ડ્રૂઝ જેવા પરમ મિત્રો પણ કદાચ ઉપવાસને નહીં સમજી શકે. 20 ડિસેમ્બર, 1932ના રોજ ઍન્ડૂઝને લખ્યું; ‘‘અંગત રીતે મારા માટે તો એ તર્ક વગરની વસ્તુ છે, કારણ કે એ મને સ્પષ્ટપણે ઈશ્વરનો આદેશ હોય એમ લાગે છે. મારી સ્થિતિ એ છે કે અત્યારે હું કશું જ મારી પોતાની ઇચ્છાથી કરતો નથી. ક્ષણે ક્ષણે મને ઈશ્વરનું માર્ગદર્શન મળી રહ્યું છે. આ વસ્તુ એવી છે જેની બીજા લોકોને ખાતરી કરાવી ન શકાય અને એની સાક્ષીનો અસ્વીકાર કરવો તેમને માટે તદ્દન યોગ્ય છે.’’[79] આ અરસામાં 1897માં જન્મેલી, બર્લિનના વેપારી કુટુંબની પુત્રી માર્ગારેટ સ્પિગલ ગાંધીજી અને ગુરુદેવથી આકર્ષાઈને ભારત આવી. તેણીએ 1932ના ઑક્ટોબરમાં ત્રણ માસ માટે હિંદ આવી, સાબરમતી આશ્રમમાં ત્રણ દિવસ ગાળ્યા અને યરવડા જેલમાં ગાંધીજીની મુલાકાત પણ લીધી. દેશ પાછાં જતાં તેણીએ આગબોટમાંથી ગાંધીજીને ત્રણ પત્ર લખ્યા જેમાં ગાંધી-ટાગોર વચ્ચે કોની પસંદગી કરવી તેનો નિર્ણય લઈ શકતી નથી તેમ જણાવ્યું. ગાંધીજીએ તેણી ઉપરના પત્રમાં કવિની ખૂબી વર્ણવી અને આવી પસંદગી બિન-જરૂરી છે તેમ સલાહ આપી. ‘‘ગુરુદેવ અને મારી વચ્ચે પસંદગી કરવામાં તારે મથામણ કેમ કરવી પડી ? અમે એકબીજાના હરીફ નથી. ગુરુદેવ જે સિંહાસન પર આરૂઢ છે તે સિંહાસનના તેઓ કેવળ પોતાના ગુણોને લીધે અધિકારી છે. તેમનામાં જે અનેક ઈશ્વરી બક્ષિસો છે તેમાંની એકે મારામાં નથી અને એથીય વિશેષ એ છે કે અમે એકબીજાને ખૂબ ચાહીએ છીએ. અને વરસો વીતે છે તેમ અમારો પ્રેમ દૃઢ થતો જાય છે અને અમે એકબીજાને વધારે ને વધારે સારી રીતે સમજતા જઈએ છીએ. તેથી હું ઇચ્છું છું કે, ઈશ્વરે જે કંઈ બક્ષિસો અમને આપી છે તેમને ખાતર તું અમને બંનેને સમાન રીતે ચાહે છે એમ કહે. એટલે મીરાંની માફક તું મારી સાચી દીકરી બનવા માગતી હોય તો આવી પસંદગી કરવામાં પડીશ નહીં.’’[80] ગાંધીજીના જાન્યુઆરી, 1933ના ઉપવાસ તો ટળી ગયા. દરમિયાન કવિની હરિજનકાર્ય માટેની ધગશ જરા પણ ઓછી ન થઈ. તેમણે શેઠ ઘનશ્યામદાસ બિરલાની વિનંતીથી हरिजन માટે કવિતા મોકલી. તેના જવાબમાં ગાંધીજીએ લખ્યું; ‘‘હરિજનોની આપને સૌથી વધુ ચિંતા રહે છે તેથી હું માત્ર એ સંદેશથી સંતોષ નહીં માનું. આપ પ્રસંગોપાત્ત કંઈક મોકલતા રહો તો એમાંથી અંગત રીતે મને શક્તિ મળશે અને हरिजनના વાચકોને, જેમની શ્રદ્ધા ડગાવવા આટલું બધું ચાલી રહ્યું છે તેમને, મદદ મળશે.’’[81] એક અમેરિકન મિશનરી બોઇડ ટકરે શાંતિનિકેતનથી ગાંધીજીને પત્ર લખ્યો. જેમાં હરિજનો માટે મંદિરપ્રવેશના ગાંધીજીના કાર્યક્રમની આલોચના હતી. પત્રલેખકે કહ્યું; ‘‘ધર્મના પેગંબરોએ જે મહાન ધાર્મિક સત્યોનું દર્શન કર્યું છે અને જેવી ઘોષણા કરી છે તે સત્યોને જ્યારે એમના શિષ્યોએ પૂજારીઓની નીતિરીતિમાં અને મંદિરમાં પૂરી દેવા પ્રયાસ કર્યો છે ત્યારે તે સત્યોનો હંમેશાં નાશ થયો છે. સત્ય એટલું વ્યાપક છે કે એને એક જગ્યાએ પૂરીને સાંપ્રદાયિક બનાવી શકાય જ નહીં. એટલા માટે મંદિરો, મસ્જિદો અને દેવળોને હું ધર્મનો વ્યભિચાર માનું છું... આ કારણે, હરિજનોને મંદિરમાં જવાની છૂટ મળી જાય એમાં મને કશો લાભ જણાતો નથી.’’[82] આ પત્રમાં ગુરુદેવ પણ ગાંધીજીના મંદિરપ્રવેશ કાર્યક્રમની વિરુદ્ધ છે તેવો ઉલ્લેખ હશે તેવું તારણ નીકળી શકે, કારણ કે ગાંધીજીએ 4 માર્ચ, 1933ના પત્રમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો. તેમણે બોઇડ ટકરને તેમનો પત્ર हरिजनમાં પ્રકાશિત કરવાની બાંયધરી આપી. ઉપરાંત કહ્યું; ‘‘તમારા પત્ર સંબંધમાં મારે જે કહેવાનું હતું તે બધું મેં એ લેખમાં કહ્યું છે; એટલે અત્યારે તે ફરીથી નહીં કહું. ગુરુદેવ વિશે તમે જે ઉલ્લેખ કર્યો છે તે મેં हरिजनમાં નથી આપ્યો. હું જાણું છું કે હમણાં હમણાં મારા પ્રત્યે તેઓ વિશેષ કૂણી લાગણી રાખતા આવ્યા છે. જો આ પ્રશ્ન વિશે, તમારા પત્ર પરથી જણાય છે તેમ, તેમના તદ્દન દૃઢ અને નિશ્ચિત વિચારો હોય તો તેમના મૌનથી કદાચ સત્યને હાનિ પહોંચે છે... આજ કારણે મેં ગુરુદેવને મહાન ચોકીદાર કહ્યા છે અને મેં તેમની ચેતવણીઓની હંમેશાં — તેમની ચેતવણીઓને કારણે મેં મારો માર્ગ ન છોડ્યો હોય ત્યારે પણ —ઘણી કદર કરી છે. તેમણે મને મારાથી બનતું કરવાની ફરજ પાડી છે... તમે ઇચ્છો તો આ પત્ર ગુરુદેવને સંભળાવજો અને જે લેખ તમે થોડા દિવસ પછી જોશો તે વાંચ્યા પછી તેમને સ્પષ્ટ રીતે એમ લાગે કે હું ભૂલમાં છું એ વિશે તેમના મનમાં શંકા નથી તો તેમણે જાહેર નિવેદન કરીને અથવા મારા પર પ્રસિદ્ધ કરવા માટે પત્ર લખીને પોતાની ચેતવણી આપવી જોઈએ. પણ તેમને જો કંઈ સંદેહ હોય તો હું એ સંદેહનો લાભ લેવા ઇચ્છું છું કારણ કે લોકો ભ્રમમાં પડે એ હું ઇચ્છતો નથી.’’[83] પણ ગાંધીજીને સંદેહ હતો કે બોઇડ ટકર ગુરુદેવના વિચારો યોગ્ય રીતે સમજ્યા ન હતા. ગુરુદેવ મંદિર માત્રની વિરુદ્ધ હોય અને પોતાની અંગત ઉપાસનામાં મંદિરની અનાવશ્યકતા હોય તે ભિન્ન બાબત હતી. વળી, કવિ ટાગોરને મંદિરની આવશ્યકતા ન હોય પણ તેઓ હરિજનો માટે મંદિરપ્રવેશ કાર્યક્રમ માત્રની વિરુદ્ધ હોય તે માનવા ગાંધીજી રાજી નથી. આથી તેઓ લખે છે; ‘‘મને અંગત રીતે પૂરી ખાતરી નથી થતી કે ગુરુદેવ તમારી દૃષ્ટિ સાથે સંમત છે, કારણ કે શાંતિનિકેતનમાં તેનું પોતાનું મંદિર અથવા દેવળ – ગમે તે નામ આપો – છે. જ્યાં બે કે ત્રણ માણસો કોઈ ખાસ જગ્યાએ ઈશ્વરની પ્રાર્થના કરવા એકઠા થાય છે તે જગ્યા મંદિર બની જાય છે. શાંતિનિકેતનમાં એક નાનું શું પણ સુંદર મકાન છે જ્યાં પ્રાર્થના કરવામાં આવે છે, પ્રવચન કરવામાં આવે છે. સાબરમતીમાં અમારે ત્યાં કોઈ મકાન નથી, કોઈ દીવાલ નથી, દિશાઓ દીવાલો છે, આકાશ છત છે અને પૃથ્વીમાતા ભોંયતળિયું છે. તેમ છતાં પ્રાત: અને સાયંકાળની પ્રાર્થના માટે પસંદ કરવામાં આવેલા આ સ્થાનમાં મંદિર માટે આવશ્યક એવાં બધાં તત્વો છે. પણ તમારા પત્ર મુજબ એ ખુલ્લું મેદાન પણ ધર્મનો દુરુપયોગ છે. પણ, જો હું તમારી દૃષ્ટિને બરાબર સમજ્યો હોઉં તો, ગુરુદેવ તમારી આ દૃષ્ટિ સાથે સંમત નહીં થાય.’’[84] ગાંધીજીનો ગુરુદેવની માન્યતા વિશેનો વિચાર ખરો પડ્યો. કવિ ટાગોરે ગાંધીજીને हरिजनમાં પ્રકાશિત કરવા માટે ખુલ્લો પત્ર મોકલી આપ્યો; તેમાં પોતાની માન્યતા, મંદિરપ્રવેશનો અધિકાર અને શાંતિનિકેતનની પ્રાર્થના આ ત્રણે વચ્ચે ભેદ પાડ્યો અને પોતાના વિચારો સ્પષ્ટ કર્યા. એમણે લખ્યું; ‘‘અમુક એક ખાસ વર્ગના લોકો લાભ લઈ શકે એવા વિશિષ્ટ હેતુઓથી ઈશ્વરને ઈંટ-ચૂનાના મંદિરમાં પૂરી રાખવાના વિચાર મને જરા પણ પસંદ નથી.’’[85] પણ પોતાની અંગત દાર્શનિક માન્યતા અને રૂઢિ વચ્ચે કવિ ભેદ પાડે છે. રૂઢિ હાનિકારક હોય તોપણ તેની સાવ ઉપેક્ષા ન થઈ શકે. ‘‘મંદિરમાં જઈ પ્રભુભક્તિ કરવાની બાબતમાં એક પરંપરા ચાલી આવે છે, એટલે આવી રૂઢિઓ નૈતિક દૃષ્ટિએ ખોટી અને હાનિકારક હોય તોપણ તેમની માત્ર ઉપેક્ષા ન થઈ શકે. અહીં પ્રશ્ન આવે છે આ રૂઢિઓ બદલવાનો, એમનો વ્યાપ અને એમનું સ્વરૂપ વિસ્તારવાનો એના માટે શા ઉપાયો યોજવા એ બાબતમાં મતભેદ હોઈ શકે છે.’’[86] પણ મંદિરમાં પૂજા કરવાની, પ્રાર્થના કરવાનો અધિકાર અમુક સમુદાય પોતાના માટે અબાધિતપણે રાખે અને અન્યને આનાથી વંચિત રાખે તે કવિને માન્ય નથી. ધર્મપરંપરા પણ આવી પ્રથાને સમર્થન આપે છે. આની સામે લડવું સુધારક માટે જરૂરી છે. તેઓ બળ અને નૈતિક બળ વચ્ચે ભેદ પાડતાં કહે છે; ‘‘આવી નૈતિક રીતે અનિષ્ટ પ્રથાઓને બદલવા માટે સુધારક બળ તો ન વાપરી શકે અને છતાં અન્ય અનિષ્ટ અને હાનિકારક રીતરિવાજો સાથે લડવામાં જેમ એણે નૈતિક બળ વાપરવું પડે છે અને તેમને સુધારવા સતત મથવું પડે છે તેમ આમાં કરવું જોઈએ. આવી લડત જરૂરી છે.’’[87] શાંતિનિકેતનની પ્રાર્થનાવ્યવસ્થા અને પ્રાર્થનાસ્થાન વિશે તેમણે લખ્યું; ‘‘ત્યાં તો એકેએક ધર્મના અનુયાયી — બધા જ લોકોને આવવાની છૂટ છે. જેમ એનાં દ્વાર સૌને માટે ખુલ્લાં છે તે જ રીતે તેમાં જે સાદો પૂજાવિધિ થાય છે એમાં એવું કશું નથી જેને લીધે વિવિધ ધર્મના અનુયાયી લોકો ભાગ ન લઈ શકે.’’[88] એમણે हरिजन વાંચનના આનંદની નોંધ લીધી અને અંતે ગાંધીજીના ઉપવાસને યાદ કરતાં લખ્યું; ‘‘પેલા મહાન ઉપવાસને પરિણામે હિંદુસ્તાનની દબાયેલી માનવતા જાગ્રત થઈ રહી છે એનાથી વધારે આશાસ્પદ સંકેત બીજો કશો ન હોઈ શકે.’’[89] કવિના આ જાહેર પત્રને કારણે ગાંધીજીના મંદિરપ્રવેશ કાર્યક્રમ વિશે સંદેહ કરનારાઓનું જોમ અવશ્ય ઘટ્યું હશે. પણ આ અરસામાં શિક્ષિત બંગાળમાં અને કવિના મનમાં પણ યરવડા કરાર અંગે પુનર્વિચાર થઈ રહ્યો હોવાનું જાહેરચર્ચામાં આવવા લાગ્યું. સતીષચંદ્ર દાસગુપ્તાએ ગાંધીજીને જણાવ્યું કે પહેલાં ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય યરવડા કરારની તરફેણમાં હતા જ્યારે 1933ના એપ્રિલ માસની આસપાસ તેમનો વિચાર બદલાયો છે અને તેઓ કરારવિરોધી થયા છે. કવિ ટાગોર વિશે તેમણે જણાવ્યું; ‘‘મેં તેમને યરવડા કરારને લગતી એક સભામાં પ્રમુખસ્થાન લેવાનું અથવા સંદેશો મોકલવાનું કહ્યું હતું પણ રવીન્દ્રનાથ ટાગોરે એવો જવાબ આપ્યો હતો કે પોતે પરિસ્થિતિનું ઉચ્ચતર ભૂમિકાએથી અવલોકન કરી રહ્યા છે અને ચાલુ રાજકારણમાં સંડોવાવા માંગતા નથી.’’[90] ગાંધીજીએ શિક્ષિત બંગાળના આ અભિગમથી પોતે વાકેફ છે તેમ જણાવતા લખ્યું; ‘‘ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય અને ગુરુદેવ વિશે તમે જે કહો છો તે હું સમજું છું. હું માનું છું કે તમે જેમ પરિસ્થિતિનો વધુ અભ્યાસ કરશો તેમ તેમ તમને માલૂમ પડશે –મને તો ક્યારનું માલૂમ પડ્યું જ છે –કે બંગાળના શિક્ષિતો યરવડા કરારમાં ફેરફાર થાય એવું ઇચ્છે છે.’’[91]

III
ઉપવાસ, 1933

30 એપ્રિલ, 1933ની વહેલી સવારે ગાંધીજીએ 8મી મે ને સોમવારની બપોરથી આરંભીને 29મી મે સોમવારે બપોરે પૂર્ણાહુતિ થાય એવા 21 દિવસના આત્મશુદ્ધિના ઉપવાસની અણધારી જાહેરાત કરી. પોતાના જેલના સાથીઓ, સરદાર અને મહાદેવભાઈ, સવારની પ્રાર્થના માટે ઊઠે તે પહેલાં તો ગાંધીજીએ જાહેર નિવેદન લખી રાખ્યું હતું. તેમણે કહ્યું; ‘‘આ ઉપવાસનો નિશ્ચય હું ઝટઝટ નથી કરી શક્યો. કેટલાય દિવસો થયા અંતરમાં ઘાલાવેલી ચાલી રહેતી હતી. અનેક વાર થાય કે ઉપવાસ કરી નાખું, છતાં મારી પોતાની સામે હું ઝઘડ્યા જ કરતો હતો. પણ હરિજન દિન ઊજવવાની તૈયારી તરીકે જ હોય તો એમ જાણે એકબે કલાકના મંથનને અંતે મને ફરી ફરીને અવાજ આવ્યો : ‘ત્યારે કરી નાખને જીવ !’ એની સામે પણ હું થયો, પણ એ વિરોધ તરત સમી ગયો. અને મધરાત પછી સ્પષ્ટ નિર્ણયકારક અવાજ મળ્યો, ‘તારે ઉપવાસ કર્યે જ છૂટકો છે.’ આમ વાદળ વીખરાઈ ગયું... આત્મશુદ્ધિનો ઉપવાસ એટલે એમાં કશી શરત ન હોય. એ ઉપવાસને બાહ્ય સંજોગોની સાથે લેવાદેવા ન હોઈ એને ફેરવવાપણું ન હોય.’’[92] ગાંધીજીએ ફરી એક વાર અંતરાત્માના અવાજને અનુસરીને ઉપવાસ આદરવાનો નિર્ણય કર્યો. અંતરાત્માના અવાજને અનુસરવું એટલે કોઈ તર્ક, બાહ્ય કારણ કે ચોક્કસ, નાપી શકાય તેવા ધ્યેયની પ્રાપ્તિ તેવા સૌ કારણોની ચર્ચામાત્ર અસ્થાને રહી. ઉપવાસ કયા કારણે છે તેની ચર્ચા કરવાનો તેમણે ઇન્કાર કર્યો. આ ઉપવાસ આત્મશુદ્ધિના એટલે પોતાનામાં અને પોતાની આસપાસની મલિનતા દૂર કરવાના ઉપવાસ હતા. તેમણે કહ્યું; ‘‘એ ઉપવાસ મારી પોતાની સામે છે. મહાભીષણ પાપનો નાશ કરવાને માટે મોટા પુણ્યનો પુંજ જોઈએ. એ મારામાં ન હોય, મારા સાથીઓમાં ન હોય તો એ ધર્મયુદ્ધ ચાલી શી રીતે શકે ?’’[93] આત્મશુદ્ધિના ઉપવાસમાં અન્યની સામેલગીરી ન હોય, જેનું અંતર આ ઉપવાસ કબૂલ કરતું હોય તેઓની પણ નહીં. આવા અનુકરણના કે સહાનુભૂતિના ઉપવાસને તેમણે પીડાને અર્થે આદરેલું તામસી તપ કહ્યું. સવાલ આવે કે આ ઉપવાસમાં એવું શું અનેરું હતું કે જેમાં ગાંધીજી સિવાય બીજું કોઈ સહભાગી ન થઈ શકે ? એક તો, સર્વોપરી આવશ્યકતા આત્મશુદ્ધિની હતી, જે ગાંધીજીના મતે ઉપવાસ અને પ્રાર્થનામાંથી જ ઉદભવે. સત્યરૂપી ઈશ્વરનાં દર્શન આપબળના અભિમાનીને ન થાય પણ જેણે પોતાની ઇચ્છાશક્તિ, પોતાનું ચલન-વલન સર્વે ઈશ્વરને સમર્પિત કરીને, પોતાને નિરાધાર, પરાધીન – ઈશ્વરાધીન – કરનારને જ થાય. ‘‘પણ દેહને સ્થૂળ આહાર આપવાનો બંધ કરવાથી કશું ન વળે. ઇંદ્રિયો માત્ર વિષયોનો આહાર કરતી બંધ ન થાય ત્યાં સુધી પરનાં દર્શન અશકાય છે, અને બંધ થાય તો જ રોમેરોમે સત્યરૂપી ઈશ્વર વ્યાપશે અને પ્રગટ થશે. એટલે એવા આધ્યાત્મિક ઉપવાસને માટે તો તેઓ જ અધિકારી હશે જેમણે યમોનું જાગ્રત પાલન કરેલું હશે, જેમનામાં વિરોધી તો શું આતતાયી પ્રત્યે પણ અહિંસા હશે, જેણે બ્રહ્મચર્યનું પાલન કર્યું હશે, જેમણે અપરિગ્રહ અને અસ્તેય સેવ્યાં હશે. એટલે આ સાધનસંપત્તિ વગરનાં એકે જણ મારા પછી ઉપવાસ ન આદરે.’’[94] એમણે સાથી અને મિત્રોને ઉપવાસ મુલતવી રાખવાની, એમાં ફેરફાર કરવાની કે ઉપવાસનો આગ્રહ છોડવાની કોઈ હિલચાલ ન કરવા વિનંતી કરી. શક્ય હોય તો પ્રાર્થના કરવા વિનંતી કરી કે જે કાર્ય અર્થે ઉપવાસની પ્રતિજ્ઞા કરી છે તે કાર્ય સાંગોપાંગ ઊતરે. તેમણે અગાઉની જેમ કવિ ટાગોરના આશીર્વાદ અને સમર્થન માંગ્યાં. 2 મે, 1933ની રાત્રે 1.45 વાગે લખેલા પત્રમાં લખ્યું; ‘‘મને આપનું અને બીજા કેટલાક મિત્રોનું સ્મરણ થઈ રહ્યું છે. જો આપનું હૃદય મેં કરવા ધારેલા ઉપવાસનું સમર્થન કરતું હોય તો મારે ફરી આપના આશીર્વાદ જોઈએ છે.’’[95] કવિએ જવાબમાં તાર મોકલ્યો જે ગાંધીજીને મળ્યો નહીં. તેમણે 9 મે, 1933ના રોજ ઉપવાસ શરૂ થયાના એક દિવસ પછી દાર્જિલિંગથી ગાંધીજીને પત્ર લખ્યો. ‘‘આપે આ પગલું લઈને જે પાર વિનાની જવાબદારી લીધી છે એમાં હું પૂરેપૂરી સંમતિ ન આપી શકું તો આપે મારો દોષ ન કાઢવો જોઈએ.’’[96] તેમણે કહ્યું કે જે વિચારો અને હકીકતો આ નિર્ણયમાં નિમિત્તરૂપ બન્યાં હોય તે જાણી શકાય તો જ એ નિર્ણયનો મર્મ સમજી શકાય અને એની યોગ્યાયોગ્યતાની ક્સોટી થઈ શકે. ગાંધીજી આમ કરવા માટે સંપૂર્ણપણે અસમર્થ હતા. ઉપવાસની જાહેરાતની સવારે જ ચર્ચામાં સરદાર પટેલને કહ્યું હતું; ‘‘બધા જ વિચારો માણસ બીજાને જણાવતો હશે શું ? જણાવી શકે કે ?’’[97] ગાંધીજી માટે આ નિર્ણય તર્કની પર હતો; કવિએ તર્ક સ્પષ્ટ કરવા કહ્યું. કવિએ કહ્યું કે સૃષ્ટિના આદિકાળથી કેટલાંક પાપો અને અન્યાય ચાલ્યાં કરે છે, જે જીવનનાં ઘાતક છે. જે આદર્શ છે, તે શાશ્વત છે, જીવનને પોષનારાં છે. આ આદર્શની ઝાંખી કેમ થાય ? ‘‘તે તે સદાકાળ સત્યના સંદેશવાહકો દ્વારા પ્રગટ થવાની રાહ જોઈ રહ્યા હોય છે. એ સંદેશવાહકોને પોતાની આસપાસની અશુદ્ધિની અને અપૂર્ણતા જોઈને નિરાશા કે નિરુત્સાહથી જીવનનું કાર્યક્ષેત્ર છોડીને ચાલ્યા જવાનો જરાય અધિકાર નથી. મારે આપને કહેવું એ ધૃષ્ટતા ગણાય, પણ બુદ્ધ ભગવાનને જગતમાં અનેક દુ:ખોનું ભાન થયા પછી તેમણે જીવનની આખરની ઘડી સુધી મુક્તિમાર્ગનો ઉપદેશ કરવો ચાલુ રાખેલો. શરીરયાત્રા કે ધર્મયાત્રા કરતાં જ્યારે મૃત્યુ અનિવાર્ય થઈ પડે ત્યારે સામે મોઢે વીરતાથી તેને ભેટવું રહ્યું. પણ જીવનનો અંતિમ આદર્શ સિદ્ધ કરવાનો બીજો એકે માર્ગ જ રહ્યો નથી એવી સ્થિતિ ન આવે ત્યાં સુધી આપણને પોતાની મેળે મૃત્યુ નોતરવાનો અધિકાર નથી.’’[98] કવિ ટાગોરે કહ્યું કે આ મહાવ્રત આદરવામાં ગાંધીજીની ભૂલ થઈ હોય તે અસંભવ નથી, વળી હવે ભૂલ સુધારવાની તક પણ નથી. આ વિચારથી તેઓ કંપી ઊઠે છે, અને આગ્રહપૂર્વક વિનંતી કરે છે કે, ‘‘ઈશ્વરે જે લીલા રચી છે તેને સારુ આપ તેની સાથે દેહદંડનું રૂસણું ન આદરો; અને સંપૂર્ણતાનો જે આદર્શ મનુષ્યજીવનની પરાકાષ્ઠા છે તેને પહોંચવાની, તેને પ્રગટ કરવાની અનેક સંધિઓ આપીને ઈશ્વરે જીવનની જે મહામૂલી બક્ષિસ આપેલી છે તેને આમ તરછોડીને ફેંકી ન દો.’’[99] છતાં, તેઓ ગાંધીજીને લાધેલા સત્યને, તેમણે સાંભળેલા અને જેની સામે તેઓ નિરાધાર થયા હતા એવા અંતર્યામીના અવાજને પડકારતા નથી. ‘‘મારે કબૂલ કરવું જોઈએ કે આપને જે દર્શન થયું છે તે મને થયેલું નથી, તેમજ અંતર્યામીનો જે અવાજ આપને સંભળાયેલો છે તેનું પૂરું આકલન મારાથી થઈ શકે તેમ નથી; તેથી ગમે તે થાય તોપણ આપે કરેલો નિશ્ચય સાચો છે એમ માનવાનો, અને મારી અશ્રદ્ધાએ મારી અજ્ઞાનજનિત ભીરુતાનું પરિણામ હશે એમ માનવાનો પ્રયાસ કરીશ.’’[100] કવિ ટાગોર પોતાની અશ્રદ્ધા અને આશંકા વ્યક્ત કરે છે પણ તેનાં મૂળ હજુ તેઓને પોતાની અજ્ઞાનજનિત ભીરુતામાં જણાય છે. તેઓ ગાંધીજીના ઉપવાસ કરવાના નિર્ણયને કદાચ ભૂલ ભરેલો છે તેમ સૂચવે છે, પયગંબરોને જીવનનું દાન આસપાસના મળને દૂર કરવાની હઠમાં આપવાનો અધિકાર નથી કારણ કે આવા સત્યના સંદેશવાહકોએ જે શાશ્વત આદર્શ છે તેને પ્રગટ કરવાનો છે; પરંતુ આ પત્રમાં તેઓ ગાંધીજીના આવા ઉપવાસ કરવાના, આત્મશુદ્ધિ કરવાના, અંતર્યામીના અવાજને સાંભળવાના અધિકારમાત્ર સામે અવાજ નથી ઉઠાવતા, તેનું ઔચિત્ય કે તેની સંભાવના સામે પ્રશ્ન નથી ઉઠાવતા. કવિએ આ પત્ર લખ્યો ત્યારે ગાંધીજીના ઉપવાસ શરૂ થઈ ચૂક્યા હતા. આથી આશંકા હોવા છતાં કવિએ તેમના અગ્નિહોત્રની સફળતાની પ્રાર્થના મોકલતાં કહ્યું; ‘‘મહાત્માજીને સારુ હું પ્રાર્થના કરું છું. આ તપ આપને સનાતન સત્યની નજીક લઈ જાઓ અને દુનિયાના દુ:ખભારથી આપને હળવા કરો, જેથી આપનો આત્મા તે દુ:ખ સામે અનાસક્તની કડકાઈથી સંગ્રામ માંડવા વધુ પ્રસન્નતા પામે.’’[101] 9 મે નો પત્ર લખ્યા પછી પણ કવિ ટાગોર ગાંધીજીના ઉપવાસની મહાવાણીને સાંભળવાનો, તેને સમજવાનો યત્ન કરતા રહ્યા. અગાઉના, 1932ના ઉપવાસમાં તો તેમને ગાંધીજીનો દેહત્યાગ પણ સ્વીકાર્ય હતો. એ સંદેશો હિંદની પ્રજાએ પરંપરાથી રચેલા અને ચાલી આવતા સામાજિક કારાગારને તોડી, પ્રજાનું માણસજાત તરીકે ઐક્ય સાધવાનો હતો, દરેકને મુકાતપણે પોતાની સર્ગશક્તિનો વિકાસ કરવાની શક્યતા ઊભી કરવાનો હતો. કવિ માટે આ સંદેશ એટલો ઉદાત્ત અને મહામૂલો હતો કે જેના માટે તેઓ માનવજાત જે શ્રેષ્ઠ બલિદાન આપવા સક્ષમ હતી – ગાંધીજીનું જીવનદાન –તે પણ આપવા તૈયાર હતા. આ બીજા પ્રાયોપ્રવેશનમાં તેમને એ સાદ સંભળાયો નહીં. જ્યારે ગાંધીજી માટે આ તેમના સૌથી ધાર્મિક અને પવિત્ર ઉપવાસ હતા. આ પત્ર લખ્યાના બે દિવસ પછી 11 મે, 1933ના રોજ દાર્જિલિંગથી કવિએ બીજો પત્ર લખ્યો. આ પત્રમાં બે દિવસ પહેલાં લખાયેલા પત્ર કરતાં જુદો સાદ છે, તેમની આશંકા અને અશ્રદ્ધા વધુ ઘેરી અને પાયાની બની છે. તેઓ કહે છે; ‘‘આપે જે છેવટનો સંદેશો જગતને આપ્યો છે એનો મર્મ સમજવા પ્રયત્ન કરી રહ્યો છું. બુદ્ધે એમના જીવનના પ્રત્યેક મહાકાર્ય દ્વારા ભૂતમાત્ર પ્રત્યેના અસીમ પ્રેમનો જ ઉપદેશ કર્યો હતો. ઈસુ ખ્રિસ્તે કહેલું, ‘શત્રુ પ્રત્યે પણ પ્રેમ રાખજો’ અને જે લોકોએ એમનો વધ કર્યો એમને વિશે પણ પ્રભુ પાસે ક્ષમા યાચી એ એમના ઉપદેશની પરાકાષ્ઠા હતી. હું સમજું છું ત્યાં સુધી આપે જે ઉપવાસ આદર્યો છે તેમાં આપણા દેશબંધુઓનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરવાનો ઉદ્દેશ રહેલો છે. પણ પ્રાયશ્ચિત્ત કરવાનો સાચો અને શૂરાનો માર્ગ તો એ છે કે જે અભાગિયા જીવોને પોતે શું કરી રહ્યા છે તેનું ભાન નથી. તેમને કાજે પ્રતિદિન અખંડ પ્રયત્ન કરવો.’’[102] કવિ ભગવાન બુદ્ધ અને પ્રભુ ઈસુના આદર્શથી ગાંધીજીનાં કૃત્યો જ માપે છે. આ દર્શાવે છે કે તેમની ગાંધીજી પાસેથી અપેક્ષા શું અને કેવા પ્રકારની હતી. ગાંધીજીનું કોઈ પણ કૃત્ય સત્યના સંદેશવાહકને, પયગંબરને છાજે એવું ન હોય તે કવિને મંજૂર નથી. આથી કવિની અશ્રદ્ધા જુદી ભૂમિકાએથી અને જુદા દાર્શનિક ધરાતલની નીપજ છે. કવિ ટાગોર પહેલી વાર ઉપવાસ દ્વારા પ્રાયશ્ચિત્ત વિશે શંકા કરે છે. ગાંધીજીના ઉપવાસ પ્રાયશ્ચિત્ત સ્વરૂપે હતા કે નહીં તે વિષય જુદો છે. પણ કવિનો પ્રાયશ્ચિત્તનો રસ્તો આત્મપીડન, દેહત્યાગ નહીં પણ પ્રતિદિન અખંડ પ્રયત્નનો છે, આ જ પ્રાયશ્ચિત્તનો એકમાત્ર સાચો, સારો અને શૂરાનો રસ્તો છે. કવિ સાચો રસ્તો બતાવે છે પણ આમાં એક આશંકા, જે પાયાની છે તે વ્યક્ત થતી નથી. મૂળ સવાલ એ છે કે ગાંધીજી જેવી વ્યક્તિ –કોઈ પણ વ્યક્તિ – સતત આત્મશુદ્ધિ દ્વારા, દેહાંતે પણ, પોતાની આસપાસના મળને, આસપાસની અશુદ્ધિને દૂર કરી શકે કે નહીં. ગાંધીજીના જીવન અને પ્રયોગની મૂળભૂત ધારણાઓમાંની આ એક ધારણા હતી. કવિ આ ધારણા સામે પ્રશ્ન કરી રહ્યા નથી, તેઓ પ્રાયશ્ચિત્ત કરવાની જરૂર વિશે પણ સાશંક નથી, તેમનો માર્ગ જુદો છે. હવે પછી તેઓ વ્યક્તિ અને સમષ્ટિ, વૈયક્તિક અને સાર્વત્રિક, સાધન અને સાધ્યના ત્રણ સ્તરે દલીલ કરે છે. ‘‘જે ઉપવાસની પાપાચારીઓ પર પ્રત્યક્ષ અસર કશી પડવાની નથી, અને જેનાથી માણસની સેવા શક્તિ એકાએક હણાઈ જાય છે એવા ઉપવાસનો માર્ગ જગતવ્યાપી થઈ ન શકે, આખું જગત એ માર્ગ ગ્રહણ કરી ન શકે. અને તેથી જે પુરુષ આખી માનવજાતનો પ્રતિનિધિ છે, જેના પર એ ભાર આવી પડેલો છે તેનાથી તો એ માર્ગ ગ્રહણ કરી શકાય જ નહીં.’’[103] ફરી એક વાર કવિ ગાંધીજીને આખી માનવજાતના પ્રતિનિધિ ગણાવે છે. આથી તેમનું દરેક કૃત્ય જગતવ્યાપી હોવું જોઈએ. કેવળ જગતવ્યાપી એ અર્થમાં નહીં કે તેની અસર સાર્વત્રિક હોય પણ એ એવો માર્ગ હોય જે તમામ ધારણ કરી શકે, બધા જ એનું અનુસરણ કરી શકે. આથી, જે જગતવ્યાપી ન હોય, સમષ્ટિ ભાગીદાર થઈ શકે એવું ન હોય તેવું કોઈ પણ પગલું ભરવું સુધારક કે પયગંબર માટે હિતાવહ નથી. તેઓ કહે છે કે જો ગાંધીજીનું ઉદાહરણ બધા જ પુણ્યાત્માઓ કરે તો જગત પુણ્યાત્માવિહોણું થઈ જાય અને મંદ, શિથિલ અને દલિત એવો માનવસંઘ અજ્ઞાન અને અન્યાયના અગાધ અંધારમાં ડૂબી જાય. ગાંધીજીએ ઉપવાસની જાહેરાત કરતી વખતે અન્ય કોઈને તેમનું અનુકરણ કરવાની, તેમની સાથે કે પાછળ ઉપવાસ કરવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી હતી, આવા અનુકરણ કે સહાનુભૂતિના ઉપવાસને તેમણે ‘તામસી તપ’ કહ્યું હતું. વળી આત્મશુદ્ધિના ઉપવાસનો અધિકાર શુદ્ધ અંત:કરણવાળા, બ્રહ્મચારી, અહિંસક, અપરિગ્રહી, અસ્તેય પાલક અને નખશિખ સત્યનિષ્ઠ દ્વારા જ થઈ શકે તેવું પણ જાહેર કર્યું હતું. કવિ ટાગોર તેમના આ વિધાનને અને તેથી પણ વધારે ઊંડા ઊતરીને, અંગત સાધનાનો અધિકાર, આવા અગ્નિહોત્રનો અધિકાર કેવળ પોતાને છે, એવા ગાંધીજીના કથનને પડકારે છે. આ દ્વારા તેઓ ગાંધીજીના આત્મશુદ્ધિના જાહેરપ્રયાસ પર પ્રશ્ન કરે છે. ‘‘તપસ્યાની આ પદ્ધતિ આપની એકલાની જ સાધના દ્વારા અસરકારક નીવડે અને બીજાને માટે એનો કશો અર્થ નથી, એમ કહેવાનો આપને અધિકાર નથી. એ સાચું હોય ને એ આપના એકલાના જ બલિદાનથી આરંભાનારીને ત્યાં જ વિરમનારી ગૂઢ ક્રિયા હોય તો આપે તે પૂરેપૂરા એકાંતમાં કરવી જોઈતી હતી.’’[104] ગાંધીજીની સાધના સામે આટલો ગહન દાર્શનિક પ્રશ્ન કેવળ કવિએ જ કર્યો. આ ઉપવાસની જાહેરાત થઈ ત્યારે રાજાજી અને દેવદાસ ગાંધીએ ગાંધીજી સાથે ચર્ચામાં તેમણે સાંભળેલો અવાજ ખરેખર અંતરાત્માનો અવાજ હતો કે કેમ તેવો સવાલ કર્યો હતો, પણ તેઓએ ગાંધીજીની આવી સાધના કરવાના અધિકારને પડકાર્યો ન હતો. કવિ ટાગોર સાધનાની, આત્મપ્રયોગની શક્યતા પર પ્રશ્ન નથી કરી રહ્યા. તેઓ કહે છે કે ગૂઢ સાધના, જેમાં અન્યનો પ્રવેશ ન હોય, અન્યને અધિકાર ન હોય, અન્ય ઉપર અસર કરવા માટેની ના હોય તેનું જાહેરજીવનમાં સ્થાન નથી. આ તો ગાંધીજીના જીવન, તેમના આધ્યાત્મ, તેમના રાજકીય પ્રયોગ પર મર્મનો ઘા હતો, પાયાનો પ્રશ્ન હતો. ગાંધીજીની સાધનાની ખૂબી જ એ હતી કે તેમાં વ્યક્તિ-સમષ્ટિ, આધ્યાત્મિક-રાજકીય, સાધના અને પ્રયોગ વચ્ચેની ભેદરેખાઓ ભૂંસાતી હતી. આ બધાં ક્ષેત્રોના તાણા-વાણાથી નવી ભાત ઊભરતી હતી. કવિ ટાગોરની અપેક્ષા ગાંધીજી પાસેથી જુદી જ છે. તેઓ ઇચ્છે છે કે ગાંધીજીનો મહાસંદેશ કેવળ વ્યક્તિગત શ્રેયનો, કેવળ પોતાની આત્મશુદ્ધિનો ન હોય. તેઓ ગાંધીજી પાસેથી સર્વ અનુસરી શકે તેવા મહાસંદેશની અપેક્ષા રાખે છે. ‘‘મહાસંદેશ તો બધા વિશ્વવ્યાપી એટલે કે કોઈ પણ મનુષ્ય અનુસરી શકે એવા હોવા જોઈએ. એવા ન હોય તો કદી ઉચ્ચારવા જ ન જોઈએ.’’[105] અંતે કવિએ ગાંધીજીને કહ્યું કે તેઓ રાષ્ટ્રના ગૌરવની, તેના મહિમાની, તેની કીર્તિની સાક્ષાત્ પ્રતિમા છે. તેમના જેવા અમેયાત્માનું જીવન અકારણ અંત તરફ ઘસડાઈ જાય તેવું દૃશ્ય આંખો જીરવી ન શકે અને આથી ઉપવાસ વિશે પુન:વિચાર કરવો જરૂરી છે. છેલ્લી લીટીમાં ફરી વાર તેમણે વ્યક્તિ-સમષ્ટિના સંબંધની વાત કરી; ‘‘જે કાર્ય આપને એકલાને જ માટે શ્રેયસ્કર છે ને અન્ય મનુષ્યોને માટે નથી એમ માનો તેવું કોઈ પણ કાર્ય આપ કરો મા; એમાંથી પાછા વળો.’’[106]06 કવિ માને છે કે પયગંબરને, સત્યના સંદેશવાહકને કોઈ પણ સ્વાર્થી કૃત્ય, કેવળ પોતાના શ્રેય માટેનું કૃત્ય કરવાનો અધિકાર નથી, પયગંબરનાં તમામ કૃત્યો – ખાસ કરીને આધ્યાત્મિક સાધના – જગતવ્યાપી હોવાં જોઈએ, તમામ માનવજાતને કાજે હોવાં જોઈએ. ગાંધીજીને 8મી મેના રોજ, ઉપવાસ શરૂ કર્યો તે દિવસે સાંજે સરકારે છોડેલા[107] કવિ ટાગોરના આ બે પત્રોનો ગાંધીજીએ જવાબ તો ન આપ્યો પણ તેને જાહેર અવશ્ય કર્યાં.[108] આ પત્રો જાહેર થયા તે પહેલા હરિજનબંધુના 18 જૂન, 1933ના અંકમાં કવિએ 1932ના ઉપવાસ વખતે આપેલું પ્રવચન ‘ઉપવાસની મહાવાણી’[109] અને 25 જૂન, 1933ના અંકમાં ત્યારનું જ ‘યુગાવતાર’[110] પ્રગટ થયાં. આ કેમ કર્યું અને આ પત્રોને 1932ના ઉપવાસ વખતે કવિના પ્રવચનોને સાથે કેવી રીતે વાંચી શકાય તે અંગે મહાદેવભાઈ કહે છે; ‘‘કવિવરનાં બે ભાષણ ‘હરિજનબંધુ’માં છાપ્યાં પણ એમના ગાંધીજીના ઉપવાસ વિશેના બે કાગળો તો છાપ્યા નહીં, એમાં કવિવરને અન્યાય તો ન થતો હોય એમ એક મિત્ર પૂછે છે. જરાય અન્યાય નથી થતો, છતાં એ બંને પત્રો પણ અંકમાં છાપીએ છીએ. એ ભાષણો છાપવાની તો એટલા માટે જરૂર પડી કે એ ભાષણોની સુધરેલી આવૃત્તિ છેક આ મહિનામાં શ્રી કાલિદાસ નાગે કવિવરના એક લેખ તરીકે બહાર પાડી છે. અને એ સકારણ છે. ઉપવાસના તત્વ વિશે એ ભાષણોમાં કવિવરના દીર્ઘચિંતન ભરેલા વિચારો ઉતારવામાં આવેલા છે, અને એ વિચારો કવિવરના ગાંધીજીની ઉપરના મે મહિનાના પત્રોથી જરાય ઓછાવત્તા થતા નથી. આ પત્રોમાં કવિવરનું કોમળ હૃદય પોતાનું દુ:ખ રોઈ રહ્યું છે, અને દુ:ખ રોતાં રોતાં પણ પાછા અજબ વિનમ્રતાથી કહે છે : ‘ગમે તે થાય તોપણ તમે કરેલો નિશ્ચય સાચો છે એમ માનવાનો અને મારી અશ્રદ્ધા એ મારી અજ્ઞાનજનક ભીરુતાનું પરિણામ હશે એમ માનવાનો પ્રયત્ન કરીશ.’ ‘અજ્ઞાનજનક ભીરુતા’નું નહીં, પણ ચોસઠ વર્ષે આવેલા 21 દિવસના ઉપવાસનો અંત કદાચ અણધાર્યો આવ્યો તો કેવી આફત આવશે એ અતીવ પ્રેમભરી ચિંતાનું પરિણામ હતું એમ અવશ્ય કહેવાય. ‘‘બાકી કવિવરના કાગળમાં એક-બે વાત એવી છે કે જેનો જવાબ કવિવરે પોતે પોતાનાં ચિરસ્મરણીય ભાષણોમાં આપી દીધો છે. કવિ પોતાના પ્રથમ કાગળમાં કહે છે કે જગતમાં પાપ અને અનિષ્ટ તો અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે અને એ પાપને છોડવાને માટે ઉપવાસ ન થાય. ગૌતમ બુદ્ધે ક્યાં ઉપવાસ કર્યા હતા ? પણ ખરી વાત એ છે કે ઉપવાસ સનાતન કે અનાદિ પાપની સામે નહોતા પણ આપણા પોતાના સમાજમાં એક સડા સામે હતા. એ પાપ આખા માનવસમાજની શરમ નથી પણ આપણા પોતાના સમાજની શરમ છે. અને એને વિશે તો કવિવરે પોતાના ભાષણમાં જે કહ્યું છે તેમાં શુદ્ધ સત્ય રહેલું છે : ‘એ જડમૂલ ઘાલી બેઠેલા મહાપાતકની સામે મહાત્માજીએ આજે અંતિમ યુદ્ધની ઘોષણા કરી છે. આપણા દુર્ભાગ્યે કદાચ આ ક્ષેત્રમાં તેમના દેહનું અવસાન થાય પણ ખરું, પણ એ ધર્મયુદ્ધનો ભાર એમણે આપણા દરેકની ઉપર નાંખ્યો છે. એ ભારનું તેઓ દાન કરી જશે.’ આ જ મહાવાક્યોમાં કવિવરના બીજા પત્રની બીજી કંડિકાનો જવાબ રહેલો છે. એમાંનો એમનો ડર અસ્થાને છે. કોઈ મહાસંદેશ વૈયક્તિક નથી હોતા, વિશ્વને ઉદ્દેશીને જ હોય છે અને ગાંધીજી તો અનેક વાર કહી ચૂક્યા છે કે એમના ઉપવાસનો અંત એમની સાથે નહીં આવે, પણ અસ્પૃશ્યતાના અંતની સાથે આવશે. એટલે એમણે આરંભેલા અગ્નિહોત્રમાં એક નહીં પણ અનેક યાજ્ઞિકો ભાગ લેશે અને એને અસ્પૃશ્યતા ભસ્મ થતાં સુધી જાગતું રાખશે. કવિવરનાં હમણાં ટાંકેલાં વચનોમાં એ જ વસ્તુ નહીં તો બીજું શું છે ? એ આખા અગ્નિહોત્રને કવિવરનો આશીર્વાદ છે એમ એમના બીજા ભાષણની આ વાણી સાક્ષી પૂરે છે : ‘જય થાઓ એ તપસ્વીનો એ આ ઘડીએ બેઠા છે – મૃત્યુને સમીપ રાખીને, ભગવાનને અંતરમાં સ્થાપીને, સમસ્ત હૃદયના પ્રેમનો દીવો પ્રગટાવીને. તમે એનો જયધ્વનિ પોકારો. તમારો કંઠસ્વર પહોંચાડો એના આસનની પાસે.’ એવું જ આશીર્વચન એમણે ઉપવાસની પૂર્ણાહુતિને દિવસે મોકલ્યું હતું.’’[111] ઉપવાસની 29 મે, 1933નાં મધ્યાહને પૂર્ણાહુતિ થઈ જ્યારે આ ‘રળિયામણી ઘડી’એ કવિ ટાગોરે પોતાના સંદેશમાં કહ્યું; ‘‘મૃત્યુ જોડે માંડેલી હોડમાંથી જીતીને હવે આપ સત્તાશાળીઓની ધર્મદ્રોહી ધર્માંધતા, ઢોંગી પવિત્રતા અને નૈતિક અધ:પતન સામે સંગ્રામ માંડશો એ રળિયામણી ઘડી ઈશ્વરે કૃપા કરી દેખાડી અને અમને મર્મવેધી ચિંતામાંથી મુક્ત કર્યા તે મહાન અવસરે હૃદયપૂર્વક ઈશ્વરનો પાડ માનું છું.’’[112] પૂના કરાર થયાના થોડા જ સમયમાં શિક્ષિત બંગાળમાં આ કરારની વિરુદ્ધ જનમત જાગ્રત થયો. આમાં નેતૃત્વ બંગાળના તત્કાલીન એડવોકેટ જનરલ સર નૃપેન્દ્રનાથ સરકારે[113] લીધું. તેમણે बंगाल अन्डर कोम्युनल एवॉर्ड एन्ड पूना पेक्ट નામે પત્રિકા લખી. જેમાં બંગાળ સરકારે 19 જાન્યુઆરી, 1933ના રોજ જાહેર કરેલી ‘‘ડિપ્રેસ્ડ ક્લાસ’’ની અનુસૂચિમાં સામેલ પછાત અને ‘અસ્પૃશ્ય’ જ્ઞાતિઓની યાદીની ટીકા હતી. રામાનંદ ચેટરજીના સંપાદન હેઠળ ‘मॉडर्न रिव्यू’એ પણ આ વિષયમાં આગળ પડતી ભૂમિકા ભજવી. શિક્ષિત બંગાળની દલીલ બે પ્રકારની હતી. એક તો સરકારે જાહેર કરેલી અનુસૂચિ બંગાળની સામાજિક પરિસ્થિતિ અને જ્ઞાતિવ્યવસ્થાનું યોગ્ય પ્રતિનિધિત્વ કરતી ન હતી. બીજું, બંગાળનો હિંદુ ભદ્રવર્ગ જેણે બંગાળનું નવજાગરણ કર્યું હતું, આધુનિકતામાં પગલાં માંડ્યાં હતાં તે વર્ગની સત્તા પૂના કરાર અને કોમી ચુકાદાથી ઘટી જશે. પૂના કરાર પહેલાં જાહેર કરાયેલા કોમી ચુકાદાની વ્યવસ્થા અનુસાર બંગાળની પ્રાંતિક વિધાનસભામાં કુલ 250 બેઠકોનું પ્રાવધાન હતું. જેમાંથી 121 બેઠકો મુસ્લિમ, 78 હિંદુ, 25 યુરોપીયન અને 26 ‘અસ્પૃશ્યો’ સહિત અન્ય નબળા વર્ગો માટે જોગવાઈ હતી (‘અસ્પૃશ્યો’ માટે 10 બેઠકો હતી.). બંગાળના હિંદુઓ વસ્તીના કુલ 45 % હતા, જ્યારે તેમની પાસે આ વ્યવસ્થા જાહેર થઈ તે પહેલાં વિધાનસભાની 60 % બેઠકો હતી. પૂના કરાર અનુસાર આ 78 બેઠકોમાંથી 30 બેઠકો ‘અસ્પૃશ્ય’ અને અન્ય નબળા વર્ગને આપવાનું નક્કી થયું, એટલે બસો વર્ષથી બંગાળી સમાજનું નેતૃત્વ કરનારા ભદ્ર-સમાજ માટે કેવળ 48 બેઠકો રહી. તેમની રાજકીય સત્તા અને આધિપત્ય સામે પૂના કરારથી મોટા પ્રશ્ન ઊભા થયા અને સત્તા જવાનું લગભગ નિશ્ચિત હતું. આ સંજોગોએ કવિ ટાગોરને પૂના કરારને પોતાનાં સમર્થન વિશે પુન:વિચાર કરવા પ્રેર્યા. જુલાઈ, 1933ના છેલ્લા અઠવાડિયામાં કવિ ટાગોરે પોતાની અવઢવ, પૂના-કરારની અન્યાયી કલમો અને પોતાનો પુન:વિચાર જાહેરમાં મૂક્યા. સર નૃપેન્દ્રનાથ સરકાર પરનો તેમનો તાર જાહેર થયો. આ સંદેશામાં તેમણે કહ્યું: ‘‘મને એવું યાદ છે કે મેં વડાપ્રધાનને કેબલ કરીને એવી વિનંતી કરી હતી કે તેમણે મહાત્માજીએ મોકલેલી કોમી ચુકાદાને લગતી દરખાસ્તનો સ્વીકાર કરવામાં વિલંબ ન કરવો. તે વખતે એવી પરિસ્થિતિ પેદા કરવામાં આવી હતી જે અત્યંત દુ:ખદ હતી, કારણ, હું પહોંચ્યો તે પહેલાં થઈ ચૂકેલા પૂના કરારનાં શક્ય પરિણામોનો શાંત ચિત્તે વિચાર કરી શકીએ એ માટે બિલકુલ સમય કે શાંતિ અમને મળ્યાં નહોતાં. સપ્રુ અને જયકર ક્યારના ચાલ્યા ગયા હતા અને એ કરાર જે સભ્યોની મદદથી કરવામાં આવ્યો હતો તેઓમાં બંગાળનો એક પણ જવાબદાર પ્રતિનિધિ ન હતો. એ પ્રશ્નના તત્કાળ નિર્ણય ઉપર મહાત્માજીના જીવનનો આધાર હતો અને આવી કટોકટીએ પેદા કરેલી અસહ્ય ચિંતાને કારણે હું ઉતાવળે એવું વચન આપી બેઠો જ અત્યારે મને સમજાય છે કે આપણા દેશના કાયમી હિતની વિરુદ્ધ કરવામાં આવેલો એક અન્યાય છે. રાજકારણના વ્યવહારોનો કદી અનુભવ મળ્યો ન હોવાથી અને મહાત્માજી માટે ખૂબ પ્રેમ અને હિંદી રાજકારણની બાબતમાં તેમની સમજદારી ઉપર પૂરી શ્રદ્ધા ધરાવતો હોવાથી મારી વધુ વિચાર કરવા રોકવાની હિંમત ન ચાલી અને બંગાળની બાબતમાં ન્યાયનો ભોગ અપાયો છે એ વાતને મેં લક્ષમાં ન લીધી. હવે મારા મનમાં લેશ પણ શંકા નથી કે આવો અન્યાય સંબંધ ધરાવતા બધા પક્ષોને ઉપદ્રવ કરતો રહેશે. આપણા પ્રાંતમાં કોમી ઝઘડાની ભાવનાને ઉગ્ર સ્વરૂપે જીવતી રાખી શાંતિપૂર્ણ વહીવટ સદાને માટે મુશ્કેલ બનાવી દેશે. શ્વેતપત્રમાંની બીજી બધી દરખાસ્તોનો છૂટથી ફેરવિચાર થઈ રહ્યો છે તે વખતે બ્રિટિશ સરકારના પ્રધાનો આપણે માટે અત્યંત મહત્વના આ વિષયની ચર્ચા કરવાની તોછડાઈથી ના પાડે, એથી મને ઝાઝું આશ્ચર્ય કે દુ:ખ થતું નથી. કારણ કે તેમણે વિજયોલ્લાસપૂર્વક વારંવાર એવા માઠા સમયની આગાહી કરેલી છે જ્યારે આપણે ભાઈઓ-ભાઈઓ વચ્ચેના ઝઘડાને પતાવવામાં એમની મદદ વગર નિષ્ફળ જઈશું. અને આજે કોમી સમાધાનનો આપણો માર્ગ છેક સરળ બનાવવામાં આપણને મદદ કરવાનો એમને ઉત્સાહ ન હોય એ સ્વાભાવિક છે. પણ પરિષદના આપણા પ્રાંત સિવાયના બીજા પ્રાંતના હિંદી સભ્યો કેવળ ઉદાસીન રહે એટલું જ નહીં પણ બંગાળના દુર્ભાગ્યમાં વધારો કરવામાં સક્રિય ભાગ લે એ ભયંકર અપશુકન છે, જે આપણા ભાવિ ઇતિહાસ માટે શુભસૂચક નથી.’’[114] અત્રે નોંધવું જોઈએ કે પહેલી ગોળમેજી પરિષદ વખતે કવિ ટાગોર ઇંગ્લૅન્ડમાં હતા. તે સમયે પણ કોમી ચુકાદાને લઈને પરિષદના સભ્યો વચ્ચે આપસમાં અને સભ્યો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે વિખવાદ થયો હતો, સરકારે આ વિખવાદમાં મધ્યસ્થી કરવા કવિ ટાગોરને કહેણ મોકલ્યું હતું, જેનો તેઓએ અસ્વીકાર કર્યો હતો.[115] ગાંધીજીના 1932ના ઉપવાસના સૌથી મોટા સમર્થકોમાંના એક, કવિ ટાગોર, જેમણે ઉપવાસની મહાવાણીને દુનિયા સમક્ષ સ્પષ્ટ કરી હતી. તેમણે ઉપવાસની સીધી નીપજ એવા પૂના કરાર સાથે સંપૂર્ણપણે નાતો તોડ્યો એટલું જ નહીં પણ તેમણે આ કરારને ઘડનારા ‘હિંદી’ સભ્યોએ બંગાળના દુર્ભાગ્યમાં સક્રિય ફાળો આપ્યાનો આરોપ મૂક્યો. પોતે કેવળ મહાત્માનું જીવન બચાવવાના હેતુથી અને મહાત્માના રાજકીય ડહાપણને શિરોમાન્ય ગણતા હોવાથી કટોકટીની પળે અવિચારી પગલું લીધાનો એકરાર કર્યો. તેમણે પૂનાકરારને અંગ્રેજોના હાથ મજબૂત કરનાર અને બંગાળના ભાવિને નુક્સાન કરનારો ઠેરવ્યો. જે દિવસે કવિનો આ સંદેશો જાહેર થયો તે જ દિવસે, જુલાઈ 27, 1938ના રોજ ગાંધીજીએ તેમને અમદાવાદથી પત્ર લખ્યો. ગાંધીજી આ દિવસોમાં સાબરમતી આશ્રમ સંકેલવા અમદાવાદ હતા અને તેમની પુન:ધરપકડના ભણકારા વાગી રહ્યા હતા. તેમણે કવિ ટાગોરને લખ્યું; ‘‘બંગાળને લાગુ પડતા યરવડા કરારના ભાગને લગતો આપનો છાપાજોગ સંદેશો મેં વાંચ્યો છે. આપ મારા પ્રત્યેના ઊંડા સ્નેહને કારણે અને મારી વિવેકબુદ્ધિ ઉપરના આપના વિશ્વાસને કારણે એવા એક કરારને ભૂલથી મંજૂરી આપી બેઠા, જે પાછળથી બંગાળને ગંભીર અન્યયાકર્તા માલૂમ પડ્યો, એ જોઈને મને ખૂબ દુ:ખ થયું. હવે હું એમ કહું એનો કશો અર્થ નથી કે મારા પ્રત્યેના સ્નેહની આપની વિવેકબુદ્ધિ ઉપર અસર પડવી નહોતી જોઈતી, અથવા મારી વિવેકબુદ્ધિ ઉપરના વિશ્વાસને કારણે આપે એવા કરારને સંમતિ નહોતી આપવી જોઈતી જેને વિશે સ્વતંત્રપણે નિર્ણય ઉપર આવવાને આપની પાસે પૂરાં સાધન હતાં. આપનો અત્યંત ઉદાર સ્વભાવ હું જાણું છું એટલે આપ જે રીતે વર્ત્યા તેથી જુદી રીતે આપ વર્તી જ ન શકત અને પોતે ગંભીર ભૂલ કરી છે એવી આપને ખબર પડ્યા છતાં જો પ્રસંગો ફરી ઊભા થાય તો આપ ફરી એવી ભૂલો કરવાનું ચાલુ રાખો. ‘‘પણ કોઈ ભૂલ થઈ છે એવું હું બિલકુલ માનતો જ નથી. કરારમાં ફેરફાર કરવાની ચળવળ શરૂ થતાં વેંત મેં એમાં ચિત્ત પરોવ્યું, જાણકાર મિત્રો સાથે એની ચર્ચા કરી, અને મને ખાતરી થઈ કે બંગાળને કોઈ અન્યાય થયો નથી. જેમણે અન્યાય થયાની ફરિયાદ કરી હતી તેમની સાથે મેં પત્રવ્યવહાર કર્યો; પરંતુ તેઓ પણ, રામાનંદબાબુ સુધ્ધાં, કોઈ અન્યાય થયો હોય એવી મારી ખાતરી કરાવી ન શક્યા. બેશક, અમારાં દૃષ્ટિબિંદુ ભિન્ન હતાં. મારા મતે પ્રશ્ન પ્રત્યેનો અભિગમ પણ ખોટો હતો. ‘‘પરસ્પર સમજૂતીથી થયેલા કરારમાં બ્રિટિશ સરકાર, કરાર કરનાર બંને પક્ષોની સંમતિ વગર, ફેરફાર કરી ન શકે. પણ એવી સંમતિ મેળવવાનો કોઈ ગંભીર પ્રયત્ન કરવામાં આવ્યો લાગતો નથી. આથી ફરિયાદ કરનારાઓની સાથે આપ પણ ભળ્યા એને હું પોતે તો વધાવી લઉં છું, એવી આશાથી કે એને લીધે બ્રિટિશ સરકારને વ્યર્થ અપીલ કરવાને બદલે માંહોમાંહે ચર્ચાવિચારણા શરૂ થશે. આથી આપે પોતે આ વિષયનો અભ્યાસ કર્યો હોય અને આપે વ્યક્ત કર્યો છે તે અભિપ્રાય ઉપર આપ આવ્યા હો, તો હું એમ ઇચ્છું કે આપ મુખ્ય મુખ્ય પક્ષોની એક સભા બોલાવી તેમને ખાતરી કરાવો કે બંગાળને ગંભીર અન્યાય થયો છે. જો એવું સાબિત થઈ શકે તો મને શંકા નથી કે કરારનો ફેરવિચાર કરવામાં આવશે અને બંગાળને જે અન્યાય થયેલો કહેવામાં આવે છે તે દૂર થાય એ રીતે તેમાં ફેરફાર કરવામાં આવશે. બંગાળના સંબંધમાં નિર્ણયમાં ભૂલ થઈ છે એવી જો મારી ખાતરી થાય તો એ ભૂલ સુધરે એ માટે હું મારી બધી શક્તિ ખર્ચીશ. ‘‘આપ જાણતા હશો કે અત્યાર સુધી જાહેરમાં મેં કરારના બચાવમાં કશું કહેવાનું કાળજીપૂર્વક ટાળ્યું છે; મેં માત્ર મારા અભિપ્રાયનું જ પુનરુચ્ચારણ કર્યું છે અને વધુમાં એટલું કહ્યું છે કે અન્યાયને સાબિત કરી શકાય તો તેનું નિવારણ કરવામાં આવશે. આથી હું સંપૂર્ણપણે આપની સેવામાં છું. ‘‘આ ઘડીએ હું આશ્રમ વિખેરવામાં અને બને એટલું જાહેર સેવા માટે ઉગારી લેવાના માર્ગો શોધવામાં ગળાબૂડ ડૂબેલો છું. એટલે મારી સેવા જેલમાં ગયા પછી આપને ઉપલભ્ય થશે. મારું જેલમાં જવાનું આ મહિનાના અંત પછી ગમે ત્યારે થવા સંભવ છે.’’[116] ગાંધીજીએ પત્ર લખ્યો એના બીજા દિવસે, એટલે 28 જુલાઈ, 1933ના રોજ કવિએ ગાંધીજીને પત્ર લખ્યો, જેમાં સર નૃપેન્દ્રનાથ સરકારને મોકલેલા કેબલની નકલ પણ જોડી. તેમણે ગાંધીજીને લખ્યું; ‘‘ભારે દુ:ખ અને આનાકાની સાથે મેં સર નૃપેન્દ્રને કેબલથી મોકલેલા સંદેશાની આ નકલ છે. એ ઉપરથી આપ જોઈ શકશો કે પૂનાકરાર વિશે મને શું લાગે છે. મને પૂરી ખાતરી છે કે એનો જો ફેરફાર વગર સ્વીકાર કરવામાં આવ્યો તો એ કાયમી કોમી ઈર્ષ્યાનું કારણ થઈ પડશે અને એમાંથી સતત શાંતિનો ભંગ થતો રહેશે અને અમારા પ્રાંતમાં પરસ્પર સહકારની જે ભાવના છે તેને જીવલેણ ફટકો પડશે.’’[117] કવિનો આ કાગળ મળે તે પહેલાં 1 ઑગસ્ટ, 1935ના રોજ વહેલી સવારે ગાંધીજીની ધરપકડ થઈ અને બીજી તારીખે તેમને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા. 7 ઑગસ્ટના રોજ ગાંધીજીએ જેલમાંથી પત્રની પહોંચ મોકલતાં લખ્યું; ‘‘અત્યારે તો હું આપને કશું મોકલી શકું એમ નથી. ફક્ત પહોંચ લખું છું.’’[118] ગાંધીજીનો જેલમાંથી લખાયેલો પત્ર શાંતિનિકેતન પહોંચે તે પહેલાં કવિ ટાગોરે 8 ઑગસ્ટ, 1933ના રોજ ગાંધીજીને પત્ર લખ્યો; ‘‘માનસિક અને શારીરિક તણાવમાં દિવસો ગાળ્યા પછી, આ દુ:ખદ ઘડીએ આપને સંપૂર્ણ આરામની જરૂર છે; આથી હું પૂનાકરાર અંગે લાંબી ચર્ચામાં પડવા માંગતો નથી. આપને ખાતરી છે કે બંગાળને કોઈ અન્યાય થયો નથી. હું તમારી વાત સ્વીકારી આસ્વસ્થ થઈ બેસી શકું તો કેટલું સારું ! પણ આ મારા માટે અસંભવ છે કારણ હું જાણું છું કે કરારનો કોમી ચુકાદો જો ફેરફાર વગર અમલમાં આવશે તો બંગાળના સામાજિક અને રાજકીય જીવન ઉપર ગંભીર ઘા કરશે. ન્યાય એ સત્યનું અભિન્ન અંગ છે પણ જો હાલની શાંતિ માટે કે લાંબા ગાળાની કોઈ રાજકીય ગૂંચ ઉકેલવા માટે ન્યાયનું હનન થશે તો તેનો ફાયદો ઉઠાવવા ઇચ્છુક પર તે પાછું પડશે અને સસ્તા મળેલા ફાયદાઓની ઘણી મોટી કિંમત માંગશે. આપ જાણો છો કે હું રાજદ્વારી વ્યક્તિ નથી, અને હું આખા મામલાને માનવતાના દૃષ્ટિબિંદુથી જોઉં છું. ન્યાયને નજરઅંદાજ કરવાથી માનવતાને ક્રૂર પીડા પહોંચશે. આ પત્રમાં મેં આપની સમક્ષ મારા વિવેકપૂર્ણ વિચાર રજૂ કર્યા છે; પ્રત્યુત્તરની અપેક્ષા નથી.’’[119] ‘પ્રત્યુત્તરની અપેક્ષા નથી’, એમ લખીને કવિએ આ અત્યંત દુ:ખદ પ્રકરણ પર પડદો પાડી દીધો. આ પત્ર ગાંધીજીને મળ્યો હશે તે અરસામાં જેલમાં રહ્યા હરિજન કામ માટે અગાઉ મળેલી સવલત અને છૂટ માટે સરકાર સાથે વિવાદ ચાલી રહ્યો હતો. સરકારે આપવા ધારેલી શરતી મંજૂરી ગાંધીજીને કબૂલ ન હોવાથી 16મી ઑગસ્ટ, 1933થી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. 20મી તારીખે તબિયત કથળતાં ગાંધીજીને સાસૂન ઇસ્પિતાલમાં ખસેડવા પડ્યા. તેઓને મૃત્યુ નજર સમક્ષ જણાયું. આથી અંગત વપરાશની તેમની વસ્તુઓ ઇસ્પિતાલમાં સારવાર કરનારા કર્મચારીઓને વહેંચી દીધી. 23 ઑગસ્ટના રોજ ચાર્લી ઍન્ડ્રૂઝની મધ્યસ્થીને કારણે સરકારે ગાંધીજીને છોડ્યા. તે દિવસે બપોરે 3:45 વાગે નારંગીનો રસ લઈ તેમણે પારણાં કર્યાં, તરત જ ગુરુદેવને તાર કર્યો; ‘‘ઈશ્વરકૃપાથી સાજો છું. મોસંબી લીધી.’’[120] 24 ઑગસ્ટના જવાબમાં કવિએ લખ્યું; ‘‘ખૂબ રાહત થઈ. ઈશ્વરનો આભાર. ચાર્લીને પ્રેમ.’’[121] બંગાળમાં પૂનાકરાર વિરોધી મત વધુ જોરમાં આવ્યો. આ ઘટનામાં ત્રણ વર્ષ બાદ બંગાળના હિંદુ નેતાઓ અને અગ્રગણ્ય નાગરિકોએ અંગ્રેજ સરકારના હિંદી સચિવને એક આવેદન મોકલવા ધાર્યું. આ અંગે કૉલકાતામાં જાહેરસભા થઈ જેનું પ્રમુખપદ કવિ ટાગોરે લીધું. પોતે રાજદ્વારી વ્યક્તિ નથી એમ કહ્યા બાદ તેમણે કહ્યું; ‘‘આપણને બે ભાગમાં કાપી નાખવા ઉગામાયેલી દુષ્ટ તલવારની ધાર નીકળી રહી છે અને તેનો તીણો અવાજ કાન ફાડી રહ્યો છે. આ તલવાર આપની પ્રજાને રાષ્ટ્ર તરીકે જોડતી નાળ કાપવા ઉગામાઈ છે ત્યારે તેની તરફ બેધ્યાન રહેવું મારા માટે પીડાકારક હતું.’’[122] આ સભાને અંતે તૈયાર થયેલા આવેદન પર કવિ ટાગોરે સહી કરી; કદાચ આ જ તેમની રાજદ્વારી અપરિપક્વતાનો પુરાવો હતો. નિવેદનમાં કહેવાયું; ‘‘બંગાળના હિંદુઓ અલ્પસંખ્યક હોવા છતાં મુસલમાનો કરતાં સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણા ઉચ્ચ છે. હિંદુઓ બંગાળના શિક્ષિત સમુદાયના 64 ટકા છે અને શાળાએ જતા વિદ્યાર્થીઓમાં 80 ટકા હિંદુઓ છે. સ્વાયત્ત વ્યવસાય અને ધંધામાં તેમનું પ્રભુત્વ અને આર્થિક આધિપત્ય સ્પષ્ટ છે...’’[123] બંગાળી મુસ્લિમ અખબાર ‘‘મુસલમાને 3 જુલાઈ, 1936ના અગ્રલેખમાં આની આકરી ટીકા કરી; "આ લોકશાહીના યુગમાં લોકશાહી વિરોધી વિચારોના આધારે પોતાનો સ્વાર્થ આગળ કરવામાં આવે છે. ડૉ. રવીન્દ્રનાથ ટાગોરના વિચારો સાથે આ વિધાન કેટલી હદે સુમેળ ધરાવે છે તે વિશે કોઈ વિધાન કરવા અમે સક્ષમ નથી.’’[124]

* * *
  1. રવીન્દ્રનાથ ટાગોર, My Life in My Own Words, (સંપાદક) ઉમા દાસગુપ્તા, PP. 245-247.
  2. અ. દે., Vol. 33, P. 73
  3. અ. દે., Vol. 36, P. 176
  4. એજન, P. 218
  5. એજન, P. 270
  6. એજન, PP. 339-340
  7. કવિ ટાગોરે 27 જાન્યુઆરી, 1930ના રોજ વડોદરામાં मेन ध आर्टिस्ट વ્યાખ્યાન આપ્યું અને 30 જાન્યુઆરીએ શિક્ષણ મહાવિદ્યાલયના શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં તેઓ શાંતિનિકેતન પરત આવ્યા.
  8. અસલમાં આ શબ્દો કૌંસમાં છે.
  9. એમ જ.
  10. એમ જ.
  11. એમ જ.
  12. એજન
  13. એજન
  14. એજન, P. 217
  15. નવજીવન, 18 એપ્રિલ, 1920, P. 477
  16. Letters to a Friend, PP. 64-65.
  17. એજન, PP. 69-70. તા. 7 સપ્ટેમ્બર 1920નો પત્ર.
  18. એજન, PP. 72-73
  19. એજન, PP. 73-74
  20. એજન, P. 79
  21. એજન, PP. 79-80.
  22. લેનાર્ડ એમહર્સ્ટ, Poet and Plowman, P. 2
  23. સી. એફ. ઍન્ડૂઝ, Non-Cooperation, PP. 2-3.
  24. Letters to a Friend, PP. 91-92
  25. આશ્રમનો અર્થ અહીં શાંતિનિકેતન છે
  26. Letters to a Friend, P. 98
  27. અ. દે. Vol. 48, P. 499
  28. અ. દે., Vol. 51, P. 96
  29. એજન, P. 107 પાદટીપ 2.
  30. એજન, P. 107
  31. હરિજન બંધુ, 18 જૂન 1933 પુ. 1, અંક. 15, અનુવાદ, મહાદેવ દેસાઈ, P. 113
  32. એજન
  33. એજન.
  34. એજન, P. 114.
  35. એજન.
  36. એજન.
  37. હરિજનબંધુ, 25 જૂન, 1933, ઁ. 225, અનુવાદ : મહાદેવ દેસાઈ
  38. એજન
  39. એજન
  40. એજન
  41. એજન
  42. એજન, PP. 125-125
  43. એજન, P. 126
  44. એજન
  45. એજન
  46. એજન
  47. એજન
  48. એજન, PP. 126-127
  49. એજન, P. 127
  50. The English Writings of Rabindranath Tagore (સંપાદક) શિશિરકુમાર દાસ, Vol. 3, P. 328
  51. Selected Letters of Rabindranath Tagore, P. 417, પાદટીપ-1.
  52. The English Writings of Rabindranath Tagore, Vol. 3, P. 329
  53. Selected Letters of Rabindranath Tagore P. 416
  54. પૂનાથી પરત આવ્યા બાદ શાંતિનિકેતનના રહેવાસીઓ સમક્ષ કવિને પ્રવચન ‘With Mahatmaji in Poona’, The English Writings of Rabindranath Tagore. Vol. 3, P. 330
  55. એજન, P. 331
  56. એજન, P. 332
  57. મ. દે.ની ડાયરી, પુ. 2, PP. 86-87
  58. અ. દે., ર્ફઙ્મ. 51, P. 141
  59. એજન, P. 142
  60. The English Writings of Rabindranath Tagore. Vol. 3, P. 335
  61. એજન.
  62. મ. દે.ની ડાયરી પુ.2, P. 87
  63. અ. દે., Vol. 51, PP. 152-153
  64. એજન, P. 147
  65. એજન, P. 189
  66. The Mahatma and The Poet, P. 135
  67. અ. દે., Vol. 51, P. 214
  68. એજન, PP. 337-338
  69. એજન, P. 334
  70. એજન
  71. એજન, P. 335
  72. એજન, PP. 385-386
  73. The Mahatma and The Poet, P. 137
  74. એજન.
  75. એજન, P. 138
  76. અ. દે., Vol. 52, P. 54
  77. એજન, PP. 60-61
  78. એજન, PP. 63-64
  79. એજન, PP. 250-251
  80. અ. દે., Vol. 53, P. 53
  81. એજન, P. 407 સત્યેન્દ્રનાથ દત્તની મૂળ બંગાળી રચનાના કવિએ કરેલા મુક્ત અંગ્રેજી ભાવાનુવાદ ‘સ્કેવિન્જર’ પરથી ગુજરાતી. ‘‘ટાળે બંધુ મલિન જ કહી સ્પર્શ તારો જતો કાં ? તારી પૂંઠે રુચિર પગલે સ્વચ્છતા ચાલતી ક્યાં ? પૂરે કેવી મધુરૂપ અહીં વાયુમાં ને ધરામાં ? સ્વપ્નેય કો વનગમનનો ખ્યાલ સુધ્ધાં કરે ના. તાજગી શિશુને જેમ, માવડી અર્પતી રહે; એમ તું રમતો સૌને તાજગી નવલી દઈ. બોધતો સત્ય તું એક : ‘કોનીય ના કરો ઘૃણા’. ગંગામાં કૈં ગટર મળતી તો’ય એ સ્વચ્છ સ્વચ્છ; તેવી રીતે મળ સકળને દૈ સમાવી, અદોશી તારીય આ વિમલ વહતી નિત્ય કર્મધારા. રક્ષ્યું કેવું જીવન સઘળું ઝેર પી નીલકંઠે; રાખે તુંયે નિત મલિનતા દૂર કષ્ટો વહીને. આસને બંધુ હે વીર ! હામ દેતો રહે સદા. કરીએ જગની સેવા, સહેતા લાંછના છતાં.’’ અ. દે., Vol. 53, પરિશિષ્ટ 16, P 562)
  82. અ. દે., Vol. 54, P. 47
  83. અ. દે., Vol. 53, PP. 520-521.
  84. એજન, PP. 521-522
  85. અ. દે., Vol. 54, P. 257
  86. એજન, P. 258
  87. એજન
  88. એજન
  89. એજન
  90. અ. દે., Vol. 55, P. 10, પાદટીપ-1
  91. એજન, P. 10 યરવડા કરાર અનુસાર કુલ 148 અનામત બેઠકોમાંથી બંગાળની પ્રાદેશિક વિધાનસભામાં 30 બેઠકો અનામત રાખવાનો કરાર થયો હતો.
  92. એજન, P. 71
  93. એજન
  94. અ. દે., P. 72
  95. એજન, P. 88 તા. 9 મે, 1933નો પત્ર
  96. ‘કવિના પત્રો’ તા. 9 મે, 1933નો પત્ર 8 હરિજનબંધુ, 2 જુલાઈ, 1933, P. 131. આ દરમિયાન સરકારે ગાંધીજીને કારાવાસમાંથી મુક્ત કર્યા.
  97. અ. દે., Vol. 55, P. 73
  98. 9 મે નો પત્ર, હરિજન બંધુ, P. 181
  99. એજન
  100. એજન
  101. હરિજન બંધુ, ખાસ અંક 13 મો, 24 May, 1933, P. 1
  102. ‘કવિના પત્રો’, 11 મે, 1933નો પત્ર, હરિજનબંધુ, 2 જુલાઈ, 1933, P. 131
  103. એજન
  104. એજન
  105. એજન
  106. એજન
  107. ગાંધીજીના છુટકારા વિશે રાજાજીએ લખ્યું; ‘‘ગાંધીજી છૂટ્યા તો ખરા, પણ એમના અનશનની પ્રતિજ્ઞા હજુ કાયમ છે એ આપણે યાદ રાખવું જોઈએ. 21 દિવસના યજ્ઞમાંથી એમણે પાર ઊતરવું રહ્યું છે. સરકાર ભારે જવાબદારીમાંથી છૂટી છે, પણ ગાંધીજી પર તો નવું બંધન આવી પડ્યું છે, તેમના પરની જવાબદારી વધી છે. એ તેમને પાપ સામેના પ્રાણાંતિક યુદ્ધમાં કંઈક અંશે વિધ્નરૂપ પણ નીવડે. ઉપવાસને કારણે સરકારને એમને છોડવા પડ્યા ને તેમણે સરકારને આડકતરી રીતે લાચાર કરી મૂકી એવો અર્થ થાય એ એમને સાલે ખરું. આપણે એટલું યાદ રાખીએ કે ઉપવાસ જેલમાં વલ્લભભાઈ, મહાદેવ અને કદાચ બાની સોબતમાં થયો હોત કે એ બહાર થવાનો છે તેથી આપણી ફરજ અને ચિંતામાં કશો ફરક પડતો નથી. ઉપવાસનાં જોખમનો વિચાર કર્યા કરવો કે આપણી સ્થિતિ વિશે અફસોસ કર્યા કરવો કે આ તપસ્યાના મોઢેથી વખાણ કરવાં એથી કશો લાભ થવાનો નથી. આપણે આ 21 દિવસો પ્રાર્થના અને એક્ગ્ર કામમાં ગાળવા જોઈએ. જે માણસ સાચો પ્રેમ બતાવે છે તે જ સાચી પ્રાર્થના કરે છે. અને સ્વેચ્છા હોંશથી સેવા કરવી એ જ સાચો પ્રેમ પ્રગટ કરવાનો માર્ગ છે.’’ હરિજનબંધુ, 10 મે, 1933, ખાસ અંક 2, P. 1
  108. હરિજનબંધુ, 2 જુલાઈ 1933, P. 131
  109. એજન, 18 જૂન, 1933, PP. 113-114
  110. એજન, 26 જૂન, 1933, PP. 125-127
  111. હરિજનબંધુ, 2 જુલાઈ, 1933, P. 130
  112. હરિજનબંધુ, 30 મે, 1933 ખાસ અંક 18
  113. સર નૃપેન્દ્રનાથ સરકાર (1876–1945), 1928માં બંગાળના એડવોકેટ જનરલ નિમાયા. તેમણે 1932ની ત્રીજી ગોળમેજી પરિષદમાં બંગાળી હિંદુઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
  114. અ. દે., V0l. 55, પરિશિષ્ટ-10, PP. 447-448
  115. Rabindranath Tagore : A Centuary Volume, P. 492
  116. અ. દે., Vol. 55, PP. 311-312
  117. અ. દે., એજન, P. 349, પાદટીપ-1
  118. એજન, P. 349
  119. The Mahatma and The Poet, P. 149
  120. અ. દે., Vol. 55, P. 367
  121. એજન, પાદટીપ-2
  122. The Myrid Minded Man, P. 340
  123. એજન
  124. એજન